એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય, પરંતુ નવદ્વીપમાં શ્રીજગન્નાથ મિશ્રના ઘરે જે નવચંદ્ર અવતર્યો હતો એ ચંદ્રના દિવ્યચરિત્રનું તેજ પાંચસો વર્ષ પછી પણ એટલું જ ઉજ્જ્વળ રહેલું છે.

ચૈતન્યમહાપ્રભુનું હુલામણું નામ નિમાઈ અને સાચું નામ વિશ્વંભર હતું. બાળનિમાઈના નામકરણ સમયે એણે બધી વસ્તુઓ છોડીને શ્રીમદ્‌ ભાગવત તરફ પોતાના હાથ લંબાવ્યા. જ્યારે કોઈપણ રીતે એમનું બાળરૂદન અટકતું નહીં ત્યારે બધા ભેગા મળીને હરિનામ કીર્તન કરતાં અને તરત જ તેનું બાળક્રંદન અટકી જતું! પોતાના મોટાભાઈ વિશ્વરૂપથી તેઓ આઠ વર્ષ નાના હતા. માતા-પિતા પરમ ભક્ત હતાં. મોટાભાઈ નાનપણથી જ ઈશ્વરનામ ચિંતન અને શાસ્ત્રપાઠમાં રત રહેતા. નાનો નિમાઈ માતા-પિતા અને મોટાભાઈને મન રત્નસમો હતો. આડોશપાડોશના લોકો આ સુવર્ણવર્ણા શચિપુત્રને ન જુએ ત્યાં સુધી ચેન ન પડતું. શૈશવકાળથી જ બધાંના સ્નેહાદર પામીને કિશોર અવસ્થામાં પહોંચતાં જ નિમાઈની ધીંગામસ્તીથી આસપાસના લોકો ગળે આવી ગયા હતા. ગંગાઘાટે બંધુસખા સાથેનાં ટીખળતોફાનોથી આસપાસના લોકો વારે વારે આવીને દાદ ફરિયાદ કરતા. વાચન લેખનમાં ઘણા કુશળ હતા, થોડા સમયમાં જ નિમાઈનો અભ્યાસ પૂરો થઈ જતો; બાકીનો સમય બંધુસખાઓ સાથે રમવાભમવામાં વિતાવી દેતા. મોટાભાઈ વિશ્વરૂપ સિવાય ઘરમાં કોઈનાથી ડરે નહિ. સમયે સમયે અદ્વૈત આચાર્યના ઘરે નિમાઈના માતા મોટાભાઈને બોલાવવા તેને મોકલતા. મોટાભાઈ વિશ્વરૂપ અદ્વૈત આચાર્યના ઘરે મધ્યાહ્‌ન સુધી હરિનામ સંકીર્તન અને શાસ્ત્ર પઠનપાઠન કરતા. અદ્વૈત આચાર્ય નવદ્વીપમાં જ્ઞાનીગુણી ભક્ત હતા. તત્કાલીન સમાજમાં અન્યાય, અસત આચરણ એટલાં બધાં વધી ગયાં હતાં કે અદ્વૈત આચાર્ય અને બીજા સદ્‌ભક્તો પ્રભુને નિરંતર આવી પ્રાર્થના કરતા : ‘હે પ્રભુ! તમે પોતે આ ભૂમિ પર અવતરો. બધા અન્યાય, અનાચારો દૂર કરીને માનવમાં પવિત્ર કલ્યાણનો આદર્શ પૂરો.’ નિમાઈના મોટાભાઈ વિશ્વરૂપ આવાં ચિંતન-મનનમાં અહોરાત ભાવવિભોર અવસ્થામાં રહેતા. નિમાઈના આ મોટાભાઈ એક દિવસ સંન્યાસી બનીને ચાલ્યા ગયા. સંન્યાસી બન્યા પછી તેઓ શંકરારણ્ય સ્વામી બન્યા. નાનો નિમાઈ હવે મા-બાપનું એકમાત્ર અવલંબન બની રહ્યો. મા-બાપને સાંત્વના આપતો અને એમના સ્નેહપ્રેમનું એકમાત્ર પાત્ર બની જતો.

પિતા જગન્નાથ મિશ્ર વિચારતા કે વધુ પડતું વાચન અને શાસ્ત્રાભ્યાસથી મોટો દીકરો સંન્યાસી બની ગયો; એટલે આ નાના નિમાઈને વધુ ભણાવવા ગણાવવાની જરૂર નથી. ભણવાગણવાનું બંધ થતાં નિમાઈનાં ધીંગામસ્તી એટલાં બધાં વધી ગયાં કે ફરીથી સૌના કહેવાથી એને ગ્રામ્ય પાઠશાળામાં ભણવા મૂકી દીધો. બાળપણમાં નિમાઈ ગંગાદાસ પંડિતની પાઠશાળામાં ભણતા. મુરારી ગુપ્ત, કમલાકાંત, કૃષ્ણાનંદ વગેરે એમના સહપાઠી હતા. ભણવાગણવામાં તેઓ સૌથી હોશિયાર હતા. સહપાઠીઓ તેમની સાથે તર્કવિતર્ક કે ચર્ચામાં તેમને હરાવી ન શકતા. પોતાની વિદ્યાર્થી અવસ્થામાં જ પિતાનું અવસાન થયું. એ વખતે નાના નિમાઈએ માને સાંત્વના આપતાં કહ્યું : ‘મા, તું શેનીય ચિંતા ન કરતી. હું છું ને, તને બધું જ મળી રહેશે.’ માતા શચિદેવી આ પુત્રને આધારે જીવતાં રહ્યાં. 

ક્રમશ: વિદ્યા, બુદ્ધિપ્રતિભા, રૂપ, સૌંદર્ય, ગુણમાં સાર્વત્રિક રીતે નિમાઈ પંડિત નવદ્વીપમાં વિલક્ષણ વ્યક્તિ બની રહ્યા. તેમનાં પ્રખરબુદ્ધિપ્રતિભા, રંગરસિકતા, અસાધારણ સ્મૃતિશક્તિ અને પાંડિત્ય જોઈને એક સમુદાય એમના પ્રત્યે શ્રદ્ધા-ભક્તિથી જોતા તો વળી બીજો એક વર્ગ એવો હતો કે જે તેમને અહંકારી ગણતા અને એમનો દ્વેષ પણ કરતા. વળી કોઈ કોઈ વૈષ્ણવભક્તો તેમને કહેતા : ‘જીવનમાં વિદ્યા, બુદ્ધિ, રૂપ, ગુણ આ બધાંને ઈશ્વરની સેવામાં લગાડીએ તો જ સાર્થક ગણાય. આવું ન કરનાર અને માત્ર પાંડિત્યમાં રાચનારાનું જીવન તો વ્યર્થ જ છે.’ નિમાઈ આ સાંભળીને વિનયપૂર્વક કહેતા : ‘આપ આશીર્વાદ આપો કે જેથી મને ઈશ્વરભક્તિ પ્રાપ્ત થાય.’ પરંતુ બાહ્ય રીતે જોતાં એમનું ભવિષ્ય આટલું ઉજ્જ્વળ બનશે એવી કલ્પના ન કરી શકાતી. અંતરથી તેઓ ઈશ્વરાનુરાગી હતા.

પુત્ર ઉંમરવાન થતાં માએ તેમના વિવાહ માટે પાત્ર શોધવાનું શરૂ કર્યું. નવદ્વીપના એક બ્રાહ્મણ વલ્લભ આચાર્યની પુત્રી લક્ષ્મીદેવી સાથે તેમના વિવાહ થયા. પુત્ર અને પુત્રવધૂને લીધે માતા શચીદેવીનો જીવનસંસાર આનંદપૂર્ણ બની ગયો. આ બાજુ નવદ્વીપના કોઈ પંડિત નિમાઈથી બુદ્ધિપ્રતિભામાં આગળ ન આવી શકતા. રસ્તામાં કે ઘાટ પર પંડિતોને જોઈને નિમાઈ એકેએકને એવા તો પ્રશ્ન પૂછતા કે તેઓ એનો ઉત્તર આપી ન શકતા અને હાર અનુભવતા કે ત્યાંથી ચાલતી પકડતા.

એ સમયે અદ્વૈત આચાર્યને ઘરે સુખ્યાત સાધક માધવેન્દ્રપુરીના શિષ્ય ઈશ્વરપુરી ત્યાં પરિવ્રાજક અવસ્થામાં આવ્યા હતા. નવદ્વીપના વૈષ્ણવભક્તો તેમને ઘણું માન-સન્માન આપતા અને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતા. માધવેન્દ્રપુરીએ સાધના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કર્યાં હતાં. એટલે વૈષ્ણવો એમને મહાપુરુષરૂપે વિશેષ શ્રદ્ધાભક્તિ રાખતા. આ જ માધવેન્દ્રપુરીના શિષ્ય ઈશ્વરપુરી નવદ્વીપમાં આવ્યા હતા. વૈષ્ણવોને એનાથી ઘણો આનંદ થયો. નિમાઈ પંડિતને જોઈને ઈશ્વરપુરીને ઘણો આનંદ થયો. એક દિવસ રસ્તામાં અચાનક મળી જતાં તેમણે નિમાઈને કહ્યું : ‘મેં એક કૃષ્ણચરિત્ર ગ્રંથ લખ્યો છે. તમે તો પંડિત છો. એમાં કંઈ ભૂલ હોય તો જોઈ આપો.’ નિમાઈ પંડિતે કહ્યું : ‘એક ભક્તે ભગવાન વિશે લખેલો ગ્રંથ અને એમાં વળી દોષ જોવાનું કોણ સાહસ કરે?’ છતાં પણ ઈશ્વરપુરીના અનુરોધથી એમણે એ ગ્રંથ જોઈ આપ્યો. આ રીતે વૈષ્ણવસાધક ઈશ્વરપુરી સાથે એમને પ્રથમ પરિચય થયો.

નવદ્વીપ અને આજુબાજુમાં નિમાઈ પંડિતના પાંડિત્યની ખ્યાતિ પ્રસરી ગઈ. રોજ દસ-વીસ વિદ્યાર્થીઓ આવતા અને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવાની ઇચ્છા પ્રગટ કરતા. ક્રમશ: નિમાઈ પંડિત નવદ્વીપમાં એક અનન્ય અને સુખ્યાત અધ્યાપક બની ગયા. એ સમય દરમિયાન કાશ્મીરના દિગ્વિજયી પંડિત નવદ્વીપમાં આવ્યા. બીજા બધા પંડિતોને હરાવીને બંગાળમાં તેઓ આવ્યા હતા. આ પંડિત સાથે તર્ક કરીને કોઈએ અત્યાર સુધીમાં વિજય મેળવ્યો ન હતો. નવદ્વીપમાં નિમાઈ પંડિતની ખ્યાતિ સાંભળીને તેમની પાસે તેઓ આવ્યા હતા. ધીર-સ્થિરભાવે નિમાઈએ આ સુખ્યાત પંડિતની બધી વાતોનું ખંડન કરીને તેમને હરાવ્યા. પરંતુ નિમાઈએ આ પંડિત બ્રાહ્મણને સમજાવતાં કહ્યું : ‘માત્ર પાંડિત્યનું અભિમાન ન રાખીને ભગવાનના શરણાગત બનવું એ સૌથી મહાન કર્તવ્ય છે.’ પંડિતે પણ આ વાત બરાબર સમજીને પોતાની ધનસંપત્તિ બીજાઓમાં વહેંચીને ભગવાનનું ચિંતન-મનન કરવા માટે સંસારનો ત્યાગ કર્યો. આ દિગ્વિજયી પંડિતને હરાવ્યાની વાત સાંભળીને સમગ્ર નવદ્વીપમાં લોકો નિમાઈ પંડિતને ધન્ય ગણવા લાગ્યા.

નિમાઈના પિતા જગન્નાથ મિશ્ર પૂર્વ બંગાળના શ્રીહટ જિલ્લામાંથી આવ્યા હતા. ત્યાં એમનાં ઘણાં આત્મીયજનો હતાં. મોટા થયા પછી નિમાઈ પંડિત પિતૃભૂમિ શ્રીહટ-સિલહટનાં દર્શને ગયા. છ માસ સુધી પૂર્વ બંગાળના આ વિસ્તારનાં નાનાંમાં નાનાં સ્થળોમાં ફર્યા. આબાલવૃદ્ધ સૌને મળ્યા અને સૌના પ્રેમપ્રીતિ મેળવ્યાં. પછી તેઓ નવદ્વીપ પાછા ફર્યા. માત્ર એક પંડિત છે એટલે જ નહીં પરંતુ વાસ્તવિક રીતે તેઓ સાચા ઈશ્વર ભક્ત છે એટલે જ ઘણા લોકો એમના પર ગુરુ જેવી શ્રદ્ધાભક્તિ રાખતા. તપન મિશ્ર નામના એક બ્રાહ્મણે નિમાઈ પંડિતના પરિભ્રમણ દરમિયાન એમની પાસેથી ‘સાધ્ય-સાધન-તત્ત્વ’ વિશે જ્ઞાનોપદેશ મેળવ્યો હતો. ‘સાધ્ય-સાધન-તત્ત્વ’ કે ‘ભગવાનને મેળવવાના ઉપાય’ વિશેની એમની આ પ્રથમ વિવેચના હતી. ઘરે પાછા ફરીને નિમાઈએ સાંભળ્યું કે સર્પદંશથી તેમનાં પત્ની લક્ષ્મીદેવીનું મૃત્યુ થયું હતું. જેવી ઈશ્વર ઇચ્છા એમ માનીને આ શોકને તેમણે શાંત-ગંભીર મને સ્વીકાર્યો અને પોતાનાં માતાને સાંત્વન આપ્યું. વળી પાછું એમનું અધ્યયન-અધ્યાપન કાર્ય શરૂ થયું, પોતાના મિત્રો સખાઓ સાથે અનેક વિષયની તત્ત્વાવલોચના શરૂ થઈ. આ બાજુ માતાજીએ એમને ફરીથી સંસારી બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. એક યોગ્ય પાત્ર પણ મળી ગયું – સનાતન રાજપંડિતની પુત્રી વિષ્ણુપ્રિયા. પોતાના બંધુસખા બુદ્ધિમંત ખાન, મુકુંદ, સંજય, અને અન્ય અનુરાગીઓએ આ વિવાહના પ્રસ્તાવના સમાચાર સાંભળીને વિરાટ વિવાહોત્સવનું આયોજન કર્યું. રાજા-રજવાડામાં પણ આવો સમારોહ થાય કે કેમ! નિમાઈ વિષ્ણુપ્રિયાને લીધે માતા શચીદેવીનું ગૃહસ્થ જીવન ફરીથી પરિપૂર્ણ બની ગયું. 

થોડાક દિવસો પછી નિમાઈએ પિતાના શ્રાદ્ધ માટે પિંડદાન કરવા ગયા જવાનું નક્કી કર્યું. એ જમાનામાં પગે ચાલીને તીર્થયાત્રા થતી. ચંદ્રશેખર આચાર્ય અને બીજા કેટલાક શિષ્યો સાથે તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા. ગયાધામમાં ભગવાન વિષ્ણુના પદચિહ્‌નના વિખ્યાત મંદિરનાં દર્શનાર્થે ગયા. ભગવાન વિષ્ણુનાં પાદપદ્‌મનાં દર્શન કરતાં કરતાં તેમની અત્યાર સુધીની ગુપ્ત રહેલી ભક્તિધારા અશ્રુધારારૂપે શતશત પ્રવાહે વહેવા લાગી.

અશ્રુધારા વહે બે પદ્‌મનયનમાં,
રોમહર્ષકંપન થાય ચરણદર્શને;
સર્વજગત માટે પ્રભુગૌરચંદ્ર,
પ્રેમભક્તિ પ્રકાશનો કર્યો પ્રારંભ.
(ચૈતન્યભાગવત)

આ જ સમયે ઈશ્વરપુરી વિષ્ણુપાદપદ્મનાં દર્શને ગયાધામ આવ્યા હતા. નિમાઈએ એમને જોતાંવેંત જ ભક્તિભાવપૂર્વક તેમને પ્રણામ કર્યા અને કહ્યું : ‘આપના જેવા સાચા ભક્તને જોઈને જ મારી તીર્થયાત્રા સફળ થઈ. હવે કૃપા કરીને આપ મને ભગવત્પ્રાપ્તિનો પથ બતાવો.’ થોડા દિવસો પછી એમણે ઈશ્વરપુરી પાસેથી દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તેઓ કૃષ્ણ સિવાય કોઈનું ચિંતન-મનન કરી શકતા નથી. નવદ્વીપથી નીકળ્યા ત્યારે તેઓ ધીર-ગંભીર અધ્યાપક હતા, પરંતુ દીક્ષા મેળવીને, તીર્થયાત્રા કરીને પ્રભુપ્રેમમાં પાગલ બની જતા એક સાધક બની ગયા. ગયાધામમાંથી પાછા ફરતી વખતે કાનાઈ નાટશાલા ગ્રામમાં એમને પ્રથમવાર શ્રીકૃષ્ણનાં દર્શન થયાં. ચૈતન્યભાગવતના મધ્યખંડના બીજા અધ્યાયમાં આવું વર્ણન આવે છે :

તમાલશ્યામલ એક બાલક સુંદર,
નવગુંજાસહિત કુંતલ મનોહર;
વિચિત્ર મયૂરપૂચ્છ શોભતો તે ઉપર,
જલમલ મણિગણ શોભે અનેક અપાર;
હાથમાં છે મોહનબંસી પરમ સુંદર,
ચરણે શોભે છે નૂપુર અતિ મનોહર;
… મારી સમીપે આવે છે હસતો હસતો,
મને આલિંગીને થયો ક્યાંય અદૃશ્ય.

ત્યાર પછી તેમનાં શયન, ઊઠવુંબેસવું, પઠનપાઠન- જીવનનાં બધાં કાર્યો કૃષ્ણમય બની ગયાં. નવદ્વીપના વૈષ્ણવભક્તો નિમાઈની આ અપૂર્વ કૃષ્ણભક્તિ જોઈને પુલકિત થઈ ઊઠતા. અને આ બાજુ માતા શચીદેવી અને વિષ્ણુપ્રિયા મનમાં શંકા સેવવા લાગ્યાં. નિમાઈના ઘરે આવતા વિદ્યાર્થીઓ વ્યાકરણથી માંડીને સર્વ શાસ્ત્રોની વ્યાખ્યાઓમાં ભગવાન શ્રીકૃષ્ણનાં નામગુણગાન સિવાય બીજું કશુંય સાંભળી ન શકતા. આ બાજુ ભક્ત શ્રીવાસના આંગણે દરરોજ રાત્રે નિમાઈને કેન્દ્રમાં રાખીને હરિસંકીર્તનનો મધુર ઉચ્ચનાદ સમગ્ર નવદ્વીપમાં આંદોલન જગાવી દેતો. ધીમે ધીમે નિમાઈને સમજાયું કે વિદ્યાર્થીઓના અધ્યાપનનું કાર્ય હવે એમને માટે સંભવ રહ્યું ન હતું. આંખમાં આંસું સાથે વિદ્યાર્થીઓએ એમની વિદાય લીધી. વિદાય વખતે પોતાના વિદ્યાર્થીઓને હરિનામ ગુણ ગાવાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી તેઓ બધાં બાહ્ય કાર્યો છોડીને અહોનિશ ઈશ્વર ચિંતનમાં ડૂબ્યા રહેતા. નિમાઈને કેન્દ્રમાં રાખીને વૈષ્ણવો, ભક્તજનો, સખાબંધુઓ અને અનુરાગીઓએ વૈષ્ણવમંડળીની રચના કરી હતી. એ બધામાં અદ્વૈત આચાર્ય, નિત્યાનંદ, શ્રીવાસ પંડિત, જબન હરિદાસ, મુરારી ગુપ્ત, મુકુંદ દત્ત, ગદાધર પંડિત, પુંડરિક વિદ્યાનિધિ, શ્રીધર પંડિત વગેરે હતા. આ બધા નવદ્વીપના ઇતિહાસમાં મહાપુરુષરૂપે જાણીતા છે. આ બધામાંથી નિમાઈના સૌથી વધુ આત્મજન હતા નિતાઈ કે નિત્યાનંદ.

નિત્યાનંદનો જન્મ રાઢ દેશના એકચાકા ગ્રામમાં થયો હતો. નાનપણમાં જ અવધૂત સંપ્રદાયના સંન્યાસીઓની સાથે એમણે સંસારત્યાગ કર્યો. ભારતનાં વિવિધ તીર્થસ્થાનોની યાત્રા કરતાં કરતાં માધવેન્દ્રપુરી સાથે તેમનો મેળાપ થયો. બંને વચ્ચે ગંભીર મૈત્રીભાવ થયો. તદુપરાંત નિમાઈના સંન્યાસી મોટાભાઈ વિશ્વરૂપ-શંકરારણ્ય સાથે પણ એમનો મેળાપ થયો હતો. આમ તીર્થયાત્રા કરતાં કરતાં નવદ્વીપમાં આવીને વિશ્વરૂપના ઘરની તરતપાસ કરી. આ અગાઉ નિમાઈ પંડિતની વાતો પણ એમના કાને આવી હતી.

નિમાઈ અને નિતાઈ બંનેના મેળાપની સાથે એ બંને વચ્ચે ગહન મૈત્રીભાવ બંધાયો. આ નિતાઈને પામીને માતા શચીદેવીને લાગ્યું કે જાણે કે પોતાનો વિશ્વરૂપ ફરી આવ્યો છે. હરિપ્રેમમાં મતવાલા બનેલા નિમાઈની સારસંભાળ લેવાનું કાર્ય નિતાઈએ ઉપાડી લીધું. નિતાઈએ પોતાનાં પ્રેમભક્તિ નિમાઈ પર વરસાવી દીધાં. આ નિત્યાનંદ- નિતાઈ દ્વારા જ નિમાઈનો ભાવ અને આદર્શ આખા સમગ્ર નવદ્વીપમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં પ્રસરવા લાગ્યો. પરમ ભક્ત, પ્રવીણ સાધક મુસલમાન હરિદાસ પણ એમની સાથે જોડાઈ ગયા. એને લીધે હિંદુ-મુસ્લિમ વચ્ચે એક પ્રેમ-બિરાદરી રચાઈ ગઈ.

(ક્રમશ:)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.