શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક છે. દિલ્હી સ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘ઇંડિયન સૅન્ટર ફૉર ફીલૉન્થ્રૉપી’ના પ્રમુખ છે, ‘ફીક્કી’ના આમંત્રિત સભ્ય, હાર્વર્ડના Ph.D. છે તથા ISTD તથા IMCI. HRD Network તથા AIMAના ‘ફૅલો’ છે. તેમણે શ્રીરામકૃષ્ણ મિશન શતાબ્દી ઉજવણી પ્રસંગે તા.૩,૪ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ યોજાયેલ યુવસંમેલનમાં બેલૂર ખાતે આપેલ અધ્યક્ષીય પ્રવચનનું શ્રી.પી.એમ.વૈષ્ણવનું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત છે. — સં.

શ્રીરામકૃષ્ણ પરમહંસ એક અવતાર પુરુષ હતા; યુવાનો, સ્ત્રીઓ તથા પુરુષોને પ્રેરણા આપવા માનવશરીરમાં તેઓ ઈશ્વરનો આવિર્ભાવ હતા. સ્વામી વિવેકાનંદે, પોતાના ગુરુની પવિત્ર સ્મૃતિ જાળવવા સ્થાપેલ શ્રીરામકૃષ્ણ મિશનનાં સમર્પિત કાર્યો દ્વારા તેમનો પ્રેમ અને સેવાનો સંદેશ સમગ્ર માનવજાતને મળ્યો છે. તેમના ભક્તો જેમને બહુ આદરપૂર્વક ‘ઠાકુર’ કે ‘ભગવાન’ કહે છે. તેમના ઉપદેશ આપણી પાસે દોઢ સદીથી છે, અને ૩જી સહસ્રાબ્દી અને ત્યાર પછી પણ તે સતત આપણને પ્રેરતા રહેશે. મિશનની શતાબ્દીના આ સીમાચિહ્‌ન રૂપ પાવન પ્રસંગે તેમનું સ્મરણ કરી તેમના અમૂલ્ય ઉપદેશને યાદ કરીએ તે સર્વથા ઉચિત છે. ભારતના યુવાનો ૨૧મી સદીમાં નેતૃત્વ પદે હશે. તેમના માટે મન-બુદ્ધિના તંદુરસ્ત ઉપયોગ અને તેની શક્તિના સદુપયોગ વિશે અહીં વાત કરીએ.

આ લેખના ત્રણ ભાગ છે. ભારતને અનુરૂપ તેની શક્તિ, અને તેની જરૂરિયાતો વિશેની ભાવિ પરસ્થિતિ કે દૃષ્ટિ વિશે પ્રથમ ભાગમાં વાત કરી છે. આ ભાવિ પરિસ્થિતિ કે દર્શનના ત્રણ ભાગ છે – આધ્યાત્મિક, સામાજિક તથા આર્થિક ત્યાર પછી આપણે આપણાં મન કે બુદ્ધિની તમામ શક્તિઓ, તથા તે સાથે તેનાં જોખમી ભયસ્થાનો અને તે માટેના શક્ય ઇલાજો વિશે જોઈશું. લેખના અંતમાં આપણે મનને રચનાત્મક દિશામાં ગતિ આપવાનાં પાંચ મહત્ત્વનાં પ્રેરકબળો વિશે જોઈશું. આ બધાંની સહાયથી યુવાનો દેશની નવરચના તથા વિશ્વશાંતિમાં પોતાનું યોગદાન આપી શકશે.

ભારતીય દૃષ્ટિ

સ્વાતંત્ર્ય અને સાર્વભૌમત્વ મળ્યા બાદ અને ત્યાર પછી વર્તમાન આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિને લીધે, ભારત સામે નવી તકોની સાથે જ નવી સમસ્યાઓ ઊભી થઈ છે. આપણે ભારતીય દૃષ્ટિની સમજ ત્રણ ભાગમાં મેળવવી છે. પ્રકૃતિ અને ઉદ્યોગકારો તથા સામાન્ય વાચકની ઇચ્છાઓ કે મનોવલણોને અનુરૂપ તેમનો ક્રમ પ્રથમ આર્થિક, પછી સામાજિક અને અંતે આધ્યાત્મિક, એ પ્રમાણે યોજાયો છે. લાંબા ગાળે તો આધ્યાત્મિક દૃષ્ટિને પ્રથમ સ્થાન આપવું તે સાચો ક્રમ છે.

. આધ્યાત્મિક દૃષ્ટિ :

પોતાનાં ઉત્પાદનો, સેવાઓ અને ટૅકનૉલૉજીનું વેચાણ કરતો ભારત એક મહત્ત્વનો દેશ બની રહેશે. પરંતુ દુનિયાને આપણું વિશિષ્ટ પ્રદાન તો આપણી આધ્યાત્મિકતા છે.

(અ) આખું વિશ્વ એ એક કુટુંબ છે, ‘વસુધૈવ કુટુમ્બકમ્’ – એ વાત સૌ પ્રથમ દુનિયાને ઉપનિષદોએ કહી.

(બ) સૌના જીવનના ચાર ઉદ્દેશોની વાત ભારતીય તત્ત્વજ્ઞાને કરી છે, તે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.

(ક) આપણો ‘શાંતિ મહામંત્ર’ પૃથ્વી પર જ નહીં પરંતુ, અવકાશમાં, પાણીમાં, પર્યાવરણમાં અને વનસ્પતિઓમાં પણ ‘શાંતિ’, ‘શાંતિ’-ની પ્રાર્થના કરે છે.

. સામાજિક દૃષ્ટિ :

ભારત સામેના મહાન સામાજિક પડકારો અને તેમનો ઉકેલ દુનિયાને માટે ખૂબ મહત્ત્વનાં છે.

(અ) ભારત દુનિયાની વિશાળ સામાજિક પ્રયોગશાળા છે. અહીં ભાષાઓ, વંશો, ધર્મ, જાતિઓ અને અન્ય વર્ગોની વિપુલ વિવિધતાઓ જોવા મળે છે.

(બ) માનવીય વિકાસ વધારે ને વધારે થશે: ભારતમાં મહિલાઓને વધુ સન્માન મળશે અને તેમની શક્તિઓ વિકસિત થશે. તેનાથી દુનિયામાં પણ આ ક્ષેત્રોમાં પ્રગતિ થશે.

(ક) ભારત પર ભૂતકાળનાં આક્રમણો, અને તેની ગુલામીને કારણે વિશ્વસ્તરના વિકાસમાં તેનો પ્રવેશ મોડો થયો. તેમ છતાં આર્થિક વિકાસ અને વ્યક્તિની સ્વતંત્રતા એ બંનેનો સમન્વય કરનાર દેશના રૂપે ભારત દુનિયાનો આદર્શ બની રહેશે.

. આર્થિક દૃષ્ટિ :

ભારત ૨૧મી સદીની મહત્ત્વની આર્થિક સત્તા તરીકે ઊભરી આવશે.

(અ) અમેરિકા અને ચીન પછી, સૌથી વધુ ઉત્પાદકતા આંક ‘GNP’ બાબતમાં ભારત દુનિયામાં ત્રીજા નંબરની મોટી આર્થિક સત્તા બની રહેશે.

(બ) બહારથી રોકાણો અને આયાતો લાવનાર, તેનું વિશાળ ઘરઆંગણાંનું બજાર હશે.

(ક) ચીજવસ્તુઓ, વિવિધ યંત્રોના ભાગો અને તેની સહાયક સામગ્રીના વિકાસનું તે મહત્ત્વનું હરીફ બજાર બની રહેશે.

મનની શક્તિઓ

ઉપર કહેલા ભારતના ભાવિ વિકાસ માટે, પ્રત્યેક સ્તરના નેતાઓ સામે ઘણા પડકાર હશે. ભાવિ નેતાઓએ ઘણા પ્રકારની શક્તિઓ મેળવવી પડશે, ખાસ તો તેમના મનની શક્તિઓ.

. મનની શક્યતાઓ

મનની અંદર વિપુલ શક્યતાઓ પડી છે.

(અ) આપણા શરીરના સ્તરે મનને શક્તિ પૂરી પાડનાર તે આપણું મગજ છે. લાખો વર્ષોથી સતત થતા રહેલા માનવ વિકાસનું આજનું મગજ એ સુપરિણામ છે. તેનામાં માહિતી અને દૃશ્યોનો સંગ્રહ કરવાની, જરૂર પડે તે બધાંની સ્મૃતિ તાજી કરવાની, તેમનું પૃથક્કરણ કરવાની, તથા સર્જકતા અને નિર્ણય કરવાની અસીમ શક્તિઓ છે.

(બ) અત્યારે તો પ્રાપ્ત બુદ્ધિ સંપદાનો પણ બહુ થોડો ઉપયોગ આપણે કરીએ છીએ. વળી, વધારે સારાં પોષણ, શિક્ષણ, માહિતીની નવી તકનીકો અને વ્યવસ્થાપન વિજ્ઞાનોની સહાય અને ઉપયોગને લીધે મગજની શક્તિઓ પણ હજુ વધુ ને વધુ વિકસી રહી છે.

(ક) કોઈપણ અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર અને તેના ‘સૉફ્ટવેર’ કરતાં પણ આપણું મગજ હંમેશાં વધુ ઉચ્ચ કોટિનું સ્થાન ધરાવશે.

. તેનાં ભયસ્થાનો

જીવનમાં પ્રાપ્ત અન્ય ભેટની પેઠે, મન પણ માત્ર આશીર્વાદરૂપ જ છે તેવું નથી. મનનો એક ભાગ ‘મનસ્’ છે, તેમાં વિચારવાની અને લાગણી અનુભવવાની શક્તિઓ છે. મનસ્‌ના જેમ ફાયદા છે. તેમ આપણે માટે તે કેટલુંક જોખમ પણ ઊભું કરી શકે છે.

(અ) મન ‘બંધન’નું પણ શક્તિશાળી સાધન છે. આપણી અંદર રહેલા અને બાહ્ય વાતાવરણમાંથી આવતા નકારાત્મક વિચારના તે આપણને દાસ બનાવી શકે છે.

(બ) મન અત્યંત ચંચળ છે, તેનો વેગ ‘વાયુ’ જેટલો છે તેમ કહેવાયું છે. કોઈ જાતના અંકુશ વિના, તે બધી દિશામાં દોડ્યા કરે તો અત્યંત અશાંતિ સર્જી શકે. જેમ કે બિનજરૂરી નિરાશા અને લઘુતાગ્રંથિ, ગેરવ્યાજબી અતિઉત્સાહ અને અહંકાર, વધારે પડતા ગમા, અણગમા, વગેરે.

(ક) મન ખાસ તો જેને ‘prisoner’s dilemma’ કહે છે તેવી એક કેદી જેવી બંધિયાર અવસ્થા ઊભી કરે છે. આ અવસ્થાનાં પ્રત્યેક વ્યક્તિ, જૂથ, સંસ્થા અને રાષ્ટ્ર પણ માત્ર પોતાની જ ઊજળી બાજુ જોઈ શકે છે, અને અન્ય સૌની નકારાત્મક બાજુ જ જુએ છે. તેને લીધે પરસ્પરનું પ્રત્યાયન, ઝઘડાનો ઉકેલ તથા પરસ્પરનો સહકાર બહુ મુશ્કેલ બની જાય છે.

. ઈલાજ

ઉપરોક્ત ખતરાઓને લઘુતમ કરી નાખવાના અને મનની અંદર પડેલ ઉચ્ચ સત્યના ઉપયોગ કરવાના ઘણા સબળ ઈલાજો ભારતીય તત્ત્વજ્ઞાન આપે છે.

(અ) પહેલું તો આપણી અંદરની શક્તિઓને આપણે માત્ર બાહ્ય ભૌતિક પદાર્થો, વ્યક્તિઓ કે આપણા જ આનંદ માટે સતત બહાર ફેંકતા રહેવાનું નથી, પરંતુ અંતરનાં નિરીક્ષણ અને આત્મ-જ્ઞાન માટે તેને અંતર્મુખ કરવાની છે.

(બ) મન પર કાબૂ મેળવવા વિવિધ સાધના કરવાની છે, જેમ કે યોગ અને ધ્યાનની ક્રિયાઓ.

(ક) સમયે સમયે ભક્તિ, શ્રદ્ધા, પ્રાર્થના દ્વારા મનના અહંકારને જીતી લેવાનો છે. વધારે ને વધારે વિશાળ, અને વધુ તંદુરસ્ત એવાં સેવાકીય કાર્યોમાં પોતાને જોડીને તે થઈ શકે.

મનનાં મુખ્ય સંચાલક બળો

તમામ લોકોએ, અને ખાસ તો ૨૧મી સદીના ભારત અને દુનિયાના ભાવિ નેતાઓએ અને મૅનૅજરોએ નીચે આપેલાં મનનાં હકારાત્મક વલણો અપનાવી, મનની શક્તિઓ વિકસાવવી જોઈએ.

. લોક સંગ્રહ કે સમાજ હિતની ભાવના

આપણે વિશાળ સમાજ હિતના ધ્યેયને સમર્પિત હોઈએ તો મનની અંદરની શક્તિઓ, અમર્યાદ રીતે વધે અને વિકસિત થઈ શકે.

(અ) ‘લોક સંગ્રહ’કે સમાજની સુખાકારીનાં કામને સમર્પિત બનો.

(બ) તમે જે સમૂહમાં જન્મ્યા અને ઊછર્યા હો તેને તમારું શ્રેષ્ઠ કૌશલ સમર્પિત કરવાની અભીપ્સા સેવો, પરંતુ તે અન્યને ભોગે ન હોય તે જોજો. પછીથી તેનાથી વધારે ને વધારે વિશાળ સમૂહમાં તમારી સેવા આપો, જેમ કે તમારું રાજ્ય, દેશ, ‘સાર્ક’ દેશો, એશિયા અને છેલ્લે સમગ્ર દુનિયા.

(ક) ‘લોક સંગ્રહ’ને માત્ર આર્થિક અને સામાજિક દર્શન પૂરતું મર્યાદિત ન રાખો, તેને આધ્યાત્મિક સ્તરે લઈ જાઓ.

. ધર્મનું સાચું સ્વરૂપ

મનની વિકસતી શક્તિઓનો ઉપયોગ શુભના સંવર્ધન અને અશુભના નાશ માટે કરો. આ કાર્ય સાચા ધર્મના પાલનથી અને પ્રસારથી થઈ શકે.

(અ) ‘ધર્મ’એ અદ્‌ભુત, અને દિવ્ય શબ્દ છે. તેનો સાચો અર્થ સમજો. સંસ્કૃત કે જે દેવભાષા છે, તેમાં ‘ધર્મ’ શબ્દનું મૂળ શું છે તે સમજો. ‘ધૃ’, ‘ધાર્’ એટલે સામાજિક માળખાંને ધારણ કરે તે ‘ધારયતિ ઇતિ ધર્મ:.’ સમાજને પોષણ આપે તે સાચો ધર્મ.

(બ) એક સદનસીબ નાગરિક તરીકે તમે ફરજ અને જવાબદારીઓ – બન્નેને સમજી ‘શ્રેષ્ઠ ધર્મ’ માટે તમારી જાતને તૈયાર કરો. તમારું આચરણ અન્યને પ્રેરણારૂપ હો. એવું ઉચ્ચ ‘પ્રમાણ’ કે ધોરણ સ્થાપો કે જેને દુનિયા અનુસરે.

(ક) જીવનના પ્રત્યેક તબક્કે એક એકથી ચડિયાતા ધર્મ પ્રત્યે ઉત્થાાન કરતા રહો – પ્રથમ પરિવાર, પછી તમારું જૂથ, રાષ્ટ્ર, દુનિયા, અને અંતે બ્રહ્મ પ્રત્યેનો ધર્મ.

. બુદ્ધિનું શાસન

નેતાઓ અને મૅનૅજરોના પોતાના આત્મનિયમન દ્વારા જ દેશના વ્યાપાર-ઉદ્યોગ તથા અન્ય સંસ્થાઓનું નિયમન વધારે સારી રીતે થઈ શકે. આ કાર્ય માટે ઈશ્વરે આપણને આપણી અંદર જ મૂકી આપેલું ખૂબ શક્તિશાળી સાધન છે આપણી બુદ્ધિ, જેને ઉચ્ચ પ્રકારનું શાણપણ, વિવેક અને ડહાપણ પણ કહે છે.

(અ) અર્જુને શ્રીકૃષ્ણને સારથિ બનાવી, તેઓ દોરે તેમ ગયા હતા તેવી રીતે બુદ્ધિને સારથિ બનાવો, તે ‘મન’ને દોરશે.

(બ) બુદ્ધિ દ્વારા મનને વધુ રચનાત્મક અને વિધેયાત્મક વિચારો તરફ વાળો.

(ક) બુદ્ધિનો ઉપયોગ તમારી શક્તિ વધારવા કરો. ખાસ કરીને પ્રબળ સંકલ્પશક્તિ વિકસાવવા, જિતેન્દ્રિય થવા, અને દરેક પ્રકારના સંજોગોમાં મનને સ્થિર રાખનાર ‘સ્થિતપ્રજ્ઞ’ થવા બુદ્ધિનો ઉપયોગ કરો.

. શુદ્ધિ વડે નમ્ર બનો

વૈશ્વિક મૂડીવાદ તથા ઉપભોક્તાવાદને લીધે ઘણાં અનિષ્ટો ઊભાં થયાં છે અને હજુ વધશે, જેવાં કે ગુનાખોરી, ભ્રષ્ટાચાર, અહંકાર, છૂટાછેડાઓ, ધર્મઝનૂન, આતંકવાદ. સમાજને શુદ્ધ કરવા પ્રથમ તો નેતાઓએ આત્મશુદ્ધિ કરવી પડશે.

(અ) તમને કાર્યાન્વિત કરનાર તમારા અંતરમાં ક્યું તત્ત્વ છે તેનું આત્મનિરીક્ષણ કરો. તમે નેતા શા માટે બનવા માગો છો? તમારે શું પ્રાપ્ત કરવું છે? સત્તા, ધન, કીર્તિ કે કોઈ પર વેર વાળવું છે કે પછી સેવા કરવી છે? પ્રથમ તમારા હૃદયને શુદ્ધ કરો.

(બ) તમારાં જાહેર કામને તમારું તપ માનો. કોઈ પ્રકારના અંગત લાભ વિના તદ્દન નિષ્કામ કર્મ કરો.

(ક) તમારા કાર્યમાં તમારા અનુયાયીઓ પણ ‘યજ્ઞકાર્ય’ની ઉદાત્ત ભાવનાથી જોડાય એની ખાતરી કરો અને તેમને યોગ્ય માર્ગદર્શન આપો. તો જ તમારાં કાર્યો અને તે માટેનાં સાધનો બન્ને શુદ્ધ બનશે.

. સત્ત્વગુણની શક્તિ

તમામ વ્યક્તિગત સામૂહિક કાર્યોની સફળતામાં ઘણી બાબતો સમાયેલી હોય છે. ચાવી રૂપ બાબત કર્તા છે, અને તેના ગુણો છે, તેની વર્તણૂકનાં વલણો છે.

(અ) સાત્ત્વિક એટલે કે શુદ્ધ, સુંદર, શાંત મન દ્વારા જ આપણી શક્તિઓનો પૂરેપૂરી કુશળતાપૂર્વક, સર્જનાત્મક અને ઘર્ષણરહિત ઉપયોગ થઈ શકે. અભ્યાસ દ્વારા અને સત્સંગ દ્વારા તમારા વિચાર, વાણી અને વર્તનમાં સત્ત્વગુણનું સ્તર વધારે ને વધારે ઊંચું લઈ આવો.

(બ) સારાં સ્વાસ્થ્ય, જ્ઞાન અને મહત્ત્વાકાંક્ષાને લીધે તમારામાં તોફાની રાજસિક શક્તિ ઉત્પન્ન થશે. તેને ‘શાન્ત ર્‌જસમ્’ એટલે કે સ્થિર, સ્વસ્થ રજસ્ શક્તિમાં પરિવર્તિત કરો.

(ક) તમારા અનુયાયીઓ તમસ, આળસ અને હલકી વૃત્તિઓમાંથી ઉપર ઊઠે તે જુઓ; તેનાથી તેમની રાજસિક પ્રવૃત્તિ વધશે. આ શક્તિને દૈવીશક્તિમાં બદલી નાખવા તેમને સહાય કરો. તેમની શક્તિઓને ‘રાક્ષસી’ શક્તિ બનતાં અટકાવો, નહિ તો આ આસુરીવૃત્તિ પ્રથમ સમાજને, પછી તેમને અને અંતે તમને પોતાને ઘણું નુકસાન પહોંચાડશે.

અંતમાં

ભારત સામે ગંભીર પ્રશ્નો છે, તે સાથે ને સાથે તેની બુદ્ધિસંપદ પણ અનંત છે. ભારત વૈશ્વિક આર્થિક સત્તા, આદર્શ સમાજનો નમૂનો અને ૨૧મી સદીમાં જગતનો આધ્યાત્મિક પથદર્શક બની શકે તેમ છે. તે માટે તેને જરૂર છે સક્ષમ નેતાઓની, જેઓ શ્રેષ્ઠ પ્રકારની માનસિક શક્તિઓ ધરાવતા હોય. મન તો શુભ કે અશુભ બન્ને માટેનું શક્તિશાળી શસ્ત્ર બની શકે. તેને ભારતીય દર્શનના શ્રેષ્ઠ આદર્શો, જેવા કે લોકસંગ્રહ, ધર્મ, બુદ્ધિ, શુદ્ધિ અને સત્ત્વગુણ વડે દોરવું જોઈએ. આજના ભારતીય યુવાનો, જેઓ આવતીકાલના નેતાઓ છે તેમને હું તેમની આ ‘વિશ્વ મહાયજ્ઞ’ની સાધનામાં ખૂબ સફળતા ઇચ્છું છું.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.