સુપ્રસિદ્ધ કેળવણીકાર શ્રી પ્ર. ત્રિવેદીએ આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષકના આદર્શ વિષે ઘણું બધું કહી નાખ્યું છે. – સં.

આદર્શ શિક્ષક એટલે ઉદાત્ત શિક્ષક. ‘ઉદાત્ત’ એટલે ભવ્ય, ઉચ્ચ, ઉત્કૃષ્ટ, ઉન્નત, ઉદાર, ઉત્તમ – આ બધાં વિશેષણોનો સરવાળો એટલે ઉદાત્ત, ઉચ્ચતા તરફ, ઉત્કૃષ્ટતા તરફ, ભવ્યતા તરફ, ઉદાત્તતા તરફ જે સદાય ગતિશીલ હોય તે આદર્શનો આરાધક. આદર્શનો આરાધક હોય તેને જ શિક્ષક થવાનો અધિકાર છે.

વાજિંત્રના સ્વરો અને સપ્તકો મર્યાદિત હોય છે. જીવનના ઉચ્ચતર સ્વરો અને સપ્તકોના સંગીતના સામંજસ્ય અર્થે અસ્તિત્વની અભિવ્યક્તિના સ્વરોની સંવાદિતા સાધનારો શિક્ષક તે ઉદાત્ત શિક્ષક – આદર્શ શિક્ષક.

‘આદર્શ શિક્ષક’ની સંકલ્પનામાં આદર્શ શબ્દ કોઈ બીબાઢાળ શિક્ષકની વિશેષતાઓ સૂચવતાં વિશેષણનો નિર્દેશ કરતો નથી, એવો સ્વીકાર કરીને આપણે આગળ ચાલીશું. કોઈ બે આદર્શ શિક્ષકો એક સરખા જ હોય એમ માનવું યોગ્ય નથી. પ્રત્યેક આદર્શ શિક્ષક એક વિલક્ષણ વ્યક્તિત્વ – પોતીકું વ્યક્તિત્વ ધરાવનાર, પોતાની જ આગવી દૃષ્ટિ ધરાવનાર હોય એ સત્ય આદર્શ શિક્ષકની સંકલ્પનામાં અભિપ્રેત છે.

પોતે કંડારેલા પોતાના જીવનના માર્ગ ઉપરના આદર્શને આંબવા પ્રત્યેક આદર્શ શિક્ષક પોતાની આગવી પદ્ધતિએ આગળ ધપશે અને છતાં કેટલીક પાયાની વિશેષતાઓ સમાન રહેશે અથવા એવી વિશેષતાઓની વચ્ચે સમાનતા રહેશે, એ સમાન વિશેષતાઓનો સમાવેશ આદર્શ શિક્ષકની વિભાવનામાં કરવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

શિક્ષકના વ્યક્તિત્વમાં તેના મનની સુંદરતા ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઍથૅન્સના રૂપાળામાં રૂપાળા ગ્રીક યુવકો જેને કદાચ વિશ્વની કેળવણીના ઇતિહાસમાં કદરૂપામાં કદરૂપો શિક્ષક કહી શકાય એવા સૉક્રેટિસ તરફ, અહોભાવથી જોતા. સૉક્રેટિસની જે અર્ધપ્રતિમા પ્રાચીન ગ્રીક શિલ્પની ખંડિત મૂર્તિઓ પૈકી સાંપડી છે તે પ્રમાણે તો ટાલિયા માથાવાળું ગોળમટોળ ખરબચડું મોં અને વધારે પડતું પહોળું અને બૂરું નાક ભાગ્યે જ કોઈને આકર્ષી શકે; પરંતુ જડ પથ્થરની એ જડ વિગતોની પાછળ પ્રતિબિંબિત થતી સૉક્રેટિસની માનવસહજ ભલાઈ અને નરી સરળતા તેના શિષ્યોનું ચિત્ત ચોરી લેતી.

કાળની અટારીએથી આપણને સૉક્રેટિસનું જે અમર ચિત્ર સાંપડ્યું છે તે એક ગરીબ છતાં ચિંતારહિત, ભયરહિત, મુક્ત શિક્ષકનું મુક્ત ચિંતકનું ચિત્ર છે.

ત્રેવીસસો વર્ષ પૂર્વેના એ ગ્રીક શિક્ષક પછી ઇતિહાસની આરસીમાં એક રોમન શિક્ષક દેખા દે છે. એ છે સૅનૅકા. કાયદાનો એ પંડિત હતો અને છતાં આજે જ્યારે આપણા દેશમાં શિક્ષણ વ્યાપારી દૃષ્ટિનું બની ગયું છે ત્યારે આંચકો આપે તેવું, પણ ખરેખર પ્રેરક થઈ પડે તેવું તેનું પેલું પ્રખ્યાત વિધાન યાદ કરી જવા જેવું છે :

‘I respect no study and deem no study good which results in money-making.’

(જે શિક્ષણનું પરિણામ પૈસાની પ્રાપ્તિમાં રહેલું છે તેવા શિક્ષણને માટે હું નથી આદર ધરાવતો, હું તેવા શિક્ષણને નથી તો સારું ગણતો;) પરંતુ શિક્ષણનું પરિણામ સંસ્કારિતા હોય તે વાત ઉપર વિશ્વભરના તમામ યુગના કેળવણીકા૨ોએ ભાર મૂક્યો છે. સિસેરોનો સૂત્રાત્મક સુવિચાર ‘Cultivation is as necessary to the mind as food is to the body.’ (શરીરને જેટલી ખોરાકની જરૂર તેટલી જરૂર મનને સંસ્કારિતાની છે) એ વાતનું પ્રતિપાદન કરે છે.

સિસેરોના જમાનામાં શિક્ષણ એ શિક્ષકપક્ષે રાષ્ટ્રને મહામૂલું પ્રદાન લેખાતું. એણે તો કહેલું છે : ‘What greater gift can we offer to the State than if we teach and train up youth?’ (યુવાન પેઢીને ભણાવીએ અને તાલીમ આપીએ તેના કરતાં વધારે મોટી બક્ષિસ આપણે રાષ્ટ્રને ચરણે બીજી કઈ ધરવાના હતા?)

શિક્ષણ એટલે શ્રેષ્ઠ રાષ્ટ્રસેવા

સિસેરોનો આ પ્રશ્ન એક બાબતની ઘણી મહત્ત્વની સ્પષ્ટતા કરે છે; શિક્ષકનું કાર્ય બે વિશાળ ધ્યેયોને પહોંચી વળવાનું છે. એક તો શીખવવાનું અને બીજું (જીવનની તાલીમ આપવાનું. આજે આપણા દેશમાં શિક્ષણ જ્યારે અભ્યાસક્રમ પૂરતું સીમિત બની ગયું છે ત્યારે બે હજાર વર્ષનો ભૂતકાળ વીંધીને સિસેરોના શબ્દો આપણા કાનમાં અને હૃદયમાં પણ પહોંચી જાય છે.

સિસેરો, સૅનૅકા અને સૉક્રેટિસની પહેલાં એક હજાર વર્ષે અબ્રાહમ અને મોઝિઝના યુગની ઈશ્વરદત્ત દસ આજ્ઞાઓ જેવી વેધક આજ્ઞાઓ લગભગ એ જ યુગના ભારતીય શિક્ષકો-ગુરુઓ શિષ્યોને આપતા : सत्यं वद। धर्म चर। स्वध्यायान्या प्रमदः। सत्यान्न प्रमदितव्यम्। धर्मान्न प्रमदितव्यम्। સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર્ય એ ભારતીય શિક્ષણનાં દૂરગામી ધ્યેયો છે. આ ધ્યેયો તરફ નિષ્ઠાપૂર્વક વળવાની – ગતિશીલ રહેવાની પ્રેરણા આપે તે આદર્શ શિક્ષક.

આપણે શિક્ષણને પરીક્ષાલક્ષી બનાવી દઈને એક અક્ષમ્ય અલગતાવાદ ઊભો કર્યો છે. અંગ્રેજ પ્રાધ્યાપક Cavanagh કહે છે તેમ ‘Education is after all, one house, however many mansions it may contain in the world today, there is no place for isolationism’

(છેવટે તો શિક્ષણ એક મકાન છે. જેમાં ગમે તેટલા આવાસ હોઈ શકે; આજના જગતમાં અલગતાવાદ માટે કોઈ સ્થાન નથી. – કેવેનેગ)

પરીક્ષાલક્ષી શિક્ષણપ્રણાલિકાથી દેશને આજે જે મોટામાં મોટું નુકસાન થઈ રહેલું છે તે એ છે કે, આદર્શ શિક્ષકો ઊભા કરવાનું કામ આજના શિક્ષણના ગજા બહારનું બની ગયું છે; તેથી અધ્યાપન સંસ્થાઓ સામે આજે એક અભૂતપૂર્વ પડકાર ઊભો થવા પામ્યો છે.

શિક્ષક તો પોતાની જાતને સદા નિહાળતો રહે, અંદરથી તપાસતો રહે, આત્મનિરીક્ષણ કરતો રહે. સોક્રેટિસે કહ્યું હતું : ‘Gnothi seauton’ (સ્વ-આત્મનો જ્ઞાતા થા)

બાળકને આગળ ધસવાની ઉતાવળ છે. એને એની ગતિએ, તેની પાછળ રહીને-પ્રેરી-પ્રોત્સાહન આપીને તેના ધ્યેય તરફ આગળ ધપતો કરવાનું કામ શિક્ષકનું છે.

શિક્ષકનું શિક્ષકત્વ શિક્ષકત્વનો આદર્શ સિદ્ધ કરે તેવું હોવું જોઈએ. શિક્ષકત્વનું એક સમીકરણ રચવાનો પ્રયત્ન કરીએ; શિક્ષકત્વ = મનુષ્યત્વ + દેવત્વ. માનવીપણામાં દેવપણું ભળે, મનુષ્યમાં જ્યારે દિવ્યતાનો સંચાર થાય ત્યારે માનવી માનવ કરતાં થોડો આગળ વધીને શિક્ષક બની શકે.

ઊગતી પેઢીને માટે શિક્ષકનું કામ એક પરિવર્તકનું છે, પ્રોત્સાહકનું છે, અભિસ્થાપકનું છે, શોધક અને ચિંતકનું છે. પ્રવર્તકનું છે, પરિવ્રાજકનું છે.

********

કેળવણી બે પ્રકારની છે – એક કેળવણી માણસની માણસાઈ લઈ લે છે, બીજી માણસને માણસાઈનું ભાન કરાવે છે. એક માણસને મદમાં ચકચૂર કરે છે, બીજી માણસને તેના ધર્મ પ્રત્યે જાગ્રત કરે છે. આ બીજી તે સાચી કેળવણી.

-સરદાર વલ્ભભાઈ પટેલ

********

બાળકમાં સર્વોચ્ચ પ્રકારની સંવેદનશીલતા પ્રગટાવે એ કેળવણી.

-જે. કૃષ્ણમૂર્તિ

********

કેળવણીનો ઉદ્દેશ મનુષ્યને સત્યનિષ્ઠ બનાવીને, એ દ્વારા તેને સત્યનારાયણનો અનન્ય ઉપાસક બનાવવાનો છે. જન્મથી અલ્પજ્ઞ, અસમર્થ અને વિકારવશ એવા મનુષ્યપ્રાણીને પોતાનું જીવન વિશુદ્ધ અને સર્વસમર્થ કરી સત્યનારાયણને ચરણે અર્પણ કરતાં શીખવવું એનું નામ કેળવણી.

-કાકા કાલેલકર

Total Views: 236

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.