મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશ: ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા શ્રીમત્ સ્વામી શાંતાનંદજી મહારાજ પૂજ્ય શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત શિષ્ય હતા. – સં.

વારાણસીમાં વેણીમાધવના મંદિર પરની ધજા બતાવી માએ કહ્યું, ‘આજે તું મને આમ સાવ નંખાયેલી જુએ છે પણ, ઠાકુરના અવસાન પછી હું વારાણસી આવી હતી ત્યારે, વેણીમાધવના મંદિરના શિખર પર ચડી મેં ધજા ચડાવી હતી. વળી હરદ્વારમાં હું ચંડી-ડુંગરે અને પુષ્કરમાં સાવિત્રી-ડુંગરે ચડી હતી.’

એ દિવસોમાં રામકૃષ્ણ મઠનો એક સાધુ વારાણસીમાં મણિકર્ણિકા ઘાટે તપ કરતો હતો. હું કલકત્તા જવા નીકળ્યો ત્યારે, મને એ કહે, ‘ભગવાન પોતાની કૃપા મારી ઉપર ક્યારે વરસાવશે એ કૃપા કરી માને પૂછજો.’ માને મેં આ કહ્યું ત્યારે, ગંભીર થઈ મા બોલ્યાં, ‘એને લખ કે, ‘તું તપ કરે છે માટે તારી ઉપર પ્રભુકૃપા વરસવી જોઈએ એવો કોઈ નિયમ નથી. અગાઉના કાળમાં પગ ઉપર અને માથું નીચે રાખીને તથા નીચે અગ્નિ જલતો રાખીને લોકો હજારો વર્ષ સુધી તપ કરતા. તે છતાં, એમાંથી થોડાકને જ પ્રભુકૃપાનો લાભ મળતો, બધાને નહીં. પ્રભુની ઇચ્છા પર જ એ આધારિત છે.’

ઉદ્‌બોધન નિવાસમાં એક દિવસે પૂજ્ય મા પાસે એક યુવકે સાધુ થવાની ઇચ્છા વ્યક્ત કરી. હસીને માએ નજીક ઊભેલા સંન્યાસી પ્રત્યે આંગળી ચીંધી કહ્યું: ‘બધા સાધુ થઈ જશે તો તેમનું ધ્યાન કોણ રાખશે? એમની જરૂરિયાત કોણ પૂરી પાડશે?’ પછી એ યુવક પરણી ગયો.

એક વાર એમ સૂચવવામાં આવ્યું કે, શ્રીરામકૃષ્ણના એક પ્રખ્યાત ગૃહસ્થ શિષ્ય સાથે મારે વારાણસી જવું. મારું ભાડું આપવાને એ તૈયાર હતા. આ જાણી મા બોલ્યાં: ‘તું સંન્યાસી છો. તારી મેળે તું તારું ભાડું ઊભું નહીં કરી શકે? એ લોકો ગૃહસ્થો છે. તારે એમની સાથે શા માટે જવું જોઈએ? તમે સૌ એક જ ખાનામાં સાથે પ્રવાસ કરતાં હશો તો, એ લોકો તને એમ પણ કહે, ‘જરા આ કરો, પેલું કરો.’ તું છો સંન્યાસી, પછી તારે આવા હુકમ શા માટે ઉઠાવવા જોઈએ?’

બીજા એક પ્રસંગે, કલકત્તાથી મારી બદલી વારાણસી કરવાનું સૂચન થયું હતું પરંતુ, એ વિશે હું નિર્ણય કરી શક્તો ન હતો. એટલે, મા પાસે હું માર્ગદર્શન માટે ગયો. માએ કહ્યું, ‘જો, અહીં કલકત્તામાં સવારથી સાંજ સુધી લોકો પોતાના કામધંધામાં કે, બીજી બાબતમાં વ્યસ્ત રહે છે ત્યારે, વારાણસીમાં, વહેલી સવારથી સાંજ સુધી લોકો ગંગાસ્નાનમાં, ભગવાન વિશ્વનાથના દર્શનમાં, જપધ્યાનમાં અને એ રીતે વ્યસ્ત રહે છે.’ હું બોલ્યો, ‘પણ અહીં હું આપની સેવામાં રોકાયેલો છું.’ મા કહે, ‘હા, આ દેહ ટકે ત્યાં સુધી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે ખરી.’

એક દિવસે કશીક વાત કરતાં મા બોલ્યાં: ‘શું ઠાકુરના કેશ સાવ ક્ષુલ્લક ચીજ છે? એમના નિધન પછી હું પ્રયાગ ગઈ હતી ત્યારે, ગંગાયમુનાના સંગમમાં અર્પણ કરવા માટે એમના કેટલાક કેશ હું લઈ ગઈ હતી. શાંત પાણીમાં ઊભા રહીને, મારા હાથમાં એમના જે થોડા કેશ હતા તે સંગમમાં અર્પણ કરવા હું વિચારતી હતી ત્યારે, અચાનક એક મોજું ઊંચું થયું અને મારા હાથમાંના વાળ તાણી ગયું. એ પાવક જળ પોતાની પાવકતા વધારવા માટે એ કેશ લઈ ગયું.

એક દિવસે માને મેં પૂછ્યું, ‘મંત્રદીક્ષા માટે જુદા અને સંન્યાસ માટે જુદા ગુરુ હોય એવા કેટલાક માણસો છે. કોને પોતાના ગુરુ માનીને એમણે ધ્યાન કરવું?’ માએ ઉત્તર આપ્યો: ‘મંત્ર આપનાર ગુરુ સાચો. કારણ મંત્રજાપથી માનવી સમત્વ, ત્યાગ અને સંન્યાસ પ્રાપ્ત કરે છે.’

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.