(ગતાંકથી આગળ)

ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું છે એ ચિરકાલીન પ્રશ્ન છે. બાળક નચિકેતાએ પણ પોતાના પિતાના ઘરનો ત્યાગ કરીને યમના દ્વારે પહોંચીને એમને આ જ પ્રશ્ન કર્યો હતો :

येयं प्रेते विचिकित्सा मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके ।
एतद् विद्यामनुशिष्टिस्त्वयाहं वराणामेष वरस्तृतीयः ॥ 

(કઠોપનિષદ, શ્લોક -૨૦ )

કોઈ કહે છે કે મૃત્યુ પછી માણસ રહે છે અને વળી કોઈ કહે છે કે મૃત્યુ પછી માણસનું અસ્તિત્વ રહેતું નથી; આ એક સંશય છે. આ એક સંશયને કારણે જ રાજકુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો. ભિક્ષાપાત્ર હાથમાં લઈને વૈશાલીનગરના રાજપથ પર સૌમ્યમૂર્તિ સિદ્ધાર્થ ગૌતમ ચાલી નીકળ્યા. તત્ત્વજિજ્ઞાસા સાથે ભાર્ગવ મુનિના આશ્રમમાં તેઓ આવ્યા. મુનિના ઉત્તરથી કુમારની જિજ્ઞાસા ન સંતોષાઈ. ત્યાર પછી તેઓ આલાડ કલોમેરના આશ્રમે આવ્યા. કલોમેર પાસે જ્ઞાનના તત્ત્વની વાત સાંભળી. એનાથીયે મનને સંતોષ ન થયો. એ આશ્રમથી તેઓ શ્રાવસ્તી નગરીના પથે ચાલી નીકળ્યા. શ્રાવસ્તી નગરીમાં એક તપસ્વી રહેતા હતા. એમનું નામ રુદ્રકરામ હતું. શાસ્ત્ર અને દર્શનશાસ્ત્રમાં તેમના જેવા જ્ઞાનીઓ વિરલ હતા. એમના શરણાગત બનીને ગૌતમે કર્મ, જન્માંતર, આત્મસ્વરૂપ, ઈશ્વરતત્ત્વ, વગેરે વિશેની સમજણ મેળવવાનું શરૂ કર્યું. ઘણા સમય પછી પણ આનાથી એમનાં મનહૃદયની તરસ છીપી નહિ. સિદ્ધાર્થ શ્રાવસ્તી છોડીને રાજગૃહના પથે ચાલી નીકળ્યા. ભગવાંધારી, ભસ્માલેપ કરનાર, દંડકમંડલધારી કુમાર સંન્યાસીની દીપ્તમૂર્તિ જોઈને લોકો વિસ્મિત બની જતા. રાજગૃહના રાજાએ આ અપૂર્વ યતિ વિશે સાંભળ્યું. રાજા બિંબિસારે સિદ્ધાર્થનાં દર્શન કર્યાં અને તેઓ મુગ્ધ બની ગયા. રાજાએ તેમને રાજૈશ્વર્યનો લોભ દેખાડીને સંન્યાસવ્રતમાંથી ચલિત કરવાનો પ્રયાસ કર્યો. સિદ્ધાર્થના અંતરનો તીવ્ર વૈરાગ્ય જોઈને રાજા વિરત બની ગયા. પરંતુ એમણે વિનંતી કરી કે સિદ્ધિલાભ મેળવીને કુમાર સંન્યાસી આ રાજ્યમાં આવે એટલે તેઓ એમને ભાવભક્તિથી સ્વીકારશે, એમના શરણાગત બનશે અને એમનો ધર્મ પણ સ્વીકારશે.

હવે તપસ્વીનું જીવન આરંભાયું. રાજકુમાર યતિને ગુરુ તરીકે સ્વીકારનારા રુદ્રકના પાંચ શિષ્યો પણ એમની સાથે હતા. કુમાર સિદ્ધાર્થ હાલના બોધગયાની નજીકના ઉરુબિલ્વ નામના ગામમાં આવી પહોંચ્યા. પાસે નૈરંજના નદી છે. આ નદીના તીરે સિદ્ધાર્થની સુદીર્ઘકાળની તપસ્પાનો શુભારંભ થયો. ક્યારેક એક મૂઠી તાંદુલ જ મળતા તો ક્યારેક વળી ઉપવાસો પણ કરી લેતા. આવી કઠિન તપશ્ચર્યાથી કુમારનું શરીર ભાંગી પડ્યું. આવી છ વર્ષની કઠોર તપશ્ચર્યા પછી પણ બોધિજ્ઞાન મળ્યું નહિ. પરંતુ શરીર તપશ્ચર્યાના શ્રમથી ખખડી ગયું. યોગાસન પરથી ઊઠીને નૈરંજના નદીમાં સ્નાન કરીને કિનારે બેઠા હતા ત્યારે શ્રેષ્ઠી કન્યા સુજાતા આ યોગીને વનદેવતાના ભક્તિભાવે રાંધેલું અનાજ અર્પણ કર્યું. ગૌતમે આ અન્નદાનને ગ્રહણ કર્યું, ખાઈને પોતાના શરીરમાં પુન: શક્તિ પ્રાપ્ત કરી. હવે ભગવાન બુદ્ધે મધ્યમ પથનું અનુસરણ કરવાનું નક્કી કર્યું. છતાં તેમની તપસ્યા તો ચાલુ જ રહી. આ પથનું અનુસરણ કરતાં કરતાં ધીરે ધીરે તેઓ આધ્યાત્મિકતાના ઉચ્ચ સોપાનો સર કરવા લાગ્યા.

પોતાની સાધનાના અંતે અને બોધિજ્ઞાનની સિદ્ધિ માટે ફરીથી એમણે એક દૃઢ પ્રતિજ્ઞા કરી : ‘ઈહાસને સુષ્યતુ મે શરીરં ત્વક્‌ અસ્થિ માંસં પ્રલયં ચ જાતુ। અપ્રાપ્ય બોધિમ્‌ બહુકલ્પ દુર્લભામ્‌ નૈવાસનાત્‌ કાયમતશ્ચલિષ્યતે॥’ – ‘આ યોગાસનમાં મારો દેહ સુકાઈ જાય. હાડ-માંસ-ચામડું ભલે લુપ્ત થઈ જાય, છતાં પણ બહુજન્મદુર્લભ એવું બોધિજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ આસન પરથી હું ઊભો નહિ થાઉં.’

મહાયોગી ધ્યાનમાં બેસી ગયા. તપસ્વીનું ધ્યાન ભંગ કરવા માટે માણસના સંકલ્પમાં વિઘ્ન નાખનાર ‘માર’ આવે છે. વૈરાગ્યની અગ્નિશિખામાં ભસ્મિભૂત થઈ ગયો અને ‘માર’નાં બળપરાક્રમનો પરાજય થયો. ‘માર’ પર વિજય મેળવીને સિદ્ધાર્થ સ્થિર આસને બેસી ગયા. ધીમે ધીમે અંતરના બધા સંશયો અને અંધકાર દૂર થવા લાગ્યા. જ્ઞાનપ્રજ્ઞાના જ્યોતિથી હૃદય ભરપૂર ભરાઈ ગયું.

‘માર’ થયો પરાજિત ને ચિત્ત થયું સ્થિર અવિચળ,
ચિત્ત જાણે સ્નિગ્ધ નિર્મળ ઉજ્જ્વળ દર્પણસમું.
ચિત્તમાં બને છે જ્ઞાનપ્રદીપ્ત શિખા સમું,
નિર્મળ દર્પણે પડે જેમ રવિકિરણો.

(નવીનચંદ્ર સેન)

ગૌતમે બોધિજ્ઞાન પ્રાપ્ત કર્યું, સિદ્ધાર્થે સિદ્ધિની પ્રાપ્તિ કરી. એમની સમક્ષ જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુનાં રહસ્યદ્વાર ઊઘડી ગયાં. દુ:ખનું કારણ શું છે અને એમાંથી છૂટવા માટેનો ઉપાય શો છે એનું જ્ઞાન સિદ્ધાર્થને પ્રાપ્ત થયું. એ વૈશાખી પૂર્ણિમાની રાત્રીએ સિદ્ધાર્થ બુદ્ધ બન્યા. મનુષ્યના દુ:ખથી દ્રવી જઈને ગૌતમે સંસારના ભોગવિલાસનો ત્યાગ કર્યો હતો. આજે માણસનાં દુ:ખના નિવારણનો પથ એમને મળી ગયો હતો. ઉપનિષદમાં ઋષિઓએ ગાયું છે : ‘તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્ય: પન્થા વિદ્યતે અયનાય’ સિદ્ધાર્થે પણ આ જ પથનું અનુસંધાન સાધ્યું. પરંતુ આ વાત સમજે કોણ? ગુરુ તરીકે સિદ્ધાર્થને પસંદ કરેલ પેલા પાંચેય શિષ્યો એ વખતે ત્યાં હતા નહિ. એમને જાણવા મળ્યું કે એ પાંચેય વારાણસી પાસેના મૃગવનમાં રહે છે. શાક્ય મુનિ ગૌતમ બુદ્ધ વારાણસી તરફ ચાલી નીકળ્યા. કોન્ડન્ય, વાપા, ભદ્રીય, મહાનામ અને અશ્વજિત આ પાંચેય શિષ્યોએ દૂરથી બુદ્ધદેવને જોયા. કેવું જ્યોતિર્મય શરીર! સમગ્ર દેહમાંથી દિવ્ય પ્રકાશ પથરાઈ રહ્યો હતો. આ આભા એમના દુર્લભ જ્ઞાનની હતી. ગુરુને પુન: સ્વીકારીને એમની પાસેથી એમને થયેલી અપૂર્વ અનુભૂતિઓની વાત સાંભળી. શિષ્યોએ એમની પાસેથી જીવજગતની વાતો તથા ચાર-આર્યસત્યની વાતો પણ સાંભળી. સાથે ને સાથે મધ્યમ પથ, અષ્ટાંગ માર્ગ તથા નિર્વાણ વગેરે વિશે પણ સાંભળ્યું. શિષ્યોએ નૂતન ધર્મનો સ્વીકાર કર્યો અને ઘોષણા કરી: ‘ધર્મં શરણં ગચ્છામિ’. આ સાથે એમણે બુદ્ધદેવના નવીન ભાવનો સ્વીકાર કર્યો. એની સાથે ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ એવી ઉદ્‌ઘોષણા કરી. નવા સંઘની રચના થઈ અને શિષ્યોએ ‘સંઘં શરણં ગચ્છામિ’ એવી ઘોષણા કરી. આ રીતે જગતના ઇતિહાસમાં સંન્યાસ સંઘની પ્રથમવાર સ્થાપના થઈ.

હવે પ્રચારકાર્ય શરૂ થયું. સારનાથમાં ધર્મચક્રનું પ્રવર્તન થયું અને અનેક લોકોએ આ ઉદાર ધર્મની વાત સાંભળીને એ ધર્મનો અંગીકાર કર્યો. બુદ્ધદેવ ત્યાં ત્રણ માસ રહ્યા અને એમના શિષ્યોને ‘બહુજન સુખાય બહુજન હિતાય’નો નિર્દેશ આપ્યો. આ કલ્યાણકારી ધર્મની વાણી છે. ભગવાને કહ્યું : ‘હે ભિખ્ખુઓ, તમે દેશદેશાંતરમાં ભમો, લોકોને ધર્મનું શિક્ષણ આપો, શીલની કેળવણી આપો. સારનાથ છોડીને તેઓ ઉરુબિલ્વમાં આવ્યા. અહીં કાશ્યપ નામના સર્વશાસ્ત્રના નિષ્ણાત પંડિત રહેતા હતા. બુદ્ધદેવની સાથે તર્કમાં પરાજય મેળવીને તેઓ પોતાના બધા શિષ્યો સાથે બૌદ્ધધર્મના અનુયાયી બન્યા. ત્યાંથી બુદ્ધદેવ રાજગૃહ જવા નીકળી પડ્યા. રાજા બિંબિસારે રાજકુમારને વિનંતી કરી હતી કે સિદ્ધિલાભ પછી પોતે આતિથ્ય સ્વીકારશે. રાજગૃહમાં આવીને જોયું તો પુત્રપ્રાપ્તિ માટે રાજા બિંબિસારે દેવતાઓને પ્રસન્ન કરવા માટે એક વિરાટ યજ્ઞ આરંભ્યો હતો. આ યજ્ઞમાં ઘણાં પશુઓ હોમવાનાં હતાં. આ વાત સાંભળીને કરુણાઘન તથાગત બુદ્ધ વ્યથિત થઈ ગયા. તેઓ પોતે યજ્ઞભૂમિ તરફ ચાલવા લાગ્યા. અહીં આવીને એમણે બકરાના બચ્ચાને બદલે પોતાની આહુતિ આપવાની કહી. આ તરુણ સંન્યાસીની દિવ્ય પ્રતિભા જોઈને બિંબિસાર ચકિત થઈ ગયા. આ અપૂર્વ ધર્મતત્ત્વની વ્યાખ્યા સાંભળીને રાજા મુગ્ધ બની ગયા. સમગ્ર રાજપરિવારે બૌદ્ધધર્મનો અંગીકાર કર્યો. રાજાએ બુદ્ધદેવને વેણુવનનું દાન કર્યું. આ વનમાં ભિખ્ખુઓને રહેવાનો મઠ સ્થપાયો. એ હતું ઉપવન, પ્રમોદકાનન પણ હવે બન્યું તપોવન અને પરમ આનંદ નિકેતન.

(ક્રમશ:)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.