નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

મા! મા! મા! એ જાણે કે પતિતપાવની, કલુષનાશિની ગંગાનું જ એક બીજું રૂપ છે. શ્રીમા શ્રીરામકૃષ્ણનાં સહધર્મિણી છે. અસંખ્ય મનુષ્ય ગંગાની અનિર્બંધ ધારામાં અવગાહન કરીને, દેહ અને મનની જ્વાલાને શાંત કરે છે, શ્રીમાનાં ચરણોમાં આવવાથી પણ એવું જ બને છે. સંસારની જ્વાલાથી તપ્ત બનીને જે લોકોએ એમનાં શ્રીચરણોમાં આશ્રય લીધો હતો એમનાં મન પ્રશાંતિથી ભરાઈ ગયાં, એમની સમગ્ર જ્વાલા, યંત્રણા અને અંતર્વેદનાનો નાશ થઈ ગયો. પોતાના સંતાનને ગુમાવી બેઠેલી એક મા પોતાની વ્યથા લઈને એમની પાસે આવી અને અંતે હૃદયમાં પ્રગાઢ શાંતિ લઈને પાછી ફરી. એમની પાસે ધનવાન-નિર્ધન, ભણેલ-અભણ, પાપી-પુણ્યાત્માનો કોઈ ભેદ ન હતો. એમનામાં કોઈ જાતિભેદ ન હતો. વ્યક્તિ ભલે ને ગમે તે જાતિની હોય, વિધર્મી કે બધાને માટે અછૂત ભલેને હોય, એમણે પોતાના બંને હાથ પસારીને આગંતુકને પોતાની પાસે ખેંચ્યાં હતાં. એનાં આંસું લૂછ્યાં હતાં અને એના મુખ ઉપર ફરીથી હાસ્ય લાવી દીધું હતું. એની ગ્લાનિ અને મલિનતા પણ દૂર કરી દીધી હતી. તેઓ મા હતાં ને! બધાંનાં મા હતાં! તેઓ સાવ પોતાનાં, અત્યંત નિકટનાં અંત:કરણનાં અંત:સ્થલનાં મા હતાં! તેઓ કહેતાં: ‘અરે! હું શું તમારા લોકો માટે ફક્ત નામની જ મા છું? હું તો (તમારી) સાચી મા છું.’

એટલે જ એમનું આટલું બધું આકર્ષણ છે. શ્રીરામકૃષ્ણ ચાલ્યા ગયા, પરંતુ તેઓ કહેતા ગયા: ‘તમે રહેશો, હજુ તમારે ઘણાં કામ કરવાનાં છે. ચારે દિશાઓમાંથી લોકો તમારી પાસે દોડતા આવશે. તમારે એમનાં આંસું લૂછવાનાં છે. એમના ભૂખ્યા પેટમાં બે દાણા અન્ન દેવાનું છે. આધ્યાત્મિક ભાવધારાથી એમનાં અંત:કરણને ભરી દેવાનાં છે. તમને જ કેન્દ્રમાં રાખીને એક વિરાટ સંઘની સ્થાપના થશે અને તમે સંઘજનની બનશો.’

શ્રીમાએ શ્રીરામકૃષ્ણના આદેશને શિરોધાર્ય ગણ્યો. એક દિવસ માટે પણ એના પાલનમાં ક્યાંય ઊણપ ન આવી. ભલે તેઓ કઠિન રોગશય્યા પર પડ્યાં હોય કે અત્યંત દારિદ્ર્યભરી પરિસ્થિતિ ભોગવતાં હોય પણ એમણે જીવનની અંતિમ પળો સુધી સદાય હસતા મુખે શ્રીરામકૃષ્ણના આદેશનું નિષ્ઠાપૂર્વકનું પાલન કર્યું. શ્રીમા અભયપ્રદા છે. એમણે પોતાનાં સંતાનોને ‘અભી:’ મંત્રથી દીક્ષિત કર્યાં. જેમની આવી મા છે એને ભલા ભય કઈ વાતનો હોય!

ક્યારેક અમે શ્રીમાને એક નિપુણ ગૃહિણીના રૂપે જોયાં, તો ક્યારેક વળી એમનું ચામુંડા રૂપ પણ જોયું, ક્યારેક એમને સંઘજનનીના રૂપે પણ જાણ્યાં, તો ક્યારેક વળી જોયું એમનું મમતામય, કલ્યાણમય, શાંત, સ્નિગ્ધ જનની રૂપ. ક્યારેક તેઓ અભયપ્રદા, કરુણામયી, જગન્માતાના રૂપે પ્રગટ થયાં; તો ક્યારેક જેવું બીજા લોકોનું હોય છે બરાબર એવું જ એમનું માનવીય રૂપ પણ જોવા મળ્યું. કેટકેટલાં રૂપ છે શ્રીમાનાં! ક્યારેક તેઓ આપણી અત્યંત નિકટ છે તો વળી ક્યારેક સમજની બહાર પણ! વળી અમારાં શ્રીમા કેવાં તો હાસ્યરસિક હતાં એના અનેક દૃષ્ટાંત છે. આ પણ જાણે માનું એક રૂપ છે.

શ્રીમા પહેલીવાર કોલકાતા આવ્યાં છે, ગામડાનાં રહેનારાં છે એટલે એમને માટે અહીં બધું કંઈક નવું નવું છે. એમણે હાથ મોં ધોવા માટે સ્નાનાગારમાં પ્રવેશ કર્યો. નળ ખોલતાં જ સાપના ફૂંફાડા જેવો અવાજ સાંભળીને તેઓ ડરી ગયાં અને દોડતાં બહાર આવી ગયાં. બધાને પોકારીને કહેવા લાગ્યાં: ‘અરે, તમે લોકો જલદી આવો, જુઓ આ નળમાં સાપ ઘૂસી ગયો છે.’ શ્રીમાની વાત સાંભળીને બધાં હસવા લાગ્યાં. એ બધાંએ એમને સમજાવતાં કહ્યું કે આ તો નળનો અવાજ છે. હવા નીકળવાથી આવો અવાજ આવે છે. પેલીવાર નળ ખોલીએ એટલે જ અવાજ આવે છે. આ સાંભળીને શ્રીમા પણ હસી પડ્યાં. આ ઘટનાને એમણે કેટલીયેવાર કેટકેટલા લોકો સમક્ષ કહી છે એની ગણતરી નથી.

શ્રીમા રોટલી વણવા બેઠાં છે. રામમય (બ્રહ્મલીન સ્વામી ગૌરીશ્વરાનંદજી) એમને મદદ કરે છે. તે હજુ નાના છે, ભણે છે અને શ્રીમાને કામમાં મદદ કરે છે. શ્રીમાના સ્નેહપાત્ર છે. શ્રીમાની ભત્રીજી નલિનીદીદી રોટલી શેકે છે. અચાનક એ બોલી ઊઠી: ‘ફૈબા, તમારી રોટલી કરતાં તો રામમયની વણેલી રોટલી વધારે સારી રીતે ફૂલે છે.’ બસ થયું, શ્રીમાએ એક નાની બાળકીની જેમ ગોયણું અને વેલણ સરકાવીને રાખી દીધું એકબાજુ અને કહ્યું: ‘શું કહે છે! રોટલી વણતાં વણતાં હું ઘરડી થઈ ગઈ અને આજે આ દૂધ પીતાં છોકરાથી મારે હાર માનવી પડે એમ! ઠીક લે હવે હું રોટલી નહિ વણું.’ રામમયે પણ કહ્યું: ‘મા, જો તમે રોટલી નહિ વણો તો હુંયે નહિ વણું.’

થોડીવાર પછી અચાનક રામમયે નલિની દીદીને કહ્યું: ‘સારું, તને કેમ ખબર પડી કે કઈ રોટલી શ્રીમાએ વણી છે અને કઈ રોટલી મેં વણી છે? બધી રોટલીઓ એક જ જગ્યાએ રખાય છે.’ રામમયની વાત સાંભળીને મા ખડખડાટ હસી પડ્યાં અને બોલ્યાં: ‘વાત બરાબર છે. એણે કેવી રીતે કહી દીધું કે જે રોટલી ફૂલે છે એ રામમયે જ વણેલી છે? ચાલો, હવે ઘણું મોડું થઈ ગયું છે, કામ શરૂ કરો.’ વળી પાછાં એ બંને રોટલી વણવાં લાગ્યાં. નલિની દીદીના જીવમાં જાણે કે જીવ આવી ગયો.

પ્રત્યેક દિવસે ભક્ત લોકો શ્રીમાનો પ્રસાદ મેળવવા માટે ઊભા રહે છે. એક દિવસ શ્રીમાને તાવ આવી ગયો. ચિકિત્સકે શ્રીમાને ભાત ખાવાની મના કરી. શ્રીમાને સાબુદાણા આપવામાં આવ્યા. ભક્તો તરફ જોતાં તેઓ બોલ્યાં: ‘કેમ ભાઈ, આજ તમારો ચહેરો કેમ નિમાણો દેખાય છે? હું જોઉં છું કે આજે તમને પ્રસાદ પ્રત્યે કોઈ રુચિ થતી નથી!’ શ્રીમાની રસિકતાથી બધા હસી પડ્યા.

શ્રીમા ખાટ પર પગ લટકાવીને બેઠાં છે. પ્રકાશ મહારાજ હાથમાં ઘણાં કમળફૂલ લાવ્યા. એમની ઇચ્છા છે કે તેઓ શ્રીમાની ચરણવંદના કરે. શ્રીમાએ કોઈ વિરોધ ન કર્યો. ચરણવંદના પછી પ્રકાશ મહારાજે કહ્યું: ‘મા, હવે મને વધુ ન ફેરવો.’ શ્રીમાએ હસીને કહ્યું: ‘મને છોડીને તું એટલા દિવસ સુધી ફરતો રહ્યો તો શું હું તને બે દિવસ માટે પણ ન ફેરવી શકું?’ સાંભળીને બધાં હસી પડ્યાં.

શ્રીમા જયરામવાટીમાં છે. મોટા ઉત્સવના દિવસની રજા છે. રાંચીથી કેટલાક ભક્તો શ્રીમા માટે વિવિધ પ્રકારનાં ફળ લઈને આવ્યા છે. શ્રીમાનાં દૂરનાં સગાં બહેન પણ ત્યાં બેઠાં છે. તેઓ વિધવા છે. બધા એમને ભામિની માસી કહીને બોલાવે છે. તેઓ રોજ શ્રીમાની પાસે આવે છે. એમનાં માતાજી અસ્વસ્થ છે. શ્રીમા રોજ એમને પોતાનાં માતાજીની સેવા માટે થોડાં ફળ આપે છે. આજે પણ શ્રીમાએ થોડાં ફળ લઈને ભામિનીના હાથમાં રાખી દીધાં. ફળનું કદ જોઈને ભામિનીના મનને સંતોષ ન થયો. સામે જ ફળની ટોપલી પડી છે. એક દીર્ઘનિ:શ્વાસ સાથે તેઓ ભક્તોને ઉદ્દેશીને બોલ્યાં: ‘તમને લોકોને ખબર નહિ હોય પણ પરમહંસદેવ સાથે પહેલાં મારા જ વિવાહ નક્કી થયા હતા પણ એ સમયે બધા એને પાગલ ગણતા હતા એટલે મારા પિતાએ એમની સાથે મારા વિવાહ કર્યા નહિ. જો વિવાહ થઈ ગયા હોત તો આજે આ બધાં ફળ મારા જ ઘરે આવત. આ વિશે તમે લોકો શું કહો છો?’

આ વાત સાંભળીને ભક્તો હસી પડ્યા. શ્રીમાએ એને અનુમોદન આપતાં ભામિનીને કહ્યું: ‘બરાબર છે, આજે એ બધાં તમારાં જ હોત. શ્રીઠાકુરના પાગલપનની વાત ફેલાવાથી મારા ભાગ્ય ખીલી ઊઠ્યા, નહિ તો મારે પણ આજે આવી જ વાત કરવી પડત ને!’ શ્રીમાએ હસતાં હસતાં ઘણાં વધારે ફળ ભામિનીના હાથમાં મૂક્યાં. ભામિનીનું મન પણ પ્રફુલ્લિત થઈ ગયું.

શ્રીમાની પાસે ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીન આવ્યાં છે. હવે ભગિની નિવેદિતા થોડુંઘણું બંગાળી લખી શકે છે. તેઓ તૂટીફૂટી બંગાળી ભાષામાં બોલ્યાં: ‘મા, તમે અમારા લોકોની ‘કાલી’ છો.’ આ સાંભળીને શ્રીમાએ હસીને કહ્યું: ‘ના, બાપા. હું કાલી-બાલી નથી બની શકતી. તો તો મારે જીભ બહાર કાઢીને રહેવું પડે!’ આ સાંભળીને ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીન બંનેએ એક સાથે હસતાં હસતાં કહ્યું: ‘તમને અમે બંને શ્રીમાના રૂપે જ જોઈશું.’ આવાં હતાં હાસ્યરસિક શ્રીમા. તેઓ અમારી અત્યંત નિકટ હતાં અને અમારાં જ મા હતાં.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.