અમે મનુષ્ય છીએ ને, ભગવાન,
એટલે કોઈક વાર સાવ ભાંગી પડીએ છીએ,
અમારા બધા દીવા એકી સાથે લવાઈ જાય છે.
અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોઈ,
સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતાં હોઈએ
ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે.
અમારામાંથી એક જણને
અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.
અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે.
પગ તળેથી ધરતી ફસકી પડે છે.
અમારું હૃદય વિષાદથી ભરાઈ રહે છે.
દિવસો બધા દીર્ઘ અને સૂના બની જાય છે,
રાતો બધી નિદ્રાહીન:
આંસુભરી આંખે
અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.
આ શું થઈ ગયું? એવી મૂઢતા અમને ઘેરી વળે છે.
ભગવાન, તમે આ શું કર્યું?
એમ વ્યાકુળતાથી અમે ચિત્કારી ઊઠીએ છીએ.
પણ તમારી ઈચ્છાને સમપર્ણ કર્યા વિના
તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?
આ વજ્રાઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.
તમારી દૃષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ,
યોગ્ય અને હેતુસરનું હશે.
કદાચ અમે સલામતીમાં ઊંઘી ગયાં હતાં,
કદાચ અમે ભૂલી ગયાં હતાં કે
અમે અહીં સદાકાળ ટકી રહેવાનાં નથી.
તમે અમને ભાન કરાવ્યું કે,
જે ફૂલ ખીલે છે, તે ખરવું પણ જોઈએ.
અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે,
હારેલાં, પરાજિત, વેદનામાંથી વીંધાયેલા અમે
તમારે શરણે આવીએ છીએ.
આ ઘોર વિપદમાંથી અમને પાર ઉતરવાનું બળ આપો,
અમને સમતા અને શાંતિ આપો,
ધીરજ અને શ્રદ્ધા આપો, કે
અમે હિંમતપૂર્વક જીવન જીવીએ,
વ્યર્થ વિલાપમાં સમય ન વેડફીએ,
શોકને હૈયે વળગાડીને ન ફરીએ;
આંસુથી અંધારા બનેલા પથ પર
અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ,
વ્યથાનાં વમળોમાંથી જ અમે સત્ ચિત્ આનંદનું
કેન્દ્ર શોધી કાઢીએ;
મૃત્યુના અસૂર્ય-લોકમાંથી નીકળી અમે
શાશ્વત જીવન પર દૃષ્ટિ માંડીએ;
અને
પાર્થિવ સંબંધના બધા તાર તૂટી ગયેલા લાગે,
ત્યારે એક અમૃતલોક એવો છે
જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી
એનું અમે દર્શન પામીએ, એ માટે
અમને બળ આપો, પ્રકાશ આપો, પ્રજ્ઞા આપો.
(‘પરમ સમીપે’ માંથી સાભાર)

Total Views: 76

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.