શ્રી દિલીપભાઇ રાણપુરા પ્રતિભાસંપન્ન વાર્તાકાર, નવલકથાકાર અને કટારલેખક છે. એટલું જ નહીં તેઓ પ્રાથમિક શાળામાં શિક્ષક અને આચાર્ય પણ રહ્યા છે. એમણે લખેલાં કેટલાંક રેખાચિત્રોમાં એક પ્રાથમિક શિક્ષક શૂન્યમાંથી કેવું સર્જન કરી શકે તેની વાત ચિત્રાત્મક રીતે રજૂ કરી છે. આજે એકવીસમી સદીના શિક્ષણ માટે આવા કરશનદાસોની જ જરૂર છે. -સં.

ખડકીની સાંકળ ખખડતાં પહેલાં તો લાગ્યું કે પવનને કારણે આ અવાજ આવ્યો છે, પણ ફરી થોડી વારે ખખડી ત્યારે થયું કે કૂતરું કે બકરું માથા મારતું લાગે છે. એટલે તંદ્રામાં પણ ચાલતા ચિંતનમાં વિક્ષેપ પડ્યો અને તંદ્રા ઊડી ગઈ, ત્યાં ત્રીજી વાર સાંકળ ખખડવાની સાથે ધીમો સાદ આવ્યો, ‘કરશનદાસ…’

પોતાના નામનો સાદ સાંભળતાં થયું, નથી પવનને કારણે ખડકી ખખડી કે નથી કોઈ કૂતરાએ કે બકરાએ માથું માર્યું, પણ કોઈ માણસનો અવાજ છે. તંદ્રા અને ચિંતન ઊડી ગયાં. કરશનદાસ પથારીમાં બેઠા થતા વિચારવા લાગ્યા ‘કોણ આવ્યું હશે આટલી મોડી રાતે? તે સાદ ઓળખાતો નથી.’ તેમણે ઘડિયાળમાં જોયું. પોણાબાર થયા હતા. તેઓ ફળિયામાં આવ્યા. અટકીને અંદરથી વાસેલી સાંકળ અને આગળિયો ઉઘાડ્યાં ને જોયું તો સામે કાટકડાના શિક્ષક- હાથમાં થેલી. તેમણે એમને આવકારી અંદર લીધા. પાણી પાયું. જમવાનું પૂછ્યું. ના કહી એટલે ચા બનાવરાવી. એ દરમિયાન થોડી વાતો થઈ. શિક્ષકે થેલીમાંથી ચોપડા કાઢી કહ્યું: ‘તમારો કામગીરી ફેરફાર કાટકડા થયો છે…’

‘જાણું છું…’

‘તમે હાજર થવાના છો?’

‘હા… પણ એટલી બધી ઊતાવળ નથી.’

‘પણ મારે ઉતાવળ છે. તમે અત્યારે જ ચાર્જ લઈ લો… જે ગણવું સંભાળવું હોય તો કામ કાટકડા જઈને ગણી સંભાળી લેજો. ખૂટતી ચીજ-વસ્તુનું વાંધાપત્રક પણ ભરી દેજો. હું તેના પૈસા ચૂકવી આપીશ…’ શિક્ષક એક શ્વાસે બોલી ગયા.

‘પણ સવાર પડવા દો, નિરાંતે સૂઈ જાઓ અત્યારે.…’ કરશનદાસે કહ્યું.

‘મને ઊંઘ નહિ આવે… ને આમેય તમારે નૈળ જવું પડે છે. રોજ આવવા જવાના ચોવીસ કિલોમિટરનો પંથ સાઇકલ પર કાપવો પડે છે…’

‘જાણું છું. કાટકડા તો ત્રણેક કિલોમિટર થાય, એટલે તો દોડવું’તું ને ઢાળ મળ્યાં જેવું છે માટે માટે…. હું ખાતરી આપું છું, સવારે સહીઓ કરી આપીશ…’ કરશનદાસે કહીને શિક્ષકના ચહેરા સામે જોયું. તેમની આંખમાં બેચેની જોઈ તેમને થયું, આટલી મોડી રાતે આવનાર કેટલી મોટી આશાઓ, કેટલી બધી ગણતરીઓ કરીને આવ્યા હશે! અને તરત જ વળતી પળે કહ્યું: ‘લાવો ચોપડા, લાવો ચાર્જ લિસ્ટ. મારે કશું ગણવું – સંભાળવું નથી કે વાંધાપત્રક ભરવું નથી. હું અત્યારે જ સહી કરી આપું છું…’ ને કરશનદાસથી અચાનક ઘડિયાળ સામે જોવાઈ ગયું, બારને દસ થઈ હતી. તેમણે સહીઓ કરવા માંડી ત્યારે મનમાં વિચાર પણ આવ્યો : ભારતને આઝાદી રાતે બાર વાગે મળી હતી… એમ આ શિક્ષકને પણ રાતના બાર વાગે કાટકડામાંથી મુક્તિ – આઝાદી મળે છે…

સવારે તો બંને છૂટા પડ્યા. કરશનદાસ કાટકડા ગયા.

કાટકડાનો ઇતિહાસ કરશનદાસ જ નહિ, આસપાસનો આખો પંથક જ નહિ, પણ ભાવનગર જિલ્લાની પોલીસ કચેરી પણ જાણતી હતી. તે એક કુખ્યાત ગામ હતું. ત્યાંનો દારૂ આખા જિલ્લામાં પહોંચતો. મુખ્ય વસતી આહિરની, તેઓ ખેડૂત. પણ ખેતી કરવા કરતાં વધુ ધ્યાન દારૂ પીવામાં ને ગાળવામાં. થોડા કોળી પટેલો પણ ખરા. તેઓ બધા ખેતમજૂરો. જમીન મોટા ભાગની ખેડ્યા વગર, વાવ્યા વગરની રહેતી. ને એને કારણે ફળદ્રુપતા ઘટતી જતી અને ખરાબો બનતી જતી. પણ એની કોઈને ચિંતા નહોતી. ગામમાં ન કોઈ હરિજન કે ન કોઈ ભંગી. ઢોર મરી જાય ત્યારે ગામલોકો જ ઢસડીને બાજુના ગામની સીમમાં નાખી આવે ને ત્યાંના ચમારો ઉપાડી જાય. શાળાની સ્થાપના ૧૯૫૬માં થઈ હતી. પાંચસોએક માણસની વસતીનું ગામ. શાળાનો પાકો ઓરડો, શિક્ષક પણ ખરા. પણ વિદ્યાર્થી એકેય નહિ. રજિસ્ટર પર સંખ્યા હોય, ખાતામાં શિક્ષકનું નામ બોલે, દ૨ મહિને જિલ્લા તાલુકાની ઑફિસે નિયમિતપણે શાળાની માહિતીના પત્રકો પહોંચે, શિક્ષકને પગાર પણ મળે, પણ શિક્ષક હાજર ન હોય… મહુવા તાલુકાનું છેલ્લું ગામ કાટકડા અને ભાકડા, ગામ ફરતાં બાવળ-ઝાળાના ઝૂંડ. ગામમાં દાખલ થાવ ત્યારે જ ખબર પડે કે ગામ આવ્યું.

કરશનદાસ શાળાના મકાન તરફ વળ્યા. એક નાની કેડી જ. બંને બાજુ બાવળ-જાળાં, સાચવીને ન ચલાય તો કપડાં ભરાય, ચંપલ પહેર્યા હોય તોય નીચે પડેલા કાંટા ભોંકાય. એટલે કરશનદાસ જાળવીને ચાલે. તેમને આ કેડીમાં પણ કશીક સુંદરતા લાગતી. આસપાસની ઝાડીમાં કોઈક રમણીય વનરાજીનાં દર્શન થતાં. કેડી એક દિવસ રાજમાર્ગ બની જશે, જો આમ અહીં ચાલતા રહેવાય તો બાવળના કાંટા ખરી પડશે અને ત્યાં કોઈ ફૂલ, કોઈ ફૂલ છોડ ઊગી નીકળશે…પણ એ માટે મથવું પડે, ચાલવું પડે, કાપવું પડે આમ વિચાર કરતા તેઓ શાળાના મકાન પાસે પહોંચ્યા. સાવ અવાવરુ મકાન, ધૂળ કસાર પડેલા, જાળાં બાઝી ગયેલા. તેમણે તાળું ખોલ્યું. કમાડ ઉઘાડ્યું. વાસી હવા બહાર નીકળવા દીધી ને બાવળ-જાળને સ્પર્શીને આવતી હવા ઓરડામાં પ્રવેશી. ગમે તેવી હોય વનસ્પતિ, માટીમાંથી ઊગેલી વનસ્પતિ. તેની પણ એક મહેક હોય છે. માદક નહિ તો તૂરી પણ વનસ્પતિની કુદરતની મહેક. તેઓ ઓરડામાં ગયા. બારી ખોલી. બારીના સળિયામાંથી પછી તે ઉગેલા બાવળની ડાળી અંદર ઘૂસી આવી. આ પણ કેવું સ્વાગત! કોઈ માણસ નહિ, કુદરતે કરેલું સ્વાગત.. તેઓ પછીતની બારીમાંથી બહાર જોઈ રહ્યા. બાવળ હતા પણ લીલાંછમ્મ… એટલે આંખ ઠરી… તેમણે ટેબલનું ખાનું ઉઘાડ્યું… તો અંદરથી વિદ્યાર્થી અને શિક્ષકના હાજરીપત્રકના સાથે વીંછી પણ નીકળી આવ્યો. તેમણે વીંછીને કાગળ પર ચડાવ્યો ને પછી બારી બહાર ફેંકી દીધો. શિક્ષકનું હાજરીપત્રક ખોલી પોતાનું નામ લખી સહી કરી. જ્યાં વિદ્યાર્થીનું હાજરીપત્રક ખોલે છે ત્યાં શાળાના ઓરડાના એક ખૂણામાં નજર પડી. ત્યાં સાપ હતો… કરશનદાસ થડક્યા નહિ, દોડ્યા નહિ, ધીમા પગલે બહાર નીકળ્યા… સાપ પણ બહાર નીકળી કેડીએ ઉગેલા બાવળ–જાળાના ઝૂંડમાં ભરાઈ ગયો.

વિદ્યાર્થીનું હાજરીપત્રક જોયું. તેમાં સાત નામ હતાં. તેમાંય ત્રણ નામ તો બદલી પામેલા શિક્ષકનાં સંતાનોનાં હતા. સંખ્યા ટકી રહે ને પોતાનાં સંતાનો પોતાના ગામ રહી ભણે ને પરીક્ષા અહીંના વિદ્યાર્થી તરીકે આપે એટલા પૂરતાં જ તે નામ દાખલ કરેલાં. ને ચાર નામ ગામના આહિર કોળીના છોકરાના હતાં, પણ એકેય શાળામાં આવતાં નહિ… પણ મહિને એક વખત આવતાં શિક્ષક હાજરી પૂરી લેતા. વર્ષે પરીક્ષા લેવાઈ જતી. ગામ લોકો ક્યારેય ફરિયાદ કરતા નહિ કે શિક્ષક અહીં આવતા નથી. કેળવણી નિરીક્ષક વર્ષમાં એકાદ વખત આવે ત્યારે શિક્ષક હાજર હોય એવું બને નહિ. શાળા બંધ કરવાની ભલામણો થઈ. ને સાથે કાટકડા શિક્ષકો માટે સજાના ગામ તરીકે પણ પંકાવા લાગ્યું. પણ ગામ તરફથી ક્યારેય શિક્ષકને કોઈ હેરાન ન કરે. તેને અપમાન લાગે તેવું વર્તન પણ ન કરે ને શિક્ષક બરાબર સમજે કે આપણે કાંઈ સમાજસુધારક નથી. એટલે ગામને સુધારવાને બદલે આપણી રોજી સચવાયેલી રહે તે રીતે રહેવું. ગામને પણ એ જ ગમે. મોસમે શિક્ષકને તલ, મગફળી, કઠોળ મળી રહે. એક શિક્ષક તો ખાસ છાશ લેવા જ આવે. એક દિવસ કેળવણી નિરીક્ષકે ગામના સરપંચને કહેલું: ‘તમે શિક્ષક વિરુદ્ધ એક ફરિયાદ લખી આપો.’

‘પણ હું ભણ્યો જ છું ક્યાં?’

‘અંગુઠો ચાંપી આપજો.’

‘શું લેવા?’

‘શિક્ષકને સજા કરવા.’

‘સાહેબ, કોઈના રોટલાને અમે પાટુ ન મારીએ.. સરકાર પગાર આપે છે એમાં અમને શું વાંધો? કોઈના પેટ પર જવું એ તો પાપ છે…’

અને શાળા બંધ કરવાનો નિર્ણય લેવાયો ત્યાં જ કરસનદાને નૈળથી કાટકડા કામગીરી ફેરફાર મળ્યો. કટાકડાથી રાણીવાડા ત્રણેક કિલોમીટર પણ કાટકડાની બધી પરિસ્થિતિથી વાકેફ એટલે અખતરા ખાતર પણ કાટકડાનો કામગીરી ફેરફાર તેમણે સ્વીકાર્યો.

આમ તો કરશનદાસને વારસામાં લુહારી કામનો વ્યવસાય મળ્યો હતો. દાઠાની સ્કૂલમાંથી આઠમા ધોરણનો અભ્યાસ પડતો મૂકી તેઓ પણ કુહાડી, કોદાળી, કોશના પગના કાઢતા દાતરડા કકરાવતા. પણ જોઈએ તેવું કૌશલ પ્રાપ્ત થતું નહોતું. એટલે ફરી કૉલેજના પ્રૉફેસર થવાનું સ્વપ્ન લઈને ભણવાનું શરૂ કર્યું. પણ એમ ન થઈ શક્યા… પણ પ્રાથમિક શિક્ષક બની ગયા. કાટકડાની શાળામાં આવ્યા. એક પણ વિદ્યાર્થી વગર તેમને અમૂંઝણ થયા કરે, ત્રણ દિવસ તો તેઓ એકલા બેસી રહ્યા, ત્યારે કવિતાઓ સાંભળી હતી. મેઘાણીની ‘ઘણ રે બોલે ને…’ કવિતા વારંવાર સાંભળે.

બાળ મારાં માગે અન્ન કેરી દેગ
દેવે કોણ દાતરડું કે તેગ…..

ને પછી બીજી પંક્તિઓ ગણગણે ને થોભે મોટા સાદે બોલેઃ

ઘડો સૂઈ-મોચીના સંચ બો.વા;
ઘડો રાંક રેટુંડાની આશે….

ને એમ કરતાં ચાનક ચડે.
ભાઈ, મારા લુવારી ભડ રે’જે,
આજ છેલ્લી વેળાના ઘાવ દેજે…

આ પંક્તિનું ગુંજન થયું ને તેઓ જાગૃત થઈ ગયા… એક પણ વિદ્યાર્થી શાળામાં ન આવે તો મારા શિક્ષકત્વને પડકાર છે. જે હાથ ઉત્પાદન આપતાં ઓજારો ઘડવા સર્જાયા છે, એ હાથમાં ચોક પકડાયો છે, ચોપડી ઝીલાઈ છે. હાથ અને હૈયાને કામે લગાડવાં જોઈએ. તેમણે ચોથે દિવસે ગામના આગેવાનોનો સંપર્ક સાધ્યો. બાલુભાઈ ગોર, બદરૂભાઈ, ઓઢાભાઈ, જગુભાઈ, ભૂરાભાઈને મળ્યા, સમજાવ્યા, ત્રણ-ચાર દિવસની સમજાવટને અંતે આઠ વિદ્યાર્થી આવ્યા. તે બધા જ નવા… ગામને આશ્ચર્ય થાય તો અઘામું પણ લાગે. કોઈક કહે પણ ખરું; ‘માસ્તર શું લેવા ધક્કો ખાવ છો… નિરાંત કરો રાણીવાડામાં… ચોમાસાના દિ’ છે. પાણીની પાર (મોટો પહોળો વોંકળો) વાટમાં આવે. અમેય બા’ર ન નીકળીએ ત્યાં તમે…

‘ભાઇ, હું શિક્ષક છું…’

તો કેળવણી નિરીક્ષક કહે: ‘તમે ન આવતા અહીં.’

પણ કરશનદાસ તો સાચા લુહારી નીકળ્યા. તેઓ ઓજારો ઘડાવામાં કૌશલ્ય ન મેળવી શક્યા, પણ માણસને ઘડવાનું કૌશલ્ય તો આવી ગયું હતું. તેમણે વિચાર્યું, આ વિદ્યાર્થીઓને પકડી રાખવા હોય તો પરંપરાગત ઉપાયો નહિ, તેમને ગમે તેવા મૌલિક ઉપાયો યોજવા પડશે. ફાવટ ભાવવાહી, તેમણે વાર્તાઓ કહેવા માંડી. એકમાંથી બીજી વાર્તાને બીજીમાંથી ત્રીજી… એમ એક વાર્તા દિવસો સુધી ચાલે… ગીતો ગાવા – ગવરાવવા માંડ્યા ને વિદ્યાર્થીઓની સંખ્યા વધીને ૫૬ થઈ ગઈ… હવે તો ગામ અને વિદ્યાર્થીઓ સાથે શિક્ષકનો જ નહિ સ્વજનનો નાતો બંધાઈ ગયો ને ત્યાં જ તેમના કામગીરી ફેરફારની ત્રણ મહિનાની મુદત પૂરી થઈ ને નૈળ પાછા જવું પડ્યું… તેઓ થોડા ગમગીન બની ગયા તો વિદ્યાર્થી અને વાલીઓને તેમની રઢ લાગી ગઈ. જોઈએ તો કરશનદાસ જ. બીજો શિક્ષક નહિ, તેમણે અરજી કરી. પણ ખાતાને એ અરજીમાં વિશ્વાસ ન બેઠો. કહ્યું: ‘શિક્ષકના હસ્તાક્ષરમાં અરજી લાવો.’ એમ કર્યું. તો કહે તમે ધમકી આપીને લખાવી નથી એની ખાતરી શી? શિક્ષકને રૂબરૂ લાવો… ગામની છાપ એટલી ખરાબ કે કોઈ રીતે વિશ્વાસ ન બેસે. ને કાટકડા જવા કોઈ શિક્ષક સ્વેચ્છાએ તૈયાર ન થાય… ત્યાં આ શિક્ષક સામેથી માગણી કરે જ કઈ રીતે?

Total Views: 268

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.