મંદિર ઈશ્વરનું નિવાસસ્થાન અને ભક્તોનું પૂજાસ્થાન છે. જો કે ઈશ્વર સર્વવ્યાપી છે અને તેની પૂજા દરેક જગ્યાએ કરી શકાય છે. પરંતુ તેની હાજરીનો અનુભવ બીજી કોઈ જગ્યા કરતાં મંદિરમાં વધારે થાય છે. મનુષ્યની જુદી જુદી ઇચ્છાઓ પૂરી કરવાને માટે દુનિયામાં જુદા જુદા ભવનોનું નિર્માણ કરવામાં આવે છે, પરંતુ ઈશ્વર સાથે માનવનો સંપર્ક સ્થાપિત કરવાના મુખ્ય ઉદ્દેશ્યથી જ મંદિરનું નિર્માણ કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે માનવ અને ઈશ્વરને જોડનાર સેતુ મંદિર છે.

આવો જ એક મહાસેતુ છે – બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર. આવો, આજે આ મહાસેતુની આંતરિક કથાનું સ્મરણ તથા તેનું સમ્યક્ દર્શન કરીને જીવનને ધન્ય બનાવીએ.

સ્વામીજીની મંદિર-કલ્પના

સ્વામી વિવેકાનંદજીની ઉત્કટ ઇચ્છા હતી કે ગંગા કિનારે પથ્થરના મંદિરનું નિર્માણ કરવું અને તેમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનાં પવિત્ર ભસ્માસ્થિ સુરક્ષિત રાખવાં તથા યુગાવતારની એક મૂર્તિની સ્થાપના કરી હંમેશાં ત્યાં પૂજા અર્ચના કરવી. પોતાની આ હાર્દિક ઇચ્છાની જાણ સૌ પ્રથમ તેમણે શ્રી પ્રમદાદાસને ૨૬ મે ૧૮૯૦ના રોજ લખેલ પત્રમાં કરી છે. ગંગાના પશ્ચિમ કિનારે આવેલું બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર સ્વામીજીની આ ઉત્કટ ઇચ્છાનું મૂર્તસ્વરૂપ છે.

દેશવિદેશમાં ભ્રમણ કરતા સ્વામીજી જુદાં જુદાં સ્થાપત્યોનું અધ્યયન કરતા હતા. કારણ કે તેમનું કહેવું હતું, ‘પૂર્વ અને પશ્ચિમના કલા જગતમાં જે કંઈ સર્વશ્રેષ્ઠ છે તેને એક સાથે (શ્રીરામકૃષ્ણ મંદિરમાં) લાવવાની મારી ઇચ્છા છે.’ આપણા દેશના લગભગ બધા પ્રાંતોનાં સ્થાપત્યોનો તેમણે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. મોગલ સ્થાપત્ય કળા તથા રાજપૂત ચિત્રકળાની તેઓ બહુ જ પ્રશંસા કરતા હતા. પોતાના વિદેશ ભ્રમણ સમયે તેઓ જે કોઈ દેશમાં જતા ત્યાંનાં સંગ્રહસ્થાનો, દેવળો, મુખ્ય કૅથૅડ્રલ તેમજ કલાભવનો વગેરે જરૂર જોવા જતા. ફ્રેન્ચ કલા પ્રત્યે તેમનો ભાવ વધુ હતો.

ઈ.સ. ૧૮૯૭ના છેલ્લા દિવસોમાં સ્વામી વિવેકાનંદજી જ્યારે સ્વામી વિજ્ઞાનાનંદજી (શ્રીરામકૃષ્ણના લીલાપાર્ષદ અને પૂર્વાશ્રમના સરકારના એક ઉચ્ચ પદસ્થ સિવિલ ઍન્જિનિયર) સાથે ભારતના ઉત્તર પશ્ચિમના પ્રાંતોમાં ભ્રમણ કરતા હતા ત્યારે સ્થાપત્ય શિલ્પ સંબંધી સૂક્ષ્મ રીતે ઊંડી તપાસ કરીને શ્રીરામકૃષ્ણ મંદિર કેવું હોવું જોઈએ તેની વિવેચના કરતા હતા.

નીલામ્બર મુખર્જીના બગીચામાં ટહેલતાં ટહેલતાં સ્વામીજી એક દિવસ સ્વામી વિજ્ઞાનાનંદજીને બોલાવીને, આ મંદિર ક્યાં અને કેવી રીતે તૈયાર થશે એ અંગે વિસ્તારથી વાત કરવા લાગ્યા. મંદિરનું વર્ણન પૂરું કર્યા પછી સ્વામીજીએ તેનો નકશો બનાવવા માટે સૂચન કરતાં કહ્યું – ‘આ શરીર તેટલા દિવસ ટકશે નહીં, તો પણ હું ઉપરથી જોઈશ.’ સ્વામી વિજ્ઞાનાનંદજીએ સ્વામીજીની કલ્પનાનુસારના મંદિરનો નકશો બનાવીને તેમને બતાવ્યો. સ્વામીજી નકશો જોઈને ઘણા પ્રસન્ન થયા અને તેને મંજૂરીની મહોર મારી દીધી.

સ્વામી વિજ્ઞાનાનંદજી દ્વારા તૈયાર કરેલ નકશો એક દિવસ રણદાપ્રસાદ દાસગુપ્ત (કલકત્તા જ્યુબિલી આર્ટગૅલૅરીના સંસ્થાપક તથા અધ્યાપક)ને બતાવતાં સ્વામીજીએ કહ્યું હતું – ‘આ ભાવિ મંદિરના નિર્માણમાં પૂર્વ અને પશ્ચિમની બધી શિલ્પકલાઓનો સમન્વય કરવાની મારી ઇચ્છા છે. પૃથ્વી પર બધે ફરીને સ્થાપત્ય સંબંધી જે ભાવનાઓ હું લાવ્યો છું તે બધીને આ મંદિરના નિર્માણમાં વિકસિત કરવાનો પ્રયત્ન કરીશ. ઘણા નજીક હોય તેવા થાંભલાઓ પર વિરાટ પ્રાર્થનાગૃહ તૈયાર થશે. તેની દિવાલો પર સેંકડો ખીલતાં કમળો દેખાતાં હશે. પ્રાર્થનાગૃહ એવડું મોટું હશે કે જેમાં એક સાથે હજાર વ્યક્તિ બેસીને ધ્યાન કરી શકે. શ્રીરામકૃષ્ણ મંદિર તથા પ્રાર્થનાગૃહને એક સાથે એવી રીતે તૈયાર કરવાં પડશે કે દૂરથી જોનારને એમ લાગે કે ઓમકાર છે. મંદિરના મધ્યમાં એક રાજહંસ પર શ્રીરામકૃષ્ણની મૂર્તિ હશે. દ્વારની બંને તરફ બે મૂર્તિઓ એવી હશે કે જેમાં એક સિંહ અને એક ઘેટું મિત્રતાથી એકબીજાને ચાટી રહ્યા હોય, એટલે કે મહાશક્તિ અને મહાનમ્રતા જાણે પ્રેમથી એકત્ર થઈ ગયાં હોય, મનમાં આ બધા ભાવો છે. હવે જો જીવન બાકી હશે તો તેને કાર્યમાં પરિણત કરી જઈશ, નહીં તો પછી ભાવિ પેઢીના લોકો ધીરે ધીરે જો તેને કાર્યમાં પરિણત કરી શકશે તો કરશે.’

સ્વામી અખંડાનંદજીની (શ્રીરામકૃષ્ણદેવના લીલાપાર્ષદની) સાથે મંદિર અંગે સ્વામીજીએ જે ચર્ચા કરી હતી. તેનો પછીથી ઉલ્લેખ કરતાં સ્વામી અખંડાનંદજીએ લખ્યું છે, ‘મેં તેમની સાથે મંદિરના ભાવિ નકશા (સ્વામી વિજ્ઞાનાનંદ કૃત) અંગેની વાતનો ઉલ્લેખ કર્યો હતો. તે સાંભળીને, ક્યા, ક્યા પ્રકારે તેમનું એ અર્ધચંદ્રાકાર મંદિર પ્રતિષ્ઠિત થશે અને મંદિરની દિવાલોના ગોખલાઓમાં કેવી રીતે જુદાં જુદાં દેવદેવીઓ તથા પૃથ્વીના મહાપુરુષોની મૂર્તિઓ સ્થાપિત થશે તેમ જ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વેદી પર કેવી રીતે હીરા મોતી-પન્ના જડિત સદા ઉજ્વલિત ઓમકાર રહેશે તે બધું મને સારી રીતે સમજાવ્યું હતું. હીરા મોતીની વાત સાંભળતા જ મેં સ્વામીજીને ટોક્યા હતા અને કહ્યું હતું, ‘શું આપ એમ માનો છો કે આ ગરીબ દેશમાં અને ખાસ કરીને સંન્યાસીઓના મઠમાં આ બધું અનાવશ્યક અને ખર્ચાળ ઐશ્વર્ય લાવવાથી તેનું પરિણામ સારું આવશે?’ તેનો ઉત્તર દેતાં એ વખતે તેમણે પાંડિત્યપૂર્ણ ભાષામાં આ નવયુગની વિશિષ્ટતાની વાત કરી હતી તેમાંથી મને ફક્ત એક વાત યાદ છે. સૌ પ્રથમ તેમણે કહ્યું હતું, ‘આ પુનરભ્યુદયની એક વિશિષ્ટતા છે. ભૂતકાળમાં જેમ દુનિયાના બધા દેશોની બધી જાતિઓના અભ્યુદયની સાથે – સાથે કલાનો પણ વિકાસ થયો હતો, તેવી જ રીતે આ નવયુગમાં પણ શિલ્પ વગેરે સભ્યતાનાં બધાં અંગોનો વિકાસ અવશ્ય નિશ્ચિત જ છે.’

૪થી જુલાઈ ૧૯૦૨ના રોજ સ્વામીજીનું દેહાવસાન થયું એટલે મંદિર અંગેની પોતાની કલ્પના સાકાર થતી જોઈ ન શક્યા. પરંતુ તેમના માટે આ એક માત્ર કલ્પના નહોતી. તેમણે કહ્યું હતું ‘સમય આવ્યે બધું થશે જ.’ તેમની કલ્પના પ્રમાણેના મંદિરના નકશાને તેમના ગુરુભાઈઓએ પવિત્ર સ્મૃતિ ચિહ્ન સ્વરૂપે જાળવીને રાખ્યો હતો.

શિલારોપણ

સ્વામીજીના દેહાવસાનના લાંબા સમય (લગભગ ૨૧ વર્ષ) પછી મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજી – શ્રીરામકૃષ્ણ દેવના લીલાપાર્ષદ અને રામકૃષ્ણ મઠ – મિશનના બીજા અધ્યક્ષ) ૧૩મી માર્ચ ૧૯૨૯ના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિના શુભ અવસરે મંદિરનો શિલારોપણ વિધિ કર્યો. શ્રીરામકૃષ્ણદેવના જીવિત લીલાપાર્ષદોમાંથી સ્વામી અભેદાનંદ, સ્વામી વિજ્ઞાનાનંદ અને માસ્ટર મહાશય (શ્રીરામકૃષ્ણ વચનામૃતના લેખક શ્રી ‘મ’) એ સમયે હાજર હતા. મંદિરના શિલારોપણવિધિ સમયે મહાપુરુષ મહારાજે કહ્યું હતું, ‘ઠાકુર! લાજ રાખજો.’

પરંતુ મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ ત્યારે ઍન્જિનિયરોએ મહાપુરુષ મહારાજ દ્વારા થયેલ શિલારોપણને લગભગ ૧૦૦ ફૂટ દક્ષિણ (વર્તમાન મંદિરની જગ્યાએ) ખસેડવાનું કહ્યું. મહાપુરુષ મહારાજ એ સમયે સ્થૂલદેહે નહોતા. ઍન્જિનિયરોના કહેવા પ્રમાણે સ્વામી વિજ્ઞાનાનંદજીએ ૧૬ જુલાઈ ૧૯૩૫ના (મંગળવાર – પૂર્વાષાઢા નક્ષત્ર – દક્ષિણાયન સંક્રાતિ – ગુરુપૂર્ણિમા તિથિ) રોજ નિર્દિષ્ટ સ્થાન પર ફરી શિલારોપણ વિધિ કર્યો. ગોપેશ કૃષ્ણ સરકારે શિલારોપણવિધિ સમયની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં લખ્યું છે – ધાર્મિકવિધિ અનુસાર શિલારોપણને દિવસે સવારે સવા આઠ પહેલાં જ નક્કી કરેલ સ્થળે મહારાજશ્રીને આવી જવાની વાત થઈ હતી. વિધિ માટેનો એ જ નિશ્ચિત સમય હતો, અમે સૌ પહેલેથી ત્યાં હાજર હતા. મહારાજ કોઈ દિવસ કોઈ કામમાં મોડું કરતા ન હતા. જો કે તેઓ હંમેશાં ઘડિયાળની આગળ જ ચાલતા. કોઈ દિવસ પાછળ ન રહેતા. તેમની આ બાબત અંગે સૌ જાણતા હતા. પરંતુ તે દિવસે આ બાબતમાં ફેરફાર થયો. સવા આઠ થઈ ગયા તો પણ તેઓ આવ્યા નહીં. હાજર રહેનાર સૌને ચિંતા થવા લાગી. એમ સાંભળવા મળ્યું કે તેઓ શ્રી શ્રીઠાકુરના જૂના મંદિરમાં છે. પૂજાનાં ફૂલ લઈને જ્યારે તેઓ આવ્યા ત્યારે સાડા આઠ થઈ ગયા હતા. પૂજનીય સનત મહારાજે (સ્વામી પ્રબોધાનંદ) અનુયોગના સ્વરે કહ્યું, ‘મહારાજ’ સવા આઠ તો વાગી ચૂક્યા છે.’ મહારાજે કહ્યું, ‘શું કરું? (ઠાકુર) મને આવવા જ નહોતા દેતા.’ એટલે કે શિલારોપણ કરતાં પહેલાં તેઓ શ્રી શ્રીઠાકુરની અનુમતિ લેવા અને આશીર્વાદ મેળવવા ગયા હતા. ત્યાં મંદિરમાં તેમની અને શ્રી ઠાકુર વચ્ચે ભાવનું આદાનપ્રદાન થઈ રહ્યું હતું. ઠાકુર તેમને સહજતાથી છોડવા નહોતા માગતા અથવા મહારાજ પોતે ઠાકુરને મૂકીને આવી નહોતા શકતા. આ જ વાત હતી. મહારાજની વાત સાંભળીને હું તે દિવસે આશ્ચર્યચકિત થઈ ગયો હતો.’

શિલારોપણને સમયે એક બીજી અદ્‌ભુત ઘટના બની. શિલારોપણને સ્થળે સૌ પ્રથમ ગંગાજળ છાંટવામાં આવ્યું. ત્યાર પછી તે સ્થળે પુષ્પાંજલિ દેવા માટે વિજ્ઞાન મહારાજ હાથ લંબાવીને પુષ્પપાત્રમાંથી પુષ્પ લઈ રહ્યા હતા ત્યાં જ પાત્રમાંથી એક શ્વેત કમળ અને બીલીપત્ર આપોઆપ શિલારોપણ સ્થાન પર પડ્યાં. પછી વિજ્ઞાન મહારાજે પુષ્પાંજલિ આપી. વિધિ પૂર્ણ થયા બાદ વિજ્ઞાન મહારાજે કહ્યું, ‘સ્વામીજીએ મને આ મંદિરનો નકશો બનાવવા કહ્યું હતું. મેં પણ પેન્સિલથી કાગળ પર નકશો બનાવીને સ્વામીજીને દેખાડ્યો. તે જોઈને તેઓ ઘણા ખુશ થયા અને મંદિરનું સ્થાન ક્યાં હશે તે પણ આંગળીથી બતાવ્યું. મેં કહ્યું, સ્વામીજી, આપની હાજરીમાં જ મંદિરનું નિર્માણ થાય તો ઘણું સારું થશે.’ ત્યારે સ્વામીજીએ કહ્યું, ‘પેસન, હું ઉપરથી જોઈશ.’ એટલે આજે સ્વામીજી વાયુરૂપે આવીને પોતે પુષ્પાંજલિ આપી ગયા.’ પૂજનીય વિજ્ઞાન મહારાજનું પૂર્વાશ્રમનું નામ ‘હરિપ્રસન્ન’ હતું. સ્વામીજી વહાલથી એમને ‘પેસન’ કહીને બોલાવતા.

નિર્માણકાર્ય

મહાપુરુષ મહારાજ દ્વારા શિલારોપણ થયા બાદ એ સમયની સ્થાપત્ય અને ભવન નિર્માણ માટેની સુવિખ્યાત સંસ્થા ‘માર્ટિન બર્ન ઍન્ડ કંપની, કલકત્તા’ને મંદિરના નિર્માણનું કામ સોંપવામાં આવ્યું. સ્વામીજીએ મંજૂર કરેલ તથા સ્વામી વિજ્ઞાનાનંદજીએ તૈયાર કરેલ નકશામાં ત્રણ વિશેષતાઓ હતી – ગુંબજવાળું ગર્ભમંદિર, યુરોપના દેવળોની જેમ ગર્ભમંદિર સાથે સંલગ્ન નાટ્યમંદિર તથા મંદિરના વાસ્તુશિલ્પનું ગઠન ભારતીય શૈલીનું હતું. આ ત્રણેય વિશેષતાઓમાં કંઈ પણ પરિવર્તન કર્યા સિવાયનો એક નવો નક્શો તૈયાર કરવા માટે કંપનીને કહેવામાં આવ્યું જેથી મંદિર સ્થાપત્ય અને શિલ્પની દૃષ્ટિએ સુંદર અને વિશાળ હોય. કંપની તરફથી બે નકશા રજૂ કરવામાં આવ્યા, જેમાંથી શ્રી ગોપેશ કૃષ્ણ સરકાર અને શ્રી સુશીલબાબુ કૃત નકશા અનુસાર મંદિર નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી.

પરંતુ પ્રથમ શિલારોપણ વિધિ પછી છ વર્ષ સુધી મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત થઈ ન શકી. તેનું મુખ્ય કારણ હતું નાણાંનો અભાવ. એવામાં જ (૧૯૩૪) અચાનક પ્રૉવિડન્સ વેદાંત સૅન્ટર, અમેરિકાના અધ્યક્ષ સ્વામી અખિલાનંદજીની બે શિષ્યાઓએ મંદિર નિર્માણ માટે બહુ મોટી રકમ (લગભગ સાડા છ લાખ રૂપિયા) આપવાનું વચન આપ્યું. આ ભક્તિભાવવાળી શિષ્યાઓ હતી – કુ. હૅલન રૂબેલ (‘ભક્તિ’) અને શ્રીમતી અન્ના આર્સટર (‘અન્નપૂર્ણા’). આ મહાદાનને કારણે મંદિર નિર્માણની મોટી અડચણ દૂર થઈ ગઈ અને નિર્માણના કામની શરૂઆત થઈ. ઈ.સ. ૧૯૩૫માં શ્રી શ્રીમાના જન્મદિવસના શુભ પ્રસંગે સૌ પ્રથમ સાધુ બ્રહ્મચારીઓએ પાયા માટે ખોદકામ કરીને મંદિર નિર્માણના કામની શરૂઆત કરી. આ જ વર્ષમાં ૧૩મી માર્ચે શ્રીરામકૃષ્ણદેવના જન્મદિવસ નિમિત્તે વાર્ષિક ઉત્સવના દિવસથી માર્ટિન ઍન્ડ બર્ન કંપનીએ પોતાનું કામ શરૂ કર્યું. આ જ વર્ષે ૧૬મી જુલાઈએ વિજ્ઞાન મહારાજે ફરીથી શિલારોપણ કર્યું હતું. સૌની અને ખાસ કરીને વિજ્ઞાન મહારાજની હાર્દિક ઇચ્છા હતી કે મંદિરનું કામ ઝડપથી પૂરું થાય, પરંતુ જુદાં જુદાં કારણોને લીધે તેમ થઈ ન શક્યું. કામ પૂરું થવામાં લગભગ ચાર વર્ષ લાગી ગયાં. ઈ.સ. ૧૯૩૮ની ૧૪મી જાન્યુઆરીએ ગર્ભમંદિરનું કામ પૂરું થઈ ગયું તથા નાટ્યમંદિર અને બાકીનું જે થોડું કામ હતું તે પછી પૂરું કરવામાં આવ્યું. લગભગ ૩૩,૦૦૦ ચો. ફૂટના ક્ષેત્રફળ પર બનાવેલું આ મંદિર ચૂનાના પથ્થર, સફેદ સંગેમરમર, કાળા પથ્થર તથા લોખંડના સળિયાથી અને સીમેન્ટથી બાંધેલું છે. અંદાજ છ લાખ રૂપિયાનો હતો. પરંતુ પૂર્ણ થતાં ખરેખર ખર્ચ આઠ લાખ રૂપિયાનું થયું હતું.

મંદિર પ્રતિષ્ઠા

૧૪મી જાન્યુઆરી ૧૯૩૮નો દિવસ (શુક્રવાર મકર સંક્રાંતિ) રામકૃષ્ણ સંઘના ઇતિહાસમાં વિશેષ યાદગાર છે, કારણ કે તે દિવસે સ્વામી વિવેકાનંદજીનું એક મહાન સ્વપ્ન સાકાર થયું. સંઘના મુખ્ય કેન્દ્ર તથા રામકૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવી. ફક્ત રામકૃષ્ણ સંઘ નહી પરંતુ વિશ્વના ઇતિહાસમાં પણ આ દિવસનું વિશેષ મહત્ત્વ છે. સ્વામી વિવેકાનંદજીની એવી માન્યતા હતી કે સમગ્ર દુનિયાની સંસ્કૃતિના નવજાગરણમાં આ મંદિરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.

પ્રાતઃકાળે શોભાયાત્રા સાથે જૂના મંદિરમાંથી ‘આત્મારામનું પાત્ર’ (જેમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના પવિત્ર ભસ્માસ્થિ હતાં તેને સ્વામીજી ‘આત્મારામનું પાત્ર’ કહેતા હતા) લાવીને નવા મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું. મંદિર પ્રતિષ્ઠાનું આ શુભ કાર્ય સ્વામી વિજ્ઞાનાનંદજીએ સ્વહસ્તે કર્યું હતું. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના મહાધ્યક્ષપદે હતા. મંદિર પ્રતિષ્ઠાન કરવાના થોડા સમય પહેલાં વિજ્ઞાન મહારાજે કહ્યું : ‘મંદિરમાં ઠાકુરની પ્રતિષ્ઠા કરીને કહીશ -‘સ્વામીજી, આપના દ્વારા પ્રતિષ્ઠિત ઠાકુર આપની પરિકલ્પના પ્રમાણેના મંદિરમાં બિરાજે છે. આપે કહ્યું હતું – ‘હું ઉપરથી જોઈશ’ – એટલે જુઓ આજે ઠાકુર નવમંદિરમાં બિરાજમાન છે.’ હજુ એક વાત પણ ઠાકુરને કહીશ.’

મંદિર પ્રતિષ્ઠા પછી સેવકે સ્વામીજીને પૂછ્યું, ‘આપ કહેતા હતા – ‘ઠાકુર અને સ્વામીજીને કંઈક કહીશ.’ – એ આપે કહ્યું?’ મહારાજ બોલ્યા, ‘હા, મેં કહ્યું છે. સ્વામીજીને કહ્યું, – ‘સ્વામીજી, આપે કહ્યું હતું કે આપ ઉપરથી જોશો. હવે જુઓ. આપના દ્વારા પ્રતિષ્ઠિત ઠાકુર આપની પરિકલ્પનાવાળા મંદિરમાં બિરાજ્યા છે.’ એ સમયે મેં સ્પષ્ટ રીતે જોયું. – સ્વામીજી, રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદ), મહાપુરુષ મહારાજ, શરત્‌ મહારાજ (સ્વામી શારદાનંદ), હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ), ગંગાધર મહારાજ (સ્વામી અખંડાનંદ) આદિ ઊભા ઊભા જોઈ રહ્યા છે.’ (દક્ષિણ – પશ્ચિમ દિશા તરફ મહારાજે આંગળીથી નિર્દેશ કર્યો).

તે દિવસે વિજ્ઞાન મહારાજે વધુમાં કહ્યું હતું, ‘હવે મારું કાર્ય પૂર્ણ થયું છે. સ્વામીજીએ મને જે જવાબદારી સોંપી હતી તે આજે મારે હાથે પૂર્ણ થઈ છે. …. સ્વામીજીએ કહ્યું હતું – ‘પેસન તારે જ મંદિરનું કામ કરવું પડશે.’ આજે સ્વામીજીની ઇચ્છાથી આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ છે. સૂક્ષ્મદેહે આ મંદિરને જોઈને સ્વામીજી ખૂબ પ્રસન્ન થયા છે. મારું કાર્ય પણ પૂર્ણ થઈ ગયું.’

અહીં એક વાત ધ્યાન દેવા યોગ્ય છે. સ્વામીજીએ વિજ્ઞાનાનંદજીને કહ્યું હતું, ‘તમારે જ આ મંદિરનું કામ કરવું પડશે.’ હકીકતે મંદિરની પરિકલ્પનાથી લઈને મંદિરની પ્રતિષ્ઠા સુધીનાં ૪૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી મંદિર અંગેની દરેક મહત્ત્વપૂર્ણ ઘટના સાથે તેઓ જોડાયેલા હતા. ભાવિ મંદિરની પરિકલ્પના અંગે સ્વામીજીએ તેમની સાથે જ ચર્ચા કરી હતી તથા તેમની પાસે જ મંદિરનો નક્શો કરાવ્યો હતો. સૌ પ્રથમ મહાપુરુષ મહારાજે શિલારોપણ કર્યું પરંતુ ખરેખરું શિલારોપણ તો પાછળથી વિજ્ઞાન મહારાજે જ કર્યું. સ્વામી અખંડાનંદજી મહારાજ એ સમયે સંઘના અધ્યક્ષ હતા. નિયમાનુસાર શિલારોપણ તેમણે જ કરવાનું હોય. પરંતુ આ કામ સ્વામી વિજ્ઞાનાનંદજીએ કરવું પડ્યું. છેવટે મંદિર પ્રતિષ્ઠા પણ તેમના હસ્તે જ થઈ. આશ્ચર્યની વાત તો એ છે કે મંદિર પ્રતિષ્ઠા પછી થોડા દિવસોમાં (૨૫ એપ્રિલ ૧૯૩૮) તેઓ મહાસમાધિમાં લીન થઈ ગયા. જાણે કે મંદિર પ્રતિષ્ઠા માટે જ એમણે પોતાનો દેહ ટકાવી રાખ્યો હોય.

મંદિર પ્રતિષ્ઠાને દિવસે મઠ એક મહા ઉત્સવના ધામમાં ફેરવાઈ ગયો હતો. દિવસ આખો સંકીર્તન ભજન અને માતૃ સંગીતથી મઠભૂમિ ગુંજી ઊઠી હતી. અવિરત પૂજા, પાઠ અને હોમાદિને કારણે સૃષ્ટિ એક નવા વાતાવરણમાં ફેરવાઈ ગઈ હતી. તે દિવસે લગભગ એક લાખ લોકોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો જેમાંથી લગભગ બાર હજાર માણસોએ તો સાથે બેસીને પ્રસાદ લીધો હતો. સંઘનાં જુદાં જુદાં કેન્દ્રોમાંથી લગભગ બસો સાધુ-બ્રહ્મચારીઓ તથા દેશના જુદા જુદા ભાગોમાંથી અનેક ભક્તો આવ્યા હતા. અમેરિકાથી સ્વામી અખિલાનંદ તથા તેમની બંને દાતા શિષ્યાઓ – કુ. હૅલન રૂબેલ તથા શ્રીમતી અન્ના ઓર્સટર આવ્યાં હતાં.

આ રીતે પૂર્વ તથા પશ્ચિમની સંસ્કૃતિ અને ધર્મભાવની મિલનભૂમિ શ્રીરામકૃષ્ણ મંદિરની પ્રતિષ્ઠા થઈ ગઈ અને તેની અંદર ‘બહુજન હિતાય બહુજન સુખાય’ ચિરકાળ માટે ભગવાન શ્રીરામકૃષ્ણદેવ બિરાજમાન થયા.

મંદિર દર્શન

ભગવાન શ્રીરામકૃષ્ણ સમન્વયમૂર્તિ હતા. વિભિન્ન ભાવો અને ધર્મોનો તેમણે પોતાના જીવન અને ઉપદેશના માધ્યમથી અપૂર્વ સમન્વય કર્યો હતો. સ્વામી વિવેકાનંદજીએ તેમના આ સમન્વય ભાવનો સંસારભરમાં ફેલાવો કર્યો તથા તેમના આ ભાવને શ્રીરામકૃષ્ણ મંદિરમાં પણ તેઓ પ્રસ્ફૂટિત કરવા માગતા હતા. તેમની ઇચ્છા એવી હતી કે આ મંદિર ફક્ત ધર્મભાવ નહીં પરંતુ શિલ્પ સંસ્કૃતિઓની પણ સમન્વયભૂમિ બને. એટલે તેમની એવી ઇચ્છા હતી કે આ મંદિરમાં ભારતની જુદી જુદી શિલ્પશૈલીઓનો એકસાથે સમાવેશ થાય, સાથે સાથે પાશ્ચાત્ય શૈલીનું પણ અનુકરણ થાય જેથી પૂર્વ અને પશ્ચિમના સ્થાપત્યોનું મિલન થતાં એક અપૂર્વ નવીન શિલ્પકર્મનું નિર્માણ થાય. સ્વામી વિજ્ઞાનાનંદજી દ્વારા પ્રતિષ્ઠિત બેલુર મઠના શ્રીરામકૃષ્ણ મંદિરમાં સ્વામીજીની આ કલ્પનાઓને યથાસંભવ મૂર્ત રૂપ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવો, આ અનુપમ મંદિરનું આપણે પુણ્યદર્શન કરીએ.

મંદિરના મુખ્ય ત્રણ ભાગ છે. – ગર્ભમંદિર, નાટ્યમંદિર (પ્રાર્થનાગૃહ) તથા ગોપુરમ્ (પ્રવેશદ્વાર). નાટ્યમંદિર એક તરફ ગર્ભમંદિર તથા બીજી તરફ ગોપુરમથી જોડાયેલું છે. સાધારણ રીતે હિન્દુ મંદિરોમાં ગર્ભમંદિર તથા નાટ્યમંદિર એક સાથે જોડાયેલાં નથી હોતાં. પરંતુ અહીં દેવળની જેમ બંને એક સાથે જોડાયેલાં છે. દક્ષિણ ભારતના મંદિરોમાં ગોપુરમ્ હોય છે. પરંતુ તે ગર્ભમંદિરથી દૂર હોય છે. મંદિરનો મૂળ આયોજિત નક્શો જોતાં તે ખ્રિસ્તીઓના ક્રૉસના આકાર જેવો લાગે છે. સમગ્ર મંદિરની લંબાઈ ૨૩૫ ફૂટ; પહોળાઈ ૧૪૦ ફૂટ તથા મહત્તમ ઊંચાઈ ૧૧૨ ફૂટ છે.

ગોપુરમ્

મંદિરના દક્ષિણ ભાગમાં નાટ્યમંદિર સાથે જોડાયેલ ૭૮ ફૂટ ઊંચું ગોપુરમ્ છે. તેના પ્રવેશદ્વારની બન્ને બાજુ યુગ્મતંભ છે. સ્તંભોની ઉપર એક મોટી કમાન છે જેની મધ્યમાં શ્રીરામકૃષ્ણ સંઘનું પ્રતીક – ચિહ્ન બનાવેલું છે. આ બૃહદાકાર પ્રતીક મંદિરમાં દાખલ થનાર દરેક દર્શનાર્થીનું ધ્યાન સૌ પ્રથમ આકર્ષિત કરે છે. સ્વામીજીએ કલ્પેલું આ પ્રતીક ફક્ત કર્મ, જ્ઞાન, ભક્તિ અને સમન્વયનું સૂચન નથી કરતું પરંતુ પૂર્વ અને પશ્ચિમ, ધર્મ અને વિજ્ઞાન, આ લોક અને પરલોકના સંયોગનું પણ સૂચન કરે છે. આ સમન્વય અને સંયોગનો સાકાર પ્રકાશ શ્રીરામકૃષ્ણદેવ છે. એટલે આ પ્રતીક શ્રીરામકૃષ્ણ દર્શનનું ચિત્ર – સૂત્ર બની જાય છે. એ પ્રતીક જડેલ પ્રવેશદ્વારનું અતિક્રમણ કરીને આપણે જે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ તે સ્વામીજીના શ્રીરામકૃષ્ણ દર્શનના સાહિત્યિક સ્થાપત્યનું ભાષ્ય છે. કમાનની બંન્ને બાજુએ પૂર્ણાકૃતિ હાથીની મૂર્તિઓ કોતરેલી છે. હાથીએ પોતાની સૂંઢના અગ્રભાગથી કમળનાં ફૂલ પકડેલાં છે. હિન્દુ પ્રણાલી મુજબ હાથી અને કમળનું ફૂલ, બંને મંગલસૂચક છે. મંદિરમાં બીજી જગ્યાએ પણ હાથીનું મોઢું અને કમળનાં ફૂલ કોતરેલાં છે. ગોપુરમ્‌ની નિર્માણ શૈલીમાં અજંતા અને સાંચીનો જેવો પ્રભાવ છે તેવો જ પશ્ચિમ ભારતની વિખ્યાત બૌદ્ધ ગુફાઓના સંમુખી ભાગના સ્થાપત્યનો પ્રભાવ છે. પ્રવેશદ્વારના બંને બાજુના યુગ્મસ્તંભો તથા તેના ઉપરના ભાગની સાથે સાંચીના વિખ્યાત તોરણની સદૃશ્યતા નજરે પડે છે. પ્રવેશદ્વારની ઉપરના ગોળકાર અંશ અજંતા અને ઈલોરાની શૈલી પર આધારિત છે. ગોપુરમ્‌ના ટોચ ભાગ પર ત્રણ છત્રીઓ તથા ચાર ખૂણે ચાર ઘુમ્મટ છે. છત્રીઓ રાજપૂત મોગલ શૈલી મુજબ બનાવી છે પરંતુ આકારથી તે બંગાળનાં ગામડાંનાં છાપરાંની યાદ અપાવે છે. બંગાળના મંદિરોનો ભાવ પણ તેમાં સ્પષ્ટ દેખાય છે. ગોપુરમ્‌ની બારીઓ તથા તેના ખુલ્લા વરંડાની સ્થાપત્યમાં રાજપૂત – મૌગલ શૈલીનું સંમિશ્રણ દેખાય છે. વળી ભારતીય અરબી શૈલીનો પણ પ્રભાવ દેખાય છે.

નાટ્યમંદિર

ગર્ભમંદિર સાથે જોડાયેલ ૧૫૨ ફૂટ લાંબું, ૭૨ ફૂટ પહોળું અને ૪૮ ફૂટ મંદિર ઊંચું નાટ્યમંદિર છે. તેમાં પ્રવેશ કરતાંની સાથે જ તેની વિશાળતા અને સૌંદર્ય દરેક વ્યક્તિને આશ્ચર્યચકિત કરી દે છે. નાટ્યમંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. મધ્યનો વિશાળ ભાગ અને બાજુના બન્ને સાંકડા વિભાગો. મધ્યવર્તી ભાગની બન્ને બાજુએ વિશાળ સ્તંભોની હારમાળા છે. આ સ્તંભો પર જેટલો ગ્રીસનો પ્રભાવ છે તેટલો જ કાર્લાની વિખ્યાત પ્રાચીન બૌદ્ધ ગુફાઓનો પણ છે. વળી દક્ષિણ ભારતનાં હિન્દુ મંદિરોમાં (જેમ કે મદુરાઈનું મિનાક્ષી મંદિર) સ્તંભોની હારમાળા છે તે પ્રકારના સ્થાપત્યનો પ્રભાવ પણ અહીં જોવા મળે છે. નાટ્યમંદિરની છત અંદરથી હાથીની પીઠની જેમ ધનુષાકાર દેખાય છે. આ પણ કાર્લાની બૌદ્ધ ગુફાઓના અંદરના ભાગની યાદ અપાવે છે. નાટ્યમંદિરની અંદરના ઉપરના ભાગમાં ચારે તરફ ખુલ્લા વરંડા છે. આ વરંડા અને નાટ્ય મંદિરની બારીઓ પર ઉત્તર ભારતીય – ખાસ કરીને રાજપૂત અને મોગલ શૈલી તથા ભારતીય અરબી શૈલીનો પ્રભાવ સ્પષ્ટ જણાય છે. શ્રીરામકૃષ્ણદેવના લીલાપાર્ષદો તથા અન્ય ધર્માચાર્યોની પ્રતિમા રાખવા માટે દિવાલોમાં મોટા મોટા ગોખલા બનાવેલા છે. નાટ્યમંદિરની મધ્યમાં પૂર્વ તથા પશ્ચિમ દિશા તરફ બીજા બે પ્રવેશદ્વાર છે જેના પર ક્રમશઃ ગણેશજી અને હનુમાનજીની મૂર્તિઓ બેસાડેલી છે આ પ્રવેશદ્વારો રાજસ્થાની શૈલીથી બનાવેલ છે. નાટ્યમંદિરમાં લગભગ એક હજાર માણસોની બેસવાની વ્યવસ્થા છે.

ગર્ભ મંદિર

પ્રાચીન હિન્દુ મંદિરોમાં ગર્ભગૃહ એકદમ સાંકડાં અને અંધારિયાં હોય છે. પરંતુ અહીંનું ગર્ભગૃહ વિશાળ અને ખુલ્લું છે જેથી પર્યાપ્ત હવા-પ્રકાશ આવી શકે. ગર્ભમંદિરોના ઉપરના ભાગમાં મોટી જાળીઓ બનાવવામાં આવી છે. મોરે કળા કરી હોય તેવી આકૃતિની જાળીઓ છે, જેથી તે ઘણું સુંદર લાગે છે. આ જાળીઓમાં રાજપૂત અને મોગલ શૈલીનો પ્રભાવ છે. ગર્ભમંદિરની ચારે તરફ પરિક્રમા માટેનો પહોળો વરંડા છે. તેની સાથે ત્રણ બાજુ ગોળાકાર વરંડા જોડાયેલા છે, જેના પર કલકત્તા વિક્ટોરિયા મેમોરિયલના આ આકારના વરંડા જેવા આધુનિક ભારતીય યુરોપીય વાસ્તુશિલ્પ જેવા ભાવ છે. સાથે સાથે બૌદ્ધ ચૈત્ય તથા દેવળનો પણ પ્રભાવ દેખાય છે. પરિક્રમા માર્ગનો આ ભાગ હોવાને કારણે તે શ્રીમંદિરની શોભા વધારે છે. ખંડ ગોળાકાર વરંડાની બહારની દિવાલો પરની જાળીઓની વચ્ચે પ્રખ્યાત શિલ્પાચાર્ય નંદલાલ બસુ દ્વારા ચિત્રિત નવગ્રહની મૂર્તિઓ છે. ઓરિસ્સાના ભુવનેશ્વર, કોણાર્ક વગેરે મંદિરોમાં નવગ્રહની મૂર્તિઓ જોવા મળે છે. ગર્ભમંદિરમાં કુલ નવ ઘુમ્મટ છે. એટલે આ મંદિરને નવરત્ન મંદિર પણ કહે છે. દક્ષિણેશ્વરનું કાલીમંદિર પણ નવરત્ન મંદિર છે. મુખ્ય ઘુમ્મટની ચારે તરફ ચાર ઘુમ્મટો છે. મુખ્ય ઘુમ્મટ અને તેની નજીકના ચાર ઘુમ્મટો વચ્ચેની જગ્યા છત્રીથી પૂર્ણ કરવામાં આવી છે. આ છત્રીઓનું નિર્માણ રાજપૂત શૈલી મુજબનું છે. વધારામાં તેને બંગાળના કામારપુકુરમાં આવેલ શ્રીરામકૃષ્ણના પૈતૃકઘરનો આકાર આપવામાં આવ્યો છે. ઘુમ્મટો અને છત્રીઓનો જે સંયોગ છે તે જોતાં તેના પર રજપૂતાના અને ગુજરાતનાં જૈન મંદિરોનો પ્રભાવ દેખાય છે. નાના ઘુમ્મટોના કોરનિસની નીચે બ્રૅકૅટ ક૨વાથી સૌંદર્યમાં વૃદ્ધિ થાય છે. રજપૂતાના – બનારસ વગેરે સ્થાનોનાં સ્થાપત્યોમાં આવું જોવા મળે છે. મુખ્ય ઘુમ્મટની અડોઅડ આવેલ ઘુમ્મટોના આધારે પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર દિશામાં બબ્બે જગ્યાઓ બનાવી છે જેના ઉપર છ ઋતુઓની શાસ્ત્રીય મૂર્તિઓ મૂકવાની વ્યવસ્થા છે. મૂળમાં ઘુમ્મટ ઈસ્લામી સ્થાપત્યનું અંગ છે. મસ્જિદોનો સૌથી અગ્ર ભાગ ધુમ્મટથી શોભાયમાન હોય છે. પરંતુ તે ઘુમ્મટો પૂર્ણ ગોળાકાર હોતા નથી. ઘુમ્મટ સ્થાપત્યના ક્ષેત્રે રજપૂતાનામાં જે વિકાસ થયો છે તેનો પ્રભાવ પણ શ્રીરામકૃષ્ણ મંદિર ઉપર છે. પરંતુ રજપૂતાનાના ઘુમ્મટોની જેમ આ મંદિરના ઘુમ્મટોને સમતોલ ન બનાવતાં તેમને ગોળાકાર કે નળાકાર બનાવવામાં આવેલ છે. દક્ષિણ ભારતના મંદિરોમાં આ જાતનું શિલ્પ જોવા મળે છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરનો પ્રભાવ પણ શ્રીરામકૃષ્ણ મંદિરનાં ઘુમ્મટોની બનાવટમાં જોવા મળે છે. ઘુમ્મટની ટોચે એક પહાપદ્મ અને તેના ઉપર એક લઘુપદ્મ બનાવેલ છે. સૌથી ઉપર તાબાંનો કળશ બેસાડેલો છે. મુખ્ય ઘુમ્મટની ટોચે તાંબાના કળશની નીચે પ્રકાશબત્તીની વ્યવસ્થા છે. રાત્રે આ પ્રકાશબત્તી આકાશમાં ઉગેલા ચંદ્રમા જેવી લાગે છે. ખૂબ દૂરથી તેનો પ્રકાશ રાત્રે જોઈ શકાય છે. ફક્ત ઉત્સવના દિવસોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.

વેદી

ગર્ભમંદિરમાં સંગેમરમરના પથ્થરની ડમરુ આકારની વેદી બનાવવામાં આવી છે. શિલ્પાચાર્ય નંદલાલ બસુની સૂચનાનુસાર તે બનાવવામાં આવી છે. ભગવાન શિવનો ડમરુ સાથેનો સંબંધ પુરાણ પ્રસિદ્ધ છે. કામારપુકુરમાં યોગીઓના શિવમંદિરના લિંગદેહમાંથી નીકળેલી જ્યોતિ ચંદ્રામણિદેવીમાં પ્રવેશી અને શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયો છે. એટલે ‘ડમરુ આકારની’ વેદી તેમની શિવ સત્તાનું પ્રતીક છે. વેદીની ત્રણ તરફ બ્રાહ્મી હંસ તૈયાર કરેલા છે. આ બ્રાહ્મી હંસ પરમાત્માના પ્રતીક છે. વેદી ઉપર જેનું ચિત્રણ થયું છે, તે જ પરમાત્મા છે જે માનવદેહે મૃત્યુલોકમાં આવિર્ભૂત થયા છે. વેદીની નીચે ભસ્માસ્થિ સુરક્ષિત છે. વેદીની ઉપર એક વિશાળ પદ્મ બનાવ્યું છે, જેના ઉપર શ્રી રામકૃષ્ણદેવની મનોહારી મૂર્તિ સુશોભિત થયેલ છે. ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં પદ્મ ધારણ કરેલ છે. બનવા જોગ છે કે શ્રી રામકૃષ્ણરૂપી વિષ્ણુના આવિર્ભાવની યાદ અપાવવા માટે શ્રી ઠાકુરની મૂર્તિ પદ્મ પર સ્થાપિત કરવામાં આવી હોય. પ્રખ્યાત શિલાકાર ભાસ્કર ગોપેશ્વર પાલે આ મૂર્તિનું ઈટાલિયન સંગેમરમરમાંથી નિર્માણ કર્યું છે. શ્રીરામકૃષ્ણ પોતે સીધા સાદા હતા તેથી મૂર્તિની ઉપર મંડપ અને ભપકા વગરનો પડદો બનાવવામાં આવ્યો છે. મંડપના આગળના ભાગમાં ૐકાર છે. ગર્ભમંદિરની દિવાલોમાં અનેક ગોખલા છે. તેમાંથી એકમાં શ્રી શ્રીમાની ચરણરજ અને બીજામાં બાણલિંગ શિવ રાખવામાં આવ્યાં છે. શ્રીરામકૃષ્ણ જે વસ્તુઓનો ઉપયોગ કરતા હતા તે અને તેમના ત્યાગી સંતાનોનાં ભસ્માસ્થિઓ ગર્ભમંદિરના ઉપરના બીજે મજલે એક ઓરડામાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. ઘણાખરા ભારતીય મંદિરોમાં શયનશય્યા ગર્ભમંદિરમાં જ હોય પરંતુ અહીં શયનગૃહ ઉપર ત્રીજા માળે છે.

મંદિરમાં જુદી જુદી શિલ્પ શૈલીઓનો સમાવેશ કરતી વખતે કોઈ પણ સ્થાપત્યનું પૂરેપૂરું અનુકરણ કરવામાં નથી આવ્યું. તેમાંથી જોઈએ તેટલું લઈને બાકીનું મૂકી દેવામાં આવ્યું છે. સાથે સાથે તેમાં નવો ભાવ ઉમેરવામાં આવ્યો છે. એના પરિણામે એવું નથી લાગતું કે અહીં જુદી જુદી શિલ્પ શૈલીઓનું સંમિશ્રણ થયું છે. પરંતુ બધાને આત્મસાત્ કરીને એક અદ્વિતીય અને અભિનવ સ્થાપત્યનો પ્રાદુર્ભાવ થયો છે, જેને લીધે વર્તમાનયુગના મંદિરોના સ્થાપત્યમાં એક યુગ પરિવર્તન અને શિલ્પ નવજાગરણની એક નવી દિશા ઉઘડી છે.

સ્વામી વિવેકાનંદજીના મત પ્રમાણે વર્તમાન યુગનું ધર્મ કેન્દ્ર બેલુર મઠ અને શ્રીરામકૃષ્ણ મંદિર હશે; આ મંદિર મહાસંયોગનું જન્મસ્થાન અને મહાસમન્વયની સંસ્થા હશે. સ્વામીજીએ ક્યું હતું, ‘જે મઠ આપણે અહીં બનાવીએ છીએ તેમાં બધા મતો અને ભાવોનું સામંજસ્ય હશે. શ્રી ગુરુદેવનો જે ઉદાર મત હતો તેનું જ આ કેન્દ્ર બનશે. વિશ્વ સમન્વયનું જે કિરણ અહીંથી પ્રકાશિત થશે તેના દ્વારા સમગ્ર જગત ઉજ્વલિત થઈ જશે’. તેમણે એમ પણ કહ્યું હતું, ‘અહીંથી જે શક્તિ ઉત્પન્ન થશે તે સમગ્ર પૃથ્વી પર ફેલાઈ જશે અને તે મનુષ્ય – જીવનની ગતિને પરિવર્તિત કરી દેશે. જ્ઞાન, ભક્તિ, યોગ, કર્મના સમન્વય રૂપ માનવને માટે લાભકારી આદર્શ અહીંથી ફેલાવો પામશે. આ મઠની વ્યક્તિઓના ઈશારા માત્રથી એક દિવસ ચારે દિશાઓમાં પ્રાણનો સંચાર થશે.’

ભાવિ દ્રષ્ટા ઋષિ સ્વામી વિવેકાનંદની ઉપર્યુક્ત ભવિષ્યવાણી આજ અક્ષરશઃ સત્ય સાબિત થઈ છે. ભગવાન શ્રીરામકૃષ્ણના લીલાપાર્ષદ સ્વામી પ્રેમાનંદજી મંદિર પાસે ઊભા હતા. તેમણે જોયું કે એ સમયે વૈશાખમાં કાળ આવ્યો હોય એ રીતે જોરથી આંધી તોફાન અને વરસાદ આવ્યાં. વીજળી પણ ચમકારા મારતી હતી. વરસાદ એટલો પૂરજોશમાં હતો કે બાજુમાં ઊભેલી વ્યક્તિ પણ દેખાતી નહોતી. થોડા સમય પછી વરસાદ રોકાઈ જતાં તેમણે જોયું કે જૂના શ્રીરામકૃષ્ણ મંદિરમાંથી એક જ્યોતિ નીકળી અને તેણે જગતને સંપૂર્ણ રીતે પ્રકાશિત કરી દીધું. જ્યારે સમગ્ર જગતમાં અધર્મનાં કાળાં વાદળો છવાઈ ગયાં હતાં, ભૌતિકવાદની આંજી નાખે તેવી અસરમાં લોકો આત્મ વિસ્તૃત થઈ ગયા હતા, ત્યારે શ્રીરામકૃષ્ણ રૂપી મહાજ્યોતિએ આ અધર્મરૂપી કાળા વાદળોને દૂર કર્યાં અને માનવજાતિમાં આત્મ ચેતનાની જ્યોતિ પ્રગટાવી. આજે પણ તે મહાજ્યોતિ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ – ભાવધારારૂપે ચારે દિશાઓમાં પ્રાણોનો સંચાર, સમસ્ત પ્રાણી જગતમાં આશાનો સંચાર અને આત્મવિસ્મૃતોમાં આત્મચેતનાનો સંચાર કરી રહી છે. તેનું કેન્દ્ર છે બેલુર મઠનું શ્રીરામકૃષ્ણ મંદિર.

ભાષાંતર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા

(‘વિવેક શિખા’ ડિસે. ૮૮માંથી સાભાર)

Total Views: 154

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.