અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવાં ક્ષીરોદબાલા રૉય પૂજ્ય શ્રી શ્રીમા શારદામાનાં એ મંત્ર દીક્ષિત શિષ્યા હતાં.

મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’ એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશઃ ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. – સં.

ઉપનગરમાંના મારે ઘે૨થી હું પહેલી વાર પૂજ્ય માને મળવા કલકત્તા આવી તે દિવસે મને ઠીક ન હતું. ગાડીમાં બેસી હું બાગબજાર ગઈ. રસ્તે મને ફેર ચડવા લાગ્યો અને મોળ આવવા લાગી. ગમે તેમ કરી હું બાગબજારમાં પૂજ્ય માને ઘેર પહોંચી અને સીડી ચડતાં જ, સીડીને અડીને આવેલા લાંબા ઓરડાને દરવાજે માને ઊભેલાં મેં જોયાં. એ નહાવા જઈ રહ્યાં હતાં. મારી રાહ જોતાં હોય તેમ, બારસાખે હાથ ટેકવી એ ઊભાં હતાં. મને જોતાં વેંત એ હસીને બોલ્યાં: ‘તું ક્યાંથી આવે છે, બેટા? શું કામ આવી છો?’ ‘હું પૂજ્ય માને મળવા આવી છું’, મેં કહ્યું. ‘દીકરા, હું જ મા છું. ઠાકુર પેલા ઓરડામાં બિરાજે છે. એમને પ્રણામ કરી ત્યાં જ બેસ. નાહીને હું ત્યાં આવીશ.’ આટલું કહીને તેઓ નાહવા ચાલી ગયાં.

મંદિરના ઓરડાને દરવાજે જઈ, ત્યાંથી જ ઠાકુરને પ્રણામ કરી હું ત્યાં બેઠી. ઠાકુરને ધરવા માટે હું મારી સાથે મીઠાઈ લઈ ગઈ હતી. નલિનીદીદીએ આવી મીઠાઈના પડીકા પર જરા ગંગાજળ છાંટી, એને મારા હાથમાંથી લઈ એ ઓરડામાં જ રાખ્યું. એટલી વારમાં, ઉતાવળે નાહીને મા ત્યાં આવ્યાં. ઠાકુરની પૂજા થઈ ગઈ છે અને એમને ફળ તથા મીઠાઈ ધરાવાઈ ગયાં છે તે મેં જોયું; પૂજાઘરમાં બધું પડેલું હતું. મને ફેર ચડતો હતો એટલે મને ડર હતો કે મા મને પ્રસાદ ખાવા આપશે તો મને ઊલટી થશે. ‘તું ઠાકુર માટે કશું લાવી છો?’ એમ એમણે મને પૂછ્યું. ત્યારે, આણેલા મીઠાઈના પડીકા તરફ આંગળી ચીંધી મેં કહ્યું, ‘હાજી, એને ત્યાં રાખવામાં આવ્યું છે.’ ઠાકુરના મોં પાસે એ પડીકું રાખી મા બોલ્યાં, ‘પ્રભુ, કૃપા કરી ખાઓ.’

પછી, પિત્તળની એક રકાબીમાં એમણે મને થોડું ફળ આપ્યું અને ગ્લાસમાં થોડું શરબત આપ્યું અને કહ્યું, ‘આ પ્રસાદ લે. એથી ઊલટી નહીં થાય.’ થોડું ગંગાજળ લઈ એમણે મારા પર છાંટ્યું અને કહ્યું, ‘હું પેલા ઓરડામાં બેઠી છું. પ્રસાદ પૂરો કર્યા પછી ત્યાં આવ.’ નવાઈની વાત એ હતી કે, પ્રસાદ ખાધા પછી તરત જ મને સારું લાગવા માંડ્યું. પછી, મા બેઠાં હતાં તે ઓરડામાં હું ગઈ. એ જગજ્જગની છે એમ, આસને રાણીની જેમ એમને બેઠેલાં જોઈને મને લાગ્યું. એમની અડખેપડખે ગોલાપમા, ગૌરીમા, અને યોગિનમા બેઠાં હતાં. મને મા મારાં પોતાનાં જ લાગતાં હતાં છતાં, બીજાંઓની હાજરીમાં માને કશું કહેતાં હું અચકાતી હતી. મારા ભીતરના વિચારો એમને કહેતાં મને ખચવાટ થતો હતો. હું બોલી, ‘મારા ખૂબ પ્રયત્નો છતાં, છેલ્લાં આઠ વરસમાં હું આપને મળી શકી નહીં. કલકત્તા જેટલે દૂર આવ્યા છતાં હું આપને મળી શકી ન હતી; મારે પાછા જવું પડ્યું હતું.’ આ સાંભળી ગૌરીમા બોલ્યાં, ‘સમય પાક્યા પહેલાં શું કદી કોઈ માને મળી શકે?’ મેં કહ્યું, ‘હવે એ સમય આવ્યો છે એમ મને લાગે છે. મા, આજ મને આપનાં દર્શન થયાં છે. કૃપા કરી મારો સ્વીકાર કરો. આપની પાસેથી દીક્ષા લેવા હું આવી છું. સમય આવ્યા પહેલાં કોઈ દીક્ષા લઈ શકે નહીં એમ મેં સાંભળ્યું છે. વળી મેં એમ પણ સાંભળ્યું છે કે, ‘તારું સ્થાન અહીં નથી, એમ કહી આપ કેટલાકને રવાના કરી દો છો, મને ના પાડશો તો હું વધારે જીવી નહીં શકું.’

મારી સામે તાકી રહીને મા બોલ્યાં, ‘ના, તને દીક્ષા મળશે જ.’ પછી એમણે પૂછ્યું, ‘બેટા, એકાદશીને દહાડે તું શું ખાય છે?’ મેં ઉત્તર આપ્યોઃ ‘પહેલાં હું સાબુદાણા ખાતી પણ, એમાં બીજી ચીજોની ભેળસેળ થાય છે એ જાણતાં હવે હું એ લેતી નથી.’ આ સાંભળતાંવેંત જ મા બોલી ઊઠ્યાંઃ ‘ના, ના, તારે સાબુદાણા ખાવા જ. તારા શરીરને એ શીતળ રાખશે.’ પછી પોતાના અવાજમાં ખૂબ ખિન્નતા સાથે એ બોલ્યાં, ‘બેટા, તું ખૂબ વ્રતવરતોળાં કરે છે. હવે એ કરજે મા એમ તને કહું છું. તારું શરીર લાકડું થઈ ગયું છે. તારી તબિયત બગડી જશે તો તું સાધના શી રીતે કરી શકીશ?’

હું તેલ વાપરું છું કે નહીં એમ એમણે પૂછ્યુંઃ ‘વિધવા થઈ તે દહાડાથી મેં તેલ વાપરવું બંધ કર્યું છે.’ મેં જવાબ આપ્યો. આ સાંભળી એ બોલ્યાં, ‘તેલના વપરાશથી શરીર ઠંડુ રહે છે. માટે તારે તેલનો ઉપયોગ કરવો.’ મેં કહ્યું, ‘ઘણા વખતથી એ વાપરતી નથી એટલે હું તેલના સ્પર્શને પણ ધિક્કારું છું. હું તેલ વાપરી જ નહીં શકું.’ ગોલાપમા બોલ્યાં, ‘છે નાની છોકરી તોયે ઉપવાસ કરીને અને બીજાં વ્રત કરીને એણે પોતાની તબિયત બગાડી નાખી છે.’ ગૌરીમા કહે, તારા વાળ તેં કેમ ઉતરાવી નાખ્યા છે, બેટી?’ ‘અમારી તરફ વિધવાઓ વાળ રાખી શકતી નથી.’ મેં કહ્યું. એ બોલ્યાં, ‘વાળ વિના આપણી આંખ નબળી પડી જાય છે. તારું શરીર તેં કૃષ્ણાર્પણ કર્યું છે તો, તારા કેશ તારા ક્યાં રહ્યા, બેની?’ પછી યોગિનમા કહે, ‘આ દેહ ભગવાનનું મંદિર છે. એને સારું રાખવું ડહાપણભર્યું છે.’ પણ માએ કહ્યું, ‘તેં બરાબર કર્યું છે. વાળ રાખવાથી થોડે અંશે પણ ફેશનમાં રહેવા જેવું થાય છે; કારણ એની સંભાળ લેવી પડે છે. એટલે તે ઠીક કર્યું છે. ભપકાદાર વેણીના મોહને તેં જીત્યો છે અને તું અહીં આવી છો. જેને માટે તેં આકરું તપ કર્યું તે તું પામી છો. હું કહું છું કે હવે આવા કષ્ટની જરૂર નથી. તને કાલે દીક્ષા મળશે. સવારે આઠ વાગ્યે આવી જજે. દીક્ષાને દિવસે ગંગામાં ખોળિયું બોળવું અને મા કાલીનાં દર્શન ક૨વાં હિતાવહ છે.’

મને વિચાર આવ્યો કે, માનાં દર્શન જ કાલી માતાનું દર્શન અને એમના પવિત્ર ચરણોના સ્પર્શથી જ હું પવિત્ર થઈ છું. પછી એમને પ્રણામ ક૨ીને મેં રજા લીધી.

મારા દિયર, સતીશચંદ્ર રાય માનાં શિષ્ય હતા અને મારી સાથે માને ત્યાં આવ્યા હતા. ઘેર પહોંચી, બીજે દિવસે સવારે, મારી સાથે માને નિવાસે આવવા મેં એમને વિનંતી કરી. બાગબજારેથી પાછા આવ્યા પછી ફરી મને ફેર ચડવા મંડ્યો હતો. છતાં પણ, બીજી સવારે મા પાસે જવાની તૈયારી હું કરવા લાગી. પણ નિયત સમયે સતીશ ન આવ્યા. મને ખૂબ નિરાશા થઈ. બપોરે આવી સતીશે કહ્યું, ‘માએ મને રાતે સંદેશો મોકલી કહેવડાવ્યું હતું કે, ‘આવતીકાલે મારી દીકરી દીક્ષા નહીં લઈ શકે કારણ, એની તબિયત સારી નથી. તું એને ૫૨મ દિવસે સવારે દસ પહેલાં લાવજે.’ તો એના મોડા આવવાનું કારણ આ હતું. પૂજ્ય માની આ દિવ્ય અગમચેતીથી હું આશ્ચર્ય પામી ગઈ.

બીજી સવારે મને સારું લાગતું હતું. મારી સાથે આવવા માટે સતીશ પણ સમયસર આવી ગયા હતા. માની સલાહ મુજબ થોડાં ફળ, થોડી મીઠાઈ, ફૂલ, બિલીપત્ર અને પાતળી લાલ કિનારવાળી સાડી લઈ હું ત્યાં પહોંચી. માનો દેખાવ મને અદ્‌ભુત લાગ્યો. પીળી સાડીમાં સજ્જ, જાણે કે મારા ઇષ્ટ, રૂપ લઈને મા દરવાજે ઊભાં હતાં. મારી ઉપર દૃષ્ટિ પડતાં એ બોલ્યાં, ‘તું પાંચ મિનિટ મોડી થઈ ગઈ છો. જલદી મંદિરમાં આવ.’ એમણે જાતે જ ઠાકુરની છબીની સામે આસન પાથર્યું અને જાતે જ સાફ કર્યું.’ એમણે પાથરેલા આસન પર મારાથી કેમ બેસાય?’ એવો વિચાર મને આવ્યો તરત જ માએ એ આસનને પગથી ધક્કો માર્યો અને કહ્યું, ‘હવે તો તને સંતોષ છે ને? રે ભગવાન! છોકરી તો બહુ ચીકણી છે.’ ઘેરથી નીકળતી વખતે, ગાડીવાળાને આપવા માટે મારી સાડીને છેડે મેં બે રૂપિયા બાંધ્યા હતા. પણ એ હું તે સમયે ભૂલી ગઈ હતી. હું બેસવા જતી હતી ત્યારે મા બોલ્યાં, ‘બેટી, કામિની અને કાંચનનો ત્યાગ કરનાર ઠાકુરનું શરણું લેવા તું આવી છો અને તારા પાલવને છેડે બે રૂપિયા બાંધેલા છે. એને છોડી નાખ.’ મેં તરત જ તેમ કહી એ રૂપિયા ભીંત પાસે જમીન ૫૨ રાખ્યા. પછી આસને બેઠી.

બે દિવસ ૫૨ જોયાં હતાં તે જ મા આજે ન હતાં. આ વિચાર આવતાં જ મારું બાહ્ય ભાન ચાલ્યું ગયું. તરત જ માએ મને પકડી લીધી અને આસન પર મને ટટ્ટાર બેસાડી. મારા મસ્તકે હાથ મૂકી એ ત્રણ વાર બોલ્યાઃ ‘ગભરા નહીં.’ પછી ઊમેર્યું, ‘તું હવે નિર્ભય થા; તારો પુર્નજન્મ થયો છે. તારા બધા આગલા ભવનાં કર્મોનું ફળ હું લઈ લઉં છું. હવે તું વિશુદ્ધ છો, તું પાપથી મુક્ત છો.’ પછી હું ભાનમાં આવી અને, માએ મને દીક્ષા આપી.

મેં માને પૂછ્યું, ‘જપનાં ફળ તજી દેવા માટેનો કોઈ મંત્ર છે?’ માએ કહ્યું, ‘જપનાં ફળ તજી દેવાની વાત ન કર, જપનાં ફળ અર્પણ કરવાનું કહે.’ દીક્ષા આપ્યા પછી મારા હાથમાં મીઠાઈનો થોડો પ્રસાદ મૂકી મા બોલ્યાં: ‘દીક્ષા પછી ગુરુ પાસે વધારે વખત રોકાવાય નહીં. એટલે આજે તું ઘેર જા અને કાલે આવજે અને બપોરે જમજે અહીં.’ એમને પ્રણામ કરી હું ઘેર પાછી ફરી. બીજે દિવસે બપોરે હું મા પાસે ગઈ અને ત્યાં પ્રસાદ લીધો. જમી લીધા પછી હું એમની પાસે જઈને બેઠી. એમણે પૂછ્યું, ‘તને લખતાં વાંચતાં આવડે છે? રોજ થોડી ગીતા વાંચજે અને શ્રીરામકૃષ્ણ કથામૃતમાંથી તથા શ્રીરામકૃષ્ણ પુંથિમાંથી પણ થોડું થોડું વાંચજે. ઠાકુર વિશે બીજી ચોપડીઓ પણ છપાઈ છે, એ પણ વાંચજે.’

હું બોલીઃ ‘મા, તમે જાણો છો કે ઘર-સંસારી બાબતોમાં મારું ચિત્ત જરાય ચોંટતું નથી અને સંસારીઓની વચ્ચે વસવામાં મને કેટલી પીડા થાય છે. સંસારી લોકો વચ્ચેથી મને મુક્ત કરવા હું તમને વીનવું છું.’ માએ કહ્યું, ‘બેટા, તારે માટે સંસારી જીવન એટલે શું? તારે માટે સંસારી જીવન ઝાડ નીચે વસવા સમાન છે. પણ શું દુન્યવી જીવન ઇશ્વરથી ભિન્ન છે? એ સર્વવ્યાપી છે. વળી તું નારી છો; તું ક્યાં જશે, દીકરી? એ તને જ્યાં ને જેમ રાખે એથી સંતોષ માન. એને સાદ ક૨વો અને એને પ્રાપ્ત કરવો એ ધ્યેય છે. તું એને સાદ કરીશ તો એ તારો હાથ પકડી તને દોરશે. એની ઉપર બધો ભાર મૂકી દે પછી તને ડર નહીં રહે. અને બીજી વાત. ગુરુ અને શિષ્ય સાથે રહે તે ડહાપણ ભર્યું નથી કારણ, ગુરુ અને શિષ્ય સાથે રહે તો, ગુરુની બધી દિનચર્યા જોતાં શિષ્યાને લાગે કે ગુરુ તો સામાન્ય માણસ જ છે. આથી શિષ્યને નુકશાન થાય. ગુરુના નિવાસની નિકટના કોઈ સ્થાને શિષ્ય રહે, રોજ ગુરુને થોડો સમય મળતો રહે, ગુરુના સહવાસનો અને એમની શિક્ષાનો આનંદ એ માણે એને લાભદાયી છે. પરંતુ, બંને વચ્ચે અવારનવાર સંપર્ક ન થતો રહે તો, ગુરુ હંમેશાં પોતાના શિષ્યને યાદ ન રહે. તારે રોજ અહીં આવવું.’

મારા હવે પછીના જીવનની દિશા કઈ છે તેનો સ્પષ્ટ ખ્યાલ માના આ શબ્દોએ મને આપ્યો. મારે માટે સંસારી જીવન નિર્માયું છે અને ત્યાગ નથી, એ વિચારે મને ખૂબ રડાવી. આમ મને રડતી જોઈ મા કાળજીપૂર્વક મને આશ્વાસન આપવા લાગ્યાં. એ કહેઃ ‘બેટા, મારું આખું જીવન મેં સંસારમાં જ વીતાવ્યું છે. તું તો ઘણી નાની છો. ધર્મને માટે અહીં તહીં આથડવું જોખમકારક છે. તું ગમે ત્યાં અને ગમે દશામાં રહેતી હોઈશ, તને સંસારનો મેલ લાગશે નહીં એમ હું તને કહું છું. ઠાકુર બેઠા જ છે. તારે ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’

પછી, માને પ્રણામ કરી હું ઘેર આવી. તે પછી, લગભગ દ૨૨ોજ હું મા પાસે જતી; મોટે ભાગે બપોર પછી જતી અને અંધારું થવા લાગે તે પહેલાં પાછી વળી જતી. મા૨ી આધ્યાત્મિક સાધના માટે એમણે મને આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું. મને કોઈ શંકા કે પ્રશ્ન ઊઠે તો એનું સમાધાન પોતાની પાસેથી મેળવી લેવાનું માએ મને કહ્યું હતું. પરંતુ, માનાં કેવળ દર્શનથી જ મારું હૃદય આનંદથી છલકાઈ જતું. મને લાગતું કે મેં બધી સિદ્ધિ મેળવી છે, બધું પ્રાપ્ત કર્યું છે અને, હવે મારે કશું માગવાનું નથી. મારે મન મા પૂર્ણ ગૌરવશાળી જગજ્જનની સિવાય બીજું કશું ન હતાં અને મારા ગુરુ સ્વરૂપે મારા ઇષ્ટદેવતાને રૂપે હાજર હતાં. પ્રાપ્ત કરવાનું મારે બીજું શું બાકી હતું? આ વિચારે મને અસીમ આનંદ થતો, માને મેં કદી જ કોઈ પ્રશ્ન કર્યો ન હતો. એ પોતે જે કંઈ કહેતાં તેથી મને સંતોષ હતો. એક દિવસ મેં એમને કહ્યું ‘મા, તમે અંતર્યામી છો, બધું જ જાણો છો, છતાં મારે ભારપૂર્વક કહેવું જોઈએ કે, સંસારીઓના વ્યવહારથી હું ડરું. છું અને એને હું ખૂબ ધિક્કારું છું. મારે કુટુંબ નથી, ઘર નથી, પૈસો નથી. તમારી પાસે કદી પણ હું એ નહીં માગું, આમ કહી હું ખૂબ રડી. ઉત્ત૨માં, કોઈ મા પોતાના નાના બાળકને આશ્વાસન આપે તે રીતે, સરળ શબ્દોમાં માએ મને આશ્વાસન આપ્યું. મારી ઉપાધિઓ હું ભૂલી ગઈ અને આનંદના મહાસાગરમાં હું તરવા લાગી.

કોઈકવાર મા કહેતાં, ‘ઠાકુર કહેતા કે, ‘માયાના સમુદ્રમાં કૂદી ન પડો, નહીં તો, મગરીઓ અને મગરો ખાઈ જશે.’ પણ તારે શું કામ મુંઝાવું જોઈએ? તારી મદદમાં તો ઠાકુર છે જ.’

મા પોતે લોકોથી ખૂબ અજાણ રીતે જીવન વ્યતીત કરતાં અને, મને પણ તેમણે તેમ જ રહેતી કરી. મોટે ભાગે હું સ્ત્રીભક્તોને જ મળતી. બેલુડ મઠના સાધુઓને હું ભાગ્યે જ મળતી. પરંતુ એકલાં માને મળીને જ મને લાગતું કે, વિશ્વમાં જોવા જેવું બધુંય મેં જોઈ લીધું છે. મારા આવા વલણને કારણે માએ મારો સ્વીકાર કર્યો હતો એમ મને આજે લાગે છે. મા મને આટલું જ કહેતાંઃ ‘બધા સંજોગોમાં સંતોષ માન અને ઠાકુરનું નામ લેતી રહે.’

એક દિહાડો સિસ્ટર નિવેદિતા સ્કૂલની કેટલીક વિદ્યાર્થિનીઓને સુધીરાદીદી મા પાસે લાવ્યાં. એમાંની એક બોલી: ‘મા, ક્ષીરોદદીદીને આપ અમારી સાથે શા માટે નથી રહેવા દેતાં? ત્યાં રહીને એ છોકરીઓને ભણાવી શકે.’ પણ મેં તો અજાણતાંયે કદી એમની સાથે મારા રહેવાની જમવાની વાત કરી ન હતી. એટલે, એ વાતથી મને જરા દુઃખ થયું. ‘તમારે આમ શા માટે કહેવું જોઈએ?’ મા બોલ્યાં. ‘બધા માણસો એક જ હેતુ માટે જન્મતા નથી. ભણીને તમે પછી છોકરીઓને ભણાવજો. – તમારો એ હેતુ છે. પણ ક્ષીરોદ એ માટે નિર્માઈ નથી. શિક્ષણનો વ્યવસાય ઉમદા છે બેશક, પણ એ ક્ષીરોદ માટે નથી.’ છોકરીઓના ગયા પછી મા બોલ્યાંઃ છોકરીઓને ભણાવવી તે શું સરળ વાત છે?’

એક વેળા હું મારે ગામડે ગઈ હતી અને પાછા વળતાં રાધારાણી માટે શંખની બંગડી લેતી આવી હતી. પણ એને એ પહેરી જ ન શકી એટલે રોવા લાગી. એથી મારી આંખે પણ આંસુ આવ્યાં. મને થયું, આટલી આશાથી હું એ લાવી અને રાધુ તો એ પહેરી નહીં શકે. નલિનીદીદી, સરલાદીદી, રાધુ અને હું આ વિશે ધીમે અવાજે વાત કરતાં હતાં ત્યારે, મા મંદિરમાં હતાં; ત્યાંથી રાધુને બોલાવી કહ્યું, ‘તમે બધાં અહીં આવો.’ અમે ગયાં એટલે એમણે પૂછ્યું, ‘શી બાબત છે?’ રડતાં રડતાં રાધુ બોલી, ‘આ દીદી મારે માટે શંખની બંગડીની સુંદર જોડ લાવ્યાં છે પણ મારાથી પહેરી શકાતી નથી એ ખૂબ ટૂંકી પડે છે.’ મા કહે, ‘તું કેવી વાત કરે છે? મારી દીકરી તારા માટે શંખની બંગડી લાવી છે અને તને પૂરી નથી થતી! તમારે પ્રથમ મારી પાસે આવવું જોઈતું હતું. લાવો, મને જોવા દો એ કેમ ચડી શકતી નથી.’ આટલું બોલી પાંચ મિનિટમાં માએ એ બંગડી રાધુને કાંડે ચડાવી આપી. આથી અમે બધાં વિસ્મિત થઈ ગયાં. આંસુવાળી આંખે રાધુ મલકી ઊઠી. માએ કહ્યું, ‘તારી પાસે શંખની બંગડીની સુંદર જોડ છે. જા, જઈને ઠાકુરને પ્રણામ કર અને પછી મને તેમજ મારી દીકરીને પણ કર.’ એ આ શબ્દો બોલ્યાં ત્યારે મારું હૃદય ધડકવા લાગ્યું મને વિચાર આવ્યો કે માએ મારી લત્તો, મારી જ્ઞાતિ કે મારાં કુટુંબીઓ વિશે મને કદી પૂછ્યું ન હતું. હું બોલી ઊઠી, ‘મા, હું જ્ઞાતિએ કાયસ્થ છું. રાધુએ મારે પગે શા માટે પડવું જોઈએ?’ પોતાની જીભ કરડી મા બોલ્યાં, ‘આમ નહીં બોલ. તું બ્રાહ્મણ છો કે કાયસ્થ તે શું હું જાણતી નથી? તું અહીં કેટલા સમયથી રહે છે. શું હજીયે કાયસ્થ છે તું?’ આમ બોલી એણે રાધુને કહ્યું, ‘જા, તારી મોટી બહેનને પગે લાગ.’ તરત જ રાધુ ઊઠી અને એણે ઠાકુરને, પૂજ્ય માને અને મને પ્રણામ કર્યા. મેં સામા પ્રણામ કર્યા. મા હસી પડ્યાં અને બોલ્યાં, ‘તો તેં સામા પ્રણામ કર્યા?’ પણ પરિસ્થિતિએ મને અસ્વસ્થ બનાવી હતી એટલે હું વણબોલી બેઠી રહી.

એક દહાડે રાધુ, નલિનીદીદી અને બીજાંઓએ મને જિજ્ઞાસાપૂર્વક પકડી પાડી. મારું ઘર ક્યાં આવ્યું, મારી જ્ઞાતિ કઈ છે અને મારાં સગાંવહાલાં કોણ છે તે મારે તેમણે કહેવાનું હતું. પણ આ બધું કહેતાં હું અચકાતી હતી. તે દિવસે માએ સૌને બોલાવી કહ્યું, મારી દીકરીને આટલી હેરાન શું કામ કરો છો? મારી પાસે આવો. હું તમને બધું જ કહીશ.’ બધાં મા પાસે દોડી ગયાં. હું પણ એમની પાછળ ગઈ. મને થયું… ‘માએ આ અંગત બાબતો વિશે મને કદી પૂછ્યું નથી. એ શું કહેશે તે આજ હું સાંભળીશ.’ એ સૌ માને કહેવા લાગ્યાં, ‘ક્ષીરોદદીદી અહીં લાંબા સમયથી આવે છે પણ, પોતાનું વતન, પોતાની જ્ઞાતિ કે પોતાનાં સંબંધીઓ કોણ છે તે કશું કહ્યું નથી. આજે અમે એમને ભાવપૂર્વક પૂછ્યું પણ એ કંઈ જ કહેતાં નથી.’ માએ કહ્યું, ‘હું તમને બધું જ કહીશ. સંતરાં ઉગાડતા પ્રદેશમાં એ જન્મી છે. એના સસરા બીજા જિલ્લામાં રહે છે અને એ ચંદ્રકાંતાના નજીકના સગા છે. એનું કોઈ જ નથી, મા પણ નથી. પણ એનો એક ભાઈ છે.’ આટલું બોલી, મારી સામે જોઈ માએ મને પૂછ્યુંઃ ‘દીકરી બરાબર કહ્યું છે ને?’ એમણે મારાં બાનું નામ લીધું ત્યારે મેં ઊંડો નિસાસો નાખ્યો. અંતર્યામી હોઈને, બીજાના ભીતરનાં વિચારો અને લાગણીઓને એ સમજી શકતાં. મારો નિઃશ્વાસ વ્યથાનો હતો તે એ સમજી ગયાં. તરત જ બોલ્યાં, ‘અરે! તારાં બાનું નામ લીધું ત્યારે તને દુઃખ થયું હતું, નહીં? પણ એ જીવતાં હોત તો પણ તારે માટે શું કરી શકત? તારી આફતના એ અસહાય સાક્ષી બન્યાં હોત. મા તરીકે મને મેળવ્યા પછી પણ તને તારાં બાની ખોટ વર્તાય છે?’ આ શબ્દો સાંભળી મને આનંદનાં આંસુ આવી ગયાં. નિલનીદીદીને અને બીજાંઓને માએ પૂછ્યું, ‘તમારે વધારે શું જાણવું છે?’ ‘એમની જ્ઞાતિ કઈ છે?’ એ લોકોએ પૂછ્યું. ‘હું એ જાહેર નહીં કરું,’ મા બોલ્યાં. ‘એ ભક્તો છે ને એમની એક જ જ્ઞાતિ છે.’ માના શબ્દોથી મારું હૈયું હરખથી છલકાયું; હું કંઈ બોલી શકી નહીં.

કાલીપૂજાને એક દિવસે, સાંજે હું પૂજ્ય માને મળવા ગઈ. એ દિવસે માના ઘ૨માં ખૂબ ભીડ હતી. જતાં જતાં પચાસ પૈસા આપી મેં પાંચ ચંપકફૂલ ખરીદ્યાં. માને ચરણે એ ધરતાં મને ખૂબ તકલીફ પડી. એ કહે, ‘આજે ટોળું મોટું છે. આજ અહીં રોકાઈશ નહીં. સુધીરાને મળી ગૌરીદાસીને ઘેર જજે અને એમની સાથે વાત કર્યા પછી ઘેર જજે.’ માના આ શબ્દો સાંભળી મને ખૂબ નવાઈ થઈ. આવી સલાહ અગાઉ કદીયે એમની પાસેથી મેં સાંભળી ન હતી. મેં પૂછ્યું: ‘હું ગાડીમાં જઉં કે ચાલી ને? મારી સાથે કોઈ આવશે કે એકલી જ જઉં?’ માએ કહ્યું, ‘ચાલીને જા અને એકલી. કાયમ માટે શું નાની છોકરી જ રહીશ? હવે જા અને બીજી વાર આવજે.’

પછી માનું નામ લઈને, વધારે વિચાર કર્યા વિના હું તરત ચાલવા લાગી. રસ્તે મળતાં લોકોને પૂછતાં પૂછતાં હું સ્કૂલે પહોંચી ગઈ; સુધીરાદીદી એનાં આચાર્યા હતાં. મને જોઈ એ ખૂબ આશ્ચર્ય પામ્યાં, મને કહે, ‘અંધારામાં તમે એકલાં કેવી રીતે આવ્યાં? શા માટે આવ્યાં છો?’ મેં જવાબ આપ્યો, ‘આવવાનો હેતુ હું જાણતી નથી. માએ કહ્યું એટલે આવી છું.’ આ સાંભળી, છાત્રાલયમાં રહેતી છાત્રાઓને એમણે બોલાવી તેમને કહ્યું, ‘તમારો અભ્યાસ આઘો મૂકી અહીં આવો. માને ત્યાંથી ક્ષીરોદદીદી આવ્યાં છે. એમને મળવા આવો.’

બધી છોકરીઓ આવી અને મને ઘેરીને બેઠી. પણ મારે જવું હતું એટલે મેં કહ્યું, ‘મારે અત્યારે જ શારદેશ્વરી આશ્રમે જવાનું છે.’ સુધીરાદીદીએ મને પૂછ્યું, ‘તમે એકલાં જ જશો?’ હું બોલી, ‘માની સૂચના છે કે મારે એકલી જ જવું.’

હું ચાલી નીકળી. જેવી હું ચાલવા લાગી ત્યારે જ, છોકરીઓના છાત્રાલયના પાછળના ભાગમાંથી એક સદ્‌ગૃહસ્થ નીકળ્યા અને, મારી પાછળ ચાલવા લાગ્યા. કોઈ અજાણ્યો માણસ મારો પીછો કરી રહ્યો હતો તેથી મારું હૃદય ધડકવા લાગ્યું. ગૌરીમા એવા આકરા સ્વભાવનાં હતાં કે કોઈ અજાણ્યાને મારી સાથે જોઈને મને વઢવા લાગે. પણ હું એ પુરુષ સાથે બોલી નહીં. શારદેશ્વરી આશ્રમને દરવાજે આવી મેં તેને કહ્યું, ‘માજી (ગૌરીમા એ નામે ઓળખાતાં હતાં)ને બોલાવો. એમને કહો કે માના બાગબજારને ઘેરથી એક સ્ત્રી મળવા આવી છે.’

થોડી વાર પછી એક હાથમાં ઘીનો દીવો અને બીજા હાથમાં બળતા ધૂપવાળું ધૂપિયું લઈ ગૌરીમા નીચે આવ્યાં. એમને પ્રણામ કરવા ગઈ તો મને કહે, ‘આજ તારા પ્રણામ મારાથી સ્વીકારી શકાય?’ મક્કમપણે એમણે મારા પ્રણામ સ્વીકાર્યા નહીં. જાણે કે મારી આરતી ઉતારતાં હોય તેમ, મારા મુખ આગળ ગૌરીમાને દીવો હલાવતાં જોઈ, મને નવાઈ થઈ. તરત જ એમનો મોરો બદલાયો. એમણે પૂછ્યું: ‘તું ક્યાંથી આવે છે? ક્યાં રહે છે? તું અહીં શા માટે આવી છે? મારી તરફ ચીંધી પેલા ભાઈએ કહ્યુંઃ ‘એ સુધીરાદીદીને ત્યાં ગઈ હતી અને કહેતી હતી કે ‘મારે અહીં આવવું છે.’ મને થયું કે હું તમને કદી મળ્યો નથી એટલે, એની સાથે આવીશ તો હું પણ તમને મળી શકીશ હું આવ્યો છું આટલા માટે.’

‘તારું નામ શું છે?’ એમ ગૌરીમાએ પૂછતાં એણે પોતાની ઓળખ આપી. ત્યારે મેં એને ઓળખ્યો કારણ મેં એનું નામ સાંભળ્યું હતું. ગૌરીમા બોલ્યાં, મેં તારું નામ સાંભળ્યું છે. તું સિલ્હટ (હાલ એ બાંગ્લાદેશમાં)નો છો. ગૌરીમા પડદે રહેતી નથી એટલે તું એને ગમે ત્યાં મળી શક્યો હોત. સાધુઓને મળવું હોય તો તું બેલુડ મઠમાં જા. સાધ્વીને મળીને શું કરીશ?’ એ ગૃહસ્થે કહ્યું, ‘રવિવારે અહીં આવું તો તમને મળી શકું એમ આશા છે.’ ગૌરી મા કહે, ‘બિલકુલ નહિ, મારી દિકરીઓ અહીં વસે છે. અહીં તારાથી મને નહીં મળી શકાય.’ આ સાંભળી, ગૌરીમાને પ્રણામ કરી એ ગૃહસ્થ ગયા.

પછી ગૌરીમા મારી ભણી ફર્યાં. મને કહે, ‘પૂજ્ય મા વિશે તું શું વિચારે છે? કૈલાસની સામ્રાજ્ઞી સિવાય એ બીજું કશું નથી. સામાન્ય મનુષ્ય તરીકે કોઈએ એમને વિશે વિચારવું જોઈએ નહીં. મા જગદ્‌ગુરુ છે, જગજ્જનની છે. તેં એમને ગુરુ તરીકે સ્વીકાર્યાં છે પછી તારે શી ચિંતા છે?’ પછી ગૌરીમા- એ પૂરા બે કલાક સુધી પૂજ્ય મા અને શ્રીરામકૃષ્ણ સંબંધી વાતો કરી. આવીને ઊભી હતી તેમ હું દરવાજે જ ઊભી રહી. એ પોતે પણ વાત કરતાં ત્યાં જ ઊભાં હતાં. અચાનક મારો હાથ પકડી મને કહેઃ ‘ચાલ, આપણે જઈએ; માની પૂજા કરીશું.’ મેં કહ્યું, ‘બાગબજાર ફરી વાર આવવાની મને સૂચના નથી. વળી મોડું પણ થઈ ગયું છે. હું પછી ઘેર કેમ પહોંચીશ?’ એ મને કહે, મારી સાથે ચાલ. હું માને કહીશ.’ એટલે હું ગૌરીમાની સાથે જવા નીકળી. એમણે બે નાની બાળાઓને સાથે લીધી; એકના હાથમાં ફૂલ હતાં અને બીજીના હાથમાં ફળ અને મીઠાઈ હતાં. એમના પોતાના હાથમાં કમંડળ હતું. રસ્તે જતાં અમને જોઈને લોકો અચરજ પામતા હતા. માના ઘરને દ૨વાજે અમે પહોંચ્યાં તો, ‘રસ્તામાં દેખાડો કરતી ગૌ૨ીદાસી આવે છે’ એમ માને કહેતાં મેં સાંભળ્યાં, એ દિવસે માનું પૂજન કરવામાં ગૌરીમા છેલ્લાં હતાં; બીજાં બધાંએ માનું પૂજન કરી લીધું હતું. કાલીપૂજામાં હોય તે રીતે ગૌરીમાએ ખૂબ સમય સુધી માની પૂજા કરી. પૂજાવિધિ, ખરે જ, જોવા જેવી હતી. પછી હાજર હતાં તે સૌએ પ્રસાદ લીધો. પછી ગૌરીમાએ માને કહ્યુંઃ ‘ક્ષીરોદને હું ફરી અહીં લાવી છું. એણે મને કહ્યું હતું કે એ આપની સૂચના મુજબ નથી. પણ મેં એને કહ્યું કે માને હું જ કહીશ.’ સમ્મતિ દર્શાવતાં મા બોલ્યાં, ‘તમે એ યોગ્ય જ કર્યું છે.’ મેં રાત માને ત્યાં ગાળી. એ રાતે થયેલો આનંદ હું કદી આ જીવનમાં ભૂલીશ નહીં.

હું વિધવા થઈ તેના એક વરસ પહેલાં, કેટલાંક પપૈયાં સમારી મસાલો નાખી, મેં તેમની કઢી કરી હતી. એ પપૈયાંના રસથી મારી આંગળીઓમાં ખરજ ઉપડી હતી. મારી આંગળીઓ ઉપર સોજો આવી ગયો હતો અને થોડા કલાકમાં મારી આંગળીઓની ચામડીમાં ચીરા પડી ગયા હતા. એથી મારે હાથે એવાં ઘારાં પડી ગયાં હતાં કે, જુદી જુદી સારવારથી પણ એ મટતાં ન હતાં. બાર વર્ષથી આ પીડા હું ભોગવતી હતી. જમવા માટે હું ચમચાનો ઉપયોગ કરતી. કોઈક વાર પીડા શાંત થઈ જતી. પણ દરદ જો૨ કરી આવતું ત્યારે, પાણી અડે તો પણ હાથ પાકી જતા. માના નિકટના સંપર્કમાં હું એક વર્ષથી આવી હતી. છતાંય એમને કદીયે મારા હાથ બતાવ્યા ન હતા. મારા આ નશ્વર દેહ વિશે એમણે કદી કશું ન કહેવું, એમ મારો નિર્ધાર હતો. અને મારા આ કાયમી રોગનો એમને ચેપ ન લાગે એ માટે હું એમનાથી એ સંતાડતી હતી. રોગ વકરે ત્યારે એમની પાસે જવાનુ હું ટાળતી, પણ એક વાર ઘારું ઝરતું હતું ત્યારે હું એમને મળવા ગઈ. એમનો ચરણસ્પર્શ કરું ત્યારે ઘારા પર એમની નજર પડે એ બીકે મેં પ્રણામ કરવાનું ટાળ્યું. પણ આ વિચાર મને પીડવા લાગ્યો. એ જ વખતે મેં જોયું પોતાના હાથ સાડી નીચે ઢાંકી એક વિધવાએ માની ચરણરજ લીધી. આથી મને આનંદ થયો. અને મેં પણ મારા હાથ ઉપર સાડી ઢાંકીને મેં માની ચરણરજ લીધી. મેં પ્રણામ કર્યા તેવાં જ આશ્ચર્યચકિત થઈ મા બોલી ઊઠ્યાં, ‘તારી સાડીથી હાથને ઢાંકીને તેં કેમ આજે ચરણસ્પર્શ કર્યો? હાથમાં કશી તકલીફ છે?’

(ક્રમશઃ)

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.