હે જીવનવલ્લભ, હે સાધનાથીય દુર્લભ,
હું મારા મર્મની કથા કે અન્તરની વ્યથા – કશું જ તમને નહીં કહું.
મેં તો મારાં જીવન અને મનને તમારે ચરણે ધરી દીધાં છે,
તમે બધું સમજી લો.
હું તે વળી શું કહું?
આ સંસારના માર્ગનાં સંકટ ભારે કંટકમય છે.
હું તો તમારી પ્રેમમૂર્તિને હૃદયમાં લઈને નીરવે ચાલ્યો જઈશ.
હું તે વળી શું કહું?
સુખ દુઃખ, પ્રિય અપ્રિય એ બધું મેં તુચ્છ કરી નાખ્યું છે.
તમે તમારે પોતાને હાથે જે સોંપશો તે માથે ચઢાવી લઈશ.
હું તે વળી શું કહું?
તમારે ચરણે કશો અપરાધ કર્યો હોય ને જો તમે ક્ષમા નહીં કરો તો,
હે પ્રાણપ્રિય, મને નવી નવી વેદના આપજો.
તો ય મને દૂર ફેંકશો નહીં,
દિવસને અન્તે મને તમારા ચરણ પાસે બોલાવી લેજો.
તમારા સિવાય મારે બીજું છે કોણ?
આ સંસાર મૃત્યુના અન્ધકારરૂપ છે.
હું તે વળી શું કહું?

– રવીન્દ્રનાથ ઠાકુર

ઉક્ત પૂજા કાવ્યમાં કવિવર ટાગોર પોતાની જાતને – હૃદયને પ્રભુના – જીવનવલ્લભના ચરણોમાં સમર્પિત કરે છે. મૌનની સંવેદનાને એકમાત્ર પરમ ચૈતન્યમાં સમર્પી દે છે. આમ તો માણસ બે રીતે ચૂપ થઈ જાય. એક તો સંપૂર્ણ આત્મજ્ઞાન લાધે ત્યારે અને બીજું તમામ સાંસારિક વેદનાઓને સહન કરીને, પ્રભુમાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સમર્પિત કરી દે ત્યારે. તે મૂક ભાવે સાક્ષી બનીને જે જે ઉપાધિ-વ્યાધિ ઉપલબ્ધ થાય તેને પ્રભુની પ્રસાદી સમજીને ચરણોમાં ધરી દે છે.

અહીં કવિની પોતાની કોઈ ફરિયાદ નથી. કાકલૂદીભરી વિનંતી નથી. સુખની શોધ નથી. માત્ર સંવેદનાની મૌન પ્રાર્થના છે. કેવું મૌન? તો સાગરમાં તોફાન – ભરતી આવ્યા પછીના શાંત સ્વરૂપના સાગરનું મૌન! અહીં કવિ પ્રભુને પ્રાર્થના કરે છે કે મારા મર્મની કથા અને હૃદયની વ્યથા-વેદના કશું જ તમને નહીં કહું, કેમ કે તમે મારા જીવનની વ્યથા કથાને જુઓ છો, મારી વેદનાઓની પ્રાર્થનાને તમે સાંભળો છો અને મારા જીવનનાં દુઃખ-સુખને તમે સમજો પણ છો. તમે જ મને સુખ આપો છો અને છીનવો છો, તમે જ મને હસાવો છો અને રડાવો છો, એટલે હું તે વળી તમને શું કહું? શું ફરિયાદ કરું? કેમ કે મેં મારા મનને તથા જીવનને તમારા ચરણોમાં સમર્પિત કર્યાં છે. ભક્તિ અને પ્રભુપ્રેમ સંપૂર્ણ સમર્પણવાળાં છે. પોતાના અસ્તિત્વને પ્રેમમૂર્તિ પ્રભુમાં સમર્પીને તલ્લીન બનવાની – ખફા થવાની – તરબોળ થવાની – ડૂબવાની ભાવના છે. કવિને ખબર છે કે સંસારનો માર્ગ વેદનાઓથી ભરેલો ભારે કંટકમય છે, પરન્તુ કંટકોની પાસે જ ખીલેલાં પુષ્પોની સુગંધને લેવાનું અને સાચવી રાખવાનું કહે છે, વિધેયાત્મક દૃષ્ટિ રાખી, ઈષ્ટ કર્મો દ્વારા નિજની કેડી કુંડારીને કવિ પરમ ચૈતન્યની પ્રેમમૂર્તિને હૃદયમાં સાચવી લઈને શાંત સ્વરૂપે જીવનપથ કાપવાની અને નીરવે ચાલવાની વાત કરે છે. કવિનું હૃદય સમર્પણના ભાવથી સભર છે એટલે કશું જ પ્રભુને કહેવાની હિંમત નથી.

કવિને જીવનમાર્ગમાં એટલા બધા દુઃખરૂપી કંટકો મળ્યા છે, વેદનાઓ મળી છે, આંસુઓ મળ્યાં છે જે ખુદ કવિનું જીવન બની ગયાં છે. પરન્તુ આ દુઃખ અને વેદનાઓ કવિને નિષેધાત્મક બનાવતાં નથી, પરન્તુ સહિષ્ણુતા અને કરુણાથી સભર બનાવે છે એટલું નહીં પરન્તુ જીવન જીવવા માટે એક નવી જ વિધેયાત્મક દૃષ્ટિ અને ભાવના ખીલવે છે. દુઃખરૂપી કંટકોમાંથી જ પેલા પરમ ચૈતન્યે ખીલવેલાં રંગબેરંગી પુષ્પોની સુગંધ આપી છે. જે જીવનના બાગને સુગંધી બનાવે છે. તેમના જીવનની વેદનાઓ જ સુકોમળ સંવેદનાનો ભાગ બની ગઈ છે અને એટલે જ કવિને સુખ દુ:ખ, પ્રિય-અપ્રિય એ બધું જ તુચ્છ અને ક્ષણિક લાગે છે. ખરી શ્રદ્ધા તો પ્રભુમાં છે જેણે જીવન દીધું છે, જેણે આટલાં દુઃખો વચ્ચે પણ પરમ આનંદની ઉપલબ્ધિ કરાવી છે. એટલે જ કવિ નિષ્ઠાથી પ્રભુને કહે છે કે તમે જે કંઈ દેશો, સુખ કે દુઃખ, પ્રિય કે અપ્રિય, ગુલાબ કે કંટક તેની અવગણના નહિ કરું, પરન્તુ આપની કૃપા પ્રસાદી સમજીને માથે ચઢાવીશ. તેને મારા જીવનબાગમાં પુષ્ય સ્વરૂપે ખીલવીને સુગંધ પ્રસરાવીશ.

કવિએ પોતાના હૃદયની લાગણીઓનાં પુષ્પોને પ્રભુના ચરણે સમર્પિત કરી દીધાં છે, જે કંઈ પ્રભુનો કૃપા પ્રસાદ મળે તેનો સ્વીકાર કરી દીધો છે, તેમ છતાં કવિ ખૂબ ઋજુતાથી અને વિનમ્ર ભાવે પોતાના પ્રાણપ્રિયને કહે છે કે ક્યાંય, કશે અણજાણતાં અપરાધ કર્યો હોય તો માફ કરજો અને જો આપની ક્ષમા કરવાની ઈચ્છા ન હોય તો મને નવી-નવી વેદનાઓ આપજો, જેથી હું સહનશીલ બનીને, કરુણાવાન બનીને, સતત આપના ચિંતન-મનન દ્વારા જીવનના રસાનંદને માણી શકું અને જીવનને ઊર્ધ્વગતિ દ્વારા ધન્ય બનાવી શકું. આપ મારા અપરાધથી ગુસ્સે ન થતા, મને આપનાથી અલિપ્ત ન રાખશો. પ્રભુ આપના સાંનિધ્યમાં જ રાખજો. સમગ્ર દિવસની મથામણોને અંતે આપના ચરણ પાસે જ મને બોલાવજો, બેસાડજો, જેથી મેં કરેલા અપરાધોને પશ્ચાત્તાપની પ્રાર્થના દ્વારા નિર્મળ કરી શકું, કેમ કે આ માનવીય દુનિયામાં આપના સિવાય મારું કોઈ નથી. આપ જ એક માત્ર મારા જીવનવલ્લભ છો. જીવનના નાથ છો. જીવન પોષક છો. હું જાણું છું કે નશ્વર દુનિયા મૃત્યુના આ અન્ધકારરૂપ છે. અન્ધકારરૂપ સંસારમાં મારા માટે એકમાત્ર પ્રકાશપુંજ છો હે પ્રભુ, એકમાત્ર આપ જ છે, આપ જ છે. આપની આગળ પ્રભુ બીજું તે વળી હું શું કહું?

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.