મૃત્યુનું માહાત્મ્ય

લેખક : હીરાભાઈ ઠક્કર, અમદાવાદ

પ્રકાશક : કુસુમ પ્રકાશન, પાલડી, અમદાવાદ – –

મૂલ્ય રૂ. ૧૫-૦૦

‘કર્મનો સિદ્ધાંત’ નામના પુસ્તકથી દેશ વિદેશમાં ખૂબ જ ખ્યાતિ પામનાર શ્રી હીરાભાઈ ઠક્કર, ‘મૃત્યુનું મહાત્મ્ય’ નામનું પુસ્તક, ગુજરાતની પ્રજાના હાથમાં મૂકે છે એથી ખૂબ જ આનંદ થાય છે. જાન્યુઆરી ૧૯૯૦માં પ્રથમ પ્રસિદ્ધ થયેલ બાણું પાનાનું આ નાનું પુસ્તક, વિષયવસ્તુની દૃષ્ટિએ અત્યંત ચિંતનીય છે, મનનીય છે. ડિસેમ્બર ૧૯૯૪ સુધીમાં તો આ પુસ્તકની દસ આવૃત્તિ પણ થઈ ગઈ છે.

આડત્રીસ વર્ષની સરકારી નોકરી દરમ્યાન અને અઠ્ઠાવન વર્ષે નિવૃત્ત થયા બાદ શ્રી હીરાભાઈ ઠક્કરે વેદાન્ત, ગીતા વગેરે ગહન વિષયો ઉપર સરળ ભાષામાં સૌ સમજી શકે એ રીતે પ્રવચનો પણ આપ્યાં છે.

હમણાં હમણાં ‘મૃત્યુ’ના રહસ્યને પામવા માટે વિશ્વભરમાં અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વિજ્ઞાન પણ વૈજ્ઞાનિક દૃષ્ટિથી આ બાબત જાણવા માટે મહેનત કરે છે. છેવટે સૌની નજર તો પડે છે વેદાંત ઉપર, ગીતા ઉપર, રહસ્યવાદ ઉપર.

‘સર્વમ્ દુઃખમયમ્ વિવેકિનઃ’ સૂત્રથી આ પુસ્તકની શરૂઆત થઈ અને પછી ગીતામાં પરમાત્મા શ્રીકૃષ્ણ સંસાર વિશે શું કહે છે તેના તરફ ધ્યાન દોરવામાં આવે છે.

આ સંસાર –
દુ:ખાલયમ્
અશાશ્વતમ્
અનિત્યમ્
અસુખમ્ છે.

દુઃખનો ભંડાર, અશાશ્વત, નશ્વર અને અસુખકર છે માટે તું મને જ ભજ, મારું શરણ સ્વીકારી લે. લેખકે અહીં ત્રણ પ્રકારનાં દુઃખ બતાવ્યાં છે

જનમવાનું દુઃખ|
જીવવાનું દુ:ખ અને

મરવાનું દુઃખ. અહીં જનમવાના દુઃખ વિશે શ્રીમદ્ ભાગવતમાં ‘ગર્ભસ્તુતિ’ (ભા.૩/૩૧)ની વાત કરી છે. કમકમાટી વછૂટી જાય તેવું આ વર્ણન છે. માતાના ગર્ભમાં આપણે સૌ એ દુઃખ ભોગવીને આવ્યા છીએ. પણ માયાના રાજ્યમાં પ્રવેશ થતાં એ દુઃખ ભૂલી ગયાં છીએ.

જીવવાનું દુઃખ એ તો સંસાર વેંઢારવાની વાત છે. બાળબચ્ચાં, સાજાંમાંદા, સંસારના આટાપાટા આ બધાંમાંથી માણસ માર્ગ કાઢતો આગળ વધે ત્યાં મોત સામે આવી ઊભું હોય છે.

મરવાનું દુ:ખ : જીવ માત્રને મોટામાં મોટું દુઃખ મરવાનું હોય છે, મૃત્યુનો ભય માણસને અધમૂઓ કરી મેલે છે. મરતી વખતે મનુષ્યને ચાર પ્રકારનાં દુઃખ થાય છે એમ લેખક જણાવે છે :

શરી૨ – વેદનાત્મક દુઃખ
સુહૃદ – મોહાત્મક દુઃખ
પાપ – સ્મરણાત્મક દુઃખ
ભાવિ – ચિંતાત્મક દુઃખ

શરીર છોડતી વખતે શારીરિક, માનસિક દુઃખ ખૂબ જ પીડા આપે છે. કુટુંબીજનો, સ્નેહીજનો પ્રત્યેનો મોહ પણ શાંતિથી મરવા દેતો નથી. અને જીવનકાળ દરમિયાન કરેલાં પાપકર્મો પણ મનુષ્યને સતાવવામાં બાકી નથી રાખતાં. આ પ્રકારનાં દુઃખ ન થાય એ માટેનો રસ્તો પણ લેખકશ્રી અહીં બતાવે છે :

સંયમી જીવન જીવનારને શારીરિક દુ:ખ થવાની સંભાવના ઓછી. અનાસક્ત જીવન જીવનારને મોહાત્મક દુઃખ ઓછું થાય. નીતિમય જીવન જીવનારને પાપાત્મક દુઃખ ન થાય. અને સંયમી, અનાસક્ત અને નીતિમય જીવન જીવનારને ચોથું, ભાવિ ચિંતાત્મક દુઃખ થવાની શક્યતા જ નથી. એનું મૃત્યુ મંગલમય જ હોય છે.

લેખક કોઈ કોઈ વાર ગીતાજીનો પણ આધાર લઈ જીવની ગતિ વિશે સમજાવે છે :

‘ઊર્ધ્વં ગચ્છન્તિ સત્વસ્થા: મધ્યે તિષ્ઠન્તિ રાજસા:

(ગીતા : ૧૪/૧૮)

જન્મ અને મૃત્યુને ભ્રામક શબ્દો બતાવી જીવનને જ એક નિરંતર – પ્રવાહ સાથે લેખક સરખાવે છે. અહીં લેખકશ્રી એક સરસ ‘શેર’ મૂકી, હસતે મુખે મોતને ભેટનારાને વધાવે પણ છે.

‘આદમી સોયા જમીન પર, લોગ કહતા મર ગયા,
વો બિચારા થા સફરમેં, આજ અપને ઘર ગયા.’

જન્મની જેમ મૃત્યુને ‘માંગલિક’ તરીકે સ્વીકારનારા જીવનમાં જીતી જાય છે. ઈલા આરબ મહેતા સંપાદિત ‘મૃત્યુ નામે પરપોટો મરે’ પુસ્તકમાં ‘મૃત્યુ ક્ષણ’માંથી શ્રી ઉમાશંકર જોશીની બે કાવ્ય પંક્તિઓ યાદ આવે છે :

‘જન્મ દિને કાળને ખંડિત કર્યો હતો
મૃત્યુ, અખંડ કાળમાં પુનઃ પ્રવેશ?’

મૃત્યુના ફાયદા પણ જાણવા જેવા છે :

પાપીને પાપ કરતો અટકાવે છે. પુણ્યશાળી જીવાત્માને વધારે પુણ્યશાળી કર્મો કરવાની તક ઊભી કરે છે. પુનર્જન્મ આપીને નવીન તકોનું નિર્માણ કરે છે. અહંકારની ઈમારત તોડી નાંખે છે. રાય અને રંકનો ભેદ મટાડે છે. જિંદગીની ઘરેડમાંથી મુક્તિ અપાવે છે.

લેખકશ્રીએ આટલા Incentives બતાવ્યા છે. પછી પણ મૃત્યુનો ડર માણસને સતાવતો રહે છે. મૃત્યુને ઇશ્વરની એક વિભૂતિ પણ ગણવામાં આવે છે. ‘તમામનો નાશ કરનાર મૃત્યુ હું છું’ ‘મૃત્યુઃ સર્વહરશ્ચાહમ્’ આટલું જ જો સમજાઈ જાય તો મૃત્યુનો ભય સતાવે નહિ.

પ્રસ્તુત પુસ્તકમાં જીવનને દ્વંદ્વાત્મક બતાવ્યું છે. જીવનને એક છેડે જન્મ છે તો બીજે છેડે મૃત્યુ છે, સુખ દુઃખ, યોગ – વિયોગ વગેરે. આ દ્વંદ્વોના આધાર પર જીવનની ગતિ છે. પ્રીતિકર સુખ ને અપ્રીતિકર દુ:ખ બન્ને જોડાયેલાં જ છે. કાં તો બંનેને છોડો કાં તો બન્નેને પકડો. સુખ-દુઃખથી મુક્ત બનવું હોય તો નિર્દ્વંદ્વ સ્થિતિ પ્રાપ્ત કરવી એ જ સાચું શાણપણ છે.

‘કોણ જન્મે છે? કોણ મરે છે?’ શીર્ષક હેઠળ ‘ચેતના’ (Energy) અને પદાર્થ ‘Matter’ની વાત કરી. શરીરને એક નાનું બ્રહ્માંડ બતાવ્યું છે. (Mini Universe) પદાર્થ અને ચેતના બન્ને અવિનાશી તત્ત્વો છે. તે બંનેનો સંયોગ થાય છે અને સંયોગ નષ્ટ પણ થાય છે. મૃત્યુ વખતે Matter પદાર્થ – શરીર અને energy – ચેતના વચ્ચેનો સેતુ તૂટી જાય છે.

મૃત્યુના ડરને દૂર કરવા માટે શરીરની અવસ્થા સમજાઈ જવી જોઈએ. એ જાતનો વિવેક જાગ્રત થવો જોઈએ. વિવેક જાગૃતિ નશ્વરમાંથી આસકિત છોડાવે છે, અને શાશ્વતીને દ્વારે દોરી જાય છે. ‘અમૃતમ્’ નામની પુસ્તિકમાં ‘પ્રેરણા’ વિભાગમાંથી એક ‘પ્રેરણા’ જોઈએ. ‘મૃત્યુનું ચિંતન વિવેક જાગ્રત કરે છે, નશ્વરમાંથી આસક્તિ છોડાવે છે, અને શાશ્વતીનાં દ્વાર ખટખટાવવા પ્રેરે છે.’

વિનાશ અસ્તિત્વનો નથી આકૃતિનો છે, એ બાબત આ પુસ્તકનો કેન્દ્ર વિચાર છે.

લેખક શ્રી જણાવે છે, ‘તમે અત્યારે જ મરી જાઓ, પછી જુઓ જીવન જીવવાનો આનંદ કેવો છે? મસ્તી કેવી છે? ખુમારી કેવી છે? કાયર લોકો ડગલે ને પગલે મરે છે જ્યારે મર્દ લોકો પાસે મૃત્યુ મરી જાય છે.’

Cowards die many times before their death. Valiant never dies.

અને છેલ્લે શંકરાચાર્ય રચિત ‘નિર્વાણ ષટક્’માંથી એક શ્લોક મૂકી લેખકશ્રી પુસ્તક પૂરું કરે છે :

ન મે મૃત્યુ શંકા ન મે જાતિભેદો
પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ।
ન બંધુર્નમિત્રં ગુરુર્નૈવ શિષ્ય:
ચિદાનંદ રૂપઃ શિવોઽહં શિવોઽહં॥

‘મૃત્યુનું માહાત્મ્ય’ સમજવા આ પુસ્તક વાંચવું જરૂરી તો ખરું જ. આવું મજાનું પુસ્તક આપવા બદલ શ્રી હીરાભાઈ ઠક્કરને આપણા સૌના ધન્યવાદ.

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.