(આંતરરાષ્ટ્રીય મેગસૅસૅ એવોર્ડ પ્રાપ્ત કરીને ખ્યાતિ મેળવનાર દેશની પ્રથમ મહિલા આઈ.પી.એસ. ઓફિસર ડૉ. શ્રીમતી કિરણ બેદીએ ૨૦મી નવેમ્બર ૯૫ના રોજ રવીન્દ્ર સરોવર સ્ટેડિયમ, કલકત્તામાં રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત યુવ-સંમેલનમાં ઉપસ્થિત ચાલીસ હજાર યુવા ભાઈ-બહેનોને જે પ્રેરક સંબોધન કર્યું હતું, તેનો સારસંક્ષેપ અહીં તેમની અનુમતિથી પ્રસ્તુત છે. -સં.)

આદરણીય સ્વામીજીઓ, આ સભાના અધ્યક્ષ આપણા આદરણીય ખેલકૂદ અને યુવાપ્રવૃત્તિઓના રાજ્યમંત્રી શ્રી મુકુલ વાસનિકજી અને મારાં વહાલાં યુવા ભાઈ-બહેનો,

આ વિશાળ સ્ટેડિયમમાં તમને આટલી મોટી સંખ્યામાં અહીં આવેલા જોઈને ખૂબ જ આનંદ થાય છે. હું મારું વક્તવ્ય હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં આપીશ, જેથી વધુમાં વધુ લોકો મારું વક્તવ્ય સમજી શકે. મને ખેદ છે કે બંગાળીમાં હું નહિ બોલી શકું, મારે એ ભાષા પહેલાં શીખવી પડશે. એ માટે તો તમારે મારું પોસ્ટીંગ બંગાળમાં કરાવવું પડે!

હમણાં જ તમે પૂ.સ્વામી જિતાત્માનંદજીનું અત્યંત પ્રેરક પ્રવચન સાંભળ્યું, જેમાં તેમણે સ્વામી વિવેકાનંદજીનો મુખ્ય સંદેશ કહી સંભળાવ્યો કે દરેક વ્યક્તિમાં અનંત શક્તિ-દિવ્ય શક્તિ રહેલી છે. હું તો એમ માનું છું કે સ્વામી વિવેકાનંદજીનો યુવા વર્ગ માટે પહેલાં નંબરનો કોઈ સંદેશ હોય તો તે આ છે: ‘‘બળવાન બનો, સાહસી બનો, નિર્ભય બનો.” સ્વામીજીએ કહ્યું હતું, ‘‘તમે ગીતાના અધ્યયન કરતાં ફૂટબૉલની રમત દ્વારા ઈશ્વરની વધુ નજીક પહોંચી શકશો.” વિચાર તો કરો – એક સંન્યાસી આવી ક્રાન્તિકારી વાત કરે છે! એક સર્વત્યાગી સંન્યાસી જ્યારે કોઈ વાત કરે ત્યારે આપણે માનવી જ પડે. એનો અર્થ એવો નથી કે સ્વામીજી ગીતાના અધ્યયનને ઓછું મહત્ત્વ આપે છે. તેઓ જાણતા હતા કે- “Strong mind in a strong body” શક્તિદાયી મન બલિષ્ઠ શરી૨માં જ શક્ય છે. એટલા માટે તેમણે આપણા યુવાનોને સૌ પ્રથમ શરીરથી બળવાન બનવાનું આહ્વાન કર્યું.

એક બીજી વાત જે સ્વામીજી વારંવાર કહેતા; તે છે- ‘‘તમે પોતે જ પોતાના ભાગ્યના ઘડવૈયા છો.” નસીબને દોષ દઈને રોદણાં રોવાથી કોઈ લાભ નથી. બધો દોષ પોતાના ૫૨ લો અને પુરુષાર્થમાં લાગી જાઓ. આજકાલના મોટા ભાગના યુવક-યુવતીઓમાં આ વાત જોવા મળે છે કે તેઓ પોતાની ખામીઓ માટે બીજાને જવાબદાર ગણે છે, બીજાઓ પર આધાર રાખે છે, પણ પોતે પોતાની સહાય કરવા તત્પર નથી થતા. હમણાં જ તમે પૂ. જિતાત્માનંદજી મહારાજ પાસેથી સાંભળ્યું કે તેઓ મારા નિયંત્રણને માન આપી તિહાર જેલમાં પ્રવચન આપવા આવ્યા હતા. કેદીઓના ચારિત્ર્યઘડતર માટે, વિકાસ માટે અમે પ્રયત્નશીલ છીએ. આ કેદીઓમાંના મોટા ભાગના યુવકો આમ જ કહે છે, “અમે અમારાં માતા-પિતાને કા૨ણે નાલાયક બન્યા છીએ, અથવા અમુક-તમુકને કારણે નાલાયક બન્યા છીએ,’’ પણ તેઓ એમ સ્વીકાર નથી કરતા, “જે કાંઈ ભૂલો અમે કરી છે, તે માટે અમે પોતે જવાબદાર છીએ.” નસીબને દોષ દેવાથી લાભ નથી. કારણકે આપણાં કર્મો પ્રમાણે આપણા ભાગ્યનું નિર્માણ થાય છે. ભગવાનને ભરોસે બેસી રહેવું ન જોઈએ. કારણકે ફળ તો ભગવાન આપે છે, પણ કર્મ તો આપણે જ કરવાં પડશે. એટલે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર આપણાં યુવા ભાઈ-બહેનોએ દૃઢ પુરુષાર્થ કરવા માટે તત્પર થવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીનાં પુસ્તકોમાં તમને આવા જ બધા શક્તિશાળી વિચારો જોવા મળશે.

Total Views: 129

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.