સુપ્રસિદ્ધ વાર્તાકાર ભારત પદ્મશ્રી શ્રી ગુલાબદાસ બ્રોકર અહીં પોરબંદરમાં તેમણે વીતાવેલાં બાળપણનાં સંસ્મરણો રજૂ કરે છે અને તેના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરે છે. – સં.

જ્યારે જ્યારે મારું બાળપણ અને કિશોર અવસ્થા મને યાદ આવે છે ત્યારે ત્યારે આખું પોરબંદર શહેર મારી આંખોમાં આવીને બેસી જાય છે. ને હું પોતે પણ આટલી મોટી ઉંમરનો વૃદ્ધ મટી જઈ તેની નાની નાની શેરીઓમાં રમતો બાળક બની જાઉં છું, તેના મેદાનોમાં બૉલ અને બૅટ લઈ ઘૂમતો કિશોર બની જાઉં છું. અને તેના સુંદર સમુદ્ર તટે આવેલ તેના ભવ્ય અને સમૃદ્ધ વાચનાલય અને પુસ્તકાલયનો કોડ અને ઉત્સાહભર્યો વાચક બની જાઉં છું.

મારા એ બાલ્ય અને કિશોરાવસ્થાનું પોરબંદર એ આજની લાખ દોઢ લાખની વસ્તી ધરાવતું અને અનેક ઉદ્યોગો અને કારખાનાંઓ ધરાવતું મોટું શહેર નહોતું. એ જમાનામાં એની વસ્તી માંડ પંદર વીસ હજારની હશે. પણ ત્યારેય તે સૌરાષ્ટ્રનું એક સુંદર નગર ગણાતું, કેમ કે તેને અત્યંત સુંદર એવો સમુદ્ર વિસ્તાર ભેટમાં મળ્યો હતો, અને મકાનોનાં, રસ્તાઓના અને શહેરના સૌંદર્યને સમજનાર રાજવી મળ્યો હતો.

એ રાજવી ઉંમરમાં ઘણો નાનો હતો. પણ તેની દૃષ્ટિ કલાકારની હતી. પશ્ચિમના સંગીતમાં તેણે સિદ્ધિ મેળવી હતી અને સુંદર શહેર કોને કહેવાય તે જાણવાની તેને કુદરતી બક્ષિશ મળી હતી.

એટલે તો કુદરતે જ જૈને સૌંદર્ય આપ્યું હતું તે સાગરકાંઠાને તેણે પોતાના રાજમહેલ આગળ થોડાં રૂપાળાં વીલાઓ (Villa) સર્જીને વધારે રૂપાળો બનાવી દીધો. નાળિયેરીના વિસ્તારથી જેને નિસર્ગે સૌંદર્ય આપ્યું હતું તે ચોબારીના વિસ્તારને તેણે ચોકખો રહેણાક બનાવી દીધો. અને શહેરના બંધાતા જતા બહારના ભાગને તેણે પોતાની દૃષ્ટિના સૌંદર્યનું જાદુ અર્પીને એ ભાગ બાંધનારા પાસે રૂપાળાં મકાનો બંધાવીને અમરાપુરી જેવો બનાવી દીધો.

આ તો શહેરના રૂપની સમજાવટની વાત થઈ. પણ અમને બાળકોને તો હતું તેવું એ શહેર હંમેશાં રૂપાળું જ લાગતું, કેમ કે અમારું ધ્યાન રાખનાર મા અમારા ઉપર એટલું વહાલ ઢોળે પોરબંદર ગામ તો શું, આખું જગત અમારે માટે રૂપાળું બની જાય. એમાં પણ જ્યારે એ સરસ બની ગયેલા દરિયાકાંઠે ફરવા જવાનું હોય ત્યારે તો જાણે અમારા ઉપર પણ એની ચોક્ખાઈની અસર પડે, અને અમે પણ ચોક્ખા ચણક થઈને નીકળીએ.

જરા મોટા થયા અને પાંચમા ધોરણમાં આવ્યા ત્યારે તો ભાવસિંહજી હાઈસ્કૂલમાં જવાનું આવ્યું. દરિયાકાંઠા ઉપરથી ચાલતા ચાલતા કે દોડતા દોડતા દફતર ઉછાળતા જતા હોઈએ ત્યારે તો સ્વર્ગ જાણે અમારી સામે ઊભું હોય એવું જ લાગે. દરિયાકાંઠો હજી માંડ પૂરો થયો હોય ત્યાં અમારી હાઈસ્કૂલનું શોભાભર્યું મકાન આવે. ખુલ્લી હવા ચારે બાજુથી ધસી આવતું અજવાળું અને સરખે સરખા સાથીઓનો આખા દિવસનો સાથ આમ ક્યારેક કંટાળો ઉપજાવતી દિવસની શિક્ષણ લીલાને, રસમય બનાવી દે. ને તેમાં પાછા શિક્ષકો; એમને અમે માન પણ આપીએ અને એમની ખાનગીમાં મશ્કરી કરીને આનંદ પણ ઉડાવીએ.

ને શેરીની અમારી રમતો! નાના હતા ત્યારે ગોટા અને ગોટી, જરા મોટા થયા ત્યારે ગિલ્લી દંડા, એથી જરા મોટા થયા ત્યારે ક્રિકેટ અને વ્યાયામ શાળા!

હા, વ્યાયામ શાળા તો ખરી જ. અમારા સહુના માનીતા નગીન કાકાએ, ગામ આખાના સન્માન્ય નગીનદાસ મોદીએ દરિયાકાંઠે, પુસ્તકાલયની બાજુની એક ડેલીમાં વ્યાયામ શાળા શરૂ કરી હતી. ત્યારે આખા ગુજરાતમાં વ્યાયામે પોતાના બાહુ ફેલાવ્યા હતા અને અમારા નગીન કાકાએ એનું આલિંગન સ્વીકારી લીધું હતું. દંડ અને બેઠક, કુસ્તી અને મલખમ અને ભરાતા જતા સ્નાયુઓ પ્રેરે તે ગૌરવ અને અભિમાન એ પણ આ અમારા બાલપણાના ગામની દેણગી છે.

ગાંધીજી તો પોરબંદરના ખરા જ, પણ તેનીયે પહેલાં એક મહાપુરુષ પોરબંદર થઈ ગયા હતા. મહાત્મા ગાંધીથી હજારો વર્ષ પહેલાં આ પોરબંદરને તો એ પુરુષે એનું બીજું નામ આપ્યું હતું. એ પુરુષ હતા કૃષ્ણ સખા સુદામા અને પોરબંદરનું બીજું નામ હતું ‘સુદામાપુરી’. અમે સુદામાપુરીના વતનીઓ છીએ એનું અભિમાન અમે ગાંધીના ગામના માણસો છીએ એમ કહેવા કરતાં જરીએ ઓછું નહોતું.

પણ એ ગાંધીજી તો આવીને અમારા ગામને જગતભરમાં જાણીતું કરી દીધું. એ તો એમણે ભલે કર્યું પણ એમણે આવીને અમારા જેવા જુવાન થતા જતા માણસોનાં જીવન જે રીતે પલટી નાખ્યાં તે તો એક અદ્ભુત વાત બની ગઈ. આખું ગામ, એમની ચળવળના દિવસોમાં એક જ ગુંજારવે ગૂંજી ઊઠ્યું. સવારમાં પ્રભાત ફેરી નીકળે, બપોરે સરઘસો નીકળે, રાતે સભાઓ થાય. ચારે બાજુ વાતાવરણ જોમ અને જુસ્સાથી ભર્યું ભર્યું રહે. એવી મઝા આવતી એ દિવસોમાં જીવવાની!

એ ગાંધીજીના જન્મનું ઘર જોયું હોય! અમારી નાતની વંડીની સામે એ આવેલું. વારંવાર અમે એ જોવા જઈએ. અંધારિયું ઘર, નાના નાના ઓરડાઓનું અને નાની એવી ઓસરી. એમાંય જે ઓરડામાં ગાંધીજીનો જન્મ થયો એ તો વળી તદ્દન અંધારિયો, જાણે આવા ઘોર અંધારામાંથી જગતને અજવાળતો, તેજનો પુંજ આપવાનું વિધિનું નિર્માણ ન હોય!

હવે તો એ ઘરની બાજુમાં ગાંધીજીનું મોટું સ્મારક રચાયું છે અને જગત આખું તે જોવા આવે છે. પણ એ મૂળ ઘર તે જ સાચા મોહનદાસ ગાંધીનું પ્રતીક ગણાય. અંધારામાંથી અજવાળા તરફ લઈ જતું; અલ્પમાંથી વિરાટને વ્યાપી જતું.

હવે તો એ પોરબંદર બદલાઈ ગયું છે. ત્યાંનો શાંત, સરલ, સૌમ્ય જીવનવ્યવહાર, રાતે બાર વાગ્યે પણ બાઈ માણસ, જુવાન બાઈ માણસ એકલું ચાલી આવતું હોય તોય તેને કે તેના ઘરના કોઈને કશો ભય ન લાગે તેવું નિર્ભય અને નિર્મલ વાતાવરણ, ત્યાંની કાઠિયાવાડમાં મોટું ગજું કાઢેલી ક્રિકેટ ટીમ, ત્યાંનો સહકાર અને ભ્રાતૃભાવ! બધું જ જાણે ગઈ કાલનું થઈ ગયું.

આજે તો પોરબંદર એ પેલું પોરબંદર રહ્યું નથી. સ્ત્રીઓને તો શું ભલભલા પુરુષોને પણ ભય લાગે તેવું તેનું વાતાવરણ થઈ ગયું છે. ત્યાં સવારના પહોરમાં વહી રહેતું વલોણાનું સંગીત નાશ પામી ગયું છે અને દારૂના રાક્ષસે ગામને કાંઠેથી પકડશું છે એ બધુ જાણવા મળે છે ત્યારે હૃદયમાં અત્યંત ગ્લાનિ ભરાઈ આવે છે.

પરંતુ હું આશાવાદી છું. પુણ્યમાં મારો વિશ્વાસ છે. જે ભૂમિને એક વાર સુદામાએ પવિત્ર બનાવી હતી, દ્વારકાધીશનાં દર્શન કરવા જતાં હજારો પવિત્ર યાત્રાળુઓના ચરણની રજ જે ભૂમિ હંમેશાં ઝીલી રહી હતી અને જે ભૂમિએ મોહનદાસ ગાંધી જેવા જગદુદ્ધારકને જન્મ આપ્યો હતો એ ભૂમિ, આવા કાંટા ઝાંખરામાં હંમેશ માટે અટવાઈ રહેવા માટે નિર્માઈ ન હોય, ન જ હોય.

અત્યારે તો એટલી પ્રાર્થના મનમાં ઊગે છે કે એ પ્રભાત જલદી ઊઘડો, પોરબંદર માટે, જેમાં દિવ્ય ગણોનાં જે વદન મનોહર એણે તત્કાળ પૂરતાં ખોયા છે તે ફરીથી સ્મિત, સ્નેહાળ સ્મિત, ફેલાવી રહે.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.