(સુપ્રસિદ્ધ મૅનૅજમૅન્ટ કન્સલ્ટન્ટ પ્રો. એન. એચ. અથ્રેય એમ. એમ. સી. સ્કૂલ ઑફ મૅનૅજમૅન્ટના સંસ્થાપક અને ડાયરેક્ટર છે. તા. ૧ અને ૨ જુલાઈ-૯૫ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા યોજાયેલ મૅનૅજમૅન્ટ વર્કશૉપમાં ઉપસ્થિત ૩૦૦ પ્રતિનિધિઓને સંબોધીને તેમણે રાજર્ષિ મૅનૅજમૅન્ટ વિશે જે મહત્ત્વપૂર્ણ વાતો કરી હતી, તેનો સારાંશ અહીં પ્રસ્તુત છે. – સં.)

રાજકોટનાં દિવ્ય ભાઈઓ અને બહેનો,

અહીં આ મહાન રાજર્ષિ મહાયજ્ઞ ચાલી રહ્યો છે, એમાં મારી નાનકડી આહુતિ આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે, તે બદલ હું ધન્યતા અનુભવું છું.

રાજર્ષિ કોણ છે? જે કોઈ વ્યકિત નાનકડું રાજ્ય ચલાવતી હોય પછી ભલે તે રસોડાનું હોય, ઑફિસનું હોય કે ફેક્ટરીનું હોય – દરેક પ્રકારના કાર્યના વિભાગના વડા રાજર્ષિ બનવાની શક્યતા ધરાવે છે.

મૅનૅજમૅન્ટ જીવનના દરેક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ છે. એનો સરળ અર્થ છે. – ઓછાંમાં ઓછાં સાધનોથી વધુમાં વધુ કાર્ય સંપાદન કરવું.

થોડા દિવસો પહેલાં એમ. બી. એ. ના પ્રવેશ માટેની પરીક્ષા લેવા માટે હું પૂના ગયો હતો. આજકાલ બહેનોની સંખ્યા વધારે હોય છે. એક બહેનને મેં ઈન્ટરવ્યુમાં પૂછ્યું: “તમે એમ. બી. એ. ની ડીગ્રી શા માટે લેવા માગો છો?” બહેને સરસ જવાબ આપ્યો: “સર, આજકાલ કોઈને સારી ગૃહિણી બનવું હોય તોય એમ.બી.એ.ની ડીગ્રી આવશ્યક થઈ ગઈ છે.” મેં ચપટી વગાડીને કહ્યું: ‘‘બહેન, તમે સાચી વાત કરી, તમે પાસ.’’

રાજા અને રાજર્ષિ વચ્ચે ભેદ શો છે? રાજા ફકત પોતાનું કલ્યાણ ચાહે છે, જ્યારે રાજર્ષિ પોતાની સાથે સાથે અન્યનું પણ કલ્યાણ ચાહે છે. ગુજરાતીઓ ધંધામાં આટલા આગળ વધી ગયા તેનું એક કારણ એ છે કે તેઓ પોતે લાભ મેળવા ઉત્સુક હોય છે, અને જો એમ કરવા જતાં બીજાઓને લાભ મળે તો તેઓ રાજી રાજી થાય છે. આ ગુજરાતની સંસ્કૃતિની વિશેષતા છે: ‘‘તમે પોતે પણ સુખી થાઓ; બીજાઓને પણ સુખી થવા દો.” કેટલાક લોકો એવા હોય છે કે બીજાઓને સુખી થતાં જોઈ નથી શકતા અને અન્યનું નુકસાન કરવા જતા છેવટે પોતાનું પણ નુકસાન કરી બેસે છે. “આપણે સૌ સાથે મળીને આગળ ધપીએ” – આજ છે રાજર્ષિ મૅનૅજમૅન્ટ.

રાજર્ષિ બનવાની સૌ પ્રથમ શરત છે: વાસ્તવિકતાને સન્માન આપો. કારણ કે, વાસ્તવિકતા તમારું અનુસરણ નહિ કરે. આ જગતમાં બે પ્રકારની વાસ્તવિકતાઓ છે.

૧. દૃશ્યમાન – વાસ્તવિકતા, જેના પર પ્રયોગ થઈ શકે. વિજ્ઞાન આ દૃશ્યમાન વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે.

૨. અદૃશ્ય – વાસ્તવિકતા, જેના પર પ્રયોગ ન થઈ શકે પણ જેની અનુભૂતિ થઈ શકે. અધ્યાત્મ અથવા ધર્મ આ અદૃશ્ય વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવે છે.

રાજર્ષિ આ બન્ને પ્રકારનાં સત્યોનો સ્વીકાર કરે છે.

તમે જો રાજકોટની સૌથી ઊંચી ઈમારત પર ખડા રહીને કહો કે, ‘‘હું વિજ્ઞાનની વાસ્તવિકતામાં માનતો નથી, ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતમાં માનતો નથી,” આમ કહી સાતમા માળથી પડતું મૂકો, તો શું થશે? સાંજના સમાચારપત્રમાં મોટા અક્ષરમાં તમારું નામ છપાશે. વાસ્તવિકતા – સત્ય – તમને નહિ અનુસરે તમારે જ સત્યનું અનુસરણ કરવું પડશે.

એવી જ રીતે આધ્યાત્મિક વાસ્તવિકતાનો તમે સ્વીકાર ન કરો તો તેથી કંઈ એ સત્ય મટી જતું નથી. પણ જો સ્વીકાર કરશો, તો અત્યારે થાય છે તેના કરતાં અનેક ગણો લાભ વધુ મળશે.

અત્યારે મનુષ્યને સામગ્રી (resource) રૂપે ગણવામાં આવે છે. પણ ખરેખર તો પ્રત્યેક મનુષ્યમાં દિવ્યતા રહેલી છે. જો હું પોતાનામાં રહેલી દિવ્યતાને પીછાણીને એને અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મારામાં આત્મશ્રદ્ધા વધશે, એથી મારું કાર્ય વધુ પ્રમાણમાં અને વધુ સારું થશે. એવી જ રીતે જે વ્યકિતઓની સાથે મારે કાર્ય કરવું પડે છે, તેઓને ફકત સામગ્રી કે ભૌતિક પદાર્થ ન ગણી, તેમનામાં રહેલી દિવ્યતાને જોવાનો પ્રયત્ન કરું અને એ રીતે સભાનપૂર્વક તેઓની સાથે વ્યવહાર કરું તો શું થશે? મોટો ચમત્કાર થશે: નાનામાં નાના કાર્ય કરનારા પણ ધીરે ધીરે મહાન કાર્ય કરતાં થઈ જશે.

આજકાલ તો ઈલેક્ટ્રોનિક યંત્રો દ્વારા પૂરવાર થઈ ગયું છે કે જ્યારે તમે આધ્યાત્મિક વિચારો સેવો છો ત્યારે તમારું energy level (ઉર્જા – સ્તર) ઊંચું જાય છે. જો વિશ્વાસ ન આવતો હોય તો એક પ્રયોગ કરી જુઓ. તમારા ઈષ્ટદેવતા અથવા શ્રીરામકૃષ્ણદેવ અથવા સ્વામી વિવેકાનંદનો ફોટો લઈ લો અને એકાગ્રતાપૂર્વક થોડીવાર નિહાળો, તમે જોશો કે તમારું energy level (ઉર્જા – સ્તર) તરત જ ઊંચે જાય છે.

કેટલાક લોકો આધ્યાત્મિકતામાં શ્રદ્ધા ધરાવતા નથી. દુર્ભાગ્યથી મોટા ભાગના આધુનિક શિક્ષણપદ્ધતિમાં ઉછરેલા મૅનૅજરો પાશ્ચાત્ય સંસ્કૃતિથી એટલા રંગાયેલા છે કે તેઓને જ્યારે હું ભારતીય મૂલ્યો પ્રમાણેના મૅનૅજમૅન્ટની વાત કરું છું, ત્યારે તેઓ મોઢું બગાડીને કહે છે, ‘‘આ સાઈબર સ્પેસ (Cyber space) ના જમાનામાં આ હજારો વર્ષો જૂની વાતો વળી તમે શા માટે કરો છો?” સંસ્કૃતના નામથી જ, ભારતીય સંસ્કૃતિના નામથી જ તેઓને જાણે કે એલર્જી હોય છે. હું તો એમ કહું છું કે વેદાંત તો સત્ય પર જ આધારિત છે, છતાં તમે એ આધ્યાત્મિક સત્યમાં ન પણ માનતા હો તો એક સારા મૅનૅજર તરીકે તમારું કર્તવ્ય છે કે જે કોઈ ટૅકનિક તમને વધુ લાભ આપે તેનો સ્વીકાર કરવો. આ માટે પણ તમારે રાજર્ષિ મૅનૅજમૅન્ટનો સ્વીકાર કરવો પડશે.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.