મેં જ્યારે શ્રીમાનાં પહેલીવાર દર્શન કર્યાં ત્યારે મારી ઉંમર ૧૩-૧૪ વર્ષની હતી. મારા કાકા મુફેતી શેખ અને હમેદી શેખ મને જયરામવાટીમાં શ્રીમાના ઘેર લઈ ગયા. અમારું ગામ શિરોમણિપુર અને તેની નજીકના પરમાનંદપુરનાં નરનારીઓ સાથે શ્રીમાનો સ્નેહસંપર્ક હતો. શિરોમણિપુરના અમઝદ તેમનાં પત્ની અને માતા ફાતીમાબીબી પ્રત્યે શ્રીમાને અત્યંત સ્નેહભાવ હતો. શ્રીમાના ભરોસે એમનો સંસાર ચાલતો. મુશ્કેલીના સમયે પત્ની અને મા શ્રીમા પાસે જ જતાં. શ્રીમા એમને પેટભર જમાડતાં અને ઘરવખરીની ચીજવસ્તુઓ આપતાં. આજુબાજુનાં છ-સાત ગામના લોકો ખેતી પર માંડમાંડ ગુજરાન ચલાવતા. કરજનો બોજ પણ રહેતો. આવી દશામાં શ્રીમા પરમ મમતા સાથે તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં અને જાતપાત કે ધર્મના ભેદભાવને ભૂલીને એમને મદદ કરતાં.

હમેદી શેખ, મુફેતી શેખ અને રમઝાન પઠાણ બળદગાડાં ચલાવતા. અનેક વખત શ્રીમા અને તેમનાં કુટુંબીઓને કોઆલપાડાથી જયરામવાટી પહોંચાડતા હતા. જ્યારે શ્રીમા માટે નવું મકાન બન્યું ત્યારે માટીની દીવાલ બનાવવા આવનાર મજૂરોમાં મોટાભાગના શિરોમણિપુર અને પરમાનંદપુરના લોકો હતા. શિહોડની પાસે શ્રીમાના ભાઈઓની થોડી જમીનની મુફેતી શેખ ખેતી કરતા. હમેદી શેખનાં પત્ની નફીઝનબીબી અને મુફેતીનાં પત્ની મઝીરનબીબીની સાથે શ્રીમાને સ્નેહપૂર્ણ સંબંધ હતો. વચ્ચે વચ્ચે તેઓ શ્રીમાના ઘેર આવજા કરતાં. શ્રીમા એમને ‘બીબીબહૂ’ કહેતાં. તેમને તેઓ ભાવથી જમાડતાં અને એમનાં સુખદુ :ખની વાત સાંભળતાં.

સ્વામી સારદાનંદજીએ ૧૯૧૫ના એપ્રિલમાં જયરામવાટીમાં શ્રીમાનું નવું મકાન બનાવવાની તૈયારી શરૂ કરી. એ વખતે તેઓ એક મહિના સુધી ત્યાં રહ્યા. મકાન બની ગયા પછી શ્રીમાએ ૧૫મે, ૧૯૧૬ના રોજ ગૃહપ્રવેશ કર્યો. મકાન બનતી વખતે શરત્ મહારાજ શિરોમણિપુર તથા પરમાનંદપુર ગયા હતા. નવા મકાનના નિર્માણને કારણે આ બન્ને ગામના લોકોના ઘનિષ્ઠ સંપર્કમાં શ્રીમા આવ્યાં હતાં. એ દિવસોમાં આ વિસ્તારના હિન્દુઓ નાતજાતમાં બહુ માનતા. શ્રીમાના નવા મકાનના નિર્માણ સમયે મુસલમાન મજૂરોને કામે લગાડ્યા એનો કેટલાક લોકોએ મોટો વિરોધ કર્યો. એવા લોકોએ શ્રીમાને ‘મ્લેચ્છ’ કહેવામાં જરાય સંકોચ ન અનુભવ્યો. શ્રીમાના સંબંધીઓએ પણ આ મજૂરોને કામે ન લગાડવાનું કહ્યું.

માથા પર લાજ જેટલી સાડી બરાબર ઓઢીને શ્રીમા નીકળતાં. તેઓ ધીમા અવાજે બોલતાં. જેના પ્રત્યે અન્યાય થતો તેને તેઓ બરાબર સમજતાં અને નિર્ભય બનીને એનો પ્રતિવાદ પણ કરતાં. એ વિશે ક્યારેય કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરતાં. મહોલ્લાના લોકોના વિરોધને લીધે એકબે દિવસ મકાનનું કામ બંધ રહ્યું. પછીથી એવું સાંભળવા મળ્યું કે શ્રીમાએ એમને સ્પષ્ટપણે કહી દીધું કે એ લોકો જ કામ કરશે. પછી બધાનો વિરોધ શમી ગયો.

એ સમયે જયરામવાટીમાં દૈનંદિન વપરાશની ચીજો ન મળતી. બદનગંજ અને કોતુલપુરમાં મોટું બજાર ભરાતું અને શિરોમણિપુરમાં નાનું. ગામમાં દરેક ઘરમાં થોડી ઘણી શાકભાજીની ખેતી થતી. મુફેતીચાચા પોતાના ખેતરનાં દૂધી, કોળાં, સરગવો, અળવી જેવી શાકભાજી શ્રીમાને આપી જતા. એમના મુખેથી મેં એક ઘટના સાંભળી હતી. તેઓ અવારનવાર કહેતા, ‘શ્રીમા માનવી નથી, પણ કોઈ પીર-દરવેશ છે. એકવાર હું દૂધી લઈને શ્રીમાને ત્યાં ગયો. ત્યાં જોયું તો શ્રીમા નવા ઘરમાં પૂજા કરવા બેઠાં હતાં. શ્રીમાના ઘરમાં હું આવતોજતો એટલે મને કંઈ સંકોચ ન થતો. મેં એમને સાદ પાડીને કહ્યું, ‘મા, દૂધી લાવ્યો છું.’ મારો અવાજ સાંભળીને એક મહિલાએ આવીને કહ્યું, ‘થોડીવાર ઊભા રહો, શ્રીમા પૂજામાં બેઠાં છે.’ મેં દૂરથી જોયું તો શ્રીમા પૂજાના આસન પર બેઠાં છે અને હું આંગણાના એક છેડે પાંચછ દૂધી અને બીજી શાકભાજી સાથે ઊભો હતો. એકાએક મારી નજર શ્રીમા પર પડી. જોયું તો તેઓ આસન પર ન હતાં પરંતુ એમનું બેઠેલી અવસ્થામાંનું શરીર આસનથી બે હાથ ઊંચે હતું અને આસન જમીન પર હતું. શ્રીમા શૂન્ય અવસ્થામાં બેઠાં બેઠાં જપ કરતાં હતાં. મેં આ દૃશ્ય વાસ્તવિક છે કે ભ્રમણા છે, એ જોવા મારી આંખ ચોળીને જોયું, પણ દૃશ્ય તો એનું એ જ હતું ! હું બાવરો બની ગયો અને મહારાજોને બોલાવવા જતો હતો; ત્યાં જ ફરીથી શ્રીમા આસન પર જ બિરાજમાન જોયાં. પછી આસન પરથી ઊઠીને શ્રીમા આવ્યાં ત્યારે મેં એમને પ્રણામ કર્યા. શ્રીમાએ એક મહિલા દ્વારા મારા માટે ગોળ અને મમરા મગાવ્યા અને માથા પર લગાડવાનું તેલ પણ લાવવા કહ્યું. આ બધું લઈને હું ચાલતો થયો. પણ શ્રીમાને મેં જોયેલી એ ઘટના વિશે વાત કરવાની મારી હિંમત ન ચાલી.’

અમારા ગામની કેટલીક સ્ત્રીઓ ફળ અને શાકભાજી વેચવા જતી, એમાં શબીનાબીબી પ્રૌઢ હતાં. તેઓ અવારનવાર શ્રીમાને ઘેર જતાં. શ્રીમા એને ‘ચાચી’ કહીને બોલાવતાં.

એ દિવસોમાં શિરોમણિપુર અને શિહોડના વિસ્તારમાં તાડનાં વૃક્ષો વવાતાં. એના ઉપરના ભાગમાં ચીરો પાડીને એનો રસ ઝીલવા એક વાસણ લટકાવી દેતા. લગભગ સો વૃક્ષો પરથી તેનો રસ એકઠો કરીને તેમાંથી ગોળ બનાવતા અને એ ગોળ આજુબાજુના કોતુલપુર, બદનગંજ, ગૌઘાટ જેવા સ્થળે જઈને વેચતા અને પોતાનું ગુજરાન ચલાવતા. આ ગોળ બનાવવામાં ઘણો પરિશ્રમ થતો. મોટે ભાગે એના રસનો જ વેપાર રહેતો. શ્રીમાને ઘેર પણ હું અનેકવાર આ ગોળ અને નીરો લઈ જતો. શ્રીમાને એ બહુ પસંદ હતાં. તાડના ગોળના તો શ્રીમા પૈસા આપી દેતાં. ના પાડીએ તો શ્રીમા કહેતાં, ‘બેટા, આ તો મહેનતની વસ્તુ છે ને એટલે પૈસા લેવા જોઈએ.’ પૈસા ઉપરાંત શ્રીમા અમને ઘણો પ્રસાદ અને મમરા પણ દેતાં.

શિરોમણિપુરના દૂદૂ ફકીર અને સલીમ ફકીર પણ શ્રીમાના ઘેર આવતા. નવા પાકના ઉત્સવમાં તેઓ ચામર ઢોળતાં ઢોળતાં ભિક્ષા માગતા. શ્રીમાને એમના પર ઘણો સ્નેહભાવ હતો. શિરોમણિપુરના પીરની દરગાહમાં શ્રીમા માટીના ઘોડા અને સિન્નીની (બંગાળી મીઠાઈ) માનતા માનતાં. હમેદી અને મુફેતીચાચા કહેતા, ‘શ્રીમાની કેવી ભક્તિ છે ! આપણા મુસલમાનોના તહેવારોમાં પણ તેઓ સિન્ની અને પતાસાં પીરને ચડાવે છે !’ મુફેતીચાચાએ શ્રીમાને એકવાર પૂછ્યું, ‘મા, તમે તો હિન્દુ છો, છતાંયે મુસલમાનોના પર્વ પર સિન્ની અને પતાસાં શા માટે મોકલો છો ?’

શ્રીમાએ કહ્યું, ‘બેટા, દેવતા શું ભિન્ન ભિન્ન હોય છે? બધા એક જ છે. બેટા, તું જાણે છે ને કે તમારા શ્રીઠાકુરે ઇસ્લામ ધર્મની સાધના પણ કરી હતી. એ દિવસોમાં તેઓ મુસલમાનોની જેમ નમાજ પણ પઢતા. બેટા, ભગવાન તો બધા એક છે. કેવળ નામનો જ ભેદ છે.’ મુફેતીચાચા તથા અમારા પર શ્રીમાનો જેવો વિશ્વાસ હતો એવો જ એમનો સ્નેહ અમારા પર રહેતો. એટલે જ એક કવિએ કહ્યું છે,

જાતિપાઁતિ કો પૂછે ન કોઈ,

હરિ કો ભજે સો હરિ કો હોઈ.

Total Views: 275

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.