આયુર્વેદમાં રોગોનું પ્રમુખ કારણ आम ગણાવ્યું છે. आम એટલે અપકવ અન્નરસ. સાદા અર્થમાં અપચો. આ आमથી જ રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું નામ પાડ્યું आमय. અને આ आम થવાનાં અનેક કારણોમાં મંદાગ્નિ – ભૂખ ન લાગવી – ને સૌથી મુખ્ય કારણ માન્યું છે.

એક પ્રસિદ્ધ નેચરોપૅથે કહ્યું છે : જગતમાં રોગ એક જ છે અને તે છે અપચો (Indigestion). આ અપચો કોઈને શરદી, કોઈને ખાંસી, કોઈને ડાયાબિટિસ તો કોઈને આર્થ્રાઈટિસ એમ જેવી જેની પ્રકૃતિ તે પ્રમાણે તે રોગ ઉત્પન્ન કરે છે. આયુર્વેદના आम ના સિદ્ધાંત જોડે આ કેટલું બધું બંધબેસતું છે! મૂળ રોગ તો એક જ છે. રોગનાં લક્ષણો પ્રમાણે રોગનું ફક્ત નામ બદલાય છે.

રોગનું કારણ જંતુઓ :

આયુર્વેદે જંતુઓની ઉપેક્ષા નથી કરી. તો સાથે તે જંતુઓથી ગભરાયું પણ નથી. તમે आम દોષ ઉત્પન્ન થવા જ નહિ દો તો જંતુઓની ઉત્પત્તિ થશે જ નહિ. એટલે કે રોગ પણ ઉત્પન્ન થશે નહિ. તમારો જઠરાગ્નિ રોગનાં જંતુઓને બાળીને ભસ્મ કરી નાખે એટલો તાકાતવાન છે.

હમણાં હમણાં મારા અનુભવમાં પેશાબમાં વારંવાર ચેપ (Infection) થતો હોય એવા ઠીક ઠીક કેસો આવ્યા છે. પેશાબમાં અગન બળે – ખંજવાળ આવે – વારંવાર જવું પડે. કેટલાકને તાવ પણ આવે. ઍન્ટિબાયોટિકસ લે એટલે મટી જાય. પાછું પંદર દિવસે, મહિને કે બે-ત્રણ મહિને ઊભરે. અને આમ કેટલીક વાર તો વર્ષો સુધી ચાલતું હોય છે એમ કહી શકાય.

આવાં દરદોમાં આયુર્વેદની સાદી દવાઓ અને આહા૨ના ફેરફારથી જ ખુબ સુંદર પરિણામો જોવા મળે છે. ઍન્ટિબાયોટિકસથી દબાવી દેવામાં આવતાં જંતુઓ લાગ મળે ફરી ઊભરે છે એ તો દીવા જેવી વાત છે. જંતુઓ આપણા આહારવિહારની ભૂલોને કારણે ઉત્પન્ન થાય છે. એમને વગર દવાએ પણ મીટાવી શકાય છે- મહાત કરી શકાય છે. એટલી સાદી સમજનો સ્વીકાર કરવા આધુનિક વિજ્ઞાન હજુ તૈયાર નથી એ કોની કમનસીબી છે?

ઈમ્યૂનિટિ (Immunity) ઉત્પન્ન કરો, જંતુઓથી ગભરાવ નહીં, ઈમ્યુનિટિ એટલે વૈષ્ણવી શક્તિ. આ વૈષ્ણવી શક્તિનો ઍન્ટિબાયોટિકસ કચ્ચરઘાણ કાઢી નાખે છે અને એ જ સર્વ રોગોનું મૂળ છે.

અને અન્નને આટલું પ્રાધાન્ય આપ્યા પછી વિશેષમાં કહ્યું છે કે शक्योऽपि अन्नमात्रेण रोगः कर्तुम् निरामयः ફક્ત આહારના ફેરફારથી જ તમે રોગીને રોગમુક્ત કરી શકો છો. Eating without appetite is the root of all the disorders – વગર ભૂખે પણ ખાઈ શકાય છે એવી ટેવ આપણને નાનપણથી જ પાડવામાં આવે છે. નાનું બાળક દૂધ પીવાનું ના પાડતું હોય તો મારી ઠોકીને દૂધ પિવડાવીએ છીએ. બિસ્કિટ અને ચૉકલેટ તો ગમે ત્યારે ખાઈ શકાય છે, એમ આપણે બધા જ માનીએ છીએ.

અન્નનો આદર કરતાં શીખીએ – વગર ભૂખ ખાઈને અન્ન અને હોજરીનો બગાડ ન કરીએ. અન્ન એ બ્રહ્મ છે. પેટ અને આંતરડાં એ ગટર નથી. એમાં વગર વિચાર્યે ઠાલવ્યે જ રાખવાથી ઉકરડો ઉત્પન્ન થશે અને ઉકરડામાં ક્યા જંતુની ઉત્પત્તિ નહિ થઈ શકે? યાદ રાખો કે રોગો ધારો કે જંતુને જ કારણે ઉત્પન્ન થાય છે એમ માનનારામાંના તમે એક હો તો પણ એક વાત તો નિર્વિવાદ છે કે જંતુઓ ઉત્પન્ન થવા દેવા કે નહિ તે આપણા હાથમાં છે.

આયુર્વેદમાં આહારનું કેવું વિશિષ્ટ સ્થાન છે તે બતાવનારાં સૂત્રો કેટલાં અદ્‌ભુત છે! ખરેખર આયુર્વેદે ગાગરમાં સાગર સમાવ્યો છે.

આયુર્વેદનાં આહારવિષયક સૂત્રો :

(૧) काल भोजनम् आरोग्यकराणाम् । આરોગ્યકર જેટલા ભાવો કહ્યા છે તેમાં સમયસરનું ભોજન સૌથી અગ્રેસર છે. આજે ૧૧ વાગ્યે ખાવું અને કાલે ૨ વાગ્યે ખાવું એ આરોગ્યનો નાશ કરનાર છે.

(૨) मात्राशी स्यात् । માત્રાપૂર્વક ખાવું. અર્થાત્ માપીને કે ગણીને જ ખાવું. સારી વસ્તુ હોય કે આગ્રહ કરનાર હોય એટલે આપણે તેને વશ થઈ જઈએ છીએ અને વધુ ખાઈએ છીએ.

(૩) तन्मना भुञ्जिथ: । ખૂબ એકાગ્ર ચિત્તથી જમો. ઉપાધિ, ચિંતા અને ધંધો બધું તે વખતે ભૂલી જાઓ, પ્રસન્ન ચિત્તથી જમો.

(૪) જઠરના ત્રણ ભાગ કલ્પી એક ભાગ આહાર માટે, બીજો ભાગ પાણી માટે અને ત્રીજો એ બધાના સંચાર માટે ખાલી રહેવા દો, જેથી જઠર અને આંતરડાં ખોરાકને બરોબર હલાવીને પચન કરી શકે. ઠાંસીને ખાધું હશે અને સંચાર માટેની ખાલી જગ્યા જ નહિ છોડી હોય તો ખોરાક કેવી રીતે પચશે?

જમતાં પહેલાં :

જમતાં પહેલાં ભગવાનને યાદ કરીને- નાનકડી પ્રાર્થના કરીને ખાવાની ટેવ બાળપણથી જ મા-બાપોએ પાડવી જોઈએ. ખ્રિસ્તીઓ ખાતાં પહેલાં ‘હે ઈશ્વર આજના સુંદર ખોરાક માટે હું તારો આભાર માનું છું.’ આવી પ્રાર્થના કરે છે. सहनाववतु… ૐ शान्तिः । વાળી પ્રાર્થના ચિત્તને અપૂર્વ શાંતિ અર્પશે અને અનેક રોગોને દૂર રાખવામાં મદદગાર બનશે.

અન્ન એ બ્રહ્મ છે. બ્રહ્મનો અનાદર ન થાય એવી વાતો બાળકોને સમજાવવાથી એમનું વ્યક્તિત્વ ઘડવામાં પણ આવા સુવિચારો અને પ્રાર્થનાઓ ખૂબ ખૂબ ઉપયોગી બની રહેશે.

Total Views: 232

One Comment

  1. Hasubhai k Parmar October 16, 2022 at 10:19 am - Reply

    It’s an incredible article so thank you

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.