‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

માનવજીવનનાં ઉચ્ચતર મૂલ્યો

સૂર્યના પ્રખર તાપમાં એક ગુરુ અને શિષ્ય લાંબો પંથ કાપી રહ્યા હતા. અંતે ખૂબ થાકી ગયા હોવાથી બંને જણા રસ્તા પરના એક વૃક્ષની છાયામાં વિસામો ખાવા બેઠા. બંનેને ભૂખ લાગી હતી. ગુરુજીએ પોતાની પોટલીમાંથી તનતોડ મહેનત કર્યા પછી માત્ર બે રૂપિયા શોધી કાઢ્યા અને શિષ્યને આપી કહ્યું : ‘ભાઈ, કામચલાઉ રીતે આપણું પેટ ભરી શકાય એવું કંઈક તું આમાંથી લઈ આવ.’

શિષ્ય લાંબા સમય પછી પાછો ફર્યો ત્યારે તેના એક હાથમાં પાંચ કિલોગ્રામ મમરાનું પડીકું હતું અને બીજા હાથમાં પાંચ કિલોગ્રામ મીઠાઈનું પડીકું હતું. એના આનંદની કોઈ સીમા ન રહી કેમકે જ્યાં રસગુલ્લા અને મમરાનો ભાવ એક જ સરખો હોય એ જગાને સ્વર્ગ જ કહેવી પડેને? પરંતુ ગુરુજીને આમ સહેલાઈથી સમજાવી શકાય તેમ ન હતું. તેમને આ બાબતમાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા ગઈ. તેમણે તરત જ પોતાનું પોટલું ઉપાડી લીધું અને શિષ્યને કહ્યું કે, ભાઈ, જો તને તારી જિંદગી વહાલી હોય તો તું મારી સાથે ચાલી નીકળ. શિષ્ય જન્મથી જ ભુખાળવો હતો. આવા શબ્દો સાંભળીને તેને નવાઈ લાગી. આથી તે ગુરુજીની સાથે ચાલી નીકળવામાં ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો. તેણે ગુરુજીને આવું વલણ અપનાવવા માટે પૂછ્યું : ‘ગુરુજી, આપ મને આવી સૂચના કેમ આપો છો?’ ગુરુજીએ ખુલાસો કરતાં કહ્યું : ‘ભાઈ, જ્યાં સસ્તી અને મોંઘી વસ્તુ વચ્ચે કોઈ ભાવમાં ફેર ન જોવામાં આવતો હોય ત્યાં પાક્કા ઠગો જ રહેતા હોવા જોઈએ. થોડા સમય પછી ગુરુજીના શબ્દો સાવ સાચા પડ્યા અને શિષ્યને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી.

આ વાર્તાનો બોધ એ છે કે માનવજીવનમાં મૂલ્યો વિષે સાચો અંદાજ હોવો જોઈએ. આ મૂલ્ય એ શું છે? માણસ માત્ર રોટલો ખાઈને જ જીવતો નથી. તેની પાસે જીવનનાં ઉચ્ચોચ્ચ મૂલ્યો હોય છે. એક જરૂરિયાત પૂરી થાય છે ત્યાં એ બીજીને પૂરી કરવા માટે મથામણ કરવા માંડે છે. પરંતુ કોઈપણ ઇચ્છાને પૂરી કરવા માટે, માણસે તેની કિંમત ચૂકવવી પડે છે. જેટલું લક્ષ્ય ઊંચું અને કઠિન હોય તેના પ્રમાણમાં તેની કિંમત વધારે નક્કી થયેલી હોય છે; અને માણસે તેને માટે વધારે ને વધારે મથામણ કરવી પડે છે. આ કિંમતને મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મિક સંદર્ભમાં કહીએ તો આવાં મૂલ્યો અસંખ્ય હોઈ શકે. માનવજીવનના લક્ષ્ય તરફ દોરી જતાં તે પગથિયાં જેવાં છે. માનવજીવનનાં ઉચ્ચતર મૂલ્યોમાંનાં કેટલાંક છે અહિંસા (મન, વચન અને કર્મથી કોઈને કશું નુકસાન ન કરવું તે), સત્ય (સચ્ચાઈ), અસ્તેય (ચોરી ન કરવી તે) વગેરે વગેરે. આ યાદીને તો હજી પણ લંબાવી શકાય. જો કોઈએ જીવનનાં ઉચ્ચતર લક્ષ્યો પ્રાપ્ત કરવાં હોય તો તેણે હંમેશા ઉચ્ચતર મૂલ્યોની સાધના કરવી પડશે. ઉચ્ચોચ્ચ લક્ષ્યોની ઊર્ધ્વગામી સાધનામાં ઉચ્ચતર મૂલ્યો માણસને માર્ગદર્શક બની રહે છે.

વિચારની સમાનતા અને ઉદાહરણ

માનવ સભ્યતાના ઉષ:કાળથી માંડીને ‘સત્ય’ શબ્દનો અર્થ ‘ઈશ્વર’ એવો કરવામાં આવ્યો છે. સત્યની વિવિધ અર્થછાયાઓનું ગુણગાન કરતાં ઉપનિષદો થાકતાં નથી. બે સંદર્ભોમાં સત્ય શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે; (૧) સાધન તરીકે જેમકે

सत्येन लभ्यस्तपसा ह्येष आत्मा।
सत्यमेव जयते नानृतम्ः;

અને વળી આવી પંક્તિઓમાં

सत्यं ज्ञानमनन्तं ब्रह्म।

ऋतं सत्यं परं ब्रह्म। વગેરેમાં સત્યને ઈશ્વરની સમાન કક્ષામાં મૂકવામાં આવ્યું છે.

વળી શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે આ કલિયુગમાં સત્ય એક જ એવી વસ્તુ છે, જેને માટે માણસે અભીપ્સા સેવવી જોઈએ અને તેને માટે જ તનતોડ જહેમત ઉઠાવવી જોઈએ. તેમણે એમ પણ કહેલું છે કે જે માણસ હંમેશા સત્ય બોલે છે, તે ભગવાનના ખોળામાં જ બેઠો છે. અહીં માણસને માટે સમસ્યા ઊભી થાય. શું સત્ય એ ગુણ છે કે મનની સ્થિતિ છે? જવાબ એ છે કે તે બંને છે.

આનો અર્થ એ થયો કે માનવજીવનના સત્યરૂપી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે માણસે પોતાના આચારવિચારમાં સત્યવક્તા બનવું જોઈએ. સાચું કહીએ તો એકનો એક સત્ય શબ્દ લક્ષ્ય અને માર્ગ બંને માટે વપરાય છે. એ ભારતીય આધ્યાત્મિક સંદર્ભમાં યુગોપુરાણી પરંપરા રહી છે.

શ્રી શંકરાચાર્યે ભગવદ્‌ગીતા પરના પોતાના પ્રસાદપૂર્ણ ભાષ્યમાં (જુઓ અધ્યાય ૨, શ્લોક ૫૪) એક સ્પષ્ટ વિધાન કર્યું છે કે આધ્યાત્મિક સંદર્ભમાં પૂર્ણતાની કક્ષા પ્રાપ્ત કરવા માટે જે ગુણોનો સાધન તરીકે નિર્દેશ કરવામાં આવ્યો છે, તેઓ લક્ષ્યરૂપ પણ બની રહેતા હોય છે. જો તમે પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે સત્યવક્તા બની રહેવાનો મહાવરો કરતા હો, તો પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી તમે અસત્યવક્તા કે સત્યથી વિરુદ્ધનું વર્તન કરનારા નહીં બનો. તમે સત્યવક્તા બન્યા વિના રહી જ ન શકો.

શ્રીરામકૃષ્ણનાં આવાં ઉપદેશવચનોમાં આ વાત અનન્ય રીતે રજૂ થઈ છે : ‘કુશલ નૃત્યકાર કદી ખોટું પગલું ભરતો નથી.’ વેદના ઋષિઓના મતાનુસાર સત્યનાં બે પરિમાણો છે : એક છે સંપૂર્ણ અને બીજું છે સાપેક્ષ. સર્વત્ર સંવાદિતા અને શાંતિરૂપે સંપૂર્ણ પરિમાણ વ્યક્ત થાય છે, અને તેને સંસ્કૃતમાં ‘ऋतम्’ કહે છે. સાક્ષેપ પરિમાણ પાંચ કક્ષાએ અસ્તિત્વ ધરાવે છે :

(૧) ભૌતિક 

(૨) જીવનવિષયક 

(૩) માનસિક

(૪) બૌદ્ધિક

(૫) આનંદાત્મક. 

હવે આ પાંચેય કક્ષાએ સત્ય પોતાની જાતને વિશિષ્ટ રીતે વ્યક્ત કરે છે. દા.ત. જ્યારે આપણે ભૌતિક (કે શારીરિક) કક્ષાએ જીવતાં હોઈએ છીએ ત્યારે આપણા શરીર સાથે સંબંધ ધરાવતું સત્ય સાચું બની રહે છે. અને શરીરને સુઘડ રાખવું, અને સુંદર બનાવવું, સૌથી યોગ્ય જ ટકી રહે છે વગેરે સત્યના નિયમો અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આાપણે પ્રાણિક કક્ષાએ (જીવનવિષય કક્ષાએ) જીવતાં હોઈએ છીએ ત્યારે પ્રથમનું સત્ય ઓછા મહત્ત્વનું બની જાય છે અને ઉચ્ચતર કક્ષાનું કંઈક ઉચ્ચતર સત્ય પોતાની જાતને વ્યક્ત કરે છે. આપણે આપણી અંદર અને આસપાસ કામ કરી રહેલાં સૂક્ષ્મ પરિબળો વિષે વધારે ચિંતિત બનીએ છીએ. આ રીતે આપણે જેમ જેમ વધારે ઊંચા જતા જઈએ છીએ, તેમ તેમ સત્યની નિમ્ન કક્ષાઓ છૂટતી જાય છે અથવા આપણામાં કાર્ય કરતી અટકી જાય છે. આવાં સાપેક્ષ સત્યોને सत्यम् કહેવામાં આવે છે. જ્યારે આપણે કહીએ છીએ કે सत्यमेव जयते, नानृतम्, ત્યારે આપણે જાણવું જોઈએ કે સાંસારિક અસ્તિત્વ (સંસાર)માં વ્યક્ત થતાં સંપૂર્ણ અને સાપેક્ષ સત્યો – એમ બંને પ્રકારો – વિષે કહેવામાં આવી રહ્યું છે.

કેટલીકવાર આપણને માલૂમ પડે છે કે એક વિશેષ પરિસ્થિતિમાં જે સત્ય સાચું હોય છે, એ જુદા સંજોગોમાં સાચું હોતું નથી. સત્યમાંની આ અસંગતતાએ આપણી સમજણને વિક્ષુબ્ધ ન કરવી જોઈએ. જો આપણે જાણી લઈએ કે બંને કિસ્સાઓમાં સમજણની જે કક્ષાઓ હતી તે જુદી જુદી હતી, તો એટલે પૂરતું થશે. જો આપણે સત્યને શોધી કાઢવું હોય તો આપણે અંતિમ સત્યે ન પહોંચી જઈએ ત્યાં સુધી રસ્તામાં ગમે ત્યાં અટકી ન જવું જોઈએ. બીજી બાજુએ જો આપણે નિમ્ન કક્ષાનાં ભભકાદાર સત્યોથી વિસ્મિત થઈ જઈએ તો આપણી વિકાસયાત્રા ત્યાં જ રુંધાઈ જશે. છાંદોગ્ય ઉપનિષદમાં આવતી નીચેની વાર્તામાં આ હકીકત દાખલારૂપે આલેખાયેલી છે :

એક વખત જગતના સર્જનહાર પ્રજાપતિએ આત્મા વિષે નિર્દેશ કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા : ‘તે નિષ્પાપ, અજરામર, શોક, ક્ષુધા અને તૃષાથી મુક્ત છે. માણસે આ આત્માની ખોજ કરવી જોઈએ અને તેનાં ઊંડાણને જાણી લેવાં જોઈએ. જે માણસ આ આત્માને જાણી લીધો છે તેને સકલ સૃષ્ટિ મળી જાય છે અને તેની બધી કામનાઓ પૂરી થઈ જાય છે.’ આવા પ્રેરણાદાયક શબ્દો સાંભળીને દેવો અને દાનવોના રાજા ઈંદ્ર તથા વિરોચનને આકર્ષણ ઉત્પન્ન થયું, કેમકે બંને જણા સકલ સૃષ્ટિઓ પર પોતાનું પ્રભુત્વ જમાવવા માગતા હતા. આથી તેઓ સર્જનહાર પ્રજાપતિ પાસે નમ્ર્રતાપૂર્વક ગયા અને તેમને પ્રાર્થના કરી કે અમને આત્માનું રહસ્ય સમજાવો. પ્રજાપતિએ તેમની દરખાસ્ત માન્ય રાખી અને પ્રાથમિક શિસ્ત તરીકે બત્રીસ વરસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાની ભલામણ કરી.

તે કઠોર સાધના પછી એક દિવસ પ્રજાપતિએ તેમને એકાએક પૂછવા માંડ્યું : ‘તમે બંને અહીં શા માટે આવ્યા છો? તમારે શું જોઈએ છે?’ બંને શિષ્યોએ જવાબ દીધો : ‘આત્મા વિષેનું સત્ય જાણવા માટે અમે અહીં આવ્યા છીએ.’ પછી પ્રજાપતિએ આટલું જ કહ્યું : ‘જે આંખોમાં દેખાય છે, તે આત્મા છે.’ આ આત્મા અમર અને અભય છે. એ બ્રહ્મ છે. શિષ્યોએ પ્રશ્ન કર્યો: ‘ગુરુદેવ, આપણે નિર્મલ પાણીમાં અથવા દર્પણમાં જેને જોઈએ છીએ એ શું છે?’ પ્રજાપતિએ ઉત્તર આપ્યો: ‘આત્મા આ બધામાં દેખાય છે. પાણીથી ભરેલા પાત્રમાં તમારા પ્રતિબિંબને જુઓ. તમે શું જુઓ છો?’

શિષ્યોએ કહ્યું : ‘અમે અમારું પોતાનું પ્રતિબિંબ જોઈએ છીએ.’

‘હવે જાઓ સારી વેશભૂષા કરી લો. શણગાર સજી લો અને પછી અહીં આવો’ : પ્રજાપતિએ કહ્યું.

આમ કરીને પ્રજાપતિના આદેશ અનુસાર તેમણે પોતાનું પ્રતિબિંબ જોયું અને તેમને માલૂમ પડ્યું કે પ્રતિબિંબ પણ શણગાર સજેલું જ છે. પ્રજાપતિની અપેક્ષા હતી કે શિષ્યોમાં બંને કિસ્સાઓમાં બદલાયેલા પ્રતિબિંબને જોતાં ગંભીર વિચારની જાગૃતિ આવશે.

પરંતુ બેમાંથી એકેયના અંત:કરણમાં આવો પ્રશ્ન ઊભો થાય એવી નિર્મળતા નહતી. આથી તેમણે કહ્યું : ‘તે બ્રહ્મ નામે કહેવાતો અમર આત્મા છે.’ તેઓ સમજી ગયા કે આજના સમયમાં જેને IQ (બુદ્ધિનો આંક) કહેવામાં આવે છે, અર્થાત્‌ સમજવાની ક્ષમતા જોઈએ તેટલા ધોરણસરની ન હતી. આથી તેઓ વિકાસ ન કરી શક્યા. પ્રાચીન સમયમાં શિક્ષણ આપવાની આ વિશિષ્ટ ભારતીય પદ્ધતિ હતી. જ્યાં સુધી શિષ્યના અંત:કરણમાંથી પ્રશ્ન ઊઠે નહીં ત્યાં સુધી ગુરુઓ ઊંડો અભ્યાસ કરાવવાનું શરૂ કરતા ન હતા. તેથી આ કિસ્સામાં શિષ્યોને સંતોષ થઈ ગયો અને તેઓ ઘરે જવા ચાલી નીકળ્યા. ગુરુજીના મુખ ઉપર સ્મિત ફરકી રહ્યું. તેમણે મનમાં કહ્યું : ‘જો તેઓ શરીરને જીવનનું સર્વસ્વ અને અંતિમ ધ્યેય માનીને મારું શિક્ષણ લેશે તો તેઓ લક્ષ્ય ચૂકી જશે.

અને રાક્ષસોના રાજા વિરોચનની બાબતમાં ખરેખર આમ બન્યું. તે પોતાના લોકોની વચ્ચે પાછો ફર્યો અને સંદેશો ફેલાવવા લાગ્યો : ‘શરીર એ જ આત્મા છે; તેથી બની શકે તેટલી વધુ શરીરની કાળજી રાખો.’ આ રીતે આત્મજ્ઞાનની ખોજમાં તપ અને ત્યાગની વિચારધારાને એક બાજુ હડસેલી દઈને તેઓ એવા નિષ્કર્ષ પર આવ્યા કે આ દેહની જ કાળજી લેવાની છે અને તેનું જ ભરણપોષણ કરવાનું છે. આજે પણ જો માણસ

– દાન ન કરતો હોય,

– બીજા માટે કોમળ લાગણી ન ધરાવતો હોય,

– મોટેરાં માટે આદર ન ધરાવતો હોય, તો તેને રાક્ષસ જ માનવામાં આવે છે.

પરંતુ ઈંદ્રને આ જવાબથી સંતોષ ન થયો. શરીરની બદલાતી જતી પ્રકૃતિથી તેના મનમાં શંકા ઊભી થઈ. આથી તે ગુરુજી પાસે ફરીથી ગયો અને પ્રશ્ન કરવા માટે નમ્ર્રતાપૂર્વક ઉપસ્થિત થયો. મહાન ગુરુને આથી પ્રસન્નતા થઈ. તેમણે શિષ્યને બીજાં તેંત્રીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાની આજ્ઞા કરી. તે પછી એક દિવસ તેમણે ઉપદેશ આપ્યો, સ્વપ્નાવસ્થામાં જેનો અનુભવ થાય છે, તે આત્મા છે.’ ફરી એક વખત ઈંદ્રને દેખાવ પૂરતો સંતોષ થયો અને તે ઘરે પાછો ફરવા ચાલી નીકળ્યો. પણ ના રે ના! તેને તરત જ ભાન થઈ ગયું કે ગુરુજીએ તેને સાચો જવાબ આપ્યો નથી. તેના બ્રહ્મચર્યને લીધે વધારે વિશુદ્ધ બનેલા વિશ્લેષણાત્મક મને તે જવાબને પાછો ધકેલી દીધો.

તે પુન: ગુરુજી પાસે ગયો. આ વખતે પણ ગુરુજીએ તેંત્રીસ વર્ષના વિશુદ્ધ મનની પૂર્વશરત મૂકીને તેનું સ્વાગત કર્યું. જ્યારે તે અવધિ પૂરી થઈ, ત્યારે ગુરુજીએ તેને વધારે સૂક્ષ્મ સત્યનું પ્રદાન કર્યું. તેમણે કહ્યું કે સુષુપ્તાવસ્થામાં જે આત્માનો અનુભવ થાય છે, તે જ સાચો આત્મા છે. પરંતુ તે જવાબે પણ ઈંદ્રની શંકાને કાયમ માટે દૂર ન કરી. આથી તે ફરીથી ગુરુદેવ પાસે ગયો અને તેમના આદેશથી પાંચ વધુ વરસ માટે તેમનો સત્સંગ કર્યો. લાંબે સમયે શિષ્યની સર્વોચ્ચ જ્ઞાન માટેની અદમ્ય પિપાસાથી ગુરુજી રાજી રાજી થઈ ગયા. આથી તેમણે નિર્લેપ, અવિનાશી સત્યનો ઉપદેશ તેને આપ્યો.

આપણા દરરોજના જીવનમાં આપણી નજર સમક્ષ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. આપણે ભાગ્યે જ તેનાં વિષે કાળજી રાખતા હોઈએ છીએ. આપણી બાલ્યાવસ્થામાંથી માંડીને આપણે અસંખ્ય વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. આપણા જીવનમાર્ગને સુધારવા માટે આપણામાંથી કેટલા તેમાંથી કંઈ બોધ લઈએ છીએ? સામાન્ય માણસ અને પયગંબરની વચ્ચેની મજબૂત ભેદરેખા, અહીંયા જ રહેલી છે. પોતાના દૈનંદિન જીવનમાં બનતા સાવ સામાન્ય પ્રસંગોમાંથી કંઈક બોધ તારવી શકે એ મહાત્મા. વેદાંતના મતાનુસાર ઈશ્વર દરેક વસ્તુમાં વ્યાપીને રહેલો છે, તેથી ખાસ કરીને આ વાતમાં એ સાચું છે કે જ્યારે એક અને અનેક અલગ અલગ નથી હોતાં, ત્યારે કુદરતની પ્રત્યેક અભિવ્યક્તિ માત્ર ઈશ્વર વિષે જ વાત કરતી હોય, એ જ પરમતત્ત્વથી એ ધબકતી હોય.

વૈદિક કાળમાં આપણા ઋષિઓએ અત્ર-તત્ર-સર્વત્ર પેલી વૈશ્વિક સંવાદિતાનું દર્શન કર્યું હતું અને તેને ऋतम् એવું નામ આપ્યું હતું. તેઓ દરેક વસ્તુમાંથી બોધ લેતા હતા અને કુદરત સાથે સંવાદિતાથી જીવવાનું શીખી લેતા હતા. તેમના દરરોજના અનુભવો તેમને માટે દિવ્ય આદેશો બની રહેતા હતા. જે માણસ પોતાના સાવ દુન્યવી અનુભવોનું રૂપાંતર આધ્યાત્મિક જીવનમાં ઊર્ધ્વગમન કરવા માટે પ્રેરણારૂપે કરી શકે તે જ સાચો શાણો માણસ. શંકરાચાર્ય આવા ઋષિ હતા; રમણ મહર્ષિ પણ ખરા જ. શ્રીરામકૃષ્ણની બાબતમાં પણ આ વાત જ સત્ય છે. આથી જ તેઓ આધ્યાત્મિક જગત સાથે સંકળાયેલાં ગૂંચવાડાભર્યાં સત્યો માટે જીવન સાથે સંકળાયેલાં ઉચિત ઉદાહરણો આપી શકતા હતા.

આ લોકો જીવનના સાવ સામાન્ય દાખલાઓ ઉપરથી કેવી સ્વયંભૂ રીતે મહાન સત્યો પર આવી પહોંચતા હતા, તેનો વિચાર કરતાં માણસ મુગ્ધ થઈ જાય છે. જે માણસ સાવ અણઘડ અને નીરસ દુન્યવી વિષયનું સર્વોચ્ચ આધ્યાત્મિક ચર્ચામાં રૂપાંતર કરી શકે તે જ સાચો ઋષિ કે પયગંબર. તેનાથી ઊલટું કહીએ તો આધ્યાત્મિક વાતચીતને દુન્યવી કક્ષા સુધી નીચી ઊતારી શકે એ દુનિયાનો માણસ.

સત્ય માટે ખોજ

આપણી સમજશક્તિની ક્ષમતા જેટલી નિર્મલ હોય તેટલું ઉચ્ચતર સત્ય આપણા સાક્ષાત્કારનો વિષય બને છે. આનો અર્થ એ થયો કે સત્ય વિષય બને છે. સત્ય માટેની આપણી ખોજપ્રવૃત્તિ અને તેને આનુષંગિક સિદ્ધિઓનો આધાર આપણી સમજશક્તિની માત્રા પર આધાર રાખે છે. પણ તે છતાંય આપણે સત્યની ખોજ કરવાની પ્રવૃત્તિને અટકાવી ન દેવી જોઈએ. આપણે આપણી સત્યની ખોજ કેવી રીતે ચલાવવી જોઈએ? આપણા ગુરુઓ આપણને કહે છે કે આપણી એ ખોજ અડગ અને એક જ ધ્યેયલક્ષી હોવી જોઈએ.

સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે આપણે ધ્યેય સુધી પહોંચીએ નહિ ત્યાં સુધી આપણે અટકવું ન જોઈએ. આપણને નજીકનું જ ધ્યેય ઉપલબ્ધ થાય, કે પછી તુરત જ પછીના ઉચ્ચતર ધ્યેયની ખોજમાં આપણે લાગી જવું જોઈએ. આપણે જીવનના અંતિમ ધ્યેયે પહોંચી જઈએ ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. પ્રત્યેક વ્યક્તિને લાગે વળગે છે, તે બાબતો પર આધાર રાખીને નજીકના તરતનાં ધ્યેયો ભલે બદલતાં રહે, પરંતુ બધા માટે અંતિમ ધ્યેય તો એક જ રહે છે.

સત્યની ખોજ વિશે શ્રીરામકૃષ્ણ નીચેની સુંદર વાર્તા કહેતા: ઘોર જંગલમાં લાકડાં કાપીને એક ગરીબ કઠિયારો આજીવિકા મેળવતો હતો. એક વાર એ જંગલમાં જઈ રહ્યો હતો ત્યારે તેને એક સંત મળી ગયા. વાતચીત કરતાં કરતાં સંતને માલૂમ પડ્યું કે પેલો માણસ માંડ માંડ ગુજરાન ચલાવતો હતો. તેમને એક સાદાસીધા કઠિયારા પર દયા આવી ગઈ. કઠિયારાએ છૂટા પડતાં પહેલાં તેમને શીખના બે શબ્દો કહેવા વિનંતી કરી. ત્યારે તેમણે કહ્યું: ‘બેટા, તું તારા ધ્યેયે ન પહોંચે ત્યાં સુધી આગળને આગળ વધતો રહે, અટકતો નહિ.’ આ શબ્દોએ કઠિયારા માટે જાદુનું કામ કર્યું. બીજે દિવસે તેને જંગલનાં ઊંડાણમાં જવાનું મન થયું. આમ કરવાથી તેણે જોયું કે એ ચંદનનાં વૃક્ષવાળા જંગલમાં આવી પહોંચ્યો છે. તેને ખૂબ આનંદ થયો. અહીં આવવાથી જે લાકડું મળ્યું, તેથી તેને ખૂબ પૈસા મળ્યા અને તેની સ્થિતિ પણ સુધરી. પણ થોડા સમય પછી તેને ફરીથી યાદ આવ્યું: ‘મને સંતે તો રોકાવાની ના પાડી હતી. હંમેશાં આગળ વધતા રહેવાનું કહ્યું છે. ચાલો આવતીકાલે હું જંગલના ઊંડા ભાગમાં જઈશ.’ તેણે હિંમત એકઠી કરી. અને બીજે દિવસે સવારે જંગલનાં અજાણ્યાં ઊંડાણોમાં જવા માટે ચાલી નીકળ્યો. તે જે નવા સ્થાને આવી પહોંચ્યો. ત્યાં તેની સમક્ષ રૂપાની ખાણ હતી. એના આનંદની કોઈ સીમા ન રહી. તેને વધારે સંપત્તિ લાધી અને સંતે તેને જે અમૂલ્ય શીખ આપી હતી, તે માટે તેણે તેમનો મનોમન આભાર માન્યો. આ રીતે થોડો સમય પસાર થઈ ગયો. તેને ફરીથી પેલા મહાત્માની સલાહ યાદ આવી ગઈ અને વધારે ઊંડી ખોજ માટે સાહસ ખેડી નાખવા માટે તેને અંદરથી જ પ્રેરણા મળવા માંડી. આ વખતે તે અગમ્ય ઊંડાણોને પાર કરી ગયો અને સોનાની ખાણ તેને મળી આવી. આથી તેની આર્થિક સ્થિતિ વધારે સારી બની ગઈ. પણ આટલેથી ઇતિશ્રી આવી જતી ન હતી. મહાત્માજીની સલાહ તેના કાનમાં ગુંજન કર્યા જ કરતી હતી અને વિસામો લેવા દેતી ન હતી. આથી તેણે બીજી ખોજ શરૂ કરી દીધી અને આગળ વધતો ગયો. ત્યાં તેને હીરાની ખાણો વગેરે મળવા માંડી. વિચાર કરો કે સંતની સાદી સીધી શિખામણ ‘આગળ વધો’ ને અનુસરવાથી ગરીબ કઠિયારો કેટલી વિપુલ સંપત્તિ એકઠી કરી શક્યો હતો!’

આ તબક્કે એ વસ્તુ ખ્યાલમાં રાખવી જોઈએ કે આ વાર્તા સત્યની સતત ખોજના સંદર્ભમાં કહેવામાં આવી છે અને તે સૂચિત કરે છે, તે રીતે સંપત્તિના સંદર્ભમાં નહિ. આ સ્પર્ધાત્મક દુનિયામાં પણ સત્યનો કાનૂન કાર્ય કરતો રહે છે. દા.ત. જો માણસે પૈસા કમાવા હોય તો તેણે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં – બીજા લોકોથી આગળ કઈ રીતે નીકળી જવું વગેરે – રહસ્યો જાણી લેવાં જોઈએ. સ્પર્ધાના ક્ષેત્રમાંથી એક બાજુ ખસી જઈને, અનૈતિક સાધનો દ્વારા બીજા લોકોને બળજબરીપૂર્વક ખસેડીને પોતાનો માર્ગ કરી લેવો એ ખરાબ વસ્તુ છે, એમ માનીને ભગવાનની કૃપાની રાહ જોતા બેઠા રહેવું એ કંઈ ચાલે કરે નહિ. ટૂંકમાં અસ્તિત્વની પ્રત્યેક કક્ષાએ તેને અનુરૂપ સત્ય કામ કરવા લાગે છે અને ત્યારે તદનુસાર જીવી જવું પડે છે અથવા ઉચ્ચતર તબક્કે જવા માટે તેની ઉપેક્ષા કરવી પડે છે. આમ ભાગ્યે જ બને છે. આપણામાંના મોટા ભાગના અન્ય લોકોની ઉપલબ્ધિઓની અદેખાઈ કરવા લાગે છે અને બધાં કમભાગ્યે અથવા નિષ્ફળતા માટે ભગવાનના અથવા આપા પોતાના ગ્રહોનો વાંક કાઢવા લાગે છે. આથી જ્યારે એમ કહેવામાં આવે છે કે ‘માત્ર સત્યનો જ જય થાય છે,’ ત્યારે તેમાં સત્યનો અર્થ ‘એક વિશિષ્ટ સમજદારીની કક્ષાએ’ એમ સમજી લેવો જોઈએ. જો આપણે આ રહસ્ય જાણતા હોઈએ તો આપણે આપણી નિષ્ફળતાઓ માટે કદાપિ ભગવાનનો વાંક નહિ કાઢીએ અને ચોક્કસપણે જાણી લઈશું કે જે માણસ ખરેખર સત્યની ખોજ કરે છે, તેને તે મળે જ છે.

(ક્રમશ:)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.