‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રમ’ જેવા ગહનગંભીર પુસ્તક પરનું તેમનું વિવેચન અત્યંત રસપ્રદ છે. તેના થોડા અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

પતિ-પત્ની બન્ને એક ગાડાના બે બળદ જેવાં કે રથનાં બે પૈડાં જેવાં છે. આમાંથી એક પણ ખોટકાય, તો સંસારનું ગાડું કે જીવનનો રથ અધવચ્ચે જ અટકી પડે. સહજીવન જીવવા માટે સહનશીલતા, સમાધાન વૃત્તિ, પરસ્પરને સમજવા માટેની તત્પરતા તથા પરસ્પર અનુકૂળ થઈ જવાની વૃત્તિ ખૂબ જરૂરી છે. આ બધા ગુણો વૈવાહિક જીવનમાં ન કેળવાય, તો જીવન દુઃખનો દરિયો બની જાય છે.

એક યુવાન વિવાહની ઉંમર સુધી પહોંચે છે ત્યારે એના વ્યક્તિત્વ ઉપર માતા-પિતા, મિત્રગણ, એના ઘર કુટુંબના સંસ્કાર, એની આદતો, રુચિ વગેરેનો ખૂબ પ્રભાવ પડે છે. એ યુવાન લગ્ન પહેલાં જ પોતાના તથા પોતાના જીવનસાથીના વ્યવહારની રૂપરેખા તથા એની એક પ્રતિમા બનાવે છે. વળી તે એવો પણ નિશ્ચય કરે છે કે એને કેવાં રૂપ, રંગ, આચરણવાળા જીવનસાથીની જરૂર છે. આથી તે વ્યક્તિ જ્યારે લગ્ન કરે છે ત્યારે પોતાના મનની પ્રતિમાને અનુરૂપ જીવનસાથીના વ્યવહારની અપેક્ષા રાખે છે. જ્યારે તેને એવો વ્યવહાર નથી મળતો, ત્યારે જીવનમાં દ્વંદ્વાત્મક સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે.

પ્રત્યેક વિવાહ એક પ્રયોજનશીલ પ્રક્રિયા છે. શાંતિ, સુખ, આનંદની પ્રાપ્તિ, આર્થિક સુરક્ષા, સુખદુઃખમાં સાથ આપી શકે એવી આત્મીય મિત્રતા, ઘર-કુટુંબ-સમાજની અંદરની તથા બહારની જવાબદારીઓ ઉઠાવવામાં સંપૂર્ણ સહયોગ વગેરે લગ્નનાં અનેક પ્રયોજનો છે. જો આ પ્રયોજન પૂર્ણ ન થાય, તો દ્વંદ્વ જાગે છે.

ઘણાખરા લોકો લગ્ન પછી પરસ્પર અનુકૂળતા કરી લે છે. તેઓ એકબીજાની આશાઓ, અપેક્ષાઓને અનુરૂપ રહેવાનું શીખી લે છે. એક બીજાની આદતોને અનુકૂળ થવાનું વલણ અપનાવે છે.

બર્ગેસ તથા વૉલિન નામના મનોવૈજ્ઞાનિકોએ ખૂબ અધ્યયન કર્યા પછી એવું તથ્ય તારવ્યું કે સામા પક્ષને અનુકૂળ થવાની તથા પોતાના વ્યવહારના રૂપાંતરની પ્રક્રિયા પત્ની દ્વારા જ વધારે થાય છે; કારણ કે પુરુષ એ સ્વીકાર છે અને કે સ્ત્રી એ સમર્પણ છે. પુરુષ સત્તા છે અને સ્ત્રી સમાધાન છે. પુરુષ અહંકાર છે અને સ્ત્રી અધીનતા છે. ખાસ કરીને આ જાતનું તારતમ્ય ભારતીય પરંપરા અને સંસ્કારોમાં વધારે જોવા મળે છે. તેથી જ વડીલો કહેતા સંભળાય છે કે ‘અમે વહુને ઘડીશું.’ એવી વાત નથી સંભળાતી કે ‘અમે જમાઈને ઘડીશું.’

() પ્રતિક્રિયા દ્વંદ્વ (Response conflict) : બાલ્યાવસ્થામાં પતિ-પત્ની બંને ભિન્ન વાતાવરણમાં ઊછર્યાં હોય, બંનેના સંસ્કારો, રુચિ અને આદતો જુદાં હોય, બંનેનાં જીવનમૂલ્યો જુદાં હોય ત્યારે પરસ્પરના વ્યવહારમાં પ્રતિક્રિયા દ્વંદ્વ ઉત્પન્ન થાય છે.

એકને પૂર્વની સંસ્કૃતિ ગમતી હોય, બીજાને પશ્ચિમની સંસ્કૃતિ ગમતી હોય. એકને ચૂપ રહેવું ગમતું હોય, બીજાને ખૂબ બોલવું ગમતું હોય. એકને એકાંત પસંદ હોય, બીજાને ખૂબ લોકો ભેગા થાય એ ગમતું હોય. આવી સ્થિતિમાં સંઘર્ષ જાગે છે. પતિને પોતાનાં જ સગાંવહાલાં ગમતાં હોય, પત્નીને પોતાનાં પિયરિયાં તરફ જ ખેંચાણ હોય, ત્યારે પણ આવા પ્રકારનો સંઘર્ષ થાય છે; અને તેમાં પણ બંનેને પરસ્પર ‘અહમ્’ થવાતું હોય, પોતાની જ વાતનું ખૂબ મમત્વ પકડાયેલું હોય ત્યારે દાંપત્યજીવનની દીવાલોમાં મોટી તિરાડો પડી જાય છે.

() આધિપત્ય દ્વંદ્વ (Dominance conflict) : પતિ-પત્ની બંને એકબીજાને દબાવી દેવાની પ્રવૃત્તિવાળાં હોય, ત્યારે ગંભીર મુશ્કેલીઓ સર્જાય છે. ભારતીય સંસ્કૃતિમાં પત્ની અનુયાયીની સ્થિતિમાં છે. પતિ નેતાની પદવી ઉપર છે; પરંતુ પત્ની જો નેતા બનવાની ઈચ્છા કરે, તો દ્વંદ્વાત્મક સ્થિતિ સર્જાય છે.

() વૈવાહિક દ્વંદ્વ તથા વ્યક્તિગત દ્વંદ્વ (Marital and personal conflict) : વૈવાહિક જીવનના સંઘર્ષમાં કેટલીક વાર એક વ્યક્તિની મન:સ્થિતિ ખૂબ અસર કરે છે. ક્યારેક પતિ વહેમી સ્વભાવનો હોય અથવા પત્ની શંકાશીલ સ્વભાવની હોય ત્યારે પરસ્પર સંઘર્ષ થાય છે.

પતિ-પત્ની બન્નેમાંથી એકની માનસિક સ્થિતિ દ્વંદ્વાત્મક હોય, તો પણ ઘણો વિવાદ જાગે છે.

ઉદાહરણ : પતિ ઈચ્છે કે એની પત્ની નોકરી પણ કરે અને ત્યાં કાર્ય કરનાર કોઈ પુરુષ સાથે વાતચીત પણ ન કરે. પતિના ચિત્તમાં સ્વયં આધુનિક અને પરંપરાગત વિચારોનું દ્વંદ્વ હોય, તો જ આવો સંઘર્ષ જાગે. પતિની આવી દ્વંદ્વાત્મક માનસિક પરિસ્થિતિને લીધે પત્ની મુશ્કેલીમાં મુકાઈ જાય છે.

પતિ-પત્નીમાં મતભેદ સુધીની અવસ્થા સહ્ય છે; પરંતુ મનભેદ સુધીના પ્રસંગો બની જાય, ત્યારે વૈવાહિક જીવન ખતરામાં મુકાઈ જાય છે. પરસ્પરના શારીરિક, વાચિક પ્રહારો સુધીનું વાતાવરણ વિકૃત બની જાય ત્યારે ઘર, કુટુંબ, સમાજ, બાળકો બધાં ઉપર વિકૃત અસર પડે છે. પરસ્પર માટે ક્રોધ, આક્રોશ, દુ:ખ, મનસ્તાપ જેવા નાનામોટા બધા પ્રસંગો જીવનનું સુખચેન હણી લે છે.

શ્રીમહાપ્રભુજીએ સ્વયં એક ઋષિમુનિ જેવા પ્રસન્ન દાંપત્યજીવનનું દર્શન કરાવી, સમગ્ર વિશ્વને સંદેશો આપ્યો કે તમારા નંદનવન જેવા દાંપત્યજીવનના બગીચાનો નાશ ન કરો. તમારા વૈવાહિક જીવનનું ઉપવન એવું હોવું જોઈએ કે એનાં શાંતિ, સુખ અને સૌંદર્યનો અનુભવ કરવા માટે પ્રભુ સ્વયં પુત્ર બનીને પધારે.

ગૃહસ્થાશ્રમનો સાચો આદર્શ આજના સામાન્ય સંસારી જીવો નથી સમજી શક્યા. વસિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક્ય જેવા મોટા મોટા ઋષિમુનિઓએ જંગલમાં નાની પર્ણકુટિ બનાવી, પોતાનો ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો અને આખા વિશ્વને અનુકરણીય આદર્શ પૂરો પાડ્યો.

દાંપત્ય-જીવનની આવી જાહોજલાલી અને સુખ મોટા મોટા બંગલાઓમાં રહેનાર, મોટરગાડીમાં ફરનાર આધુનિક નબીરાઓને કવચિત જ સાંપડે છે. લગ્ન એ કેવળ સુખોપભોગ ભોગવવાનું લાયસન્સ નથી. પરણીને પસ્તાવા માટેનું સાધન નથી. ઘણા લોકો બોલે છે – ‘પરણી નાખ્યું.’ તેઓ ખરેખર પરણીને આખું જીવન ખાડામાં નાખે છે. લગ્ન એ બે આત્માનું એવું જોડાણ છે કે જે સંસારમાં સ્વર્ગ ઉતારી શકે, પરમેશ્વરને પૃથ્વી ઉપર લાવી શકે.

બે વ્યક્તિ કે બે પરિવારના લોકો સામૂહિક જીવન ન જીવી શકતા હોય, તો આખા વિશ્વ અને સમાજમાં સહજીવન સ્થાપવાની વાત સ્વપ્નવત્ રહેશે.

સ્ત્રીપુરુષના ગુણપરિવર્તનને લીધે સંઘર્ષ : મહર્ષિ અરવિંદે સ્વીકાર્યું છે કે માનવમનના છ દોષો પૈકી કામ, ક્રોધ, અને મદ પુરુષોમાં તથા લોભ, મોહ, ઈર્ષ્યા એ ત્રણ સ્ત્રીઓમાં વધારે હોય છે. એ જ રીતે આધિપત્ય, સ્વીકાર અને સત્તા એ ત્રણ ગુણ પુરુષોમાં તથા સેવા, સ્નેહ અને સમર્પણ એ ત્રણ ગુણ સ્ત્રીઓમાં વધારે હોય છે.

કેટલીક વાર સ્ત્રી-પુરુષમાં ગુણ-દોષનું પરિવર્તન થાય, ત્યારે સ્ત્રીમાં એક પુરુષ જાગે છે અને પુરુષમાં સ્ત્રી જાગે છે. જેનામાં પૌરુષ જાગે એનો સ્વભાવ આક્રમક યોદ્ધા જેવો બની જાય છે, અધિકાર અને અહંકારની માત્રા વધી જાય છે. પતિ-પત્ની પૈકી જેનામાં સ્ત્રીત્વની જાગૃતિ વધારે હોય તે વ્યક્તિ અધીન, સમર્પિત, નબળી અને વધારે પડતી કાયર લાગશે.

પુરુષ પુરુષ જ રહે અને સ્ત્રી સ્ત્રી જ રહે તો બેમાં વિરોધનો વંટોળ જાગતો નથી. જો બંને સ્ત્રૈણ સ્વભાવનાં હોય કે બંને આક્રમણકારી પુરુષ-સ્વભાવનાં હોય તો ત્યાં ઠંડું-ગરમ યુદ્ધ ચાલ્યા કરે છે. બંને સ્ત્રૈણ સ્વભાવનાં હોય તો સાવ બરફના ચોસલા જેવાં થીજેલાં બની જીવન પસાર કરે છે. એમના જીવનમાં ઠંડો સંઘર્ષ હોય છે; અને જો બંને પુરુષ સ્વભાવનાં આક્રમક હોય, તો નસનસમાં આગ ચંપાઈ ગઈ હોય એ રીતે બળીબળીને જીવન પૂરું કરે છે. અતિ ઠંડક બાળે છે તેમ અતિ ગરમી પણ બાળે છે.

સેવા, સ્નેહ અને સમર્પણ આ ત્રણ ગુણ નારીમાં સહજ હોવાથી શ્રીમહાપ્રભુજીએ પ્રથમ શિખામણ આધિપત્ય, સ્વીકાર અને સત્તારૂપ એક પુરુષને આપી : ‘તારી પત્ની, તારાં બાળબચ્ચાં વગેરે બધાં જ તને પીડા આપે, તો એ સહન કરી લેજે. એ કાંઈ પારકાં નથી, તારાં પોતાનાં છે. એમનું સહન કરી લેવામાં કાંઈ નાનમ નહીં આવે.’

સહનશીલતાનો અર્થ એવો નથી કે ચૂપચાપ પરસ્પરની ગાળો ખાઈ લેવી અને મનમાં બળ્યા જ કરવું. એનો અર્થ છે બંનેએ પરસ્પરનો સ્વભાવ ઓળખીને ચાલવું. એક તલવાર બને, તો બીજાએ ઢાલ બનવાનું છે. એક અંગારો બને, તો બીજાએ પાણી બનવાનું છે. ઘર ભડકે ન બળે તે માટે બેમાંથી એક જણે સહનશીલતાનું બખ્તર ચઢાવી લેવાનું છે. સંસાર સમાધાન માર્ગ છે; પરસ્પરની સમજણ માગે છે. ક્રોધનો આવેશ ઊતર્યા પછી, સુખદુઃખના સાચા ખુલાસા કરી ક્ષમા, સ્નેહ અને સૌહાર્દરૂપી અમૃતઝરણામાં બંનેએ સ્નાન કરવાનું છે.

પતિ-પત્ની બંને એકબીજા માટે છેલ્લા સ્ટેશન જેવાં નથી. બંને જીવન-સફરનાં સહયાત્રી છે. એમને જીવનની સુખદ યાત્રા કરતાં પ્રભુનાં ચરણો સુધી પહોંચવાનું છે. માનવમાત્ર માટે છેલ્લું સ્ટેશન ભગવદ્ ચરણારવિંદ છે. પરસ્પરના નાના-મોટા સંઘર્ષો, અહ્મ-મમત્વની ટકરામણો, આક્ષેપો, રાવ-ફરિયાદ બધું છોડી પતિ-પત્ની પ્રભુનાં ચરણ સુધી પહોંચવા, એકબીજાનાં સમર્થક અને પ્રેરક બને, તો જીવન આનંદનો મહાસાગર બની જાય.

કદાચ, પૂર્વજન્મના કોઈ કર્મપરિપાકને લીધે કે આ જન્મના કોઈ અપરાધને લીધે પરસ્પર એટલો સુમેળ ન સાધી શકે તો બધી જાતનાં આક્રમણ સહન કરવાની આંતરિક માનસિક તૈયારી કેળવવી જોઈએ. પતિ પત્ની બંનેએ એકબીજાના તાપ-સંતાપ સહન કરવાના છે.

પત્ની માટે ‘ભાર્યા’ શબ્દ વપરાય છે. પ્રાચીન અર્થના સંદર્ભમાં, જે પતિ દ્વારા અન્ન-વસ્ત્ર વગેરે મેળવી પોતાનું ભરણ-પોષણ મેળવવાની અધિકારિણી હોય, તેને ‘ભાર્યા’ કહેવાય. આવા અર્થઘટનમાં ‘ભાર્યા’ પતિની આશ્રિતા જેવી કહેવાશે; પરંતુ આધુનિક યુગના સંદર્ભમાં જ્યારે નારી સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને ચાલી રહી હોય ત્યારે કેવળ અન્નવસ્ત્રથી ભરણ પોષણ મેળવવાને હકદાર એવું અર્થઘટન નહીં કરી શકાય.

એક બહેનનો કૉર્ટમાં છૂટાછેડા મેળવવા માટે કેસ ચાલ્યો. બહેન જીતી ગયાં. કૉર્ટના ન્યાયાધીશે આ બહેનને કેસના ખર્ચની તમામ રકમ અને માસિક ભરણપોષણની રકમ આપવાનો હુકમ કર્યો.

નારીત્વના સ્વાભિમાનને જીવંત રાખનાર એ બહેને છૂટાછેડા મંજૂર રાખી લીધા; પરંતુ કેસના ખર્ચની રકમ કે ભરણપોષણની વ્યવસ્થા ન સ્વીકારી. એણે આખી કૉર્ટ સ્તબ્ધ થઈ જાય એવા વિચારો વ્યક્ત કર્યા : ‘હું એવી નારી નથી, જે કેવળ હાડચામ અને માંસનું જ પૂતળું હોય, જેને કેવળ અન્ન-વસ્ત્રના ભરણપોષણની જરૂર હોય. હું એક જીવંત, અરમાનોથી ભરેલી સ્ત્રી છું. જે વ્યક્તિ સ્નેહ, સૌહાર્દ, સાથે સહકાર, સુખ-શાંતિ અને આનંદથી મારા આત્મા-મનનું ભરણ-પોષણ ન કરી શકે, એની પાસે અન્નવસ્ત્ર માટેનું ભરણપોષણ મેળવી મારા નારીત્વનું ગુમાન ગુમાવું? નામદાર કૉર્ટ મને ક્ષમા કરે. હું મારા સ્ત્રીત્વનો સંહાર નહીં કરી શકું.’

આ સ્વાભિમાની નારીના સ્ટેટમેન્ટમાં આધુનિક સમયમાં ‘ભાર્યા’ શબ્દનું શું અર્થઘટન હોઈ શકે તે સ્પષ્ટ સમજાય છે : પતિના સ્નેહ, સૌહાર્દ, સાથ, સહકાર દ્વારા સુખ, શાંતિ અને આનંદથી આત્માનું ભરણપોષણ મેળવવા જે હકદાર છે તે ભાર્યા.

***

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.