શ્રી મોહમ્મદ કરીમ ચાગલા સફળ ધારાશાસ્ત્રી તેમજ હાઇકૉર્ટના ન્યાયાધીશ હતા. તેઓ થોડા સમય માટે મુંબઇ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે પણ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશો અપનાવવો એ જ માનવજાત માટે આજે ડહાપણભર્યો માર્ગ છે, એમ તેઓ સૂચવે છે. – સં.

સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તે ભારતના મહાન અને અનુકરણીય પુત્ર હતા; પણ તે, ભારત જેમ જ, પશ્ચિમમાં પણ એટલા જ પ્રખ્યાત હતા. તેમને એ સમજાયું હતું કે એવું ઘણું છે કે પૂર્વ પશ્ચિમ પાસેથી શીખી શકે અને પશ્ચિમ પૂર્વ પાસેથી મેળવી શકે, તેમણે પશ્ચિમે કરેલ ભૌતિક તથા વૈજ્ઞાનિક પ્રગતિની પ્રશંસા કરી હતી. તેમને પશ્ચિમનો ‘સમાનતા’નો વિચાર પણ સ્પર્શી ગયો હતો. તેમણે પશ્ચિમની લોકશાહીયુક્ત સંસ્થાઓની પણ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી… પરંતુ જ્યાં સુધી પોતાના દેશ તથા પૂર્વ સાથે સંબંધ હતો, ત્યાં તે જાણતા હતા કે આપણે તો આત્માને અનુસરનારા છીએ. તેમને ખાતરી થઈ હતી કે વિશ્વના બન્ને હિસ્સાઓએ એકબીજાને સમૃદ્ધ કરવાના છે, અને તે કાર્ય લાંબેગાળે એવા વિશ્વનું સર્જન કરશે જે શાંતિ તથા સુખ માટે કાર્ય કરશે.

સ્વામી વિવેકાનંદ ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ગયા. જેઓ ત્યાં હતા અને જેમણે તેમને સાંભળ્યા, તેમણે એવી અનુભૂતિ કરી કે તેઓ જાણે એક સંત અને ઋષિને સાંભળતા હતા. તેમણે ત્યાં ‘વિશ્વધર્મ’ વિષે ઉપદેશ આપ્યો. તેમણે જે બાબત પર ભાર આપ્યો હતો, તે હતી – ‘વ્યક્તિનું મૂલ્ય અને મહત્ત્વ’. તેમનો ઉપદેશ એક જ હતો કે વ્યક્તિ ગરીબ હોય કે પૈસાદાર, તે ઉચ્ચ જાતિની કોમ હોય કે નીચ જાતિની હોય, તે સંત હોય કે પાપી, પણ દરેક વ્યક્તિમાં દિવ્યતાનો અંશ છે. બધી વ્યક્તિઓ સમાન છે, કારણ કે દરેક વ્યક્તિમાં દિવ્યતાનો તણખો છે. આ જ તેમના ધર્મનો સાર હતો. તેમણે એ પણ કહ્યું કે મંદિર-મસ્જિદ-દેવળ-ગમે ત્યાં ઈશ્વરને મેળવી શકાય છે. ઈશ્વર સર્વત્ર છે, અને તેને શોધવા કોઈ વિધિ કે વિશિષ્ટ પંથનો આશ્રય લેવાની જરૂર નથી.

સ્વામી વિવેકાનંદે આપણને શું વારસો આપ્યો છે?

પ્રથમ વારસો તો વિશ્વભરમાં પ્રસરેલ રામકૃષ્ણ મિશનનો છે. તેઓ સ્વામીજીનો સંદેશો પ્રસરાવવા તથા ગરીબ અને દુઃખીઓ માટે કામ કરવા માટે છે, કારણ કે સ્વામીજીના તત્ત્વજ્ઞાનનો મહત્ત્વનો સંદેશ એ હતો કે શ્રેષ્ઠ પ્રાર્થના, શ્રેષ્ઠ પૂજા ‘સેવા’ છે. તે નિવૃત્તિમાં રહેતા તથા માત્ર પોતાનું વિચારતા લોકોમાં નહોતા માનતા. તે માનતા કે ઈશ્વર પરની આવી શ્રદ્ધા સ્વાર્થી છે. ઈશ્વરમાં શ્રદ્ધા વ્યક્ત કરવાનો કે ધાર્મિકતા પ્રગટ કરવાનો શ્રેષ્ઠ માર્ગ ‘સેવા’ છે. સેવા ધર્મનું શ્રેષ્ઠ પ્રગટીકરણ છે. આ ઉત્તમ સંદેશાને કારણે મિશન સર્વત્ર માનવીય કાર્યો કરે છે.

બીજો વારસો જે તે છોડી ગયા છે, અને આજના, તકલીફોથી ભરપૂર એવા વિશ્વમાં જેનો આપણે વિચાર કરવાનો છે, તે છે, – દેશને મહાન બનાવનાર બાબત સમૃદ્ધિ નથી, કે નથી ભૌતિક બાબતો કે નથી શસ્ત્રો; પણ તે છે ‘આત્મા.’ મહત્ત્વનું એ છે કે દેશ પોતાની સામે ક્યા આદર્શો મૂકે છે અથવા ક્યાં મૂલ્યોને પોષે છે!

આજે આપણામાંના મોટા ભાગના વ્યથિત છીએ; આપણા હૃદયમાં ભય, શંકા તથા નિરાશાનો. ભાવ છે. એટલે ડહાપણભર્યો યોગ્ય માર્ગ એ છે કે સ્વામી વિવેકાનંદે સૂચવેલ સંદેશા પર આપણે ઊંડો વિચાર કરીએ.

અનુવાદ : શ્રી હરેશ ધોળકિયા

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.