‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું તેમનું વિવેચન અત્યંત રસપ્રદ છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

સાચો વૈષ્ણવ અડાઅવળા ધંધા કરી, કાળું નાણું ભેગું નથી કરતો, ખોટા ધંધા નથી કરતો કે આમતેમ ફાંફાં નથી મારતો. ધર્મ, સમાજ અને દેશનો અપરાધ થાય એવા હલકા માર્ગો નથી અપનાવતો. કોઈનું ખિસ્સું કાપી, પોતાનું પેટ નથી ભરતો. સાચા વૈષ્ણવનું લક્ષ્ય કેવળ ધનનો સંચય કરી, આર્થિક રીતે સધ્ધર બનવાનું નથી હોતું. પ્રભુએ જે પ્રકારની જીવન-વ્યવસ્થા આપી હોય, અનુભવ અને શક્તિ આપ્યાં હોય તે રીતે અર્થપ્રાપ્તિ માટે પુરુષાર્થ જરૂર કરે છે. ભગવદિચ્છા હોય તો ક્યારેક થોડા પુરુષાર્થથી વધુ ધન મળે અને ક્યારેક વધારે પુરુષાર્થ કરવા છતાંય જરૂરી ધન ન પણ મળે. પરંતુ પ્રભુ જે રીતે રાખે એ રીતે રહેવા તે માનસિક રીતે તૈયાર હોવો જોઈએ. ચોરી, લૂંટફાટ, ગદ્દારી કરી પૈસા રળે તે તો વૈષ્ણવ જ ન કહેવાય.

એક વાર એક વૈષ્ણવે એવી દલીલ કરી કે ‘પુષ્ટિમાર્ગ ઘણો ખર્ચાળ છે. આપણી સેવા પ્રણાલિકા અતિ ખર્ચાળ છે. સારી રીતે સેવા કરવી હોય, સાજ-શૃંગાર-સામગ્રી બધું સારું વસાવવું હોય, તો આર્થિક રીતે સધ્ધર હોવું ખૂબ જરૂરી છે. એ સધ્ધરતા માણસ ગમે તે રીતે પ્રાપ્ત કરે, પ્રભુએ એ ક્યાં જોવાનું છે? અમે સારી સારી વસ્તુઓનો વિનિયોગ કરી પ્રભુને સુખ આપીએ છીએ કે નહીં એ જ પ્રભુએ વિચારવાનું છે ને? પુષ્ટિમાર્ગના વૈષ્ણવ માટે એવું બંધન ક્યાં છે કે પૈસો ક્યાંથી અને કેવી રીતે આવે છે? અરે, પૈસા ખૂટી પડશે તો ચોરી કરીશું, દેવું કરીશું. ઉધાર લાવીશું. એકના માથાની પાઘડી બીજાના માથે પહેરાવીશું – ગમે તે કરીશું; પણ અમે અમારી પરાપૂર્વની ચાલી આવતી સેવા – પરંપરા નહીં તોડીએ. ખૂબ જાહોજલાલીથી પ્રભુની સેવા કરીશું.’ ‘સેવા’ એ ધર્મનું મહત્ત્વપૂર્ણ અંગ જરૂર છે, આપણો સ્વધર્મ છે; પરંતુ એનો અર્થ એ નથી કે અધર્મના પાયા ઉપર સ્વધર્મની ઇમારત રચી શકાય. જો પાયો જ સડી ગયેલો હશે, તો ઈમારતને તૂટતાં વાર નહીં લાગે. અને જો આવા અધર્મનું જ પોષણ કરવાનું હોત, તો શ્રીમહાપ્રભુજીએ પદ્મનાભદાસજીને એવી આજ્ઞા ન કરી હોત, કે ‘તમે ભગવદ્નામ વેચવાનું પૌરાણિક કર્મ છોડી દો’.

વળી પુષ્ટિમાર્ગમાં પ્રભુની સેવા પૈસા હોય તો જ કરી શકાય એવું પણ નથી. સાચા પુષ્ટિભક્તના લૂણટુકડા પણ પ્રભુ પ્રેમથી આરોગે છે. પદ્મનાભદાસજીના છોલા (ચણા) શું પ્રભુએ પ્રેમથી નહોતા આરોગ્યા? આવા તો ઘણાયે પરમ ભગવદીય વૈષ્ણવો થઈ ગયા, જેઓ સ્વજીવનમાં આર્થિક સંકડાશ વેઠતા હોય. અરે, પૂણીઓ બનાવીને ગુજરાન ચલાવનારાઓએ પણ થોડામાંથી થોડું પ્રભુને અંગીકાર કરાવી ધન્યતા અનુભવી છે. આજે પણ એવા નિષ્કિંચન વૈષ્ણવો હયાત છે, જે બે પાનના ચાર ટુકડા કરી, તેની ચાર બીડી બનાવી પ્રભુને અંગીકાર કરાવે છે. ચંદ્રિકા અને ગુંજામાળા ધરવાથી પ્રભુને સોના-મોતીના શૃંગાર ધર્યા જેટલો આનંદ માને છે!

કેટલીક વાર એવું પણ જોવામાં આવે છે કે કાનમાં કે નાકમાં હીરાનાં મોટાં મોટાં નંગ પહેરનાર લોકો સાવ પિત્તળના, જેકો મોતીના તથા ખંભાતી પથ્થર (અકીક)ના શૃંગાર પ્રભુને ધરાવે છે; ત્યારે આવા લોભી લોકોની કે માત્ર સ્વભોગમાં રાચતા લોકોની સેવા પ્રભુ ન સ્વીકારે એમાં શી નવાઈ? ચાહે તવંગર હોય, મધ્યમ વર્ગના હોય કે ગરીબ હોય; પણ આવા તમામ કક્ષાના લોકો ભગવદ્સેવા કરી શકે છે. જ્યારે જે મળે તે સામગ્રી પ્રભુને ધરી સંતોષ અનુભવી શકે છે. આર્થિક સંકડામણ હોય ત્યારે બીજા અનુકરણ કરવાની પણ કંઈ જરૂર નથી. ખોટા હઠાગ્રહો સેવવાની પણ કોઈ જરૂર નથી. કદાચ, સંપત્તિના સમયમાં ભગવદ્સેવાનો વિસ્તાર વધાર્યો હોય અને પાછળથી આર્થિક ભીંસ ઊભી થાય, દ્રવ્ય વાપરવામાં સંકોચ કરવો પડતો હોય તો વૈષ્ણવે ક્ષોભ રાખવાની જરૂર નથી, આવા સમયે મનમાં બળાપો કરવો કે ખોટું દેવું કરી વૈભવ પોષવો એ વૈષ્ણવતાના વિવેકનો નાશ કરનારું છે.

વૈષ્ણવનું કોઈ પણ કાર્ય કેવળ સામાજિક પ્રતિષ્ઠા કે આબરૂ માટે નથી હોતું; પણ પ્રભુને પ્રસન્ન કરવા માટે જ હોય છે. એટલે આર્થિક સંકડામણમાં એ દેવું કરી કે ઉધાર લાવી મોટા મોટા મનોરથો કરાવે તો તેથી પ્રભુ નારાજ થઈ જાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે કુળ, જાતિ, ઘરનો માનમોભો, ખોટા રીત-રિવાજો વગેરે માટે લોકો ઘસાઈ છૂટે છે, જાત હોમી દે છે, બે ટંકનો રોટલો રળવા માટેના સાધનને પણ ગુમાવી દે છે અને પરિણામે મનની શાંતિ પણ ખોઈ દે છે. આ ખોટી હઠ છે. આવી સ્થિતિમાં મન ઉદ્વિગ્ન રહે, ચિંતા હૃદયને કોરી ખાય, ચિત્ત પ્રભુસેવામાં પરોવાય નહીં. મનની એકાગ્રતા, જીવનનો આનંદ ખોવાઈ જાય એ શ્રીવલ્લભને કે શ્રીપ્રભુને જરાય મંજૂર નથી. મોટાઈનું કે સંપત્તિનું પ્રદર્શન કરનાર મોટો નથી, પણ પ્રત્યેક પરિસ્થિતિને પચાવી, સુખ-સંતોષ અને આનંદથી જીવનારો જ શ્રેષ્ઠ છે અને પ્રભુનો પ્રેષ્ઠ છે.

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.