ઘર

એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું,
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે.

એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું.
‘કેમ છો?’ એવું ય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે! …. એક

કોઈ એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું.
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનનો રવ મળે… એક

તો ય તે ના રંજ કૈં મનમાં રહે
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે.

– માધવ રામાનુજ

માધવ રામાનુજનું કાવ્ય ‘ઘ૨’ જેટલું સરળ છે, એટલું જ ચોટદાર અને હૃદયસ્પર્શી છે. ઘર કોને કહેવાય એ નાનું બાળક પણ જાણે, પણ ઘરની ખરી – સંકલ્પના મોટી ઉંમરના લોકોને પર પૂરેપૂરી ન સમજાય. એક મિત્રની વાસ્તુ નિમિત્તે મળેલી નિમંત્રણ પત્રિકા જરા જોઈએ.

‘અમે એક ‘મકાન’ બનાવ્યું છે,

એ ‘મકાન’ને ‘ઘર’ બનાવવાના અમારા સંનિષ્ઠ પ્રયાસો પણ રહ્યા છે. પણ અમારી ભાવના તો એ ‘ઘર’ને તીર્થધામમાંજ બદલી નાખવાની છે. એ ક્યારે અને કેમ બને?’

‘કદમથી આપના મુજ દ્વાર તીરથધામ થઈ જશે.’

તો ‘મકાન’ એટલે, માત્ર ઈંટ, ચૂનો, રેતી અને પથ્થર તથા લાકડાનું બનેલું ખોખું – HOUSE. એને ‘ઘર’નો દરજ્જો ગૃહિણી આપી શકે. ‘ગૃહિણી ગૃહમ્ ઉચ્યતે’, ઘરનું હૂંફાળું વાતાવરણ આપી શકે, ઘરનું પ્રેમભર્યું આતિથ્ય આપી શકે. જ્યાં સ્નેહની સરવાણી વહેતી હોય, જ્યાં પ્રેમની પરબ બંધાણી હોય એ ઘર, અને ગુણીજનોનાં પગલાંથી એ ઘર તીર્થધામ બની જાય. ‘Sweet Home’ બની જાય.

કવિ શ્રી આવા કોઈ ‘ઘર’ની શોધમાં છે. એમના કહેવા પ્રમાણે મકાનો તો ખડકાતાં જ જાય છે પણ સમસ્ત વિશ્વમાં એવું કોઈ ‘ઘર’ મળે ખરું કે જ્યાં હું કોઈ પણ કારણ વિના જઈ શકું.

‘એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું.’

આપણે ત્યાં ‘અતિથિ’ શબ્દ ખૂબ જ સૂચક છે. સમય, દિવસ કે માસ, યજમાનને જણાવે પણ નહિ અને એકાએક જ આપણે ત્યાં આવી ચડે એ અતિથિ. પણ જમાનો બદલાયો છે, પવન પલટાયો છે, નગર સંસ્કૃતિ ઔપચારિક્તાના આટાપાટામાં અટવાઈ પડી છે. સાચા સોના કરતાં ‘ઢોળ’ ‘ગિલેટ’નો પ્રભાવ વધતો જાય છે, ત્યારે સહજ અને સ૨ળ જીવનની ઇચ્છા કવિ આ કાવ્યમાં વ્યક્ત કરે છે. આપણે ત્યાં કહેવત છે, ‘દુનિયાનો છેડો ઘર’. મોટામોટા મહારથીઓ પણ દિગ્વિજય કરી ઘેર પાછા ફરે અને ‘મા’ના ખોળામાં પાંચેક મિનિટ પણ માથું રાખી આડા પડે ત્યારે તેઓને પોતાનું શૈશવ પાછું મળતું હોય એટલી નિરાંત થાય. કવિ કહે છે કે,

‘એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વિના શૈશવ મળે.’

સ્વામી આનંદને ઘર છોડ્યા વરસો થઈ ગયેલાં. કુટુંબ, ગામ કે પ્રાંતને મગજમાંથી દેશવટો આપી દીધેલો. લાંબા સમયગાળા પછી સ્વામીજી એમના વૃદ્ધ-અંધ માને મળવા આવે છે. ‘મા’ને તો એની ખબર પણ નથી. પણ જે મિનિટે સ્વામીજીએ ડેલીમાં પગ મૂક્યો કે તરત જ એમનાં અંધ, કૃશકાય ‘મા’ બોલી ઊઠ્યાં, ‘બેટા આવ્યો!’ સ્વામીજીને વરસો પછી પોતાનું શૈશવ પાછું મળ્યું, સ્વામીજી એમની માતાના ચરણોમાં આળોટી પડ્યા. કવિ અહીં કંઈક આ પ્રકારનું શૈશવ ઇચ્છે છે. નિર્દોષ, ભોળું અને મસ્ત શૈશવ.

કવિની કલ્પના આગળ વધે છે. શહેરમાં અજાણ્યા બનીને ફરવાનું હોય તો કેવી મજા આવે! મસ્ત ફકીર બનીને ઘૂમવાનું, અલ્લડ બનીને આથડવાનું, નગરજનો જ્યારે વધુ ને વધુ સંપર્ક ઇચ્છતા હોય છે, ત્યારે આપણા કવિ તો અજાણ્યા બનીને ઘુમવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

‘એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું.

કવિ નિરંજન ભગતની લટારમસ્તી તો જરા જુઓ.

‘હું ક્યાં કોઈ કામ તમારું કે મારું
કરવા આવ્યો છું,
હું તો બસ અહીં ફરવા આવ્યો છું.’

આવી લટારમસ્તી આપણા કવિ પણ ઇચ્છે છે. જગતકાજી બનવામાં રસ નહિ. બસ, મસ્તીથી હરવું, ફરવું અને આનંદનું ગીત ગાવું.

એક આદર્શ ઘર, નિર્દોષ, ભોળું શૈશવ, અનજાન નગર, દંભ રહિત, કૃત્રિમતા વિનાનું કુદરતી જીવન; પણ કવિને એટલાથી સંતોષ નથી. માનવ, માનવ સાથે આત્માના સંબંધો બંધાય છે ત્યાં વૈખરી વાણીનો વિલાસ અટકી જાય છે. કેમ છો, કેમ નહિ, હલ્લો, હાય-નહિ. બાહ્યાચરણો બહાર જ રહે અને મૌનની ભાષા કામ કરતી થઈ જાય, ત્યારે કવિ ગાઈ ઊઠે છે.

‘કેમ છો? એવું ય ના કહેવું પડે,
સાથ એવો પંથમાં ભવ ભવ મળે!’

આવા સહયાત્રીઓનો સાથ, કવિ, ભવભવ મળે એમ ઇચ્છે છે. કવિ શ્રી મકરંદ દવેનું ‘મિલન મેળા’ કાવ્ય જોઈએઃ

આપણા મિલન મેળા!
મૃત્યુ લોકની શોકભરી સૌ વામશે વિદાય વેળા,
નિત નવા વેશ ધરીને, નિત નવે નવે દેશ;
આપણે આવશું, ઓળખી લેશું આંખના એ સંદેશ;
પૂરવની સૌ પ્રીત તણા જ્યાં ભીના ભેદ ભરેલા!
મરણનેય મારતા આવશે
આપણા મિલન મેળા.

શાયરોની મહેફિલ જામી હોય. વાહ-વાહ, બહોત-ખૂબ ઈર્શાદ, ઈર્શાદથી દાદ દેવાતી હોય, શાયરો અને શ્રોતાઓ ઝૂમી ઊઠતા હોય ત્યારે એ મહેફિલમાં વગર બોલાવ્યો હું પણ પહોંચી શકું એવું ભાગ્ય ઝંખે છે. હવે, કવિની કલ્પનાને પાંખ આવે છે. કવિની મોજ-મસ્તી મૃત્યુને પણ પ્રેમથી ભેટવા તૈયાર છે. નથી ડર કે નથી અસ્વસ્થતા. માનવ જીવન દ્વંદ્વાત્મક જ છે. સુખ અને દુઃખ, હર્ષ અને શોક, જન્મ અને મરણ. જીવનમાં જેમ વસંત આવે છે એમ પાનખર પણ આવે છે. શૈશવ અને યૌવન સાથે વાર્ધક્ય પણ જોડાયેલું જ છે. વાસંતી ટહુકા સાથે કવિ પાનખરનો પદ૨વ પણ સાંભળે છે.

‘એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનનો રવ મળે.’

પાનખર જેવી વૃદ્ધાવસ્થા આવે છતાં રોમ રોમથી ટહુકતાં જ રહીએ તો જીવન ધન્ય બની જાય. અથવા તો જન્મ એ વાસંતી ટહુકો અને એની સાથે જ જોડાયેલ મૃત્યુ એ પાનખર. મૃત્યુના આગમનને વધાવી લેવામાં કવિનું ગૌરવ રહેલું છે. અને એટલે જ કવિ બોલી ઊઠે છે.

‘તો ય તે ના રંજ કૈં મનમાં રહે,
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે’

સ્વ. મનુભાઈ ત્રિવેદી, ‘સરીદ’નામથી ભજન લખે અને ‘ગાફીલ’ને નામે ગઝલ લખે. અમદાવાદના મુશાયરામાં મસ્તીથી પોતાની ગઝલ રજૂ કરી અને ઢળી પડ્યા.

‘અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે.’

‘સ્વામી અને સાંઈ’ નામના પુસ્તકમાં સ્વામીજી લખે છે; ‘કવિ સંમેલનમાં પોતાની ગઝલ ગાઈ સંભળાવીને મિત્રવૃંદની વિદાય લે એ તો દૈવી ચમત્કાર જ ગણાય. ઘર-કુટુંબની અવેજીમાં મુશાયરાના મિત્રવૃંદને એમણે અદકા કરી માન્યા એ પણ એક એવો જ પ્રકાર શ્રદ્ધાભક્તિનો ગણવો જોઈએ.’

એક ઝિંદાદિલ આદમીની અભીપ્સા મુક્તપણે આ કાવ્યમાં વહે છે.

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.