જીજીના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્‌ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું તેમનું વિવેચન અત્યંત રસપ્રદ છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

ઘણી વાર કુટુંબમાં બધાં ભિન્ન ભિન્ન મત અને સ્વભાવનાં હોય, પરસ્પર સ્વાર્થો ટકરાતા હોય, સ્પર્ધાઓ થતી હોય; ઈર્ષ્યા, દ્વેષ, કલેશનું વાતાવરણ હોય ત્યારે કૌટુંબિક આપત્તિ આવી પડે છે.

કુટુંબની કોઈ મોભ જેવી વ્યક્તિ ખરી પડે, ત્યારે પણ કૌટુંબિક કટોકટી સર્જાય છે. ઘર કે કુટુંબમાં ન બનવાના બનાવો બનવા માંડે, અણગમતા અઘટિત પ્રસંગો ઊભા થાય; ત્યારે પણ કૌટુંબિક મુશ્કેલીઓ સર્જાય છે. વાણી ઉપર સંયમ ન રહેતો હોય, વૈખરી વાણીના કટુ, કટાક્ષમય પ્રયોગો તીક્ષ્ણ તીરની માફક કાળજે ઘા કરતા હોય ત્યારે પણ કૌટુંબિક મુશ્કેલી સર્જાય છે. ટેવ, આદત, ઇચ્છા, અભિરુચિ વગેરેની પરસ્પર ટકરામણોને લીધે પણ પરસ્પર અણબનાવના પ્રસંગો બને છે.

એવી રીતે સમાજમાં પણ પરસ્પરનું ‘અહમ્’ ટકરાય, બધા પોતપોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની લોલુપતામાં એકબીજાની ઇંટો ખેરવતા હોય, પોતાની રેખાઓ ભૂંસવાની પેરવીમાં પડ્યા હોય, સત્તા અને સંપત્તિ માટેની સાઠમારી થાય, હક્ક માટેની માગો વધતી હોય, પરસ્પર મોટાઇ દેખાડવાનો મિથ્યા મોહ વધી ગયો હોય, ત્યારે ઘણા વિખવાદો અને વિવાદો જાગે છે. પરસ્પર વૈમનસ્ય અને વિષમતા તથા વેરઝેરનું વાતાવરણ સર્જાય છે. આ બધી સામાજિક આપત્તિઓ છે.

બંને પ્રકારની આપત્તિઓ મનને મૂંઝવી મૂકે છે. હૃદયને રડાવી મૂકે છે. આવી આપત્તિના સમયમાં એક સાચા વૈષ્ણવે કેવી રીતે જીવવું? શું કુટુંબ કે સમાજના સુખ-સંતોષ ખાતર પોતાના મૂળભૂત સિદ્ધાંતો પડતા મૂકવા? એમાં બાંધછોડ કરવી કે સમાધાન મેળવી લેવું? બાંધછોડ કે સમાધાન કરવું પડે ત્યારે કેટલી હદ સુધી કરવું? શું કુટુંબ સમાજના લોકોને જે કંઈ ગમે છે એ બધું જ કરવા તત્પર બની આપત્તિથી બચવું જોઈએ? છૂટછાટ, બાંધછોડ, સમાધાન વગેરે કેટલી હદ સુધી સાધવું, એવાં ઘણા ઘણા પ્રશ્નો જાગે છે. વિવેકબુદ્ધિની આમાં ખૂબ કસોટી થાય છે.

‘ઉતાવળા સો બહાવરા’ એ ઉક્તિ પ્રમાણે આવેશમાં આવી ઉતાવળો નિર્ણય નહીં કરી લેવો જોઈએ.

પહેલી વાત એ છે કે કુટુંબ કે સમાજમાં બધા સારું અને સાચું જ કહેતા હશે, એમ સ્પષ્ટરૂપે ન માની શકાય. તદુપરાંત, બધા જ કૌટુંબિકજનો કે સામાજિક લોકોને કોઈ એક વ્યક્તિ સંતોષ-સુખ ન આપી શકે. ક્યારેક ‘પત્ની’ને સુખી બનાવવા જાય, તો ‘માતા’ દુઃખી થાય અને માતાને સુખી બનાવવા જાય તો ‘પત્ની’ દુઃખી થાય. એક વ્યક્તિ સમગ્ર કુટુંબ કે સમાજની બધી રીતે આરાધના ન કરી શકે.

આખું વિશ્વ વિરોધાભાસોની વચ્ચે વસી રહ્યું છે. ભિન્ન ભિન્ન વિચારવાળા લોકોની માન્યતાઓ એમની સંતોષ- સુખની લાગણીઓ બધું જ જુદા જુદા પ્રકારનું છે.

વૈષ્ણવે સ્વાર્થ અને ‘અહમ’ની ટકરામણોથી દૂર રહેવાનું છે; પરંતુ કુટુંબ કે સમાજની આરાધના એટલી હદે નથી કરવાની કે જેમાં પોતે જીવનમાં સમજી વિચારીને અપનાવેલા મૂળભૂત સિદ્ધાંતોને પડતા મૂકવા પડે. સંઘર્ષથી કાયર અને દુર્બળ માણસો મૂળભૂત સિદ્ધાંતોને પડતા મૂકી સાવ પ્રવાહી બની જાય છે.

ઘણી વાર ઊગતા યુવાનો આદર્શમય જીવન જીવી નાખવાની તમન્ના સેવતા હોય છે; પરંતુ કૌટુંબિક, સામાજિક, આર્થિક પરિસ્થિતિઓ સામે ઝૂકી જવાને લીધે કે પછી પોતાના જ લૌકિક આકર્ષણને લીધે સાવ વિપરીત જીવન તરફ ધકેલાઇ જાય છે. આદર્શ જીવનની તમન્ના ટમટમિયા દીવા જેવી ઝાંખી પડતી જાય છે. પરપોટો પાણીમાં બેસી જાય તેમ બધો ઊભરો શમી જાય છે.

‘સાપ જાય અને લિસોટા રહી જાય’ તેમ આદર્શ જીવનના ઝાંખા વિચારો આડાઅવળા ચોટેલા સ્મૃતિપટ ઉપર રહી જાય છે. ક્યારેક પોતાની નિર્બળતા કે કાયરતાનો વસવસો પણ મનમાં રહી જાય છે.

ઉદાહરણ : કોઈ એક યુવાનને આદર્શ ગ્રામ્ય જીવન જીવવાની ઉત્કટ તમન્ના હતી. ખેતીવાડી કરી દેશની સેવા કરવી હતી, વડીલોની સેવા કરવી હતી. સાદું, સરળ, સેવા- વ્રતધારી જીવન જીવી દુનિયામાં કંઈક કરી છૂટવાની ભાવના હતી. મનમાં અદમ્ય ઉત્સાહ અને ઉમંગ પણ હતા; પરંતુ વિધિની વક્રતાએ એના જીવનનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. કૌટુંબિક, આર્થિક, સામાજિક પરિસ્થિતિઓ અને આપત્તિઓ સાથે એને સમાધાન કરી લેવું પડ્યું. આ સમાધાન, સમાધાન નહોતું; પરિસ્થિતિઓ સામે પ્રગટ થયેલી પંગુતા હતી.

આપત્તિના ઓળા ઉતારી નાખવા માટે એણે દેશ છોડી પરદેશવાસી બનવું પડ્યું. ગ્રામ્યજીવન અને દેશસેવાના બધા આદર્શો અભેરાઈએ ચઢી ગયા. ખેતીવાડી કરવાની ઇચ્છા ભંડારિયામાં પૂરેલા બીજ જેવી અંદર જ રહી ગઈ. આટલી બધી દુર્બળતાનું કારણ આપત્તિઓનો સામનો કરવાની હિંમતનો અભાવ હશે? કોઈ માનસિક પરિતાપથી દૂર ભાગવાની ભાગેડુ વૃત્તિ હશે? કે સંપત્તિના સંચયનું આકર્ષણ હશે? બાકી પેટ ભરવા જેટલું તો સામાન્યમાં સામાન્ય માણસને પણ પ્રભુ પૂરું પાડે છે. અથવા તો સ્વીકારી લીધેલા મૂળભૂત સિદ્ધાંતોને સાવ પડતા મૂકનાર આ યુવાનની નિષ્ઠામાં જ કચાશ હશે?

સિદ્ધાંતો સાથે સમાધાન કરવાની પણ એક હદ હોય છે. ડગુમગુ મનના માનવો મુશ્કેલીઓ સામે સાવ પરાભૂત બની જાય છે –

કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરોને હિમાલય પણ નથી નડતો. –

કેટલાક સ્વીકારી લીધેલા આદર્શોને વળગી રહેવા માટે ઘણું બધું જતુ કરવું પડે છે. આપત્તિ – વિપત્તિની ઘંટીમાં પિસાઈ જવાની સંપૂર્ણ તૈયારી શીખવી પડે છે. દૃઢ મનોબળ અને સંકલ્પ-શક્તિનું તેજ ડગલે ને પગલે પાથરવું પડે છે. સિદ્ધાંતમય જીવન જીવવાની તમન્નાવાળા તમામ માનવોને એક કવિએ સાચી સલાહ આપી છે –

સંઘરી લેજે હૃદયમાં એમ જખ્મોનાં સુમન,
છે વિભૂષિત જેમ સૂરજ – ચંદ્ર તારાથી ગગન.

આપજે તુજ રૂપનો કૈં એમ દુનિયાને જવાબ,
જેમ કાદવમાં કમળ હો, જેમ કાંટામાં ગુલાબ.

એમ ઠાલવજે અવિરત હાસ્યથી મનના ઉમંગ,
જેમ ઉપવનમાં વસંતો, જેમ સાગરમાં તરંગ.

કાપજે એવી અદાથી આફતો ભરપૂર રાહ,
જેમ પર્વત ચીરતો ચાલે સરિતાનો પ્રવાહ.

એમ કરજે તુજ હર હાલતમાં ગૌરવનું જતન,
ઉન્નતિ હો જ્યોતિ જેવી, મેહુલા જેવું પતન.

મજબૂત દૃઢ મનોબળવાળા માનવો મૂળભૂત સિદ્ધાંતો સાથે બાંધછોડ નથી કરતા, પરંતુ એ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની પ્રક્રિયા રૂપે એમાં જરૂર થોડી છૂટછાટ, બાંધછોડ અને સમાધાન કરી લે છે.

આપત્તિના સમયમાં ખોટી જીદ અને હઠ નથી કરવાનાં, સિદ્ધાંતના નામે જડતાને નથી પોષવાની. રસ્તો શોધી કાઢવાનો છે; છતાં પાયાના પથ્થરને અણનમ રાખીને મકાનનો નકશો બદલી શકાય. જ્યાં પાયાનો પથ્થર હાલે ત્યાં આખી ઇમારત ઢળી પડે.

એવી રીતે એક વૈષ્ણવે ગમે તે પરિસ્થિતિમાં વૈષ્ણવતા હચમચી જાય એવી બાંધછોડ કે સમાધાન નથી સ્વીકારવાનું. તેમ જ ધર્મના નામે ખોટી જડતાનું પોષણ પણ નથી કરવાનું. પોતાની વૈષ્ણવતામાં ખામી લાવ્યા વગર નકામા હઠાગ્રહો અને દુરાગ્રહોનો ત્યાગ કરવાનો છે.

જો વૈષ્ણવની સંકલ્પશક્તિ અને નિષ્ઠા અણનમ હશે, તો યાવદ્-જીવન એનું તેજ અંદર-બહાર બધે જ અજવાળું પાથર્યા કરશે. કેવળ પોતાના ‘મમત્વ’ ખાતર કોઈ પણ વાતને વળગી રહેવું એ જડતા અથવા જીદ છે, પરંતુ શ્રીવલ્લભે દર્શાવેલા ઉચ્ચ વૈષ્ણવ જીવનના આદર્શને વળગી રહેવું એ દૃઢતા છે.

શ્રીગોકુલેશના સમયમાં ગળામાંથી કંઠી કાઢવાની અને મસ્તક ઉપરથી તિલક લૂછી લેવાની આજ્ઞા મુસલમાન બાદશાહે દેવજીભાઇને કરી. દેવજીભાઇ દૃઢતાથી પોતાના આદર્શોને વળગી રહ્યા. શિર સાટે માળા-તિલકના રક્ષણ માટે તત્પર થયા. શ્રીવલ્લભના આદેશનું અનુસરણ કરવા માટે એક વૈષ્ણવના અંતઃકરણમાં આટલી દૃઢતા જોઈએ.

ઘણી વાર લોકો દૃઢતાના ભ્રમમાં જડતાને વળગી રહે છે. ‘અમે તો શિવનું નામ પણ નથી લેતા, અમે અન્ય દેવનો આશરો નથી લેતા.’ આવું કહેનારા લોકો જ જ્યારે મોટા મોટા નેતાઓના પગ ધોઇને પીતા હોય કે પ્રાણ પાથરી કેવળ સ્વાર્થને માટે સત્તાધારી પુતળાને પૂજતા હોય, ત્યારે એમ લાગે છે કે આ વૈષ્ણવની અનન્યતા જડતાના પ્રદર્શન સિવાય બીજું કઈ નથી. જડતા બરફની માફક પીગળી જવી જોઈએ. દૃઢતા હિમાલયની માફક અડગ રહેવી જોઈએ.

Total Views: 240

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.