તાજેતરમાં મૅગ્સેસે ઍવૉર્ડથી વિભૂષિત આદરણીય શ્રી પાંડુરંગ શાસ્ત્રી (પૂ. દાદા) અહીં ગીતામાં દર્શાવેલ ઉપાયો દ્વારા શાંતિ કેવી રીતે મળી શકે તેની ચર્ચા કરે છે. -સં.

એક કરોડપતિની પત્ની પોતાના બંગલાની ગૅલૅરીમાં ઊભી હતી. તેના બંગલાની સામે એક નવું મકાન બંધાતું હતું. તે ઠેકાણે ઘણા મજૂરો કામ કરતા હતા. બપોરના બાર વાગ્યાનો ઘંટ વાગ્યો અને જમવાની રજા પડી એટલે બધા મજૂરોએ જમવા જવા માટે કામ છોડીને હાથપગ ધોયા. એક મજૂરની પત્ની રોટલા લઈને આવી હતી અને બંને જણા એક ઝાડના છાંયડામાં બેઠાં. મજૂરની પત્નીએ રોટલાનું પોટલું છોડ્યું અને બંને જણા રોટલા અને લસણની ચટણી ખાવા લાગ્યાં. બંને જણા એકબીજાની ટીખળ કરતાં હતાં, હસતાં હતાં અને જમતાં હતાં. આ બધું તે કરોડપતિની પત્ની જોતી હતી. તેના પતિની ચાર ફૅક્ટરીઓ હતી. પણ તેને મરવાની પણ ફુરસદ ન હતી. તેથી તેનો ધણી અને તે કોઈ દિવસ આવી રીતે સાથે બેસીને જમતાં ન હતાં. તેના પતિને જ્યારે સમય મળે ત્યારે જમવા આવતો અને તેને રસોઈયો પીરસી આપતો અને તે ઉતાવળે જમીને જતો રહેતો. આવા જીવનથી તે શેઠાણીને ઉદ્વિગ્નતા આવતી. તેણે આ મજૂર અને તેની પત્નીનું જીવન જોયું એટલે તેને લાગ્યું કે એ જ સાચું જીવન છે. તેણે ભગવાનને કહ્યું, ‘ભગવાન! જીવન આવું જોઈએ.’ ભગવાને તે નોંધી લીધું અને બીજા જન્મારામાં તેને તેવી સ્થિતિ આપી. પણ બીજા જન્મારે તે ભગવાનને ગાળો ભાંડવા લાગી. કારણ, તે ભૂલી ગઈ હતી કે એણે પોતે જ ભગવાન પાસેથી આવું જીવન માગ્યું હતું.

કહેવાનું તાત્પર્ય એ કે આપણે માગેલું જ આપણને મળે છે પણ આપણે તે બધું ભૂલી જઈએ છીએ. આપણું મન એવું છે કે પૂછો મા! તેથી જ શાસ્ત્રકારો કહે છે કે, ‘ઈચ્છા જ ન કરો. બધું ભગવાન ઉપર સોંપી દો.’ નહિ તો આપણા મનને ક્યારે શું ગમે તે કહી ન શકાય.

શહેરમાં સારા સારા બંગલામાં અને બ્લૉકૉમાં લોકો રહેતા હોય. તેઓ એકાદ વખત ગામડામાં જાય. ત્યાં લીંપેલી જમીન, સરસ ઝૂંપડી, પૂનમની રાત, ખુલ્લું આંગણું જોઈને શહેરનો ધનિક કહે કે, ‘ભગવાન! આ જ ખરું જીવન છે! શહેરનું તે કંઈ જીવન છે! જીવન આપવું હોય તો આવું જ આપ.’ ભગવાન તે નોંધી લે અને બીજે જન્મારે તેવું જીવન આપી દે. ભગવાન શા માટે ના પાડે? જ્યારે ભગવાન એવું જીવન આપે એટલે ભગવાનને ગાળો દે. મૂળ વાત એ છે કે માણસે દુઃખ તરફ કઈ નજરે જોવું એની અક્કલ ન હોય તો તેને જગતમાં કોઈ સુખી ન કરી શકે. ભગવદ્ ભક્ત દુઃખનો સ્વીકાર કરે, એટલું જ નહિ, આ દુઃખ મારા ભગવાને મને મોહ્યું છે એમ સમજી તે દુઃખનો સત્કાર કરે. ત્યાર પછી તે દુઃખમાં જ ઈશદર્શન કરે તેથી ગીતા કહે છે કે ‘તું સ્થિતધીઃ’ થા.

મહારાષ્ટ્રમાં લોકો ચર્ચા કરે છે કે તુકારામ સંસાર કરી શક્યા નહિ. તે કંગાલ હતા તેથી તેને ઘણાં દુઃખો સહન કરવા પડ્યાં. તે ઉપરથી લોકો નક્કી કરે કે ભક્ત કંગાલ જ હોવો જોઈએ, ભક્તને અગવડ સહન કરવી જ પડે તો જ તે ભક્ત કહેવાય. તુકારામના બારામાં સાક્ષરો આવી ચર્ચા કરે છે. તુકારામ શું કંગાલ હતા? મને તો હસવું આવે છે. અરે! તુકારામનો જેણે પાઠ ભજવ્યો (સિનેમામાં) તેનો પૂનામાં બંગલો છે. તો શું તુકારામનો ન થાત? અરે! તુકારામના ચાર અભંગો ગાઈને હરિકીર્તન કરવાવાળાનો મુંબઈ શહેરમાં બ્લૉક થઈ શકતો હોય તો શું તુકારામ ન કમાઈ શક્યા હોત? લોકો શું સમજે છે?

સુખદુઃખનો સ્વીકાર, સત્કાર અને તેમાં ઈશપ્રેમદર્શન આવી ઉત્તરોત્તર ચઢતી પગથિઓ છે.

સમતા એટલે દ્વન્દ્વાતીતતા :

સ્થિતપ્રજ્ઞ થયેલા મહાપુરુષો અને ભગવાન વચ્ચે આધ્યાત્મિક એકતા હોય છે. તેઓ કર્મયોગી અને નિષ્કામ હોય છે. તેથી તેઓ સુખદુઃખથી ગભરાતા નથી. કારણ, એમને એમનો ધણી જ આ જગતમાં લઈ આવ્યો હોય છે. ‘હું ધણી જોડે ઝૂંપડીમાં રહીશ.’ આવું કહીને છોકરી બાપનો બંગલો છોડી દે અને જેના ઉ૫૨ પ્રેમ હોય તેની જોડે દસ × દસની ઓરડીમાં રહેવા જાય. આવી રીતે સ્થિતપ્રજ્ઞ પુરુષની ભગવાન જોડે આધ્યાત્મિક એકતા હોય છે.

ગીતાકારે સ્થિતપ્રજ્ઞની સમતા દેખાડી છે. તે માણસ જગતમાં ફરે તો તેની સમતા ક્યાંથી હોય? સમતા એટલે ચંદાતીતતા. અનુકૂળ અથવા પ્રતિકૂળ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ તરફ જોવાનો તેમનો એક જુદો ‘ડોળો’ (દૃષ્ટિ) હોય. તે આત્મસંયમી હોય. તે અનુકૂળ વાર્તાથી હરખાઈ જતો નથી, ગાંડો થતો નથી અને પ્રતિકૂળ વાતોથી પડી ભાંગતો નથી. ‘નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા’ આ સમતા છે. મહામાનવ (Superman) વિષે પાશ્ચાત્ય ચિંતકો કહે છે : He will have friendship and pity for all beings and hatred for none, He initiates no action.

આ ‘નાભિનન્દતિ ન દ્વેષ્ટિ’ નો જ જાણે તરજૂમો છે.

અનુકૂળ અથવા પ્રતિકૂળ વાતોથી એમની મનઃશાન્તિ જાય નહિ. ગીતા તેને ‘પ્રસાદ’ કહે છે.

प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते

प्रसन्नचेतसे ह्याशु बुद्धि: पर्यवनिष्ठते ॥

પ્રસાદ એટલે મનઃશાન્તિ, મનઃશાન્તિ એ જુદી વાત છે. આપણે રડીએ એ જેમ વિકાર છે તેમ હસીએ એ પણ વિકાર છે. આત્મતુષ્ટ અને આત્મતૃપ્ત સ્થિતિમાં મનઃશાંતિ છે અને તે જ પ્રસાદ છે. પ્રસાદસ્તુ પ્રસન્નતા (પ્રસાદ એટલે પ્રસન્નતા)

ફ્રાંસમાં એક બહુ વિનોદી નટ હતો. તે આખા શહેરના લોકોને થિયેટરમાં હસાવતો હતો, તે એક દિવસ ડૉક્ટરને ત્યાં ગયો અને કહ્યું, ‘મારી પાસે પૈસા છે, બાકી બધું છે, પણ મનઃશાન્તિ નથી, મનઃસ્વાસ્થ્ય નથી. તો શું કરું?’ માનસશાસ્ત્રીએ કહ્યું, ‘તું ફલાણા થિયેટરમાં એક નટ સરસ કાર્યક્રમ કરે છે તેમાં જા, તો તને મનઃશાન્તિ મળશે.’ ત્યારે તેણે કહ્યું, ‘જ બધા લોકોને દરરોજ હસાવે છે તે જ હું છું મને મનઃશાન્તિ નથી, તેથી હું તમારી પાસે આવ્યો છું.’

મનઃશાન્તિ એ અંદરથી સ્ફ્રૂરેલું, સ્રવતું ઝરણું છે. તે બહારની વાત નથી. તેથી તમે ગાંડાઘેલા થઈને હસો એટલે તમને મનઃશાન્તિ મળશે એવું નથી. હસવું અને રડવું, બન્નેને સ્થિતપ્રજ્ઞદર્શનમાં વિકાર માન્યા છે. સ્થિતપ્રજ્ઞ પાસે વૃત્તિની સમતા હોય, તેની વૃત્તિ ડોલતી નથી.

સમવૃત્તિવાળાને કોઈ દુઃખી ન કરી શકે :

સૉક્રેટીસ એક વખત યુવાન છોકરાઓ સાથે બેસીને ચર્ચા કરતો હતો. એમની ચર્ચા બહુ લાંબા સમય સુધી ચાલી. જમવાનો સમય થઈ ગયો પણ એ લોકો ઊઠ્યા નહિ. સૉક્રેટીસની પત્ની ઉપર નીચે થાય, પણ પતિને શું કહે? પતિ તો તલ્લીન થયો હતો. જમવાનું મોડું થાય તો ઝેન્થિપીથી (સૉક્રેટીસની પત્નીથી) રહેવાય નહિ. તેથી તે વાસણોનો અવાજ કરવા લાગી. અવાજ આવતાં જ છોકરાઓ સમજી ગયા કે, ‘ગુરુપત્ની ગુસ્સે થઈ છે તેથી આપણે ઊઠવું જોઈએ.’ પણ સૉક્રેટીસ એટલો તલ્લીન થયો હતો કે તે તો ઊઠવાનું નામ જ ન લે. તેમની વાતો ચાલતી હતી. ઝેન્થિપીથીએ જોયું કે વાસણોનો અવાજ કર્યા છતાં આ લોકો ઊઠતા નથી, પોતાના ગુસ્સાની અસર થઈ નહિ, તેથી તે વધુ ગુસ્સે થઈ. તેણે હાથમાં પાણીનું માટલું લીધું અને બધા બેઠા હતા તેમના ઉપર પાણી ઢોળ્યું. તે વખતે સૉક્રેટીસે કહ્યું : ‘જોયું! આ નિસર્ગનો નિયમ છે. ગડગડાટ થયા પછી વરસાદ પડવાનો જ.’ આવા માણસને તમે કેવી રીતે દુઃખી કરી શકો? તે દુઃખી થાય જ નહિ.

તુકારામને ઘેર ખાવા ન હતું. પત્નીના અતિ આગ્રહને કારણે એક દિવસ તે ખેતરમાં મજૂરી કરવા ગયા. શેરડીના ખેતરના માલિકે કહ્યું, ‘લો, આ શેરડી. તમારે ઘેર લઈ જાઓ.’ તુકારામ શેરડીનો ભારો લઈને ઘેર આવતા હતા. તેમને રસ્તામાં ગામના છોકરાઓ મળ્યા. છોકરાઓએ કહ્યું, ‘અમને એક એક આપો.’ તુકારામ પણ જે છોકરાઓ આવ્યા તેમને એક એક સાંઠો આપતા ગયા. છેલ્લે તેમના હાથમાં એક જ સાંઠી રહ્યો. તેમની પત્ની દૂરથી આ બધું જોતી હતી. તે ખૂબ ચીડાઈ ગઈ કે ઘે૨ છોકરાને કંઈ ખાવા નથી અને આ મોટા દાન કરવા નીકળ્યા છે! તુકારામ ઘરે આવ્યા અને ઓટલા ઉપર ઊભા રહ્યા, પત્નીને બાકી રહેલો એક શેરડીનો સાંઠો આપ્યો અને કહ્યું, ‘આપણા નસીબનું જે હતું તે તને આપું છું.’ પત્ની તો ગુસ્સે થઈ જ હતી. તેણે તુકારામના હાથમાંથી સાંઠો લઈ લીધો અને તેનાથી જ તુકારામને એક ફટકો માર્યો. શેરડીના બે કટકા થઈ ગયા અને જમીન ઉપર પડ્યા. તુકારામે બન્ને ટુકડા ઉપાડ્યા અને કહ્યું, ‘લે, આ એક તારો અને એક મારો, મને ખાતરી જ હતી કે તું એકલી ખાવાની નહિ. લોકો તને ખરાબ કહે છે, પણ તું કેટલી સાધ્વી છે! તું એકલી થોડી જ ખાય? લે. આ તારા ભાગનો ટુકડો લઈ લે.’

હવે, આ માણસને દુઃખી કરી શકાય કે? ઉપરથી બ્રહ્મદેવ ઊતરી આવે તો પણ આવો માણસ દુ:ખી ન થાય. અને ઉ૫૨થી બ્રહ્મદેવ ઉતરી આવે તો પણ આપણે સુખી ન થઈએ. ગમે તેટલું મળતું હોય તો પણ માણસ રડ્યા જ કરે. ‘શાસ્ત્રીજી! બાકી બધું છે, પણ…’ પણ શું? માણસનું પણ…કાયમ જ છે. કહેવાનું તાત્પર્ય એ કે સ્થિતપ્રજ્ઞ દ્વંદ્વાતીત હોય છે, તેથી તેનું વર્ણન ગીતાકારે કર્યું કે, તે ‘નાભિનન્દતિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા’

મનઃશાંતિ કેમ નથી મળતી?

મનની શાંતિ કેમ મળતી નથી? માણસ અશાંત છે, અસ્વસ્થ છે. આજે માણસો મંદિરમાં જાય છે, ભક્તિ કરે છે, ગીતા ઇત્યાદિ પુસ્તકો વાંચે છે તેનું કારણ એક જ છે; તેમને મનની શાન્તિ મળતી નથી. કોઈ સાધુ-સંન્યાસી આવે તો તેની પછવાડે નાચતા રહે છે. પણ તે લોકો ગાંડા નથી અને મૂર્ખ પણ નથી. પણ લોકોને મનઃશાંતિ નથી એ હકીકત છે. જે અમેરિકામાં ઘેર ઘેર થયું છે, તે જ ધીરે ધીરે ભારતમાં થતું જાય છે. માણસને મનઃશાંતિ જોઈએ, પણ તે મળતી નથી. માણસને ચેન કેમ પડતું નથી? આનંદ કેમ મળતો નથી? આ બધાનો જવાબ એક જ છે.

એક વખત બાદશાહે ત્રણ પ્રશ્નો પૂછ્યા અને કહ્યું કે આ ત્રણે પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં મળવો જોઈએ. ત્રણ પ્રશ્નો આ મુજબ હતા :

(૧) ઘોડો અટક્યો કેમ? (૨) પાન સડ્યું કેમ? (૩) ભાખરી બળી કેમ? એક જ વાક્યમાં ત્રણે પ્રશ્નોનો જવાબ આપવો મુશ્કેલ હતો, તેથી કોઈ જવાબ આપી શક્યું નહિ. ત્યારે બીરબલ ઊભો થયો અને કહ્યું, ‘જહાંપનાંહ! ફેરવ્યો નહિ તેથી.’ ઘોડો અટક્યો કેમ? તો કહે ફેરવ્યો નહિ તેથી તેને દરરોજ ફેરવત તો તે અટકત નહિ. અનધ્વા વાજિનાં જરા. ભાખરી બળી કેમ? તો કહે ‘ફેરવી નહિ તેથી.’ આવી જ રીતે પાન સડ્યું કેમ? એ પાન ખાવાવાળાને ખબર છે. તે લોકો પાનની થપ્પી ફેરવતા રહે અને રોજ પાન ઉપર નીચે કરતા રહે. પાન ખાવાવાળો માણસ થપ્પીની ઉપરનું પાન કોઈ દિવસ લેશે નહિ. વચ્ચેથી જ એકાદ પાન કાઢીને ખાય. પાન રોજ ફરવાં જોઈએ, નહિ તો સડી જાય. આવી રીતે મનઃશાંતિ કેમ મળતી નથી? ચેન પડતું નથી? અને આનંદનો સ્રોત કેમ મળતો નથી? આ બધા પ્રશ્નનો જવાબ પણ એક જ છે કે ઈંદ્રિયો સ્વાધીન નથી તેથી. ગીતાકાર કહે છે કે ઈંદ્રિયો તાબામાં લેવી જોઈએ.

(‘ગીતામૃતમ્’માંથી સાભાર)

Total Views: 178

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.