શ્રાવણ માસની સુદ અને વદ બન્ને સાતમને શીતળા-સાતમ કહેવામાં આવે છે. તેના આગળના દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધું રાંધી લીધા પછી બહેનો સગડી ઈત્યાદિ રસોઈનાં સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે કે શીતળા-સાતમને દિવસે ઠંડું જમે છે.

આ ઉત્સવ સાધન પૂજાનો મહિમા સમજાવે છે. જે સાધનો દ્વારા આપણે આપણું કાર્ય સાધીએ છીએ તે સાધનો જડ હોવા છતાં પણ આપણા ઉપયોગમાં આવ્યા છે તેથી આપણી તેમના માટે કૃતજ્ઞ બુદ્ધિ રહેવી જોઈએ. તાત્ત્વિક દૃષ્ટિએ જોતાં જગતમાં કશું જડ છે જ નહીં. એ રીતે આપણા કામમાં સહાયક બનનાર નિમિત્તરૂપ સાધનોમાં રહેલ સુષુપ્ત ચૈતન્યની આપણે પૂજા કરવી જોઈએ.

શીતળા-સાતમને દિવસે સ્ત્રીઓ સગડીની પૂજા કરે છે. ચૂલો એ તો ઘરનો દેવતા છે. કૃતજ્ઞતાના પાયા પર ઊભેલી ભારતીય સંસ્કૃતિ આ ગૃહદેવતાના ઉપકારને કેમ ભૂલી શકે? પોતે તપીને જે રોજ આહાર પકવી આપે છે તે ચૂલાનું પૂજન કરીને સ્ત્રીઓ પોતાની કૃતજ્ઞતા પ્રદર્શિત કરે છે. એટલું જ નહીં પણ સતત સંતપ્ત રહેતા એ ચૂલામાં તે દિવસે આંબાનો નાનો રોપ પણ મૂકવામાં આવે છે. એની પાછળ આમ્રવૃક્ષની શીતળતા સતત તેને મળતી રહે તેમજ આંબાનાં ફળ જેવી મીઠાશ તે રસોઈમાં ભરતો રહે એવી ભાવના છુપાયેલી છે.

ભારતીય સંસ્કૃતિ કાર્ય સાધતી વખતે કે કાર્ય સિદ્ધ થયા પછી સાધનોની ઉપેક્ષા કરવામાં માનતી નથી. એટલું જ નહીં પણ જે સાધનો કાર્યસાધક બન્યાં કે બની શકે તેને માટે તે હમેશાં ગૌરવ રાખવાનું સૂચવે છે. સ્ત્રી સગડી કે ઘંટીની પૂજા કરે છે, ખેડૂત પોતાના હળની પૂજા કરે છે, વેપારી ત્રાજવાને પવિત્ર માને છે, તેમજ પંડિત પોતાના પુસ્તકનું પૂજન કરે છે. પ્રત્યેક સેવાના સાધનને પવિત્ર માની જે ભારતીય સંસ્કૃતિએ તેનું પૂજન કર્યું છે તે ભારતીય સંસ્કૃતિ ‘પ્રત્યેક સેવા કર્મને પવિત્ર માન’ એવો ઉદ્ઘોષ કરે એ યથાર્થ છે. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિં લભતે નરઃ।

કલમ હો કે તલવાર, હળ હો કે ત્રાજવું, સગડી હો કે ઝાડુ, પ્રત્યેક વસ્તુને પવિત્ર માનવામાં જ તેનું પૂજન પૂરું થતું નથી. દરેક વસ્તુની પવિત્રતા ટકાવી રાખવામાં, તે વસ્તુને ઉત્કૃષ્ટ રાખવામાં જ તેના પૂજનની પૂર્ણાહુતિ થાય છે. જેમ મળેલું કર્મ ઉત્કૃષ્ટ રીતે કરવું એ કર્મનું પૂજન છે તેમ મળેલી વસ્તુ ઉત્કૃષ્ટ રીતે રાખવી તે વસ્તુનું પૂજન છે. આપણાં વસ્ત્રોને આપણે સ્વચ્છ અને પવિત્ર રાખીએ એ આપણાં વસ્ત્રોની પૂજા છે. આપણાં પુસ્તકોને પૂઠું ચડાવી નવાં જેવાં રાખીએ એ પુસ્તકોનું પૂજન છે. અત્રે પુસ્તકની એક ઉક્તિ યાદ આવે છેઃ

તૈલાદ્ રક્ષેત્ રક્ષેત્ જલાદ્ રક્ષેત્ શિથિલ બંધનાત્।
મૂર્ખહસ્તે ન દાતવ્યં એવં વદતિ પુસ્તકમ્।।

‘પુસ્તકની આપણને એક પ્રાર્થના છે કે મને તેલથી, પાણીથી, અને શિથિલ બંધનથી બચાવો; તેમજ ભૂલેચૂકે પણ કદી મને મૂર્ખના હાથમાં ન સોંપો. ઘણા લોકોને ખુલ્લું પુસ્તક ઊંધુ મૂકી રાખવાની ટેવ હોય છે, જે પુસ્તકની બાંધણીને નુકસાન કરે છે. ઘણા લોકોને નિશાની રાખવા ખાતર પાનાના ખૂણાઓ મરડીને રાખવાની ટેવ હોય છે. ઘણા લોકોને જીભ પર આંગળી રાખી પાના પલટવાની આદત હોય છે. આવી બધી કુટેવોથી બચવું અને પુસ્તકને સુઘડ રીતે સાચવવું અને યોગ્ય રીતે ઉપયોગમાં લેવું એ પુસ્તકની પૂજા છે.

દાંતને સાફ અને સફેદ રાખવા, શરીરને સ્નાનાદિથી સ્વચ્છ રાખવું, વાળ ઓળેલા રાખવા વગેરે તેમની પૂજા જ છે. વાર-તહેવારે પોતાના વાહનને હાર પહેરાવનાર માણસ પણ તેની પૂજા જ કરે છે. તે જ રીતે સોંપેલું કામ સારામાં સારી રીતે કરવું એ શ્રમની પૂજા છે. ઉત્કૃષ્ટ અભ્યાસ કરવો, માતા-પિતાની આજ્ઞાનું પાલન કરવું, ગુરુની સેવા કરવી ઈત્યાદિ સૌ આપણી કર્મપૂજા છે.
સાધનપૂજા અને કર્મપૂજાનું મહત્ત્વ સાચા અર્થમાં જે સમજી લે છે તેના પર શીતળામાતા પ્રસન્ન થાય છે, તે જ જીવનમાં શીતળતા અનુભવી શકે છે. શીતળા-માતા સેવાની દેવી છે. સેવા કરનાર જેટલી અંતરની શાંતિ મેળવી શકે છે એટલી બીજું કોઈ નથી મેળવી શકતું. સૂપડું અને સાવરણી જેવાં સેવાનાં ક્ષુદ્ર સાધનોને તેમની ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યાં છે. તેમની પૂજા કરવાથી બાળકોને રોગો થતા નથી. સૂપડાથી સાફ કરેલું શુદ્ધ અનાજ ખાવામાં આવે અને રહેવાનાં સ્થાનો સાવરણાથી સાફ કરી સ્વચ્છ અને સુઘડ રાખવામાં આવે તો રોગોનું પ્રમાણ ઘટી જાય એવો આ ઉત્સવનો સંદેશ છે.

-સંસ્કૃતિ-પૂજન પુસ્તકમાંથી સાભાર ગ્રહણ.

Total Views: 2,329

One Comment

  1. પારસ પઢીયાર September 5, 2023 at 3:51 am - Reply

    ઉત્તમ સંદેશ .. આવાં વાર, તહેવાર આપનાં દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન ખૂબ જીવન 4ઉપયોગી બની રહે છે, અને આપણી સંસ્કૃતિ પ્રત્યે ઓર શ્રદ્ધા વધે છે. પ્રણામ
    🙏

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.