ડૉ. તડિતકુમાર બંધોપાધ્યાય ૧૪ મે, ૧૯૯૩ના રોજ જયરામવાટીની પાસે આવેલ શિરોમણિપુર ગામના શ્રી રસન અલી ખાંનાં સંસ્મરણો લિપિબદ્ધ કર્યાં ત્યારે શ્રી ખાંની ઉંમર ૯૧ વર્ષની હતી. મૂળ બંગાળીમાં લખાયેલ આ ભાવભીનાં સંસ્મરણોનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

હું ચૌદ વર્ષનો હતો ત્યારે મને મારા કાકા-મફતી શેખ અને હમીદી શેખ – પોતાની સાથે શ્રી શ્રીમા શારદાના નિવાસ સ્થાનની મુલાકાતે લઈ ગયા. મારા કાકા મૂળ પરમાનન્દપુરના રહેવાસી હતા, જ્યારે હું સિહોરની પાસે આવેલ શિરોમણિપુરમાં રહેતો હતો. આ બેઉ ગામડાંમાં રહેનાર ઘણાં બધાં સ્ત્રી-પુરુષોનો શ્રી શ્રીમા સાથે ખૂબ આત્મીય તથા સ્નેહભર્યો સંબંધ હતો. શ્રી શ્રીમા શિરોમણિપુરના અમજદ, તેની પત્ની મતીજાનબીબી અને તેની જન્મદાત્રી મા ફાતિમાબીબીનું બહુ જ ધ્યાન રાખતાં હતાં. એમ કહું કે શ્રી શ્રીમા જ તે અમજદના કુટુંબનું પાલન-પોષણ કરતાં હતાં – તો તે વધારે યોગ્ય કહેવાશે. પોલીસ પીછો પકડીને તપાસ કર્યા કરે એટલે અમજદ ગામમાંથી નાસભાગ કરતો રહેતો. તેની ગેરહાજરીમાં તેની મા અને બીબી શ્રી શ્રીમાને આશરે આવીને રહેતાં. એ લોકોનાં દુઃખે દુ:ખી શ્રી શ્રીમા તેઓને ગોળ-મમરા વગેરે નાસ્તો આપે, વળી કપડાં, ભોજન અને માથામાં નાખવા માટે તેલ અને ઘરવખરીની બીજી ચીજવસ્તુઓ પણ આપતાં રહેતાં.

આ વીસમી સદીની શરૂઆતનો સમય હતો. તે બાંકુડા તેમજ હુગલી જિલ્લાની સીમારેખા પર આવેલ જયરામવાટીની આસપાસનો વિસ્તાર હતો. અહીં રેશમના કીડાની ખેતી થતી હતી. અંગ્રેજ વેપારીઓ જમીનદારો મારફત પૈસા ચૂકવીને આ વિસ્તારના ગ્રામવાસીઓને ફરજિયાત ખેતી કરાવતા હતા. શિરોમણિપુર તેમ જ પરમાનંદપુરના મોટા ભાગના રહેવાસી ગ્રામજનો ગરીબ મુસલમાન હતા. તેઓ જમીનદારો તથા અંગ્રેજ વેપારીઓથી કાયમ બીકના માર્યા ફફડીને રહેતા હતા. તેમના ભયથી ગરીબ લોકો એટલા ગભરાતા કે બીજો કોઈ પાક લેવાની તક જ તેમને મળતી નહિ. પોતાના મનપસંદ પાકની ખેતી કરી નહિ શકવાથી ભય અને સંકટ તેમના કાયમના સાથી-મિત્ર બની ગયા હતા. પરંતુ તેમના આ દુઃખકષ્ટના સમાચાર સુધ્ધાં આસપાસના ધનવાન અને મધ્યમવર્ગના લોકોને મળતા નહિ. માત્ર શ્રી શ્રીમા જ તે પીડિતોના સંકટથી ચિંતાતુર રહેતાં અને સ્નેહભર્યા વ્યવહારથી તેમનાં દુઃખના ભાગી બનતાં.

હમીદી શેખ, મફતી શેખ અને રમજાન પઠાણ પોતાની બળદગાડીઓમાં ફેરા કરીને યાત્રાળુઓને વિષ્ણુપુર સુધી પહોંચાડતા. શ્રી શ્રીમા અને તેમની ભત્રીજીઓને પણ અનેક વાર જયરામવાટી અને કોઆલપાડાની યાત્રા કરાવી હતી. કેટલીયે વાર શ્રી શ્રીમાને કલકત્તાના રસ્તે વિષ્ણુપુર સુધી લઈ ગયા હતા. શ્રી શ્રીમા પ્રતિ તેમનાં સ્નેહ-પ્રીતિ માત્ર આ યાત્રાઓ સુધી જ મર્યાદિત ન હતા પરંતુ આફત, વિપત્તિના દિવસો દરમિયાન તેઓ શ્રી શ્રીમા પાસે જ શાતા મેળવવા જતા હતા. માટીથી ચણેલા શ્રી શ્રીમાના નવનિર્મિત મકાનના ચણતર કામમાં મોટાભાગના કડિયા-મિસ્ત્રી-મજૂર પણ આ ગામડાંમાંથી જ આવતા હતા. મફતી શેખ શ્રી શ્રીમાના ભાઈઓના શિહોર પાસેના ખેતરમાં નિયમિત હળ હાંકતા હતા. મફતી શેખ અને હમીદી શેખની પત્નીઓ નફીજાનબીબી અને મેરીજાનબીબી સાથે શ્રી શ્રીમાને ખૂબ સ્નેહ પ્રીતિનો સંબંધ હતો. તેઓ બંને કેટલીયે વાર શ્રી શ્રીમાના ઘરે મળવા પણ જતી. શ્રી શ્રીમા પણ તેમને ‘બીબી વહુ’ કહીને લાડથી બોલાવતાં શ્રી શ્રીમા ખૂબ સ્નેહપૂર્વક તેમને ખાણી-પીણી કરાવીને તેમનાં સુખદુઃખની વાતો સાંભળતાં હતાં.

જ્યારે શ્રી શ્રીમાનું નવા મકાનનું ચણતરકામ ચાલતું હતું, ત્યારે શરત્ મહારાજ (સ્વામી શારદાનંદજી) જયરામવાટી આવ્યા હતા. આના અનુસંધાને સ્વામી શારદાનંદજી શિરોમણિપુર અને પરમાનંદપુર પણ ગયા. મેં તેમનાં દર્શન કર્યાં હતાં. ખરેખર તો, શ્રી શ્રીમાના નવા મકાનના નિર્માણ નિમિત્તે આ બંને ગામડાંના ગ્રામવાસીઓને શ્રી શ્રીમાના સંપર્કમાં આવવાનો અવસર મળ્યો. તે જમાનામાં તે વિસ્તારોના હિન્દુ સંકીર્ણ નાત-જાત-સંપ્રદાયના ભેદભાવમાંથી ઊંચા આવતા નહોતા. તેઓ મુસલમાનને તેમના પોતાના ઘર સુધી પણ આવવા દેતા નહિ. કટ્ટરવાદી બ્રાહ્મણોએ ચણતરકામમાં મુસલમાન કારીગરોને રોકવામાં આવ્યા તે જોઈને ધાંધલ-ધમાલ મચાવીને વિરોધ વ્યક્ત કર્યો. તેઓ શ્રી શ્રીમાને ‘મ્લેચ્છ’ કહેતાં પણ અચકાયા નહિ. શ્રી શ્રીમાનાં સગાંસબંધીઓએ પણ મુસલમાન મજૂરોને ઘરનાં ચણતર કામમાં નહિ લગાડવા જણાવ્યું. શ્રી શ્રીમા સામાન્ય રીતે માથા ઉપર ઘૂમટો તાણ્યા વગર ઘરની બહાર આવતાં નહિ. શ્રી શ્રીમા ખૂબ ધીમા અવાજે વાતો કરતાં. પરંતુ શ્રી શ્રીમાએ આ અન્યાયની સાથે ક્યારેય સમજૂતી સાધી નહિ અને હંમેશાં આના વિરોધમાં બુલંદ અવાજે રજૂઆત કરી. દરમિયાનમાં એક વખત તો લોકોના દબાણને કારણે ચણતરકામ કેટલાક દિવસો માટે સ્થગિત કરવાની ફરજ પડી. એ પછી મેં સાંભળ્યું કે શ્રી શ્રીમાએ માત્ર મુસલમાન કરીગર-મજૂરોને જ આ કાર્યમાં લગાડવાની ઇચ્છા પ્રકાશિત કરી. છેવટે તો તે બધાએ શ્રી શ્રીમાની દૃઢ ઇચ્છાશક્તિ અને અડગ, અદમ્ય નિશ્ચયની સામે ઝૂકવું પડ્યું. તે પછી આ કામ સરળતાથી, સહજ ગતિમાં ચાલવા લાગ્યું.

તે સમયમાં કોતુલપુર અને બદનગંજમાં બે મોટી બજાર અને શિરોમણિપુરમાં એક નાની બજાર હતાં. જયરામવાટીમાં તો સામાન્ય રીતે કંઈ મળતું નહોતું. તે ગામડાંના મોટા ભાગના ગ્રામજનો કેટલાંક શાકભાજી ઉગાડતાં હતાં. મફતીકાકા તેમાંના કોળાં, લીલાં શાકભાજી વગેરે તાજેતાજાં ભેગાં કરીને શ્રી શ્રીમાને ઘરે પહોંચાડી દેતા.

મફતીકાકાએ એક અદ્ભુત કથાપ્રસંગ શ્રી શ્રીમાના જીવનમાંથી કહી સંભળાવેલ, તે હજીયે મને યાદ છે. તેમણે કીધું કે શ્રી શ્રીમા માનવી નથી, પરંતુ પીરદરવેશ છે. એક દિવસે હું એક મોટું પતકાળું લઈને શ્રી શ્રીમાના નવા મકાનમાં ગયો. હું તો વારંવાર આવજા કરું, ત્યારે મને કોઈ અલૌકિક અનુભવ થયો નહોતો. શ્રી શ્રીમા ત્યારે પૂજામાં બેઠાં હતાં, એટલે ‘શાક લાવ્યો છું.’ એમ બૂમ પાડીને મોટે અવાજે કહી સંભળાવ્યું. જવાબમાં શ્રી શ્રીમાએ મને થોડી વાર રાહ જોવાનું કહ્યું. હું તો દૂર બેઠો. શ્રી શ્રીમાને પૂજામાં બેઠેલાં જોઈ રહ્યો હતો – દરમિયાન અચાનક જ શ્રી શ્રીમાને પૂજાના આસન પર જોયાં નહિ. તે તો ઊંચે, હવામાં ત્રણ ફૂટ અધ્ધર હતાં – અને ત્યાં પણ શાંત ને સ્થિર મનથી ધ્યાનમગ્ન હતાં. હવામાં પણ શ્રી શ્રીમાનું જપ કરવાનું ચાલું હતું. શ્રીમાનું આસન જમીન ઉપર જ પડ્યું હતું. હું તો અવાક્ બન્યો અને વિચાર્યું કે મને ભ્રમ થયો છે કે શું? હું બૂમ મારીને બીજા સાધુઓને બોલાવવા માગતો હતો. પણ ઓચિંતા બધું જ અદૃશ્ય થયું. શ્રી શ્રીમા પૂજાઘરમાંથી બહાર આવ્યાં. મેં બીકના માર્યા પ્રણામ કર્યા. શ્રી શ્રીમાએ એક સ્ત્રીને બોલાવીને મારે માટે ગોળ-મમરા તેમજ માથામાં નાખવાનું તેલ લાવવાનું કહ્યું. શ્રી શ્રીમાને કંઈ પૂછવાની તો મારી હિંમત જ ચાલી નહિ.

મુસલમાન પુરુષની જેમ જ મુસલમાન સ્ત્રીઓ સુધ્ધાં શ્રી શ્રીમા પાસે આવ-જા કરતી રહેતી. પરિણીત મહિલાઓમાં શાકભાજી, ફળફળાદિ વેચવા માટે જયરામવાટી જવું સામાન્ય ઘટના હતી. આ મહિલાઓમાં એક ડોશી રૂબીનાબીબી અવારનવાર શ્રી શ્રીમા પાસે કાચી કેરી, ફણસ વગેરે લઈને વેચવા માટે આવતી. શ્રી શ્રીમા ખૂબ વહાલ અને લાડથી તેને ‘કાકી’ કહીને બોલાવતાં.

તે દિવસોમાં, શિરોમણિપુર અને શિહોરમાં ખજૂરનાં અનેક વૃક્ષ હતાં: ઝાડમાં ખજૂરના ફળ બેસે ત્યારે તેનું મોં કાપીને રસ ભેગો કરવા માટીનાં વાસણ લગાડવામાં આવતાં. દરરોજ લગભગ ૧૦૦ ખજૂર-તાડના ફળનો રસ ગોળ બનાવવા માટે મોકલવામાં આવતો. શાહજહાઁ ખાન, મજીદ ખાન, સાદિક અલી, રફી મિયાઁ, વગેરે અનેક લોકો આ ગોળ બનાવવાનો ધંધો કરતા. તેઓ તાડના ખજૂરનો ગોળ બનાવીને કોતુલપુર, બદનગંજ, કામારપુકુર, ગોઘાટ વગેરે સ્થળે વેચતા હતા. આ જ તેમનો મુખ્ય ધંધો હતો. તાડનો ગોળ, ખજૂરનો ગોળ તૈયાર કરવો તે ખૂબ મહેનતનું કામ હતું. આજ મારા કુટુંબની આજીવિકા -૨ળવાનું સાધન હતું. અનેક વખત હું જાતે શ્રી શ્રીમાના મકાનમાં તાડ-ખજૂરના ગોળ અને રસ લઈને પહોંચાડી આવતો. આ ચીજવસ્તુઓ શ્રી શ્રીમાને બહુ ગમતી. આ વસ્તુઓ લઈને જ્યારે જ્યારે જાઉં ત્યારે ત્યારે શ્રી શ્રીમા તેનું યોગ્ય મૂલ્ય આપી ચૂકતે કરી દેતા. હું ના પાડું તો શ્રી શ્રીમા કહેતાં કે ‘બેટા, આ વસ્તુઓ ખૂબ મહેનતથી અને પરિશ્રમપૂર્વક તૈયાર થાય છે એટલે એની કિંમત લેવાની ના ન પાડતો.’ સાથે ને સાથે શ્રી શ્રીમા સારા પ્રમાણમાં એ વસ્તુઓની કિંમત ચૂકવે અને મીઠાઈ, પકવાન, મમરાં, ધાણી વગેરે પ્રસાદરૂપે આપતાં.

દાદુ ફકીર અને સલીમ ફકીર પણ ઘણી વાર શ્રી શ્રીમા પાસે આવતા જતા. નવાન્ન ઉત્સવમાં તેઓ મોરને સાથે રાખીને ભિક્ષા માગી આવતા. શ્રી શ્રીમા તેમને ખૂબ સ્નેહ કરતાં. પીરની દરગાહ પર ચડાવવા માટે શ્રી શ્રીમા કેટલીય સામગ્રી મોકલતાં. હમીદી અને મફતીકાકા કહેતા કે ‘શ્રી શ્રીમા મીઠાઈ વગેરે સામગ્રી મોકલીને અમારા ધર્મ પ્રત્યે સન્માન અને આસ્થા પ્રગટ કરતાં હતાં.’

મફતીકાકાએ એક વાર પ્રશ્ન પૂછ્યો, ‘મા, તમે તો હિન્દુ છો છતાં પણ, અમારા ધાર્મિક અવસરે પીરને ચડાવવાની સામગ્રી શા માટે મોકલો છો?’ પ્રત્યુત્તર વાળતાં મા કહેતાં, ‘શું પરમેશ્વરના કોઈ ભાગ-ભેદ પાડી શકે? તે તો એક જ છે. દીકરા, તને તો ખબર છે કે આપણા ઠાકુરની આસ્થા ઇસ્લામ ધર્મમાં પણ હતી. તેમણે નમાજ પણ પઢી હતી. તે પરમ સત્ય-પરમાત્મા તો એક જ છે. એમનાં જુદાં જુદાં નામ તો જુદા જુદા ધર્મ પ્રમાણે પડ્યાં છે.’ શ્રી શ્રીમાને મફતીકાકા તથા બીજાઓ પ્રત્યે અત્યંત સ્નેહ અને વિશ્વાસ હતા.

ઘણા દિવસ પહેલાં શ્રી શ્રીમાના મંદિર ઉપર વીજળી પડી. કિશોરી મહારાજે (સ્વામી પરમેશ્વરાનંદજી) મફતી ચાચાને કહ્યું, ‘જો, મફતી, શ્રી શ્રીમાના મંદિર ઉપર વીજળી પડી છે. કિશોરી મહારાજના આ શબ્દો સાંભળીને મફતી ચાચા મંદિરની આજુ બાજુમાં અજાન દેવા લાગ્યા. તરત જ શ્રી શ્રીમાના માર્ગદર્શન હેઠળ સાધુઓને બધા ધર્મોમાં શ્રદ્ધા પાકી થઈ. અમે લોકો શ્રી ઠાકુર અને શ્રી શ્રીમાને પયગંબરના રૂપે જોઈએ છીએ. મફતી ચાચા અને હમીદી ચાચા સર્વદા શ્રી ઠાકુર અને શ્રી શ્રીમાના ધ્યાનમાં મશગૂલ રહેતા. શું આવા મહામાનવ, દેવદૂત, સ્વર્ગમાંથી ઉતરેલા પરમેશ્વરના સંદેશવાહક આ પૃથ્વી પર વારંવાર જન્મ લે છે?

અનુવાદક : સ્વામી જ્ઞાનેશાનંદ

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.