શ્રી નિખિલ ઘોષ સુપ્રસિદ્ધ સંગીતજ્ઞ, તબલાવાદક, ‘અરુણ સંગીત વિદ્યાલય, મુંબઈ’ના મુખ્ય આચાર્ય હતા. સ્વામી વિવેકાનંદ જન્મ શતાબ્દિ પ્રસંગે, મહારાષ્ટ્ર રાજ્યની કમિટિના પ્રતિવેદનમાં પ્રકાશિત થયેલ તેમના આ મૂળ અંગ્રેજી લેખનો શ્રી સી.એ.દવેએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદ એક બુદ્ધિશાળી સંન્યાસી, મહાન સુધારક, ઉત્સાહી દેશભક્ત, પ્રચંડ વક્તા અને એક સુયોગ્ય સંગઠક રૂપે પોતાના સદ્‌ગુણો માટે સુપ્રસિદ્ધ છે. પરંતુ ઘણા લોકોને એ વાતની જાણ નહિ હોય કે તેઓ એક મહાન સંગીતજ્ઞ હતા. આજે કરોડો સ્ત્રીપુરુષો વિવિધ તેમજ સમુચિત રૂપે સ્વામીજીને શ્રદ્ધાંજલિઓ આપતા રહ્યા છે; એક સંગીતકાર હોવાને સંબંધે, ભારતના તમામ સંગીતકારો સાથે મળીને ‘એક મહાન સંગીતજ્ઞ’ સ્વામી વિવેકાનંદને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

સ્વામીજી સંબંધી રોમાં રોલાંએ લખ્યું છે, ‘એમની વાણી એટલે ભવ્ય સંગીત; એમની શબ્દાવલિઓમાં બીથોવનની શૈલીનો રણકો છે; અને ભાવોત્કર્ષ જગાવતા એમના વાણીમયમાં હેન્ડેલનાં સમૂહગીતોની પરંપરા પ્રતીત થાય છે. આજથી ત્રીસ વર્ષ પહેલાં ગ્રંથસ્થ થયેલાં એમના વચનામૃતોને જ્યારે હું વાંચું છું, ત્યારે વિદ્યુતના આંચકા જેવી ઝણઝણાટી મારાં સમગ્ર દેહમાં હું અનુભવ્યા વિના રહી શકતો નથી. તો પછી એ નરવીરના સ્વમુખેથી એ જ્વલંત શબ્દો ઉચ્ચારાયા હશે ત્યારે તેમણે કેવા આંચકા, કેવા હર્ષોત્કર્ષો પેદા કર્યો હશે!’ સ્વામીજી માત્ર શબ્દોના જ નહિ પણ સંગીતના પણ નાયક હતા.

પરિવ્રાજક રૂપે ભારત-ભ્રમણ કરતાં સમયે એક વરિષ્ઠ સંગીતજ્ઞ અને ધ્રુપદ ગાયક એવ પંડિત એકનાથ સાથે તેમનો મેળાપ થયો. સ્વામીજીએ એમનું સંગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. એકનાથ પંડિતના ગાયન સાથે સ્વામીજી મૃદંગ બજાવી સંગત કરવા લાગ્યા. સ્વામીજીના મૃદંગ-વાદનથી ગાયક તેમજ શ્રોતઓને સંપૂર્ણ સંતોષ થયો. એ કાર્યક્રમ પછીના વાર્તાલાપથી, સૌએ જાણ્યું કે સ્વામીજી એક સારા ગાયક પણ છે, તેથી તેઓએ સ્વામીજીને ગાવા માટે આગ્રહ કર્યો. સ્વામીજીએ તાનપુરો લઈ ધ્રુપદના આલાપની શરૂઆત કરી. ત્યારબાદ ગીતની લય પર આવ્યા. ત્યારે મૃદંગ પર કોઈ પણ તેમની સંગત કરી શક્યું નહિ. એકદમ તેઓએ તાનપુરો એકનાથ પંડિતના હાથમાં આપીને, પોતે મૃદંગ લઈને સ્વયં પોતાની જ સંગત કરવા લાગ્યા. આ રીતે સૌને આશ્ચર્યચકિત કરીને સ્વામીજીએ બંને ભૂમિકા નિભાવી. આ અદ્‌ભુત પ્રસંગથી વિસ્મય પામેલા પંડિતજી બોલી ઊઠ્યા, ‘સ્વામીજી આપ માત્ર ગાયક જ નહિ, નાયક પણ છો.’

સફળ પ્રદર્શન, સંગીત-રચનાની ક્ષમતા, સંગીતશાસ્ત્રનું જ્ઞાન અને શ્રોતાઓને વશ કરવાની બુદ્ધિશક્તિ હોય, માત્ર તેવા સંગીતકારને જ નાયકનું બિરૂદ આપવામાં આવે છે. જેઓ સંગીત અંગે થોડું ઘણું પણ જ્ઞાન ધરાવતા હોય એવા લોકો બહુ સારી રીતે સમજી શકશે કે ષટ્‌પ્રાણ અને ષટ્‌સંગતના સુમેળવાળા ધ્રુપદ ગાયન સાથે સ્વયં પોતે મૃદંગ સાથે સંગત કરવાનું મોટેભાગે અશક્ય હોય છે. આ બંને એક સાથે એકલે હાથે સફળતાપૂર્વક કરી બતાવવાનું એક અતિમાનવીય કાર્ય છે.

સ્વામીજીના જીવનના આ પાસા સંબંધી ઊંડી જાણકારી મેળવવાની જિજ્ઞાસા સાથે, હું ભારતના એક મહાન સંગીતવિદ્‌ સ્વામી પ્રજ્ઞાનાનંદજી પાસે ગયો અને તેમના પાસેથી મેં સ્વામીજીના કેટલાક શિક્ષકો અને તેમના શિક્ષણ સંબંધી કેટલીક જાણકારી મેળવી. સ્વામીજીએ સુવ્યવસ્થિત રીતે ધ્રુપદ, ધમાર, ખ્યાલ, ભજન અને ટપ્પાનો અભ્યાસ કર્યો હતો. ટપ્પા સંબંધી એમનો અભિપ્રાય સારો નહોતો; એ સંબંધી એમના પોતાના શબ્દોમાં આગળ જતાં જણાવીશ. જુદા જુદા શિક્ષકો પાસેથી તેમણે મૃદંગ, તબલા અને સિતાર પણ શીખી લીધા. વેણી ઉસ્તાદ (વેણીમાધવ અધિકારી) અને ઉસ્તાદ અહમદ ખાઁ પાસેથી સ્વામીજી ધ્રુપદ અને ખ્યાલ શિખ્યા; બ્રાહ્મસમાજના સભ્ય શ્રી કાશી ઘોષાલ પાસીથી તેઓ એસરાજ તેમજ મૃદંગ શિખ્યા. એમના સમયના બંગાળના સંગીતજ્ઞોમાં રવીન્દ્રનાથ ઠાકુર, ત્રૈલોક્નાથ સાન્યાલ અને દ્વિજેન્દ્રનાથ ઠાકુર મુખ્ય હતા. કહેવાય છે કે પોતાના સંગીતના અભ્યાસના દિવસોમાં સ્વામીજી નિયમિત રીતે કઠોર અભ્યાસ કરતા હતા.

સ્વામીજી એક રચનાકાર પણ હતા. સમય જતાં તેમણે સંસ્કૃત, બંગાળી અને હિંદીમાં અનેક રચનાઓ કરી, અને તેને વિવિધ રાગો અને તાલ સાથે સુનિયોજિત કરી. એમાંથી કેટલીકનું વિવરણ નીચે મુજબ છે : (૧) ‘ખંડન ભવબંધન’, રાગ – યમન, તાલ – ચૌતાલ (રામકૃષ્ણ સંઘના તમામ કેન્દ્રોમાં ગવાતી દૈનિક પ્રાર્થના) (૨) ‘એકરૂપ અરૂપ નામ વરણ’, રાગ – બડા હંસસારંગ, તાલ – ચૌતાલ (૩) ‘નાહિ સૂર્ય નાહિ જ્યોતિ’, રાગ – બાગેશ્રી, તાલ – અડા અથવા ઈક્વી (૪) ‘મુઝે વારી બનવારી સૈંયાઁ’, રાગ – ઠુમરી, તાલ – કહરવા (કેરવા)

તાજેતરમાં જ કલકત્તાથી મારા એક મિત્રએ માહિતી આપી છે કે એમણે સ્વામીજીની એક હસ્તલિખિત પુસ્તિકા શોધી કાઢી છે, જેમાં તબલા પરની અનેક રચનાઓ છે. એ પુસ્તિકા પ્રકાશિત પણ થવાની છે. પરંતુ જો તેઓએ ૩૯ વર્ષના ટૂંકા આયુષ્યમાં જ દેહત્યાગ ન કર્યો હોત તો સંગીતજગત તેમની અનેક વિશેષ પ્રકારની રચનાઓ પ્રાપ્ત કરીને ઉપકૃત થયું હોત. સંગીતની અનેક પ્રકારની રચનાઓની સરખામણીમાં સ્વામીજીને ધ્રુપદ પ્રતિ મોટા, ભારે સન્માનનો ભાવ હતો.

તેઓ કહેતા, ‘જે સંગીત મનુષ્યની કુમળી લગાણીઓને જ જગાડે છે, તેને હમણાં થોડા સમય માટે બંધ કરી દેવું જોઈએ. ખ્યાલ અને ટપ્પા જેવા કોમળ સ્વરોનો અવાજ અટકાવીને લોકોને ધ્રુપદના સ્વરો સાંભળવાની ટેવ પડાવવી જોઈએ. ભવ્ય વૈદિક ઋચાઓની મેઘગર્જનાથી આ દેશમાં ચેતન પાછું લાવવાનું છે.’

પરંતુ સંગીતના આદર્શરૂપ સંબંધે સ્વામીજીએ કહેલું, ‘ધ્રુપદ અને ખ્યાલ વગેરેમાં એક વિજ્ઞાન છે, પરંતુ કીર્તન – અર્થાત્‌ માથુર અને વિરહ તથા એના જેવી અન્ય રચનાઓમાં જ સાચું સંગીત છે કારણ તેમાં ભાવ હોય છે. ભાવ એ જ આત્મા અને પ્રત્યેક વસ્તુનું રહસ્ય છે’ મોટાભાગના લોકો માને છે કે પ્રત્યેક ભાવ એ જ સંગીત છે પરંતુ એવું નથી. બીજી રીતે ભાવ વગરની માત્ર વ્યાકરણશાસ્ત્ર પર આધારિત શબ્દોની કસરત, એ પણ સંગીત નથી. લોકગીતોનું માધુર્ય, શાસ્ત્રીય સંગીતનું વિજ્ઞાન અને કીર્તનનો ભાવ – એનું સંયોજન કરવાથી જ આદર્શ સંગીતની સૃષ્ટિ સર્જી શકાય છે.’ 

સ્વરચિહ્‌ન અને શ્રુતિઓ વિશે સ્વામીજીનું કહેવું હતું, ‘યુગો પહેલાં ભારતમાં સંગીત પૂરેપૂરા સાતે સ્વરોમાં વિકાસ પામેલું; અર્ધ અને પા સ્વરો સુધી પણ તે વિકસેલું. સંગીત, નાટ્યશાસ્ત્ર અને શિલ્પકળામાં ભારત અગ્રણી હતું; અત્યારે જે કરવામાં આવે છે તે માત્ર અનુકરણનો પ્રયાસ છે. અત્યારે ભારતના સમગ્ર પ્રશ્નનો આધાર માણસ કેટલા ઓછાથી નભાવી શકે છે, તેના ઉપર રહેલો છે.’

ટપ્પા સંબંધમાં સ્વામીજીએ કહ્યું હતું, ‘જેઓ ધ્રુપદ ગાવાની કળામાં ઉસ્તાદ છે. તેમને ટપ્પા સાંભળવાનું કષ્ટદાયક થઈ પડે છે… શું તમે એમ ધારો છો કે વિજળીવેગે એક સૂર પરથી બીજા સૂર પર ઠેકડા મારીને ચડી જવું અને નાકમાંથી અવાજ કાઢીને ટપ્પાની ટૂંકી અને હલકી તરજો ગાવી એ સંગીતની દુનિયામાં સારામાં સારી વસ્તુઓ છે? એમ નથી. દરેક સપ્તકમાં દરેક સૂરને જો પૂરેપૂરો વિકસવા દેવામાં ન આવે તો સંગીતનું બધું વિજ્ઞાન માર્યું જાય છે… તમે એ સમજતા લાગતા નથી કે જ્યારે એક સૂર બીજા સૂર પછી આવા દ્રુત ક્રમમાં આવે છે ત્યારે તેનાથી સંગીતનું બધું લાવણ્ય માર્યું જાય છે એટલું જ નહિ, ઊલટું વિસંવાદિતા ઉત્પન્ન કરે છે.’

પશ્ચિમના સંગીતનો ઊંડો અભ્યાસ કર્યા બાદ સ્વામીજી તેના માટે સારો (ઊંચો) અભિપ્રાય ધરાવતા હતા. એમણે કહ્યું, ‘પરંતુ જ્યારે મેં એ સંગીતને ધ્યાન દઈને સાંભળવા અને બારીકાઈથી તેનો અભ્યાસ કરવા માંડ્યો, ત્યારે મને તે વધારે અને વધારે સમજાવા લાગ્યું, અને હું તેનો ભારે પ્રશંસક બની ગયો. દરેક કળાને વિશે આવું છે.’

‘પરંતુ આપણા સંગીતમાં જે આરોહઅવરોહ છે તે ઘણું સારું છે. ફ્રેન્ચોએ આ કળાને પહેલવહેલી પારખી, તેને અપનાવી અને પોતાના સંગીતમાં બંધબેસતી બનાવીને તેમાં દાખલ કરવાનો પ્રયાસ કર્યો. ફ્રેન્ચોએ એમ કર્યા પછી હવે આખા યુરોપે સંપૂર્ણ રીતે તેના પર કાબૂ મેળવી લીધો છે.’

આપણે સ્વામીજીના આશીર્વાદ માગીએ કે આપણને સંગીતના ભાવ અને ઉદ્દેશ્યને સંગીતમાં નિયોજિત કરવાની પ્રેરણા આપે.

Total Views: 113

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.