મૅગસૅસે ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં પ્રથમ મહિલા આઈ.પી.ઍસ. ઑફિસર ડૉ. કિરણ બેદીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા ભાઈબહેનો અને નગરજનોને જે પ્રેરક સંબોધન કર્યું હતું તેનો સારાંશ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

સ્વામીજીની જન્મજયંતી પ્રસંગે બોલતાં હું આનંદ અનુભવું છું. વિદ્યાર્થી તરીકે હું શિક્ષકપ્રિય અને શિક્ષણપ્રિય રહી છું. શિસ્તપ્રિયતા સાથે હું સૌનો આદર પામી છું. આજે આપણા ભારતદેશને આપણી જરૂર છે. આપણે જે સ્થાને હોઈએ ત્યાંથી આપણે દેશ માટે શું કરી શકીએ તે જ વિચારવું જોઈએ અને એ કાર્ય કરવું પણ જોઈએ. એમાં આજ કાલનાં બહાનાં પાલવે નહીં. આપણી માતૃભૂમિ હવે વધુ રાહ જોઈ શકે તેમ નથી. મારા વિદ્યાર્થીકાળમાં મારે દેશ માટે કંઈક કરી છૂટવું છે, દેશનું ગૌરવ વધારવું છે, આ ભાવના હતી. આઝાદીની લડતમાં તો મેં ભાગ લીધો નહોતો પણ આઝાદી કેટકેટલાં ભોગ-બલિદાન પછી પ્રાપ્ત થઈ છે આ વાત બરાબર મનમાં રહેતી.

વિદ્યાર્થીઓનું કર્તવ્ય

આપણે આપણી ભૂમિકા જ્યાં હોઈએ ત્યાંથી જ ભજવીએ. આપણે સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈએ, જેઓ એકાગ્રચિત્ત હતા, મનનું સમાધાન ન થાય ત્યાં સુધી પ્રશ્ન પૂછતા રહેતા, એમની સ્મૃતિ-શક્તિ અજબની હતી, તેઓ મેધાવી હતા. આપણે પણ વિદ્યાર્થી તરીકે સ્વામીજીના આ ઉત્તમ ગુણોનું અનુસરણ કરવું જોઈએ. તમારા સૌનું સદ્ભાગ્ય એ છે કે અહીં આવી સભાઓ યોજાય છે. અમારા વિદ્યાર્થીજીવનમાં આવું માર્ગદર્શન તો નહોતું. તમને તો આ બધું મળી રહે છે. એટલે દરેક માબાપે આ વિચારવું જોઈએ કે મારું સંતાન સ્વામી વિવેકાનંદની નાની આવૃત્તિ કેમ ન બને? આજે સૌ કોઈ સ્વામી વિવેકાનંદ બને એની આવશ્યકતા છે. સ્વસ્થ શરી૨, એકાગ્રતાવાળું મન અને સતત સેવા ભાવના આ ત્રણેય ગુણો આપણને સ્વામીજીની નજીક લઈ જશે. બીજાને આપવાની ભાવના- ત્યાગ અને સેવા આપણને સ્વામી વિવેકાનંદના માર્ગે ચાલતાં શીખવશે. તિહાર જેલના કેદીઓ માટે મેં આ જ કામ કર્યું – ‘શિક્ષણ મેળવો અને યોગ્યતા કેળવો.’ જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર્ય એ જ સ્વામીજીની પૂજા છે, એમની સાચી સ્મૃતિ છે. સ્વામીજીને યુવાનો પર અતૂટ શ્રદ્ધા હતી. એટલે જ તેમને માટે એમણે ઘણો સંદેશ આપ્યો છે. નીરોગી શરીર અને દૃઢ મનોબળ કેળવો, સારું વાંચો, સારું જુઓ અને સેવા ભાવના કેળવો.

શિક્ષકોનું કર્તવ્ય

શિક્ષકે એક મિશનરીની જેમ શિક્ષણના આદાન પ્રદાનમાં લાગી જવું જોઈએ. શિક્ષણ એક ધંધો નથી પણ ધર્મ છે. એટલે જ શિક્ષણ દ્વારા શિક્ષક ચારિત્ર્ય ઘડતર, માનવ ઘડતર કરી શકે છે કે કેમ એ જ અગત્યનું છે અને એ એનું પરમ કર્તવ્ય પણ છે. વિદ્યાર્થીઓમાં વિવેકબુદ્ધિ જાગ્રત કરવાનું કામ એનું છે. આપણને મળેલી આઝાદી કેટકેટલાં બલિદાનોથી મળી છે એનું ભાન એમને કરાવવાનું છે અને સાથે ને સાથે એમનામાં દેશદાઝ પણ જગાડવાની છે. એમને મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવવાનું છે. ગમે તેવી અને ગમે તેટલી મુશ્કેલીઓની વચ્ચે પોતાનું કાર્ય કરતા રહે તેવી શક્તિ શિક્ષકે વિદ્યાર્થીઓમાં ઊભી કરવાની છે. આ બધું થાય તો આવતી પેઢી યુવા પેઢી – ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન અને સમર્પણની ભાવનાવાળી બનશે.

માતા-પિતા અને વડીલોનું કર્તવ્ય

સ્વામીજીની જીવનકથા વાંચીએ તો ખ્યાલ આવશે કે એમના જીવન ઘડતરમાં એમના માતાપિતા અને દાદીમાનો ફાળો કેટલો મહત્ત્વનો છે. આપણાં રામાયણ, મહાભારત વ. ધર્મશાસ્ત્રોની વાર્તા એમને કરતાં. આમ માબાપે પણ પોતાના સંતાનના ચારિત્ર્ય ઘડતર માટે આ સુકાર્ય કરવું પડશે. બાળપણમાં જ આવા ઉદાત્ત સંસ્કારોનાં બીજ રોપ્યાં હશે તો એ બધું ઊગી નીકળશે. મોટી ઉમ્મરે તો પાકે ઘડે કાંઠા ચઢાવવા જેવું થશે. જીવન-શિક્ષણની શરૂઆત તો જન્મની સાથે થવી જોઈએ. એમાં કરેલ આળસ-પ્રમાદ જોખમી છે. માતા અને પિતા બંનેએ મળીને આ દુષ્કર કાર્ય કરવાનું છે. સમય કાઢીને જાગ્રત મનથી, સચેત રહીને આ ચારિત્ર્ય ઘડતરનું, માનવ – ઘડતરનું કાર્ય મા-બાપે કરવાનું છે.

વ્યાપાર ધંધો કરનાર લોકોનું કર્તવ્ય

જુઓ તો ખરા, દેશની વસતી ૯૦ કરોડ અને તેમાંથી કર ભરનાર તો માત્ર ૧ કરોડ ૨૦ લાખ! કમાણી કરીને કર ન ભરનાર બધા દેશદ્રોહી જ છે. આવા લોકો તિહાર જેલમાં જવાને પાત્ર છે. કાળી કમાણી કરનારાને કેટલી કમાણીની ભૂખ છે! છેવટે મધુપ્રમેહ થશે અને ખાવાનું બંધ થશે, હૃદય બેસી જશે અને બધું જેમનું તેમ પડી રહેશે. ભલે, કમાઓ, ખૂબ કમાણી કરો, પણ રાષ્ટ્રને રાષ્ટ્રનું આપો. તમારા હકનું તમારી પાસે રાખો અને જે ધન આપો તેનો સદુપયોગ થાય છે કે કેમ તેનું ય ધ્યાન રાખો. ધનનો સદુપયોગ કરનારને રાષ્ટ્રની જવાબદારી સોંપો. તમારું ધન બેઈમાન રાજકારણીઓ ખાઈ ન જાય તેનું ધ્યાન રાખો.

રાષ્ટ્ર-નિર્માણ માટે

આપણા ભારતનું નવઘડતર કરવા સૌએ પોતપોતાની ભૂમિકા શ્રેષ્ઠ રીતે ભજવવી જોઈએ. હવે આ ભૂમિકા ભજવવાનો “મારો વારો” છે એ ભાવના રાખવી પડશે.

પહેલાં ‘તમે’, પહેલાં ‘તમે’ આ ભાવ નહીં પણ “પહેલાં ‘હું’ જ આ દેશકાર્ય કરીશ” એ ભાવના દેશને તા૨શે. એટલે જ આપણે ચારિત્ર્ય-નિર્માણ દ્વારા રાષ્ટ્ર-નિર્માણ કરવું રહ્યું. ભૂતકાળની – ગઈ કાલની વાત ભૂલીને નવું વાતાવરણ સરજીને નવા લોકોને – નવી પેઢીને નૂતન ઘડતરના કામે લગાડવા પડશે. વિદ્યાર્થીઓ સમયને સોનું ગણે, અધ્યયન, જ્ઞાનપ્રાપ્તિ, સ્વસ્થ શરીર, મન – કેળવે. વડીલો કાર્ય કરે, ધંધો કરે, વેપાર કરે અને કમાય અને બીજાંના ભલા માટે એના ધનમાંથી કંઈક વાપરે. દિલ્હીમાં ઝૂંપડપટ્ટીને દૂર કરવાની, ગંદી વસતિને નાબૂદ કરવાની જરૂર છે. તેઓની ગંદગી વિશે કોઈ વાત કરે છે તો એમને કહું છું કે તમારામાંથી યે શરાબની, કાળાનાણાંની ગંધ આવે છે એનું શું કરીશું? આ કાળા ધનને ય ગરીબોના કલ્યાણ કાર્યમાં લગાડી તો જુઓ. રાષ્ટ્રના ઘડતરમાં સૌના સહકારની આવશ્યકતા છે. બધાંની પાસે ૨૪ કલાકનો સમય છે. ચોર હોય કે શાહુકાર, સૌની પાસે આ ચોવીસ કલાક છે. પણ સજ્જન સેવાભાવી દેશભક્ત આ સમય ધ્યાન, ભજન, પ્રામાણિકતા અને નિષ્ઠા સાથેના સેવા -કર્મમાં વાપરે છે. દુર્જન દુષ્ટકાર્યો અને વિચારોમાં જ આ સમય ખરચી નાખે છે. ભગવાન તો દરરોજ આ સમય આપે છે એટલે સમયનો સદુપયોગ કરીને તમારા જીવનનું ઘડતર કરો, માનવ બનો અને બીજાને માનવ બનાવો. ચારિત્ર્ય-નિર્માણ દ્વારા રાષ્ટ્ર-નિર્માણ કરો. ચારિત્ર્ય નિર્માણનું સામૂહિકરૂપ એટલે રાષ્ટ્ર-નિર્માણ. સ્વામી વિવેકાનંદના જીવન સંદેશનું આ જ મહાન પ્રદાન છે. એમણે દેશના દૂત બનતાં પહેલાં, અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં જતાં પહેલાં, દેશનું પગે ચાલીને પરિભ્રમણ કર્યું, દેશની રજેરજને અને રગેરગને ઓળખી લીધી. તેઓ માત્ર સિદ્ધાંતવાદી – મતવાદી જ ન હતા. તેમણે આ બધાને પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવ્યાં છે.

સમયનો સદુપયોગ કરનાર જ ચારિત્ર્ય-નિર્માણ કરી શકે અને એ જ રાષ્ટ્ર-નિર્માણમાં સહકાર આપી શકે. આપણા દેશની માનવસંપત્તિ જ દેશની સાચી સંપત્તિ છે. હડતાલ, બંધ વગેરે દ્વારા કેટલા માનવ કલાકો બગડે છે અને ઉત્પાદન ઘટે છે, અને દેશને હાનિકારક નીવડે છે એ વાત યાદ રાખવી રહી. આપણે વિદ્યાર્થી હોઈએ કે શિક્ષક, આપણે માતાપિતા હોઈએ કે વ્યાપાર ધંધો કરનારા, બધાએ સમયની સાવચેતી રાખવી પડશે. સમય નિરર્થક ન વેડફાઇ જાય તે જોવું પડશે – તો જ દેશનો ઉદ્ધાર થશે. સમયનો સદુપયોગ કરીશું તો એક દિવસ આપણે પણ સ્વામી વિવેકાનંદ સમા માનવ બની શકીશું. સ્વામી વિવેકાનંદની જેમ સંન્યાસી ન બની શકીએ તો કંઈ નહીં પણ નરેન્દ્ર તો બનવું જ પડશે. આપણે એવા નરેન્દ્રનાથ બનવું જોઈએ કે જેમની પાસે ચારિત્ર્ય હોય, દેશદાઝ હોય, પ્રેમ-ત્યાગ અને સેવાનો આદર્શ હોય. આવા નરેન્દ્રનાથ આગળ ચાલીને સ્વામી વિવેકાનંદ બને છે. સમયના સદુપયોગ અને ચારિત્ર્ય-નિર્માણ દ્વારા રાષ્ટ્ર-નિર્માણ કરવું તે સ્વામી વિવેકાનંદની સાચી પૂજા છે.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.