સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દી ઉજવવા માટે ન્યૂયૉર્કના રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર તરફથી સન ૧૯૬૩ના માર્ચની ૨૮મી તારીખે વૉરવિક હૉટેલમાં અપાયેલ ભાજન સમારંભ વખતે યુનાઈટેડ નેશન્સના સૅક્રૅટરી જનરલ ઉ થાં સંધ્યાકાલીન સભાના મુખ્ય પ્રવક્તા હતા, એ પ્રસંગે તેમણે આપેલા ભાષણનો અનુવાદ બ્રહ્મલીન સ્વામી ચૈતન્યાનંદજીએ કર્યો છે.

આજે રાત્રે આપણે અહીં સ્વામી વિવેકાનંદની શતાબ્દી ઉજવવા માટે મળ્યા છીએ. આ પ્રસંગે સ્વામીજીની અસાધારણ પ્રવૃત્તિઓનું પુનરુચ્ચારણ કરવું મારે માટે વધુ પડતું ગણાશે. પરંતુ મારાથી જેટલો સમય આપી શકાય તેમ છે તેટલા સમયમાં તેમના પ્રચાર કાર્યનાં, ખાસ કરીને આ દેશમાં કરેલાં કાર્યનાં, થોડાંક પાસાંઓને સ્પર્શ કરીને હું બોલીશ.

તમારામાંથી ઘણા ખરાને વિદિત છે તેમ, સ્વામી વિવેકાનંદ ભારતના પોતાના ઇતિહાસમાં જ નહિ, બલ્કે એશિયાના ઈતિહાસમાં ભારતના મહાનમાં મહાન પ્રતિનિધિ હતા. આજથી સાઠ વર્ષો પૂર્વે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની તેમણે લીધેલી ઐતિહાસિક મુલાકાતનું એક મુખ્ય પરિણામ એ આવ્યું કે ભારત અને યુનાઈટેડ સ્ટેટ્સ વચ્ચે, અને તે દ્વારા એશિયા અને પશ્ચિમ વચ્ચે, એક સંકલન મળી આવ્યું. એટલે સ્વામી વિવેકાનંદને સમજવા માટે ભારત અને એશિયા વચ્ચેની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પાર્શ્વભૂમિકા સમજવાનું ઘણું જ આવશ્યક છે.

તમારામાંથી ઘણાખરા જાણો છો કે એશિયામાં અમે લોકો શરીર કરતાં મનને વધુ ઉપયોગિતા આપીએ છીએ, અને મનથીયે વધુ ઉપયોગિતા આત્માને આપીએ છીએ. પરંપરાથી-હું પરંપરા શબ્દ પર ભાર મૂકું છું- એશિયામાં શિક્ષાનું ધ્યેય આપણી અંદરની બાજુએ શું બની રહ્યું છે, અંતિમ સત્ય શું છે, આપણી અંદર સત્ય શું છે, માનવના અસાધારણ નૈતિક અને આધ્યાત્મિક ગુણો શું છે એ સમજતાં શીખવાનું રહ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો સૈકાંઓ દરમિયાન એશિયામાં શિક્ષણનું, સભ્યતા અને સંસ્કૃતિનું પરંપરાગત ધ્યેય રહ્યું છે પોતાના આત્માની શોધ અને આધ્યાત્મિક ગુણો, જેવા કે નમ્રતા, વૃદ્ધો પ્રત્યે આદરમાનની ભાવના વગેરેને સમજવાનો પ્રયાસ.

પશ્ચિમમાં, જો પાશ્ચાત્ય શિક્ષણના હેતુઓ અને આદર્શોનું મારું અર્થઘટન સાચું હોય તો, બુદ્ધિના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યાં માનવની બુદ્ધિના વિકાસ ૫૨ અતિમાત્રામાં ભાર મૂકવામાં આવે છે. પશ્ચિમમાં શિક્ષણનો હેતુ-જ્યારે હું પશ્ચિમ કહું છું ત્યારે હું યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, પશ્ચિમ યુરોપ અને બીજા યુરોપીય દેશો કહેવા માગું છું – એ રહ્યો છે અને હજીય છે કે ડૉક્ટરો, વૈજ્ઞાનિકો, ઈજનેરો તૈયાર કરવા, બાહ્ય અવકાશમાં શોધખોળ કરવી, ચંદ્ર પર, મંગળ પર તેમજ અન્ય ગ્રહો પર જવું; જ્યારે માનવના નૈતિક અને આધ્યાત્મિક ગુણોના વિકાસને વધુ ઓછે અંશે લક્ષમાં લેવામાં આવતો નથી.

મને વધુ દૃઢતાથી લાગે છે કે અનુરૂપ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ વિનાનો કેવળ બુદ્ધિનો એકાંગી વિકાસ આપણને એક કટોકટીમાંથી બીજી કટોકટીએ લઈ જાય એ નક્કી છે. સાથેસાથે જ વીસમી સદીની વચમાં, આ અવકાશ-યુગમાં અને અણુયુગમાં, અનુરૂપ બૌદ્ધિક વિકાસ વિનાનો કેવળ નૈતિક અને આધ્યાત્મિક વિકાસ પણ એક ગણતરીની ભૂલ છે. એટલે વીસમી સદીના આ ઉત્તરાર્ધમાં જેની આવશ્યકતા છે તે એક નિશ્ચિત પ્રકારનું સંકલન, એક નિશ્ચિત દિશામાં સમન્વયકારી પ્રવૃત્તિ કે જેનાથી માનવ પૂરેપૂરી રીતે સંપૂર્ણ થાય. માનવનો વિકાસ, બૌદ્ધિક નૈતિક અને આધ્યાત્મિક, એમ સર્વ ભૂમિકાએ થવો જોઈએ. કેવળ ત્યારે જ માનવ પોતાના વિશિષ્ટ ધર્મમાં આંકેલાં ધ્યેયોને પામવાને સમર્થ થશે.

હું ધારું છું કે સ્વામી વિવેકાનંદના આ દેશમાંના પ્રચાર કાર્યનો મુખ્ય હેતુ સભ્યતા અને સંસ્કૃતિના પૌર્વાત્ય અને પાશ્ચાત્ય ખ્યાલો વચ્ચે રહેલા સમન્વયને, એક પ્રકારના સંકલનને, શોધી કાઢવાનો હતો. આપણે જે જરૂરનું છે તે સૈકાંઓની પરંપરા દ્વારા મૂકી રાખવામાં આવેલ અને જે સર્વ ધર્મોની ચાવીરૂપ છે તે માનવજાતના નૈતિક અને આધ્યાત્મિક ગુણોની અવગણના ન કરવી અને તેમને લક્ષમાં રાખવાં એ. સાઠ વર્ષ પૂર્વેના સમય કરતાં અત્યારના આ કઠિન કાળમાં એ ઘણું જ વધારે સાચું છે.

મારી સમજણ પ્રમાણે સ્વામી વિવેકાનંદના જીવનકાર્યનું બીજું એક પાસું છે માનવ સંબંધોમાં સહિષ્ણુતાની આવશ્યકતા. માત્ર ધાર્મિક સહિષ્ણુતા જ નહિ, પરંતુ જીવનની પ્રવૃત્તિઓનાં સર્વ ક્ષેત્રોમાં ઉદારતા. હું ધારું છું કે આ સંદેશ પણ અત્યારના કઠિન કાળમાં ઘણો જ જરૂરી છે. ઐતિહાસિક વિકાસનાં થોડાંક પાસાંનું સિંહાવલોકન કરીશું તો આ સ્પષ્ટ થશે. એક થોડાક સૈકાંઓ પૂર્વે ધાર્મિક સહિષ્ણુતા જેવી વસ્તુ જ નહોતી. ધાર્મિક સહિષ્ણુતાનો વિચાર જ ન આવી શકતો. ઉદાહરણાર્થ-આપણૅ (જેરુસલેમ કબ્જે કરવા માટેની) ખ્રિસ્તીઓની જેહાદો લઈએ. એ જેહાદોના કાળમાં ખ્રિસ્તીઓ માનતા, ઘણી જ દૃઢતાપૂર્વક માનતા, કે બધા અખ્રિસ્તીઓ પાખંડીઓ છે. પરંતુ યુરોપના ઇતિહાસ પ્રમાણે જેહાદોના કાળમાં મુસલમાનો પણ ખૂબ દૃઢતાપૂર્વક માનતા કે ખ્રિસ્તીઓ પાખંડીઓ છે. એટલે ખ્રિસ્તીઓ અને મુસલમાનો બન્નેએ એક બીજાને તલવારને સ્વાધીન કરવાનો નિશ્ચય કર્યો. ધર્મને નામે અનેક લડાઈઓ લડાઈ, અને ખ્રિસ્તી તેમજ મુસલમાન લાખો લોકોની કતલ થઈ. પરંતુ જ્યારે સમજણનું સામ્રાજ્ય સ્થપાયું ત્યારે તેમને સમજાયું કે બન્ને મહાન ધર્મો એક બીજા સાથે આખડી ન પડતાં, વૈરભાવ વિના અને યુદ્ધે ચડ્યા વગર સુલેહશાંતિથી અડખે પડખે રહી શકે, અને એ વખતથી ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ એક બીજા સાથે મેળપૂર્વક એક બીજાની બાજુએ રહે છે. અત્યારે, વીસમી સદીમાં, અવશ્ય ધાર્મિક સહિષ્ણુતા છે. દુનિયાના અમુક ભાગોમાં કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ હોય ભલે, પરંતુ સામાન્ય રીતે એક સો બસો વરસ પહેલાં માનવજાતને જેનો અનુભવ નહોતો તે વસ્તુસ્થિતિ અત્યારે એક વાસ્તવિકતા છે. જો કે બે કે ત્રણ પેઢી પહેલાં ધાર્મિક સહિષ્ણુતા જરાય નહોતી, તો પણ આજે ધાર્મિક સહિષ્ણુતા છે.

એ જ સરખામણી આપતાં હું કહું છું, અને મારી ખાતરી છે કે તમે મારી સાથે સહમત થશો, કે વીસમી સદીના ઉત્તરાર્ધમાં રાજકીય સહિષ્ણુતાનો અભાવ છે. આપણને નવાઈ લાગવાની જરૂર નથી. માનવ સ્વભાવ જ એવો છે કે તેને ધિક્કાર અને કડવાશ, ક્યારેક તો ઉન્માદ જેવી ઘેલછાઓમાં રાચવાનું ગમે છે. પરંતુ મારું અંતર કહે છે કે અત્યારના દિવસોમાં ભલે જરાય રાજકીય સહિષ્ણુતા ન હોય પરંતુ આપણી પેઢી દરમિયાન નહિ તો ઓછામાં ઓછી આવતી એક બે પેઢીઓમાં રાજકીય સહિષ્ણુતા અવશ્ય આવશે. આ સહિષ્ણુતાની ભાવના, આ ‘જીવો અને જીવવા દો’ની ફિલસૂફી, આ બીજાનું દૃષ્ટિબિંદુ સમજવાનો પ્રયત્ન કરવાની ભાવના રજૂ કરવાનો, ખાસ કરીને અમેરિકાના લોકો સમક્ષ, સ્વામી વિવેકાનંદે પ્રયત્ન કર્યો. હું ધારું છું કે સ્વામીજીના ઉપદેશોમાંથી લેવાનો એ એક ઘણો જ મહાન બોધપાઠ છે.

જ્યારે આપણે કહીએ છીએ કે અહીયાં સ્વામી વિવેકાનંદનું મુખ્ય જીવનકાર્ય સમન્વયની શોધ અને સહિષ્ણુતા માટેની વિનંતિરૂપ હતું, ત્યારે આપણે સભ્યતાના અને સંસ્કૃતિના ખ્યાલને પણ સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો. સંસ્કૃતિના ખ્યાલની વ્યાખ્યા, અવશ્ય, ઘણી જ કઠણ છે, સંસ્કૃતિના ખ્યાલ વિષે એક ભૂલ ભરેલી છાપ, એક પ્રમાણ વગરની કલ્પના કહું તો, પ્રવર્તે છે. એક એવી સામાન્ય ભાવના પ્રવર્તતી દેખાય છે કે એક અમુક પ્રકારની સંસ્કૃતિ પશ્ચિમમાં હયાતી ધરાવે છે, અને એક જુદી જ જાતની સંસ્કૃતિ પૂર્વમાં અસ્તિત્વમાં છે. મને લાગે છે કે આ એક વિચારદોષ છે. સંસ્કૃતિનો અર્થ થાય છે હૃદયના કેટલાક ગુણો. ઉદાહરણાર્થ, એક સંસ્કારી ભારતવાસીને માનસિક રીતે, નૈતિક અને આધ્યાત્મિક રીતે એક સંસ્કારી અમેરિકાવાસીથી જુદો ન પાડી શકાય. પણ એક સંસ્કારી ભારતવાસી કે એક સંસ્કારી અમેરિકાવાસી તેના પોતાના જ કોઈ પણ દેશબંધુઓથી તેના પોતાના જ દેશમાં પોતાને ઘણો જ જુદો અનુભવશે. એટલે આપણે સંસ્કૃતિને કોઈ એક ખાસ પ્રાદેશિક વર્ગમાં ન મૂકી શકીએ. તેનો સંબંધ પ્રાથમિક રીતે હૃદય અને મનના ગુણો સાથે રહેલો છે.

બીજો પણ એક ખોટો ખ્યાલ છે કે લડાઈઓ અને ખેંચતાણો સંસ્કૃતિઓનાં ઘર્ષણોમાંથી અને સભ્યતાઓનાં ઘર્ષણોમાંથી ઉત્પન્ન થાય છે. હું ધારું છું કે આ પણ એક વિચારદોષ છે. જો તમે ઇતિહાસ વાંચશો તો તમને જણાશે કે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ, અથવા ફ્રાન્સ અને જર્મની જો કે એક જ સંસ્કૃતિનો અને એક જ સભ્યતાનો પ્રકાર ધરાવતાં હતાં, છતાં તેઓ વચ્ચે સૈકાંઓ સુધી અવારનવાર યુદ્ધો ચાલ્યા જ કર્યા હતાં. એ જ બાબત ઘણાય એશિયાના દેશો વિશે પણ કહી શકાય કે તેઓ એક જ સભ્યતા ધરાવતા અને એક જ ધર્મ પદ્ધતિના હતા – છતાં સૈકાંઓના સૈકાંઓ સુધીના ગાળામાં એક બીજા સાથે લડાઈઓ જ કર્યા કરતા. એટલે ખેંચાખેંચો અને ઘર્ષણો આવશ્યક રીતે સભ્યતાનાં ઘર્ષણોમાંથી અથવા સંસ્કૃતિનાં ઘર્ષણોમાંથી ઊભાં થાય છે એમ નથી. તેઓ ઉત્પન્ન થાય છે માનવ પ્રાણીઓમાં રહેલાં અનિષ્ટમાંથી, પછી ભૌગોલિક રીતે તેઓ ગમે તે પ્રદેશમાં રહેતાં હોય. હું ધારું છું કે સ્વામીજીનાં અનેક ભાષણો અને નિવેદનોમાં આ હકીકત પણ ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી.

અવશ્ય સ્વામીજીએ પોતાના અમેરિકી મિત્રોમાંથી ઘણાને આપણા પોતાના આત્માને ઓળખવાની પરંપરાગત સાધનાઓ રૂપ થઈ પડેલાં છે તે ધ્યાન અને ચિંતનની પદ્ધતિઓ અને પ્રકારો શીખવવાનો પ્રયત્ન કર્યો. મેં અગાઉ કહ્યું તે પ્રમાણે એશિયામાં, અને ખાસ કરીને તો હજારો વર્ષોથી સભ્યતાની દૃષ્ટિએ ઘણો જ સમૃદ્ધ દેશ રહેલો છે તે ભારતવર્ષમાં, આપણી અંદર શું બની રહ્યું છે તેની શોધ કરવા ઉપર શિક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે. પૂર્વે મેં કહ્યું છે કે પશ્ચિમમાં શિક્ષણમાં પરંપરાથી જ માનવીના બૌદ્ધિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ એશિયામાં, ખાસ કરીને ભારતમાં, ચિંતન અને ધ્યાનની પદ્ધતિઓ દ્વારા આપણી અંદર શું બની રહ્યું છે તે શોધી કાઢવાનો પ્રયાસ કરીએ છીએ તે સમજવું પાશ્ચાત્ય શ્રોતાઓને બહુ કઠણ થઈ પડે છે. હું ધારું છું કે સ્વામી વિવેકાનંદે ચિંતન અને ધ્યાનની આ પદ્ધતિઓનું ઘણું સરળ નિરુપણ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી પાશ્ચાત્યો માત્ર બૌદ્ધિક ક્ષેત્રમાં જ વિકાસ કરીને એકાંગી ન બને. તેમને લાગ્યું, અને તે ઘણી સાચી રીતે, કે એકલો બૌદ્ધિક વિકાસ તો માત્ર જે આપણી બહાર રહેલ છે તેની તરફ જ લઈ જશે. અમેરિકામાં, યુરોપમાં કે રશિયામાં જે કાંઈ આપણી બહાર છે તેની વ્યાખ્યા બહુ સ્પષ્ટ રીતે કરવામાં આવી છે, જ્યારે આપણી અંદર રહેલું છે તે તો ગૂઢ, અંધકારમય, અરણ્ય માર્ગ જેવુ રહ્યું છે. તેથી સ્વામીજીની અહીંની (અમેરિકાની) મુલાકાત પછીથી પ્રસિદ્ધ થયેલાં ઘણાં પ્રકાશનોમાં, તમે સહુ જાણો છો તેમ, આ ધ્યાન અને ચિંતનનો વિષય કંઈક સફળતાપૂર્વક તે બહાર લાવ્યા છે, અને હું ધારું છું કે ધ્યાન અને ચિંતનની આ પ્રક્રિયા વિશે તેમનો એકાદો ફકરો વાંચું તો તે કદાચ પ્રસંગને અનુરૂપ થશે.

ધ્યાન વિષે સ્વામીજીએ જે કહ્યું છે તે આ રહ્યું : ‘તમારે મનને એક વસ્તુ પર એકાગ્ર કરવું, ધ્યાન તેલની અખંડ ધારા જેવું હોવું જોઈએ. સામાન્ય માણસનું મન વિધવિધ વિષયોમાં વિખેરાઈ પડેલું હોય છે, અને ધ્યાન કરતી વખતે પણ મન પ્રથમ ભટકવાનો સંભવ છે. એ વખતે મનની અંદર ગમે તે વૃત્તિઓ ભલે ઊઠે, પણ શાંત બેસી રહો અને કઈ જાતના વિચારો આવે છે તે તપાસતા રહો. એ રીતે વિચારો પર ચોકી રાખતાં રાખતાં મન શાંત થાય છે અને પછી તેમાં વિચારના તરંગો ઊઠતા નથી. આ તરંગો મનની વિચારની પ્રવૃત્તિ રૂપ છે. જે જે વિચારો તમે અગાઉ બહુ ઊંડી રીતે કર્યો છે તે બધાનું રૂપાંતર થઈને એક અવચેતન વૃત્તિ-પ્રવાહ બન્યો છે, અને તેથી તેઓ ધ્યાન વખતે મનમાં ઉ૫૨ આવે છે. ધ્યાન દરમિયાન આ વિચારના તરંગોનો ઉદય પોતે જ સાબિતી છે કે તમારું મન ધ્યાનપ્રવણ થતું આવે છે.’ મારી સમજણ પ્રમાણે, ધ્યાન અને ચિંતનની ઘણી જ ઉદાત્ત અને અત્યંત ઈચ્છનીય કળાની સાધના કરવાનો આ સાદામાં સાદો ઉપાય છે, કે જેનો એશિયાના ઘણા ભાગોમાં હજીયે અભ્યાસ કરવામાં આવે છે.

ત્યાર પછી, સ્વામી વિવેકાનંદના અનેક સંદેશાઓમાંથી, આ એક સંદેશ અત્યારના કઠિન કાળને માટે ઘણો જ સૂચક અને ઘણો જ અનુરૂપ છે : ‘આ દેશમાં (અમેરિકામાં) હું તમને કોઈને નવા ધર્મમાં વટલાવવા માટે નથી આવ્યો. તમે તમારો પોતાનો ધર્મ વધુ સારી રીતે પાળો એમ હું ઈચ્છું છું. હું ઈચ્છું છું કે મૅથૉડિસ્ટ વધુ સારો મૅથૉડિસ્ટ બને, પ્રેસબિટેરીઅન વધુ સારો પ્રેસબિટેરીઅન બને, યુનિટે૨ીઅન વધુ સારો યુનિટેરીઅન બને.’ આ વિષય પર પણ, હું ધારું છું કે ધાર્મિક સહિષ્ણુતા પ્રત્યેનું સ્વામીજીનું વલણ દર્શાવતું વાક્ય, કે જે અનુભવમાં આવેલાં વધુમાં વધુ ડહાપણભર્યાં વચનોમાંનું એક છે તે, બોલી બતાવવા જેવું છે. તેમણે કહ્યું છે : ‘ભૂતકાળમાં જે બધા ધર્મો હતા તે બધાને હું સ્વીકારું છું અને તેમને સન્માન આપું છું; તેમાંના દરેકે દરેકની સાથે હું ઈશ્વરની ઉપાસના કરું છું, પછી તેઓ ગમે તે પ્રકારે તેની પૂજા કરતા હોય. હું મુસલમાનની સાથે મસ્જિદમાં જઈશ; હું ખ્રિસ્તી દેવળમાં જઈને ક્રોસની સામે ઘૂંટણીએ પડીશ; હું બુદ્ધ મંદિરમાં જઈને ભગવાન બુદ્ધ અને તેમના શાસનને શરણે જઈશ; હું અરણ્યમાં જઈને સહુ કોઈનાં હૃદયને પ્રકાશિત કરી રહી છે તે જ્યોતિનાં દર્શન માટે પ્રયાસ કરી રહેલા હિંદુની સાથે ધ્યાન ક૨વા બેસી જઈશ. આ બધું હું કરીશ એટલું જ નહિ, પરંતુ ભવિષ્યમાં આવનારા સર્વેને માટે હું મારું હૃદય ખુલ્લું રાખીશ.’

આ શબ્દો અતિશય ડહાપણભર્યા છે અને મિત્રો, આજના આ મંગલ પ્રસંગે જ્યારે આપણે સર્વકાળના એક સૌથી મહાન માનવનું સન્માન કરવાને મળ્યા છીએ, ત્યારે આપણે ફરી એક વાર આપણું પોતાનું સમર્પણ કરતાં આ પ્રતિજ્ઞાનું પુનરુચ્ચારણ કરીએ કે ‘ખ્રિસ્તીઓ વધુ સારા ખ્રિસ્તી બનો, હિંદુઓ વધુ સારા હિંદુઓ બનો, બૌદ્ધો વધુ સારા બૌદ્ધો બનો, યહૂદીઓ વધુ સારા યહૂદીઓ બનો, અને મુસલમાનો વધુ સારા મુસલમાનો બનો.’

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.