જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર અભિશાપ છે? શું લાગણીઓની અભિવ્યક્તિ એ સંવેદનશીલતાનો પુરાવો છે? સંવેદનશીલતા જાળવી રાખીને લાગણીશીલતાને કારણે ઉદ્ભવતા સંતાપથી કેવી રીતે બચી શકાય? આ મનુષ્યમાત્રના પ્રશ્નો છે. બહેનો તેમના માનસના બંધારણને લઈને વધુ લાગણીશીલ જોવા મળે છે અને વધુ હેરાન થતી હોય, વધુ પીડાતી હોય તેમ પણ જોવા મળે છે. ક્યારેક તો બહેનોની લાગણીપ્રધાન પ્રકૃતિને કા૨ણે તેમનું શોષણ પણ થતું જોવા મળે છે. આપણે તેને ‘ઈમોશનલ બ્લેકમેઈલિંગ’, ‘Emotional blackmailing’ તરીકે પણ ઓળખીએ છીએ. ફક્ત બહેનો જ આનો ભોગ બનતી હોય છે તેવું પણ નથી. સ્ત્રીઓ પણ જાણે-અજાણે પોતાની સાથે લાગણીથી જોડાયેલી વ્યક્તિઓનો ફાયદો ઉઠાવતી હોય તેમ બનવું ખૂબ સામાન્ય છે.

લાગણીશીલતાને કારણે ખૂબ હેરાન થતી વ્યક્તિઓને પોતાની લાગણીશીલતા પ્રત્યે તિરસ્કાર થઈ જાય તે ખૂબ સ્વાભાવિક છે. “મારો સ્વભાવ આટલો લાગણીશીલ ન હોત ને મારે આટલું હેરાન ન થવું પડત “તેવું થતું હોય તો સૌથી પહેલાં એટલું સમજવું અને હૃદયપૂર્વક સ્વીકારવું આવશ્યક છે કે લાગણી એ મનુષ્યમાત્રના જીવનની વાસ્તવિકતા છે. જેમ શરીરના ઘણા રોગો પાછળ લોહીનો બગાડ કારણભૂત હોય છે, પણ તેથી રક્તથી છુટકારો પામવાનો વિચાર કરવો નિરર્થક છે. બરાબર તે જ રીતે લાગણીશીલતાથી દુઃખ પહોંચે તેમાં દોષ લાગણીનો નહીં, પણ લાગણીને સમજ્યા વિના જીવ્યે જવાની આપણી શૈલીનો છે. લાગણી તો ઇશ્વરે મનુષ્યને આપેલી “કાચી ધાતુ” છે! જેમ કાચી ધાતુને શુદ્ધ કરી તેને ઘાટ આપ્યા પછી જ તેનો યથોચિત ઉપયોગ થઈ શકે, તેવું જ લાગણીનું છે. લાગણી તો અંતરના વિશ્વનું જાણે ‘જળ’ છે! પાણી વિના શરીર ન ટકે; પાણીની મહત્તાને કારણે આપણે નદીને માતા કહી, તેમાં આપણા અસ્તિત્વને ટકાવવા જળની જરૂરિયાતનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર છે. નદીના ધસમસતા જળ ખાનાખરાબી કરી શકે અને તને નાથીએ તો તે વિશ્વને પ્રકાશમાન કરી શકે! લાગણી સાથે ઝઘડો ન હોય, ફરિયાદ ન હોય. તેને ઓળખી, સમજી જીવન જીવતાં શીખવાનું છે. આ પ્રથમ સમાધાન છે.

લાગણી એ ઊંડો કૂવો છે

જીવન જો મહાસાગર સમું અમાપ, અસીમ હોય તો તેની સાપેક્ષતામાં તે લાગણીશીલતાનું સ્થાન ઊંડા કૂવા જેવું છે. કૂવાની ઉપમા સંકુચિતતા દર્શાવવા અને ‘ઊંડાણ’ લાગણીઓની સંકુલતા દર્શાવવા (Complexity) માટે આપવામાં આવી છે. સંકુલ બાબતો ફક્ત ઉપમાથી સમજી શકાતી નથી, તેથી આપણે આ બાબતને વધુ વૈજ્ઞાનિક રીતે સમજવા પ્રયત્ન કરીએ.

નવજાત શિશુનું સહેજ નિરીક્ષણ કરીએ તો આપણને સમજાય કે તે વિચારશક્તિ ધરાવતું નથી. તેની બુદ્ધિ અવિકસિત છે. પરંતુ તે લાગણીઓ જરૂર ધરાવે છે, તેને સહેજ પ્રતિકૂળતાનો અનુભવ થાય તો તરત રડે છે. થોડા જ હપ્તાઓમાં તો આ બાળક તેના તરફ કરવામાં આવેલી અમુક ચેષ્ટાઓની પ્રતિક્રિયારૂપે ખુશ થતું, ખિલખિલાટ હસતું જોઈ શકાય છે ને! નિર્દોષતા અને અબુધતા બાળકના મનનાં લક્ષણો છે. જેની બુદ્ધિ વિકસિત નથી તે કપટ નથી કરી શકતું. આથી બાળકની નિષ્કપટતા તેનું (બાલિશ મનનું) લક્ષણ કહેવાય, સદ્‌ગુણ ન કહેવાય તે સમજી શકાશે. બુદ્ધિ લગભગ અવિકસિત હોવાને કારણે જ તેની લાગણીઓ સીધી રીતે અનુકૂળતા-પ્રતિકૂળતા સાથે જોડાયેલી હોય છે. હસવું કે રડવું બાળકના તાબામાં તો નથી જ હોતું; પણ તેનાથી બાળક સભાન પણ નથી હોતું. બાળકના મનની અવસ્થા સંપૂર્ણપણે અન્ય મનુષ્યો (તેના માબાપ વગેરે) પર અવલંબિત હોય છે. તે કોઈ પસંદગી કરી શકવા સ્વતંત્ર નથી હોતું.

આપણે પુખ્ત વયની વ્યક્તિઓ ‘લાગણીશીલ’ છીએ, તેમ કહેતા હોઈએ છીએ ને! પણ તમે જોશો કે દરેક બાળક પ્રાકૃતિક રીતે જ લાગણીશીલ હોય છે. તેના બંધારણ, તેના ચારિત્ર્યમાં ‘લાગણી’ જ પ્રધાન છે. ન તેની પાસે બુદ્ધિશક્તિ છે, ન પોતાના વિશે ભાન છે! ઘણા મનુષ્યો શરીરથી પુખ્ત થતાં સુધીમાં બુદ્ધિથી વિકસિત બને છે. પણ તેઓ ‘લાગણી’થી વિકસતા નથી અને તેમને સ્વ-ભાન હોતું નથી તેથી તેમને આપણે ‘લાગણીશીલ’ કે ‘લાગણીપ્રધાન’ મનુષ્યો તરીકે ઓળખીએ છીએ, તેઓને ખૂબ જલદી માઠું લાગે છે; તેઓ ક્ષુલ્લક બાબતોમાં નારાજ થઈ જતા હોય છે; તેમનું હૃદય નાનકડી બાબતોમાં ઠેસ પામતું હોય છે. પોતાની ઇચ્છાઓની પૂર્તિ ન થતાં અથવા અન્ય કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા તેમની અંદરની લાગણીઓમાં વિક્ષોભ જન્માવે છે અને તેઓ દુઃખ અનુભવે છે. આવા મનુષ્યોને આપણે “મૂડી” (Moody) કહીએ છીએ ને!

ટૂંકમાં લાગણી એ આપણી પોતાની અનુકૂળતા – પ્રતિકૂળતા, ગમા-અણગમાની વાસ્તવિકતા સૂચવતી કુદરતની વ્યવસ્થા છે. તેમને વધુ સ્પષ્ટ રીતે સમજવા આપણે તેમને સુખ-દુઃખ, હર્ષ-શોક વગેરે જેવાં નામ આપતાં હોઈએ છીએ. મૂળભૂત રીતે તો બધી જ લાગણીઓને માત્ર બે વિભાગમાં વહેંચી શકાય (૧) અનુકૂળતાથી જન્મતી હકારાત્મક લાગણીઓ, અને (૨) પ્રતિકૂળતાથી જન્મતી નકારાત્મક લાગણીઓ.

જન્મથી મૃત્યુ સુધી મનુષ્યના અંતરમાં આ લાગણીઓ કદીક શાંત સરોવરમાં હવાની લહેરખી માત્રથી ઊઠતાં તરંગોની જેમ, તો ક્યારેક મહાસાગરમાં હિલોળા લેતાં મોજાંઓની જેમ ઊઠતી–શમતી રહે છે.

લાગણીઓને ઘાટ કેમ આપવો

બાળકોની ઉંમર કેટલી હોઈ શકે?

તમને પ્રશ્ન વિચિત્ર લાગ્યો ને! પણ પ્રશ્ન પૂછવામાં ખરે જ કોઈ ભૂલ નથી. કેટલી ઉંમર સુધી મનુષ્યોને બાળક ગણાય તે પ્રશ્ન નિરર્થક છે. આપણે શ૨ી૨ની ભૂમિકાથી ઉપર ઊઠી માનસિક ભૂમિકાએ વાત જ નથી કરી શકતા અઢાર વર્ષના થઈએ એટલે પુખ્તતા આપમેળે મળે તે સાચું પણ તે શારીરિક પુખ્તતા જ ને! આપણે એવું ધારી લઈએ કે શારીરિક પુખ્તતા સાથે માનસિક પુખ્તતા આવે જ, તેટલે એવું થઈ જ જશે? જરાક નીચેનાં ઉદાહરણોને તપાસશો?

૧. નવજાત શિશુને હાથમાં લેતાં તેને સહેજ તકલીફ પડતાં તે રડી ઊઠે છે.

૨. ચાલતાં શીખી રહેલું બાળક પડી જાય છે તો તરત રડે છે. તેની સાથે મોટા સાદે વાત કરીએ તો પણ હેબતાઈ, ગભરાઈ હિબકે ચઢી જાય છે.

૩. ત્રણ-ચાર વર્ષનું બાળક તેનું રમકડું લઈ લેવાય કે તેને મનભાવતી ચીજ (ચૉકલેટ!) ન મળે તો ખૂબ દુઃખ અનુભવે છે અને રડે છે.

૪. શાળાએ જતું બાળક રમતિયાળ હોય છે. તેને રમવું હોય અને અભ્યાસ માટે બેસાડીએ તો તે રડે, રમવા જવા જિદ કરે તેવું બનતું હોય છે.

૫. મુગ્ધાવસ્થામાં પ્રવેશેલ કિશોર-કિશોરીઓ વિચારી-  લખી-વાંચી શકતાં હોય છે, છતાં તેમને મનગમતાં કપડાં અથવા અન્ય ચીજવસ્તુઓ ન મળે, તેમને સહેજ ટોકવામાં આવે તો નારાજ, દુ:ખી, વિક્ષુબ્ધ થઈ જાય છે.

૬. પોતાના કહ્યા વિના પત્ની ચા ન બનાવી આપે તો પતિને ખોટું લાગી જાય, પત્નીને પોતાની કાળજી જ નથી તેવું થાય, અને આવી દુ:ખની લાગણીઓની પ્રતિક્રિયારૂપે ઝઘડા થતાં દેખાય તે ખૂબ સામાન્ય છે ને!

૭. સંતાન પોતાની ‘આજ્ઞા’નું પાલન ન કરે, પોતાની ઈચ્છા પ્રમાણેની કારકીર્દિ કે વિષયો પસંદ ન કરે તો પણ માબાપ દુઃખી દુઃખી થઈ જાય છે. અરે! પોતાને ન ગમતી યુવતી સાથે લગ્ન કરે તો પણ પોતાના યુવાન સંતાન પરત્વે તેઓ કેટલાં નારાજ થઈ જાય છે!

કહો, બાળકોની ઉંમર કેટલી હોઈ શકે? નાની નાની બાબતોને લઈને રિસાતા, દુ:ખી થતા, પીડાતા મનુષ્યોથી આપણો સમાજ ઉભરાઈ રહ્યો છે. આ બાલિશતા છે. બાલિશતા જ અપરિપક્વતા છે. અહીં લાગણી ‘કાચી ધાતુ’ જ રહે છે. અપરિપક્વતામાં મીઠાશ ન હોય ને! તેથી આ લાગણીઓને ઘાટ આપવો રહે છે. આપણે કેવી કેવી બાબતોને લઈને તરત નકારાત્મક લાગણીઓ અનુભવીએ છીએ તે શોધી કાઢવાની શરૂઆત ક્યાંથી કરવી તેનો ખ્યાલ આવશે. પણ તેમ શોધતાં જ દુઃખની લાગણી અનુભવાય એવું બને! જુઓ અને કૃપયા સમજવા યત્ન કરજો “હું બાલિશ મન ધરાવું છું.” તેવો ખ્યાલ કેટલો અણગમતો, કેટલો પ્રતિકૂળ છે! અને કેટલો દુઃખજનક! આ દુઃખ કેમ થયું? “હું નાનકડી વાતને લઈને નારાજ થાઉં છું… મને ગઈ કાલે તમે મળ્યા અને મારી સામે સ્મિત ન કર્યું તેનાથી દુઃખ થયું.” તેવું દુઃખની લાગણી વિના જોઈ શકાય, સમજી શકાય તેવું શક્ય લાગે છે? આપણી પાસે માત્ર બે જ વિકલ્પો છે –

(૧) જે અનુકૂળ હોય તે જ વાસ્તવિકતા છે તેમ ધારી જીવ્યા કરવું.

(૨) જે વાસ્તવિકતા છે તેની સાથે રહેતાં, જીવતાં જ અનુકૂળતા અનુભવવી.

આપણે પૂરેપૂરો વિચાર કરી હૃદયપૂર્વક પસંદગી કરી લેવી જોઈએ. “મને જ્યાં જ્યાં, જ્યારે જ્યારે ‘દુઃખ (નકારાત્મક લાગણીઓ) થાય છે તે સઘળી બાબતો મારી મનઃસ્થિતિની સૂચક છે. મારી માનસિક અવસ્થા શું છે? મારી અંતરની વાસ્તવિક્તા શું છે? તે હું શોધું તો મને મનનો વિકાસ કરી શકવાનો અવસર ઉપલબ્ધ થાય છે. જીવન કેટલું અમૂલ્ય છે! અને કેટલું અદ્ભુત! તેને પરિપક્વતાથી કેમ ન જીવું! તેમાં પુરુષાર્થ કરી અંદર મીઠાશ કેમ ન ઉપજાવું! વાસ્તવિકતા જોઈ શકવી, તેને સ્વીકારી શકવી તે તો આ માનસિક પરિપક્વતાની શરૂઆત છે! તેમાંથી મને દુઃખ થાય? બિલકુલ ન થાય. મને કઈ પરિસ્થિતિમાં શું થાય છે તેની જાણ થાય, તેની સમજ પડે તો તો મને ખુશી થાય! દુઃખ તો ન જ થાય.”

જે પ્રતિકૂળતા પહેલાં જીરવાતી નહોતી, જે જાણવું દુઃખ ઉપજાવતું હતું તે હવે હકારાત્મક લાગણી જન્માવી શકશે. જન્માવશે ને!

ભાવનું નિર્માણ આમ થાય

ભાવ એટલે શું? ભાવ એ લાગણી છે?

હા. ભાવ એ લાગણી છે, પણ એ માત્ર લાગણી નથી. લાગણી નકારાત્મક હોઈ શકે, ભાવ નકારાત્મક ન હોઈ શકે. તે હંમેશાં હકારાત્મક જ હોય. આ ભાવનું પ્રથમ લક્ષણ.

બીજું, લાગણીઓ આપમેળે, બાહ્ય પરિસ્થિતિના આપણા માનસમાં પ્રતિબિંબરૂપે પેદા થયા જ કરતી હોય છે. માનસ અપરિપક્વ હોય તો સહેજ સરખી પ્રતિકૂળતા દુઃખની લાગણી ઊભી કરે તે આપણે જોયું. પણ આ દુઃખની લાગણી આપણા માનસની અવસ્થાની સૂચક છે, અને નહીં કે બાહ્ય પરિસ્થિતિની પ્રતિકૂળતાની, તે યાદ રાખશો તો ભાવ આપબળે સર્જેલ હકારાત્મક લાગણીઓ હોય છે. તે તેનું બીજું લક્ષણ. લાગણીઓ આપમેળે, પ્રતિક્રિયાત્મક રીતે નિષ્પન્ન થાય. ભાવનું તો આપબળે, પ્રેમપ્રેરિત પુરુષાર્થથી, પસંદગીપૂર્વક સર્જન થાય!

ત્રીજું, લાગણીઓ તો આવે ને જાય! ભાવ તો હૃદયમાં સતત છવાતો જાય! આવા ભાવથી છવાયેલ હૃદયથી જીવન જીવાય તો આપણે ‘સહૃદયી’ થયા કહેવાઈએ.

મનુષ્યની છાતીમાં નાનકડું, રુધિરાભિસરણ માટે ધબકતું હૃદય તો હોય છે જ તો પછી દરેક મનુષ્ય ‘સહૃદય’ જ હોય ને? છતાં આપણે સહૃદયી બનવાની કેળવણી લેવી છે, તેનો અર્થ એ થયો કે ભાવથી ભરેલા બીજા સૂક્ષ્મ હૃદયની રચના કરવી. અને તેને ધબકતું રાખવું અને તેમાંથી ધસમસતા પ્રેમરક્તથી જીવવું! કેવી મઝાની વાત થઈ!

હકારાત્મક લાગણીઓ આત્મબળથી સર્જાય અને તે ધીમે ધીમે છવાતી જાય તો ભાવનું નિર્માણ શરૂ થયું. એક વખત પ્રયોગ કરશો. તમને જે બાબતથી દુ:ખ થાય છે તે શોધી, તેની જગ્યાએ હકારાત્મક લાગણીઓ જન્મે તેવું માનસ ચૂંટજો. આની અનુભૂતિ થશે તો તે લાગણીશીલતાના કૂવામાંથી બહાર નીકળતી ભાવવિશ્વના ઉંબરે આવી પહોંચ્યાની અનુભૂતિ હશે! પરંતુ અનુભૂતિ વાસ્તવિક જ હોય, અનુકૂળ ધારણાઓ ન હોય તેની કાળજી રાખશો.

પછી એક ડગ આગળ

મનુષ્યની અંદર ભાવનું વિશ્વ હોઇ શકે છે! આ વિશ્વનું નિર્માણ કરવું તે હૃદયની કેળવણી છે. આપણે જાતે આવા હૃદયની કેળવણી કરી શકીએ તે જ આપણા જીવનનો સાચો વિકાસ છે. જીવન ક્યાં બહાર છે? બહાર તો ચીજવસ્તુઓ છે, અન્ય મનુષ્યો સાથેના સંબંધો છે. તેઓ ક્યાં આપણને શાંતિ અને આનંદ અર્પી શકે છે? તેઓ આપણને બે ઘડી ખુશ કરી શકે છે. અને તેઓ પછી આપણને દુઃખી પણ કરી જ શકે છે. તેઓ આપણને સાંત્વના આપી શકે છે, પણ પછી તેઓ જ અશાંતિના નિમિત્ત પણ બની શકે છે, ખરું ને? આપણા જીવનમાં શાંતિ અને આનંદનું નિર્માણ થાય, આપણું જીવન સંતૃપ્તિપૂર્વક જીવાય તેનો અભિક્રમ જ્યારે આપણે સંપૂર્ણપણે આપણા નિયંત્રણમાં રાખીએ ત્યારે આપણે મનોવૈજ્ઞાનિક સ્વતંત્રતાનો અહેસાસ કરી શકીએ છીએ. જે મનુષ્યો આજીવન આ અહેસાસથી વંચિત રહી જાય છે, તેઓની કમનસીબીનું વર્ણન કેવી રીતે કરીશું?

ભાવવિશ્વના નિર્માણના સ્વાભાવિક રીતે બે પાસાં છે. ક્યારે સુખ અનુભવવું તે પસંદ કરવું. અને ક્યારે દુઃખ અનુભવવું તે પણ પસંદ કરવું.

પરંતુ દુઃખ અનુભવવું શા માટે પસંદ કરવું?

કારણ કે સુખ અને દુઃખ, બન્ને જીવનના હિસ્સા છે. કહ્યું છે ને કે એવા હિસ્સા, જાણે રથનાં બે પૈડાં! દુઃખથી ભાગવાથી દુઃખ પાછળ પડે છે. સુખની પાછળ દોડવાથી સુખ દૂર જ રહે છે! આ જીવનની માયા છે! જીવનની પાછળ પડવાથી કે જીવનથી ભાગ્યા કરવાથી જીવન ક્યારેય નથી મળતું, ભાઈ! જીવન મળે છે જીવવાથી અને જીરવવાથી.

જીવવું અને જીરવવું એટલે શું?

જે પરિસ્થિતિ સામે આવીને ઊભી રહે તેને સમગ્રતાપૂર્વક, પૂરા ભાવવિશ્વપૂર્વક પ્રતિભાવ આપવો તે જીવવું. જેટલી સમજણ જીવાઈ તેટલી જીવનમાં ફેરવાઈ!

જીવન જીવતાં જે પણ અનુભવાય તેને પચાવવું એટલે તેને જીરવવું. જીરવવું એટલે અંત૨માં એવી કળાથી, કુશળતાથી જીવવું કે જેથી અંતે હકારાત્મકતા જ છવાયેલી રહે. જીવન જીવાતાં જે પણ પ્રગટે તે પૂરેપૂરું ઝીલવું, તેને સમજવું, તેમાંથી શીખવું અને આંતરિક સમતા જાળવી રાખવી તે જીરવવું. આંતરિક સમતા તે બહાર ‘સ્વસ્થ’ હોવાનો દેખાવ માત્ર નથી તે ખાસ નોંધશો.

આપણે જીરવવામાં ખૂબ નબળા છીએ. પ્રતિકૂળતાઓમાં પ્રતિક્રિયાઓ આપ્યા કરવી, દુઃખની લાગણીઓના કૂવામાં ડૂબેલા રહેવું, આપણી અંદરની નકારાત્મક લાગણીઓથી પીડાયા કરવુ – આ બધી મનઃસ્થિતિને આપણા આંતરિક ચક્ષુઓ સમક્ષ ખુલ્લી ન કરવી, તેમની તરફ જોતાં, તેમને તપાસતાં પણ ડરવું!

આ જીરવીએ તો જીવવાનું ભાથું મળે. અને એમ જીવતાં જઈએ તો નવું ને નવું ભાથું મળતું રહે. અને એમ જીવન વિકસે!

(ક્રમશ:)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.