‘વિશ્વના આધ્યાત્મિક અને બિનઆધ્યાત્મિક તેમજ ભૌતિક અને અભૌતિક એ ઉભય પાસાંઓમાં એકમાત્ર ઐક્યરૂપે કેવળ વેદાન્તનું બ્રહ્મ જ વિલસી રહ્યું છે.’

તમે અસાધારણ છો. વિશ્વની એક અનન્ય ઘટના છો. અરે! જીવનનું કેન્દ્ર છો. તમે જે રીતે જુઓ છો, વિચારો છો કે વર્તો છો, બરાબર તે જ રીતે બીજું કોઈ વર્તતું નથી. તમારી આસપાસના પદાર્થો અને લોકો સાથે સંબંધ બાંધવાની તમારી પોતાની આગવી જ રીત છે. આપણા આ જગતમાં પ્રત્યેક જીવંત પદાર્થ વધતા ઓછા અંશે પ્રાયઃ મૌલિક છે અને તેમ છતાં ઉપનિષદોમાં વારંવાર આ સત્ય પડઘાય છે કે, આ પદાર્થોમાં એક ઐક્યભાવ અનુસ્થૂલ છે. વૈવિધ્ય અને પરિવર્તનની વચ્ચે કોઈક પ્રકારનો એકાત્મભાવ અવશ્ય રહેલો છે.

આધ્યાત્મિક ભૂમિકાએ જ્યારે તમે આ ઐક્યને ઓળખી લો છો ત્યારે તમને શુદ્ધ જ્ઞાન ઉપલબ્ધ થયું છે. એમ કહી શકાય. તેનો અર્થ એ થયો કે, તમારી આસપાસના જગત સાથે તમારો સંવાદ સધાઈ ચૂક્યો છે વધારે સૂક્ષ્મ ભૂમિકાએ, તમામ બાહ્ય ઘટનાઓ અને પદાર્થો તથા તમારા વિચારો પણ તમારી જાતથી અને નિરંતર પ્રચ્છન્ન એવા તમારા અંતર્યામી આ ત્યાંથી તદ્દન ભિન્ન છે. વેદાન્તનો સદ્‌બોધ એ જ છે કે તમારે તમારા આ અંતરાત્માની શોધ કરી લેવી જોઈએ. કારણ કે એ જ તો તમારા ઉર્જિત સંવાદી આત્માનો જ અંશ છે. એ જ તમને વિશ્વ સાથે જોડે છે અને સાથે સાથે એ જ તમારી પ્રસન્ન સ્વતંત્રતાની ફરતી છે. એમ પણ કહેવાયું છે કે ભૌતિક પદાર્થોનું તમારે આધ્યાત્મિક પદાર્થોમાં રૂપાંતર કરવું જોઈએ.

પરંતુ તમે માત્ર અભૌતિક આત્માઓના જગતમાં જ નથી રહેતા. કોઈપણ અનુભવ લેવા માટે તમારું જીવંત હોવું, વિચારવું, હલનચલન કરવું, ભોજન કરવું કે પ્રત્યાપન કરવું આવશ્યક છે.

આપણી રોજબરોજની વ્યાવહારિક કક્ષાએ જોતાં તમને સ્પષ્ટ દેખાઈ આવશે કે જો તમે લોકો અને પદાર્થોમાં માત્ર વિવિધતા અને અલગતા જોતા રહેશો તો તેમાં સંવાદ નથી રહેતો. આજ કારણે આપણે યુદ્ધો, જાતિવાદ, મિલકત માટેના ઝઘડાઓ, અને પર્યાવરણનો હ્રાસ વગેરે ભોગવી રહ્યા છીએ. સંવાદ વિના આ એકાત્મત્માનો ભાવ તમે આત્મસાત કરી શકો નહીં. તમે એક ધૂંધળા ‘હું પણા’ની જાળમાં જ ફસાયેલા રહેશો. બાહ્ય જગતમાં આધ્યાત્મિકતા પામીને ‘છે – પણાની – શુદ્ધ અસ્તિત્વની’ સ્થિતિએ પહોંચવાની ક્ષમતા ગુમાવશો. કઠ ઉપનિષદ (૧-૨-૧૨) કહે છે –

તં દુદર્શં ગૂઢમનુપ્રવિષ્ટં ગુહાહિતં ગહ્વરેષ્ટં પુરાણમ્ ।
અધ્યાત્મયોગાધિગમેન દેવં મત્વા ધીરો હર્ષશોકૌ જહાતિ ।।

તે પુરાણ આત્મા અંતર્ગુહામાં નિહિત છે. એ સર્વ કોઈના દર્શનમાં આવી શકતો નથી. પરંતુ ધીર અધ્યાત્મ યોગીઓ જ તે દિવ્ય તત્ત્વને જાણીને હર્ષશોકથી મુક્ત થાય છે. જ્ઞાનમાર્ગમાં સામાન્ય રીતે જ્ઞાતથી આગળની યાત્રા શરૂ થાય છે. જેમ કે વેદાન્ત સૂચવે છે કે નિરાકારની ઉપાસનના સાકારની ઉપાસના દ્વારા શક્ય બને છે.

એમ ન કરો તો તમે જે ખરેખર અગમ્ય છે તેને જાણવાનો કઠિન પરિશ્રમ જ માત્ર કર્યા કરશો, ‘બ્રહ્મ સર્વમાં અને સર્વત્ર છે’- એ બોધ સ્વીકા૨વો એક વાત છે, પરંતુ તેનો વાસ્તવમાં સાક્ષાત્કાર કરવો, અનુભવ કરવો એ જુદી વાત છે. કદાચ એ પરમોચ્ચ તત્ત્વના સાક્ષાત્કારનો બાહ્ય પદાર્થમાં અનુભવ કરવો એ આરંભબિંદુ બની શકે. આપણી આસપાસ વિસ્તરેલા જગતમાં તેના અદ્‌ભુત ઐશ્ચર્યને જોવું જોઈએ. કેન ઉપનિષદ (૧-૧) કહે છે કે – ‘કોની પ્રેરણાથી મન પદાર્થોનું આકલન કરે છે? કોની આજ્ઞાથી જીવનમાં પ્રથમ ગતિ આવી? કોની ઈચ્છાથી જીભ વાણી વદે છે? અને નેત્રો તથા કર્ણની ક્રિયા પાછળ કઈ શક્તિ કાર્ય કરી રહી છે?’

મનુષ્યની તુલનામાં ઊભું રહી શકે એવું બીજું કોઈ નથી. મનુષ્ય જ એક એવું પ્રાણી છે કે જે આશ્ચર્ય પામી શકે છે. અમૂર્તને પણ વિચારી શકે છે, અનેક પ્રકારે પ્રેમ કરી શકે છે, બીજાઓની આંખોમાં ડોકિયું કરી શકે છે, વાતો કરી શકે છે, મજાક કરી શકે છે, ઉદાસ કરી મૂકે તેવા કે ક્યારેક સુંદર પદાર્થો પ્રત્યે પણ કંઈક વ્યગ્રતાથી જોઈ શકે છે. પોતે કેમ આશ્ચર્ય પામે છે તેનું પણ તેને આશ્ચર્ય થાય છે. અને સર્વ વિરોધી ગુણોને પણ તે ધારણ કરી શકે છે. ભિન્ન ભિન્ન કક્ષાએ મનુષ્યોના અભિગમો ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. વિજ્ઞાનીઓ પદાર્થોના નાનામાં નાના અંશને, અણુ-પરમાણુને જોવા મળે છે. અને એમનું સંશોધન ખર્ચ ખૂટી ન જાય ત્યાં સુધી અણુતર કે અણુતમની શોધ કર્યા કરે છે. વિભિન્ન વિષયોના નિષ્ણાતો વિચાર પ્રક્રિયા અને વર્તન અંગે સંશોધન કરે છે. તમે કે હું – આપણે અનેક પદાર્થોને સંવેદીએ છીએ અને એવા નિષ્કર્ષ પર પહોંચી છીએ કે સૂક્ષ્મતમ અણુઓ અને વિચારોની પેલે પાર પણ ‘કંઈક’ છે અને તે ‘કંઈક’ – બાહ્ય તત્ત્વ નથી. કહેવાયું છે કે નિયન્તા જ તમને તે ‘કંઈક’ની શોધ માટે પ્રેરે છે, ઉપનિષદોમાંથી સ્પષ્ટ જણાઈ આવે છે કે, માત્ર ધાર્મિક વિધિઓ કે સાધનાથી અથવા તો બુદ્ધિથી કે શબ્દોથી તમે તે અંતર્યામી સાથે એકરૂપ થઈ શકતા નથી. તમારી પાત્રતા પૂર્ણ થાય ત્યારે એ ‘અંતર તમ’ સ્વયં જ તમારી સામે પ્રગટ થશે. તમારી સામાન્ય સમજણ પણ એ વાતની સાક્ષી પૂરશે કે જો તમારા દ્વૈષ કે શત્રુતાનો ભાવ હશે તો તમે આધ્યાત્મિકતાનો ગમે તેટલો દેખાવ કરશો તો પણ ‘તેને’ – મૂર્ખ બનાવી શકશો નહીં. જ્યારે તમે શારીરિક અને માનસિક રીતે ક્ષુણ્ણ હો ત્યારે આટલો ઉન્નત અને સૂક્ષ્મતમ તે પરમ-આત્મા કઈ રીતે પ્રગટ થાય? સ્વામી વિવેકાનંદે સૂચવ્યું હતું કે, આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ કર્યા પહેલાં સર્વપ્રથમ તો તમારે માનવ માત્રના સુખની ખેવના કરવી જોઈએ. એ સાચું, કે તમારામાં કે પૂર્ણાનંદનો સ્ફૂલ્લિંગ તમારી અંદર પડ્યો જ છે, તો પણ તમારી આસપાસના જગત સાથે સંવાદ સાધવો એ તમારું પ્રથમ કાર્ય હોવું જોઈએ. તમે એ તો સાવ સહેલાઈથી સમજો છો કે તે ‘અંતરાત્મા’ આપણા ક્ષોભ કે ગૂંચવણથી પ્રભાવિત થતો નથી, એ તો માત્ર મર્માળ સ્મિતથી તેને જોઈ રહ્યો છે શાણા માણસો પ્રબોધે છે કે આપણે સ્વાધ્યાય કરવો જોઈએ, તે માટે યોગ્ય ગુરુની શોધ કરવી જોઈએ. મનન, ધ્યાન કરવા જોઈએ. એકબીજા પ્રત્યે પ્રેમભાવ રાખવો જોઈએ અને ધીરજપૂર્વક પ્રતીક્ષા કરવી જોઈએ.

માનવસમાજ એટલે સંકુલતા, રસપ્રવણતા, આકર્ષણ અને વિવિધતાનો ભંડાર! કેટલાક માણસો હલકીવૃત્તિવાળા અને ક્રૂર પણ હોય છે, તો કેટલાક એવા પણ છે કે જેમની સાથે કામ પાર પાડવું અત્યંત મુશ્કેલ બની જાય છે. તો ક્યારેક આપણે આપણા ઉપર નારાજ બની ઉશ્કેરાઈ જઈએ છીએ? તેથી જ ઋષિઓએ વનમાં જઈ એકલાએ ધ્યાન કરવાનું કહ્યું છે તેમાં ભાગ્યે જ નવાઈ લાગે! અલબત્ (પૂરતા પ્રમાણમાં વૃક્ષો છે એમ માની લઈએ તો) આપણે સહુ જો વનગમન કરી લઈએ તો આ માનવોનું જગત પછી ટકી નહીં શકે. જ્યારે લોકો સંસારનો ત્યાગ કરવાનો આરંભ કરે છે ત્યારે સહુથી પહેલાં તો તેમની સામાન્ય સમજણ – (કોમન સેન્સ)નો જ ત્યાગ કેમ કરી બેસતા હશે? ખરેખર તો ધ્યાનમાં બેસો છો ત્યારે તમે જેમ કેટલોક સમય તમારા મનને સંસારમાંથી વાળી લોકો એમ જ થોડો થોડો સમય તમે સંસારનો ત્યાગ કરી શકો. સ્વામી વિવેકાનંદે કહ્યું છે –

‘પ્રચંડ શાંતિ અને એકાંતની વચ્ચે જે સઘન પ્રવૃત્તિ કરી શકે અને સઘન પ્રવૃત્તિની વચ્ચે નીરવ રણની શાંતિ અને એકાંતનો અનુભવ કરી શકે તે જ આદર્શ માનવ છે. તેણે સંયમનું રહસ્ય શીખી લીધું છે. તે પોતાની જાતને જીતી ગયો છે. મહાનગરમાં વાહનોના ઘોંઘાટવાળા રસ્તાઓ પરથી તે પસાર થાય છે પણ જ્યાં કોઈપણ પ્રકારનો અવાજ નથી એવી ગુફામાં પોતે હોય એવું પ્રશાંત મન રાખી શકે છે. અને તો પણ એ સઘળાં સમય કોઈ પ્રવૃત્તિમાં ગળાબૂડ રહ્યો હોય છે. આ જ કર્મયોગનો આદર્શ છે. અને જો તમે તે મેળવી લીધો તો તમારા હાથમાં કર્મયોગનું રહસ્ય આવી ગયું છે. પણ આપણે આરંભથી જ શરૂઆત કરવી જોઈએ. સ્વાભાવિક ક્રમમાં જે કર્મ કરવાનાં આવી પડે તેમને કરતા રહીએ અને ધીરે ધીરે પ્રતિદિન આપણી જાતને નિઃસ્વાર્થ બનાવતા જઈએ.

વૃક્ષો : ‘વડના એક બીજમાં ગોપિત સૂક્ષ્મ રહસ્ય તને બિલકુલ દેખાતું નથી – શૂન્ય લાગે છે. પણ હે વત્સ, મારામાં વિશ્વાસ રાખ કે એ શૂન્યમાંથી જ આ મહાન વૃક્ષ ઉત્પન્ન થયું છે.’ (છાંદો. ઉ૫. ૬-૧૨-૨) કોઈ માનવી એક બીજને ઉત્પન્ન કરી શકતો નથી. હા, વિજ્ઞાનીઓ એમાં ‘જિનેટીક’ ફેરફાર કરવા સમર્થ જરૂર બન્યા છે. એક નાનકડું બીજ એક વૃક્ષમાં રૂપાંતરિત થઈ જાય છે તે ક્યા કારણે? યોગ્ય પર્યાવરણજન્ય પરિસ્થિતિ તેની વૃદ્ધિના ‘હોર્મોન’ને ગતિશીલ કરે છે. જીવનને એની પ્રથમ યાત્રાનો પ્રારંભ કરવા કઈ શક્તિ પ્રેરે છે? એક નાજુકમાં નાજુક ફૂલને તમે લો અને તેને પ્રકાશમાં વિપુલદર્શક કાચમાંથી નિરખો. તમે જોશો કે તેનું સૌંદર્ય અનુપમ છે. તેમાં એક એવી આભા અને સંપૂર્ણતા દેખાશે કે કોઈ કલાકાર કે ઈજનેર પણ તેની યથાતથા અનુકૃતિ નહીં કરી શકે! એ દૃશ્ય એક ભવ્ય પર્વતના જેટલું જ સ્તબ્ધ કરી દે તેવું છે! અથવા તો પૂર્ણ ચંદ્રની આભા કે પછી સ્થાપત્યના કોઈ ઉત્તમ નમૂના જેવું છે!

ઉદાહરણ તરીકે કમળ એક મહત્ત્વનું પ્રતીક છે. કોઈ મહાગુરુના ચરણને કમલની જ ઉપમા અપાય છે. કમળ કાદવ અને પાણીમાં ઊગે છે તો પણ તેનાથી જરાય મલીન નથી થતું. બરાબર એ જ રીતે ગુરુ આપણાં વિઘ્નો અને આપણી જડતાની વચ્ચે જ રહે છે પણ તેમ છતાં તેઓ તો હંમેશા શાંત અને નિર્મળ જ રહે છે.

છાંદોગ્ય ઉપનિષદમાં બાહ્યપરિવેશને અંતર્સત્ત્વ સાથે શી રીતે જોડી શકાય તે આમ દર્શાવ્યું છે : ‘આપણું શરીર એ બ્રહ્મદુર્ગ છે. તેની મધ્યમાં કમળપુષ્પ શું એક નાનકડું મંદિ૨ છે. અને તેની મધ્યમાં એક લઘુ અવકાશ (દહર) છે. તેમાં કોણ વસે છે તે આપણે શોધી કાઢવું જોઈએ અને તેનું જ્ઞાન પણ મેળવી લેવું જોઈએ. અને જો કોઈ પૂછે કે ‘બ્રહ્મદુર્ગની મધ્યમાં કમલરૂપે રહેલા નાનકડા મંદિરમાં કોનો વાસ છે?’, તો આપણે ઉત્તર આપી શકીએ કે ‘હૃદયમાં રહેલો તે લઘુ અવકાશ ખરેખર તો વિશ્વ જેટલો વિશાળ છે.’ સ્વર્ગ અને પૃથ્વી બન્ને એમાં સમાયા છે. ત્યાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ છે; અગ્નિ અને વિદ્યુત તથા વાયુ પણ તેમાં જ છે. અરે અત્યારે જે અસ્તિત્વ ધરાવે છે, અને જેનો અભાવ વર્તાય છે, તે બધું જ ત્યાં છે. કારણ કે તેનામાં જ સકલ વિશ્વ સંનિહિત છે અને ‘તે’ આપણા હૃદયમાં વસે છે’ અને કદાચ તમને એ આગળ પૂછે કે ‘જો તમામ પદાર્થો, તમામ વ્યક્તિઓ અને તમામ એષણા – એ બધું જ એ બ્રહ્મદુર્ગમાં જ હોય તો પછી જ્યારે વૃદ્ધાવસ્થા એ દુર્ગને ઘેરી વળે અને કાયામાંથી જીવન વિદાય લઈ લે ત્યારે બાકી શું રહેવાનું?’ આનો આ પ્રમાણે ઉત્તર આપી શકીએ – શરીરમાં રહેતો આત્મા નથી તો વૃદ્ધ થતો કે નથી તો મૃત્યુ પામતો. અને એ શાશ્વત આત્માને કોઈ હણી શકતું નથી. જ્યાં સકલ વિશ્વનો પ્રેમ વસે છે એ જ તો સાચો બ્રહ્મદુર્ગ છે.’

એ ખરું કે જો તમે પુષ્પનું ધ્યાન કરી રહ્યા હો તો તમે જાણો જ છો કે તમે પુષ્પ વાસ્તવમાં એ અગમ્યનું પ્રતીક હોય છે ત્યારે તમે ‘તેની’ જ એકાત્મતાનું ધ્યાન ધરતા હો છો.

શ્વેતાશ્વતર ઉપનિષદમાં તે ‘મહાત્મા’ ને વૃક્ષ જેવો અચલ કહ્યો છે અને વૃક્ષો તો અંધકારમાંથી પ્રકાશમાં વિસ્તરતી વિવિધ શાખાઓને નિષ્પન્ન કરતાં જીવનનું જ પ્રતીક છે. બૃહદારણ્યક ઉપનિષદ પણ મનુષ્યને એક વિશાળ વૃક્ષ સાથે સાંકળે છે અને વૃક્ષો અને લોકો વચ્ચે અનેક મનોવૈજ્ઞાનિક સમાનતાઓ છે.

પ્રાચીન ઋષિઓને કદાચ ઝાયલેમ (Xylem) અને ફલેએમ (Phloem) અથવા તો, કોષગત ઊર્જાની બાયોકેમીસ્ટ્રી વિષે જાણકારી નહીં હોય, પરંતુ તમામ જીવંત સૃષ્ટિમાં રહેલી મૂળભૂત સમાનતા ને બરાબર જાણતા હતા. વળી તેઓ સૂક્ષ્મ સંબંધને પણ પામી શક્યા હતા. તેમણે વનમાં જઈને ધ્યાન ધરવાનું કહ્યું હતું, કારણ કે તે દેખીતી રીતે જ સંવાદી પર્યાવરણની ભૂમિ છે. વનો હરિયાળા છે અને લીલો રંગ એ રંગપટના કેન્દ્ર સ્થાને રહેલો છે. રંગચિકિત્સકો કહે છે કે લીલો એ સંવાદ અને સમતુલાનો રંગ છે.

સંશોધક વિજ્ઞાનીઓએ દર્શાવ્યું છે કે ઑપરેશન પછી. સાજા થયેલા દર્દીઓ જો હરિયાળીને જોયા કરે તો તેઓને જલદી રૂઝ આવી જાય છે અને પીડાશામક દવાઓની તેમને ભાગ્યે જરૂર પડે છે. વૃક્ષો સામે જોઈ રહેવાથી સ્નાયુઓ પરનો દબાવ હળવો થઈ જાય છે. વૃક્ષો અને વિવિધ છોડ અનેક રીતે લાભકારક બને છે. આપણા શ્વાસ માટે તેઓ આપણને જીવનરક્ષક પ્રાણવાયુ આપે છે. તેઓ હવાને શીતલ રાખે છે. પવનની ગતિને અંકુશમાં રાખે છે. વરસાદ લાવે છે, પ્રદૂષણને શોષી લે છે તથા મનુષ્ય અને પશુઓને છાંયડો, અન્ન અને આશ્રય આપે છે. તેઓ ઘોંઘાટને પણ નિયંત્રિત કરે છે, ઘસારો રોકે છે, મકાનોની હારમાળામાં મૃદુતાનો સંચાર કરે છે અને વળી વધારામાં તેમને નિરખવામાં અપાર આશ્ચર્ય પણ છે! વિશેષ તો શું પણ તેઓ ચોવીસે કલાક કાર્યરત રહે છે. નથી તો ઘોંઘાટ કરતાં કે નથી તો દલીલ કરતા? હા, વારંવાર તેઓ માનવસર્જિત અપૂર્ણ અવદશામાં તેમને ઝૂઝવું પણ પડે છે. છતાં પણ તેઓ ધીરજ, ખંત, સહનશીલતા અને અનુકૂલનના બોધપાઠ આપ્યા કરે છે. માનવજાત માટે કરવામાં આવતાં કલ્યાણ કાર્યોમાં વૃક્ષો મનુષ્યો કરતાં ઘણાં આગળ છે. અનેક ઉપનિષદો એ સૂર્ય, તેજ અને એવા બર્હિજગતનાં અનેક તત્ત્વોનો નિર્દેશ કર્યો છે. બ્રહ્મને પ૨મોજ્જ્વલ સૂર્ય સાથે સરખાવવામાં આવે છે. સૂર્યના અભાવમાં વૃક્ષો ન રહે અને વૃક્ષોના અભાવમાં પશુ કે માનવ કોઈ ન રહે! બ્રહ્મનું સર્વ રૂપોના વિશ્વકર્મા તરીકે – સર્વ સ્રોતના સ્રોતરૂપે પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. જે કાંઈ થઈ રહ્યું છે તેની પાછળ રહેલી શાંત અને પ્રેરક બ્રહ્મશક્તિના સર્વ સર્જનોની સંભાળ રાખવી એ આપણો ધર્મ છે.

તમારું અંતિમ લક્ષ્ય તો પ્રકૃતિની પેલે પાર રહેલા એ પરમ તત્ત્વનો સાક્ષાત્કા૨ ક૨વાનું જ છે. તેમાં બાહ્ય પ્રકૃતિ તમને શક્તિ, પોષણ, પ્રેરણા અને આધાર આપે છે. વ્યવહારિક દૃષ્ટિએ વિચારતા, એ સ્પષ્ટ થશે કે વૃક્ષો ઉત્પાદકો છે અને મનુષ્યો ઉપભોક્તા છે. આપણે તો વૃક્ષો પર નિર્ભર રહી તેમનું શોષણ કરીએ છીએ. આપણા વગર તેઓ રહી શકે છે પણ આપણે તેમના વગર ટકી ન શકીએ. કોઈપણ દૃષ્ટિબિંદુથી તમે વિશ્વનું આકલન કરો, તમને જણાશે કે એક આંતર સંબંધ રચાઈ રહ્યો છે. પ્રશાંતિ, પવિત્રતા અને ઇચ્છાઓમાંથી મુક્તિ જેવા ધ્યેયો પાર પાડવા સહેલા નથી. પુષ્પો પર ચળકતાં ઝાકળબિંદુઓ, પર્ણો ૫૨ પ્રકાશતો સંધ્યાસમયનો સૂર્ય, સૂર્યાસ્ત કે પગિયાના રંગનો જાદુ – આ બધું કેટલું સ૨ળ – સાહજિક છે! તેમાં આનંદ લઈ શકાય તો કેવું સરસ! પ્રાજ્ઞપુરુષો તેનો અંદર-બહાર, સર્વત્ર સાક્ષાત્કાર કરે છે. અંતે તો તમારે કંઈ જ ગુમાવવાનું નથી.

યસ્તુ સર્વાણિ ભૂતાનિ આત્મત્યેવાનુપશ્યતિ ।
સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે ।।

જે આત્મામાં જ સર્વ ભૂતોને નિહાળે છે અને સર્વ ભૂતોમાં આત્માનાં જ દર્શન કરે છે તે કશાયનું સર્જન કરતો નથી.

પશુઓ : ‘તે સર્વભૂત-અન્તરાત્મા છે.’ (શ્વેત – ઉપ. ૩-૧૬) કોઈને પણ હાનિ ન પહોંચે એવું જીવન જીવવાનો અનુરોધ કરતા યોગસૂત્રથી તમે પરિચિત હશો. પ્રાચીન ઋષિઓને એવો ખ્યાલ પણ નહીં હોય કે વિકાસના નામે તેઓ પર્યાવરણની કેવી દુર્દશા કરી નાખશે. જો આપણે કોઈને પણ ઈજા ન પહોંચાડવાનું વર્તન રાખ્યું હોત તો આજે પર્યાવરણની આવી દુર્દશા ન થઈ હોત.

આપણી સામુહિક સંગ્રહલાલસા અને વિનાશક વૃત્તિના સ્થાને સકલ જીવન સાથે આપણે સંવાદ સાધી શક્યા હોત. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે –

તું જ તો છે એ નીલરંગી પતંગિયું? તું જ છે તે લાલ નેત્રવાળો શુક. વિદ્યુતનો તું જ મૂળ સ્રોત છો. તું જ તો છે સર્વ ઋતુઓ અને મહાસાગર! અજન્મા હોવા છતાં તું સર્વત્ર છે અને જે કાંઈ છે તે બધું તારામાંથી જ છે (૪-૪).

જીવનના સર્વસ્વરૂપોમાં એકત્વ અને પરસ્પરાશ્રયની ભાવના વ્યાવહારિક અને આધ્યાત્મિક પણ છે. ઉદાહરણ તરીકે – કેટલાક લોકો તેમની નજરે પડે તે દરેક કરોળિયાને મારવાની જરૂર જુએ છે. આધ્યાત્મિક વિચાર બાજુએ અને તેમની જાળ સૂક્ષ્મ છતાં દૃઢ છે એ આશ્ચર્યને પણ લક્ષમાં ન લઈએ તો પણ તેઓ હંમેશા જંતુઓને પોતાની જાળમાં ફસાવે છે તે તો વાસ્તવિકતા છે. હવે જો આવા કરોળિયા જેવા જંતુઓનો નાશ કરવામાં આવે તો આપણા પાક પર આક્રમણ કરતા જંતુઓની સંખ્યામાં ભારે વધારો થઈ જશે!

વેદાન્તની શિક્ષાને હું આ રીતે સમજું છું – કોઈ લાલ – કાળા કરોળિયા કે એવા જંતુઓ તમને કરડે તો તે સહી લેવામાં કે ખીસકોલી કે ધનેડાં દ્વારા અનાજને ખાઈ જવા દેવામાં અથવા તો તમારી પથારીને માંકડથી ઉભરાઈ જતી દેવામાં નરી મૂર્ખાઈ જ છે. પણ તેનો અર્થ એવો પણ નથી કે તમારી આસપાસ આળોટતા, ઘુમી વળતા કે ઉડી રહેલા દરેક જંતુને મારી નાખવાનો તમને અધિકાર છે! કોઈ માણસ ચળકતા તમરાને કે રંગબેરંગી પતંગિયાને સુશોભિતની વસ્તુ બનાવવા માટે મારી નાખે તો શું તે વિ. વ સાથે સંવાદ સાધી શકે ખરો? તમે શું માનો છો? રામકૃષ્ણ કથામૃતમાં આ એક વાર્તા આવે છે –

કોઈ એક ગામમાં નદીએ પાણી ભરવા જતા રાહદારીઓને એક સાપ બહુ રંઝાડતો હતો. ગામમાં એક વાર કોઈ બહુ મોટા સાધુ પધાર્યા. લોકોએ તેમની પાસે આ સાપની આવી દુષ્ટતાભરી હરકતની ફરિયાદ કરી. સાધુ તે સર્પની પાસે ગયા અને તેની આવી વર્તણૂંક માટે તેને સખત ઠપકો આપ્યો અને કહ્યું કે ખરાબ કર્મોના પરિણામ હંમેશા માઠા આવે છે. ઘણો સમય વીતી ગયો. સાધુ ફરીથી તે ગામમાં આવ્યા. હવે પેલો સાપ રંઝાડ નથી કરતો એમ સાંભળી તેઓ રાજી થયા. વિદાય લેતા પહેલાં તેઓ તે સાપને મળવા ગયા પણ સાપ તો સાવ નંખાઈ ગયો હતો. તેનામાં જરાપણ શક્તિ ન હતી. સાધુ આ જોઈ આઘાત પામ્યા ‘અરે તને આ શું થઈ ગયું?’ તેમણે પૂછ્યું ‘આપે જ મને ગ્રામવાસીઓને નુકસાન નહીં કરવાનું કહ્યું હતું ને! ત્યારથી મેં તેમને હેરાન કરવાનું છોડી દીધું? પણ તેથી તો તેઓ મને જ્યારે જ્યારે લાગ મળે ત્યારે ત્રાસ આપવા લાગ્યા.’ સાપે ઉત્તર આપ્યો. આ સાંભળી સાધુ કહે ‘અરે રે મૂર્ખ સાપ! મેં તને તેમને નુકસાન કરવાની ના કહી હતી. પણ તેઓ તને ત્રાસ આપે તો તે સહન કરી લેવાનું નહોતું કહ્યું. તારે ફૂંફાડો તો મારવો હતો ને!

માનવજાતિ : ઉત્ક્રાન્તિની સમગ્ર પ્રક્રિયા એ આત્માની નિજના આવિર્ભાવ માટેનો સંઘર્ષ જ છે. સ્વામી વિવેકાનંદના મત અનુસાર પ્રકૃતિ સાથેનો સંવાદ નહીં પણ સતત સંઘર્ષ જ મનુષ્યને તે જેવો છે તેવો બનાવે છે. મનુષ્યો કંઈક ‘વિશેષ’ છે. કારણ કે તેમનામાં ‘હું પણા’ની વૃત્તિ છે. બાહ્ય જગત વિધાયક અને નિષેધાત્મક ગુણોનું મિશ્રણ છે એ તથ્યથી તમે સભાન છો. રોજબરોજના આ જગતમાં તમે એવા લોકોને મળો છો કે જેમને નિરુપદ્રવતાની ફિલસૂફી રાઝ આવતી નથી. તમારે આક્રમતાના પ્રચ્છન્ન અને ઉઘાડાં પ્રભાવથી બચવાનું છે. સંવાદિતાનો અર્થ મૂર્ખતા કે જંતુની જેમ જીવવું એવો તો કદાપિ નથી શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે –

કાંટા ઝાખરાથી છવાયેલા જંગલમાં ઉઘાડા પગે ચાલી શકાય નહીં. તે માટે તો જંગલનું આખું મેદાન ચામડાથી મઢી દેવું જોઈએ અથવા તો પોતે પગરખા પહેરી લેવા જોઈએ. પણ આખા જંગલને ચામડાથી મઢવાનું તો અશક્ય જ છે તેથી પોતાના પગમાં પગરખા પહેરી લેવા એમાં જ ડહાપણ છે.

તમારે તમારી પ્રકૃતિ સાથે પણ સંઘર્ષ કરવો પડે છે. કારણ, જે યથાર્થ કે સમુચિત છે તેવું કાર્ય કરવાની ઇચ્છાની સાથે સાથે તમે એના બદલાની પણ આશા સેવો છો – આ એક વિચિત્ર સંયોજન છે? જો કે દરેક વસ્તુને જુદા જુદા ખાનામાં ગોઠવવાનું તમારું વલણ રહ્યું છે તો પણ વાસ્તવમાં તો બે જ મૂળભૂત વિભાગો છે. શરીર અને મન એ બંને બાહ્ય પરિવેશના ઘટકો છે અને આત્મા તે આંતર જગતનું સત્ત્વ છે.

શરીર : શરીર, મન અને ઈન્દ્રિયો. એ ત્રણેયને નિરામય અને સશક્ત રાખવા જોઈએ. એમનું સ્વાસ્થ્ય બુદ્ધિ વગરના કઠોર દમન અને મૂર્ખાઈભર્યા હઠાગ્રહથી જોખમાય છે. અંતિમ લક્ષ્ય તો શરીર અને મનનું અતિક્રમણ કરવાનું છે, દૃશ્ય જગતની પેલે પાર જવાનું છે. પણ વચગાળાના સમયમાં તો તમારું શરીર એ જ પાયાનું સાધન છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે બે હેતુઓ પામવા માટે તમને શરીર મળ્યું છે – સામાજિક અસ્તિત્વનો આનંદ અને આધ્યાત્મિક મુક્તિ. તેઓ શારીરિક શક્તિના મહત્ત્વ વિષે અવારનવાર કહેતા અને કોઈપણ ઋષિએ શરીર પ્રત્યે દુર્વ્યવહારણ રાખવાની ભલામણ કરી નથી. ઈશ ઉપનિષદ પણ દરેકે સો વર્ષ જીવવાની આશા રાખવી’ (૨) એમ કહે છે. અને જો તમારે સો વર્ષ જેટલું જીવવાનું હોય તો સબબ શરીર અને મન. તમારા સાંસારિક આનંદ માટેના મહત્ત્વના સાધનો છે, એ કહેવા માટે કોઈ ઋષિની આવશ્યકતા નથી.

(ક્રમશઃ)

અનુ. વસંતભાઈ પરીખ

Total Views: 116

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.