દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ તો આ ખેદની વાત છે, છતાં દિલાસારૂપે એવું કહી શકાય કે મૃત્યુનું પ્રમાણ માનવવસ્તીના દર ૨,૪૦,૦૦૦ જણા દીઠ ૧ કરતાં વધારે નથી. પચ્ચીસ હજારનો આંક પાછો બધા દેશોમાં થયેલી ખુવારીનો છે, એટલું જ નહિ, પરંતુ દરેક પ્રકારની કુદરતી હોનારતનો તેમાં સમાવેશ થાય છે. જાનહાનિનો સરવાળો માંડવા ગણતરીમાં લેવાયેલા દિવસો પણ કુલ ૩૬૫ છે. આની સામે એકમાત્ર ભારત દેશના કચ્છ-ગુજરાતમાં ૨૬મી જાન્યુ. ૨૦૦૧ના એક જ દિવસે થયેલી ભૂકંપની એકમાત્ર ભીષણ હોનારતે ખુવારીના આંકને ગણતરીની સેકન્ડોમાં ક્યાંનો ક્યાં પહોંચાડી દીધો! ન બનવાનું બન્યું અને સાવ અણધારી રીતે તથા ધાર્યા બહારની હદે બન્યું. વિજ્ઞાનીઓ કહે છે કે આપણે ત્યાં છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન આટલી માત્રાનો ભૂકંપ થયો નથી. આ વાત કહેવામાં તેઓ સાયન્ટિફિક રીતે સાચા ખરા, પરંતુ મહત્ત્વનું સત્ય બહુ જુદું છે. ઈતિહાસમાં નોંધાયેલા સૌથી પ્રચંડ માત્રાના પ્રથમ દસ ભૂકંપો પૈકી બે આપણા ભારતના છે. તાજેતરનો ઓછી માત્રાવાળો ભૂકંપ મોતનું તાંડવ ફેલાવવામાં અને માલમિલકતની તારાજી કરવામાં તે બેયને આંટી ગયો. ભુજની ઉત્તર-પૂર્વ દિશામાં ઉદૃભવેલા ભૂકંપનો રીક્ટર સ્કેલ નીચો હોવા છતાં ઉત્પાત તેણે પ્રલય જેવો મચાવ્યો.

વિશ્વના ‘ટોપ ટેન’ ગણાતા આપણા બે ભૂકંપો સાચે જ ખોફનાક હતા. પહેલો ભૂકંપ જૂન ૧૨, ૧૮૯૭ની સાંજે કોલકત્તામાં ૫:૦૫ વાગ્યે થયો હતો અને ખળભળાટ અઢી મિનિટ સુધી ચાલુ રહ્યો. આસામમાં શિલોંગ પાસે તેના કેન્દ્ર ફરતે ૭૭,૫૦૦ ચો. કિ.મી.નો પ્રદેશ હચમચી ઊઠ્યો. ક્યાંક પર્વતના બે ટુકડા થયા, તો ક્યાંક બે પર્વતો એકમેકની સાથે જોડાયા એટલે વચ્ચેની ખીણ અદૃશ્ય બની. એક ગોરા અમલદારે શિલોંગમાં પોતે જોયેલા દૃશ્યનું વર્ણન કરતાં જણાવ્યું કે પીટાતા ઢોલ પરના વટાણા ઊછળે તેમ રસ્તા પર દસ-પંદર રતલના પથ્થરો ઊછળતા હતા. ભૂપ્રપાતને કારણે અનેક સરોવરોનું પાણી વહી નીકળ્યું અને નદીમાં ઠલવાયું, જ્યારે કેટલાંક નદી-નાળાં ભૂકંપ પછી અગાઉ કરતાં જુદા માર્ગે વહેતાં હતાં. ભારતના અને પડોશી બ્રહ્મદેશના ૩,૮૮,૫૦૦ ચો. કિ.મી. જેટલા વિસ્તાર સુધી તીવ્ર આંચકા ફરી વળ્યા. પરિસ્થિતિ થાળે પડ્યા બાદ અંગ્રેજ સરકારે આસામનો પ્રાકૃતિક નકશો સુધારીને ફરી વખત છાપવો પડ્યો! ભૂસ્તરશાસ્ત્રીની તવારીખ ‘ધ ગ્રેટ આસામ અર્થક્વેક’ તરીકે જગવિખ્યાત થયેલા એ ભૂકંપે એક પર્વતમાળાને ખસેડી જુદા જુદા ખૂણે બેસાડી દીધી હતી. ચિદરંગ નદીનો માર્ગ બદલી નાખ્યો હતો. ત્રીસ નવાં સરોવરોનું પણ સર્જન કર્યું હતું. પર્વતોની ઊંચાઈમાં ફરક પાડી દીધો હતો. ૧૯ કિ.મી. લાંબી ડુંગરમાળા રચી હતી. આ જબ્બર ફેરફાર જોતાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ કેવું હોય તે જરા કલ્પી જોજો. માનવખુવારીનો આંક કેટલો હોય તેનોય અડસટ્ટો માંડી જોજો. બાકી હકીકત એ છે કે ભુજના આતંક કરતાં સેંકડોગણી વધુ ઊર્જા મુક્ત કરનારા આસામના ભૂકંપે ૧,૫૪૨ માણસોનો ભોગ લીધો!

આ ભૂકંપ ૮.૭ રીક્ટરનો હતો. લગભગ અડધા સૈકા પછી એટલે ૧૫ ઓગસ્ટ, ૧૯૫૦ના દિવસે શિલોંગ નજીક ૮.૬ રીક્ટરની તીવ્રતા ધરાવતા ભૂકંપે સમગ્ર પૂર્વ ભારતને પ્રચંડ રીતે ધ્રુજાવ્યું. આઘાતનાં મોજાં એવાં તો બુલંદ કે પૃથ્વીનો આખો ગોળો મંદિરના ઘંટની જેમ વાગ્યો. ભૂકંપનું એપીસેન્ટર ક્યાં છે એ પણ શરૂમાં ભૂસ્તરશાસ્ત્રીઓ પામી ન શક્યા. અમેરિકનોએ તે કેન્દ્ર જાપાનના તટ નજીક હોવાનું માન્યું. જાપાનના ભૂસ્તરવિદૃોએ પોતાના યંત્ર પર આંચકા માપ્યા પછી જાહેર કર્યું કે અમેરિકામાં વિનાશક ભૂકંપ થયો હતો અને કદાચ અનેક શહેરો તત્કાળ નાશ પામ્યાં હતાં. એપીસેન્ટરના સચોટ અક્ષાંશ તથા રેખાંશ નક્કી કરવામાં બે દિવસ નીકળી ગયા. આસામની ભૂગોળને તે દરમિયાન સહેજ નવું સ્વરૂપ મળી ચૂક્યું હતું. બ્રહ્મપુત્રને મળતી દિહાંગ અને લોહિત નદીનો પ્રવાહ અટકી ગયો હતો. કુદરતે તેમના માર્ગમાં પર્વતો ખડા કરી દીધા હતા. ભૂપ્રપાતને લીધે અનેક ખીણો પૂરાતાં નવાં મેદાનો રચાયાં હતાં અને ત્રીસ જેટલાં સરોવરો નાબૂદ થયાં હતાં. પાંચ દિવસ પછી જ્યારે દિહાંગના અને લોહિતના વહેણે પર્વતોને ધકેલી મૂક્યા ત્યારે કોલકત્તા તથા ઢાકા સુધીનો પ્રદેશ ઠેકઠેકાણે ઘોડાપૂરમાં જળબંબોળ થયો. આમ છતાં માનવખુવારીનો આંક ૨,૦૦૦ કરતાં વધ્યો નહિ!

ભૂકંપ થવાનું ભૂસ્તરીય કારણ તો વાચકોએ સમજવું પડે. ભૂતકાળનાં કરોડો વર્ષ દરમિયાન આશરે ૮,૦૦૦ કિ.મી. ઉત્તરે સરકેલો આપણો ભારતીય ઉપખંડ હજી વાર્ષિક ૩-૪ સે.મી.ના મંદ વેગે ઉત્તર તરફ જવા મથામણ કરી રહ્યો છે. અલબત્ત, ઉપખંડના ભૂસ્તરીય પોપડાને યુરેશિયાનો (પૂર્વ યુરોપનો તથા એશિયાનો સંયુક્ત) પોપડો અવરોધે છે. માર્ગ આપતો નથી. કદમાં તે રાક્ષસી છે, જરા સરખી મચક પણ આપતો નથી. ભારતીય ઉપખંડનો પોપડો જો કે સતત જોર લગાવ્યા કરે છે. પરિણામે તેની સપાટી નીચેના ખડકો બેસુમાર રીતે ભીંસાય છે. અતિશય દબાણ અનુભવે છે. કોઈવાર તેઓ ફસકી પડે છે, તો ક્યારેક ભાંગે છે. કોઈ વખત બે ખડકો એકમેક સાથે ટકરાય છે અથવા પરસ્પર ઘસાતાં તેમનાં પડખાં ઓચિંતા સ્લીપ મારે છે. ભૂર્ગભમાં એવે વખતે જે સખત કંપારી પેદા થાય છે તેનું નામ ભૂકંપ.

ભૂસ્તરીય પોપડાના (ટેક્ટોનિક પ્લેટના) આવા સળવળાટને લીધે જ હંમેશા ભૂકંપ સર્જાય એ તો જાણીતી બાબત છે, છતાં કચ્છના ભૂકંપને લગતા અનેક પ્રશ્નોના ખુલાસાવાર જવાબો તેમાં મળતા નથી. જાનહાનિનો આંકડો જોતાં સૌ પ્રથમ એવો પ્રશ્ન થાય કે ભૂકંપમાં આટલું બધું વિનાશક બળ આવ્યું ક્યાંથી? કચ્છ અને ગુજરાતમાં તેણે દાખવેલી ભયાનક સંહારશક્તિ ખરેખર શેને આભારી છે? ભુજ પાસે ભૂગર્ભમાં જન્મેલા આંચકાના તીવ્ર મોજાં સેંકડો કિ.મી. છેટે અમદાવાદ, સૂરત વગેરે શહેરોને કેમ વસમાં પડી ગયાં? અમુક મકાનો ધરાશયી થયાં, તો બીજાં કેમ સલામત રહ્યાં? રીક્ટર સ્કેલ શું છે અને તેના આંકનો મતલબ શો? ભૂકંપનાં મોજાં કેવાં હોય છે? 

એપીસેન્ટરમાં જન્મ્યાં બાદ તેઓ ચારેબાજુ શી રીતે ફેલાય છે? કઈ પદ્ધતિ વાપરીને ભૂસ્તર નિષ્ણાતો એપીસેન્ટરનું સ્થાન નક્કી કરે છે?

આ દરેક પ્રશ્નનો જવાબ અત્યંત રસપ્રદ છે, પરંતુ એ માટે ભૂસ્તરનું વિજ્ઞાન ઉપરાંત ભૂકંપનું વિજ્ઞાન જરા સમજવું પડે તેમ છે. ભૂસ્તરશાસ્ત્રને અંગ્રેજીમાં જિઓલોજી કહે છે, જ્યારે ભૂકંપશાસ્ત્ર સાઈઝ્મોલોજી તરીકે ઓળખાય છે. આ શબ્દ મૂળ અંગ્રેજી નથી. ગ્રીક ભાષામાં સિસ્મોનો અર્થ ‘ધ્રૂજતી ધરા’ થાય છે. આ શબ્દને યોગ્ય રીતે બદલી કેટલાક અંગ્રેજી શબ્દો રચવામાં આવ્યા છે : સાઈઝ્મિક એટલે ભૂકંપને લગતું, સાઇઝ્મગ્રાફ એટલે 

ભૂકંપમાપક યંત્ર, સાઈઝ્ગ્રામ એટલે તે યંત્રે નોંધેલાં મોજાંનો પ્રિન્ટઆઉટ અને સાઈઝ્મોલોજિસ્ટ એટલે ભૂકંપવિજ્ઞાની.

ભૂકંપ જન્માવતું ટેકટોનિક પ્લેટનું ભંગાણ વિશે

આપણી સાયન્ટિફિક છતાં સરળ ચર્ચાનો આરંભ જો કે ભૂકંપશાસ્ત્ર નહિ, પરંતુ ભૂસ્તરશાસ્ત્ર વડે કરવો જરૂરી છે. કચ્છના ભૂકંપનો પણ આરંભ કેવા સંજોગોમાં થયો તેની સમજૂતી એ શાસ્ત્ર દ્વારા મળી શકે તેમ છે. અહીં પાયાનો સવાલ એ છે કે ઉત્તરે ખસેલો ભારતીય ઉપખંડનો પોપડો તેના કરતાં ખાસ્સા તોતિંગ યુરેશિયન પોપડા સાથે ટકરાયા પછી શા માટે ત્યાંનો ત્યાં અટકી ગયો નથી? સિમેન્ટની મજબૂત દીવાલ જોડે અથડાતી મોટરકાર પોતાનું બધું જોર ખર્ચી નાખ્યા પછી સ્થગિત બને છે. અથડામણ દરમિયાન મોટરના આગલા ભાગનો ડૂચો વળી જાય અને કદાચ દીવાલમાં પણ થોડીક ભાંગતૂટ થાય. એમ બેય પોપડા સ્વાભાવિક રીતે તેમની કિનાર પાસે ચીમળાયા. એટલે ત્યાંના ઊંડા તિથિસ સમુદ્રને ઠેકાણે ઊંચી હિમાલય પર્વતમાળા જન્મી. ઉથલપાથલોનો ક્રમ લાખો યા કરોડો વર્ષ ચાલ્યો. વખત જતાં નવા સંજોગો મુજબ બધું વન્સ ફોર ઓલ થાળે પડી ગયું હોત તો આજે કચ્છમાં (અને ભારતમાં બીજે કશે) ભૂકંપ થાત નહિ. આપણા કમનસીબે એવું ન બન્યું. ધારી લો કે દીવાલ જોડે ટકરાયેલી મોટરનું એન્જિન ચાલુ રહ્યું. ગીઅર તેમજ એક્સેલરેટર પણ યથાવત્ રહ્યાં અને મોટરકારે દીવાલને પુશ આપવાનું ચાલુ રાખ્યું. ભારતીય ઉપખંડનો પોપડો (પ્લેટ) બિલકુલ આમ જ વર્ત્યો. ટક્કર પછીયે તે યુરેશિયન પ્લેટને એકધારી ઢીંક મારતો રહ્યો. આજે પણ મારે છે. પરિણામે તેના આંતરિક ખડકોમાં વહેલીમોડી તોડફોડ થાય કે તરત ભૂકંપની આપત્તિ સર્જાય છે.

મોટરકારમાં તો સક્રિય એન્જિન હોવાનું આપણે માની લીધું, પણ ભારતીય ઉપખંડને સતત ઉત્તર તરફ યુરેશિયા જોડે દબાવ્યા કરી તેનો ભૂસ્તરીય તણાવ વધારતું પરિબળ સાવ જુદા પ્રકારનું છે. 

આ ડાયાગ્રામમાં વિવિધ ભાગે વહેંચાયેલું પૃથ્વીનું ભૂગર્ભ બતાવ્યું છે. નિકલ તથા લોખંડ ધરાવતો કેન્દ્રીય ભાગ એકદમ નક્કર (સોલિડ) છે. આ બંને ધાતુઓ વડે ન બનેલું ત્યારપછીનું બાહ્ય ગર્ભ કહેવાતું આવરણ પ્રવાહી સ્વરૂપનું છે. આગામી ક્રમનું આવરણ મેન્ટલ કહેવાય છે, જે પ્રવાહી નથી તેમ ઘન પણ નથી. પ્લાસ્ટિક જેવું લીસ્સું, અમુક હદે નરમ અને જરા સ્થિતિસ્થાપક છે. મેન્ટલમાં કાળા રંગના પથરાળ સિલિકેટ પદાર્થો રહેલા છે. કેળાની છાલનો રોલ ભજવવા બદલ તેઓ નામચીન છે. ભૂકંપના દરેક કેસમાં તેમને મુખ્ય આરોપી ગણી લો તો ચાલે. મેન્ટલ પછીનું એટલે કે છેક બહારનું પડ એકદમ ઠરેલું અને નક્કર છે. સૌથી પાતળું હોય તો પણ એ જ પડ, કેમ કે જમીન નીચે તે આશરે ૪૦ કિ.મી. અને સાગર પેટાળ નીચે લગભગ ૮ કિ.મી. જાડું છે. જળસપાટી પર પ્લાઈવુડનું પાટિયું તરતું રહે એમ મેન્ટલ પર એ બાહ્યપડ અથવા તો પોપડો તરે છે. પોપડાની ઘનતા મેન્ટલની ઘનતાના પ્રમાણમાં ઓછી હોવાને લીધે તે ડૂબતો નથી. મેન્ટલ તેને હંમેશા તરતો રાખે છે એટલું જ નહિ, પણ ફરતો રાખે છે.

આ ક્રિયાનો તબક્કાવાર ક્રમ આપણે ભૂકંપના સંદર્ભમાં જાણવો રહ્યો. મેન્ટલના સિલિકેટ પદાર્થ ભેગાં અમુક કિરણોત્સર્ગી તત્ત્વો પણ છે. વિસર્જન પામતી વખતે તેઓ પુષ્કળ ગરમી પેદા કરે છે. મેન્ટલમાં કિરણોત્સર્ગી તત્ત્વોની માત્રા બધે સરખી નથી, માટે જે ભાગ આસપાસના જથ્થા કરતાં વધુ ગરમ થયો હોય તે ઉષ્ણતાનયનના સિદ્ધાંતને અનુસરી ઊંચે ચડે છે. ધરતી પર બપોરે ક્યાંક વધુ તપી નીકળેલો હવાનો સમુદાય 

આકાશ તરફ જાય એમ ધરતીના પેટાળમાં મેન્ટલનો અત્યંત ઘટ્ટ રગડો ઉર્ધ્વગામી પ્રવાહ રચે છે. ઊંચે ગયા બાદ તે સહેજ ઠંડો પડતાં ફરી નીચે તરફ વળે છે – અને ત્યારે પૃથ્વીના બાહ્ય પોપડા એટલે કે પ્લેટને નીચલા ભાગમાં તેનો ધક્કો લાગ્યા વગર રહેતો નથી. નિરંતર થયા કરતી એ ક્રિયા ભારતીય ઉપખંડ જેવા પોપડાને ધક્કો પણ નિરંતર આપ્યા કરે છે. આપણે ટાંકેલા દૃષ્ટાંતમાં મોટરકારને દીવાલ તરફ એકધારી દાબ્યા કરવાનું બળ તેના એન્જિને લડાવ્યું, તો અહીં મેન્ટલના ગરમ પ્રવાહો તરતા પોપડાની ફોરવર્ડ ગતિ માટે જવાબદાર છે, આને લીધે ભારતીય ઉપખંડ વાર્ષિક અઢી-ત્રણ સે.મી.ના દરે ઉત્તર તરફ ખસી રહ્યો છે. ખસવા માટે જગ્યા નથી, એટલે યુરેશિયન પોપડાની નીચે ઘૂસતો જાય છે. આ સ્થાનાંતર તેના આંતરિક તણાવને હદુપરાંત વધારી મૂકે અને સરવાળે ક્યારેક તેનાં હાડકાંનું ફ્રેકચર કરે અથવા તો એકાએક સ્લિપ મરાવે ત્યારે ભારતમાં ક્યાંક ભૂકંપ થવો અનિવાર્ય!

એક વાત રહસ્યમય જણાય કે ભારતીય ઉપખંડ જો ઉત્તરે ખસ્યા કરતો હોય, તો દક્ષિણ ભૂસ્તરીય પોપડામાં ભંગાણ કેમ પડતું નથી? લોજિકલ રીતે જોતાં અચૂક પડવું જોઈએ. પોપડો સ્થિતિસ્થાપક રબ્બરનો નથી. વિસ્તરણ ન પામી શકતા અક્કડ ખડકોનો બનેલો છે. આ ખડકો તૂટે ખરા, પરંતુ તેમને કદી તાણીતૂંસીને લાંબા કરી શકાય નહિ. પરિણામે ભૂસ્તરશાસ્ત્રના પંડિતોને વર્ષો સુધી એ ન સમજાયું કે ભારતીય ઉપખંડ જેવો પોપડો જો આગળ વધતો હોય તો પાછળ રહી જતી ‘ખાલી’ જગ્યા શી રીતે પૂરાય છે? પૃથ્વીનો એ તરફનો ઠરેલો પોપડો તણાતો નથી કે તૂટતો નથી, તો પછી બને છે શું? આ પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી એમ માનવાનું થાય કે ભારતીય ઉપખંડ સહિતના ૧૦ મુખ્ય પોપડા વર્ષોથી જ્યાંના ત્યાં છે. પરંતુ એ માન્યતા ખોટી હોવાનું તો જગજાહેર છે. હિમાલય સર્જાયો એ બતાવે છે કે ટેકટોનિક પ્લેટ્સ કહેવાતા પોપડા સ્થાયી નથી.

ભૂકંપનાં મોજાં તાકાતવાન કેમ બને?

આ રહસ્યને ૧૯૬૩માં છેવટે ફ્રેડ વાઈન અને ડ્રમન્ડ મેથ્યુઝ નામના બે અંગ્રેજ ભૂસ્તરવિદોએ પુરાવા સાથે ઉકેલી બતાવ્યું. સમુદ્રના તળિયે આવેલા ખડકોના પ્રાચીન તથા અર્વાચીન નમૂનાનું તેમણે લેબોરેટરીમાં પૃથક્કરણ કર્યું. વિશેષ કરીને તે ખડકો પર અંકિત થયેલી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની 

મેગ્નેટિક રેખાઓ તપાસી. ભૂતકાળમાં પૃથ્વીના ઉત્તર તથા દક્ષિણ ધ્રુવો બદલાયેલા, માટે જૂના-નવા ખડકોમાં એકમેક કરતાં જુદી ચુંબકીય ‘ફિંગર-પ્રિન્ટ’ જોવા મળી. વાઈન અને મેથ્યુઝ એવા તારણ પર આવ્યા કે અમુક ખડકો નવા રચાયા છે. આ ખડકોમાં અંકિત થયેલી ચુંબકીય રેખાઓ પૃથ્વીના વર્તમાન મેગ્નેટિક ફિલ્ડને મળતી આવે છે, જ્યારે પ્રાચીન ખડકોમાં એ રેકોર્ડિંગ અપસાઈડ ડાઉન છે. વાઈને તેમજ મેથ્યુઝે ચુકાદો આપ્યો : શિયાળા દરમિયાન થીજેલી જળસપાટીના બરફનો અમુક ચક્કો તોડીને જેવો તેને દૂર ખસેડો કે તરત ફાટ વચ્ચે ધસી આવતું પાણી જોતજોતામાં થીજી જાય અને બર્ફિલી પાટને ફરી અખંડ કરી દે તેમ ઉત્તરે સરકેલા ભૂસ્તરીય પોપડાની દક્ષિણે (સામાન્ય રીતે સાગરપેટાળમાં) નવો પોપડો રચાય છે. કુદરત ફાટેલી ચાદરને જાણે કે થીંગડું મારી દે. આ જાતના દરેક થીંગડાને બેઉ વિદ્વાનોએ મિડ-ઓસન રિજ એવું નામ આપ્યું. છેવટે સાબિત થયું કે ભારતીય ઉપખંડ સહિત દરેક પોપડો ખસી રહ્યો છે.

આના પછીનો મુદ્દો તો બહુ જાણીતો છે. સૌને ખબર છે કે પોપડાના ખડકો પરસ્પર ઓચિંતા ઘસાય, તૂટે, ફસકી પડે અથવા ભીંસ વચ્ચે રાહત મેળવવા એકાદ પોપડો જરા અનુકૂળ રીતે ગોઠવાય ત્યારે ભૂકંપનો આંચકો લાગે. આ મુદ્દાને એકબાજુ રાખીને જુદો પ્રશ્ન હાથ પર લઈએ : ભૂકંપ થાય ત્યારે આંચકો તો લાગે, પણ તે આટલો સખત અને સંહારક કેમ હોય છે? ભુજની વીસેક કિલોમીટર ઉત્તર-પૂર્વે ભૂગર્ભમાં ૧૫ કિલોમીટર ઊંડે એકાદ ખડક ભાંગ્યા પછી સ્થાનિક ભૂસપાટી કાં તો બેસી જાય અથવા તો મોટો ટેકરો રચાય એ માનવાલાયક વાત છે. હજારો અણુબોમ્બ જેટલી તાકાત ધરાવતાં આઘાતનાં મોજાં ચોતરફ વહી નીકળે અને ચંગીઝખાનના આસુરી સૈન્યની માફક તેઓ અડફેટે ચડતા માણસોનું તથા મિલકતનું સત્યાનાશ વાળી નાખે એ જલદી માનવામાં આવતું નથી.

ભૂકંપની વિનાશક તાકાતનું વૈજ્ઞાનિક કારણ સમજવું બહું સહેલું છે – અને સમજ્યા પછી એ તાકાતને ‘માનો યા ન માનો’ ગણવાનો પ્રશ્ન જ રહેતો નથી. એક પોપડો બીજા પોપડા સાથે ભીંસાય ત્યારે જાપાનના સુમો પહેલવાનો જેવો ખેલ જામે છે. કોઈ પોપડો ક્યાં સુધી (દિવસો, મહિનાઓ, વર્ષો કે દાયકાઓ સુધી) ટસનો મસ થતો નથી.

દરમિયાન પરસ્પરના સંપર્કમાં આવતા તેમના સામસામા ખડકો પ્રત્યેક ચોરસ સેન્ટિમીટરે હજારો ટનનું દબાણ અનુભવે છે. ભીંસ ખમી લેવા માટે પડખાં જરા સંકોચાય છે. વિકૃત પણ થાય છે. લંબાઈમાં પડખાંનું માપ કેટલું હોય તેનો કશો ધડો નહિ. ક્યારેક ઘસાતો યાને કે પરસ્પર સંપર્કમાં આવતો ભાગ એકાદ કિલોમીટર લાંબો હોય છે, પણ જાપાનના હોન્ડો ટાપુ પાસે ૧૮૯૧માં જબરદસ્ત ભૂકંપ થયા પછી નિષ્ણાતોને પડખાં ઘસનારા બે પોપડા ૧૬૦ કિલોમીટર લાંબા હોવાનું જાણવા મળ્યું. ૧૯૦૬માં અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરને જમીનદોસ્ત કરી દેનાર સાન્એન્ડ્રિઆસ ફોલ્ટ કહેવાતા પોપડાના હજી આમનેસામને ગોઠવાયેલાં પડખાં ૪૩૦ કિલોમીટર લાંબા છે! વાસ્તવમાં એ ફોલ્ટ છે, ભંગાણ છે. ચોકલેટના મિલ્ક બાર તેના ફોલ્ટને (ચાષને) સમાંતર જલદી બટકે તેમ ૧૯૦૬માં એ ભંગાણ તૂટયું અને બે અલગ પોપડા ૨૧ ફીટ લગી ઘસાયા. વર્ષો બાદ ફરી તેઓ દબાણના માર્યા ચપોચપ બાઝીને ફોલ્ટનું સ્વરૂપ પામ્યા.

ભૂકંપની ગજબનાક તાકાતનો ભેદ જાણવા માટે હવે ઉપરનો આપેલો ડાયાગ્રામ જુઓ. પોપડાનો ટોપ પોઝ ક્રમવાર બતાવ્યો છે : (૧) પોપડામાં વચ્ચોવચ્ચ ભંગાણ છે. હિસ્સા ‘એ’ તથા ‘બી’ એકબીજા કરતાં અલગ નથી, છતાં ભંગાણરેખા તરીકે આંકેલો ભાગ જરા કમજોર છે. ડિફેક્ટિવ છે. સપાટી પર આછી તિરાડ પડી ચૂકી છે; (૨) પાતાળમાં ધક્કામુક્કીનો પાર નથી. કિલોમીટરના હિસાબે લાંબા અને પહોળા એવા જંગી ખડકો એકધારા દબાય છે. સખત પ્રેશર અનુભવે છે. ડાયાગ્રામમાં બીજો તબક્કો દર્શાવે છે કે પોપડાને બધે સમાન દિશાનું પ્રેશર વરતાતું નથી. હિસ્સો ‘એ’ એક દિશામાં, તો હિસ્સો ‘બી’ને બીજી દિશામાં ધક્કો વાગી રહ્યો છે. ભૂસપાટીની પંદર-પચ્ચીસથી માંડીને પોણોસો કિલોમીટર નીચેના ખડકો કેટલેક અંશે સ્થિતિ સ્થાપક હોય છે. દબાણ વેઠી લેવા ખાતર મરોડાવું એ એમની ખાસિયત છે. અહીં બન્ને હિસ્સા એકમેક કરતાં વિરુદ્ધ વિશામાં વિકૃત થયા છે; (૩) સ્થિતિ સહેજ બદલાય છે. હિસ્સાનો ફક્ત કિનારા તરફનો ભાગ અત્યાર સુધી મરોડાયો, જ્યારે હવે ભંગાણરેખા નજીકના ભાગને આમળો દેવાય છે. પત્યું! આપત્તિનો તખ્તો મંડાયો એટલું નક્કી માનો! સારું થાત જો આવો તબક્કો આવત જ નહિ. આ રીતે મરોડાતા રાક્ષસી પોપડા પ્રથમ તબક્કે યાને પહેલા ઝાટકે બટકી જાય એમાં માનવજાતની તથા માલમિલકતની સલામતી રહેલી છે. દુર્ભાગ્યે અહીં પોપડો જીદે ચડ્યો છે. તૂટવું ન પડે એટલા માટે તે વળ ખાતો દબાણને વેઠી રહ્યો છે. વિચારીને કહી શકો છો કે મામલાને આપણે શા માટે સિરિઅસ ગણવો જોઈએ? પોપડાના ‘એ’ તથા ‘બી’ હિસ્સા સ્વેચ્છાએ મરોડાતા નથી. બેઉને સામસામી દિશામાં સખત બળ વરતાય છે. બળ એટલે ઊર્જા, જેને તેઓ Elastic energy તરીકે સંઘરતા રહે છે. ઉપર અને નીચે તરફ ટ્વિસ્ટિંગ જેમ વધુ થાય તેમ ઉત્તરોત્તર વધુ ઊર્જાને તેઓ આત્મસાત્ કરે છે. આ ક્રિયાનું સરસ દૃષ્ટાંત પણછ વડે તંગ થયેલું ધનુષ્ય છે. કમાનકાર ધનુષ્યનો મરોડ તેમાં સચવાયેલી ઊર્જાને (Elastic energy)ને આભારી છે; (૪) ભૂસ્તરીય પોપડામાં સંગ્રહિત થતી ઊર્જાનો તો સુમાર હોતો નથી. આનું મુખ્ય કારણ સરેરાશ પોપડાનું રાક્ષસી કદ છે. બીજું કારણ હઠીલી સ્થિતિસ્થાપકતા છે. પોપડો વર્ષોનાં વર્ષો સુધી ઊર્જાનું સ્ટોરેજ કરતો રહે છે. કચ્છમાં ભુજ પાસે બન્યું તેમ છેવટે આવે છે ભૂસ્તરીય તાંડવનો ગોઝારો દિવસ! અભિમન્યુના ધનુષ્યની પણછને મૂષકે (ઉંદરે) કાપી નાખી કે તરત ધનુષ્યની કમાન મરણતોલ રીતે છટકી એ પ્રસંગ અને પોપડાનું અગાઉની સ્થિતિમાં ઓચિંતું પુનરાગમન બન્ને સરખી બાબતો છે. ભંગાણરેખા (ફોલ્ટ) પાસે એકાએક પોપડો બટકે છે, કેમ કે હદપારનું દબાણ તે સહી શક્યો નથી. કદાચ વર્ષો અને દાયકાઓ નહિ, પરંતુ સૈકાઓ દરમ્યાન ક્રમશ: એકઠી થયેલી ઊર્જાને તે પોપડાના ‘એ’ તથા ‘બી’ હિસ્સા અચાનક સામટી મુક્ત કરી દે છે. જાણે સંખ્યાબંધ અણુબોમ્બનો સામટો પ્રચંડ ધડાકો થયો! માનો કે એ ધડાકો સેંકડો અણુબોમ્બના સંયુક્ત વિસ્ફોટ જેટલો છે, તો આસપાસના વિસ્તારમાં ફેલાતો વિનાશ કેવો ભયાનક હોય તેનું દૃષ્ટાંત કચ્છનો ભૂકંપ છે.

વિનાશનો ફેલાવો આંચકાના મોજાં દ્વારા થાય છે. મોજાંના તરખાટનું રહસ્ય પણ સમજવા જેવું છે, પરંતુ એ સમજૂતી આપતા પહેલાં એક નાનો પ્રશ્ન : ભૂસ્તરશાસ્ત્રના જાણકારો ભૂકંપનું કેન્દ્ર શી રીતે નક્કી કરે છે? ઉદાહરણ તરીકે કચ્છમાં ભૂસ્તરીય પોપડા ભુજની ૨૦ કિલોમીટર ઉત્તર-પૂર્વે સરક્યા, જ્યાં ભૂકંપમાપક યંત્ર (સાઈઝ્મગ્રાફ) ધરાવતી વેધશાળા નથી. આ પ્રકારની વેધશાળાઓ આખા ભારતમાં કુલ મળીને પંચાવન છે. ભૂકંપના કેન્દ્ર (એપિસેન્ટર) પાસે જ એકાદ વેધશાળા હોવાનો ચાન્સ બહુ ઓછો છે. સૌથી નજીક આવેલી વેધશાળા ક્યારેક તો બસ્સો-ત્રણસો કિલોમીટર છેટે હોય છે. અલબત્ત, વધુ છેટે હોય તો પણ વાંધો નહિ, કારણ કે એપિસેન્ટર શોધવા માટે ભૂસ્તરનિષ્ણાતો પાસે એકદમ સાદી છતાં અત્યંત સચોટ પદ્ધતિ છે. કેટલા સમાયાન્તરે કેટલી તીવ્રતાના અને કેટલે દૂરનાં મોજાં સાઈઝ્મગ્રાફમાં નોંધાયાં તેની પ્રત્યક્ષ તથા પરોક્ષ માહિતીના આધારે ભૂસ્તરનિષ્ણાતો પોતાના નક્શા પર સર્કલ આંકે છે. આ વર્તુળ દ્વારા એપિસેન્ટરનું ભૌગોલિક સ્થાન જાણી શકાતું નથી, પરંતુ ત્રણ વેધશાળાઓ પોતપોતાના નક્શા પર ત્રણ સ્વતંત્ર વર્તુળો દોરે અને પછી ફેક્સ વડે એકમેકને ડેટા મોકલી તે વર્તુળોનો સમન્વય કરે એટલે સમાન છેદ પાસે એપિસેન્ટર હોવાનું ખબર પડી આવે છે. આ રીતનો વધુ સ્પષ્ટ ખ્યાલ પછીના પાને આપેલા નક્શામાં આપ્યો છે. બીજી પણ એક સ્પષ્ટતા કરવાની કે એપિસેન્ટર તરીકે ઓળખાતું ભૂકંપનું કેન્દ્ર ખરેખરું ઘટનાસ્થળ નથી. ભૂગર્ભમાં જ્યાં ભંગાણ ધરાવતા પોપડા ખસ્યા અને ભૂસ્તરીય ખળભળાટ મચ્યો એ જગ્યાને હાઈપોસેન્ટર કહે છે. એપિસેન્ટર બિલકુલ તેના માથે ખુલ્લી સપાટી પર આવેલું બિન્દુ છે.

જિઓલોજિકલ એક્સ-રે (પૃ. ૫૧૧) જેવા ચિત્રનું અવલોકન કરો. હાઈપોસેન્ટરનું સ્થાન ભૂગર્ભમાં ૫૦ કિલોમીટર ઊંડે બતાવ્યું છે. ઊંડાઈ હંમેશા આટલી હોય તે જરૂરી નથી. નિષ્ણાતોએ ભૂકંપોને ત્રણ કેટેગરીમાં વર્ગીકૃત કર્યા છે. શૂન્યથી ૭૦ કિલોમીટર સુધી ઊંડે જન્મ લેતા ભૂકંપો ‘છીછરા’ ગણાય છે. ૭૦ થી ૩૦૦ કિલોમીટર સુધીના ભૂસ્તરીય સ્તરમાં પેદા થતા ભૂકંપોને ‘મધ્યમ’ અને ૩૦૦ તથા ૭૦૦ કિલોમીટર વચ્ચેના સ્તરમાં જન્મતા ભૂકંપોને ‘ઊંડા’ કહે છે. સાયન્ટિફિક અંગ્રેજી નામો અનુક્રમે શેલો ફોકસ, ઈન્ટરમિડિએટ તેમજ ડીપ ફોક્સ છે. સાતસો કિલોમીટર તેમના માટે લગભગ આખરી લિમિટ છે. એ પછીના ગહન પાતાળમાં કાયમી દબાણ એટલું હોય કે પોપડા કદી ચસકી શકતા નથી. પરિણામે મરોડાવાનો અને ત્યાર બાદ કમાન છટકવાનો થોડોઘણોય ચાન્સ રહેતો નથી. જાન્યુઆરી ૨૬, ૨૦૦૧ની સવારે જે ભૂકંપે કચ્છ-ગુજરાતમાં આતંક ફેલાવ્યો તેનું હાઈપોસેન્ટર (ફોકસ) ભુજ નજીક ૧૫ કિલોમીટર નીચે હોવાનું નિષ્ણાતોએ જાણી લીધું- અને તેનું વર્ગીકરણ શેલો ફોકસ તરીકે કરવામાં આવ્યું. રીક્ટર સ્કેલ પર તેની માત્રા તેમણે ૬.૯ માપી. આ માત્રા કેટલી બુલંદ લેખાય એ પણ ફક્ત નિષ્ણાતો સમજી શક્યા, કેમ કે રીક્ટરનો સ્કેલ જરા અટપટો છે અને સામાન્ય લોકોને તો સાવ બમ્પર જાય તેવો છે. આ સ્કેલનો એટલે કે માપદંડનો ઘડવૈયો ચાર્લ્સ ફ્રાન્સિસ રીક્ટર નામનો અમેરિકન હતો. ભૂકંપની માત્રા દર્શાવતા એકમને પણ રીક્ટરના નામની મહોર લાગી ગઈ.

આ પ્રતિભાશાળી સંશોધકે કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજિમાં કામકાજનો હવાલો સંભાળ્યો એ વખતે ભૂંકપ માપવાનું એકમાત્ર પ્રચલિત એકમ મર્કેલી સ્કેલ હતું. ઈટાલિયન પાદરી ગ્યુસેપ મર્કેલીએ ભૂકંપની તીવ્રતા દર્શાવતો ૧ થી ૧૨નો એ સ્કેલ ૧૯૦૨માં નક્કી કર્યો હતો. (હા, મર્કેલી પાદરી હતો! અને ભૂસ્તરશાસ્ત્રી પણ ખરો! એક કામ સ્વર્ગને લગતું અને બીજું કામ પૃથ્વીને લગતું!) ભૂકંપની તીવ્રતા બધે તો સરખી હોય નહિ. આંચકાના મોજાં જમીન વાટે આગળ વધે તેમ ક્ષીણ બનતાં રહે, એટલે તેમની વિનાશકતા પણ ઉત્તરોત્તર ઘટવા લાગે. આ દૃષ્ટિએ મર્કેલીનો સ્કેલ ભૂકંપ પછીના બચાવકાર્ય માટે બહુ કામનો હતો. દા.ત. સ્કેલ પ્રમાણે ભૂકંપનો ક્રમ ૧૦ હોવાનું જાણવા મળે તો બચાવ ટુકડી બાજુના શહેર તરફ જતી વખતે એટલી ખાતરી સાથે જાય કે ત્યાંનાં બધાં મકાનો તૂટી ગયા હોવાં જોઈએ, માટે દવાદારૂ ઉપરાંત મોબાઈલ ઓપરેશન થિએટર, લોહીના બાટલા, તબીબો તથા કાટમાળ ખસેડવાનાં સાધનોનો તત્કાળ બંદોબસ્ત કરીને જ નીકળવું રહ્યું.

વધુ સચોટ સ્કેલ ક્યો? રીક્ટર કે મર્કેલી?

મર્કેલી સ્કેલનો દરેક આંક ભૂકંપની જે તે અસરનો સૂચક હતો. આમ છતાં ડો. ચાર્લ્સ રીક્ટરને તે માપદંડ અપૂરતો લાગ્યો, કારણ કે ભૂકંપની તીવ્રતાનો આંક ભૂકંપની તાકાતનો ખ્યાલ આપતો ન હતો. તીવ્રતા જો અંતરના સીધા અનુપાતમાં (રેશિઓમાં) ઘટતી હોય તો એ માપદંડને સો ટકા પરફેક્ટ ગણી લો. કમનસીબે એવું બનતું ન હતું. એપિસેન્ટરથી દોઢસો કિલોમીટર છેટે એકાદ ઠેકાણે મર્કેલીનો યાને કે તીવ્રતાનો આંક ૧૦ હોય, તો વળી ત્રણસો કિલોમીટર છેટે આવેલા બીજા સ્થળે ત્યાંની વેધશાળા પણ ૧૦નો આંક માપે! એપિસેન્ટરની ફરતે જમીનનું ભૂસ્તરીય બંધારણ અહીં જુદું ને ત્યાં જુદું હોવાને લીધે આંચકાના મોજાંની તીવ્રતા ક્યાંક જળવાય પણ ખરી અને ક્યાંય જોખમાય પણ ખરી! ભૂકંપની તીવ્રતા અને ભૌગોલિક અંતર વચ્ચે કશો સંબંધ જણાય છે ખરો? આ વાતે ડો. ચાર્લ્સ રીક્ટરને તીવ્રતાનો (Intensity નો) માર્કેલી સ્કેલ ત્રુટિવાળો જણાયો, એટલે તેણે માત્રાનો (Magnitude નો) નવો માપદંડ ઘડી કાઢ્યો. વર્ષ ૧૯૩૫નું હતું. વિશ્વના લગભગ બધા ભૂસ્તરનિષ્ણાતોએ તેના સ્કેલને અપનાવ્યો. બીજી તરફ સામાન્ય લોકોને તે સ્કેલનો ટપ્પો ન પડ્યો.

આપણે જરા રીક્ટર સ્કેલના વાયડા અંકગણિતને સમજવાનો પ્રયાસ કરીએ. સૌ પહેલાં તો મર્કેલીની તીવ્રતા અને રીક્ટરની માત્રા વચ્ચેનો તફાવત મગજમાં સ્પષ્ટ કરી દો. સૂર્ય અમુક તેજે પ્રકાશે છે. આ તેનું નિરપેક્ષ તેજ છે. કદાપિ બદલાતું નથી. સૂર્યનો પ્રકાશ હંમેશા જેટલો ને તેટલો રહે છે, માટે એમ કહેવાય કે તેજની માત્રા (Magnitude) અફર છે. આમ છતાં પ્રથમ ગ્રહ બુધ પર રહીને જોતાં સૂર્ય આંજી દેનારો જણાય, તો અનુક્રમે શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, એમ વધુ ને વધુ દૂરના ગ્રહો પર રહી સૂર્યને અવલોકો ત્યારે પ્રકાશની તીવ્રતા (Intensity) ઉત્તરોત્તર ઘટતી લાગે. રીક્ટર સ્કેલની માત્રા અને મર્કેલી સ્કેલની તીવ્રતા વચ્ચે એ તફાવત છે.

હવે મૂળ વાત : ડો. ચાર્લ્સ રીક્ટરે નક્કી કરેલો માપદંડ ૧૦ના ગુણાંક પર આધારિત લોગેરિધમ છે. સાઈઝ્મગ્રાફ યંત્ર પોતાની સ્ટાયલસ (પેન કે સોય) વડે ભૂકંપના કંપવિસ્તારને એટલે કે એમ્પ્લિટયૂડને ફરતા ડ્રમ પરના કાગળની સપાટી પર આંકે છે. ભૂકંપ જેમ પ્રચંડ તેમ સ્ટાયલસ વધુ માત્રમાં ધ્રૂજે છે અને વાંકાચૂકાં લીસોટા જરા લાંબા અંકાય છે. કોમન સેન્સ મુજબ જોવા બેસો તો રીક્ટર ૧.૦ના ભૂકંપ કરતાં ૨.૦ના ભૂકંપનો એમ્પ્લિટયૂડ બમણો હોવો જોઈએ, પણ હોતો નથી. વાસ્તવમાં ૧૦ ગણો હોય છે, માટે રીક્ટર ૧.૦ની તુલનાએ રીક્ટર ૩.૦ના ભૂકંપને ૧૦૦ ગણા એમ્પ્લિટયૂડનો સમજી લો! અને પછી એ જ રીતે ગણતરી ચાલુ રાખો!

રીક્ટર સ્કેલનું વધુ આશ્ચર્યજનક પાસું ભૂકંપના સમયે મુક્ત થતી ઊર્જાને લગતું છે. ચડતી ભાંજણીમાં રીક્ટરનો આગામી દરેક રાઉન્ડ ફીગર ૧૦ ગણી નહિ, પરંતુ લગભગ ૩૧ ગણી વધુ ઊર્જા દર્શાવે છે! જાણવું છે, હિસાબ કેવા પ્રકારનો બેસે? વાંચો ત્યારે : રીક્ટર ૧.૦નો ભૂકંપ અંદાજે ૧૯૦ ગ્રામ ટી.એન.ટી. (ટ્રાઈનાઈટ્રોટોલ્યુન નામના રાસાયણિક બારૂદ) જેટલી ઊર્જા મુક્ત કરે છે, પરંતુ રીક્ટર ૫.૦ના ભૂકંપ વખતે છૂટી પડતી ઊર્જાનું પ્રમાણ ૧૮૩ ટન ટી.એન.ટી. હોય છે! અને રીક્ટર ૬.૦ એટલે લગભગ ૫૬૭૫ ટન ટી.એન.ટી. ઊર્જા! અમેરિકાએ હિરોશિમાને તારાજ કરવા માટે ૧૨૦૦૦ ટન ટી.એન.ટી.નો અણુબોમ્બ ફેંકેલો એટલું તુલના પૂરતું જાણી લો. રીક્ટર ૭.૦નો ભૂસ્તરીય ઉત્પાત એ રીતે ૧,૭૫,૦૦૦ ટન ટી.એન.ટી. બરાબર છે, જ્યારે મેગ્નિટયૂડ ૮.૯નો ભૂકંપ એટલે ૧૦૦ અબજ ટન ટી.એન.ટી. ઊર્જા! વિજ્ઞાનીઓ ૮.૯ને આખરી લિમિટ ગણે છે, કેમ કે તેના કરતાં વધુ માત્રાનો ભૂકંપ આધુનિક સાઈઝ્મગ્રાફ યંત્ર પર કદી નોંધાયો નથી. બાકી ડો. ચાર્લ્સ રીક્ટરે પોતે તેના સ્કેલ માટે ન્યૂનતમ કે મહત્તમ આંક નક્કી કર્યો નથી, જ્યારે મર્કેલી સ્કેલ ૧ થી ૧૨નો છે. બહુ અગત્યનો બીજો વૈજ્ઞાનિક મુદ્દો પણ ખાસ ટાંકવો પડે છે. ભૂજના પેટાળમાં ઉદ્‌ભવેલા ધરતીકંપને વર્તમાનપત્રો સહિત બધાં સમાચાર માધ્યમોએ હિરોશિમાના અણુબોમ્બ જોડે તુલનાત્મક રીતે સરખાવ્યો. અહીં પણ ઉપલા ફકરામાં અણુબોમ્બનું ઉદાહરણ ટાંક્યું. આ તુલના યોગ્ય નથી. ભૂકંપ વખતે છૂટી પડતી ઊર્જા કેટલી વિપુલ હોય તેનો ચિતાર અણુવિસ્ફોટના સંદર્ભમાં આપી જ શકાય નહિ. હિરોશિમા અને નાગાસાકી પરના હુમલા વખતે બન્યું તેમ અણુવિસ્ફોટ હંમેશા જમીનથી કેટલાક ફીટ ઊંચે આકાશમાં કરવાનો હોય છે. પરિણામે તેની ભસ્માસુર ઊર્જા બધી દિશામાં પ્રસરે છે. જમીન પર એટલા પ્રમાણમાં ઓછી તારાજી ફેલાય છે, જ્યારે ભૂકંપ તો પોતાની સંપૂર્ણ ઊર્જા જમીનમાં પ્રસારે છે. પરિણામે ફક્ત ટી.એન.ટી.નો આંકડો ટાંકીને તુલના કર્યાનો મતલબ જ રહતો નથી.

આપણે જોયું કે વર્ષોનાં વર્ષો લગી એક ધારી સંઘરેલી અને પછી એકાએક ડિસ્ચાર્જ કરેલી ઊર્જા જમીનના થરોમાં મોજાંના સ્વરૂપે પ્રસરે છે. મોજાંનું સ્વરૂપ ભયાનક તો ખરું, પણ ભેગાભેગું અજબગજબનું છે. પરિચય કરવા બેસો ત્યારે આશ્ચર્યનો પુષ્કળ આંચકો લાગે. આ લાંબી સાયન્ટિફિક ચર્ચામાં હવે એ પરિચયનો વારો છે. એક કામ જરા કરજો. આગામી ફકરા વાંચતા જાવ તેમ જિઓલોજીકલ એક્સ-રેનું ચિત્ર તથા અહીં આપેલાં ‘પી’ અને ‘એસ’ મોજાંના ડાયાગ્રામ્સ રિફર કરતા રહેજો, કેમ કે સાયન્ટિફિક ચર્ચાને તેઓ અત્યંત સરળ બનાવે તેવા છે.

ભૂકંપજન્ય મોજાં ત્રણ પ્રકારનાં હોય છે. ત્રણેયનો મિજાજ અલગ છે. વર્તણૂંક જુદી છે. સૌથી ઝડપી મોજાં પ્રાયમરી વેવ્ઝ અથવા પ્રેશર વેવ્ઝ છે, જેને ટૂંકમાં ‘પી’ મોજાં કહે છે. આ મોજાંનો વેગ પ્રતિસેકન્ડે ૮ કિલોમીટરનો છે. અંતરિક્ષમાં પ્રવાસ ખેડતા સ્પેસ શટલ કરતાં પણ સહેજ વધારે! (લાગ્યો આશ્ચર્યનો પ્રથમ આંચકો?) ગુણધર્મ અવાજનાં મોજાં જેવો છે. વિસ્તરતી અને સંકોચાતી હવા આપણા કાનના પડદાને ધ્રૂજાવે એટલે તે ધ્રૂજારી યાને કંપસંખ્યા મુજબનો અવાજ સંભળાય છે. ભૂકંપનાં ‘પી’ મોજાં પણ સતત વિસ્તર્યા અને સંકોચાયા કરે છે. વાસ્તવમાં મોજાં પોતે આગળ વધતાં નથી, બલકે તેમનું પ્રેશર જમીનના એક ચક્કાને ‘ખો’ આપે છે અને સંકોચાતો એ ચક્કો વળી આગામી ચક્કાને ‘ખો’ કરે છે. આમ ‘પી’ મોજાંના પ્રતાપે કે પાપે જમીન અનુક્રમે વિસ્તરે છે, સંકોચાય છે અને વિસ્તરે છે. આ ક્રમ થોડો વખત ચાલે એ દરમ્યાન બહુમાળી મકાન જિઓલોજીકલ એક્સ-રેનું ચિત્ર અને વીજળીના થાંભલા (આગળ આપેલ ડાયાગ્રામ) જેવાં બાંધકામો આગળપાછળ ધકેલાય છે. માનો કે ‘પી’ મોજાં ઉત્તર તરફ પ્રવાસ ખેડી રહ્યાં છે, તે બાંધકામોને ઉત્તર-દક્ષિણના તથા દક્ષિણ-ઉત્તરના ઝાટકા મળે છે. વિસ્તૃત પાયાનું કોન્ક્રિટ મકાન એવે સમયે કદાચ ટકી જાય, પરંતુ વીજળીના થાંભલા, ઈંટો ખડકીને બનાવેલાં નબળાં ચણતરો, ફાઈબર ઓપ્ટિક્સના ભૂગર્ભ કેબલો વગેરેની સલામતી માટે ગેરેંટી નહિ.

પ્રાયમરી અથવા પ્રેશર મોજાં પછી સેકન્ડરી અથવા શિઅર મોજાંનો વારો આવે છે. (શિઅર = ચીરવું, ફાડવું, કાતરવું.) ટૂંકમાં, તેમને ‘એસ’ મોજાં કહે છે. મિજાજના અને વર્તણૂંકના મામલે તેઓ ‘પી’ મોજાં સાથે કશું સામ્ય ધરાવતાં નથી. અવાજનાં મોજાં સાથે પણ તેમની સરખામણી કરી શકાય નહિ, કેમ કે તેઓ જમીનને સંકોચતાં કે વિસ્તારતાં નથી. જિઓલોજીકલ એક્સ-રેનું ચિત્રમાં બતાવ્યા મુજબ ‘એસ’ મોજાંનો વેગ પ્રતિસેકન્ડે ૪.૫ કિલોમીટર છે. આથી પ્રવાસ એક જ ક્ષણે આરંભાયો હોવા છતાં તેઓ ૮ કિલોમીટરની સ્પીડવાળાં ‘પી’ મોજાં કરતાં પાછળ રહી જાય છે.

પ્રવાસ દરમિયાન ‘એસ’ મોજાં તેમના આંચકાનું ટ્રિપલ એક્શન દેખાડે છે. જમીનને સંકોચ્યા વગર તેઓ આગળ વધે છે, ભૂસપાટીને ઉપરતળે કરે છે અને પ્રવાસદિશાના કાટકોણે બન્ને તરફ પણ સાપની જેમ વળ ખાતાં રહે છે. ‘એસ’ના ડાયાગ્રામમાં એ ત્રણેય એક્શન દેખાડી છે. અગાઉ ‘પી’ મોજાંને વેઠનારું બહુમાળી મકાન આગળપાછળ ડોલ્યું, તો હવે ‘એસ’ મોજાં તેને ડાબે-જમણે અંગમરોડ લેવા ફરજ પાડે છે અને સાથોસાથ જમીનનું લેવલ સતત બદલી તેને આગળપાછળ પણ લથડિયાં ખવડાવવાનું ચાલુ રાખે છે. મકાનનું બાંધકામ ભલે મજબૂત હોય, છતાં અમુક સેકન્ડો પૂરતા તેના હાલ બોક્સિંગ ચેમ્પિયન માઈક ટાઈસનના સપાટે ચડેલા ‘લિજ્જત’ બ્રાન્ડ પહેલવાન જેવા થાય છે.

ઊર્જાનાં ઘોડાપૂરની જેમ આગળ વહેતાં મોજાંનો ત્રીજો જુવાળ-સરફેસ વેવ્ઝ તરીકે ઓળખાય છે. આ મોજાંને ભૂકંપજન્ય ન ગણો તો ચાલે. ભૂકંપ લાવનાર ભૂસ્તરીય પોપડો તેમનું સર્જન કરતો નથી. જમીનમાં હજી કંપારી જન્માવતાં અગાઉનાં ‘પી’ અને ‘એસ’ મોજાંનું ગંધક અને સુરોખાર જેવું સ્ફોટક મિશ્રણ થાય એટલે સપાટીનાં મોજાં (સરફેસ વેવ્ઝ) જન્મે છે. સૌથી વધુ જાનહાનિ તથા માલહાનિ કરવા બદલ તેઓ નામચીન છે. ભૂસપાટીને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ મરોડીને તેઓ મકાન પર અનહદ ત્રાસ ગુજારે છે. અગાઉના ‘પી’ તથા ‘એસ’ મોજાંના ધક્કા અને મુક્કા ખાનાર મકાન હજી ધ્રૂજતું હોય ત્યાં તો સપાટીનાં મોજાં તેને ઓર પ્રચંડ શોક આપે છે. પરિણામે બહુમાળી મકાનને જે મરણતોલ અસર થાય તેનું નામ છે ક્રેક ધ વ્હીપ ઈફેક્ટ.

સરકસના રીંગમાસ્ટરને સિંહ-વાઘ સામે ચાબૂક વીંઝતો જોયો છે? અને વીંઝાતી ચાબૂકનો કડાકો સાંભળ્યો છે? (ટુ ક્રેક ધ વ્હીપ – ચાબૂક વીંઝવી.) અવાજ બહુ જોરદાર હોય છે. ક્યારેક તો ચોંકી પડીએ. કડાકાનું રહસ્ય પણ ચોંકાવનારું છે. સુપરસોનિક પ્લેન અવાજ કરતાં વધુ ઝડપ મેળવતી વખતે ધ્વનિપટલને ભેદે તે તરત મેઘગર્જના જેવો કડાકો બોલે તેમ અહીં ચાબૂકનું ટેરવું સાઉન્ડ બેરિઅરને તોડે છે. સમુદ્રસપાટીએ અવાજનાં મોજાંનો વેગ કલાકે ૭૭૦ માઈલ (૧૨૩૦ કિલોમીટર) છે. ચાબૂકનું ટેરવું તેના કરતાં ય વધુ ઝડપે હવામાં ગતિ કરે છે! નવાઈ! રીંગમાસ્ટર પોતાના બાવડાને આટલી ઝડપે તો ઝાટકો મારતો નથી, તો પછી ચાબૂકના છેડાને સુપરસોનિક વેગ આપ્યો કોણે? અલબત્ત, ક્રેક ધ વ્હીપ ઈફેક્ટે! રીંગમાસ્ટર પોતાનું બાવડું ઝાટકી મોજાં જેવાં આંદોલનો પેદા કરે છે, જે સોટી દ્વારા ચામડાની પટ્ટીમાં (ચાબૂકમાં) પ્રવેશે છે. હવે પટ્ટી વેવ-ફોર્મમાં ઊંચીનીચી થાય છે એટલું જ નહિ, પરંતુ રીંગમાસ્ટરે તેમાં ‘રેડેલી’ ઊર્જા તેના વેગને ગજબનાક રીતે વધારતી અંતે ટેરવા સુધી પહોંચે છે. ટેરવાની સ્પીડ પછી તો સુપરસોનિક! અને રખે તેને ફટકો ખાવાનો થાય તો શરીરને વરતાતા ચમચમાટનું પણ શું કહેવું?

આ પૂરેપૂરું વર્ણન હવે પેલા બહુમાળી મકાનને લાગુ પાડી દો! જમીનથી છેક દસમા મજલા તરફ જતાં આંદોલનો ઊંચે ચડતી વખતે ઉત્તરોત્તર વધુ બુલંદ થાય છે. કંપવર્ધનનો સુમાર રહેતો નથી. પરિણામે દસમો માળ વિશેષ પ્રમાણમાં ધ્રૂજે છે. અંતે ચાબૂકના ટેરવા જેવો ફટકો પડે ત્યારે એ માળના કદાચ ભૂક્કા બોલી જાય છે. નવમો માળ પણ દરમિયાન તીવ્ર આંદોલનોના પ્રહારો ઝીલ્યા બાદ કમજોર બન્યો હોય, માટે દસમા મજલાનો કાટમાળ તેના પર તૂટી પડે કે તરત એ પણ ફસકે છે. એ પછી તો ગગનચૂંબી મકાન અને ગંજીપાના મહેલ વચ્ચે કશો ફરક નહિ.

કોઈ સ્થાપત્ય પ્લાન એવો ખરો કે જેનાં એન્જિનિઅરિંગ ધોરણો અનુસાર બાંધવામાં આવેલું બહુમાળી મકાન રીક્ટર ૮.૦ના આંચકાને પણ ખમી લે? સપ્ટેમ્બર ૧, ૧૯૨૩ના દિવસે જાપાનના ટોકિયો અને યોકોહામા શહેરોને ધરાશાયી કરી દેનાર ધરતીકંપ ૮.૩ રીક્ટરનો હતો. ટોકિયો યુનિ.માં ભણતો એન્જિનિઅરિંગનો વિદ્યાર્થી કેયુશી મુહો બીજે દિવસે તારાજીનું અવલોકન કરવા નીકળ્યો. ટોકિયોમાં જ્યાં નજર પહોંચે ત્યાં કાટમાળ પડ્યો હતો. અમુક મકાનો પડવાની આળસે હજી નમેલાં હતાં. એક ઠેકાણે કેયુશી મુહોએ બૌદ્ધોના પેગોડાને ટટ્ટાર ઊભેલું દીઠું. ઊંચાઈ ૩૦ મીટર (૯૪ ફીટ) હતી. બાંધકામમાં ફક્ત લાકડું વપરાયું હતું. મુહોએ તેનું નિરીક્ષણ કર્યું. અંદરખાને લાકડાના કેટલાક ભારોટને (થાંભલાને) આડા, ઊભા તથા ત્રાંસા જડી લેવાયા હતા. વચ્ચો વચ્ચ ધાતુનો થાંભલો હતો. થાંભલો ધરતીકંપના આંચકાને ઝીલી લાકડાના ભારોટને ટ્રાન્સફર કરે અને તે લાકડાં અંગમરોડ કરી આંચકાને શોષી લે. ટૂંકસાર : પેગોડાના માળખામાં લચીલાપણું હતું. સિમેન્ટ કોન્ક્રિટના બહુમાળી મકાનને એ પ્રકારનું બનાવવું જરા મુશ્કેલ, છતાં અશક્ય નહિ. પેગોડા જેવું બીજું ખમતીધર માળખું હોય તો એ પિરામિડના આકારનું, જેનો એક ગગનચુંબી નમૂનો અમેરિકાના સાનફ્રાન્સિસ્કો શહેરમાં જોવા મળે છે. ટ્રાન્સઅમેરિકા બિલ્ડિંગ નામનું મકાન ખાસ ભૂકંપને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે. ટોચ કરતાં પાયો અત્યંત પહોળો છે, માટે ગુરુત્વ મધ્યબિન્દુ તેની બહાર જવાનો ખતરો નથી. ત્રિકોણાકાર ડિઝાઈનનું મકાન ભૂકંપની કંપારીનું માર્યું ઝોલ પણ ખાય નહિ. ઊંચે જાઓ તેમ મજલાનું ક્ષેત્રફળ અને વજન ઘટે છે. ઉપરથી શરૂ કરીને નીચે તરફનો દરેક માળ વધારે મજબૂત છે, એટલે તેના પર આવી પડતા કાટમાળના ઓછા વજનને તો એ ચોક્કસ ખમી લે. સુરક્ષા આટલી હોવા છતાં પિરામિડ જેવાં મકાનો કદી લોકપ્રિય ન બને, કેમ કે એ ડિઝાઈન બહુ અગવડભરી છે. સીધી દિવાલ નહિ તેમ પાયા નજીકના મજલે વચ્ચેની રૂમોને બારીની સગવડ પણ નહિ.

ઈજનેરો ગમે તેટલી મથામણો કરે, પરંતુ સો ટકા ભૂકંપપ્રૂફ મકાનો બાંધવાનું તેમના માટે શક્ય નથી. બીજી તરફ એ વાત પણ સાચી કે કચ્છ-ગુજરાતનાં બધાં મકાનો સહેજ પૂરતાંય મજબૂત હોત તો જાનમાલનું આટલું નુકશાન થાત નહિ.

(ફેબ્રુઆરી ૨૦૦૧ના ‘સફારી’ માસિકના સૌજન્યથી)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.