કૉસ્મો – અર્ટોરા કેન્દ્ર પ્રેરિત – શ્રેષ્ઠ જીવન – ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા

મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા,

સામાન્ય કિં. રૂ. ૨૦ /- કન્સેશનલ કિં – રૂ. ૧૦ /-

અમદાવાદ : કૉસ્મો અર્ટોરા કેન્દ્ર, ‘કલામંદિર’, ૯, નાગરિક સોસાયટી, આંબાવાડી, ઍલિસબ્રીજ, અમદાવાદ. (શ્રેષ્ઠ સંપાદન માટે સાહિત્ય – અકાદમી ઍવોર્ડ – વિનર)

‘મહાસિદ્ધિ’ ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત નાની નાની પુસ્તિકાઓ જીવન ઘડતરમાં ખૂબ જ ઉપયોગી અને અસરકારક બને છે અને એટલે જ એ રસાયણનું કામ કરે છે. મારી પાસે અત્યારે બે પુસ્તિકાઓ આવેલી છે.

-૧-

ઈશ્વરનો દાંપત્યયોગ

ભગવાન શ્રીકૃષ્ણની દાંપત્યલીલાથી આ પુસ્તિકાની શરૂઆત થાય છે. શ્રી રાધાકૃષ્ણના સુંદર ચિત્ર નીચે આ પ્રમાણે લખવામાં આવ્યું છે :

‘જેમણે જીવનભર સંન્યાસ નહોતો લીધો, ભગવાં વસ્ત્રો નહોતાં પહેર્યાં કે પરમેશ્વરને પામવા સંસાર તજવાની હિમાયત નહોતી કરી અને છતાંય જે સર્વશ્રેષ્ઠ આત્મનિષ્ઠ સંન્યાસી હતા એ ભગવાન શ્રી કૃષ્ણની દાંપત્યલીલા.’

શ્રીમદ્ ભાગવતના વિષય વસ્તુને લઈને વિવિધ કથાઓ દ્વારા ઈશ્વરના દાંપત્યને ‘યોગ’ની કક્ષાએ સ્થાપિત કરવામાં આવ્યો છે. અને એ દ્વારા આસક્તિ – અનાસક્તિ, વિરહ – મિલન, માયા – પ્રેમનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

‘પ્રેમની રીત’, પ્રકરણમાં મિલન કરતાં વિરહને ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. રાસલીલા સમયે જે ગોપીઓ કુટુંબીજનોના વાંધાને લીધે રાસલીલામાં ભાગ ન લઈ શકી તેઓ વિરહની તીવ્ર વેદનાને કારણે શ્રીકૃષ્ણને તરત જ પામી હતી. ‘એટલે કે પ્રેમમાં વિરહ, મિલન કરતાં વધારે અસરકારક છે. પ્રેમમાં કાંઈ લેવાનું હોતું નથી, ફક્ત આપવાનું જ હોય છે.’ પરસ્પરનું તાદાત્મ્ય અને પરિણામે આંતિરક ઐક્ય. ભવાની-શંકર, સીતારામ, રાધાકૃષ્ણ વગેરેના દૃષ્ટાંતો દ્વારા ઈશ્વરના દાંપત્યની પ્રશંસા કરવામાં આવી છે. દાંપત્ય જીવનને ભર્યું ભર્યું બનાવવા આ પુસ્તિકા જોવા જેવી ખરી.

-૨-

નવું વર્ષ અને નવીન સંદેશ

લક્ષ્મી નારાયણની પ્રસંગ કથાથી શરૂ કરી, ‘નવા વર્ષે શો સંકલ્પ કરવો એ’ પ્રથમ પ્રકરણ, ‘નવું વર્ષ અને નવીન સંદેશ’માં બતાવવામાં આવ્યું છે.

‘નૂતન વર્ષમાં નવા સંકલ્પ કરવાનો રિવાજ છે. શ્રીમદ્ ભગવદ્‌ગીતાની દૃષ્ટિએ સૌથી સારો સંકલ્પ એ છે કે મનમાં કોઈ સંકલ્પ વિકલ્પ જ ન રહે. મનને આત્મસ્થિત કરવું.’

બીજું પ્રકરણ, ઉચ્ચતમ કોટિના ગૃહસ્થ સંત અને ‘રાજયોગ’ના પથદર્શક શ્રી રામચંદ્રજી મહારાજ વિશે આપવામાં આવ્યું છે. મહારાજશ્રીને બધા ‘બાબુજી’ કહેતા. લેખકનો એમની સાથેનો વાર્તાલાપ જરા જોઈએ.

લેખકે બાબુજીને પૂછ્યું, ‘ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે ઈશ્વર થવું જરૂરી છે?’

બાબુજીએ કહ્યું, ‘ઈશ્વર થવું નહિ પણ ઈશ્વર જેવા થવું જરૂરી છે. ‘Not God, but Godly’

એમની સાધના પદ્ધતિને ‘સહજમાર્ગ’ કહેવામાં આવે છે. તે આંતરિક અને સૂક્ષ્મ છે. ફક્ત ધ્યાન, પ્રાર્થના અને સતત સ્મરણ. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણ, પ્રાર્થના, બ્રહ્માજી અને ગાયો વિશે સંક્ષિપ્તમાં કથાનકો દ્વારા બતાવવામાં આવ્યું છે.

પુસ્તિકાની શરૂઆતમાં અને પુસ્તિકાને છેડે, સંત મહાત્માઓના, મહાપુરુષોનાં ઉપદેશ વચનો પણ મૂકવામાં આવ્યાં છે.

પુસ્તિકા ખોલતાં જ શ્રી અશોક નારાયણનો પરિચય એમની તસવીર સાથે આપવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં પ્રથમ કક્ષાના આઈ. એ. એસ. અધિકારી, ભક્ત હૃદય, નિરભિમાનપણું, સરળ અને સાત્ત્વિક એવા શ્રી અશોક નારાયણ વિશે છેલ્લી પંક્તિ જરા વિશેષ ધ્યાન ખેંચે છે. ‘…. જે એમના વ્યક્તિત્વને આ જગતની એક મહાન વિભૂતિની કક્ષાએ લઈ જાય છે.’ મને લાગે છે કે આ જાતનો અભિપ્રાય જગત તરફથી મળે તો જ વ્યાજબી ગણાય. પરિચય આપનાર વ્યક્તિએ તો વિવેકનું પ્રમાણભાન જાળવવું જ રહ્યું.

‘મહાસિદ્ધિ’ એ અત્યંત સ્તુત્ય, પ્રયાસ છે, જો કે એમાં હજુ સુધારાને અવકાશ છે.

– પુસ્તિકાનું આંતર બાહ્ય કલેવર થોડું બદલી શકાય.

– ખૂબ જ ઝીણા ટાઈપનો જ્યાં જ્યાં ઉપયોગ થાય છે ત્યાં મોટા ટાઈપ વાપરી શકાય.

અત્યારે તો જનસંપર્કનાં સાધનો અખબાર, રેડિયો, ટી.વી. એટલાં સક્રિય છે કે, ‘મહાસિદ્ધિ જે બાબત રજૂ કરે છે એ ઉપરોક્ત સાધનો વધુ સારી રીતે આપી રહ્યાં છે. એટલે કંઈક જુદા જ સંદર્ભમાં, વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં ‘મહાસિદ્ધિ’ એ વિચારવું રહ્યું.

ક્રાંતિકુમાર જોષી

Total Views: 221

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.