એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ તત્ત્વ છે. ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે. અંગ્રેજીમાં પણ કહેવાયું છે કે ‘Man cannot live by bread alone’ એટલે કે માણસ માત્ર પેટ ભરીને જ જીવતો નથી. તેને તો શરીર ઉપરાંત આત્માનો પણ ખોરાક જોઈએ છે. એ ખોરાક પૂરો પાડે છે ધર્મ.

ધર્મ અંગે વિવિધ ધર્મસ્થાપકોએ તેનાં મૂળ તત્ત્વો આપ્યાં અને તે પછી ધર્માચાર્યોએ પોતપોતાની વિચારણા અનુસાર એના આચરણના નિયમો નક્કી કર્યા. દરેક અનુયાયીએ પોતાને મન ફાવતો પંથ અપનાવીને તે માર્ગે ઈશ્વરની શોધ કરવા માંડી. કોઈએ પહાડ, નદી કે વૃક્ષમાં ઈશ્વરનાં દર્શન કર્યાં તો કોઈએ મૂર્તિમાં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો. કોઈએ પ્રાણીમાત્રમાં પરમાત્મા નિહાળ્યા, તો કોઈએ વળી નિરાકાર રૂપે ઈશ્વરની ઉપાસના કરવા માંડી.

ધર્મમાં સત્-ચારિત્ર્ય અને સદ્વિચાર પર ભાર છે. પણ તેના ક્રિયાકાંડોમાં મતભેદ છે. જાતિ, ઉંમર, લિંગ, ભેખ (વેશ), ચિહ્નો, ભાષા, રહેણીકરણી એમ અનેક બાબતોની ઝીણી ઝીણી ચર્ચા વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં થાય છે. દરેક ધર્મ-સંપ્રદાય પોતપોતાની રીતે નીતિનિયમો નક્કી કરે છે. આમાં એટલું બધું વૈવિધ્ય હોય છે કે કોઈ વાર એક ધર્મ કરતાં બીજા ધર્મમાં તદ્દન ઊલટા જ આચાર-વિચાર જોવા મળે છે. હિંદુઓ મૂર્તિપૂજા કરે છે, તો મુસ્લિમો મૂર્તિમાં જરાય માનતા નથી. કોઈ માનવી ઉંદર, માંકડ, મચ્છર, વીંછી, સાપ વગેરેને માનવજાતના શત્રુઓ ગણીને તેમને મારવામાં પાપ ગણતો નથી, તો કોઈ માનવી પ્રાણીમાત્રમાં ૫૨માત્માનો અંશ જુએ છે ને તેની રક્ષા કરે છે. એક જણ માંસાહાર કરવામાં પાપ માનતો નથી, તો બીજો માનવી સૂક્ષ્મહિંસાના ભયે ડુંગળી, લસણ અને અન્ય કંદમૂળ પણ ખાતો નથી. હિંદુ મંદિરોમાં ભગવાનની સ્તુતિ અને આરતી વખતે નગારાં, વાજિંત્રો અને ઘંટનાદના પ્રચંડ અવાજ થાય છે, તો ખ્રિસ્તી દેવળોમાં ઈશ્વરની પ્રાર્થના વખતે સંપૂર્ણ શાંતિ હોય છે. આમ જુદા જુદા ધર્મ અને પંથ પરત્વે વિવિધ આચાર-વિચાર જોવા મળે છે.

ધર્મ એટલે વિવિધ શાસ્ત્રો કે ધર્મગ્રંથો, આલેખાયેલા સિદ્ધાંતો, મતો કે નિયમો નહિ. ધર્મ એટલે ક્રિયાકાંડ કે પૂજાપાઠ પણ નહિ. ધર્મ એટલે વિવિધ વેશ કે તિલક-ટપકાં ધારણ કરવાં એ પણ નહિ. સાચો ધર્મ તો સમયની માગ પારખીને માનવજાતને યોગ્ય રીતે જીવતાં શીખવે છે. હિન્દુ ધર્મની વાત કરીએ તો ઋષિમુનિઓએ જે ચિંતન કર્યું છે તે ધર્મગ્રંથો દ્વારા રજૂ થયું છે. આ ચિંતનમાં મૌલિક્તા અને તેજસ્વિતાં બંને હતાં. પછીથી જુદા જુદા આચાર્યો અને પંડિતોએ એ ચિંતનનાં વિવિધ અર્થઘટનો કર્યાં. તેમણે અંગત પૂર્વગ્રહોને પણ એ ચિંતનમાં ભેળવી દીધા. વિવિધ શાસ્ત્રોનો આધાર લઈને તેમણે ચિંતનને રૂઢિની ઘરેડમાં લાવીને મૂક્યું. પરિણામે આંખે ડાબલા ચડાવેલા ગોળ ગોળ ફરતા ઘાણીના બળદની જેમ આ પંડિતો શાસ્ત્રના અને રૂઢિના જડ નિયમોની બહાર ન નીકળી શક્યા. સમયની સાથે તેમનામાં પરિવર્તન ન આવી શક્યું અને ચિંતન મૃતઃપ્રાય થઈ ગયું.

આપણા કેટલાક અવતારી પુરુષોએ અને મહાન વિભૂતિઓએ યુગનાં એંધાણ ઓળખીને ધર્મમાં પરિવર્તન આણ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણે પરિણામની આશા રાખ્યા વિના નિઃસ્પૃહભાવે કર્મ કરવાનો આદેશ આપ્યો. ભગવાન શ્રીરામે આપેલું વચન પાળીને તેમ જ રાજા તરીકેની ફરજ બજાવવા પત્નીનો પણ ત્યાગ કરીને કર્તવ્યપાલનનો એક નવો જ રસ્તો બતાવ્યો. મહાવીર સ્વામીએ પશુઓનાં બલિદાન અટકાવી પ્રાણીમાત્ર પ્રત્યે દયા દાખવીને ‘અહિંસા પરમો ધર્મ’ સ્થાપ્યો. ગૌતમ બુદ્ધે શરીરને અતિ કષ્ટ કે અતિ ભોગવિલાસમાં ન રાખતાં, મધ્યમ માર્ગ સ્વીકારીને લોકસેવાનો રાહ બતાવ્યો. ઈસુ ખ્રિસ્તે શત્રુઓ પ્રત્યે પણ ક્ષમા દાખવીને જીવનની અંતિમ ઘડી સુધી સહનશીલતાનો માર્ગ અપનાવ્યો. મહંમદ પયગંબરે એમના જમાનાના પ્રચલિત વહેમો, અંધશ્રદ્ધા અને કુરિવાજોની સામે જેહાદ જગાવીને આડંબર તજીને સાદાઈભર્યા જીવનનો આદર્શ આપ્યો. આમ આપણા મહાપુરુષોએ માનવજીવનના ઉચ્ચ આદર્શો સામે નજર રાખીને ધર્મનું પાલન કરવા આદેશ આપેલો છે.

જીવનનાં મૂલ્યો અને આચારને સીધો સંબંધ છે. આ જીવનમૂલ્યોનું બીજું નામ સંસ્કૃતિ છે. તેને કેટલેક અંશે ધર્મ પણ કહી શકાય. સંસ્કૃતિની સાથે સંભારવા જેવા બીજા બે શબ્દો છે: પ્રકૃતિ અને વિકૃતિ. માણસને ભૂખ લાગે અને એ ખાય તે છે પ્રકૃતિ. માણસને ભૂખ ન હોય છતાં પણ તે ખાધા કરે તે થઈ વિકૃતિ. માણસ જમવા બેઠો હોય અને બારણે કોઈ ગરીબ ભૂખ્યો માણસ આવીને ઊભો રહે ત્યારે પોતે ભૂખ્યો રહીને પોતાનું ભર્યું ભાણું આગંતુકને આપી દે તે કહેવાય સંસ્કૃતિ. પ્રકૃતિ એ પ્રાણીમાત્રનો સામાન્ય સ્વભાવ છે. એને બહેકાવવાથી વિકૃતિ થાય અને એને સુધારવાથી સંસ્કૃતિ થાય. સંસ્કૃતિ માનવીને સાચો ધર્મ શીખવે છે.

જેની પાસે ઉચ્ચ જીવનમૂલ્યો છે તે પ્રજા સંસ્કારી છે. દયા, ક્ષમા, ઉદારતા, શૌર્ય, પ્રામાણિક્તા, ત્યાગ એ બધા સદ્ગુણો જીવનમૂલ્યોના પોષક છે. એ સદ્ગુણો માનવીને સંસ્કૃતિ અને ધર્મ શીખવે છે. ઈતિહાસમાંથી બે દૃષ્ટાંત લઈએઃ છત્રપતિ શિવાજી મહારાજને યુદ્ધના વિજયની ભેટ તરીકે પરાજિત પક્ષની સૌંદર્યવતી મુસ્લિમ મહિલા અપાઈ ત્યારે તેમણે તેના પર કુદૃષ્ટિ ન કરતાં તેના પ્રત્યે માતૃભાવ વ્યક્ત કર્યો. આ પ્રસંગ શિવાજી મહારાજની સંસ્કારિતા પ્રગટ કરે છે. બીજી તરફ, અલાઉદ્દીન ખીલજીએ ગુજરાતનો વિજય મેળવ્યા બાદ રાજા કરણસિંહની રૂપાળી રાણીને પોતાની પત્ની બનાવી અને રાણી પદ્મિનીને પ્રાપ્ત કરવા તે છેક ચિતોડ પહોંચ્યો તે તેની કામુક્તા અને પાશવી વૃત્તિ પ્રગટ કરે છે.

આપણે ધર્મને જપ, તપ, તિલક, તીર્થયાત્રા, કથાશ્રવણ, પૂજાપાઠ, પ્રસાદ, હોમ, હવન, સ્નાન, દાન એ બધી બાહ્ય ક્રિયાઓમાં કેદ કર્યો છે. યજ્ઞો, સપ્તાહો, બ્રહ્મભોજનો, છપ્પનભોગો એવાં બધાં ક્રિયાકાંડોમાં પ્રતિ વર્ષ લાખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. પરંતુ વિશાળ જનસમાજને ઉપયોગી એવાં માનવલક્ષી કામ ક૨વાનું કોઈને સૂઝતું નથી. દુષ્કાળ રાહતકાર્યો, અન્નક્ષેત્રો, દવાખાનાં, હૉસ્પિટલો, શાળા-કૉલેજો અને પુસ્તકાલયોની પ્રવૃત્તિ કરવામાં પણ ધર્મ સમાયેલો છે એવું લોકો ભાગ્યે જ સમજે છે. મંદિર-મસ્જિદ જેવાં ધર્મસ્થાનકો ઊભાં કરવાં એમાં જ લોકો પોતાની ધાર્મિક્તાનું શ્રેય સમજે છે.

આપણા દેશના લોકોની મનોદશા એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં રસ્તા વચ્ચે કે રેલ્વે લાઈનની બાજુમાં વગર પરવાનગીએ કોઈ પણ ધર્મ સ્થાન ઊભું થઈ શકે છે. બસ પછી તેને હટાવનાર કોઈ નહિ. લોકોની ધાર્મિક લાગણી દુભાશે એ કારણે ભલભલા સત્તાધારીઓ અને રાજકારણીઓને એ સ્થાન હટાવતાં પરસેવો છૂટી જાય છે. એ માટે કાયદેસરની કોઈ જ કાર્યવાહી થઈ શકતી નથી. લોકોને પડતી અગવડનો પણ કોઈ ખ્યાલ કરતું નથી. એ જ રીતે રસ્તાઓ પર વારંવાર ધાર્મિક યાત્રાઓ નીકળે ને જાહેર વાહનવ્યવહારને ખોરવી નાખે તોય તેની કશી રોકટોક થઈ શકતી નથી. કાન ફાડી નાખે એવા ઘોંઘાટ વચ્ચે જાહેરમાં ઉત્સવો ઉજવાય તે માટે રસ્તા બંધ કરી દેવાય છે. વૃદ્ધો, બાળકો અને રોગીઓની ઊંઘમાં ખલેલ પડે ને તેમને ત્રાસ થાય તો પણ રાતભર લાઉડસ્પીકરોમાંથી ફેલાતા ઘોંઘાટને અટકાવી શકાતો નથી. આવી બાબતોમાં વિરોધ કરનારને નાસ્તિક કે અધર્મી ગણીને તેને હેરાન-પરેશાન કરવામાં આવે છે.

આજે ધર્મ પોતે જ એક મોટું સ્થાપિત હિત બની ગયો છે. આપણાં કેટલાંય ધર્મસ્થાનકોમાં સોનું, ચાંદી, ઝવેરાત, જમીન અને અન્ય મિલકતોની કરોડોની સંપત્તિ એકઠી થઈ છે. એ સંપત્તિનો રાષ્ટ્રના કે ગરીબ પ્રજાના કલ્યાણ અર્થે ઉપયોગ થઈ શકતો નથી.

ભારતીય પ્રજાની ધર્મપરાયણતા વિષે વાંચીને તેનાથી પ્રભાવિત થઈને કોઈ વિદેશી અહીં આવે અને આપણાં ધર્મસ્થાનકો અને અનુયાયીઓના આંતરિક વ્યવહારો નજરે નિહાળે તો તેને ઊંડો આઘાત લાગે.

માણસ ધર્મશ્રદ્ધા ધરાવે અને ધર્મસ્થાનમાં જઈને પૂજા-પ્રાર્થના કરે એ બધું બરાબર, પરંતુ એટલામાં જ એની ધાર્મિક્તા સમાઈ જતી નથી. એની ધાર્મિક્તા એના જીવનવ્યવહારમાં પણ પ્રગટવી જોઈએ. ધર્મ અને વ્યવહા૨ એ બે અલગ ન પડવાં જોઈએ. લાખોનું દાન કરીને ધર્મસ્થાનક બંધાવનાર માનવી પોતાના પડોશીને જ પીડતો હોય તો તે દંભી છે. મંદિરમાં અન્નકૂટ ધરાવવા પાછળ હજારો રૂપિયા ખર્ચતો માનવી પોતાના ઘરમાં કામ કરનારી કામવાળી બાઈને પૂરો પગાર પણ ન ચૂકવે તો તે તેનો આડંબર છે. આપણા રોજબરોજના વ્યવહારમાં કેટલીય વાર અધર્મનું આચરણ થતું જોવા મળે છે. નાની અને નજીવી વાતમાં આપણે ઉદારતા અને ક્ષમાશીલતાને નેવે મૂકી દઈએ છીએ. અજાણતાં કોઈનું અપમાન કરીએ, કોઈને ઉતારી પાડીએ, કામચોરી કરીએ, કોઈને હડસેલીને ટ્રેન કે બસમાં ચડી જઈએ, કોઈની બેસવાની જગ્યા બથાવી પાડીએ, જગ્યા હોય તો પણ કોઈને પાસે બેસવા ન દઈએ, કોઈની નિંદા કરીએ – આવું બધું તો ઘણીવાર બનતું હોય છે. આમ છતાં આપણે સાવ સ્વાભાવિકપણે જીવન વ્યવહાર ચલાવીએ છીએ. આપણી ધાર્મિક્તા અને સંસ્કારિતા આ બધા પ્રસંગે ઝાંખી પડતી જાય છે તેનો આપણને ભાગ્યે જ ખ્યાલ રહે છે.

આપણી પ્રજા વિવિધ ધર્મ, કોમ, નાત, જાત, વર્ણ, ભાષા અને પ્રાંતોમાં વહેંચાઈ ગઈ છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ની વિશાળ વિશ્વઐક્યની ભાવનાને બદલે આપણી દૃષ્ટિ વ્યક્તિગત અને સંકુચિત બનતી જાય છે. ૮૭ કરોડની વસતિ ધરાવતી આપણી પ્રજા પાસે સંખ્યા છે પણ સંસ્કાર કે સત્ત્વ નથી, વિચાર છે, પણ આચાર નથી, સંપત્તિ છે પણ આયોજન નથી. આજકાલ બાહ્યાચારનો મહિમા વધ્યો છે, પુરુષાર્થ અને શ્રમનો મહિમા ઘટ્યો છે. કૃત્રિમ ફિલસૂફીમાં ગોથાં ખાતી આપણી પ્રજા નથી ધાર્મિક રહી કે નથી જીવનનો સાચો આનંદ માણી શકતી. આપણી આવી ધાર્મિક્તા આપણને તારવાને બદલે ડુબાડી રહી છે.

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.