અંક ૧

દૃશ્ય ૧

(જૂના કલકત્તા શહેરની એક શેરીમાં આવેલ એક ઘરમાંના એક ઓરડામાં સ્ત્રીઓની શિવજીની પૂજા-આરતી બાદ)

અપર્ણા: સત્ય કહું છું, ભુવનેશ્વરી! દીકરીઓ તો પારકી થાપણ, પાંખો આવે અને ઊડી જાય, દીકરો હોય તો બુઢાપાની લાઠી બને અને કુળને તારે.

ખુકુની મા: હા, હા, મા! અપર્ણા સાચું જ કહે છે. પિતૃઓનો ઉદ્ધાર કરવા અને મુખમાં અગ્નિ મૂકવા પુત્ર તો જોઈએ જ મા! તેથી જ તો આ શિવપૂજન થઈ રહ્યું છે. શિવજી પ્રસન્ન થશે તો અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે. ચાલો, શિવની સ્તુતિ કરી લઈએ.

પાપ-તાપ માફ કરો ઓ મહેશ્વર!
શરણગ્રહી શિવ થાઉં ઓ મહેશ્વર!
ભસ્મરંજિત ધવલ અંગ
જટાજૂટ શોભે ગંગ
નિલકંઠ શૂલપાણિ ઓ મહેશ્વર!
ભુજંગધર ઉરે વસંત
મહાકાલ મૃત્યુંજય
ત્રિનેત્ર તમસહારી ઓ મહેશ્વર!
ડમ ડમ ડમરુ નાદે
નટરાજ કૈલાશ રાજે
અવિકારી ઉમાપતિ ઓ મહેશ્વર!

(સ્તુતિ પૂરી થતાં  શિવલિંગની આસપાસ પ્રકાશનો તેજપૂંજ દેખાય છે ત્યારે શ્લોક પાશ્વભૂમાં બોલાય છે.)

યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।

અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્‌ ॥

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્‌ ।

ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥

(સ્ત્રીઓ ધન્યતા અનુભવતી શિવલિંગને નમસ્કાર કરી એક પછી એક વિદાય લે છે. એમાંની એક સ્ત્રીને હાથ પકડી ઊભી રાખીને)

ભૂવનેશ્વરી : શુચિતા, ગઈકાલે મને સ્વપ્ન આવ્યું કે ભગવાન શિવજી બાલ સ્વરૂપે મારી ગોદમાં બેઠા છે ત્યાં જ  મારી આંખ ઊઘડી ગઈ. પણ મારું દિલ કહે છે કે શિવજી પોતે જ મને પુત્ર તરીકે પ્રાપ્ત થશે.

સુચિતા:  દીદી! (ભૂવનેશ્વરીનું મુખ પકડી) તમે તો એવા સ્નેહાળ, સુશીલ અને સુંદર છો કે કોઈને પણ તમારા પુત્ર થવાનું મન થાય.

ભુવનેશ્વરી : ચાલ, છોડ મને, ઘરમાં ઘણું કામ પડ્યું છે.

(પડદો પડે છે.)

દૃશ્ય ૨

(ભુવનેશ્વરીદેવીને પુત્ર રત્ન પ્રાપ્ત થયું છે. ઓરડામાં સ્ત્રીઓ અને બાળકો આનંદોત્સવ ઊજવે છે. સૌ ભેગા મળી હર્ષોલ્લાસ વ્યક્ત કરે છે. બધાઈ આપે છે.)

સ્ત્રીઓ :

આજ હમારે ઘર લલ્લા આયા
ખુશિયોં કા ગુબ્બાર લાયા
બધાઈ હો બધાઈ શુભ ઘડી આઈ
વિશ્વનાથ મહાશય કો બધાઈ હો બધાઈ
દત્તજી કે ઘર લલ્લા આયા

ખુકુની મા : અરે! શાંત થાઓ! કહું છું કે હવે બધા શાંત થાઓ, જુઓ તો ખરા જ્યોતિષીજી પધાર્યા છે.

અપર્ણા: પધારો મહારાજ! નમસ્કાર! (આસન બિછાવીને) બીરાજો મહારાજ! લો! (લખેલો કાગળ આપે છે.) તમારા લાડકાની માહિતી!

જ્યોતિષી : (કાગળ વાંચીને) વાહ! ઇ.સ.૧૮૬૩ની બારમી જાન્યુઆરીને સંવત.૧૯૯૯ પોષ વદ સાતમને સોમવાર મકરસંક્રાંતિને દિવસે ખોકાનો જન્મ થયો. ઘણું જ શુભ, મંગલમ્‌ મંગલમ્‌ । ગ્રહો જોતાં પુત્ર ખૂબ ભાગ્યશાળી છે, મહા તેજસ્વી અને દિગ્વિજયી થશે. રાશિ વૃશ્ચિક છે. ન અને ય ઉપર નામ રાખી શકાય.

ખુકુની મા : (ભુવનેશ્વરીને સંબોધીને ) મા, તું તો શિવજીના નામ પરથી વીરેશ્વર નામ પાડવા ઇચ્છે છે ને? પરંતુ મા, સંન્યાસી થઈ ગયેલા દાદા દુર્ગાચરણના નામ પરથી દુર્ગાદાસ નામ રાખીએ તો?

ભુવનેશ્વરી : ના, બાબા ના. મારે મારા દીકરાને સાધુ નથી બનાવવો, મારો દીકરો તો રાજા બની રાજ કરશે રાજ.

જ્યોતિષી : મા, સાધુની વાત જવા દો. મને લાગે છે કે વિશ્વનાથ દત્તનો દીકરો તો પુરુષોમાં શ્રેષ્ઠ, ઇન્દ્ર જેવો ‘નરેન્દ્રનાથ દત્ત’ જ હોવો જોઈએ ખરુંને મા! તમારો આ નાનકો દુનિયામાં ડંકા વગાડશે ડંકા!

બધા : (એક સાથે) હા, તો નરેન્દ્રનાથ નામ જ બરાબર છે.

ખુકુની મા : અલી અપર્ણા, શુચિતા, ક્યાં ચાલી ગઈ બધી! નામકરણનું શુભ મુહૂર્ત વીતી રહ્યું છે, જલદી કરો (નામકરણ વિધિ – એક નવી સુંદર ચાદરમાં નાનકડા નરેનને સૂવડાવીને, ચાર છેડે ચાર બાળકો હાથમાં પીપળાનું પાન પકડી નરેનને ધીમેથી ઝુલાવતાં ઝુલાવતાં)

બાળકો : ઓળી ઝોળી પીપળ પાન

ફોઈએ પાડ્યું નરેન્દ્રનાથ નામ.

(ફરી બધા બધાઈ ગીત ગાય છે, નાચે છે.)

(પરદો પડે છે.)

દૃશ્ય ૩

(સાત વર્ષ પછી) ઓરડામાં નાનો નરેન્દ્ર પલંગમાં સૂતો છે, મા ભુવનેશ્વરી તેના ગાલ પર, વાળમાં હાથ પસવારી, પ્રેમથી તેને જગાડવાની કોશિષ કરે છે.

ભુવનેશ્વરી : દેવકીના જાયા જાગો
યશોદાના લાલ જાગો
ગોપીઓના પ્રાણ જાગો
જાગો હે પરમપ્રેમ જાગો
વૃંદાવનની કુંજ જાગો
ફૂલોની સુગંધ જાગો
કાલિંદીના નીર જાગો
જાગો હે પરમચેતન જાગો
પંખીઓના ગીત જાગો
મયૂરના નર્તન જાગો
વાંસળીના સૂર જાગો
જાગો હે પરમઆનંદ જાગો

(ગીત પૂરું થતાં નરેન્દ્ર આળસ મરડી, બગાસું ખાતાં ધીમે ધીમે જાગે છે, મા વ્હાલ કરે છે)

ભુવનેશ્વરી : ચાલ બેટા! સ્નાન કરી જલ્દી તૈયાર થઈ જા. (નરેન્દ્ર ઊઠીને જવાની તૈયારી કરે છે, ત્યાં શુચિતા આવીને નરેનના ચહેરાને વ્હાલથી બંને હાથમાં પકડીને)

સુચિતા : દીદી! તારો દીકરો તો દેવ જેવો રૂપાળો છે, તેની આંખો તો જો, ઝળહળતા હીરા જેવી તેજસ્વી છે, કપાળ તો જાણે પ્રકાશતો સૂર્ય, અને એનું નાનકડું નિર્દોષ મુખ તો મન મોહી લે તેવું છે.

(નરેન્દ્ર શુચિતા પાસેથી પોતાનો ચહેરો છોડાવી ચાલવા લાગે છે અને ત્યાં રહેલી પોતાની બહેનનો ચોટલો ખેંચે છે, બહેનો સાથે તોફાન – મસ્તી કરે છે, ચાળા પાડે છે. બહેનોથી પકડાતો નથી.)

બહેન : તોબા! આ તો એકે હજાર જેવો છે. ચાલો ભાઈ, આપણાથી આ બિલાડો નહીં પકડાય. હું તો થાકી ગઈ.

ભુવનેશ્વરી: (દોડતાં નરેનને પકડીને) ચાલ, દીકરા ડાહ્યો થઈ જા. સવાર સવારમાં તોફાન ન કરાય. શિવજીની પૂજા કરાય. પ્રાર્થના કરાય. ચાલ જોઉં. (જાય છે.)

(પડદો પડે છે.)

દૃશ્ય ૪

(નરેન તેના મિત્રો સાથે રમે છે ત્યાં મા ભુવનેશ્વરી બૂમો પાડતા આવે છે હાથમાં ભોજનની થાળી છે.)

ભુવનેશ્વરી : બિલે… ઓ બિલે… ક્યાં ગયો? બાર વાગી ગયા પણ મારા દીકરાને રમવામાં ભૂખનું પણ ભાન નથી (છોકરાઓ તરફ જોઈને) અરે, છોકરાંઓ હજી સુધી રમ્યા કરે છો? બીજું કશું કરવું છે કે બસ રમવું જ છે? (છોકરાઓ ચાલ્યા જાય છે, નરેનને પ્રેમથી ખોળામાં બેસાડીને ભોજનની થાળી બતાવીને) ચાલ, મારા દીકરા જમી લે જોઉં.

નરેન : ના, મા. મને ભૂખ નથી લાગી.

ભુવનેશ્વરી : મારા લાડકા, તને જે ભાવે તે જમી લે, લે મોઢું ખોલ.

નરેન : (માના ખોળામાંથી ઊભો થઈને) નહીં જમું, નહીં જમું ને નહીં જ જમું. મારા દોસ્તોને કેમ ભગાડી મૂક્યા? નથી જમવું મારે. (ચીડમાં ઓરડામાંની વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખે છે.)

ભુવનેશ્વરી : (વસ્તુઓ વ્યવસ્થિત કરતાં) અરે રામ! શિવજી પાસે તેમના જેવો પુત્ર માગ્યો હતો પણ એ ભૂતનાથે તો આ પોતાના એક ભૂતને જ અહીં મોકલી આપ્યો. હે ભગવાન!

નરેન : (પાછળથી માના ગળામાં બંને હાથ ભરાવી લાડકો થતાં) મા, મને મારા મિત્રો સાથે રમવા દેને. હું રમવા જાઉં, મા!

ભુવનેશ્વરી : સવારથી માંડી અત્યાર સુધી તો તું રમતો જ હતો. બસ, બહુ થયું હવે.

નરેન : મા, જોને પેલા છોકરાઓ તો રમ્યા જ કરે છે. મને જવા દેને મા! એક વાર.

ભૂવનેશ્વરી : કેમ સમજતો નથી? જેમ બેટા મોટો થતો જાય છે તેમ તારાં તોફાન વધતાં જાય છે. ચાલ, ચૂપચાપ એક બાજુ બેસી જમી લે.

(નરેનને એકદમ ગુસ્સો આવી જાય છે. ઉધમ મચાવી દે છે. ઓરડાની વસ્તુઓ ચારેબાજુ ફેંકી દે છે, આ બધી ધમાલ સાંભળી ખુકુની મા પ્રવેશે છે. નરેન મોઢું ચડાવીને એક બાજુ બેસી જાય છે)

ખુકુની મા :  (ઓરડાનું દૃશ્ય જોઈ) ઓ મા! આ શો ધરતી કંપ થઈ ગયો! આ શી ધમાલ છે? શાના ધમપછાડા છે આ?

ભુવનેશ્વરી : આ મારો દીકરો જુઓ ને! જમવાને બદલે રમવાની જીદ પકડીને બેઠો છે. કહું એટલે રીસાઈ જાય છે.

ખુકુની મા : (નરેનને વ્હાલો કરીને) મા, આ અમારો નરેન તો ભગવાન શિવજીનો પ્રસાદ છે. સાચું કહું તો સાક્ષાત્‌ શિવજી પોતે જ છે. એટલે તમારા કોઈનું પણ દબાણ એના પર ચાલવાનું નથી. કહી દઉં છું, હા.

ભુવનેશ્વરી : ખુકુની મા! તોફાનની પણ કાંઈ હદ હોય ને? હું તો આ ભૂતનાથના તોફાનથી થાકી જાઉં છું. મારા દીકરાનું શું થશે? મને તો ચિંતા થાય છે. આજે તો બસ આ ઓરડામાં જ એને પૂરી રાખવો છે. બહાર નીકળવા જ નથી દેવો.

(નરેન ઓરડાની બારી પાસે ઊભો હોય છે ત્યાં ભિખારી ભીખ માગતો નીકળે છે.)

ભિખારી : ભૂખે કો કુછ દે બાબા!
નંગે કો કુછ દે બાબા!
ભગવાન તેરા ભલા કરેગા.
ગરીબ કો કુછ દે દે બાબા!

નરેન : (ઓરડામાં અહીં તહીં જુએ છે. ખીટી પર લટકતી ધોતી ઉપાડી ભિખારીને બારીમાંથી આપી દે છે.)

ભુવનેશ્વરી : (નજર પડતાં) શું ફેંક્યું? જોયું? ખુકુની મા! કોઈ માગવાવાળાએ માંગ્યું નથી ને ભાઈસાહેબે આપ્યું નથી! ભલે ને પછી તે કિંમતીમાં કિંમતી વસ્તુ હોય કે પછી ક્ષુદ્ર વસ્તુ હોય આને તો વસ્તુની કશી કિંમત જ નથી. જે હાથ લાગ્યું તે આપ્યું. ઊભો રે! આજ તો તને બરાબર પાઠ ભણાવું. (નરેન દોડાદોડી કરી માના હાથમાં પડકાઈ જાય છે.)

નરેન : મા, મને છોડી દો. મેં કશો અપરાધ કર્યો નથી. (ગુસ્સામાં) છોડો, મને છોડી દો.

(છૂટવા ધમપછાડા કરે છે.)

ભુવનેશ્વરી : પણ સાંભળતો ખરો, બેટા!

નરેન : (ક્રોધથી ધ્રૂજતાં ધ્રૂજતાં) તમે બધાં કહો છો કે કોઈનું કશું નથી. બધું ભગવાનનું જ છે. તો બીજાને આપું છું તો શા માટે ધમકાવો છો? જે ભગવાનનું છે એ તો આપું છું તમારું નથી આપતો.

(ફરી છૂટવા માટે ધમપછાડા કરે છે.) હું તો આપવાનો, આપવાનો અને આપવાનો જ.

(ભુવનેશ્વરીદેવી પાણીનો લોટો લઈ ૐ નમ:શિવાય બોલતાં બોલતાં નરેનના મસ્તક પર પાણીની ધાર કરે છે. ધીમે ધીમે નરેન શાંત થઈ જાય છે.)

ભુવનેશ્વરી :  જો મારા લાડકા! તું તોફાન કરવાનું નહીં છોડી દે તો શિવજી તને કૈલાસમાં નહીં આપવા દે. મારો વ્હાલુડો! મારી આંખનો તારો! ડાહ્યો થા દીકરા!

(આટલું બોલતાં મા ભુવનેશ્વરી નરેનને વ્હાલથી હૈયે લગાડી વ્હાલ વરસાવે છે.)

(પડદો પડે છે.)

અંક : ૨

દૃશ્ય ૧

ભુવનેશ્વરી : (પ્રવેશીને વિચારમગ્ન બેઠેલા નરેનને ઉદ્દેશીને) બેટા, તારું લેસન થઈ ગયું?

નરેન : મા, મારે લેસન કરવું પડતું નથી. એકવાર સાંભળું છું ને યાદ રહી જાય છે. મુગ્ધબોધ વ્યાકરણનું આખું પુસ્તક મને યાદ રહી ગયું છે. મા, મારા ભગવાની ચિંતા ન કર. એ વાત જવા દે. મા, મને તો ભગવાન રામચંદ્ર અને શ્રીકૃષ્ણની વાતો ગમે છે. મહાભારતની કથાઓ સાંભળવાની તો ખૂબ મજા પડે છે.

ભુવનેશ્વરી : બેટા! એ બધું તો તું સાંભળી ચૂક્યો છે. (નરેનને લાડ કરતાં) તું જ નટખટ કાનુડા જેવો શરારતી છે. મારે મન તો તું જ કાનુડો છે. પણ બેટા, તું રામચંદ્રજી જેવો ડાહ્યો ને સમજુ ક્યારે બનીશ?

નરેન : (માના ખોળામાં વ્હાલથી) મા, તું ચિંતા ન કર. તને ગમે અને ગૌરવ થાય એવો દીકરો હું બનીશ, તું જોજે મા! પ…ણ…

ભુવનેશ્વરી : શું? બેટા! બોલ કહે તો મને.

નરેન : મા, મને કશું સમજાતું નથી પણ છે ને મા જ્યારે હું સૂઉં છું ત્યારે બે ભવાંની વચ્ચે અદ્‌ભુત પ્રકાશ પ્રગટે છે તેના રંગો બદલાતા રહે છે. છેવટે એ તેજપૂંજ મારા આખા શરીરને ઢાંકી દેતો હોય તેમ લાગે છે. અને હું સૂઈ જાઉં છું મા! આ શું હશે? મને કશી ખબર પડતી નથી મને તો ઊંઘ આવે છે મા, મને ગમે એવું હાલરડું ગાને!

(ધીરેથી નરેન માના ખોળામાં માથું મૂકી સૂવે છે નરેનના માથા પર હાથ પસવારમાં  ભુવનેશ્વરી હાલરડું ગાય છે.)

રેશમની દોરી મખમલની ઝોળી
યશોદા ઝૂલીવે મારા લાલ
પોઢો રે પોઢો મા લાલ
હાલાં રે હાલાં મારા લાલ
સૂરજ પોઢ્યોને ચંદર ઊગ્યો
ચાંદની સુણાવે સિતાર
પોઢો રે પોઢો મારા લાલ
હાલાં રે હાલાં મારા લાલ
મંદ સમીર નિંદર મીઠી લાવે
સોનેરી સપના સંગાથ
પોઢો રે પોઢો મારા લાલ
હાલાં રે હાલાં મારા લાલ
ગોકુળિયું પોઢ્યું, ગાયો રે જંપી
કેમ રે જાગે મારો લાલ
પોઢો રે પોઢો મારા લાલ
હાલાં રે હાલાં મારા લાલ
મુખ તારું ઝલકે, સ્નેહ મારો છલકે
જોતી રહું સારી રાત
પોઢો રે પોઢો મારા લાલ
હાંલાં રે હાંલાં મારા લાલ

(પડદો પડે છે.)

દૃશ્ય ૨

(શાળાનો એક વર્ગખંડ-ભારતનો નક્શો-ટેબલ પર પૃથ્વીનો ગોળો છે. બ્લેક બોર્ડ પર ‘ભારતની કુદરતી સંપત્તિ’ લખેલું છે.)

શિક્ષક : આજે આપણે કુદરતી સંપત્તિમાં જંગલની સંપત્તિ વિશે શીખીશું. જંગલોને કારણે આપણને ઘણા લાભ થાય છે.

* જંગલ આપણને લાકડું પૂરું પાડે છે. જેમાંથી હોડીઓ, ફરનીચર વગેરે બને છે.

* જમીનનું રક્ષણ કરે છે. ધોવાણ અટકાવે છે.

* વૃક્ષો વરસાદી વાદળને ખેંચી લાવે છે. તેથી સારો વરસાદ પડે છે. ( આ દરમ્યાન નરેન અને વિરેન વાતો કરતા હોય છે.)

* જંગલમાંથી ઔષધિઓ, લાખ, મધ, ગુંદર, કાથી મળે છે. (વાતો કરતા હોવાથી શિક્ષક પ્રથમ વિરેનને ઊભો કરે છે અને સવાલ પૂછે છે.)

શિક્ષક : વિરેન, જંગલના બે ફાયદા બતાવ.

(વિરેન ચૂપચાપ ઊભો રહે છે. ધ્યાન વાતોમાં હોવાથી અનુત્તર રહે છે.)

શિક્ષક : ચાલ નરેન, તું જવાબ આપ જોઈએ.

નરેન : સર, જંગલમાંથી ઔષધિ મળે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે.

શિક્ષક : વિરેન, તું જાણે છે જંગલમાંથી કઈ કઈ વસ્તુઓ મળે છે?

(વિરેન! નતમસ્તક ઊભો રહે છે.)

શિક્ષક : નરેન તને ખબર છે?

નરેન : હાજી સર; ગુંદ, મધ, કાથી, લાખ મળે છે.

શિક્ષક : (પ્રસન્ન થઈને) શાબાશ! નરેન તારા જવાબ સાચા છે. તું બેસી જા. મને લાગે છે કે તું વાતો નહીં કરતો હોય. અલ્યા વિરેન, તું બરાબર ઊભો રહેજે.

નરેન : પ્લીઝ સર. હું સત્ય કહું છું હું પણ વાતો જ કરતો હતો. ભલે મારા જવાબ સાચા હોય તેથી હું પણ વિરેનની સાથે જ ઊભો રહીશ.

(એટલામાં ઘંટ વાગે છે. શિક્ષક અને અન્ય છોકરાઓ જાય છે. નરેન અને તેના મિત્રો ઊભા થઈને વાતો કરે છે.)

વિરેન : અલ્યા નરેન! તું તો મારી જોડે વાતો કરતો હતો. મને ન આવડ્યા અને તું સાચા જવાબો શી રીતે આપી શક્યો?

નરેન : (વિરેનને ખભે હાથ મૂકી) અરે યાર, આવું તો મને ઘણું ફાવે છે. એક સાથે બેત્રણ કાર્ય કરી શકું છું. એકાગ્રતાથી ધ્યાનમાં રાખી શકું છું. માત્ર એક વાર વાંચીને બધું યાદ રાખી શકું છું, ફરી વાંચવાની જરૂર જ નહીં. એક વાર સાંભળીને પણ બંદાને યાદ રહી જાય. તેથી જ તો મને તમારા બધા કરતાં રમવાનો સમય વધુ મળે છે ને! બીજું શું!

વિરેન : દોસ્ત નરેન! તું અમારા બધાથી કાંઈક જુદો જ છે.

યતિન : વાતોમાં અહીં જ સાંજ પાડવી છે કે પછી ઘરે જવું છે? મારા પેટમાં તો બિલાડા બોલે છે. ચાલો ઘરે.

(બધા જાય છે.)

(પડદો પડે છે.)

દૃશ્ય ૩

(ઘરના એક ઓરડામાં નરેન મિત્રો સાથે બેઠો છે.)

યતિન : ચાલો, આજે તો બેટ દડે રમીએ ખુલ્લા મેદાનમાં રમવાની મજા આવશે.

શરદ : ના, આજે તો આંબલી-પીપળી રમવું છે. ચાલો બાગમાં જઈએ.

નરેન : દોસ્તો, આપણે કદી ન રમ્યા હોઈએ એવી રમત અત્યારે ને અહીં જ રમીએ તો?

બધા : એ વળી કઈ રમત?

નરેન : ચાલો હું તમને બધાને શીખવાડું છું. બધા પોતપોતાની જગ્યાએ પલાંઠી વાળી, બંને હાથ ખોળામાં રાખી, આંખો બંધ કરી ધ્યાન કરવા માંડો. યતિનદા! આપણા વડિલો આ રીતે જ ધ્યાન કરે છે ને?

યતિન : હા, ગુરુ હા. તું કહે તેમ ભાઈ.

(બધા ધ્યાનસ્થ બેઠા છે. પરંતુ, નરેન સિવાયના બીજા બધા અવારનવાર આંખો ખોલી આસપાસ જોઈ લે છે. નરેનને ધ્યાન લાગે જાય છે. એવામાં એક બાજુથી સાપ આવે છે. સાપને જોઈને.)

શરદ : એય! સાપ! સાપ! ભાગો! ભાગો!

(નરેન સિવાયના બીજા મિત્રો બૂમાબૂમ કરતા ડરના માર્યા એક બાજુ ઊભા રહે જાય છે.)

શરદ : નરેન! ઓ નરેન! ઊઠ! ઊઠ! ઊભો થા, ભઈલા! જો તો ખરો સાપ આવે છે, મને તો ડર લાગે છે. બધા નાસી ગયા છે. જલદી કર ભાઈ! હું તો જાઉં છું.

(સાપ નરેનની પ્રદક્ષિણા કરી જતો રહે છે એટલે દૂર ઊભેલા મિત્રો પાછા ફરે છે.)

વિરેન : (નરેનને સંબોધીને) તું તો ગજબ છે! યાર! તને ડર નથી લાગતો! અમે તો ડરના માર્યા નાસી ગયા ને તું તો ડર્યા વિના પત્થરની જેમ બેસી રહ્યો. ભારે હિમ્મતવાળો ને સાહસિક છે તું તો ભાઈ!

નરેન : હું કદી ડરતો નથી અને પરીક્ષા કર્યા વિના કશું માનતો નથી. કોઈની કહેલી વાત પરખ કર્યા વિના માની લેવી એ તો નરી મૂર્ખાઈ છે. પેલા દાદાજી આપણને ડરાવતા હતા ને કે પેલા ઝાડ પર ભૂત રહે છે. હું એ ઝાડ પર છેક ટોચ સુધી ચડી આવ્યો. ત્યાં તો ભૂત-બૂતનો કાંઈ પત્તો જ નથી. જો ખરેખર ભૂત હોય તો મને પકડી ન લે. તેથી જ તો દોસ્તો કહું છું કે કોઈથી કદી ડરવું નહીં અને પરખ કર્યા વિના માનવું નહીં.

વિરન : ભાઈ, તારી તો વાત જ નિરાલી છે.

નરેન : ભૂત-બૂતની વાત જવા દો. મિત્રો! પણ મને એક વિચાર વારંવાર આવ્યા કરે છે. બધા કહે છે કે ઈશ્વર આ જગતને ચલાવે છે. પણ જ્યારે એ બધાને હું પૂછું છું કે તમે ઈશ્વરને જોયો છે? તો કોઈ પાસે જવાબ નથી. સમજાતું નથી મને મારા આ સવાલનો જવાબ કોણ આપશે?

વિરેન : નરેન, મે સાંભળ્યું છે કે દક્ષિણેશ્વરના મંદિરમાં રામકૃષ્ણદેવ કરીને એક સંત છે તે બધું જાણે છે. તું એને પૂછ તો કદાચ જવાબ મળે પણ ખરો.

(નરેન વિચારમગ્ન બની જાય છે, પડદો પડે છે.)

દૃશ્ય ૪

(દક્ષિણેશ્વરમાં પૂજ્ય રામકૃષ્ણદેવ એક પાટ પર બેઠાં છે. નરેન અને મિત્રો આવી બેસે છે. અન્ય ભક્તો પણ બેઠાં છે.)

રામકૃષ્ણદેવ : દીકરા આટલો મોડો કેમ આવ્યો? હું તો કેટલાએ  વખતથી તારી રાહ જોઉ છું.

નરેન : પ્રણામ, આપે ઈશ્વરને જોયો છે?

રામકૃષ્ણદેવ : હા. મેં ઈશ્વર જોયો છે. તારો જોવા છે?

(નરેન સ્તબ્ધ બની જાય છે. દિઙમૂઢ બની જોયા કરે છે.)

રામકૃષ્ણદેવ : જેટલી સ્પષ્ટતાથી હું તને જોઉ છું એટલી જ સ્પષ્ટતાથી હું ઈશ્વરને જોઉ છું. જેવી રીતે હું તને નજરોનજર જોઉ છું અને વાતો કરું છું એવી રીતે  તેની સાથે પણ થઈ શકે.

નરેન : (સ્વગત) જેને હું શોધું છું એ મહાપુરુષ આ જ છે.

(નરેન રામકૃષ્ણ પરમહંસદેવને સાષ્ટાંગ પ્રણામ કરે છે.)

રામકૃષ્ણદેવ : બેટા! સાંભળ્યું છે કે તું બહુ ભાવથી, મધુર કંઠે ભજનો ગાય છે. એકાદ સંભળાવ, દીકરા!

નરેન : મન મારું નિશદિન ગાએ
અંતરપટ ખોલીને ઊભો
વેણુનાદ કરતો દીઠો
હરપલ હૈયે હસતો રેતો
મુખડું એનું મોહક લાગે
નયનો એનો નેડો લાગે
મોરપિચ્છ મરકંતુ લાગે
સૃષ્ટિ સારી સુંદર લાગે
ચરાચરમાં ચેતન ભાસે
ક્ષરમાં અક્ષર વસતો લાગે
પાદ્મન સ્પર્શે હૈયું હરખે
આનંદ ઉરમાં ઊછળી છલકે
તન મારું થિરક થિરકે

(ગીત પૂરું થતાં હરિબોલ હરિબોલની ધૂનની જમાવટ થાય છે અને પડદો પડે છે.)

સમાપ્ત

હરબાળાબેન દવે

(પોરબંદર)

(પોરબંદરની સુવિખ્યાત શૈક્ષણિક સંસ્થા શ્રી થેડિયા-રાજપરા પ્રાથમિક કન્યાશાળાના રજતજયંતી મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રસ્તુત નાટિકા સફળતાપૂર્વક ભજવવામાં આવી અને પ્રેક્ષકો દ્વારા પુરસ્કૃત થઈ.)

Total Views: 99

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.