(સ્વામી શુદ્ધવ્રતાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીના સક્રેટરી છે.)

અર્વાચીન ભારતમાં હિંદુ ધર્મનું અવલોકન કરવાના ઈરાદાથી કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમના ટેલિવિઝન- વૃત્તપત્રીઓની એક ટુકડી ભારતમાં આવી હતી. અંતે એ વારાણસીની પવિત્રનગરીમાં આવી. ત્યાં આકર્ષક મંદિરો અને હિંદુ ધર્મના દરેક સંપ્રદાયના મઠ આવેલા છે. આવા એક મઠમાં ઉચ્ચ આધ્યાત્મિક સંસ્કારિતા અને જ્ઞાનવાળા સાધુઓ પ્રથમ કક્ષાની હૉસ્પિટલ ચલાવતા જોવામાં આવ્યા. એ આશ્રમ-સંકુલમાં પગ મૂકતાં એ વૃત્તપત્રીઓ પૂર્વે નહીં અનુભવેલું જુદું વાતાવરણ જોઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા. લગભગ બે ડઝન સાધુ એ હૉસ્પિટલમાં અને બહાર ચારેકોર મૂક સેવા કરી રહ્યા હતા. કેટલાક ઑપરેશન થિયેટરમાં હતા; કેટલાક બહા૨ના દર્દીઓના વિભાગમાં હતા; કેટલાક પથારીગ્રસ્ત દર્દીઓની સેવા કરી રહ્યા હતા; કેટલાક ઔષધો તૈયા૨ ક૨તા હતા; તો બીજા કેટલાક શસ્ત્રક્રિયા પછીનાં પાટાપીંડી વગેરે કાર્યો કરી રહ્યા હતા. પછી એ વૃત્તપત્રીઓ બહારના દર્દીઓના વિભાગમાં દર્દીઓની સા૨વા૨ ક૨તા એક યુવાન સંન્યાસીને મળ્યા અને એમણે સંન્યાસીને પ્રશ્ન કર્યો, ‘તમે અહીં ક્યા પ્રકારના હિંદુ ધર્મને અનુસરો છો?’ એ યુવાન દાક્તર- સંન્યાસીએ ઉત્તરમાં કહ્યું: ‘‘બીજા હિંદુ સંન્યાસીઓની માફક અમે પણ પ્રાતઃકાળમાં વિશ્વનાથ મંદિરમાં શિવની પૂજા કરીએ છીએ. પછી અમે આ માંદા અને પીડાતા જીવતા જાગતા દેવોના આ મંદિરમાં આવીએ છીએ. દર્દીઓ આવે છે ત્યારે મંદિરમાંના દેવ પ્રત્યે અમે જે આદર દાખવીએ છીએ તે જ આદરથી એમને આવકારવાનો યત્ન કરીએ છીએ. જે રીતે શિવલિંગને સ્નાન કરાવીએ છીએ તે જ રીતે અમે એમનો ઘા ધોઈએ છીએ. દેવને ફૂલ ચડાવીએ તે રીતે આ લોકોને ઔષધો આપીએ છીએ, અને અંતે ભગવાન શંકરનાં સ્તુતિવચનો બોલીએ તે રીતે આ રોગીઓને બેક ઉત્સાહપ્રેરક વચનો કહીએ છીએ.”

હિંદુ ધર્મના અર્વાચીન સંદેશવાહક સ્વામી વિવેકાનંદે હિંદુધર્મને આપેલો નવો વળાંક આ છે અને નવોન્મેષી હિંદુત્વનો પહેલો વ્યવહારુ ઘાટ, ભગવાન શિવની આ પુરીમાં, એ સંદેશવાહકે પોતે જ, ઈ. સ. ૧૯૦૧માં આપ્યો હતો. આ મંદિરની એ આરંભના દિવસોની સેવાભાવના આજે પણ વહ્યા કરે છે. આજે પણ બનારસ સેવાશ્રમની હૉસ્પિટલના પ્રાંગણમાં કોઈ પ્રવેશે ત્યારે તે એંશી કરતાં વધારે વયના પૂજ્ય પ્રૌઢ સંન્યાસીને રોગીઓનાં ઘારાં ઉપર પાટાપીડીં કરતા જોઈ શકે. જાણે કે પોતે ઈશ્વરની પ્રત્યક્ષ સેવા કરી રહ્યા છે એવો આનંદ અને ગાંભીર્ય આપણને એ સંન્યાસીના ચહેરા ઉપર જોવા મળવાનાં, કારણ કે એ ઈશ્વરનાં સંતાનોની સેવા કરી રહ્યા છે.

આ સંસ્થા છે – વારાણસીનું પ્રખ્યાત રામકૃષ્ણ સેવાશ્રમ, હિંદુધર્મના આ નવા મંદિરની ઉત્પત્તિની કથા થોડાક પ્રેરિત આત્માઓની કથા છે. એમને એક પ્રભાતે ભગવાનની મુખાકૃતિ વિશ્વનાથ પ્રભુના મંદિરમાં તો બરાબર દેખાઈ નહીં પણ એ મુખાકૃતિ પોતાના અંતકાળની વાટ જોતી એક ત્યક્તા અને નિરાધાર નારીમાં દેખાઈ. પ્રભુના પાવનકારી મંદિરની પાસે એ કણસતી પડી હતી.

ઈ.સ. ૧૯૦૦ના જૂન મહિનાની એક સવાર હતી. માધુકરી ઉપર નભતો, એક અકિંચન યુવાન સંસ્કૃતનો વિદ્યાર્થી યામિનીરંજન એ વખતે ગંગાસ્નાન ક૨વા જઈ રહ્યો હતો. એણે એક મંદ અવાજ સાંભળ્યો, ‘‘ચાર ચાર દહાડાથી મેં કંઈ પેટમાં નાખ્યું નથી. બેટા, મને થોડો ભાત આપ.” પુંનિયાના મહારાણીના અન્નક્ષેત્ર પાસે બંગાળી ટોલ (પાઠશાળા) પાસેની એક ગલીમાં મરવા પડેલી એક વિધવાનો એ દયામણો અવાજ હતો. એ કરુણ સ્વરે યામિનીરંજનમાં એક વિચિત્ર સ્પંદન જગાડ્યું. રસ્તે જતા લોકોએ માન્યું કે પેલી સ્ત્રી મરી ગયેલી છે અને યામિનીરંજન એનો કોઈ સગો છે. સામે મળ્યા તે પ્રથમ સદ્ગૃહસ્થને જોઈ એણે કહ્યું: “મહાશય, આપની પાસે હું ચાર આના (પા રૂપિયો) માગું છું.” ચાર આનીના એ મળેલા ચાંદીના સિક્કા સાથે યામિનીરંજન પોતાના મિત્ર ચારુચન્દ્ર પાસે દોડી ગયો અને તેને પેલી મરવા પડેલી સ્ત્રી વિશે વાત કરી. ઘે૨ ઘે૨ માગી ભીખી થોડાં જૂનાં કપડાં, ખોરાકની થોડી ચીજો અને થોડા પૈસા ભેગા કરી, એ બંને પેલી સ્ત્રીની મદદે દોડી ગયા. એક રૂપિયાની રોકડ એકઠી કરી હતી. એક્કો ભાડે કરી તેઓ તે બાઈને ભેલુપુરા હૉસ્પિટલે લઈ ગયા જેના આઠ આના બેઠા અને, બાકીની આઠ આનાની રકમ તે દહાડાની બાઈની ખોરાકી પર ખર્ચાઈ. એ વૃદ્ધા નારી નૃત્યકાલીદાસીની પરિચર્યાની જવાબદારી એ બન્નેએ ઉપાડી લીધી. શિવના ધામ, વારાણસીમાં, એ દિવસે એક નવું બીજ રોપાયું જે, સમય જતાં, રોગગ્રસ્ત અને પીડિતોમાં ઈશ્વ૨સેવાની મહાન સંસ્થામાં ફૂલ્યું ફાલ્યું.

પશ્ચિમમાં દિગ્વિજય કરીને સ્વામી વિવેકાનંદ ૧૮૯૭માં કલકત્તા આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરનાર ભાગ્યવંતોમાંનો એક આ ચારુચંદ્ર પણ હતો. સ્વામીજીની ગાડી ખેંચતા ઘોડાઓને એ યુવાનોએ છોડી નાખ્યા હતા અને આનંદના અતિરેકમાં તેમણે જ એ ગાડી ખેંચી હતી. એ પછી તરત જ ચારુચન્દ્રે કોઈ વકીલની ઑફિસમાંથી પોતાની નોકરીનું રાજીનામું આપી દીધું અને પોતાનાં પ્રિય પુસ્તકો અને શ્રીરામકૃષ્ણની એક છબિનું પોટલું વીંટી, પોતાનાં વૃદ્ધ માતાપિતાની સેવાર્થે તેમની સાથે વારાણસી ચાલી નીકળ્યો.

વારાણસીમાં ચારુચન્દ્ર યામિનીરંજનના સંપર્કમાં આવ્યો અને તેણે ચારુચન્દ્રને કેદારનાથનો પરિચય કરાવ્યો. કેદારનાથને પણ શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશથી પ્રેરણા મળી હતી. શ્રીરામકૃષ્ણની જન્મતિથિ નજીક આવી. તેની ઉજવણી કેદારનાથને ઘે૨ ક૨વામાં આવી. ત્યાં, શ્રીરામકૃષ્ણના નિજી શિષ્ય, સ્વામી નિરંજનાનંદે ઠાકુરની પૂજા કરી. થોડા સમય પછી સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી કલ્યાણાનંદ કેદારનાથના અતિથિ બની વારાણસી આવ્યા. ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાય ચ’ એ સ્વામીજીની પ્રેરક ઉક્તિ એમણે ત્યાં, વારાણસીની મંડળીમાં પ્રચલિત કરી અને એ સૌને માનવસેવાને જીવનધ્યેય તરીકે અપનાવવા પ્રેર્યા. ચારુચન્દ્રે એક દવાખાનું ખોલ્યું અને પોતાની રીતે ગરીબ દર્દીઓની સારવાર કરવા લાગ્યો. પછી તરત જ કેદારનાથે સંસારત્યાગ કર્યો અને માસિક રૂપિયા ૩/-ના ભાડાથી ક્ષેમેશ્વ૨ ઘાટ પર એક ઘ૨ ભાડે લઈ ત્યાં, શ્રીરામકૃષ્ણની છબિ લઈ ગયો. એમના ઘરમાં એ છબિ ચારુચન્દ્રે સ્થાપી હતી. વારાણસીમાં શ્રીરામકૃષ્ણનું આ પ્રથમ મંદિર હતું. પછીથી કેદારનાથ નિયમિત રીતે ચારુચન્દ્રના દવાખાને આવવા અને દર્દીઓની સેવા કરવા લાગ્યા. શ્રીરામકૃષ્ણના ભક્ત રાય પ્રમદાદાસ મિત્ર બહાદુ૨ સહિત કેટલાય લોકોનું ધ્યાન આ દવાખાના ભણી ખેંચાયું અને થોડા જ સમયમાં એ મંડળીની સંસ્થા, ‘પૂઅર મેન્સ રિલીફ ઍસોસિયેશન’ (ગરીબ લોક–રાહત સંઘ) તરીકે ઓળખાવા લાગી.

ગરીબ દર્દીઓની જરૂરતોને પહોંચી વળવા માટે સંઘની એ નાનકડી જગ્યા ટૂંકી પડવા લાગી અને અસરકારક કાર્ય માટે એ સાવ નાની જણાઈ. ૧૯૦૧ના જૂનની બીજી તારીખે સંઘે રામપરામાં રૂપિયા ૧૦/ના માસિક ભાડાથી નં. ૩૮/૧૫૩નું મોટું ઘર રાખ્યું. આ ઘર મોટું પણ જૂનું હોઈ, સસ્તે ભાડે મળી શક્યું હતું. અઢાર માસના ગાળામાં ૩૩૦ જેટલા પુરુષો અને ૩૩૪ જેટલી સ્ત્રીઓએ સંઘ પાસેથી એક યા બીજા પ્રકારની રાહત પ્રાપ્ત કરી હતી, આમાં ૬૨૫ હિન્દુઓ અને ૨૧ મુસલમાનો હતા.

દક્ષિણ અને ઉત્તર ભારતના પ્રદેશોમાં પ્રવાસ કર્યા પછી અને પશ્ચિમની બીજી યાત્રા પછી, સ્વામી વિવેકાનંદ આખરે ૧૯૦૨ના ફેબ્રુઆરીમાં વારાણસી આવ્યા. શિવની એ નગરીએ એ યુગના જીવન્ત શિવની માફક એમનું સ્વાગત કર્યું. સ્વામીજીના વિચારોથી પ્રેરિત યુવાનો પોતાના આદર્શ સ્વામી વિવેકાનંદ પાસે પહોંચ્યા. સ્વામીજીએ તેમને કહ્યું કે, ‘અસહાય માનવીના રૂપમાં પ્રભુની ભક્તિમય સેવા માનવજીવનનું અંતિમ લક્ષ્ય છે, ને તે વિશુદ્ધ હૃદયના બ્રહ્મચારી માટે, કર્મી માટે અને જન સામાન્ય માટે.” આગળ ચાલતાં સ્વામીજી બોલ્યા, “રાહત આપનારા તમે કોણ? સેવાથી વિશેષ કંઈ જ તમારા હાથમાં નથી. બીજાને સહાય કરવાનો ગર્વ તો પતન જ નોતરે છે.”

આ શબ્દોએ પેલા યુવાનોને ઘેરી અસર કરી. એમણે તરત જ પોતાના સંઘને રામકૃષ્ણ મિશન સાથે જોડી દીધો અને ‘પુઅ૨મેન્સ રિલીફ ઍસોસિયેશન’ ‘ગરીબ લોક-રાહત મંડળ’ના નામને બદલે તેનું નામ ‘રામકૃષ્ણ મિશન સેવાશ્રમ’ રાખ્યું. પોતાના સીધા માર્ગદર્શનથી સ્વામીજી એ યુવાન મંડળીને પ્રેરણા આપવા લાગ્યા. વારાણસી છોડતાં પહેલાં, સેવાશ્રમના સભ્યોની વિનંતીથી, સેવાશ્રમ વતી જાહેરજનતા જોગી અપીલ પણ સ્વામીજીએ લખાવી:

રામકૃષ્ણ સેવાશ્રમ, વારાણસી: અપીલ

આ શહે૨માંના આપણા કેટલાય બાંધવો-સામાન્ય રીતે, વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ, જે કંગાલ સ્થિતિમાં ફેંકાઈ જાય છે તેમાંથી તેમને રાહત આપવાના અમારા યત્કિંચિત્ નમ્ર પ્રયત્નનો ટૂંકો ખ્યાલ અહીં આપવામાં આવ્યો છે.

જે ગરીબ લોકો અહીં મૃત્યુને ભેટવા આવે છે તેમણે સ્વૈચ્છિક રીતે પોતાનાં જન્મસ્થાનોમાંથી મળતી મદદનો ત્યાગ કરેલો છે અને, જ્યારે તેઓ રોગગ્રસ્ત બને છે ત્યારે, તેમની જે સ્થિતિ થાય છે તે વિશે આપને શું લાગશે, અને આપ તે કેવી રીતે સુધારશો તે એક હિંદુ તરીકે, આપની કલ્પના ૫૨ અને આપના આત્મા ૫૨ અમે છોડીએ છીએ.

ભાઈ, અંતિમ વિરામની તૈયારી માટેના આ અદ્ભુત સ્થળનું અપ્રતિમ આકર્ષણ આપને થંભી જઈ આ માટે વિચાર કરવા નથી પ્રેરતું? મૃત્યુ દ્વારા મોક્ષ માટે કતારબંધ ચાલતા આવતા યાત્રીઓનો યુગજૂનો અને અવિરત પ્રવાહ આપના ચિત્તમાં ભવ્યતાની ગૂઢ લાગણી નથી જન્માવતો?

જો એમ થતું હોય તો આવો અને સહાય માટે આપનો હાથ લંબાવો.

વિશ્વનાથમાં સદાય તમારો, વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદની સેવાશ્રમ માટેની આ અપીલે જાદુ જેવી અસર કરી અને, આત્મબલિદાનની સેવાના આ કાર્યમાં સહાય ક૨વા માટે જાહેર જનતામાં તત્પરતા જગાડી. થોડા સમય બાદ, ૧૯૦૨ની જુલાઈની ૪ તારીખે સ્વામીજીએ જગતમાંથી વિદાય લીધી, પરંતુ, એમની પ્રેરણા અને એમના આશીર્વાદ સેવાશ્રમને વિશેષ સહાયકારક નીવડ્યાં. જીવંત દેવોની સેવાના આ મંદિર ભણી ખ્યાતનામ લોકો વધારે ને વધારે આકર્ષાવા લાગ્યા.

ભગિની નિવેદિતા વારાણસીમાં, સેવાશ્રમે વારંવા૨ આવતાં. તેઓ સેવાશ્રમમાં ઊતરતાં અને સંન્યાસીઓ સાથે ભિક્ષા માટે ઘે૨ ઘેર જતાં. પોતાના ગુરુને પગલે ચાલીને સેવાશ્રમની સુધારણા માટે તેમણે કેટલાંક જાહે૨ વ્યાખ્યાનો આપ્યાં હતાં. સેવાશ્રમના આદર્શો અને પ્રવૃત્તિઓને ચોમે૨ જાણીતાં ક૨વામાં એમના લખાણોએ ધીમે ધીમે સારી સહાય કરી. સમય જતાં, શ્રીરામકૃષ્ણના નામે અદ્વૈત આશ્રમ સ્થાપવા માટે એક બગીચાવાળી જમીનનો એક પ્લૉટ લેવાનું સૂચન આ યુવાનોને સ્વામી શિવાનંદજીએ કર્યું. એ આશ્રમ આજે પણ તે જ સ્થાને ઊભો છે. બગીચાવાળા પ્લૉટનો જે ભાગ આ રામકૃષ્ણ સેવાશ્રમના ઉપયોગમાં લેવાતો ન હતો ત્યાં, રામકૃષ્ણ મઠનું મકાન થયું. સ્વામી વિવેકાનંદ ઈચ્છતા હતા કે સંન્યાસીઓ પ્રાર્થના કરે, ધાર્મિક વિધિઓ કરે, રૂઢિગત રીતે ભગવાનને ભજે અને પછી રંક, રોગી અને નિરાશ્રિતોની સેવા દ્વારા પ્રભુની સેવા કરે. આ વિચારને મૂર્તરૂપ આપવા માટે એ ધારેલી જમીન આખરે ખરીદવામાં આવી અને ૧૬મી એપ્રિલ, ૧૯૦૮ની મંગલ સવારે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના અઘ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજીએ શિલારોપણ કર્યું. આમ, નિર્ગુણ પરબ્રહ્મની ઉપાસનાને અર્પિત અદ્વૈત આશ્રમ અને, મનુષ્યરૂપમાં ઈશ્વરની સેવાને વરેલો સેવાશ્રમ એકબીજાની બાજુમાં ચિત્તાકર્ષક પીઠિકામાં, અસ્તિત્વમાં આવ્યા. દાતાઓની ઉદાર સહાયથી અને સંન્યાસીઓના મોટા ત્યાગથી, સ્વામી વિજ્ઞાનાનંદ અને સ્વામી સચ્ચિદાનંદના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ, સેવાશ્રમનું બાંધકામ બે વર્ષમાં પૂરું થયું. કેદારનાથે હવે સ્વામી અચલાનંદ નામ ધારણ કર્યું હતું. તેમના ભક્તો વિશેષ સહાયરૂપ થયા હતા. ૧૯૧૦ના મેની ૧૬મી તારીખે સ્વામી બ્રહ્માનંદજીએ આ ઐતિહાસિક સંસ્થાનો ઉદ્ઘાટન વિધિ કર્યો હતો.

આરંભમાં સેવાશ્રમના હૉસ્પિટલ વિભાગમાં છ સામાન્ય વૉર્ડ અને ત્રણ સૂતક (ક્વો૨ન્ટાઈન) વૉર્ડ હતા, જેમાં કુલ ૪૬ પથારીઓની સગવડ હતી. એ સમયના વારાણસીના ક્લેક્ટ૨ મી. ગૅસ્કૅલે સેવાશ્રમમાં સારો રસ દાખવ્યો હતો અને મ્યુનિસિપાલિટી પાસેથી વાર્ષિક રૂા. ૧૨૦/-નો ફાળો સેવાશ્રમને માટે પ્રાપ્ત કરાવ્યો હતો. પાછળથી એમાં વધારો કરવામાં આવ્યો હતો અને એમના પ્રયત્નથી મ્યુનિસિપલ ટૅક્સ માફ કરવામાં આવ્યો હતો.

હવે સ્વામી શુભાનંદને નામે ઓળખાતા ચારુચન્દ્ર સેવાશ્રમને દો૨વણી આપતા હતા. સ્થાનિક કાર્યકરોના વૃંદને તૈયા૨ ક૨વા એમણે નિશ્ચય કર્યો. નિયમિત સેવા આપતા સંન્યાસી સેવકો ઉપરાંત શાળા કૉલેજમાં અભ્યાસ કરતા હોય તેવા યુવાનો સેવાશ્રમમાં ખંડ સમયની સેવા આપતા હતા પણ તેમ છતાં કામના દબાણને પહોંચી શકાતું ન હતું. વધારે ને વધારે લોકો સહાય માટે આવતા તે છતાંય કામના ઘસારાને પહોંચી વળાતું નહીં. અને તો પણ વારાણસીમાં અસહાય અને એકલી રહેતી વિધવાઓને આશ્રય આપવા ભણી સંઘનું ધ્યાન દેવાયું. આ હેતુ માટે, એક દાતાની ઉદાર મદદથી ૧૯૧૨ના ફેબ્રુઆરીમાં, જંગમબારીમાં એક ઘર ભાડે રાખવામાં આવ્યું. વીસ વૃદ્ધ વિધવાઓને ત્યાં દાખલ કરવામાં આવી અને તેમની ખોરાકીપોશાકી તથા બીજી જરૂરિયાતોનો ત્યાં પ્રબંધ કરવામાં આવ્યો. કાર્યકર્તાઓનો અથાક ઉત્સાહ અને જાહેરપ્રજાનાં સહાનુભૂતિભર્યા દાનથી બધી મુશ્કેલીઓ દૂર કરવામાં આવી.

આ શાખાની સ્થાપના પછી, વારાણસીના પ્રસિદ્ધ વેપારી અને પ્રકાશક શ્રી નિવારણચન્દ્ર દાસે, પોતાની જીવનસંધ્યાએ ૧૯૧૩માં, સેવાશ્રમને પોતાની બધી મિલ્કતનું દાન આપી અણધારી સહાય આપી. દશાશ્વમેધઘાટ ૫૨ના એમના રહેણાક મકાનનાં ભાડાની આવક ઉપરાંત, આ ચાલુ ધંધાદારી મિલ્કતમાંથી સારી આવક થવા લાગી. અસહાય, નિરાધાર સ્ત્રીઓ માટેનું એમનું આ વિશિષ્ટ દાન હતું.

૧૯૧૨ના ઑક્ટોબર માસમાં, વારાણસી આવી, પૂજ્ય મા શ્રી શારદાદેવીએ આ સેવાશ્રમને પોતાની મુલાકાતથી પાવન કર્યો. શ્રીમાએ પોતાની મુલાકાતને પ્રસંગે ત્યાં જે કહ્યું તે, ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સુપ્રસિદ્ધ લેખક શ્રી ‘મ’ એ (શ્રી મહેન્દ્રનાથ ગુપ્તે) મુલાકાતપોથીમાં નોંધ્યું છે:

‘પૂજ્ય શ્રીમા આજે સેવાશ્રમની મુલાકાતે પધાર્યાં હતાં. અદ્વૈત આશ્રમમાં ઠાકુરના દર્શન કર્યા પછી, સવારે ૭ વાગ્યે શ્રીમા સેવાશ્રમમાં પધાર્યાં, રામકૃષ્ણ મિશનના અઘ્યક્ષ શ્રીયુત રાખાલ મહારાજ, હરિ મહારાજ, ચારુબાબુ, ડૉ. કાંજીલાલ અને બીજાઓ સહિત અનેક સ્ત્રી-પુરુષ ભક્તો ત્યાં ઉપસ્થિત હતા. શ્રી મા બોલ્યાં: ‘‘ઠાકુર પોતે અહીં નિવાસ કરે છે અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીએ પોતાના નિવાસ માટે આ સ્થાન પસંદ કર્યું છે. ભાઈ, આ કેમ ઉભું થયું?’’

પૂજ્ય મા ખૂબ રાજી થયાં અને બોલ્યાં: ‘‘આ સ્થાન એટલું તો રમ્ય છે કે મને અહીં કાયમ રહેવાનું મન થઈ જાય છે.’’

પૂજ્ય શ્રીમા ત્યાંથી પાછાં જવા નીકળ્યાં ત્યારે, એક ભક્ત અધ્યક્ષ પાસે આવ્યા અને તેમના હાથમાં સેવાશ્રમ માટે પૂજ્ય શ્રીમા તરફથી એક નોટ મૂકી.

પૂજ્ય શ્રીમાએ મોકલાવેલી એ ૧૦ રૂપિયાની ચલણી નોટ પવિત્ર ખજાના અને સાક્ષાત લક્ષ્મી દેવીના, પોતાના શુભાશીર્વાદ તરીકે આજ પર્યંત ખૂબ સંભાળપૂર્વક સાચવી રાખવામાં આવી છે.

૧૯૧૪ના એપ્રિલમાં, સેવાશ્રમને અડીને આવેલી જમીનમાંથી આશરે ૨૫ વીઘા જમીન રૂ. ૧૫,૦૦૦ની કિંમતે ખરીદવામાં આવી. આ નવી મેળવેલી જમીન સૂતિકા જેવા અલગ રાખવા પડે તેવા દર્દીઓ માટે, માનાર્હ સેવા આપતા દાક્તરો માટે અને સેવકોનાં નિવાસસ્થાનો માટે ફાળવવામાં આવી. બાંધકામના નકશાની અને અંદાજોની વિગતો સ્વામી વિજ્ઞાનાનંદજીએ તૈયાર કરી હતી. ૧૯૧૫ના આરંભમાં સ્વામી શિવાનંદજી અને સ્વામી પ્રેમાનંદજીએ ભૂમિપૂજનનો વિધિ કરીને બાંધકામનો શુભારંભ કર્યો. ઉદાર દાનોની મદદથી આ અલગ વિભાગના જુદા જુદા વૉર્ડો ૧૯૧૬ના આરંભમાં પૂરા થયા. ૧૯૧૬ના નવેમ્બરની ૭મી તારીખે સ્વામી શિવાનંદજી અને સ્વામી પ્રેમાનંદજીએ તેમનું ઉદ્ઘાટન કરી સેવા સમર્પિત કર્યા. ૧૯૧૯માં સ્વામી તુરીયાનંદજી સેવાશ્રમમાં થોડા દહાડા રહ્યા. એમણે ઊભા કરેલા ઉચ્ચ આધ્યાત્મિક વાતાવરણથી સેવાશ્રમના અંતેવાસીઓ પ્રફુલ્લ બની ગયા. પછી એમના અંતકાળના થોડાક જ દિવસ પૂર્વે, સેવાશ્રમના સંન્યાસીઓને તેમણે નીચે પ્રમાણે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું:

‘‘બધા સંશયો દૂર કરો અને તમારાં શરીર, મન અને આત્માને પૂર્ણપણે પ્રભુના કાર્યમાં જોડો. સંશયને કોઈ સ્થાન જ નથી, તમારા કાર્યમાં આગળ ધપો ને એ તમને તમારા ધ્યેયે પહોંચાડશે, સ્વામીજીએ (સ્વામી વિવેકાનંદ) મને એકવાર દાર્જિલિંગમાં કહ્યું હતું: “ભાઈ હરિ, આ વેળા મેં નવો ચીલો પાડ્યો છે. અત્યાર સુધી લોકો માનતા કે ધ્યાનથી, જ્ઞાનથી અને માળા ફેરવીને મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. આ વર્તમાન યુગના યુવાનો પ્રભુનું કાર્ય કરીને જ મોક્ષ પ્રાપ્ત કરી શકશે. આ એમનો આદેશ છે, બધા સંશયો કાઢી નાખો.”

પયગમ્બર વિવેકાનંદનું અને એમના સાથી સંતોનું સ્વપ્ન અને પૂજ્ય શ્રીમા શારદાદેવીના આશીર્વાદ, એ બધુંય, સમય જતાં, સાચું પડ્યું. આજે સેવાશ્રમે એક મોટી હૉસ્પિટલનું રૂપ ધારણ કર્યું છે ને તે ઉત્તર પ્રદેશના રાજ્યમાં અને આખા ઉત્તર ભારતમાં ખૂબ જાણીતી થઈ છે. ૧૯૯૨-૯૩ દરમિયાન સેવાશ્રમે ૧,૮૭,૯૨૫ (નવા-૬૬, ૪૨૪) દર્દીઓની સારવાર કરી હતી. આઉટડોર અને ઈનડોર વિભાગમાં નાની મોટી ૨,૬૯૩ શસ્ત્રક્રિયાઓ કરી હતી. ૭,૬૮૭ દર્દીઓને ઈનડોર વિભાગના આઠ જુદા જુદા પેટા વિભાગોમાં સા૨વા૨ અપાઈ હતી. હૉસ્પિટલની ૨૩૦ પથારીઓ નીચે પ્રમાણેની સારવાર માટે આઠ વૉર્ડોમાં વહેંચાયેલી છે, મૅડિકલ, સર્જીકલ, આંખનો, અસ્થિચિકિત્સાનો, બાળરોગીઓનો, આંખ-કાન-ગળાનો, ચર્મરોગનો અને સ્ત્રીરોગચિકિત્સાનો. આઉટડોરમાં આ બધા વિભાગો તો છે જ તે ઉપરાંત વધારાના બીજા ત્રણ છે. દાંતના રોગનો, ઍક્સરે – ઈલેક્ટ્રોથૅરાપી – ઈલેક્ટ્રો- કાર્ડિયોગ્રામ અને હોમિયોપેથિનો. આ સિવાય ૪૦ સ્ત્રીઓ અને ૨૪ પુરુષો માટે જુદા જુદા બે ઘરડાં-ઘર છે. સેવાનું આ મહામંદિર નભી શકે છે તે જુદે જુદે રૂપે આવતી સ્વયંભૂ સેવાથી અને જાહે૨ પ્રજા તરફથી મળતાં દાનોથી. પરંતુ આ અનેકવિધ સેવાની સંસ્થા પાછળનું સાચું બળ તો મુઠ્ઠીભર દાક્તરો, નર્સો, સમર્પિત કાર્યકરો, સેવિકાઓ અને રામકૃષ્ણ વિવેકાનંદના સાધુઓનાં પ્રેરિત સમર્પણનું છે. આ સૌ સેવાને ઈશ્વ૨ની ભક્તિ ગણવાની પ્રાચીન પ્રણાલિકાને ચાલુ રાખી પોતાનું બધું સમર્પણ કરવાની વાતને આ જીવનમાં જ પ્રકાશને પામવાનો ચોક્કસ રાહ માને છે.

ભાષાંતર: શ્રી દુષ્યન્ત પંડ્યા
(‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુ.’૯૦માંથી સાભાર)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.