સ્વસ્તિક પરિવાર દ્વારા અમદાવાદમાં એક અંગ્રેજી માધ્યમની અને બે ગુજરાતી માધ્યમની શાળાઓ સંચાલિત થાય છે, ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનનું પણ સંચાલન આ પરિવાર કરે છે. તેના નિયામક શ્રી ચંદ્રપ્રસાદ રા. પાઠક અહીં પોતાના અનુભવોના આધારે, શૈક્ષણિક સંસ્થાઓમાં સિદ્ધિઓ હાંસલ કરવા માટે દૈનિક પ્રાર્થના અને ધ્યાન કેટલાક મહત્ત્વના છે, તેનું વિવેચન કરે છે. -સં.

વિદ્યાર્થીના સર્વતોમુખી વિકાસ માટે અત્યંત જરૂરી છે: Assembly. બધા દરરોજ એક સમુદાયમાં એકઠા થાય અને સમૂહ પ્રાર્થના, સમૂહ ધૂન વ.માં જોડાઇ સુવિચાર પર વક્તવ્ય વ. રજૂ કરે. દરેક શાળામાં ઍસેમ્બલી હૉલ અને સમૂહ પ્રાર્થના વ. પ્રવૃત્તિ ફરજિયાતપણે થવા જ જોઈએ. સ્વસ્તિકની શાળાઓમાં પ્રાર્થના દરમિયાન બધા સમૂહમાં ઊંડા શ્વાસ સાથે, ધ્યાનસ્થમુદ્રામાં ત્રણવાર ॐકારનો મંત્ર ધ્વનિ લયબદ્ધ રીતે ઉચ્ચારે છે, ત્યારબાદ ગાયત્રી મંત્રનું સ્પષ્ટ ઉચ્ચારો સાથે ગાન થાય છે. એ પછી દૈનંદિન ક્રમ પ્રમાણે જુદી જુદી સંસ્કૃત પ્રાર્થનાઓ ગવાય છે અને ગુજરાતી – હિંદી કવિઓના ભક્તિગીતો મધુર સૂરાવલીઓ સાથે વાજિંત્રોના સાથમાં રજૂ કરાય છે. પછી રામાયણની ચોપાઇઓ ગવાય છે. અંતે રોજે જુદી જુદી ધૂનો ગવાય છે. આની ચમત્કારિક અસર જોવા મળે છે. આનાથી મન શુદ્ધ થાય છે અને વિચારોની સ્પષ્ટતા આવે છે. પ્રાર્થના વૃત્તિઓનું શુદ્ધિકરણ (Purification) અને ઉદાત્તીકરણ (Sublimation) કરે છે. ડસ્ટરથી બ્લેકબોર્ડ સાફ થાય તેમ પ્રાર્થનાથી મન સાફ થાય છે. પ્રાર્થના દરમિયાન ટૂંકી ધ્યાનાવસ્થા સિદ્ધ થાય છે. આનાથી મગજનો અડધો જમણો ભાગ (Right half of the brain) ઉત્તેજિત અને સક્રિય થાય છે. Unconscious mindમાં સ્મૃતિનો અસાધારણ સંગ્રહ (recollection) થાય છે. ઘણી અપ્રકટ શક્તિઓ પણ પ્રકટ થાય છે. અમારી શાળાઓમાં સંસ્કૃત ભાષા પર ખૂબ મહત્ત્વ અપાય છે. બધા જ વિદ્યાર્થીઓ સંસ્કૃત મંત્રો, સ્તોત્રો વ. કંઠસ્થ કરે છે અને તે સમૂહ પ્રાર્થનામાં એક સાથે ગાય છે. સંસ્કૃત મંત્રોચ્ચારથી અકલ્પ્ય શક્તિ પ્રગટ થાય છે તે તો હવે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી બાબત છે.

દેવો સાથે જોડાવા દેવોની ભાષાનો જ ઉપયોગ કરવો પડે. અમુક ‘ફ્રીકવન્સી’ ૫૨ અમુક રેડિયો સ્ટેશન પકડાય એમ ‘દેવો’ સાથે સંપર્ક સાધવા સંસ્કૃત ભાષા – સંસ્કૃત મંત્રોચ્ચાર જરૂરી બને. પ્રાર્થનાથી માનવી દેવ બની શકે છે. માનવીને ‘મહામાનવ’ બનાવવા પ્રાર્થના નિતાન્ત જરૂરી છે. આ માટે સંસ્કૃત ભાષાનું અદ્વિતીય પ્રદાન છે. સ્વસ્તિક પરિવારની શાળાઓમાં સંસ્કૃત ફરજિયાત છે અને દરેક વિદ્યાર્થીને સંસ્કૃત વાંચવા – બોલવા માટે પ્રોત્સાહિત કરાય છે. આનાથી તે વિજ્ઞાન – ગણિતમાં પણ વધુ ગુણ લાવી શકે છે. અમારી શાળાઓનું બોર્ડનું પરિણામ ૧૦૦% આવે છે. મોટાભાગના વિદ્યાર્થીઓનો ફર્સ્ટક્લાસ હોય છે. દસમા અને બારમા ધોરણની પરીક્ષાઓમાં મહદંશે બે – ત્રણે વિદ્યાર્થીઓ તો પહેલાં દસમાં આવે છે. અમારી શાળાઓના અનેક વિદ્યાર્થીઓ દેશ – વિદેશમાં અનેક હોદ્દાઓ પર અગ્રગણ્ય સ્થાન ભોગવે છે.

શાળામાં સામુદાયિક કાર્ય (Teamwork)નું ઘણું જ મહત્ત્વ છે. અધ્યયનની અમુક બાબતો ‘સાથે’ ગ્રહણ કરવાથી વધુ સારી રીતે આત્મસાત્ કરી શકાય છે. અમારી શાળાઓ સમૂહ પ્રાર્થના, સમૂહ ચર્ચા વ. વારંવાર યોજે છે, જેથી વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ સાધી શકે છે. આજે તબીબીવિજ્ઞાને પણ ‘ગ્રુપ થેરેપી’ને ઘણી અસરકારક બતાવી છે. ‘ટીમ વર્ક’માં બધાની શક્તિ અને પ્રતિભા એકસાથે સંગ્રહિત થાય છે એટલે અસરકારક પરિણામ નિપજાવે છે.

વિદ્યાર્થીમાં સર્વાંગી વિકાસ સાધવા જરૂરી છે : આત્મ -નિર્ભરતા (Self – reliance) અને આત્મ – સંયમ (self – restraint). સમૂહ પ્રાર્થનાથી વિદ્યાર્થીમાં આત્મ નિર્ભરતાનો ગુણ વિકસે છે. તેમાંથી તેનામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાય છે. તે મનની શાંતિને ઉપલબ્ધ થાય છે. રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે ‘Quiet may be imposed by outside compulsion for a time but peace comes from the inner spirit’ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહેવાયું છે – ‘आत्मवश्यैः विधेयात्मा प्रसादमधिगच्छति’… જેણે પોતાની ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખ્યાં હોય તેવો વિધાયક આત્માવાળો માનવી ચિત્તની પ્રસન્નતાને પામી શકે છે.

Total Views: 356

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.