સ્વામી વિવેકાનંદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના સેતુ હતા. તેઓ ભારતના મહાન અને નામાંકિત સપૂત હતા. તેઓ જેમ ભારતમાં સુખ્યાત બન્યા તેવી જ રીતે પશ્ચિમમાં પણ તેમણે એવી જ નામના મેળવી. તેમણે એ અનુભવ્યું હતું કે પશ્ચિમમાંથી પૂર્વ ઘણું મેળવી શકે, શીખી શકે અને પશ્ચિમ પણ પૂર્વમાંથી ઘણું મેળવી શકે, શીખી શકે. તેમણે પશ્ચિમના જગતે વિજ્ઞાન અને ભૌતિક સમૃદ્ધિમાં સાધેલી પ્રગતિને પ્રશંસી. સાથે ને સાથે તેમણે પશ્ચિમની રાષ્ટ્રિય એકતા, સમાનતા અને લોકશાહી પરંપરાને બિરદાવી હતી. પરંતુ પોતાની માતૃભૂમિ અને પૂર્વને લાગેવળગે ત્યાં સુધી તેમણે એ જાણી લીધું હતું કે અહીં લોકો આધ્યાત્મિકભાવ અને આત્મભાવને વરેલા હતા. તેમને લાગ્યું હતું કે વિશ્વના આ બન્ને ભાગ – પૂર્વ અને પશ્ચિમે એકબીજાને ઘણું ઘણું પ્રદાન કરવાનું છે. આ પ્રદાન લાંબે સમયે એ માર્ગે દોરી જશે કે જેને લીધે વિશ્વ સૌની શાંતિ અને સાર્વત્રિક ક્ષેમકલ્યાણનાં કાર્યો કરશે.

સ્વામી વિવેકાનંદ શિકાગોની વિશ્વધર્મપરિષદમાં ગયા. આ ધર્મપરિષદના શ્રોતાજનોએ એવું અનુભવ્યું કે જાણે કે તેઓ કોઈ એક મહાન સંત અને ઈશ્વરની અનુભૂતિ કરનારને સાંભળી રહ્યા છે. તેમણે વૈશ્વિક ધર્મ વિશે કહ્યું. સાથે ને સાથે વ્યક્તિગત માનવીના મહત્ત્વ અને તેમના મૂલ્ય વિશે ભારપૂર્વક કહ્યું. તેમનો સંદેશ હતો કે દરેક વ્યક્તિમાં દિવ્યતા રહેલી છે, પછી ભલે એ વ્યક્તિ ગરીબ હોય કે અમીર, તે ઉચ્ચ જ્ઞાતિનો હોય કે નિમ્ન જ્ઞાતિનો, ભલે તે સંત હોય કે પાપી પણ એ બધાંમાં આત્મારૂપે ઈશ્વર રહેલો છે. એટલે બધાં એક છે, સમાન છે. આ જ ધર્મનું સારભૂત તત્ત્વ છે. મંદિરમાં, મસ્જિદમાં, ગિરિજાઘરમાં કે દેવળમાં સર્વત્ર ઈશ્વર છે, એવી એમની અનુભૂતિ હતી. ‘ઈશ્વર સર્વવ્યાપી છે અને એમની શોધના કે દર્શન માટે તમારે કોઈ ધર્મના ચોક્કસ સ્વરૂપને પૂજવાની, કે એ માટે કોઈ વિધિવિધાનો કરવાની જરૂર નથી’, એમ તેમણે પ્રબોધ્યું હતું.

એમણે આપણા સૌ માટે કયો વારસો મૂકયો છે? એમનો પહેલો વારસો છે વિશ્વવ્યાપી રામકૃષ્ણ મિશનનાં કેન્દ્રો. આ કેન્દ્રો સ્વામીજીના સંદેશનો પ્રચાર પ્રસાર કરવા રચાયાં છે, સાથે ને સાથે ગરીબ અને પીડિતોને સહાય કરવા પણ.

તેનું કારણ એ છે કે સ્વામી વિવેકાનંદના જીવનદર્શનનાં અગત્યનાં પાસાંમાં પ્રભુની પૂજાસેવા અને પ્રાર્થનાનું સર્વશ્રેષ્ઠ રૂપ તો માનવસેવા છે. વળી તેઓ પોતાની જાતને જ મોક્ષ અપાવવા નિવૃત્ત થવાનું વિચારવામાં પણ માનતા ન હતા. તેમને એવું લાગ્યું કે એવી મુક્તિ માટે ઝંખવું એ પોતાના ધર્મ કે ઈશ્વર પરની શ્રદ્ધાનો દેખાડો કરવા જેવું છે અને એ સ્વાર્થી રસ્તો છે. ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા દર્શાવવાનો, પોતાના ધર્મનું આચરણ કરવાનો શ્રેષ્ઠ માર્ગ તો શિવજ્ઞાને જીવસેવાનો છે.

એમણે આપણને એક બીજો વારસો આપ્યો છે. તે એ છે કે રાષ્ટ્રને મહાન બનાવવા સુખી સમૃદ્ધ સમાજ, ભૌતિક સમૃદ્ધિઓ, લાવલશ્કરની આવશ્યકતા નથી. એને બદલે કોઈ પણ રાષ્ટ્રને સાચી રીતે સમૃદ્ધ અને સુખી બનાવવા આધ્યાત્મિકતાની જરૂર છે. આજે કેટલીયે મુસીબતોમાં સપડાયેલા વિશ્વને આ આધ્યાત્મિક મૂલ્યોની આવશ્યકતા છે.

આજનાં ભય, શંકાનાં વાદળથી સમગ્ર વિશ્વ અને વિશ્વના પ્રજાજનો ઘેરાયેલાં છે. તેમની નિરાશાએ તેમને જાણે કે ગહનગર્તામાં નાખી દીધા છે. આવા વિષમ સમયે સમગ્ર વિશ્વને અને આપણા રાષ્ટ્રને સ્વામી વિવેકાનંદે આપેલા દિવ્ય સંદેશને અનુસરવાની તાતી જરૂર છે. તો અને તો જ આપણે જીવનમાં અને વિશ્વમાં શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકીશું.

 

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.