(વ્યવસ્થાપનતંત્રના સુખ્યાત વિદ્વાન ડૉ. મૃત્યુંજય અથ્રેયે રામકૃષ્ણ મિશન- સ્વામી વિવેકાનંદ એન્સેસ્ટ્રલ હાઉસ એન્ડ કલ્ચર સેન્ટરના વાર્ષિક કાર્યક્રમની ઉજવણીમાં યોજાયેલ મેનેજમેન્ટની શિબિરમાં આપેલા મુખ્ય વ્યાખ્યાનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં)

માળખું

ભારતની આવતીકાલ મહાન છે. ભારતને કારણે વિશ્વને મહાન આવતીકાલ સાંપડશે. સ્વયંભૂ આર્થિક શક્તિને કારણે ચીન અને ભારત પર સમગ્ર ૨૧મી સદીનું અર્થતંત્ર અવલંબિત બની રહ્યું છે. આમ છતાં પણ ભારત સરકારના વહીવટીતંત્ર, ઉદ્યોગ, કેળવણી, આરોગ્ય અને સામાજિક સેવાઓ જેવાં વિશેષ ક્ષેત્રોના સંવાહકો કે વ્યવસ્થાપકોએ આવતીકાલના યુગમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. વ્યવસ્થાપન તંત્રના આ પડકારોને ઝીલવા વિવિધ ક્ષેત્રના મુખ્ય સંવાહકો કે વહિવટકારો તેમજ એમને સહાયક થનારા સંવાહકો પાસે ઘણી અપેક્ષાઓ સેવવામાં આવે છે. એનું કારણ એ છે કે આ કક્ષાના અધિકારીઓમાં કે વહિવટકારોમાં આંતર્નિરીક્ષણ, સ્વયંભૂ સ્વસુધારણા, ધ્યાન, અંત:કરણ શુદ્ધિ, આત્મવિકાસ હોય તો જે તે ક્ષેત્ર પર એનો ભવ્ય પ્રભાવ વધુ ને વધુ માત્રામાં પડે એ એક હકીકત છે. વ્યવસ્થાપન તંત્રના ભારતમાંના અને વિશ્વમાંના પડકારોનો ઉકેલ શોધવા માટે તેનું નેતૃત્વ કરનાર લોકોને દોરવણી આપવા ભારતીય નૈતિક મૂલ્યોએ ઘણો અગત્યનો ભાગ ભજવવાનો રહેશે. ભારતીય નૈતિક મૂલ્યોમાં હવે વૈશ્વિક રસરુચિ ઊભી થઈ છે. હમણાં જ દિલ્હી વિશ્વવિદ્યાલય અને અમેરિકાની રિઝન્ટ વિશ્વ વિદ્યાલય દ્વારા સંયુક્તપણે યોજાયેલ ત્રણ દિવસની એક પરિચર્ચાસભા યોજાઈ હતી. આ પરિચર્ચાનો મુખ્ય વિષય હતો – ‘ઉદ્યોગ વ્યાપારી અને સરકારી સંસ્થાનોમાં આધ્યાત્મિકતાનું સુસંકલન’. મને પણ એમાં મુખ્ય વક્તવ્ય આપવાની તક સાંપડી હતી. સમગ્ર પરિચર્ચાનું એક પુસ્તક પણ બહાર પડી ચૂક્યું છે. આ પુસ્તકમાં વિશ્વની ઘણી કંપનીઓ અને સંસ્થાનોએ ‘પતંજલિ અષ્ટાંગ યોગ’નો અમલ કર્યો છે, તેના વૈશ્વિક પ્રયત્નો, પ્રયોગો અને ઉદાહરણરૂપ અભ્યાસો આપવામાં આવ્યા છે. આ બધી સંસ્થાઓએ શારીરિક સ્વસ્થતા માટે આસનોની સાથે યમ, નિયમ, પ્રત્યાહાર અને ધ્યાનનો પણ ઉપયોગ કર્યો છે. આ બધાં પાસાં હવે સૌ કોઈ જાણી સમજી શકે છે. કેટલાક લોકો તો સમાધિભાવની અલ્પપળો પણ અનુભવવા ઇચ્છે છે. અને એ દ્વારા સચ્ચિદાનંદની અનુભૂતિ કરવા માગે છે. આ બધાં તત્ત્વો પરિવર્તનશીલ માધ્યમો રૂપે એમની પ્રવૃત્તિઓને આવશ્યક ઊર્જા પૂરી પાડે છે.

ત્રણ પ્રકારનાં કાર્યો માટે હું અહીં થોડાં સૂચનો આપું છું. સૌ પ્રથમ તો કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાના બોર્ડ ઓફ ગર્વનર્સ અને કોઈ પણ ક્ષેત્રના સંસ્થાનના કાઉન્સીલ ઓફ મેનેજમેન્ટ – ટૂંકમાં આ બધાં સંસ્થાનોના સંવાહક મંડળની સર્વપ્રથમ અને સૌથી વધારે અગત્યની ફરજ કઈ છે, તે વિશે પૂરેપૂરા માહિતગાર થવું. પોતપોતાનાં કાર્યક્ષેત્રોમાં બૌદ્ધિક, તાર્કિક અને સંકલ્પના સાથેના આર્થિક પૃથક્કરણ, બજાર વ્યવસ્થાપન, સંશોધન-સંચાલન, ઉત્પાદન વ્યવસ્થાપન, સતત પૂરવઠો પૂરો પાડતાં વ્યવસ્થાપન વગેરે માટે જવાબદાર અને સંસ્થાનના દૃષ્ટિકોણ, કાર્ય અને વ્યૂહરચનામાં જવાબદાર હોય તેવા લોકોએ ભારતીય નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને કેવી રીતે પોતાના તંત્રમાં સુસંકલિત કરવા એ જાણવું. આ બધું પ્રાસંગિક બની રહે તે રીતે ચાલવું જોઈએ. વળી આ બધું માત્ર બુદ્ધિ કે તર્કથી નહિ પણ આ ભગીરથકાર્ય હૃદય અને પ્રાણ રેડીને કરવું જોઈએ. અમેરિકામાં એક સંસ્થાનના મુખ્ય સંવાહક આ સુસંકલનનું કાર્ય કરે છે. એમણે જણાવ્યું હતું: ‘મારી મુખ્ય ચિંતા તો એ હતી કે જ્યારે અમારા કર્મચારીઓ ઓફિસમાં આવે (હાજરી અને આવવાની નોંધણી ઈલેટ્રોનિક મશીન દ્વારા થાય છે) ત્યારે અમને એટલી તો ખાતરી હોય જ છે કે તેઓ માત્ર શારીરિક રીતે સંસ્થાનમાં પ્રવેશ્યા છે. અમારી બીજી ચિંતા એ રહેતી કે તેઓ ખરેખર પોતાના ઉપલામાળ સાથે આવ્યા છે કે કેમ. એટલે કે એમની પાસે પૂરતાં જ્ઞાનમાહિતી છે કે કેમ! વળી એમને કેટલી હદે એમના કાર્યમાં પ્રેરી શકાય? રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનરો ૧૯૯૦માં એવી ચિંતા સેવતા હતા કે કાગળ પર તો બેંક આખો દિવસ ખુલ્લી રહે છે. પરંતુ ગ્રાહક માટે તો તે સવારના ૧૦ થી બપોરના ૨ વાગ્યા સુધી જ વાસ્તવિક રીતે ઉપયોગમાં આવે છે અને અવારનવાર અડધીકલાક મોડું કામ પણ શરૂ થાય! અડધીકલાક વહેલું આટોપી પણ લેવાય! એટલે ખરેખર લોકો કે ગ્રાહકો માટે ઉપયોગી અને કામ કરાવવાનો સમય તો માત્ર અને માત્ર ત્રણ કલાકનો જ રહે છે. જો કે આજે પરિસ્થિતિમાં સારું એવું પરિવર્તન આવ્યું છે. ત્રીજી સમસ્યા એ હતી કે ખરેખર એ લોકો બધું હૃદયથી ચકાસે છે કે કેમ? એનું કારણ એ છે કે થોડી ઓછી બુદ્ધિથી પણ વધારે પ્રતિબદ્ધતા સાથે કરેલું કાર્ય વધુ સારું પરિણામ આપે છે. આજના વહીવટી તંત્રના સાહિત્યમાં તમારે જેની આવશ્યકતા છે એને વધારે પ્રકાશિત કરવામાં આવ્યા છે. એટલે કે માનસિક પરિપક્વતા માટે માત્ર બુદ્ધિઆંક જ નહિ પરંતુ સંવેદન-આંકની પણ જરૂર રહે છે. ત્યાર પછી એમણે ચોથો મુદ્દો રજૂ કર્યો. જેમ પ્રાચીન ભારતે આપણને શીખવ્યું છે તેમ આપણે પણ કર્મચારીનું શરીર-મન અને હૃદય કામમાં ઓતપ્રોત થાય એવું કાર્ય મળી રહે એ તો કરવાનું છે, પણ સાથે ને સાથે એમનો આત્મા પણ એમાં લાગી જાય એવુંયે કરવાનું છે. સમગ્ર સંસ્થાનમાં આત્માને પૂર્ણપણે લાવી શકાય એટલે કે બધા એક ખાલી જીવતા માનવ બનીને નહિ પણ કાર્યને એક મિશન રૂપે મનપ્રાણની લગનીથી કરી શકે ખરા? આ બધું શીખવાનું છે. રામકૃષ્ણ મિશન સાથેના પ્રારંભના સંપર્કસંબંધથી ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ના આદર્શથી વ્યક્તિએ પોતાનું જીવન કેવી રીતે જીવવું એ વાત મારા મનમાં બરાબર ઠસી ગઈ છે.

એક યુવક તરીકે મારે પણ કેટલીક મૂંઝવણભરી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું હતું. એ સમયે કોલકાતામાં સાર્ત્રે જેવા અસ્તિત્વવાદીના અસ્તિત્વ અને નિરર્થકતાના દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવાની ફેશન હતી. એમાંથી અડધુંપડધું મને માંડ માંડ સમજાયું. મારા બધા માકર્સવાદી મિત્રો મને અલ્બર્ટ કામુને વાંચવાની સલાહ દેતા. અસ્તિત્વવાદના પ્રણેતાઓની એક સિદ્ધાંતવસ્તુ એટલે હતાશા અને આત્મઘાત છે. ભારતીયો માટે આનાથી ઘણો મોટો ભાવાત્મક અભિગમ છે અને એ છે ચાર પુરુષાર્થનાં દર્શનનો. આ ચારેય પુરુષાર્થ જીવનમાં તર્કસિદ્ધ અને વ્યાજબી પણ છે. અર્થ અને કામની પ્રાપ્તિ સામાન્ય રીતે સૌ કોઈ કરવા પ્રયત્ન કરે છે. પણ એમાં એક જાગરૂકતા રાખવાની છે અને તે એ બંને ધર્મ દ્વારા સધાવા જોઈએ. વળી દરેક સુખમાંથી ચોક્કસ સમયે તમારે મુક્ત બનવું પણ પડે. નહિ તો એ બંનેની માત્ર અમાપ ઝંખના વિનાશ જ નોતરે. એટલે દરેક પગલે તમારે મોક્ષની ઝંખના કે શોધના કરવી જોઈએ. રામકૃષ્ણ મિશનના સંપર્કસંબંધથી જે આદર્શ બોધપાઠ હું શીખ્યો તે જીવનના અસ્તિત્વવાદ જેવો ઉત્તર ન હતો. આ આદર્શ હતો સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ ‘આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ’ એમાં જગતનું કલ્યાણ અને આત્માની મુક્તિ સમાયેલી છે.

ઉન્નતિશીલ ભારત

ચાલો આપણે ભારતની મહાન આવતીકાલ વિશે વિચારીએ.

સમગ્ર જગતના મૂડીરોકાણ કરતા લોકો, સંસ્થાકીય મૂડીરોકાણકારો, ખાનગી રોકાણકારો, પરદેશના પ્રત્યક્ષ રોકાણકારો, ડિબેન્ચર કેપિટલ, આ બધાં ક્ષેત્રો ભારતને આજે સૌથી વધારે મહત્ત્વના અને મહાન મૂડીરોકાણની તકોનો દેશ ગણે છે. એટલે જ એ ઉન્નતિશીલ ભારતની અને સુદીર્ઘકાળ સુધી ટકી રહેનાર ઉન્નતિની વાત છે. પછી ભલે એ ભારતની સરકાર માને છે તેમ ૯.૧૦% વિકાસદર હોય; કે રિઝર્વ બેંક ઓફ ઈંડિયા માને છે તેમ ફુગાવાનો દર ૫% હોય અને વિકાસ દર ૭.૫%ની આજુબાજુ હોય એમ હોવું જોઈએ, પણ એ ઊંચો વિકાસદર તો જ છે. પણ સૌથી વધારે અગત્યનો પ્રશ્ન એ છે કે એ વિકાસદરની ગુણવત્તા શી છે? આ વિકાસદરનો સંભેળ શું છે? કેટલે અંશે તે સમાવર્તક છે? સ્વામી વિવેકાનંદે ‘ભારતમાં આપેલાં ભાષણો’માં સિંહગર્જના કરતાં કહ્યું છે – ‘ખાલી પેટે ધર્મની વાતો ન કરશો. એટલે જ્યાં સુધી આપણા લોકોની પાયાની જરૂરીયાતોની કાળજી ન લઈ શકીએ ત્યાં સુધી આપણે ધર્મનીતિ કે તત્ત્વજ્ઞાનની વાતો કરી ન શકીએ.’

સ્પર્ધાત્મક વિશાળ બજાર

ભારતની ઉન્નતિની એક મહાન વાતનાં બે કારણો છે – એક તો તે બહુમૂલ્ય સ્પર્ધાત્મક વિશાળ બજાર છે; અને વિશ્વમાં સૌથી મોટા ઘરેલું બજારોમાંનું એક બજાર છે. એટલે જ વોલમાર્ટ, આઈબીએમ, યુરોપિયન માર્કેટ અને જાપાનીઓ તેમ જ બીજી વ્યાપાર-ઉદ્યોગની પેઢીઓ અહીં ભારતમાં આવવા માગે છે અને અહીં નાણા રોકવા માગે છે. આ બધી નાણા રોકતી સંસ્થાઓ થોડાઘણા કરોડ ડોલરની નુકશાનીની ચિંતા કરતા નથી પણ તેઓ તો અબજો ને અબજો ડોલરના રોકાણની વાતો કરે છે. પછી ભારતનું એ ક્ષેત્ર પોલાદ, રસાયણ કે બીજા કોઈ પણ પ્રકારના ઉદ્યોગનું ક્ષેત્ર હોય એમાં રોકાણ કરવામાં જ એમને રસ છે.

સ્પર્ધાત્મક નિકાસની કેન્દ્ર

બીજો ફાયદો એ છે કે ભારત આજે સ્પર્ધાત્મક નિકાસનું મોટું કેન્દ્ર બની ગયું છે. વસ્તુઓનું અહીં ઉત્પાદન થઈ શકે છે, અહીં સંશોધન અને વિકાસનાં એકમો ઊભાં થઈ શકે છે, આઈટી, બીપીઓ, કેપીઓ સેવાનાં કેન્દ્રો પણ ઊભાં થઈ શકે છે. વળી એનાથી ભારતની બજારને સેવા આપી શકાય છે સાથે ને સાથે સ્પર્ધાત્મક રીતે બાકીના બીજા વિશ્વને પણ એ સેવાઓ આપી શકાય છે. એટલે જ યુ.એસ.એ.માં અને યુરોપમાં સીટી બેંકે ૧૫૦૦૦ જેટલા રોજગારો ઓછા કરવાનું નક્કી કર્યું છે અને એને બદલે ભારતમાં ૧૫૦૦૦ જેટલા નવા જોબ ઊભા કરવાનું છે. આઈબીએમ, મોટારોલા, માઈક્રોસોફ્ટ, વગેરેને આ દેશમાં મોટાં કેન્દ્રો છે. વધારામાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, સત્યમ્ અને બીજાનાં તો ખરાં.

સૌથી મોટું સ્થાયી લોકશાહીરાષ્ટ્ર

ભારત વિશ્વમાં સૌથી મોટું સ્થાયી લોકશાહી રાષ્ટ્ર છે એ પણ એક હકીકત છે.

ભારત સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાનું પ્રતિરૂપ

હવે ભારતના લોકો પાછા ફરી રહ્યા છે અને પોતાનાં પ્રાચીન સંસ્કૃતિ-સંસ્કાર અને આધ્યાત્મિક સંસ્કૃતિ અને ઇતિહાસને માન-આદર આપવા લાગ્યા છે. એટલે કે ભારત વળી પાછું આધ્યાત્મિકતા અને સંસ્કૃતિનું એક પ્રાચીન સંસ્થાનસમું બની રહ્યું છે. પણ આપણે એનાથી મિથ્યાભિમાન કે ઝનૂની રાષ્ટ્રવાદની ભાવના રાખવી ન જોઈએ. એને બદલે આપણે બીજી સભ્યતાઓ અને સંસ્કૃતિઓ પાસેથી શીખવું જોઈએ અને આપણા અમૂલ્ય વારસામાં બીજાને ભાગીદાર બનાવવા જોઈએ. પણ જો આપણે આપણા અમૂલ્ય વારસાથી અજ્ઞાત હોઈએ તો આપણી આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ-સંસ્કારના વારસામાં બીજાને ભાગીદાર કેવી રીતે બનાવી શકીએ? જો આપણે આપણાં નૈતિક અને સદાચારનાં મૂલ્યોને જાણતાં ન હોઈએ તો બીજાને એમાં ભાગીદાર બનાવવાની કોઈ વાત જ રહેતી નથી.

વ્યવસ્થાપન કે સંચાલનતંત્રના પડકારો

ભારતની મોટા ભાગની કંપનીઓ હોય કે હિન્દુસ્તાન યુનિ લીવર કે આઈટીસી જેવી વિદેશી કંપની હોય, એ કંપની ભારતમાં ઘણા લાંબા સમયથી કામ કરતી હોય કે ભારતમાં હવે પ્રવેશતી કંપની હોય પણ આ બધી કંપનીના વ્યવસ્થાપન તંત્રની સામે ઘણા પડકારો છે.

ઘરેલું બજારનું સંરક્ષણ

પહેલો પડકાર તો એ છે કે આ બધી કંપનીઓ કેવી રીતે ભારતના ઘરેલું બજારને બચાવશે? નફા-નુકશાન કે જકાત પ્રાપ્તિ કે જકાતમાફીની દૃષ્ટિએ નહિ, પરંતુ અહીં રચનાત્મક સ્પર્ધાત્મક ક્ષમતા ઊભી કરીને. કેટલેક અંશે આ સ્પર્ધા ઉપયોગી પણ છે, એનું કારણ એ છે કે તે સારી ગુણવત્તાથી અને સેવાથી ગ્રાહકોની સેવા કરે છે. પણ આ સ્પર્ધાને કેટલાંક દૂષણો પણ છે. તે ઊતરતી કક્ષાએ જાય એટલે જ્ઞાનતંતુના રોગ જેવી છે અને તે ગેરકાયદેસર કે નીતિનિયમ વિહોણી સ્પર્ધા બની જાય છે. આપણે એને ‘અધર્મયુદ્ધ’ કહી શકીએ. જ્યાં સુધી એ ધર્મયુદ્ધ જેવી બની રહે ત્યાં સુધી એ તંદુરસ્ત અને સારી સ્પર્ધા છે, એ ઇચ્છવા યોગ્ય પણ છે. કારણ કે એને લીધે લોકોમાં એક પ્રકારની ક્ષમતા અને ઉત્કૃષ્ટતા આવે છે. એટલે આપણે આપણા ઘરેલું બજારને પણ આ બધી કંપનીઓને વૈશ્વિક ધોરણે ઉન્નત બનાવવી જોઈએ અને એમણે વૈશ્વિક રીતે ઉપયોગી થાય તેવા ઉત્પાદનો, સેવાઓ, પ્રોદ્યોગિકીઓ અને વિશેષ કરીને ગ્રાહક સેવા આપવી જોઈએ.

વિદેશી બજારો પર પ્રભુત્વ જમાવવું

બીજી વધારે મોટી તક આ ભારતીય સામર્થ્ય અને ક્ષમતાની સાથે જોડાયેલ છે અને એમાં જો બધાં સારાં મૂલ્યો હોય તો ખરેખર આપણે વિકસી રહ્યા છીએ. આપણે પણ વિદેશનાં બધાં બજારોમાં જઈ શકીએ અને એને સર પણ કરી શકીએ છએ. વાસ્તવિક રીતે મુક્ત બજાર અને ઉદારીકરણના અમલ પછી તરત જ ૯૦ના દાયકાના પ્રારંભમાં આવું મોડેલ ઊભરવા માંડ્યું હતું. રેન બક્ષી લેબોરેટરીની એક કાર્યશિબિરમાં અમે જૂની રૂપાવલીને મૂળથી બદલી નાખી. માનસિક રીતે એ નવી અંતર્દૃષ્ટિ હતી. અમે આવો પ્રશ્ન કર્યો : ‘નફા-નુકશાનનો હિસાબ ઘરગથ્થુ વૃદ્ધિ અને નિકાસ વચ્ચેનું વિભાજન શા માટે બતાવે છે? આપણે મૂળભૂત ભારતીય દૃષ્ટિએ એટલે કે એક ઐતિહાસિક અકસ્માતની દૃષ્ટિએ શા માટે એના તરફ જોતા નથી? ભારત તરફ એક નવી દૃષ્ટિએ એટલે કે કેટલાય દેશના શક્ય બજારોમાંની માત્ર એક બજાર તરીકે જુઓ. આ સમગ્ર વિશ્વગ્રામે ૪ કે ૫ વિભાગો રચ્યા છે એના તરફ નજર નાખો. આપણે સંસ્કારનું માળખું ઊભું કરીએ કે જેમાં પ્રાંતીય નિયામકો અને આ દેશના જ વ્યવસ્થાપકો હોય એવી કલ્પના કરો. અહીંના ભારતીય સ્થાનિક વ્યવસ્થાપકો ચેરમેન કરતાં ત્રણ કક્ષા ઊતરતા હોવા જોઈએ. ભારતે કંપનીના ચેરમેનનો ૩૦% કરતાં પણ ઓછો સમય લેવો જોઈએ. ક્રમશ: એ એના કરતાંયે ઓછો અને ઓછો થતો જવો જોઈએ. હવે રેન બક્ષીની ૨૦૧૨માં વૈશ્વિક વેચાણને ૫ બિલિયન ડોલર સુધી પહોંચાડવાની નેમ છે. ભારત માટે આ વેચાણની નેમ ૧૨% જેટલી રહેશે. યુએસ માટે ૫૦%ની અને યુરોપ માટે ૨૫% તથા બાકીના વિશ્વ માટે ૧૩%ની અપેક્ષા છે. એટલે જ ભારતીય કંપનીએ એવા વ્યવસ્થાપનો મેળવાની આવશ્યકતા છે કે જે વિશ્વના બીજાં બધાં બજારો માટે અધિકારનો દંડુકો મેળવી શકે. એમણે આમ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ટાટા કંપનીએ યુકેના કોરસ સ્ટીલની ખરીદી, આઈટી કંપનીઓના મોટા પ્રકલ્પ, ભારત ફોર્જ, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર તેમ જ બીજી કંપનીઓ પોતપોતાનાં ક્ષેત્રમાં આવું કરી રહી છે, એ એના ઉદાહરણ છે.

સીએસઆર સમાવર્તક વિકાસ માટે

આપણા માટે ‘કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલિટી’ – ‘સંયુક્ત સામાજિક જવાબદારી’ સમાવર્તક વિકાસ માટે આવશ્યક છે. ભારતમાં આવતા પાંચ વર્ષમાં પાંચ મેગા ટ્રેન્ડ – વિશાળ વલણ જોવા મળશે. એમાંનું એક છે – આ દેશમાં માઓવાદીઓનો ઉદ્ગમ અને મૂળભૂત રીતે આ ગરીબી અને અસમાનતાને લીધે જન્મે છે. અત્યારના ગૃહમંત્રાલયને આની ચિંતા છે. આના સુદીર્ઘકાળનો ઉકેલ એમના દમનમાં કે કોઈ પણ પ્રકારના ગૃહયુદ્ધ કે હિંસામાં નથી. સાચો ઉકેલ તો આજે જે વિકાસ થઈ રહ્યો છે તે લોકોમાં અને એનાથી વંચિત રહેલા સમૂહમાં પણ પહોંચવો જોઈએ. આ કાર્ય સરકારે પોતાના આયોજનમાં કરવું જોઈએ. સરકાર બજેટમાં આને માટેની ફાળવણી કરીને અને એ રકમ ખર્ચીને એમ કરવાનો પ્રયત્ન પણ કરે છે. સરકારની સમસ્યા એ છે કે એના અમલીકરણમાં કેટલાય અડચણનાં છીંડા આવે છે. એટલે સામાજિક વિકાસની વધારે જવાબદારીઓ ખાનગી ક્ષેત્ર તેમજ એનજીઓ-સ્વૈચ્છિક સંસ્થાઓ લે છે. એને લીધે ખરેખર જરૂરતમંદને વધારે લાભ મળે છે.

ઈકોલોજી-પર્યાવરણની જાળવણી

બીજો મોટો પડકાર આ છે – આપણે પર્યાવરણને સુધારવાનો જાગ્રત પ્રયત્ન નહિ કરીએ, પ્રાકૃતિક સંસાધનોનો કુશળતાપૂર્વક ઉપયોગ નહિ કરીએ, પ્રદૂષણની માત્રા નહિ ઘટાડીએ, ઊર્જા અને પાણીની જાળવણી નહિ કરીએ, તો ભારતનો ઘણો ઊંચો વિકાસદર ભારતના દુ:ખદર્દની કહાણી બની જશે. એ તો કંઈક રાતોરાત પૈસાદાર બનીને, સતત પીધેલા રહીને કે નશીલા દ્રવ્યોનું સેવન કરીને અંતે પોતાનો વિનાશ નોતરવા જેવું છે. એટલે જ્યાં સુધી આપણે આપણા ચાર પુરુષાર્થ – ધર્મ, અર્થ, કર્મ, મોક્ષ – નું તેમ જ પતંજલિના યમ-નિયમનું સમતુલન નહિ કરીએ ત્યાં સુધી ઉપર્યુક્ત બાબતોની જાળવણી શક્ય નથી. આપણા છ શત્રુ – એટલે કે ષડ્રિપુ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર – છે. ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં આ છ માંથી બે મોટા શત્રુ કામ અને ક્રોધની વાત કરી છે. આજે શિક્ષણની સાથે લોકશાહીના વ્યાપને લીધે આપણે બહુ ક્રોધ કરી ન શકીએ. એટલે હવે સૌથી મોટો દુશ્મન કામ બાકી રહ્યો. ‘કેવી રીતે ખર્ચવું કે નિકાલ કરવો’ એ નામના કેટલાંક સામયિકો છે. પોતાના ફેન્સી-કલાત્મક ઉત્પાદનોની અને એના પેકેજીઝની આ જાહેરાત છે. વ્યક્તિગત કોમ્પ્યુટરના ક્ષેત્રમાં પણ જો ૯૦% ભારતીયો પાસે કોમ્પ્યુટર હોત તો એની બિનઉપયોગી વસ્તુઓના નિકાલને કારણે પર્યાવરણની મોટી સમસ્યાઓ ઊભી થાય. હકીકત તો એ છે કે આજે ભારતમાં ૨૫ કરોડથી વધુ સેલફોન છે. ફેબ્રુઆરી ૨૦૦૮ના આંકડા પ્રમાણે દર મહિને ૭૦ લાખની માસિક વૃદ્ધિ સાથે વિશ્વમાં સૌથી ઊંચી વૃદ્ધિદરના સેલફોન વેંચાતા રહે છે. આ સંખ્યા ચાઈના કરતાં પણ મોટી છે. જૂના અને વણવપરાશના સેલફોનના નિકાલને કારણે પણ પર્યાવરણની મોટી સમસ્યા ઊભી થાય છે. આવી તો કેટલીયે વિસ્ફોટક બાબતો છે. 

(ક્રમશ:)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.