પાછલાં ૩૦ કરતાં વધારે વર્ષોથી ખ્રિસ્તી વેદાંતી લંડનનાં શ્રીમતી ફાફ શ્રીરામકૃષ્ણ નિકટ કેવી રીતે આવ્યાં – બહેતર તો ઠાકુરે તેમને કેવી રીતે પકડ્યાં – તેનાં સંસ્મરણો તેઓ આલેખે છે. આજે એ ઘણાં વૃદ્ધ થઈ ગયાં છે, એ પોતે જ કહે છે કે પોતે જીવનસંધ્યાએ પહોંચ્યાં છે પણ, એમનું પોતાનું જ ખાતરી આપતું વચન છે : ‘પ્રભુના ભક્તોને કશો ભય નથી.’ ઈશ્વરના ભક્તોને માટે સંધ્યા’ જ નથી. – સં.

સ્વામી વિવેકાનંદના જીવન, શિકાગોની ધર્મ પરિષદમાંના એમના કાર્ય અને એમના સંદેશ તેમ જ, સામાન્યપણે, એમના કાર્ય વિશે, પુસ્તકો, લેખો, નિબંધો અને વાર્તાલાપોના થોકબંધ કાગળો લખાયા છે.

એટલે, કશું કહેવાની હિમ્મત કરવી કે એમની સિદ્ધિઓ મૂલવવી એ ઘણું વધારે પડતું અને, વૃથા કાર્ય થશે. સ્વામીજીએ જાતે વારંવાર કહ્યું છે કે, ‘જે કંઈ શુભંકર શબ્દો મારા મુખમાંથી સર્યા છે તે સઘળા મારા ગુરુના છે. કશા યશના કે કશી પ્રશંસાના અધિકારી પોતાને એ ગણતા નથી; જો લેવાનો જ હોય તો પોતે ઠપકો ગ્રહણ કરશે.

સ્વામીજીની તેજસ્વી પ્રતિભાનાં ગુણગાન ગાવાની કે એની પ્રત્યેનો પોતાનો ભાવ દર્શાવવાની એક જ રીત છે તે એ, કે સ્વામી વિવેકાનંદના બોધનો સ્રોત, ઠાકુર શ્રીરામકૃષ્ણ મને કેમ લાધ્યા, મારા જીવનમાં એ બધું કેમ બન્યું તે મારે સમજાવવું.

આપણે સૌ જાણીએ છીએ અને એક કે બીજી રીતે અનુભવીએ છીએ કે, જે ઝંખે છે તેની પાસે ઠાકુર કેવી રીતે પ્રગટ થાય છે. ભલે ઈશ્વરના અસ્તિત્વનો ખ્યાલ આપણને ન હોય પણ, આપણે સૌ ઇશ્વરને ઝંખીએ છીએ અને જીવન શું છે તે સમજવા મથીએ છીએ, એવામાં, અચાનક ભાગ્ય આપણને વેદાંત સાથે ભટકાવે છે અને અનિવાર્ય રીતે આપણે શ્રીરામકૃષ્ણ સન્મુખ આવી જઈએ છીએ.

આ કથા નીચે પ્રમાણે છે; એ યુ.કે.માં લંડનમાં ૧૯૬૯ના અંતમાં અને ૧૯૭૦માં બનેલી છે. હું વિધવા બની હતી અને ઘણી કસોટીઓ અને યાતનાઓમાંથી પસાર થયા પછી અને જિંદગીમાં ઘણા ખત્તા ખાધા પછી મારા હાથમાં એક પુસ્તક આવી પડ્યું જેણે પડદો ઊંચો કર્યો. એથી ઘણા સમય અગાઉ, ક્રિસ્ટોફર ઇશરવુડ કૃત ‘વેદાંત ફૉર ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ (પૂર્વ અને પશ્ચિમ માટે વેદાંત) વાંચ્યું હતું. એ પહેલી નિશાની હતી પણ હજુ ચાંપ દબાઈ ન હતી.

પછી હાથ ચડ્યું ઈટેલિયન રાજકુંવર લેન્ઝા દેલ વાસ્કોનું ફ્રેંચ ભાષામાં લખાયેલું પુસ્તક ‘આ લૉરિજીન દે સોર્સ’ (સ્રોતના ઉદ્‌ભવ ભણી). એ પુસ્તકમાં હિમાલયમાં ગંગાના મૂળ સુધીની લેખકની યાત્રા નિરૂપાઈ છે જે પોતે ખૂબ આકર્ષક કથા છે અને, ભારતમાંના મહાત્મા ગાંધીના એક આશ્રમની લેખકની મુલાકાતથી એનો અંત આવે છે. લેખક ગાંધીજીના અનુયાયી બને છે અને શાંતિદાસ નામ ધારણ કરે છે. એમાંથી એમને પોતાનું કર્મ સૂઝે છે અને, ફ્રાન્સના દક્ષિણ ભાગમાં, એ જ ધોરણે ચાલતો એક આશ્રમ એ સ્થાપે છે.

એ પુસ્તક વાંચ્યા પછી, ફ્રાન્સમાં એ આશ્રમ ક્યાં આવ્યો છે તે જાણવા મેં તપાસ કરી ત્યારે એક ઘટના ઘટી. લંડનની ભારતીય હાઈ કમિશ્નરની ઑફિસમાં ફોન કર્યો તો, લંડનના હૉલેન્ડ પાર્ક વિસ્તારમાં આવેલા રામકૃષ્ણ વેદાંત સઁટરનો હવાલો મને આપવામાં આવ્યો. એ વેદાંત કેન્દ્રની પહેલી યાદગાર મુલાકાત પછી દક્ષિણ ફ્રાન્સમાં જવાનો પ્રશ્ન જ રહ્યો નહીં. એને બદલે, ત્યાર પછીથી, રામકૃષ્ણ-વેદાંન્ત કેન્દ્ર ઠેલી જ ન શકાય તેવું આકર્ષણ જન્માવ્યું અને, ઘણા પ્રશ્નોના ઉત્તરો પૂરા પાડ્યા અને, એવો સંબંધ બંધાયો જે આજ સુધી ચાલુ રહ્યો છે.

શાસ્ત્ર ગ્રંથોનાં સૂક્ષ્મ સત્યોને લાગે વળગે છે ત્યાં સુધી, આધ્યાત્મિક સાધનાને પંથે વળનાર બાળકના જેટલો અજ્ઞાની હોય તે લાભદાયક છે, પોતાની ઊર્મિઓને કેમ રજૂ કરવી તેની ખબર નહોતી પણ ભાઈ ઈશ્વર સંબંધી ઉત્તરો ખોળવા નીકળ્યા છે. મારો ઉછેર ઈશ્વરથી ડરતા અને સીધે માર્ગે ચાલતા ધાર્મિક કુટુંબમાં નૅધર્લેન્ડઝમાં થયો હતો, બાળવયે હું રવિવારી ધાર્મિક શાળામાં જતી અને પછીથી દર રવિવારે ચર્ચમાં જતી; ભલે એ ફરજ્યિાત ન હતું પણ એ નાના નગરસમાજમાં થતું એટલે, સુધારક પ્રોટેસ્ટંટ પૂર્વભૂમિકા સાથે હું ગઈ. આપણે પહેલી વાર વેદાંત વિચારની સામે આવીએ છીએ ત્યારે, આપણને પ્રકાશ દેખાવાની શરૂઆત થાય છે; આંખ આડેનાં પડળ ધીમે ધીમે ખસવા લાગે છે અને ‘આ અદ્‌ભુત સત્ય તરફ મારું ધ્યાન પહેલાં કેમ ન ગયું’ તેનું આપણને આશ્ચર્ય થાય છે – શાણપણના આ શબ્દો પોતાને ‘સત્ય’ મોડું લાધ્યાનો વસવસો સૂચવે છે. ઠાકુરની આ બીજી યુક્તિ છે; તમે એમનો સ્વીકાર કરવા તૈયાર થાઓ ત્યારે જ એ સમીપ આવે છે! વેદાંતી ચિંતન સંબંધી આશ્ચર્યકારક બાબત એ છે કે, વ્યક્તિને પોતાને ભલે તેની જાણ ન હોય પણ, દરેક વ્યક્તિમાં ઉચ્ચતમ સત્યને જાણવાની તાલાવેલી અને એ સત્યને પામવાની પ્રબળ ઇચ્છા રહેલાં છે; એને જાણ નથી કે પોતાની ભીતરથી જ પ્રાપ્ત કરી શકાય છે.

સાધિકા હવે ઠાકુરના જ સકંજામાં આવી છે અને ઠાકુર હવે એને છોડશે નહીં. ‘સ્રોત’ની સમીપ લઈ જાય તે બધું જાણવા માટે, જાણે કે, આપણે કૃતનિશ્ચયી બનીએ છીએ.

આપણે પ્રશ્ન તો પૂછવા છે પણ આપણે કેન્દ્રના વડા ભવ્યાનંદજી પાસે તદ્દન અજ્ઞાત અને પૂરા મૂર્ખા ન દેખાઈએ એ ભયે પ્રશ્નો પૂછતાં આપણે સંકોચ પામીએ છીએ.

પહેલી મુલાકાત દરમિયાન અચકાતાં અચકાતાં પૂછાયેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર આપતાં સ્વામીજીએ મારો અજંપો દૂર કર્યો અને, એમના સમય ઉપર તરાપ મારતી નથી એવું મને લાગ્યું. એમણે મને કશુંક વાંચવા ભલામણ કરી અને તે પછી, રવિવારી વ્યાખ્યાનોમાં તેમજ, પૂજ્ય શ્રીમાના જીવનચરિત્રના માસિક વાચનમાં હું નિયમિતપણે જવા લાગી. એથી મને પુષ્કળ લાભ થયો અને મારી ગાડી પાટે ચડી ગઈ.

દરમિયાન શ્રીરામકૃષ્ણ જયંતી ઉત્સવ આવ્યો અને મને પૂજામાં હાજરી આપવાનું કહેવામાં આવ્યું. બીજા દર્શનાર્થીઓ સાથે, મોટી આશાથી મેં એ કાર્યક્રમમાં હાજરી આપી અને, મારા આશ્ચર્ય વચ્ચે, પૂજાને અંતે બધા ભક્તોએ ઘૂંટણિયે પડી પ્રણામ કર્યા અને, વેદી પરની શ્રીરામકૃષ્ણની છબીને એક ફૂલ અર્પણ કર્યું ત્યારે, હું પણ એમને અનુસરી અને, એ અગત્યને અવસરે હાજર રહેવા બદલ કૃપાપાત્ર થયાનું અનુભવ્યું. ભાવપૂર્ણ અવાજે, સ્વામી ભવ્યાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી વાચન કર્યું. એ સાંજ અવિસ્મરણીય બની ગઈ.

પછીથી શક્ય હોય ત્યારે, મહિનાઓ અને વર્ષો સુધી આરતી સમયે કેન્દ્રમાં જવાની નિયમિત આદત પડી ગઈ. હું ઘણી વાર પ્રશ્નો પૂછતી અને મારી ઘણી શંકાઓને અને ગેરસમજોને સ્વામી ભવ્યાનંદજીના સૌમ્ય અને શાંત સમજભર્યા વલણે દૂર કરી. તેઓ શ્રીરામકૃષ્ણનું વાજિંત્ર હતા અને, આટલી ઉદારતાથી એમણે આપેલાં માર્ગદર્શન અને સૂચનો વગર મારાથી કશી પ્રગતિ સાધી શકાઈ ન હોત.

પાછળ દૃષ્ટિ કરતાં; મને લાગે છે કે, ખ્રિસ્તી ભૂમિકાવાળી અને હિંદુ વિચારણાથી અપરિચિત એવી વ્યક્તિ શ્રીરામકૃષ્ણને ઇશ્વરના વ્યક્ત સ્વરૂપ તરીકે જુએ અને એમનામાં શ્રદ્ધા અને ભક્તિ દાખવે એ શ્રીરામકૃષ્ણની સૂક્ષ્મ શક્તિને જ આભારી છે.

જૂના સંસ્કારો દૂર થાય અને, વર્ષોના અભ્યાસથી મન એકાગ્ર થાય ત્યાર પછી, ધ્યાનનો નિત્ય અભ્યાસ આશીર્વાદરૂપ થાય છે અને મનને શાંતિ અને આનંદ લાધે છે. બીજી કોઈ પણ બાબત કરતાં વધારે તો, સ્વામીજી તરફથી આપણો વત્સલ સ્વીકાર અને ઉદાર સમજ આપણા ચિંતનમાં સંપૂર્ણ પરિવર્તન આણે છે.

કશા બદલાની અપેક્ષા વિના સામી વ્યક્તિને નિર્વ્યાજ ચાહવાનું જાણનાર ઠાકુર એકલા જ હતા એમ, ઠાકુરના બધા અંતરંગ શિષ્યો શા માટે કહેતા તે આપણને સમજાવા લાગે છે. શ્રીરામકૃષ્ણનો સંદેશ સંપૂર્ણ રીતે પ્રદાન કરતા ગુરુને મેળવવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થતાં આ પ્રેમનો અનુભવ થવા લાગે છે. કર્મના માર્ગની સાથે આધ્યાત્મિક સાધનાને જોડવાની ભલામણ કરવામાં આવે છે. પહાડ ને શિખરે કે સ્રોતના મૂળ તરફ જવાનો માર્ગ ખીણમાંથી જ પસાર થવો જોઈએ. મને એક વાતનું સ્મરણ થાય છે : ૧૯૩૭માં શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી ડેલ્ફટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા મારા નાના ભાઈ સાથે હું સ્વિત્ઝરર્લેન્ડને પ્રવાસે ગઈ. અમારા સાથે બાળપણમાં, અમારાં બા સાથે અમે એસ્કોનામાં એક વર્ષ રહ્યાં હતાં તેથી અમે આ પ્રવાસ કર્યો. આખો પ્રવાસ અમે એની કન્વર્ટિબલ મૉડેલ ટી-ફોર્ડ મોટરમાં કર્યો. સ્વિસ આલ્(પ્સ) પહાડમાં થઈ ગોટ્‌હાર્ડ ઘાટને રસ્તે અમે ગયાં અને, નેધર્લેન્ડઝમાં થઈ વિવિધ મુખે સમુદ્રમાં પ્રવેશતી ર્‌હાઈન નદીનું મૂળ જોયું. એ ઘટના તેમજ એસ્કોનાના ડુંગર પર આવેલ ‘માદોના દેલ આસો’ (ખડક પરનાં કુમારી માતા – ઈસુનાં માતા મેરી)ની પુનઃ લીધેલી મુલાકાત મારા મનમાં હજી તાજી જ છે. આ બનાવ મને ફરી વર્તમાનમાં આણે છે.

ઈસુ ખ્રિસ્તના બોધને હવે હું વધારે સારી રીતે સમજી શકું છું. અને, મારા ચિત્તમાં મને એવો સાક્ષાત્કાર થયો છે કે શ્રીરામકૃષ્ણમાં ઈસુ સૂક્ષ્મરૂપે વસે છે અને, સંનિષ્ઠ સાધકને પોતાની પ્રતીતિ કરાવે છે.

‘કંપ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’ (સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા)ના વાચનથી વેદાંતના બોધની પ્રભાવક અસર થાય છે. આરંભમાં જ મેં છ ભાગ સાદ્યન્ત વાંચી કાઢ્યા – હાંસિયાઓમાંની પેન્સિલની નિશાનીઓ અને દરેક ગ્રંથમાં દોરેલી અર્ધ રેખાઓ એની સાક્ષી પૂરે છે; જે કંઈ અસરકારક લાગે કે કાનમાં ઘંટ વગાડે તેની નીચે લીટી કરવી જ જોઈએ એમ મારા ગુરુ કહેતા; ઊંડાણથી વાંચવાનો એ જ રસ્તો છે.

વીતેલાં વર્ષોમાં આધ્યાત્મિક બાબતોમાં ઘણી શિખામણો અને ખૂબ મૂલ્યવાન સહાય મારા ગુરુએ મને આપી છે અને, ભાવાત્મક ચિંતનના વિકાસમાં એ સર્વ મદદરૂપ થઈ છે, ગુરુનાં કૃપા અને આશીર્વાદ પુષ્કળ લાભકારક છે અને, જ્યાં એનું મૂલ્ય આંકી શકાય તેમ નથી ત્યાં, એક જન્મમાં સેવા અને સાધનાથી બદલો વાળી શકાય નહીં. યુ.કે.માં લંડનમાં મારા ગુરુ રામકૃષ્ણ-વેદાંત સૅન્ટરના અધ્યક્ષ તરીકે આવ્યા ત્યારથી, તે ૧૯૯૩માં એમનું અવસાન થયું ત્યાં સુધી, પૂરાં ૨૪ વર્ષ, એમની સેવા કરવાનું સદ્‌ભાગ્ય મને સાંપડ્યું હતું. ‘કથામૃતમાં કહ્યું છે, પ્રભુ ભક્તોએ કશાથી ડરવાનું નથી. તેઓ એના પોતાના જ છે; પ્રભુ હંમેશાં એમની પડખે જ હોય છે. બરાબર તેજ રીતે, ગુરુ પણ કદાપિ પોતાના શિષ્યોનો ત્યાગ કરતા નથી. એ સંબંધ સનાતન છે.

૧૯૭૭માં, વેદાન્ત સૅન્ટરને લંડનથી બકિંગ્હેમશાયરમાં, લંડનથી ૨૫ માઈલ (૪૦ કિલોમીટર) દૂર, ઑક્સફર્ડ તરફની દિશામાં ખસેડવામાં આવ્યું. ત્યાં દસ એકરની વિશાળ જગ્યા છે. સ્વામીજીઓને અને એમની સાથે રહેતા બ્રહ્મચારીઓને એથી લાભ થયો પણ મોટા ભાગના ભક્તોને એ ગમ્યું નહીં કારણ દર્શન માટે તેમને લાંબો પ્રવાસ કરવો પડવાનો હતો.

લગભગ છેલ્લાં પંદર વરસથી, ઍમ – ૧૦ના, ઑક્સફર્ડના મોટરમાર્ગે અઠવાડિયામાં ત્રણ વાર હું આવ જા કરું છું સ્વામીજીઓ માટે રસોઈ કરવી અને બીજું કામ કરવા જેવી સેવા હું કરી શકવા લાગી. કારણ, હવે હું નિવૃત્ત થઈ ગઈ હતી.

ભારતની યાત્રા માટે પણ મેં સમય કાઢ્યો. આસામમાં શિલોંગથી કન્યાકુમારી અને વિવેકાનંદ શિલાસ્મારક સુધી મેં રેલયાત્રા કરી. તેની પહેલાં; બેલુડમઠમાં મેં થોડાં અઠવાડિયાં ગાળ્યાં. અગાઉની એક મુલાકાત વેળા મેં વારાણસી, વૃંદાવન, ઋષિકેશની યાત્રા કરી હતી. તેમ જ, શ્રીરામકૃષ્ણ તથા પૂજ્ય શારદામાના જીવન સાથે સંકળાયેલાં સ્થાનોની મુલાકાત પણ લીધી હતી.

વળી, યુનાઈટેડ સ્ટેય્‌ટસમાં મેં થોડાં વરસ ગાળ્યાં અને, પશ્ચિમકાંઠાની તેમજ શિકાગોની વેદાંત સોસાયટીઓની મુલાકાત મેં લીધી હતી.

૧૯૯૩માં, આંતરધર્મ સમજ અને સહકારનું વર્ષ, ‘ગ્લોબલ કોઑપરેશન હાઉસ’માં સ્વામી વિવેકાનંદના માનમાં ઉજવાયેલા ઉત્સવથી આરંભાયું; – એ ‘હાઉસ’ બ્રહ્માકુમારીઓની ‘વર્લ્ડ સ્પિરિચ્યુઅલ યુનિવર્સિટી’ વૈશ્વિક આધ્યાત્મિક વિદ્યાપીઠ-નામનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. એમાં ૭૦૦ બેઠકો છે; ભાગ લેતા નવ ધર્મોના પ્રતિનિધિઓનાં વ્યાખ્યાનો અને પૂજાના એ દિવસભરના કાર્યક્રમમાં, બધી બેઠકો ભરાઈ ગઈ હતી; વ્યાસપીઠ પર સ્વામી વિવેકાનંદની મોટી તસવીર અને, બપોર પછી તથા સાંજની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓએ અધ્યક્ષ લૉર્ડ ઍનલ્સના શબ્દોમાં, આખા કાર્યક્રમને ‘ઊર્ધ્વગામી કાર્યક્રમ’ બનાવ્યો હતો. રામકૃષ્ણ-વેદાંત સૅન્ટરના સ્વામી ભવ્યાનંદ, દક્ષિણ આફ્રિકાના (રંગભેદ વિરોધી) બિશપ હડલ્સ્ન અને અવકાશયાત્રી અમેરિકન ઍડગર મિચેલ અને બીજા વક્તાઓ હતા. તેમણે જાહેર કર્યું હતું કે, એ અને એના સાથી અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઊતરવા ગયા ત્યારે ટેકનિશ્યનો હતા પણ માનવતાવાદી તરીકે પાછા વળ્યા હતા.

લંડનના ભારતીય વિદ્યાભવનમાં સ્વામી વિવેકાનંદના માનમાં ઉજવાયેલો, નીચેનો પ્રસંગ ભવ્ય ઉત્સવ હતો, ભવનના ઍક્ઝિક્યુટિવ ડાયરૅક્ટર મથુર કૃષ્ણમૂર્તિએ વક્તાઓનો પરિચય કરાવ્યોઃ સ્વામી ભવ્યાનંદ અધ્યક્ષસ્થાને હતા; ભારતીય હાઈ કમિશ્નર ડૉ. સિંઘવી; ફ્રાન્સના કેન્દ્રના સ્વામી વિદ્યાત્માનંદ, યુ.કે.ના સ્વામી દયાત્માનંદ; અને, ઇંગ્લેંડના આંતરધર્મ મધ્યસ્થ રોમન કૅથલિક બિશપ સી.જે. હેણ્ડરસન, સભાખંડ ચિક્કાર ભરાઈ ગયો હતો અને કેટલાક ભક્તોએ પણ આપેલાં તે ઉપરાંતનાં બધાં પ્રવચનો લોકોએ ખૂબ માણ્યાં કારણ, એ સર્વનો હેતુ સ્વામી વિવેકાનંદનાં જીવન અને આદર્શો પર પ્રકાશ પાથરવાનો હતો; એક મેધાવી બ્રહ્મચારીએ દોરેલા ને વ્યાસપીઠ પર રખાયેલા અમારા સૌના પ્રિય સ્વામીજીના ચિત્રમાંથી સ્વામીજી આ બધું નિરખી રહ્યા હતા.

ખાણાના વિરામ બાદ ભજનો અને નૃત્યોનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જેની રજૂઆત પાછળ ચાતુર્ય અને સંસ્કારિતા ડોકાતાં હતાં.

જૂન ૧૯૯૩માં, શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદની શતાબ્દી ઊજવવા, અમે પ્રથમ યુરોપીય વેદાંત પરિષદનું આયોજન કર્યું. એ પરિષદ નેધરલૅન્ડઝમાં યોજાઈ અને, નેધરલૅન્ડઝમાં ઍમસ્ટર્ડેમની ભાગોળે, ‘રામકૃષ્ણ વેદાન્ત વેરેનિજિંગ નેડલૅન્ડઝ’ નેધરલૅન્ડઝના રામકૃષ્ણ વેદાન્ત સૅન્ટરના ઉદ્‌ઘાટન અને સમર્પણ સાથે તેનો સુયોગ સધાયો, બ્રિટનથી આશરે ૫૦ ભક્તો ઍમ્સ્ટર્ડેમ હવાઈ મથકે ઊતર્યા અને તેમને સૅન્ટરને નવે મકાને બસમાં લઈ જવાયા. ત્યાં સૅન્ટર સંભાળતા સ્વામી ચિદ્‌ભાસાનંદે તેમનું પ્રેમથી સ્વાગત કર્યું.

પ્રાણપ્રતિષ્ઠાવિધિ સ્વામી ભવ્યાનંદે કર્યો અને અમે એક કલાક ત્યાં ભજનો સાંભળવામાં અને પ્રસાદ લેવામાં વ્યતીત કર્યો. બપોર પછી ૩ વાગ્યે દક્ષિણમાં ૧૫૦ જેટલા કિ.મી.દૂર આવેલા બ્રૅબઁટ ગામે બસ અમને લઈ ગઈ; ત્યાં એક વિશાળ સભાગૃહમાં ઇંગ્લૅન્ડથી આવેલા ભાગ લેનાર ઉપરાંત, ફ્રાન્સ, જર્મની અને ગ્રીસથી આવેલા લગભગ ૧૫૦ ભાગ લેનારાંઓ હતાં, સાત સ્વામીજીઓનો લાભ મેળવવા માટે અમે ભાગ્યશાળી હતાં. અઠવાડિયાના અંતની એ યાત્રામાં સ્વામીજીઓએ અને બીજાં ભક્તોએ આપેલા વાર્તાલાપો સાંભળવાનો અમને આનંદ આવ્યો. કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી બન્યો અને, આધ્યાત્મિક પર્યાવરણ ઊભું થયું જેમાં પીઠિકા પરના સ્વામી વિવેકાનંદના મોટા ચિત્રે વૃદ્ધિ કરી.

વહેલી સવારે ધ્યાનનો કાર્યક્રમ રહેતો પણ, આખા દિવસમાં પછી શાંતિની સાધનાને અવકાશ ન હતો કારણ કે, ભાગ લેનાર સૌ, સાથે ગાતાં અથવા નવી ઓળખાણો કરતાં અથવા સમૂહચર્ચામાં ભાગ લેતાં. બે ડચ ભક્તોએ રજૂ કરેલ વાંસળી અને હાર્પિસ્કૉર્ડ (એક પ્રકારનું તંતુવાદ્ય)ના સંગીતનો કાર્યક્રમ અમે માણ્યો. રવિવારે સવારે અંતિમ કાર્યક્રમ થયો અને, બપોર પછી પાછા જવાનો પ્રવાસ આરંભાયો.

એ પરિષદ પર શ્રીરામકૃષ્ણે આશીર્વાદ વરસાવ્યા હતા અને ભાગ લેનાર સૌના હૃદયમાં, સ્વામીજીએ સ્થાન લીધું હતું. યુરોપનો આંતરરાષ્ટ્રીય વેદાંત પરિસંવાદ યોજનાર પહેલું કેન્દ્ર થયાનું માન એ નવું સ્થપાયેલું કેન્દ્ર લઈ શકે.

આ ઘટનાઓ પછી સ્વામી ભવ્યાનંદની તબિયત ઝડપથી લથડવા લાગી અને, ઉત્તમ ઔષધો અને સારવાર છતાં, સ્વામીજીએ ૧૯૯૩ના ડિસેમ્બરમાં દેહ છોડ્યો. શ્રીરામકૃષ્ણ અને શ્રીમાએ એમને બોલાવ્યા અને, આપણને છોડીને એ ગયા.

પોતાના જીવનની સંધ્યાએ શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રી મા અને સ્વામી વિવેકાનંદનાં જીવનચરિત્રોનું સ્મરણ અને ધ્યાન કરવા સિવાય મારે બીજું કરવાનું બહુ જ ઓછું છે; આમ કરતી વેળા, ઠાકુર જ્યાં રાહ જોતા ઊભા છે તે ‘સ્રોત’ તરફ દૃષ્ટિ માંડવાની.

મારા પૂજાઘરમાં, ઠાકુર મારી ઉપર કૃપાદૃષ્ટિ વરસાવી રહ્યા છે અને, વિશિષ્ટ પૂજાના પ્રસંગોએ અમે અવારનવાર કેન્દ્રમાં મળીએ છીએ.

માત્ર એ જ માર્ગ છે!

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

(‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુ. ‘૯૭માંથી સાભાર)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.