ડૉ. તિલ્લાવેલ નાયડુ દક્ષિણ આફ્રિકાની ડર્બન-વેસ્ટવિલે યુનિવર્સિટીમાં ધર્મશાસ્ત્રોના વિભાગના વડા તથા સીનીયર લેકચરર છે. તેમના ‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુઆરી, ૯૬માં પ્રગટ થયેલા લેખનું ગુજરાતી અનુસર્જન શ્રી પી.એમ.વૈષ્ણવે કર્યું છે. – સં.

૧૮૯૩માં અમેરિકામાં યોજાયેલ ધર્મસંસદમાં સ્વામી વિવેકાનંદનું પ્રવચન ઘણું મહત્ત્વનું તથા અદ્વિતીય હતું. આ ધર્મસંસદ પછીનાં વરસોમાં સ્વામીજીએ અમેરિકા અને યુરોપમાં આપેલા વાર્તાલાપો અને પ્રવચનો, તથા અમેરિકાના અને યુરોપના લોકો સાથેની તેમની ચર્ચાઓની તેથીજ વધુ વ્યાપક અસર થઈ. તેમાં પણ અમેરિકાના લોકોને તો સૌ પ્રથમ વખત જ એ ખ્યાલ આવ્યો કે જીવનની મહત્ત્વની બાબતો સંબંધી ભારત બહુ ઊંડું જ્ઞાન ધરાવે છે અને તે સમગ્ર માનવજાતના આધ્યાત્મિક વિચારોમાં અતિ મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે. તેથી ૧૯મી સદીના છેલ્લા દશકામાં તેઓ અમેરિકાના બહુ મહત્ત્વના અતિથિ બની રહ્યા. તેઓ ઉત્તમ પ્રતિભાસંપન્ન વિરલ ઉપદેશક હતા, એટલું જ નહિ પરંતુ તેમનું દર્શન પણ ખૂબ ઊંડાણવાળું અને તાજગીભર્યું હતું. તેમના સંદેશને અમેરિકાના લોકો સાચી રીતે સમજ્યા હોત તો આધ્યાત્મિક રીતે દરિદ્ર એવા એ દેશના બુદ્ધિજીવીઓ પર તેમના સંદેશનો ખૂબ પ્રભાવ પડ્યો હોત. ૧૯મી સદીનાં અંતિમ વરસોમાં અમેરિકનો જે વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની સિદ્ધિઓ વિશે પરિચિત હતા, તેના કરતાં પણ તેમનો પ્રભાવ વધુ હોત.

પૂર્વના અને પશ્ચિમના જે લેખકોએ સ્વામીજીનું જીવનચરિત્ર લખ્યું છે તેમાં તેઓ વર્ણવે છે તેમ ઈશ્વરમાં પોતાની ગાઢ શ્રદ્ધા માટે અને ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ કાર્યો કરવાના પોતાના દૃઢ સંકલ્પ માટે સ્વામીજી હંમેશાં યાદ રહેશે.

તે ઉપરાંત ભારતનું આધ્યાત્મિક નવઘડતર કરવા અને તે દ્વારા ભારતનું સામાજિક, રાજકીય, અને આર્થિક ઉત્થાન કરવાના તેમના નિર્ધારમાં પણ, તેમની ઇચ્છા અને ઈશ્વરની ઇચ્છાનું મિલન હોય, તેમ લાગ્યા વગર રહેતું નથી. અજ્ઞાન અને ગરીબીમાં ડૂબી ગયેલા દેશને તેમાંથી ઉગારવાનું તથા પછાતપણા અને આર્થિક તંગી દૂર કરવાનું કાર્ય કરવાનો તેમણે સંકલ્પ કરેલો.

એક ભારતીય યુવાન પરિવ્રાજક સંન્યાસી આમ અમેરિકામાં તો અચાનક તે યુગના પ્રખ્યાત વ્યક્તિ બની રહ્યા. હવે તેઓ અમેરિકાને ખૂણે ખૂણેથી મળતાં પ્રવચનો માટેનાં આમંત્રણો સ્વીકારવા લાગ્યા અને તે દ્વારા તેમણે ભારત અને હિન્દુધર્મનો સાચો પરિચય અમેરિકાના લોકોને કરાવ્યો. સ્લેટન લીસેમ લેક્ચર બ્યુરો નામની સંસ્થાએ તેમનું પ્રવચન ગોઠવ્યું.પોતાના મનમાં ઉભરાતા વિચારોને ચોમેર ફેલાવવા તથા ભારત અને હિન્દુધર્મ તેમ જ ભારતમાંના અન્ય ધર્મો વિશેના પશ્ચિમના લોકોના ખોટા ભૂલભરેલા ખ્યાલોમાંથી તેમને બહાર લાવવા, તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.

આ તેજસ્વી યુવાન સંન્યાસી હિન્દુધર્મ અને હિન્દના લોકો માટે, તથા ખાસ તો માનવજાત માટે, જે વિચાર વારસો આપતા ગયા તેનો હવે ક્યાસ કાઢવા પ્રયત્ન કરીએ. પોતાના દેશવાસીઓની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે સ્વામીજી જે અદમ્ય ઝંખના રાખતા હતા તેનો ખ્યાલ આપણને તેમના જીવનચરિત્રમાંથી મળે છે. આવો સુધારો થતાં સ્વાભાવિક રીતે ભારતનાં સાંસ્કૃતિક જીવનનું પણ અનિવાર્યપણે ઉત્થાન થાય અને તેમ થતાં દેશમાં રાજકીય અને આર્થિક પુનરુત્થાન આવે. આને લીધે દેશને જેની તાતી જરૂર હતી તેવા વિશાળ પાયા પરનાં પરિવર્તનો આવે. છેલ્લાં સો વર્ષથી તેમની અસર વ્યાપક અને શક્તિશાળી બની રહી છે. અને નિશ્ચિતપણે આવતાં હજારો વર્ષ સુધી તે ચાલુ રહેવાની જ છે.

હિન્દુધર્મનું ઉત્થાન કેમ કરવું તે તેમના જીવનનો યક્ષપ્રશ્ન હતો. વેદાંતની ફિલસૂફી અને દર્શનનું ખરું મૂલ્ય પશ્ચિમની દુનિયાને કેમ સમજાવવું? પરતંત્રતા અને ગરીબીમાં સબડતા ભારતને પૂર્વગ્રહથી અને માત્ર પ્રવાસી તરીકે આવી નિહાળનાર પશ્ચિમના લોકોને હિંદુધર્મ વિશે ઘણા ખોટા ખ્યાલો હતા તેને કેમ સુધારવા? આ વાતની સાથોસાથ સ્વામીજીએ પોતાનાં પ્રવચનો દ્વારા પશ્ચિમના સેમેટિક ધર્મના વડાઓને સમજાવ્યું કે તેઓ પોતાના ધર્મ વિશે વધુ પડતા અહંકારી છે. સ્વામીજીની અદ્‌ભુત અસરથી આ ધર્મગુરુઓ પણ પોતપોતાના ધર્મની અંદર રહેલ સાચી મહાનતા પીછાનતાં શીખ્યા. તે સાથે અન્ય ધર્મો પણ સાથો સાથ જીવી શકે તેવું અનુકૂળ વાતાવરણ ઊભું થયું. સ્વામીજી માનતા હતા કે હિન્દુઓએ પણ હમેશાં ખુલ્લા દિલના અને નવું શીખવાની વૃત્તિવાળા રહેવું જોઈએ.

માનવજીવન અને તેના અંતિમ ઉદ્દેશ અંગેના તેમના ઊંડાં જ્ઞાનને લીધે, અમેરિકામાં સ્વામીજી પ્રખર ઉપદેશક તરીકે પ્રખ્યાત થયા. તેથી તેમના વાર્તાલાપોમાં અનેક લોકો આવતા. પ્રવચનો માટેનાં અસંખ્ય આમંત્રણોને લીધે અમેરિકામાં તેઓ ખૂબ પ્રવૃત્તિશીલ રહેતા. Evanston Index નામનાં વર્તમાનપત્રે લખ્યું કે શિકાગોના તેમના પ્રવાસને સતત આદર સત્કાર મળ્યાં. તે જ રીતે અમેરિકાના બાકીના પ્રદેશોમાં પણ ખૂબ ઉત્સાહથી તેમનો સત્કાર થયો હતો. પોતાના ઉદ્દેશ વિશે સ્વામીજીએ કહ્યું હતું કે તેમનો એક ઉદ્દેશ તેમના મનના વિચારોનાં બીજ સર્વત્ર વાવવાનો હતો. ભારતીય સંસ્કૃતિની યશગાથા વર્ણવતાં તેઓ અમેરિકાના એક છેડાથી બીજા છેડા સુધી ઘૂમી વળ્યા. પશ્ચિમના લોકો જે સત્યની શોધ કરતા હતા, તે તેમને આમાંથી જ મળે તેમ હતું.

પરંતુ તે સાથે ભારતની એ બદનસીબી હતી કે અનેક સદીઓની તેની આ ભવ્ય સંસ્કૃતિ માટે બહુ વિકટ સમય આવ્યો હતો. સર્વત્ર અતિશય ગરીબાઈ, અજ્ઞાન, વહેમો, બેકારી તથા ગંદકીને લીધે ભારતમાં આ ખરેખર વિકટ કાળ હતો. ભૂખમરાએ પોતાનો વિકરાળ પંજો સર્વત્ર ફેલાવ્યો હતો. આવા સમયે, ભારતની સંસ્કૃતિની યશગાથા ગાવાનું સ્વામીજી માટે મુશ્કેલ તો હતું જ, પરંતુ તેઓ આ સંસ્કૃતિનું ઉત્થાન પણ કરવા ઇચ્છતા હતા.

ઘણાખરા લોકોને મન તો સ્વામીજી ભારતમાંથી આવેલ એક વ્યક્તિ હતા, ધર્મ સાથે જોડાયેલ વ્યક્તિ અને તે પણ ભારતના ધર્મ સાથે. પરંતુ તેમનો આ મત સાવ સાચો ન હતો, કેમકે વિશ્વના લોકો પર સ્વામીજીની સૌ પ્રથમ અસર થઈ ત્યારથી માંડીને એક સો વર્ષ સુધી, હજુ આજે પણ સમગ્ર દુનિયામાં આપણા સૌનો પ્રશ્ન તો ‘તેના વૈશ્વિક અર્થમાં ધર્મનું મહત્ત્વ’ — એ જ રહ્યો છે. ધાર્મિક વિચારો માનવજાત માટે શું કરી શકે? તેથી વધુ સ્પષ્ટ રીતે કહીએ તો હિન્દની પ્રજા માટે હિન્દુ ધર્મ શું કરી શકે? સ્વામીજીનું ધ્યેય આ બાબતમાં જગતને સાચું શિક્ષણ આપવાનું હતું, અને તેમની સંસ્થાઓનું હજુ આજે પણ તે જ ધ્યેય છે.

તો હવે ૨૧મી સદી શરૂ પણ થઈ ગઈ છે. તેમ છતાં પશ્ચિમના દેશોના કેટલાક ભાગમાં હજુ પણ હિન્દુધર્મ વિશે અત્યંત ભ્રામક ખ્યાલો છે. હમણાં ‘વિશ્વના ધર્મો’ વિશે પ્રગટ થનાર નિબંધોના એક પુસ્તક માટે મારા પશ્ચિમના એક વિદ્યાર્થીએ ‘હિન્દુધર્મ’ વિશે એક નિબંધ લખ્યો અને તેમાં કાંઈ ભૂલ હોય તો, તે સુધારવા મને આપ્યો. લેખમાં હિન્દુધર્મ વિશે અનેક ખોટા ખ્યાલો જોવા મળ્યા. જેમકે,

‘હિન્દુઓ વારાણસી આવી એક બ્રાહ્મણને મળે છે. તેઓ આ પુરોહિતને તેમના બાપદાદાની વંશાવલિ કહે છે. તેઓ ગંગામાં નહાય છે, તે પાણી પીએ છે. તેના કોગળા કરે છે, તેમાં કપડાં ધૂએ છે અને વસ્ત્રો બદલે છે. તેઓ અનેક દેવી-દેવતાઓમાં માને છે. તેનાં કર્મો પ્રમાણે માણસનો જીવ વનસ્પતિ, પ્રાણી અને માનવ થઈ, ફરી પાછો તેમાં પુનર્જન્મ લે છે.  તે ૮૪ લાખ યોનિમાં જન્મ લે છે.’

એ તો સ્પષ્ટ છે કે ઉપરની છાપ તે ગંગાકિનારે હિંદુઓની વિધિઓમાંથી ઊભી થઈ છે. પરંતુ ગંગાકિનારે કે કલકત્તામાં જે થાય છે તે ઉપરાંત બીજાં સાધનો દ્વારા હિંદુ ધર્મ વિશે વિશ્વસનીય માહિતી એકઠી કરવામાં પશ્ચિમના વિદ્વાનો કેમ નિષ્ફળ ગયા તે મુખ્ય પ્રશ્ન છે. બિનહિંદુ એવા પશ્ચિમના કોઈપણ લેખક જ્ઞાતિપ્રથાનાં અનિષ્ટો વિશે લખવાનું ચૂકતા નથી. પશ્ચિમના સેમેટીક ધર્મ જેટલો જ હિંદુધર્મ તેની ધાર્મિકતામાં ઉત્કૃષ્ટ છે, એવું માનવા તેઓ તૈયાર નથી.

ભારત વિશે દુનિયાનાં આવા અજ્ઞાન અને ખોટી માહિતીઓને લીધે ઊભી થયેલી મુશ્કેલીઓના સમયે જ સ્વામીજી અમેરિકા પહોંચ્યા. ભારતના લોકો, તેની ભૂમિ, ભૂતકાળમાંથી લોકોને જે સામાજિક રિવાજો વારસામાં મળ્યા હતા — તે સૌ અંગે ભરોસાપાત્ર ખ્યાલ મેળવવા સ્વામીજી સમગ્ર ભારતનો પ્રવાસ કરી ચૂક્યા હતા. તેથી તેઓ ભારતને સમજતા હતા. આમ અમેરિકાના લોકોને ભારત અને હિંદુધર્મ વિશે સાચી સમજણ આપવી, તે તેમનું ઈશ્વરે સોંપેલું કાર્ય હતું. તે સાથે તેમણે પશ્ચિમના જગતની ઔદ્યોગિક અને આર્થિક પ્રગતિનો અભ્યાસ કરવાની એક પણ તક જતી કરી ન હતી, કે જેથી તેઓ પછીથી આ બધાં જ્ઞાનનો ભારતના લોકોની ગરીબી દૂર કરવામાં ઉપયોગ કરી શકે.

અત્યારે ભારતમાં વ્યાપારિક અને ઔદ્યોગિક વિકાસને લીધે જે સુખી જીવનપદ્ધતિ નજરે પડે છે તેના વિકાસમાં સ્વામી વિવેકાનંદનું બહુ મોટું પ્રદાન છે એમ આપણે કહી શકીએ. હિન્દુધર્મ અને હિંદુ સિદ્ધાંતો માનવજીવનના પ્રત્યેક સ્તરે નવઘડતર અને વિકાસનું વલણ ધરાવે છે તેમ લાગે તો સ્વામીજીએ તેમના જીવનના પ્રત્યેક શ્વાસ વડે જે બલિદાન આપ્યું છે તેને યોગ્ય આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિ ગણાશે. ભારતના લોકોની આ માટેની પાત્રતામાં સ્વામીજીને શ્રદ્ધા હતી. હવે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે હિન્દુધર્મનાં પુનરુત્થાન પહેલાં ભારતનું પુનરુત્થાન થઈ રહ્યું છે? અથવા તો શું હિન્દુધર્મના ઉપદેશોના સ્વામીજીએ આપેલ વિશિષ્ટ અર્થને લીધે હિન્દુઓ તથા અન્ય સંસ્કૃતિઓનો સર્વત્ર નવો જન્મ થઈ રહ્યો છે? આ જ પાયાનો પ્રશ્ન છે.

સ્વામીજીએ અમેરિકાના લોકોને વેદાંતની વાત કહી તેનાથી તો વેદાંતના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખાયું તેવો આપણો મત છે. આમ કરીને તેમણે ખુદ હિંદુઓ માટે પણ ધર્મ અંગે એક નવું પાસું ખોલી આપ્યું. સામાજિક અને ધાર્મિક જીવન વચ્ચે સંવાદિતાની વાત દ્વારા સ્વામીજીએ સાચા ઉપદેશક તરીકેની પોતાની શક્તિ સિદ્ધ કરી આપી. એમના આ વિચારોએ વિશ્વ માનવની વર્તણૂક વિશે ઘણી ચર્ચાઓને જન્મ આપ્યો છે. ૨૦મી સદી અને ત્યાર પછીના સમયના હિંદુધર્મ પર આની વિપુલ પ્રમાણમાં તદ્દન નવીન અસર પડી છે. શ્રીરામકૃષ્ણ પ્રેરિત દર્શનની વિશ્વવ્યાપકતાનું આપણું જ્ઞાન અને વીસમી સદીના વૈચારિક જગતમાં તેની અસર દ્વારા આપણને એ વાતનો નક્કર પુરાવો મળે છે કે તેનું પાયાનું કામ કેટલું સુંદર થયું છે, તથા આ પૃથ્વી પર ધર્મના ભવિષ્ય પર તેની કેટલી વ્યાપક અસર થશે.

ભારત દુનિયામાં મોટામાં મોટા લોકશાહી દેશ તરીકે ઓળખાય છે. ૧૯૪૭ પછી માનવ મૂલ્યો પ્રત્યેના નવાં વલણને લીધે દુનિયાના ઘણા દેશોના લોકો હવે સ્વીકારે છે કે સારા ભવિષ્ય માટે લોકશાહી એ એક બહુમૂલ્ય આદર્શ છે. પશ્ચિમના ઘણા દેશોને હવે ખાતરી થઈ છે કે જગતનું નેતૃત્વ કરવાની અને તેને સંસ્કારી બનાવવાની એકહથ્થુ સત્તા હવે માત્ર તેમની પાસે જ નથી. ભારત જેવા દેશો પણ રાષ્ટ્રોના કુટુંબમાં ગૌરવપૂર્વક, પોતાનો સમાનતાનો હક્ક માગી રહ્યા છે. પરંતુ હિંદુ ધર્મી ભારતને માટે કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો સામનો કરવાનો રહે છે. રાજકીય અને ધાર્મિક કારણોસર લોકશાહીનું શું મહત્ત્વ છે, એ મહત્ત્વના મુદ્દાનો તેણે સામનો કરવાનો છે.  એવો પ્રચલિત ખ્યાલ છે કે દુનિયાભરનાં વિવિધ રાજકીય મૂલ્યોમાં ઉદાર લોકશાહીનું મૂલ્ય હમેશાં સર્વસ્વીકૃત રહ્યું છે. આઝાદી પછીના ભારતની જેઓ પ્રશંસા કરે છે તેઓ ઇચ્છે છે કે વેદના સમયથી ભારતની પ્રજામાં રહેલ સંસ્કારોનું સહજ સંવર્ધન કરી, શ્રેષ્ઠ માનવીય મૂલ્યોનું જતન કરવું. માનવહક્કો એ લોકશાહી મૂલ્યો સાથે ગાઢ રીતે જોડાયેલાં છે. ભારતની સરકાર દેશની પ્રજાને, ખાસ તો બહુમતીની ઇચ્છાને, માન આપવા બંધાયેલી છે. માનવના સ્વાતંત્ર્યના મૂલ્યને સમજી સામાજિક અને રાજકીય સ્વતંત્રતાનું કાળજીપૂર્વક જતન કરવામાં આવે છે. તેને મહાન સિદ્ધિ ગણવામાં આવે છે, તે એવી સિદ્ધિ છે કે જે સુવ્યવસ્થિત ઉદાર રાજ્યમાં તથા લોકશાહીમાં લોકોની ભાગીદારી વધારે છે. આવા રાજ્યનું એક ધ્યેય, વ્યાપાર આધારિત સ્પર્ધાત્મકતા ઊભી કરવાનું છે. માનવગૌરવ, સૌજન્ય તથા દિવ્યતા- જેવા વેદાંતના આદર્શોએ સ્વતંત્રતા અને વ્યક્તિત્વ જેવા ગુણોનું જેનું સંસ્કૃતિએ યુગોથી સંવર્ધન કર્યું છે, તેનું ભારતની ઉદાર લોકશાહીની શક્તિ કઈ રીતે જતન કરી શકશે, એ સવાલ ભારતે પૂછવો જોઈએ.

લોકશાહી મૂલ્યોની વાત કરીએ ત્યારે મહાત્મા ગાંધી ભારત માટેના લોકશાહી સિદ્ધાંતો જે રીતે સમજેલા અને તેમણે જે રાહ ચીંધ્યો તેની વાત યાદ કરવી જોઈએ. ગાંધીજી દૃઢપણે માનતા કે ભારત માટે લોકશાહી એટલે સમાજના પ્રત્યેક વર્ગના ભૌતિક અને આધ્યાત્મિક સંસાધનોની છેવાડાના માણસ સુધી સૌના કલ્યાણ માટે સદુપયોગ કરવાની કલા. ગાંધીજીનો આ મત સ્વામી વિવેકાનંદના આદર્શને પૂરેપૂરો અનુરૂપ છે.

ગાંધીજી કહેતા કે ‘સ્વરાજ માટેની તાલીમ, સાચી લોકશાહી અથવા તમામ માટે સ્વરાજ, અસત્ય અને હિંસાનાં સાધનો દ્વારા કદી આવે નહિ.’ હિંસા દ્વારા આપણે સ્વરાજ મેળવ્યું નથી. અને છતાં ભારત અને દુનિયા માટે એ દુ:ખદ બીના છે કે હિંસાનો રાક્ષસ હજુ જીવતો છે. શાંતિ, સત્ય, પ્રેમ અને અહિંસા જેવાં મૂલ્યોના આધારે જ ભારતે સ્વાતંત્ર્ય મેળવ્યું છે, પરંતુ લોકશાહીનો આદર્શ તો લશ્કરી તાકાત પર આધારિત છે, એ પણ કડવી હકીકત છે. ભારતને આજે એક ખૂબ શક્તિશાળી અને અગ્રગણ્ય અણુસત્તા ધરાવતા દેશ તરીકે સ્વીકારાય છે તે પણ એવી જ આપણા આ યુગની કઠોર વાસ્તવિક્તા છે. ભારતનું લશ્કર દુનિયામાં ચોથા સ્થાને આવતું સૌથી મોટું લશ્કર ગણાય છે. તેનું વાયુદળ દુનિયામાં ત્રીજું સ્થાન ધરાવે છે. તે રીતે મજબૂત અને શક્તિશાળી નૌકાદળની વાત પણ સૌ સ્વીકારે છે. ગાંધીજીના આદર્શો સાથેની આ બાંધછોડ કેટલાક અંશે એટલે સ્વીકારાઈ છે કે ભારત કદી અન્ય દેશ પર આક્રમણ કરવાની નીતિ ધરાવતું નથી. આ સ્વામીજીનો આદર્શ ન હતો, છતાં તે તેમના દર્શનનું લઘુરૂપ તો છે જ. સ્વતંત્ર, શક્તિશાળી, ઉદાર, લોકશાહીવાળો, સુખી અને ધાર્મિકરીતે મજબૂત દેશ-એ તેમની કલ્પનાનું ભારત હતું.

સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્ર તરીકે ભારત કેવું હોવું જોઈએ તે વિશે સ્વામીજીનો આદર્શ સ્પષ્ટ હતો. તેમનું મૂલ્યાંકન એ હતું કે ભારતની મહાનતા વિશે તેના લોકો અજ્ઞાન નથી. વળી પોતાની આર્થિક અને રાજકીય સક્ષમતામાં પણ તેમને ઊંડી શ્રદ્ધા છે. આમ, તેમને ભારત વિશે અતૂટ શ્રદ્ધા હતી. લોકશાહી દેશ તરીકે અને આર્થિક મહાન તાકાત તરીકે તેમને ભારતનું દર્શન થયેલું. આ દર્શન પર આધારિત કેટલીક પાયાની યોજનાઓને વાચા આપવામાં સ્વામીજીએ કેવો ભાગ ભજવ્યો છે તેનો હજુ ઘણાને ખ્યાલ જ નથી.

ભારતે હમણાં જ આઝાદીનાં ૫૦ વર્ષ પૂરાં થયાની ઉજવણી કરી. બરાબર સો વર્ષ પહેલાં શિકાગોમાં એક રાતે પોતાના દેશબાંધવોની અવદશાથી વ્યાકુળ, વ્યથિત એવા સ્વામીજીએ, અમેરિકાના લોકો આટલી મોજમજાથી જીવે છે, જ્યારે પોતાના દેશમાં હજારો લોકો કારમી ગરીબાઈમાં સબડે છે – એ બાબતથી વ્યથિત થઈ કેટલાંય આંસુ સાર્યાં હતાં. આપણને એમ જ લાગે કે એ રાત્રે સ્વામીજીએ પ્રબોધેલા વેદાન્તને પ્રતાપે જ ભારતના આર્થિક વિકાસનો સૂરજ આપણે જોવા પામ્યા છીએ. શરૂઆતના એ જ પ્રશ્નની પુનરાવૃત્તિ કરીએ તો ઈશ્વરની ઇચ્છા અને સ્વામીજીની ઇચ્છા વચ્ચે શો સંબંધ છે?

૧૯૯૫ના વર્ષના પ્રજાસત્તાક દિને ભારતમાં દક્ષિણ આફ્રિકાના પ્રમુખ ડૉ. નેલ્સન મંડેલા ખાસ અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા. દક્ષિણ આફ્રિકાનાં ‘Post Natal’નામનાં વર્તમાનપત્રના પ્રતિનિધિએ પોતાની લાક્ષણિક રીતે તે પ્રસંગનું આલેખન કરતાં લખ્યું. ‘ઇન્ડિયા ગેઈટ ખાતે આ પ્રસંગ નિમિત્તે ગાંધીજીનું ભવ્ય પૂરા કદનું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવેલું. એક મૃદુ કટાક્ષપૂર્ણ ભાવથી ગાંધીજી તેમની પાસેથી પસાર થતા ભારતના લશ્કરી દળને જાણે નીરખી રહ્યા હતા! કરોડો ડૉલરના ખર્ચે વસાવેલ લશ્કરી શસ્ત્રસરંજામ જગત સામે પ્રદર્શિત કરાતો હતો, તે પણ તેઓ જોઈ રહ્યા…’ અત્યારે ભારતનાં સશસ્ત્રદળો દુનિયામાં સૌથી શક્તિશાળીઓમાંના એક ગણાય છે. પરંતુ આવી સંરક્ષણ ક્ષમતા માત્ર ધન અને વધુને વધુ ધન ખર્ચવાથી ઊભી થઈ શકી છે. ‘ભારતીય સમુદ્રમાં મહાસત્તાઓની લશ્કરી પ્રવૃત્તિઓ ખૂબ તીવ્ર રીતે વધી રહી છે – અને ભારત માટે તેનાં પરિણામો ગંભીર આવી શકે’ – એવી દલીલ સાથે, ૧૯૮૨માં ભારતીય નૌકાદળે ત્રણ વધારાની ‘કશીન’ વર્ગની વિનાશિકાઓ અને ત્રણ સુધારેલ ‘ક્રેસ્ટા’ વર્ગનાં યુદ્ધ જહાજો ખરીદવા કરાર કર્યા. આશ્લે ટેલીસના મત મુજબ શક્તિશાળી ‘ટોર્નેડો’ તથા જીેં૨૪ પ્રકારનાં ‘કેન્સર’ જહાજો ખરીદવા ભારતીય નૌકાદળ લાખો પાઉંડ ખર્ચે છે. અગાઉ કરતાં નૌકાદળની શક્તિ ભયંકર રીતે વધી ગઈ છે.

ભારતના આર્થિક વિકાસને આ રીતે સંરક્ષણ ખર્ચ માટે વાપરવો એ બહુ કમનસીબ બાબત છે. પરંતુ આ તો સિક્કાની એક જ બાજુ છે. હકીકતમાં તો યુનાઈટેડ  સ્ટેટસ, જાપાન, ચીન અને જર્મની પછી ભારતનું સ્થાન જગતમાં આર્થિક રીતે સમૃદ્ધ દેશોમાં પાંચમું છે. તથા દુનિયાના ઔદ્યોગિક રીતે સૌથી વધુ વિકસિત દેશોમાં ભારતનું સાતમું સ્થાન છે. ભારતીય કમ્પ્યુટર  કંપનીઓનો બનાવેલ ‘સોફટવેર’ દુનિયામાં અગ્રગણ્ય સ્થાને છે. તકનીકી બાબતોના તજ્‌જ્ઞોની મોટી સંખ્યા આ દેશ પાસે છે. આ બાબતમાં ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજું છે. અણુવૈજ્ઞાનિકોની સેવાઓ મેળવનાર દુનિયાના દેશોમાં પણ તે ઉચ્ચ સ્થાને છે. કમ્પ્યુટરમાં નિપુણતા બદલ બેંગલોરને ભારતનું ‘સીલીકોન વેલી’ કહેવાય છે. વર્તમાનપત્રના એક અહેવાલ મુજબ દુનિયાભરમાં કમ્પ્યુટર સોફટવેર ક્ષેત્રે હવે જાપાનને બદલે ભારતની બોલબાલા છે. ભારતે બનાવેલ સોફટવેર મુજબ દુનિયાભરની વિમાની સેવાઓ પોતાનું ઉડ્ડયન-સમય પત્રક તૈયાર કરે છે. સૌથી વિશાળ સંખ્યામાં વૈજ્ઞાનિક પ્રતિભાઓ ધરાવનાર દેશોમાં દુનિયામાં, યુનાઈટેડ સ્ટેટસ, પછી ભારતનો ક્રમ આવે છે.

તા.૪ જુલાઈ ૧૮૯૭ના ભગિની નિવેદિતા પરના પત્રમાં સ્વામી વિવેકાનંદે ‘ગતિશીલ ધર્મ’ની વાત લખી છે. અન્ય કોઈ ધર્મોપદેશક કરતાં તેઓ આ બાબતમાં ઘણી આધુનિકતા લાવ્યા છે. ભારતના પ્રજાસત્તાક દિને ખાસ હાજર રહેલા ડૉ. નેલ્સન મંડેલાના કાર્યક્રમોનો અહેવાલ આપતાં એક પત્રકાર લખે છે કે, ‘ભારતમાં ગરીબોની અવદશા તો હજુ પણ ભૂતકાળ જેવી જ છે.’ પરંતુ આપણે એવી શ્રદ્ધા રાખી શકીએ કે કાયમ તે તેવી જ રહેશે નહિ. આપણને વિશ્વાસ છે કે સ્વામીજીની કૃપાવર્ષા ભારત પર સતત થતી જ રહે છે. તેઓ નિરપવાદપણે માતૃભૂમિના પ્રખર ભક્ત હતા. હજારો અમેરિકનો માટે તેઓ દિવ્ય સત્યના મસીહા હતા. તેમણે અમેરિકનોને આત્માનાં સત્ય પ્રત્યે જાગૃત કર્યા. આત્માના સત્ય પ્રત્યેની જાગૃતિ સાંસ્કૃતિક ક્રાન્તિ લાવી શકે, જેનાથી દુનિયાભરમાં અને જે દેશમાં સ્વામીજીએ જન્મ લીધો તેમાં પણ શાંતિ અને સમૃદ્ધિ આવશે.

સ્વામીજીનાં દર્શનને સાકાર કરવાની જવાબદારી બધા આધ્યાત્મિક પુરુષોની છે. તેમણે તેમના અંતરમાં, અંધાધૂંધી અને પતનમાંથી ફરી ઊભા થતા પૂર્ણ ભારતનું દર્શન કરેલું. વેદાંતરૂપી મગજ અને ઇસ્લામનું શરીર ધારણ કરેલ, ઉજ્જ્વળ અને અજેય ભારતનું દર્શન કરેલું. તેમણે અપમાનજનક રીતે વિભાજિત ભારતનું દર્શન કર્યું ન હતું. ઈતિહાસ જ નક્કી કરશે તે પ્રમાણે, ભવિષ્યમાં થશે. પરંતુ ભારત જરૂર ભારત રહેશે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીરામકૃષ્ણદેવ અને તેમની કક્ષાના પયગંબરોએ ભારતને અપાવેલ ગૌરવવાળી, અકલ્પ્ય મહાનતામાં વિકસતું આધ્યાત્મિક તેજસભર ભારત હશે.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.