શ્રી બલદેવભાઈ ઓઝા હાલ રાજકોટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મૅનૅજર તરીકે સેવા આપી રહ્યા છે. આજે સમાજમાં જ્યારે મૂલ્યોને વળગી રહેવું ‘વેદિયાવેડા’ કહેવાય છે ત્યારે તેઓ નીતિમત્તા અને પ્રામાણિકતાને પોતાના જીવનમાં અપનાવે અને તેનો પ્રચાર કરે એ સુખદ આશ્ચર્ય છે. પોતાના જીવનના અનુભવોના આધારે તેમણે પુસ્તકો લખ્યાં છે. ‘કુદરતની કલમે’ અને ‘કળિયુગનું મારણ’. લેખકના પોતાના શબ્દોમાં – ‘કરે તેવું પામે અને વાવે તેવું લણે – કુદરતના આ કાયદાને સરળ ભાષામાં સમજાવતી આ વાર્તાઓ છે. વાર્તા સંગ્રહની તમામ વાર્તાઓ સત્ય ઘટનાઓ છે. વાર્તાના પાત્રો જીવંત છે, મારા પરિચયમાં છે. અવારનવાર મને મળે છે. વ્યવહારુ દૃષ્ટિએ નામ અને સ્થળ-કાળમાં ફેરફાર કર્યા છે.’ આ વાર્તાઓ દ્વારા લેખક પુરવાર કરે છે કે માનવી ગમે તેટલી ચાલાકી વાપરી સહીસલામત રહેવા ઇચ્છે તો પણ એના દ્વારા થતાં કર્મોનું અણગમતું ફળ ભોગવ્યે જ છૂટકો છે. ‘કુદરતની કલમે’માંથી સંકલિત આ વાર્તા સ્પષ્ટપણે સમજાવે છે કે મનની શાંતિ માટે જીવનમાં સત્યનું પાલન અનિવાર્ય છે. અનીતિ દ્વારા સુખ-સમૃદ્ધિ કદાચ કોઈ મેળવી શકે પણ સુખ શાંતિ કદી ન મેળવી શકે. -સં.

એમનો દુબળો હાથ મારા હાથમાં લીધો. હાડપિંજરની ખોપરી જેવા માથા પર મે હથેળી મૂકી. ચીમળાઈ ગયેલી એમની ઝીણી આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વાર માથા પર હાથ ફેરવ્યે રાખ્યો. તેઓ ટગર ટગર મારી સામે જોઈ રહ્યાં. બંધ હોઠ ખુલ્યા. વળી પાછા બિડાઈ ગયા! બળપૂર્વક હોઠ ખોલવાનો પ્રયત્ન કરતા હોય એવું મને લાગ્યું, કાંઈક કહેવું છે. પણ કહી શકતાં નથી! થોડી વાર વ્યર્થ પ્રયત્ન કર્યા બાદ એ શાંત થઈ ગયાં. વળી પાછા આંખમાં આંસુ ઉભરાયાં, હાડકાનાં માળા જેવું દુબળું શરીર કંપવા લાગ્યું! એમની આવી અસહાય હાલત જોઈ મારું હૃદય કરુણાથી ભરાઈ ગયું. બને એટલી મીઠાશ લાવી મેં કહ્યું :

‘તમે શાંત પડ્યા રહો. ચિંતા કરશો નહિં; સારું થઈ જશે.’

બંધ આંખો ખોલી એમણે ઉપર આકાશ તરફ નજર કરી. ‘ઈશ્વર કરે તે ખરી’ એવા ભાવ એમના ચહેરા પર મને વંચાયા. માથા પરથી હાથ સેરવી, મારા બન્ને હાથમાં એમનો હાથ લઈ મેં કહ્યું :

‘ઈશ્વર દયાળુ છે. એ સૌની કાળજી રાખે છે. તમારી પણ રાખશે. મગજમાંથી ચિંતા કાઢીને ઈશ્વરનું સ્મરણ કર્યા કરવું.’

મને સહેજે પણ ખ્યાલ ન રહ્યો કે, ભાવાવેશમાં બહુ અઘરી શિખામણ હું એમને આપી રહ્યો હતો! જીવન આખું ઈશ્વર સ્મરણ તરફનું વલણ ન રહ્યું હોય તો છેલ્લા દિવસોમાં બધું દુઃખ દર્દ વિસારીને ઈશ્વર સ્મરણ કરવું એ કાંઈ સહેલી વાત નથી! જિંદગી આખી ઈશ્વર પરાયણ જીવન જેણે વિતાવ્યું છે તેને છેલ્લી અવસ્થામાં ઈશ્વરમાં લીન બની, તન મનના દુઃખને વિસારે પાડવું એ અઘરી વાત નથી. ઉલટાનું આવા માણસો માંદગીની પથારીમાં પડ્યા છતાં પણ બીજાને આશ્વાસન આપતા હોય છે. ગમે તેવું દર્દ હોય તો પણ ઉંહકારો સરખો કરતા નથી. અંતર મન ઈશ્વર સ્મરણમાં લીન હોવાથી, શારીરિક પીડાની બાહ્ય બાબતો એમને બહુ પજવતી નથી હોતી. જ્યારે જિંદગીભર ઈશ્વર સાથે કહેવા પુરતો માત્ર અડછતો સંબંધ રાખનારાને માંદગીના બિછાને, પીડા સિવાય બીજો વિચાર આવી શકતો નથી.

તેઓ અંદર-બાહ્ય ખૂબ પીડાતાં હતાં, એ એમના હાવભાવ પરથી મને સમજાતું હતું. ચમચીમાં પાણી લઈ મેં એમને પાયું. હરીફરી શકવાનું તો છેલ્લા ઘણા સમયથી બંધ હતું. પ્રવાહી સિવાય બીજો ખોરાક પણ હવે લઈ શકતાં ન હતાં. સંડાસ પાણીની ક્રિયા પણ પથારીમાં જ થતી.

થોડું પાણી શરીરમાં જવાથી એમને શાતા વળી. એમનાં હોઠ ધીમું બબડવા લાગ્યા. હું મારા કાન એમના મોઢા સુધી લઈ ગયો. તેઓ બોલ્યાં, ‘સમ..મ.. ન..ભા.. મને..માફ ..કર..જો.’

એમના એટલા તૂટક તૂટક શબ્દોએ મારા અંતરને ભીનું કરી મૂક્યું! મારી આંખોમાં આંસુ ઉભરાયાં. ફરી એમના કપાળ પર ધીરેથી હાથ મૂક્યો. કહ્યું, ‘મન નાનું ન કરો ભાભી. શાંતિ રાખો. સૌ સારા વાના થશે.’

મારો હૃદયપૂર્વકનો દિલાસો છતાં એમના મનને શાંતિ વળતી ન હતી. બળપૂર્વક આંખોનાં પોપચાં બંધ કરી, થોડી વાર માટે એમનામાં ખોવાઈ ગયાં.

એમનાં ક્ષીણ થયેલ શરીરને હું તાકી રહ્યો! કોઈ ચલચિત્ર જોતો હોઉં એ રીતે ભૂતકાળનાં અનેક સંસ્મરણો મારી નજર સામે તરવરવા લાગ્યાં.

બાપુજીના અવસાન પછી મજિયારી મિલકતના ભાગ પાડવાનાં હતા. સગાં-સંબંધીમાં પીઢ અને પોતાના ગણાય એવા વડીલોની હાજરીમાં સૌ ભેગા થયા હતા. કાકા, મામા, અમારા વેવાઇ, સૌ હતા. સુરભીભાભીના ભાઇ પણ હતા. કાકાએ કહ્યું : ‘જુઓ, મોટાભાઇ લીલી વાડી મૂકીને ગયા છે. તમને સૌને ધંધાસર કર્યા છે. સૌને માટે સારી એવી મિલકત છોડતા ગયા છે. જ્ઞાતિમાં આપણું ઘર સરટોચ ગણાય, એવી આબરૂ બાંધી ગયા છે. તમે ત્રણેય સમજુ છો. બાપની આબરૂ જળવાઇ રહે એવું કરજો. ઘરના ત્રણ ભાગ બરાબર થઇ ગયા. હવે એ પ્રશ્ન પતી ગયો છે… પણ… કાકા થોડી વાર અટક્યા, મોટાભાઇએ કહ્યું : ‘કાકા તમારે જે કહેવું હોય તે મન મૂકીને કહો. બાપા ગયા પછી તમે જ અમારા વડીલ છો. તમે જે કહેશો તે અમારા સૌના હિતમાં હશે. તમે જેમ કહેશો એમ જ અમે કરીશું.’

‘તારો તો કાંઇ સવાલ નથી, મોટા, તું અને નાનો તો વડીલોની આમન્યા રાખશો પણ…’ ‘હા… હા… ચોખ્ખું જ કહોને …… અમે જ નડતરરૂપ છીએ બધાને!’ સુરભીભાભી તાડૂકી ઊઠયાં! કાકાને અધવચ્ચે જ બોલતા અટકાવી દીધા! કાકા ઝંખવાણા પડીને ચૂપ થઇ ગયા.

‘બધાને બસ મોટા ને નાનામાં જ ગુણ દેખાય છે. અમારી તો કાંઇ કિંમત જ નથી… બધાય એમની તરફ જ છે….’

‘બહેન, તમે વચ્ચે ન બોલો. કાકા કહે છે એ વ્યવહારની વાત છે. કાંઇ ખોટું થતું હશે તો જોનારા અમે ક્યાં નથી બેઠા?’ સુરભીભાભીનાં ભાઇએ બહેનને બોલતાં અટકાવી.

‘ભાઈ, તમે જાણતા નથી. તમારા બનેવી તો સાવ ભોળા છે! આ બધાં થઇને એમને…’

‘એવું હશે તો મારા બનેવી કહેશે. તું શું કામ વડીલોની હાજરીમાં બોલબોલ કરે છે?’

‘એ શું ધૂળ બોલશે? એમની તો ગણતરી જ ક્યાં રહેવા દીધી છે… એ તો મોટાભાઇ, મોટાભાઇ કરવામાંથી ઊંચા નથી આવતા… મેં ધ્યાન નો રાખ્યું હોત તો ક્યારના ય બાવા બનાવી દીધા હોત… બધાયે ભેગા મળીને…’

બાની આંખમાં આંસુ ઊભરાયાં, બોલ્યાં, ‘આવું ન બોલ વહુ, હું એની મા છું. મારે મન તો ત્રણેય સરખા છે. એકને ગોળ ને બીજાને ખોળ હું જનેતા થવા ન દઉં. તમારા સસરાના જીવતાં જીવ એમણે ત્રણેયની સરખી કાળજી રાખી હતી અને હવે…’

‘હા. હા. હું બધુંય જાણું છું. અમને જુદા કાઢ્યા પછી બાપાના પૈસે મોટાભાઇ ધંધામાં કેટલું કમાણા એનો કોઈ હિસાબ કરે છે? હવે આજ ભાગ આપવાની વાત આવી ત્યારે એની કોઈ ગણતરી કેમ કરતા નથી.…?’

મામાએ આ બાબતે દરમ્યાનગીરી કરતા કહ્યું,

‘વહુ, તમારી આ વાત બરાબર નથી. તમે જુદાં થયાં એને આજે પંદર વર્ષ થયાં. તમને ઘર અને ઘરવખરી સાથે જુદા કર્યાં. જુદા થયા પછી તમે ક્યારેય એક પાઇ પણ ઘરમાં આપી નથી. તમારી કમાણી તમે ભોગવી છે. નાનાને ભણાવ્યો, તો પણ મોટાએ. બહેનનાં લગ્ન પણ મોટાએ કરી આપ્યાં. તમારા સસરાની મૂડી જે થોડી ઘણી છે એના તો ત્રણ સરખા ભાગ પાડ્યા છે. પંદર વર્ષમાં મોટો કૉન્ટ્રાક્ટના કામમાં રાત’દિ એક કરીને પાંચ પૈસા કમાયો એમાં તમે ભાગ માગો એ બિલકુલ વ્યાજબી નથી.’

બહેનના સસરાએ પણ આ વાતમાં સંમતિ આપી. સુરભીભાભીના ભાઇને પણ આ વાત વ્યાજબી લાગી. પણ એમની બહેન હઠ લઇને બેઠી હતી. મોટાભાઇ કૉન્ટ્રાક્ટના કામમાં જે કમાયા છે તે બાપાની મૂડી રોકીને કમાયા છે. આથી એમની જે મૂડી છે એમાંથી પણ અમને હિસ્સો મળવો જોઈએ!

અમારા વેવાઇ, બહેનના સસરા બહુ મોટી ઉંમરના અને વ્યવહારુ હતા. એમણે કહ્યું :

‘જુઓ, સુરભીબહેન, હું તો ખર્યું પાન છું. જે કાંઈ કહીશ તે ઈશ્વરનો ડર માથે રાખીને કહીશ, પંદર વર્ષમાં મનહરભાઇએ જે ધંધો વિકસાવ્યો એ એમની મહેનતનું પરિણામ છે. એ તો માનો કે બે પૈસા કમાયા, પણ ગુમાવ્યું હોત તો તમે એમાં થોડા ભાગીદાર થવાના હતા? અને બીજી વાત એ કે દિનેશભાઇ ધંધામાં કમાયા હોત તો એમાંથી તમે થોડા કોઈને ભાગ આપવાના હતા? હા, હજુ નાના સુમન મનહરભાઇની કમાણીમાંથી ભાગ માંગે તો તે સમજાય તમારું બધું લઇને તમે પંદર વર્ષ પહેલાં જુદાં થયાં. તમારી રીતે ધંધો કર્યો. કમાયા… વાપર્યું, તમને કોઈએ ક્યાં પૂછ્યું છે… કે તમે શું કમાયા અને કેમ વાપરો છો.’

‘હા. હા. અમને તો આમેય કોણ પૂછે છે? ક્યાં ખૂણામાં પડ્યા છીએ. એનીય કોઈએ સંભાળ લીધી છે? બધાયને એજ દેખાય છે. એમની પાસે પાંચ પૈસા છે એટલે આ બધાં એનાં જ સગાં…’

સુરભીભાભીની જીભમાંથી અંગારા ઝરતા હતા! દિનેશભાઇ નીચું મોઢું રાખીને ચૂપચાપ બેઠા હતાં. ઘરના વડીલોની હાજરીમાં આમ બેફામપણે બહેનને બોલતાં જોઇને એમના ભાઇથી ન રહેવાયું એણે ઊંચા અવાજે કહ્યું :

‘બહેન, હવે હદ થાય છે! મારા બનેવી એક શબ્દ પણ બોલતા નથી, અને તું શું કામ અળખામણી થાય છે?’

‘એમના મોઢામાં મગ ભર્યા છે. ભાઇથી દબાઇ ગયા છે! એટલે તો બધા ઘોડોઘોડો થઇ ગયા છે. એમને તો કાંઇ નથી પણ મારે મારા વસ્તારનું ભલું ઇચ્છવું કે નહિ?’

‘જો બહેન, આ બધા વડીલો કોઈની શેહશરમ રાખે એવા નથી. એ ક૨શે એ બધું બરાબર જ કરશે…’

‘શું ધૂળ બરાબર કરવાના છે… તું પણ એમની હા માં હા કરવાવાળો થયો છો. આવી ખબર હોત તો તને તેડાવત નહિ…’

બહેનના આવા આકરા વેણ સાંભળી ભાઇ રોષે ભરાઇ ઊભા થયા! એ સમજુ હતા. એને લાગ્યું કે બહેનની ઉચ્ર્છંખલતાએ માઝા મૂકી છે. અહીં આવીને તો ઉલટાની એની હલકાઇ થઇ છે… કુટુંબના બીજા સભ્યોએ એમને શાંત પાડીને બેસાડ્યા.

મારી ત્યારે બાળ અવસ્થા હતી. હું આ બધું જોયા કરતો. હૃદયમાં અનેક ભાવ ઊઠતા પણ વડીલો સૌ મને હજુ અણસમજુ ગણતા. આથી હું આવી બાબતોમાં કશું બોલી શકતો નહિ.

વડીલો સૌ જાણતા હતા કે દિનેશભાઇને સમજાવવાનો કશો અર્થ નહોતો. એના ઘરમાં દિનેશભાઇનું કાંઇ ઉપજણ ન હતું. સુરભીભાભી કરે એ જ થાય! તેમ છતાં સુરભીભાભીના ગયા પછી સૌએ દિનેશભાઇને સમજાવ્યા. દિનેશભાઇ સમજ્યા હોય એવું લાગ્યું. બાપાની મૂડીના ત્રણ સરખા ભાગની વાતમાં એ સંમત થયા. સૌને નિરાંત થઇ!

બીજા દિવસે વડીલો સૌ જવાની તૈયારી કરતા હતા, ત્યાં દિનેશભાઇ નીચું મોઢું રાખી બોલ્યા,

‘રાતવાળી વાતનો મેળ પડે એમ નથી. અમારા ઘરમાં ડખો થશે.’

વળી પાછી સૌની મૂંઝવણ વધી પડી! રાત આખી પીંજણ કર્યા પછી રહ્યા ઠેરના ઠેર. સુરભીભાભીએ વહેલી સવારે ચક્કર ફેરવ્યું! મને બહુ નવાઇ લાગી. દિનેશભાઇ આવા નિર્માલ્ય? ભાભી પાસે એમનું કશું ન ચાલે! અને ભાભી પણ કેવાં અવળચંડાં! આટલા મોટા કુટુંબ સગા-સંબંધીમાં કોઈની પણ સાડીબાર નહિ! સગા ભાઇની પણ નહિ!

હું થોડો ઊંડા ભૂતકાળમાં સરી પડ્યો. ત્યારે પ્રાથમિક શાળામાં ભણતો હતો. દિનેશભાઈ ધંધાના કામે અમદાવાદ ગયા. ધંધાની રીતે એમને ત્યાં ફાવી ગયું. સુરભીભાભીને પણ તેડાવી લીધાં. પાંચ વર્ષ અમદાવાદ રહ્યા. દિનેશભાઈ અને સુરભીભાભી જ્યારે વતન આવતાં ત્યારે શું એમનો માભો હતો! એ સમયે અમદાવાદ એટલે તો જાણે કાંઈ કહેવાય! વાળુ કરી આડોશ પાડોશનાં સૌ અમારી વિશાળ ફળીમાં ભેગાં થતાં. આદમીમાં દિનેશભાઈ અને બૈરાંઓમાં સુરભીભાભી અમદાવાદની અવનવી વાતો કરતા. લોકો મોમાં આંગળા નાખી એમની વાતો સાંભળતા!

‘ભાઈ-ભાભી અમદાવાદ છે.’ એમ કહેતાં મને પોરસ ચડતું! એ સમય જ એવો હતો. દિનેશભાઈ એક વાર અમદાવાદથી વાજું લઈ આવ્યા. ચાવી આપે, રેકર્ડ ચડાવે, પીન અડાડી વાજું ચાલુ કરે અને મીઠાં મધુરાં ગીત અને ભજન સાંભળવા મળે! ઘરમાં એક દિનેશભાઈ બીજાં સુરભીભાભી એમ બેને જ વા વગાડતાં આવડે. આથી આ બન્નેનું મહત્ત્વ કાંઈક ઓર જ હતું! મોટાભાભી તો બિચારાં ગામડાનાં અભણ. બન્ને વહુની તુલના કરીને ઘણી ડોશીઓ કહેતી :

‘ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાગો તેલી!’

આડોશ પાડોશમાં સૌ હોંશે હોંશે દિનેશભાઈને ચા પીવા ઘેર બોલાવતા. અમારે ત્યાં એ સમયે રિવાજ ન હતો છતાં સુરભીભાભી પણ ભાઈની સાથે બીજાને ઘેર બેસવા જતાં. ઘરના સૌ રાજી થઈ આ અજુગતી વાત સહી લેતા!

જેટલા દિવસો ભાભી રહેતાં એટલા દિવસો અમારા ઘરમાં ઉત્સવ હોય એવો સૌને આનંદ થતો. મને નિશાળે જવું ગમતું નહિ. પરાણે જતો તો પણ છૂટતાવેંત દોડીને ઘેર આવી જતો! ભાભીને જોવા! કેવી સરસ રીતે ભાભી સાડી પહેરે! માથું ઓળવાની ઢબ પણ કેવી સરસ! અવનવા રંગની બંગડીઓ પહેરે! બોલવાની શી છટા! મને ઘડીભર પણ ભાભીથી દૂર જવાનું ન ગમે!

ભાઈ-ભાભી અમદાવાદ જાય એટલે કેટલાય દિવસ સુધી ઘ૨ સૂમસામ થઈ જાય! આવો હતો એમનો મરતબો અને માભો!

પાંચ વર્ષ પછી, અમદાવાદનું હવામાન માફક ન આવતાં ભાઈ દેશમાં પાછા ફર્યા. અહીં નવો ધંધો શરૂ કર્યો. સુરભીભાભી અહીં રહેશે એ વિચારે હું રાજીના રેડ થઈ ગયો! છ-આઠ મહિના ભાભી સાથે ખૂબ આનંદમાં ગાળ્યા.

સમય જતો ગયો. ધીરે ધીરે ભાભીના વર્તનમાં ફેરફાર શરૂ થયો. અમદાવાદ જેવા શહેરમાં સ્વતંત્ર રીતે રહેલાં ભાભીને હવે સંયુક્ત કુટુંબમાં ગૂંગળામણ થવા લાગી. અમદાવાદમાં ભાઈની તબિયત બરાબર રહેતી ન હોવાથી ના છૂટકે ભાભી વતનમાં પાછાં આવ્યાં હતાં. પરંતુ પાંચ પાંચ વર્ષ સુધી એકલપડું જીવન જીવનાર ભાભીને હવે આ ટોળા જેવા ઘરમાં ફાવતું ન હતું. મને પણ થયું કે સુરભીભાભી હવે પહેલાંના જેવાં નથી રહ્યાં.

એક વાર હું નિશાળેથી ઘેર આવ્યો ત્યારે બા અને ભાભી વચ્ચે રકઝક ચાલતી હતી.

‘તમે જ પિયુષને બગાડી માર્યો છે. ખોટા લાડ દેખાડીને આ છોકરાને ક્યાંયનો નહિ રાખો.’ આમ કહી સુરભીભાભીએ નાના પિયૂષને સરખી રીતની ખેંચી કાઢી!

બાથી આ સહન ન થયું.

‘જો વહુ, વઢવું હોય એટલું વઢજે, પણ મારા ફૂલ જેવા દીકરાને હાથ ન અડાડતી…!’

‘તે દીકરો તમારો છે ને મારો નથી? હું શું એની દુશ્મન છું! પેટનો જણ્યો છે, મારીશેય તે અને ઠીક લાગશે તો ભોમાંય ભંડારી દઈશ. તમારે ખોટી લાગણી બતાવવાની જરૂર નથી.’ આમ કહી પિયૂષને લગભગ ઢસડતા હોય એ રીતે એમના રૂમમાં લઈ ગયાં.

બા બિચારાં રડી પડ્યાં. ભાભીનું આવું વિચિત્ર વર્તન જોઈ મારૂં હૃદય ઘવાયું. સુરભીભાભી! આવાં ક્રૂર! બા સામે આવું ધડાધડ બોલે! ઘરમાં મોટાભાઈ કે ભાભી પણ ક્યારેય બા સામે હરફ સુધ્ધાં ઉચ્ચારતાં નથી. નાનાં ભાભી આમ બાનું મોઢું તોડી લે! એમને રડાવે! મને આ ન ગમ્યું!

બસ પછી તો છોકરાઓની બાબતમાં વારંવાર સુરભીભાભી ઘરમાં બા અને મોટીભાભી સાથે ઝઘડ્યા કરે. ભાઈઓ બિચારા ધંધા-પાણીમાંથી પરવારી થાક્યા પાયા રાતના ઘેર આવે ત્યારે અહીં ઘરમાં કોઈને કોઈ રામાયણ ઊભી જ હોય! બાપુજી જો કે બા ને ઠપકો આપતા.

‘વહુ તો બાળક ગણાય! તું ઘરમાં સૌથી મોટી છે. તારે જ ધ્યાન રાખવાનું. આવા રોજ ઝઘડા ટંટા થાય તો છોકરા બિચારાને કેવી ઉપાધિ રહે! એક તો ધંધામાં ઉપાધિ હોય જ. એમાં વળી તમારા બૈરાંઓની રામાયણ! આદમીનું આયુષ્ય આમ જ ઓછું થાય.’

બાપુજીની આવી શિખામણથી બા ગમ ખાતાં શીખી ગયાં. સુરભીભાભી જોડે હવે એ બહુ જીભાજોડી કરતાં નહિ, પરંતુ કોણ જાણે કેમ ભાભી કોઈને કોઈ બહાને ઘરમાં ડખો કર્યા જ કરે!

બાજુમાં ઘી વાળાનું કુટુંબ રહે. જ્ઞાતિમાં એમની છાપ બહુ સારી નહિ, આથી અમારે એમની સાથે બોલ્યા વહેવાર નહિ. સુરભીભાભી નવરાં પડે ને એમને ઘેર દોડી જાય. ઘરનાં કોઈને આ ન ગમે. પણ ભાભી કોઈને ગણકારે નહિ. ઘી વાળાને તો જોઈતું તું ને જડ્યું! એની વહુએ ભાભીની અવળી હરકતોને પ્રોત્સાહન આપ્યું. શરૂ શરૂમાં તો દિનેશભાઈ સમજાવતા. પણ ભાભી દિનેશભાઈને તો ચૂપ જ કરી દેતાં!

પરિણામ એ આવ્યું કે, સુરભીભાભી ભર્યું ભાદર્યું સંયુક્ત કુટુંબ છોડીને જુદાં થયાં! દિનેશભાઈ જુદા થયા ત્યારે જ્ઞાતિમાં ખળભળાટ મચી ગયો! મોહનભાઈનું ખોરડું! કેવું મોભાદાર કુટુંબ! સૌ એનો દાખલો આપે! ‘કુટુંબમાં સંપ તો હશે પણ મોહનભાઈના કુટુંબ જેવો નહિ. એને કોઈ નો પહોંચે.’ એમ સૌ કહેતાં. એ સમયે જુદા થવાનો રિવાજ બહુ ન હતો. છોકરાને ઘેર છોકરા થાય અને એ સંયુક્ત કુટુંબમાં રહીને જ પરણે એવો એ જમાનો હતો! બહુ થાય તો સૌથી મોટો દીકરો હોય એ જુદો થાય. મોટો ભેગો હોય અને નાનો જુદો થાય એવું બનતું નહિ. બાપુજીના જીવતે જીવ એમના કુટુંબમાં જ આવું બન્યું અને તે પણ ઝઘડો કરીને!

બાપુજીને બહુ આઘાત લાગ્યો. આટલું ઓછું હોય એમ જુદા થયા પછી સુરભીભાભી જ્યાં ત્યાં બા-બાપુજી અને મોટાભાઈ-ભાભીની વગોવણી કરવા લાગ્યાં. જેની જેની સાથે અમારા કુટુંબને મેળ ન હતો તેમની સાથે ઘરોબો કરવા લાગ્યાં. ઘી વાળા તો જાણે પોતાનાં પિયરીયાં હોય એમ એમની સાથેનો વહેવાર વધારી દીધો. ગામ આખું જાણતું હતું કે, સુરભીભાભી સૌની ઇચ્છા વિરુદ્ધ પરાણે જુદાં થયાં હતાં તેમ છતાં તેઓ જ્યાં ત્યાં કહેતાં, ‘અમને જુદા ધકેલી દીધાં.’ એમને હક હિસ્સો અને ભાગની જરૂરી મૂડી આપી હતી છતાં ઘી વાળા જેવા કુટુંબો છડે ચોક બધાને કહેતા, ‘દિનેશને બિચારાને પહેર્યે લુગડે જુદો કર્યો.’

જૂની ખાનદાનીના લોહીએ રંગાયેલાં બા-બાપુજી આવી અવળી વાતો સાંભળી ઊકળી ઊઠતાં. પણ ગામને મોઢે થોડું ગરણું બંધાય છે! છેવટે થાકી હારીને એટલું જ કહેતા, ‘આપણો રૂપિયો જ ખોટી પછી બીજાને શું દોષ દેવો!’

છેલ્લા કેટલાક સમયથી કુંટુંબમાં ચાલતા વિખવાદે અને છેલ્લે કુટુંબમાં પડેલ ભંગાણે બાપુજીના તન મન પર ગંભીર અસર કરી. માંદા પડ્યા. થોડો સમય માંદગીના બિછાને રહ્યા. કોઈ ખબર પૂછવા આવે ત્યારે ઊંડો નિસાસો નાખી એક જ વાત કહેતા : ‘જીવતા જીવ ભાઈઓને ભેગા ન રાખી શક્યો. લીલી વાડી જેવા ઘરમાં નાની વહુએ પૂળો મૂક્યો. મારા દિનેશને કુટુંબથી સાવ અળગો કરી દીધો!’

અને વાત સાચી હતી. દિનેશભાઈને કોણ જાણે શું થયું! ભાભી આગળ એક શબ્દ પણ ઊંચા સાદે બોલી શકતા નહિ! ઉલટાના ભાભી ઘણી વાર બધાની હાજરીમાં એમને ઉધડો લેતાં! તેઓ ચૂપચાપ સાંભળી લેતા. અમને બાળકોને ક્યારેક કોઈના મોઢે સાંભળવા મળતું,

‘સુરભીબહેને દિનેશભાઈ પર વશીકરણ કર્યું છે!’ ત્યારે અમે એને સાચું માની લેતા!

પછીની વાતો તો બહુ લાંબી છે. પોતાનું જુદું ઘર વસાવ્યા પછી પણ સુરભીભાભી નિરાંત કરીને બેઠાં નહિ, આ કુટુંબ સાથે પરભવની દુશ્મનાવટ હોય એ રીતે એને બદનામ કરવાની એક પણ તક જતી કરતાં નહિ. દિનેશભાઈને બાપુજી પાસે આવવા દેતા નહિ. ક્યારેક ભૂલથી કોઈની સાથે આવી ગયા હોય તે દિવસે સુરભીભાભી ઘર માથે લેતાં! ભાભી ઝઘડો કરવા ઉતરી પડતાં ત્યારે એમનું વિકરાળ રૂપ જોઈ ભલભલા ઠરી જતા! મારા જેવા બાળકો હવે સુરભીભાભી સામે જવાની હિંમત પણ કરતા નહિ!

એ સમય આજના કરતાં ઘણો જુદો હતો. ‘લોકો તો વાતો કર્યા કરે, આપણને જેમ ઠીક લાગે એમ કરવાનું, સમાજની પરવા કોણ કરે?’ આવું ત્યારે કોઈ વિચારી શકતું નહિ. કુટુંબની ખાનદાનીની વાત ટંકણખાર જેવી હતી. કુટુંબ વિષે કોઈ જરા સરખું પણ ઘસાતું બોલે તો નાનું બાળક સુધ્ધાં એ સાંખી શકતું નહિ. આવું કુળ અભિમાન ત્યારે હતું, પોતાના મા-બાપ, ભાઈ-ભાંડુ, સગું અને પોતાના ગામ સુધ્ધાં માટે કવેણ માણસો સહન કરી શકતા નહિ. જ્યારે આજે? આજે તો લોકોમાં ઘણો સુધારો થયો છે! કુટુંબની વાત જવા દઈએ. મા જણ્યા ભાઈ વિષે કોઈને ઘસાતું બોલતાં સાંભળી રાજી થનારા ભાઈઓનો આજકાલ તોટો નથી!

સુરભીભાભી દ્વારા કુટુંબની થતી ખોટી બદનામી બાપુજી સહન કરી શક્યા નહિ. ટૂંકી માંદગી બાદ, મનમાં એક પ્રકારનો વસવસો લઈને બાપુજી મરણને શરણ થયા!

બાપુજીના અવસાન પછી એમની વધેલી મૂડી ત્રણ સરખે હિસ્સે વહેંચવાની વાત આવી ત્યારે પણ સુરભીભાભીએ ડખો ઊભો કર્યો! મોટાભાઈની પરિસ્થિતિ દેખીતી રીતે જ દિનેશભાઈ કરતાં સારી હતી. સુરભીભાભીથી આ સહન થતું નહિ. આથી એમને બદનામ કરવાની રમત માંડીને બેઠાં! બાપાની મૂડી લઈ કમાયા એથી એમાં પણ ભાગ આપો! બાપાની મૂડીમાંથી વર્ષો પહેલાં સારો એવો હિસ્સો લઈને દિનેશભાઈ છૂટા થયા. એમની અણઆવડતને કારણે ધંધામાં લાખના બાર હજાર કરી ઘસાતા ગયા એ ઊડીને આંખે વળગે એવી વાત સુરભીભાભી ધ૨ા૨ ભુલી જતા હતાં. આ કુટુંબના હંમેશના દુશ્મન એવા ઘી વાળા અને એકાદ બે હિત શત્રુઓ સિવાય કોઈ સુરભીભાભીની આવી અજુગતી માગણીને વ્યવહારુ ગણતા નહિ. એમના સગાભાઈ સુધ્ધાં નહિ! પરંતુ સુરભીભાભી જેનું નામ! ભાઈને પણ રોકડું પરખાવી દીધું!

કુટુંબનાં સગા-સંબંધી વડીલોએ ઘણી લમણાઝીક કરી પણ સુરભીભાભી એકના બે ન થયાં. સૌ હારી થાકીને છૂટા પડ્યાં. બા-મોટાભાઈ અને ભાભી ઉપર હંમેશ માટેની લટકતી તલવાર સુરભીભાભીએ રાખી!

મારા બાળ હૃદયને ભાભીના આવા કુળઘાતી વર્તનથી ખૂબ દુ:ખ થતું. અમદાવાદ હતાં ત્યારનાં સુરભીભાભી મારે મનસ્નેહ અને આદરની મૂર્તિ હતાં એ જ સુરભીભાભી આવાં! બા-બાપુજી, ભાઈ-ભાભી કુટુંબનાં એક એક માણસને એમના ઝેરીલા સ્વભાવથી દુઃખી દુઃખી કરી મૂક્યાં! ગામ આખામાં મોભાદાર ગણાતા કુટુંબને સમાજમાં ચર્ચાસ્પદ બનાવી દીધું! એકની એક બહેન, એને બોલાવે પણ નહિ. સુરભીભાભીની આવી કઠોર વર્તણૂકથી બા બહુ પીડાતાં. એમની આંખમાંથી જ્યારે આસું વહેતાં ત્યારે મારું બાળ મન ઘણીવાર ઈશ્વરને પ્રાર્થના કરતું, ‘હે ભગવાન! મારા બા-બાપુજીને દુ:ખી કરનારાં આ ભાભીને તું રિબાવી રિબાવીને મારજે!’

હાડકાનાં માળા જેવાં ભાભીનો દુબળો હાથ હજુ પણ મારા હાથમાં હતો. રાત દિવસ એકધારા પથારીમાં સૂઈ રહેવાથી પીઠમાં કાળા સળ પડી ગયા હતા. મેં એમની આંખમાં આંખ પરોવી. ફિક્કી પડી ગયેલ આંખના પાતળા ધાબાવાળા ડોળા એક બાજુ નમાવ્યા, એના પરથી હું સમજ્યો કે, એમને પડખું ફેરવવું છે. મેં એમને સમૂળગા ઉપાડીને પડખાવાર સૂવાડ્યા. નિંદાખોર માણસો પીઠ પાછળ અવનવી વાતો કરે એમ પીઠ મેં જોઈ ન જોઈ ત્યાં કાળ, એમને વિષેની વાતો કરવા મને ભૂતકાળમાં ખેંચી ગયો!

હું બહારગામ નોકરી કરતો હતો, રજાઓમાં ઘેર આવું ત્યારે બાની પહેલી ફરિયાદ આ હોય :

‘ગમે તેવી સાજી માંદી હોઉં તોયે તારી નાની ભાભી મારી પાસે ઢૂકતીયે નથી. કોણ જાણે ક્યાં ભવનાં વેર છે, મારી સાથે!

હું બાને સમજાવતો.

‘તમે નકામી એમની લાલસા રાખો છો! ન આવે તો કાંઈ નહિ, મોટાભાભીની સેવા ઓછી છે શું! એના ભાગ્યમાં સાસુની સેવા નહિ લખી હોય, બીજું શું!’

‘મારે તો મૂળેય એની સેવા જોતી નથી, પણ સાજામાંદા થયે કેમ છો એમ સાચે ખોટે મોંયે પૂછતી હોય તોયે જરા મનને નિરાંત થાય. એ તો નથી આવતી પણ દિનેશનેય નથી આવવા દેતી. બિચારો ભગત માણસ! એ વાઘણની બીકે એય નથી આવી શકતો…!’

પ્રસુતિની પીડા વેઠી, નાના મોટા કાંઈક ભોગ આપી કંઈ કેટલાયે લાડ-કોડથી ઉછેરીને મોટો કરેલ પંડનો જણ્યો, વહુથી ડરીને મા પાસે આવી ન શકે એવી પરિસ્થિતિ પેદા કરનાર વહુ તરફ બાના હૃદયમાં કેવી કડવાશ ભરી હશે તે હું સારી રીતે જાણતો હતો. પણ થાય શું! વેઠ પરાણે કરાવી શકાય, પ્રીતિ થોડી પરાણે કરાવી શકાય છે? એ તો જેટલી ભાગ્યમાં હોય તેટલી જ માણી શકાય. પણ બા આવું બધું થોડું સમજે? છેવટે એમની ભાષામાં હું બાને સમજાવતો,

‘જુઓ બા, નાનાં ભાભી તમારી સેવા નહિ કરે તો એની વહુ પણ એની સેવા નહિ કરવાની. એ જેવું કરશે તેવું ભરશે. આજે એ તમારું હૈયું બાળે છે તો કાલે એના દીકરાની વહુ એનું બાળશે. કુદરતનો એ કાયદો છે.’

સુરભીભાભીને પિયૂષ એક જ દિકરો. બેંકમાં સારી નોકરી. રૂપાળી મજાની છોકરી શોધી પરણાવ્યો. આમાં પણ ભાભીએ અવળ ચંડાઈ કરી! મોટાભાઈના છોકરા-છોકરીનાં સંબંધની વાત શરૂ થતી ત્યારથી એ દિનેશભાઈને વિશ્વાસમાં લેતાં. નાનાભાઈ અને એની વહુને સમય સમયે બોલાવતાં. આ ખાનદાનની એ રીત હતી. પણ સુરભીભાભી કેવાં પેક! પિયૂષનાં વહુને ચૂંદડી ઓઢાડવા જવાના માત્ર બે દિવસ અગાઉ મોટાભાઈને ખબર પડી કે પિયૂષનું સગપણ નક્કી થઈ ગયું છે! આવી અવજ્ઞા છતાં કુટુંબનું કામ ગણીને મોટાભાઈ ચૂંદડી ઓઢાડવાના પ્રસંગે ગયા હતા. મોટાભાઈ અને ઘરનાં કોઈને ગમતી વાત નહતી. છતાં લગ્ન સમયે ઘી વાળા અને એના આખા કુટુંબને સુરભીભાભીએ જાનમાં લીધા. સૌ કડવો ઘૂંટડો ગળી ગયા. વ્યાવહારિક કામમાં આવી અવળચંડાઈ મોટેરાંઓને કેવા દુઃખી કરે છે એ તો જેણે અનુભવ્યું હોય એજ જાણે! પાછળથી ખબર પડી કે આ સંબંધ ઘી વાળાએ જ કરાવ્યો હતો.

ભાભીને પડખું ફેરાવ્યા પછી હું વિચારમગ્ન બેઠો હતો. દિનેશભાઈ અંદરના રૂમમાંથી બહાર આવ્યા, હવે મને એકાએક યાદ આવ્યું, મેં પૂછ્યું :

‘વહુ નથી?’

દિનેશભાઈનાં ભવાં ચડી ગયાં! ખીજવાયા હોય એમ લાગ્યું. આમ તો દિનેશભાઈની ભગત તરીકે છાપ હતી. ગરમ થવાનું એમના સ્વભાવમાં જ ન હતું. મારા પ્રશ્નના જવાબના સ્વરમાં બને એટલી કડવાશ ભરી બોલ્યા :

‘ગઈ હશે આડોશ પાડોશમાં ભટકવા. કોઈ કહેનારું ખરું? ઠીક પડે ત્યારે જાય અને ઠીક પડે ત્યારે આવે!’

આ અગાઉ મને જાણવા તો મળ્યું હતું કે, પિયૂષ અને એના વહુ સુરભીભાભીને જરા પણ ગણકારતાં નથી! વહુ એનું ધાર્યું જ કરે છે. એમાં સાસુ ખાટલે પડ્યાં! પછી તો વહુને મોકળું મેદાન મળ્યું! ભાઈ નોકરીએ જાય એટલે વહુ સાસુને પથારીમાં એકલાં છોડીને આડોશ પાડોશમાં ગપ્પા મારવા નીકળી પડે! પથારીમાં પડ્યા પડ્યા સાસુ વહુને બહાર જતી જોઈ રહે! સસરા પણ જોતા રહે. પરંતુ એ તો શું બોલે? પ્રથમથી જ ઘરમાં એમનું ચલણ નહિ, વહુ પણ આ વાત પામી ગયેલી!

સુરભીભાભી જેવી કેટલીક સ્ત્રીઓ પતિને કહ્યાગરો બનાવી, પોતાના દબાણમાં રાખીને ગૌરવ અનુભવે છે! સારા શબ્દો વાપરવા હોય તો ‘સરળ હૃદયના’ અને આકર શબ્દોમાં કહેવું હોય તો ‘વહુઘેલા’ બનેલા આવા પુરુષો પત્નીની શેહમાં આવીને પુરુષત્વના સામાન્ય ગુણોનો પણ ત્યાગ કરી દે છે. પોતાનું આગવું વ્યક્તિત્વ ગુમાવીને જાતને પરાધીન બનાવી મૂકે છે! સમય જતાં સ્વતંત્ર નિર્ણય શક્તિ ગુમાવી દે છે. પત્નીની ‘હા એ હા. ના એ ના.’ કરવા મંડી પડે છે. પોતાની જાતને હોશિયાર ગણતી પરંતુ ખરા અર્થમાં ટૂંકી દૃષ્ટિની આવી સ્ત્રીઓ પતિને આવા બનાવવામાં એક જાતનું ગૌરવ અનુભવે છે! પુરુષના સ્વમાનના ભોગે પોતાનું મહત્ત્વ વધારનાર સ્ત્રીઓ, લાંબાગાળે, મોટાભાગના કિસ્સાઓમાં દુરંદેશીના અભાવવાળી સાબિત થાય છે!

બાળકોની હાજરીમાં પતિને તતડાવી નાખી, ચૂપ કરી દેતી પત્ની, ગમે તેટલું ધ્યાન રાખે તો યે ભવિષ્યમાં વહુવારુની ઉચ્ર્છંખલતા પર કાબુ રાખી શકે એવા પુત્ર પામી શકતી નથી. પરભવનાં પૂણ્ય પ્રતાપે સંસ્કારી વહુ મળી તો ઠીક છે. નહિતર આવા વાતાવરણમાં ઉછરેલો દીકરો, સાસુ સામે ધડાધડ બોલતી વહુને વારી શકે એવું બનવા સંભવ નથી. મન જેનું મરી ગયું છે એવો નિર્માલ્ય ભરથાર, તેજસ્વી બાળકોનો પિતા બનશે એવી આશા રાખનારને દુનિયાદારીનું યથાર્થ જ્ઞાન નથી એમ જ માનવું રહ્યું! અજવાળી તો યે રાત! ખોટા રસ્તે જતા દીકરાને વઢવું હશે તો બાપ જોઈશે. મા બિચારી શું વઢશે? દિનેશભાઈના કિસ્સામાં આવું જ બન્યું. વાઘણ જેવી સાસુ આજે તો પથારીમાં પડી છે! પિયૂષ તરફની કોઈ બીક નથી. અને સસરાને તે વળી કોણ ગણકારે?

ગમે તેમ તો યે ધરડાં માવતરનો જીવ! બાની માંદગી વખતે ભૂલથીયે એમની પાસે ન આવતી આ વહુ જ્યારે પથારીવશ છે ત્યારે બા કેમ રહી શકે! બા અવાર-નવાર ભાભી પાસે જાય છે, ખબર અંતર પૂછે છે. દિલાસો આપે છે. વહુની બેદરકારી વિશે ફરિયાદ કરે છે તો બા વહુને ટપારે છે. બે કડવાં વેણ કહે છે. પણ પિયૂષની વહુ માથાની ફરેલી છે. એક વાર બાને પણ સંભળાવી દીધું.

‘વહુની બહુ દયા આવતી હોય તો લઈ જાવને તમારા ઘેર! રાત’દિ ઊભા પગે રહીએ છીએ તો યે મારી સાસુને તો કાંઈ કદર જ નથી! ગામ આખામાં વગોવ્યા કરે છે!’

બા, સુરભીભાભીની ખબર કાઢવા આવતાં એ વહુને ગમતું નહિ. માત્ર બા માટે નહિ, આડોશ પાડોશનાં વડીલ, બૈરાંઓ આવતાં એ પણ એને ગમતું નહિ. એના મગજમાં એક ભૂસું ભરાઈ ગયેલ કે, જે આવે તેની આગળ મારી સાસુ મારી વગોવણી કરે છે! અધુરામાં પૂરું વહુ બોલવામાં બહુ છૂટી! ગમે તેનું અપમાન કરી બેસે. આથી જેમ જેમ માંદગી લંબાતી ગઈ તેમ સુરભીભાભીની ખબર પૂછવા આવનારની સંખ્યા ઓછી થતી ગઈ! પથારીમાં પડ્યા પછી જીવન એકલવાયું થતું ગયું. દિનેશભાઈ જેવા ભગત માણસ પણ હવે તો હૈયા વરાળ કાઢે છે :

‘અમને ઘી વાળાએ ફસાવી માર્યા છે. વહુમાં ઠર્યા નહિ!’

હજુ ગયા વર્ષની જ વાત છે. બા બહુ બિમાર હતાં. હું રજા લઈને વતનમાં ગયો હતો. હંમેશની જેમ બાએ ફરિયાદ કરી :

‘આટલા દિવસથી પથારીમાં પડી છું પણ નાની કેમ છે એવું પૂછવા પણ આવી નથી.’

બાની વાત સાંભળી સુરભીભાભી પર મને ગુસ્સો ચડ્યો, આવો ડંખ રાખવાનો! નાતના તો ઠીક પણ પરનાતનાયે બાની ખબર કાઢવા આવે. ભાભી એના મનમાં શું સમજતી હશે!

મોટાભાઈની ઉદાર ભાવનાને અનુસરી, હું જ્યારે પણ વતન જતો ત્યારે દિનેશભાઈને મળવા અચૂક જતો. મૂળથી સંસ્કાર જ એવા પડેલા કે, લાખ ખોટું કરતા હોય તો પણ બને ત્યાં સુધી વડીલો સાથે જીભાજોડી ન કરવી. આ મર્યાદા હું સુરભીભાભી જેવી ઝેરીલી ભાભી અને દિનેશભાઈ જેવા નિર્માલ્ય ભાઈની પણ તેઓ વડીલ હોવા માત્રથી પાળતો! નહિતો મારા મનમાં ઘણા ઘણા વિચારો આવતા. બાએ કાઢેલ બળતરા પછી મારાથી ન રહેવાયું, મેં કહ્યું :

‘ભાભી, બા આટલા સમયથી બીમાર છે. તમે ખબર પણ નથી કાઢતાં. ખોટું લગાડતા નહિ, પણ તમારા ભાગ્યમાં સાસુની સેવા નથી. મોટા ભાભીએ બાની સેવા કરીને ભાગ્ય બનાવી લીધું છે. તમે સાવ કોરાં રહ્યાં. હજુ મોડું થયું નથી. બા બેઠાં છે ત્યાં સુધી એમના અંતરને ઠારો તો તમે સુખી થશો. તમે આજે એમની સેવા કરશો તો કાલે તમારી વહુ તમારી સેવા કરશે. નહિ તો જેવું વાવ્યું તેવું લણવાનું છે.’

હું જાણતો હતો કે, સામી વ્યક્તિ જ્યારે ઠીકઠાક હોય છે, ત્યારે આવી શિખામણનો બહુ અર્થ હોતો નથી. આવી બધી વાતો રુટિન ગણીને એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાંખે છે. આપણાં ધર્મશાસ્ત્રોએ લાખ સારી વાતો લખી છે, પણ એની અસર માણસ પર મોટે ભાગે દુઃખના સમયે જ થાય છે! સારા સમયમાં તો આવી વાતોને માણસ એકદમ હળવી રીતે લેતો હોય છે. મારા સરળ હૃદયને લાગ્યું કે, મેં સુરભીભાભીને કેવી સાફ વાતો કહી નાખી! કોઈએ ન કહી હોય એવી આ વાતની અસર જરૂર એમના પ૨ થવાની, પણ સામાન્ય રીતે બને છે એવું જ થયું. ભાભીએ મારી વાતને ગણકારી નહિ. પોતે પથારીએ પડ્યાં ત્યાં સુધી એમણે કદીયે બા સામું જોયું નહિ!

આજે તો એ ગંભીર બિમારીમાં સપડાયાં છે. દીકરો વહુ એમની દરકાર કરતા નથી, એવી ફરિયાદ ભાઈ ભાભીના મોઢે સાંભળવા મળે છે! જ્ઞાતિમાં પીઢ તરીકે જેની ગણના થાય અને સગપણ સુધ્ધામાં દૂરનાં પણ જેમની સલાહ લે છે એવા પોતાના સગા વડીલ ભાઈને અંધારામાં રાખી દિનેશભાઈએ એકના એક દીકરાનું સગપણ ચૂપચાપ કરી લીધું. મોટાભાઈને પૂછવાની પણ દરકાર ન રાખી. એ સમયે ઘી વાળા એમને મન પરમ હિતેચ્છુ હતા. સગા ભાઈને તરછોડી કુટુંબના હિતશત્રુ એવા ઘી વાળાના પડખામાં રહી, કુળઘાતી વર્તન કરનાર દિનેશભાઈના મોઢે આજે કુદરતે બોલાવ્યું :

‘ઘી વાળાએ અમને ફસાવ્યા છે.’

કુદરતની કળાનો પાર કોણ પામી શક્યું છે! તેમ છતાં એક વાત છે. કુદરતની કળાનો સંપૂર્ણ પાર ભલે ન પમાય, પરંતુ કુદરત કઈ રીતે કામ કરે છે, એના સામાન્ય નીતિ નિયમો શું છે એટલું સમજાય તો યે બસ છે. આપણા ધર્મ શાસ્ત્રોએ કુદરતના આ ગહન નિયમોને બહુ સરળ ભાષામાં સમજાવ્યા છે. બસ, આ નિયમો અનુસાર ચાલો, કુદરત તરફથી તમને ડર નહિ રહે. એની મહેરબાની રહેશે. કુદરતના કાયદાઓને તોડશો તો એ કોઈની સગી નહિ થાય! આવી સરળ પણ અમુલખ મોતી જેવી વાત દરેક ધર્મના સંતપુરુષો કહે છે.

આંખ ખોલીને નિરીક્ષણ કરતા રહો. મારા તમારા જીવન દ્વારા પણ કુદરતની જુદી જુદી કલમોનો અભ્યાસ થતો રહેશે!

દિનેશભાઈ અને સુરભીભાભીએ કુટુંબ સાથે વિશ્વાસઘાત કર્યો. પુત્ર તરીકે દિનેશભાઈએ મા-બાપનું દિલ દુભાવ્યું. આ પાપ તો ખરું જ! ઉપરથી સુરભીભાભીએ એમનાં સ્વાર્થી અને ઝઘડાળુ સ્વભાવને કારણે ઘરનાં સૌને ઉપર તળે કરી, સૌની આંતરડી કકળાવી હતી. સાસુની સેવાને બદલે એમની ઘોર ઉપેક્ષા કરી હતી.

આ પાપની સજા એમને એમનાં પેટના જણ્યા પુત્ર અને પુત્રવધુ દ્વારા વ્યાજ સહિત મળી! વ્યાજ સહિત એટલા માટે કે, બાને તો ત્રણ પુત્રો છે. દિનેશભાઈએ એમને તરછોડ્યા તો બીજા બે પુત્રોનો એમને સહારો છે. મોટાભાઈ-ભાભીની સેવા એમને મળે છે. પણ સુરભીભાભીને તો સાતખોટનો એક જ દીકરો છે! એના તરફથી હુંફ મળતી બંધ થઈ છે, તો હવે એ ક્યાં જાય! હારી થાકીને નસીબને દોષ દે. પણ એ નસીબ ઘડાયું કઈ રીતે! પોતે રચેલા ચક્રવ્યૂહમાં પોતે જ ફસાયાં છે. હવે ઈશ્વરને યાદ કરે તો પણ ઈશ્વર એમને યાદ નહિ કરે! કારણ કે, કુદરતના કાયદાની એક કલમ આવી છે :

‘જેવું વાવે તેવું લણે, કરે તેવું પામે.’

આ કલમ હેઠળના ગુન્હેગાર સુરભીભાભી પાસે હું બેઠો છું! દુઃખમાં કણસતાં તેમને આશ્વાસન આપું છું. જે સાસુની એમણે જીવનભર ઉપેક્ષા કરી એ બાની સેવા ઉલટાની એમને મળે છે. બા અવાર નવાર ભાભીના ખબર અંતર પૂછે છે! પિયૂષ અને એના વહુને પ્રસંગોપાત ઠપકો આપતાં રહી, ભાભી વતી એ અળખામણાં થાય છે. ગમે તેમ તોયે જૂના માણસો! કુદરતથી ડરીને ચાલનારાં! આજે હવે સુરભીભાભીને આ વાત સમજાણી છે.

‘ભાભી હું જાઉં?’ ઘણો સમય બેઠા પછી મેં રજ માંગી. વળી એમની આંખમાં આસું ઉભરાયાં! દુબળા હાથ ભેગા કરવા નિષ્ફળ પ્રયત્ન કર્યો. એ થઈ શક્યું નહિ, એમની આંખમાંથી દડ દડ વહેતાં આંસુએ મને સમજાવ્યું કે, એ બે હાથ જોડી મારી માફી માંગવા ઈચ્છે છે! મને સુરભીભાભીની દયા આવી! મારા હૃદયમાં લાગણીનું પૂર આવ્યું, મેં મનોમન પ્રાર્થના કરી : ‘હે પ્રભુ સુરભીભાભીને ક્ષમા કરી, એમનું દુઃખ દૂર કરો!’

હું સારી રીતે જાણતો હતો કે, મારા જેવા માનવીની પ્રાર્થના માત્રથી ઈશ્વર કુદરતના કાયદાને તોડવાનો નથી! કાયદેસર જે થતું હશે તે જ થવાનું!’

ભાભીનું શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું છે. સૌ કહેતા કે, હવે ઝાઝા દિવસો કાઢશે નહિ, પરંતુ મારું ગણિત આ બાબતમાં કાંઈક જુદું જ કહેતું હતું.

‘સુરભીભાભીને કાંઈ થવાનું નથી. એ જલદી કાંઈ જવાના નથી.’ એમ હું કહેતો ત્યારે મારા મનમાં એક વાત સ્પષ્ટ હતી કે, જે ઝનૂનથી એમણે બૂરાં કર્મ કરેલ છે એ દૃષ્ટિએ માત્ર આટલી સરખી પીડા દ્વારા એ છૂટી જાય, એમ બનવું સંભવ નથી! હજુ વધારે સમય સુધી એમને દુઃખ ભોગવવાનું છે, એમ કુદરતના કાયદાનો મારો અભ્યાસ મને કહેતો હતો.

મારા અભ્યાસના તારણ મુજબ જ, સાસુનું કાળજું બાળનાર વહુને, એની વહુ, મારી નજર સામેજ બાળી રહી છે! આ અપેક્ષિત જ હતું. બીજાઓ ગમે તેમ કહે પણ હું તો ચોક્કસપણે માનું છું કે, સુરભીભાભીનાં ભાગ્યમાં લાંબો સમય પીડા ભોગવવાનું નિર્માણ થયેલ છે! બીજી વાત એ કે સુરભીભાભી ગયા બાદ પિયૂષ અને એના વધુ દિનેશભાઈને ઠોકરે મારવાનાં છે. મોટાભાઈ અને ભાભી જ દિનેશભાઈની પાછલી અવસ્થામાં એમની કાળજી રાખવાના છે. કુદરતના કાયદા અનુસાર દિનેશભાઈ માટે આવી મજબૂરી ઊભી થવાની છે! આવા બધા બનાવો બનશે, અને એ દ્વારા આ જન્મમાં જ, ભાઈ-ભાભીને કુદરતના આ અટલ કાયદાઓનો સાક્ષાત્કાર થવાનો છે!

દુનિયાદારીની રીતે વિચિત્ર લાગે એવી આ વાત છે. છતાં કુદરતની કલમે લખાયેલી આ વાત છે!

હજુ ગઈ કાલે જ મનહર માસ્તરનો પપ્પુ અહીં આવ્યો હતો. એણે વતનના સમાચાર આપતાં કહ્યું, સુરભીભાભીને હવે સારું છે. એ હવે હરતાં ફરતાં થયાં છે!

એની આ વાતથી મને જરાય નવાઈ ન લાગી. હું જાણતો હતો કે, સુરભીભાભીએ હજુ જીવવાનું છે. હજુ ઘણું ભોગવવાનું છે.!

Total Views: 279

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.