માનવીનું અસ્તિત્વ ટકાવવા શરીરની અંદર કેટલીક સ્વયંસંચાલિત વ્યવસ્થા છે. ભય જણાતાંની સાથે જ શરીરમાં અનુકંપી (સિમ્પેથૅટિક) તંત્ર સક્રિય થતાં વ્યક્તિ ભય સામે લડી લેવા અથવા ભાગી જવા તૈયાર થાય છે. ભય ટળી જતાં શાંતિ અને સ્વસ્થતા લાવનાર સહાનુકંપી (પૅરાસિમ્પેથૅટિક) તંત્ર સક્રિય બને છે.

આજે માનવીને પ્રાણીઓથી જીવ બચાવવાનો ભય રહ્યો નથી, છતાં આધુનિક યુગમાં તનાવ ડગલે ને પગલે થતો હોવાથી આ યંત્રરચના વારે વારે કાર્યાન્વિત થાય છે અને દર વખતે બિનજરૂરી અને હાનિકારક હૉર્મોનના સ્રાવ લોહીમાં ઠલવાયા કરે છે. ધ્યાન તનાવ માટેની દવા (ઍન્ટિડોટ) સમાન છે.

ધ્યાનથી સહાનુકંપી (પૅરાસિમ્પેથૅટિક) તંત્ર સક્રિય બને છે. એમ થતાં શરીરમાં આપમેળે કેટલીક ક્રિયાઓ થવા લાગે છે. એડ્રીનલિન, નોરએડ્રીનલિન, કૉર્ટિકોસ્ટેરોઈડ હૉર્મોનના સ્રાવનું પ્રમાણ ઘટે છે. પરિણામે હૃદયની ગતિ શાંત થાય છે, બ્લડપ્રેશર ઘટે છે, લોહીમાં કૉલેસ્ટોરલ સામાન્ય બને છે, લોહી પાતળું પડે છે, ધમનીઓ પહોળી થાય છે. આ બધું હૃદયને સ્વસ્થ કરે છે. લૅકિટક ઍસિડનું ઉત્પાદન ઘટે છે તેથી વૃદ્ધાવસ્થા લાવનારી પ્રક્રિયા ધીમી પડે છે. લીવર વધુ શર્કરા બનાવવાનું બંધ કરે એટલે ઈન્સ્યુલિનનો સ્ત્રાવ સામાન્ય બને છે. આ બધી પ્રક્રિયા રોગોમાં નિયંત્રણ લાવનારી છે. વધુમાં ઍન્ડોર્ફિન્સ અને ન્યુરોપૅપ્ટાઈડ્ઝનો સ્રાવ શરૂ થાય છે. તે સ્વાસ્થ્યપ્રદ છે. તેનાથી શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આમ, બધી રીતે શરીરને ઘસારા (ડિજનરેટિવ)ની ક્રિયાઓ ધીમી પડે છે અને નવસર્જન (રિજનરેટિવ)ની ક્રિયાઓને વેગ મળે છે.

આમ ધ્યાનથી શરીરનાં રસાયણો બદલાય છે, જે શરીર અને મનને સ્વસ્થતા તરફ લઈ જાય છે. છેલ્લાં સંશોધનો મુજબ ધ્યાનથી હૃદયના ધબકારામાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ ફેરફાર કરવાની ક્ષમતા (હાર્ટ રેઇટ વેરિએબિલિટિ- HRV) વધે છે એમ સમજાયું છે કે હૃદયના દરેક ધબકારા વચ્ચેના અંતરમાં અતિ સૂક્ષ્મ વધઘટ હોય છે. તેમાં હૃદય પોતે એવો ફેરફાર કરે છે કે જેથી દર મિનિટે સરેરાશ ધબકારાનું પ્રમાણ નિયમિત જ રહે. નકારાત્મક લાગણીઓથી હૃદયની ધબકારામાં ફેરફાર કરવાની ક્ષમતા ઘટે છે. જો આ ક્ષમતા પચાસ મિલિસૅકન્ડથી ઓછી થાય તો હૃદયરોગના હુમલામાંથી સાજા થતા દર્દીઓમાં એકાએક મૃત્યુની સંભાવના પાંચ ગણી વધી જાય. આથી ઊલટું પ્રેમ, ક્ષમા, દયા જેવી લાગણીઓથી હૃદયની ક્ષમતા વધે છે.

ધ્યાન દરમિયાન અદ્‌ભુત ઘટના બને છે. સ્વની સાચી ઓળખ થાય છે. ત્યારે વ્યક્તિ અવકાશ અને કાળની મર્યાદા વટાવી વિશ્વચેતના સાથે ઐક્ય અનુભવે છે. આ અનુભૂતિ થતાં તેની શક્તિઓ અમર્યાદ બને છે. તેની શુભ અસરો શરીર અને મન પર થાય છે.

ધ્યાનથી થતા ફાયદા

અમેરિકામાં આજે કૉરોનરી હૃદયરોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટિસ, ડિપ્રેશન, કૅન્સર, આર્થ્રાઈટિસ તેમ જ અન્ય દર્દીની ચિકિત્સામાં ધ્યાનનો ઉપયોગ કરવામાં આવે છે. ફક્ત ત્રણ મિનિટના ધ્યાનથી શાંતિ અને પરમ આનંદનો અનુભવ કરી શકાય છે. ઈલૅક્ટ્રૉ ઍનકૅફૅલોગ્રામ વડે તપાસતાં ધ્યાનની સ્થિતિમાં મગજમાં તાલબદ્ધ આલ્ફા તરંગો જણાય છે. ધ્યાનથી બ્લડપ્રેશર ઘટે છે, નાડીના ધબકારા ઘટે છે. હૃદયના ધબકારા નિયમિત બને છે, ઑકિસજનની જરૂરિયાત ૨૦% જેટલી ઘટે છે. જગતનાં દરેક તત્ત્વોમાં ઘસારો (ઍન્ટ્રૉપી) સામાન્ય રીતે થતો જ હોય છે. ધ્યાન દરમિયાન આવા ઘસારામાં ઘટાડો નોંધાયો છે.

તબીબી ક્ષેત્રે ધ્યાનથી ઘણા રોગોમાં ફાયદા જોવા મળ્યા છે, પણ કૉરૉનરી હૃદયરોગની ચિકિત્સામાં તેનો ઉપયોગ સૌથી ઉપકારક સાબિત થયો છે. તેનાથી તબીબી વિજ્ઞાનમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે. ધ્યાનથી ઘણા રોગો થતા અટકાવી શકાય છે, વૃદ્ધાવસ્થા દૂર ઠેલાય છે અને તંદુરસ્તીભર્યું લાંબુ જીવન જીવાય છે. ઉપરાંત ધ્યાનથી જીવનશૈલી બદલાય છે. સ્વભાવ અને ટેવોમાં સુખદ પરિવર્તન આવે છે, વ્યસનોથી મુક્ત થઈ શકાય છે, મનનું સમતોલપણું આવે છે. ઘણા ઉદ્યોગોમાં ઉત્પાદન તથા કાર્યક્ષમતા વધારવા, કર્મચારીઓમાં માંદગીની રજાઓ ઘટાડવા ધ્યાનનો ઉપયોગ શરૂ થવા લાગ્યો છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન વધુ કેન્દ્રિત કરી શકે અને તેઓ વધુ શિસ્તબદ્ધ બને તે માટે કેટલીક સંસ્થાઓ ધ્યાનનો ઉપયોગ કરે છે.

ધ્યાનનો ઉપયોગ જીવનની બીજી ઘણી બાબતોમાં કરી શકાય. જેમ કે તમે જમતા હો ત્યારે ફક્ત જમવાની ક્રિયામાં જ તમારું મન પરોવો ત્યારે તમારાથી વધારે પડતું ખવાઈ જતું નથી. તમે શું શું અને કેટલું ખાધું તે ખબર પડે છે અને જમવાનો ખરો આનંદ આવે છે. આ કારણે જેમને વધારે પડતું વજન હોય તેમને ધ્યાન કરવા સલાહ આપવામાં આવે છે. તેવું જ તમે ચાલવા નીકળો ત્યારે ચાલવાની ક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો તો તમને ચાલવાનો આનંદ આવે છે. અને તમને તેમાં થાક કે કંટાળો આવતો નથી.

ધ્યાનથી વ્યક્તિની અંદરની શક્તિઓ ખીલે છે, પ્રજ્ઞા આવે છે, અળગાપણાની ભાવના દૂર થાય છે. દૃષ્ટિકોણ વિશાળ બનતાં અનેકાન્ત દૃષ્ટિ ખીલે છે, વેરભાવ, ઈર્ષા, ધિક્કાર, ક્રોધ, પારકાના દોષો જોવાની ટેવ જેવી નકારાત્મક વૃત્તિઓને બદલે નિઃસ્વાર્થ પ્રેમ, કરુણા, દયા, પરમાર્થ જેવા હકારાત્મક ગુણોનો વિકાસ થાય છે.

ધ્યાન કરતાં પહેલાં

♦ ધ્યાન કરવા માટે કોઈ ખલેલ ન પહોંચે એવી શાંત જગ્યા પસંદ કરો. જો કે ધ્યાનનો મહાવરો પડ્યા પછી ધ્યાન ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે.

♦ ધ્યાન જમીન ઉપર બેસીને, ખુરશીમાં અથવા ચત્તા સૂઈને કે ઊભા રહીને પણ કરી શકાય.

♦ જમ્યા પછી તરત ધ્યાન કરવાનું ન રાખવું, કારણ કે ધ્યાનથી લોહીનો પ્રવાહ મગજ તરફ વહેતો હોય છે, જ્યારે જમવાથી તે હોજરી ત૨ફ વહેતો હોય છે.

♦ આપણું શરીર શિથિલ હોય ત્યારે ધ્યાન સહેલાઇથી થાય છે. શરીરના સ્નાયુઓને વારાફરતી ખેંચી પછી ઢીલા મૂકવા જોઈએ. એટલે કે સ્ટ્રૅચિંગની કસરતો પછી ધ્યાન વધુ સારું થઈ શકે. આવું કરવાનો સમય ન મળે તો ધ્યાન કરતાં પહેલાં થોડા ઊંડા શ્વાસ લેવાથી પણ તેવી જ અસર થાય છે.

♦ બેસતી વખતે પીઠ, ગરદન અને માથું સીધાં રાખવાથી એકાગ્રતા સહેલાઈથી થાય છે. પણ અક્કડતા વિના બેસવું.

♦ ધ્યાન વખતે આંખો બંધ રાખવી. આંખો ખુલ્લી રાખવાથી ધ્યાન બીજે જાય છે.

♦ ધ્યાન દરમિયાન સ્થિર બેસવું જોઈએ. તેમ છતાં શરૂઆતમાં શરીર અસ્વસ્થ બનવાનું વલણ ધરાવે છે. આવું બને ત્યારે તેની નોંધ લીધા વિના ધ્યાન કરવાનું ચાલું રાખવું. તેમ છતાં સરખું બેસી ન શકાય તો જરા ખસીને બેસવાથી રાહત રહેશે.

♦ ધ્યાન નિયમિત એક જ જગ્યાએ અને એક જ સમયે કરવાથી સહજ બને છે.

♦ ઓમ્ જેવા કોઈ પણ લયબદ્ધ ધ્વનિમાં એકરૂપ થઈને ધ્યાન કરી શકાય.

♦ ધ્યાન સામાન્ય રીતે વીશ વીશ મિનિટ દિવસમાં બે વખત સવાર-સાંજ કરી શકાય. સમય મર્યાદા જાતે નક્કી કરવી જેથી કોઈ પણ પ્રકારની તાણ ન અનુભવાય. ફક્ત બે મિનિટનું ધ્યાન પણ લાભદાયી નીવડી શકે.

ધ્યાન કરવાની રીત

ધ્યાનની ઘણી રીતો છે. એક સહેલી રીતે આ પ્રમાણે છે :

♦ પલાંઠી વાળી બેસો. આ સુખાસન છે.

♦ બંને હાથ ઘૂંટણ પર ટેકવો. અંગૂઠાને પહેલી આંગળીના મૂળમાં અડાડી રાખવાથી એકાગ્રતામાં મદદ થાય છે.

♦ કરોડરજ્જુ સીધી રાખો. સ્થિર બેસો.

♦ આંખો હળવેથી બંધ કરો.

♦ બંધ આંખે જોઈ વળો કે શરીરમાં ક્યાંય તાણ નથી.

♦ મનને વધુ શાંત કરવા પેટ દ્વારા શ્વાસ લેવાનું શરૂ કરો. શ્વાસને સહજપણે ધીમા, શાંત અને લયબદ્ધ બનાવો.

♦ હવે શ્વાસને નાક દ્વારા અંદર જતો અને બહાર નીકળતો અનુભવો. શ્વાસ પ્રાણ છે. શ્વાસ દ્વારા માત્ર હવા નહીં. જીવનતત્ત્વ અને પ્રકાશ પણ લો છો. શ્વાસની ગતિ સાથે એકરૂપ બનો. આ ધ્યાનનું હાર્દ છે.

♦ મન ભટકવા માંડે તો તેને ધીમેથી પાછું શ્વાસ પર લાવો અને હળવાશથી ત્યાં સ્થિર કરો, શ્વાસ એ જ પ્રાણ છે. ધ્યાન દરમિયાન તમે મનને પાછું વાળીને પ્રાણમાં પરોવતા રહો તો તમારો ધ્યાનના પ્રયત્નમાં ગાળેલો સઘળો સમય ઉપયોગી નીવડ્યો એમ કહી શકાય. મન ફરી ભટક્યા કરે તો એની ચિંતા કરશો નહીં.

♦ આ સ્થિતિમાં અનુકૂળતા પ્રમાણે રહો, પછી હળવેથી આંખો ખોલી ધ્યાનમાંથી બહાર આવો.

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.