(પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારનું યુવા સંગઠન)

સ્વામી વિવેકાનંદે એક વખત હાકલ કરી હતી કે મને એક સો નચિકેતા આપો, હું દુનિયા બદલી નાખીશ. આ હાકલની પાછળ તેમની યુવાશક્તિમાં અપાર શ્રદ્ધા અને સંસ્કૃતિના વર્ધન સંવર્ધન માટે બધું જ ન્યોછાવર કરી દેવાનો યુવાશક્તિને એક પડકાર હતો, આહ્વાન હતું. આજે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રેરણા અને પથદર્શન દ્વારા ઊભા થયેલા કેવળ એક સો નહિ, પરંતુ નચિકેતા વૃત્તિના લાખો યુવાનોને મા સંસ્કૃતિના મ્લાન બની ગએલા વદનને ખુશીથી ખીલેલું બનાવવા માટે પોતાની તમામ શક્તિને કુરબાન કરી દેવા માટે થનગની રહેલા જોઈને સ્વામીજીનું હૈયું અંતરિક્ષમાં પણ અવશ્ય હરખાતું હશે.

પૂ. પાંડુરંગ શાસ્ત્રીજી પ્રેરિત સ્વાધ્યાય પરિવારની અનેકવિધ પ્રવૃત્તિની શ્રૃંખલાના એક તેજસ્વી મણકારૂપે Divine Brain Trust, કે જેને યુવાનો DBTના ટૂંકા નામથી વિશેષ ઓળખે છે, તે સંગઠનના છત્ર હેઠળ આજે ભારતભરના લાખો સ્વાધ્યાયી યુવાનો એક વૃત્તિના અને એક વિચારના બનીને સંસ્કૃતિના સંવર્ધન માટે કૃત નિશ્ચયી અને વચનબદ્ધ બનીને પોતાની શક્તિને કૃતિભક્તિના રૂપમાં તે જ કાર્યને સમર્પિત કરતા રહેલા છે.

DBT શું છે?

અનેક યુવાનો યોગ્ય વિચારોના અભાવે અવિશ્વાસયુક્ત, અંજપાયુક્ત, વહેમયુક્ત અને શંકાગ્રસ્ત માનસથી જીવન વિતાવતા હોય છે. તેઓ અનેક પ્રકારના સંઘર્ષો અને દ્વિધાઓથી વ્યથિત હોય છે. તેમને જો યોગ્ય વિચારો મળે તો તેમની બુદ્ધિ પ્રકૃષ્ટ, પ્રગતિશીલ અને સંવેદનશીલ બની શકે અને તેમ થવાથી યુવાનોમાં આત્મવિશ્વાસ વધે અને જીવન – વિકાસ સહજ બને.

યુવાનોમાં આત્મ વિશ્વાસ, પોતાની બુદ્ધિ ઉ૫૨નો વિશ્વાસ Brain Trust- નિર્માણ થતાં તેમની અનેકવિધ સમસ્યાઓનો ઉકેલ સહજ બને છે, સંધર્ષ સમયે પ્રતિકાર શક્તિ વધે છે, તેમની અંદર રહેલી આંતરિક શક્તિઓ ખીલતી જાય છે. અને તેમની કર્તૃત્વ શક્તિનું વર્ધન થાય છે.

પરંતુ યુવાન માત્ર બુદ્ધિશાળી બને અને તેની બુદ્ધિમાં તેનો વિશ્વાસ નિર્માણ થાય એટલું જ પૂરતું નથી. યુવાન બુદ્ધિનિષ્ઠ બની સદ્વિચાર દ્વારા સત્-પ્રવૃત્તિના પંથે લાગે તે પણ એટલું જ આવશ્યક છે. જો તેમ ન થાય તો નાવને મધદરિયે છોડી દેવા બરાબર છે. પ્રગલ્ભ બનેલી યુવાપ્રજ્ઞાને પ્રચલન માટે પ્રકૃષ્ટ પંથ મળવો જોઈએ. આ માટે તેની બુદ્ધિના વિશ્વાસને Brain Trust ને ઈશ્વરી સ્પર્શ મળવો જોઈએ. Brain Trust ને Divine બનાવવું જોઈએ. ‘Divine’ શબ્દમાં Duty, Determination, Discipline અને Dedication આવી જાય છે.

આ અર્થમાં Divine Brain Trust એટલે દૈવી વિચારોનું રખોપું, DBT એક અદ્ભુત યુવા સંગઠન છે.

જેમનો બુદ્ધિ અને વિચાર ઉપર ભરોસો છે, જેમના જીવનમાં બીજા કોઈનું નહિ, પરંતુ વિચાર અને બુદ્ધિનું શાસન છે, જેમના જીવનનાં પાયામાં ઈશનિષ્ઠા છે, જેઓ ભોગવાદ અને ભ્રાંત ઈશ્વરવાદને તિલાંજલિ આપી દૈવીજીવન નિર્માણ કરવાનો સંકલ્પ કરનાર છે, તેવા યુવાનોનું સંગઠન DBT છે. આ રાજકીય અથવા સામાજિક કે સાંપ્રદાયિક સંસ્થા નથી. આ યુવા સંગઠનમાં ઔપચારિક સ્વરૂપની સભ્યપદ ફી કે ચૂંટણીના સ્થાન નથી, એમાં પરિવારની ભાવના છે. સમાજના છેલ્લા ખૂણા સુધી દૈવી અને તેજસ્વી વિચારો પહોંચાડવા માટે પ્રયત્નશીલ આ વર્ગ છે. આ સંગઠનના પાયામાં ભાવ અને ભક્તિ છે અને તેમના કાર્યની જ્યોત છે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીની સતત હુંફાળી પ્રેરણા, તેમના વિચારો અને તેમનું જીવન.

DBT શા માટે?

આજે યુવાન અજંપો અનુભવી રહ્યો છે. યુવાશક્તિ સતત સંઘર્ષમાં પોતાની સિદ્ધિ ઝંખતી હોય છે. આ સિદ્ધિ મળતી નથી ત્યારે તે અજંપાનું રૂપ ધારણ કરે છે. અસફળતામાંથી ક્યારેક વિદ્રોહ પણ ઊભો થાય છે.

સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી ભારતીય સંસ્કૃતિનો અમર વારસો વિસરીને ભારતની યુવાપેઢીનું ઘડતર પાશ્ચાત્ય વિચારધારાને કેન્દ્રમાં રાખીને થવા લાગ્યું. ભારતના યુવાનોને મળ્યું કેવળ કારકુનો પેદા કરતું શિક્ષણ, આદર્શરહિત માર્ગદર્શન અને ધર્મ નિરપેક્ષતાના નાદમાં સ્વચ્છંદી આચરણ. વિકાસને ઝંખતો યુવાન વિલાસમાં પડી ગયો. અને યોગ્ય આદર્શોના અભાવે નાની નાની સફળતાઓના સંતોષમાં વ્યવસાયલક્ષી શિક્ષણમાં અને વિભિન્ન વાદોના વિવાદમાં યુવાશક્તિ વેડફાતી રહી. યુવાનોની સર્જનશક્તિ આક્રોશ, વિદ્રોહ અને અજંપામાં અંકિત થઈ ગઈ. જીવન વિકાસને મૂળભૂત સંસ્થાઓ (૧) મા-બાપ અર્થાત કુટુંબ (૨) સમાજ (૩) શિક્ષણ અને (૪) ધર્મમાંથી યુવાનોનો વિશ્વાસ ઊઠી ગયો. આ સંસ્થાઓને તેઓ સ્થાપિત હિતો ગણીને ફગાવી દેવા લાગ્યા. સત્તાલોલુપ, સ્વાર્થી રાજ્યકર્તાઓએ જુદાજુદા વાદોના નામે યુવાનોનાં શ્રદ્ધા-કેન્દ્રો, આસ્થાકેન્દ્રો પદ્ધતિસ૨ તોડી નાખીને યુવાનોને ધર્મ વિદ્રોહી બનાવ્યા.

આવી વિષમ અને કરુણ – દારુણ પરિસ્થિતિમાં યુવાનોનો હાથ ઝાલીને, યુવાનોની પીઠ ૫૨ હુંફાળો હાથ ફે૨વીને તેમને જીવન વિકાસના સાચા રસ્તા ઉપર દો૨વા માટે પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીએ DBTની સંઘટનાની પ્રેરણા આપી છે. DBTના માધ્યમથી યુવાનોની વિઘટિત શક્તિ સંગઠિત બને છે.

આજે યુવાનોના વિવિધ સ્વરૂપના ઘણાં બધાં સંગઠનો કામ કરતાં જોવા મળે છે. આવા સંગઠનોમાં યુવાનોને એકત્ર થવા પાછળના હેતુઓમાં મુખ્યત્વે (૧) મનોરંજનનો હેતુ (૨) આર્થિક સહાયનો હેતુ (૩) સમાજ સેવાનો હેતુ કે પછી (૪) રાજકીય પ્રવૃત્તિનો હેતુ આમાંથી કોઈ એકાદ હેતુ રહેલો હોય છે. જ્યારે DBT નો હેતુ મનોરંજનનો નહિ, પરંતુ મનોવિકાસનો, સમાજસેવાથી એક કદમ આગળ સમાજોન્નતિનો, આર્થિક મદદનો નહિ, પરંતુ આત્મગૌરવ વધા૨વાનો અને રાજકીય પ્રવૃત્તિના પ્યાદા ન બનતાં રાષ્ટ્રોન્નતિ માટે સમર્પણનો રહેલો છે.

DBT શું કરે છે?

દિવ્ય સ્પર્શથી દેદીપ્યમાન બનેલું આ સંગઠન –

(૧) યુવાનોને પ્રેમથી અને આત્મીયતાથી એકત્ર કરે છે. વિચાર વિનિમય દ્વારા યુવાનીનું મૂલ્ય સમજાવી યુવાનોમાં આત્મગૌ૨વ વધારે છે.

(૨) યુવાનોમાં ભારતીય સંસ્કૃતિ માટે પ્રેમ, આદર અને સમર્પણની ભાવના નિર્માણ કરે છે.

(૩) વિવિધ વિષયોની સાંસ્કૃતિક ચર્ચા વિચારણાથી બૌદ્ધિક શંકા-કુશંકાઓ, પૂર્વગ્રહો, દુરાગ્રહો, ભ્રાંત માન્યતાઓ દૂર કરે છે.

(૪) સારા મિત્રોની સોબત અને યોગ્ય વાતાવરણ પૂરું પાડીને કુટેવો, વ્યસનો, વિલાસી જીવનપદ્ધતિમાંથી સહજપણે છૂટકારો આપે છે.

(૫) પ્રે૨ક વાચન, ધ્યેયપૂર્ણ કાર્ય, સારા મિત્રોનો સહવાસ અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં યુવાનોને પ્રેમથી રત રાખીને તેમની નવરાશની પળોનો જીવન-વિકાસ માટે ઉપયોગ કરે છે.

(૬) યુવાનોને આત્મવિશ્વાસયુક્ત, સુવિચારોયુક્ત, નિઃશંકબુદ્ધિના અને સંયમથી સ્થિર બનાવીને સાંસ્કૃતિક પુનરુત્થાનના કાર્યમાં કટિબદ્ધ બનાવે છે.

આ સંગઠનનો વિકાસ

ઈ. સ. ૧૯૭૧માં DBT જેવા સંગઠનની શરૂઆત થઈ ત્યારે માંડ ૪૦ થી ૫૦ યુવાનો સક્રિય હતા. આ સક્રિય યુવાનોએ પૂ. પાંડુરંગ શાસ્ત્રીજીની પ્રેરણાથી સમાન વયના યુવાનોનો સંપર્ક સાધવાનું શરૂ કર્યું, મૈત્રી વધારી, મિટિંગો, પર્યટનો, સંગીત સંધ્યાના કાર્યક્રમો, યુવા સંમેલનો, રમતગમતો, વગેરે દ્વારા ભારતમાં અને પરદેશમાં હજારો યુવાનોને સક્રિય કર્યા.

આજે તો DBT ની સંગઠતાનો કુમળો છોડ પાંગરતા પાંગરતા વટવૃક્ષ જેવો બની ગયો છે અને તેની જુદી જુદી શાખા-પ્રશાખાઓ દ્વારા સમાજના પ્રત્યેક યુવાનની ચેતનાને સ્પર્શી રહ્યો છે આજે તો (૧) ભાઈઓનું DBT (૨) બહેનોનું DBT એવાં બે સંગઠનો પ્રવૃત્ત છે. કૉલેજમાં જતા યુવાનો માટે (૧) જુનિયર DBT અને કૉલેજકાળ પૂરો કરીને કારકીર્દિમાં આવેલા યુવાનો માટે (૨) સિનિયર DBT અને (૩) ગામડાના તેમ જ શહે૨ના કૉલેજમાં ન જતાં યુવાનો માટે ભાઈઓ તેમ જ બહેનોનાં યુવા કેન્દ્રો પ્રત્યેક શહેર અને ગામડામાં વ્યવસ્થિત રીતે ચાલે છે.

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.