એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે.

વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો ત્યારે હશે.

વાત સ્વામી શ્રી વિવેકાનંદ અને એક વિદ્યાર્થી સંસ્થાની તેમની મુલાકાતની છે.

ત્યારે વિવેકાનંદજી જગપ્રસિદ્ધ બની ગયા હતા. જગ્યાએ જગ્યાએથી તેમને નિમંત્રણો મળતાં, અને તેમની વાણીથી લોકો મંત્રમુગ્ધ થઈ જતા.

એકવાર એમને મદ્રાસની એક વિદ્યાસંસ્થામાં વ્યાખ્યાન માટે નિમંત્રણ મળ્યું.

તેઓ ગયા, અને શ્રોતાઓ ધન્ય બની ગયા. સંસ્થાના થોડા વિદ્યાર્થીઓ આદરભર્યા કુતૂહલથી પ્રેરાઈ સભાના વ્યાખ્યાનખંડમાંથી તેમને ઘેરીને બહાર નીકળ્યા.

એ સભાખંડની બહારની મોટી દીવાલ ઉપર શ્રીકૃષ્ણ ભગવાનનું એક અતિ સુંદર મોટું ચિત્ર ટીંગાડેલું હતું. સ્વામીજી અત્યંત ભાવવિભોર બની એ ચિત્ર સામે તાકી રહ્યા. સાથેના વિદ્યાર્થીઓ પણ તેમને અને એ ચિત્રને ભાવપૂર્વક જોવા લાગ્યા.

ઓચિંતા જ સ્વામીજીને કશુંક સૂઝી ગયું. તેમને વીંટળાઈ વળેલા વિદ્યાર્થી સમુદાય તરફ તેઓ ફર્યા અને પૂછ્યું:

“આ છે ભગવાન શ્રીકૃષ્ણ. તેમના આ ચિત્રમાં તે કેવા શોભી ઊઠે છે? પણ મારે તો એ પૂછવું છે કે આવી તેજેભરી જગતોદ્વા૨ક વિભૂતિનો રંગ આવો શ્યામ શા માટે હશે? તમને કોઈને એ વિશે કંઈ ખ્યાલ હોય તો મને જણાવો.”

વિદ્યાર્થીઓમાં ચૂપકીદી ફેલાઈ ગઈ. કોઈ કંઈ બોલી શક્યું નહિ. સ્વામીજી તેમના તરફ જ જોઈ રહ્યા હતા, કુતૂહલભર્યા સ્મિતપૂર્વક.

તેમણે ફરી કહ્યું, “તમારામાંથી કોઈ મને એ વિશે કહી નહિ શકે.” થોડી વાર કોઈ કશું ન બોલ્યું, પણ અંતે એક વિદ્યાર્થી જરા આગળ આવ્યો, ને બોલ્યો “મને સૂઝે છે એવું હું કહું, સ્વામીજી.” સ્વામીજી રાજી થઈ ગયા. કહ્યું:

“કહોને, ભાઈ.”

ને તે વિદ્યાર્થી બોલ્યોઃ “આ શ્યામ એટલે કાળો રંગ નથી. નીલશ્યામ છે.”

“છે જ” સ્વામીજીએ કહ્યું.

પેલા વિદ્યાર્થીએ કહ્યું, “એથી મને આપના પ્રશ્નનો ઉત્તર સૂઝી ગયો છે.”

આતુરતાથી સ્વામીજીએ કહ્યું: “હું એ સાંભળવા આતુર છું.”

“તો જુઓ, વિદ્યાર્થીએ કહ્યું, “સાગર સામે જુઓ. તે પણ કેવો નીલશ્યામ છે, તેથી… “કોઈક બોલવા જતું હતું ત્યાં એ વિદ્યાર્થી ફરી બોલ્યો “ને ઉપર આકાશ સામે જુઓ. એ પણ નીલશ્યામ જ છે ને”

“છે જ.”

“મારે તેથી એમ કહેવું છે કે સાગર અનંત છે, અને તે પણ નીલશ્યામ છે. ગગન પણ અનંત છે, અને તે પણ નીલશ્યામ છે. એમનો એ વર્ણ એમની અનંતતાનું સૂચન કરે છે.”

“એ જ રીતે આ પ્રભુ શ્રીકૃષ્ણમુરારિ પણ અનંત છે, અને તેથી એ પણ નીલશ્યામ છે. એમનો એ વર્ણ એમની અનંતતાનું સૂચન કરે છે.”

આ સાંભળી વિદ્યાર્થીઓ તો સ્તબ્ધ થઈ ગયા, પણ સ્વામીજી તો ખુશખુશ. તે વિદ્યાર્થીની પાસે જઈ તેમણે તેને ખભે હાથ મૂકી શાબાશી આપી.

“વાહ વાહ, મિત્ર, તેં તો ગજબ શોધી કાઢ્યું.” તાળીઓનો ગડગડાટ થયો વિદ્યાર્થીવૃંદમાંથી.

એ શમતાં સ્વામીજીએ પૂછ્યું:

“તારું નામ શું, ભાઈ”

“ચક્રવર્તી રાજગોપાલાચારી.” વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

પછીનાં વર્ષોમાં તો એ નામ ભારતભરમાં અને ભારત બહાર પણ અત્યંત પ્રિય અને પ્રસિદ્ધ થઈ ગયું. એ ચક્રવર્તી રાજગોપાલાચારી પછી “રાજાજી”ના ટૂંકા નામે ઓળખાવા લાગ્યા અને અર્વાચીન ભારતની એક વિભૂતિ બની ગયા.

પુત્રનાં લક્ષણ પારણામાંથી વરતાય, એવું જ થયું ને આ મહાપુરુષનું. જે આટલી નાનીવયમાં આવું, ભાગ્યે જ કોઈને સૂઝે એવું વિધાન કરી શક્યા.

આપણે એમને કોટિ કોટિ વંદન કરીએ.

Total Views: 259

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.