અહિંસા અથવા કોઈને કંઈ હાનિ ન પહોંચાડવાની વૃત્તિ

માનવજીવનનું બીજું ઉચ્ચ મૂલ્ય છે અહિંસા. તેનો અર્થ છે બીજા લોકો વિશેના નુકશાનકારક વિચારોનો સદંતર અભાવ. આવું એક સામાન્ય નિરીક્ષણ છે કે જ્યાં સુધી આપણને કશી હાનિ ન થતી હોય, ત્યાં સુધી આપણે બીજા લોકો માટે કોઈ દુર્ભાવના સેવતા નથી. આ જાણે કે આપણી પૂર્વશરત છે. જ્યાં સુધી પરિસ્થિતિ બરાબર ચાલતી હોય છે ત્યાં સુધી એક કાયર માણસ પણ અન્ય લોકો માટે અહિંસાનાં તમાશા જેવાં પરાક્રમો કરી બતાવે છે. પણ તે કંઈ નુકશાન ન કરવાની વૃત્તિની સાચી કસોટી નથી. કોઈને હાનિ ન પહોંચાડવાની વૃત્તિને આચણમાં મૂકવાની વાત મુશ્કેલીભરી છે. ત્યાગી બની ગયેલા મહારાજા ભતૃહરિએ માનવજાતના ચાર પ્રકારો ગણાવ્યા છે. આમાં સૌથી મુખ્ય છે જે લોકો પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને પણ બીજાનું ભલું કરતાં અટકતા નથી. બીજા પ્રકારના લોકોને તેઓ સામાન્ય કક્ષાના ગણે છે અને તેમની વ્યાખ્યા કરે છે કે આવા લોકો અમુક શરતે જ બીજાનું ભલું કરે છે. ત્રીજો પ્રકાર છે રાક્ષસી પ્રકૃતિના માનવોનો. આવા લોકો પોતાના સ્વાર્થનું રક્ષણ કરવા માટે અન્ય લોકોના હિતને હાનિ પહોંચાડે છે. ચોથો પ્રકાર છે એવા લોકોનો જે કોઈ દેખીતું કારણ ન હોય છતાં અન્યનું અહિત કરવાનો સ્વભાવ ધરાવે છે. આ પ્રકારના લોકોને કયા વર્ગમાં મૂકવા એ વિશે ભર્તૃહરિ કટાક્ષ કરતાં કરતાં મૂંઝવણ અનુભવે છે.

આ દુનિયામાં અહિંસાના મહાન મૂલ્યનું આચરણ કરનારા લોકો છે. જ્યારે લોકો આપણને નુકશાન પહોંચાડતા હોય ત્યારે આપણે તેમને શા માટે નુકશાન ન પહોંચાડવું જોઈએ? ભગવાન બુદ્ધે તેનો યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે: ‘ક્રોધ પર ક્રોધ જીત મેળવી શકતો નથી, અગ્નિનું શમન અગ્નિ કરી શકતો નથી. બીજા લોકોને હાનિ પહોંચાડીને – જેવા સાથે તેવાની નીતિનો અમલ કરીને – આપણે આ દુનિયામાં માત્ર શોકને કાયમી જીવન આપીએ છીએ. જ્યારે ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું: ‘જો કોઈ તમારા ડાબા ગાલ પર તમાચો મારે, તો તમે તેની સામે તમારો બીજો ગાલ ધરો.’ ત્યારે તેમણે બીજાને હાનિ ન પહોંચાડવાના આ મહાન ગુણ તરફ જ આંગળી ચીંધી હતી.

બીજું, વેદાંતના દૃષ્ટિબિંદુથી જોતાં પણ આપણે જ્યારે બીજાને હાનિ પહોંચાડીએ છીએ ત્યારે આપણે આપણી જાતને જ ખરેખર હાનિ પહોંચાડતા હોઈએ છીએ; કેમ કે બધામાં આત્મા રહેલો છે. જુદી જુદી રીતે આ જ મહાન સત્યનો પાઠ ભણાવવા માટે સમયે સમયે મહાપુરુષો આવતા જ રહે છે. તેઓ કુદરતમાં સર્વત્ર શાંતિ અને સંવાદિતા પ્રસ્થાપિત કરવા માટે પોતાનાથી બનતી શ્રેષ્ઠ જહેમત ઉઠાવે છે. કેમ કે તેઓ બહુ સારી રીતે જાણે છે કે કુદરતમાં સમતુલન જાળવી રાખવા માટે સંવાદિતા અને શાંતિ જ પાયાની પરિસ્થિતિ છે અને તેને ફરી ફરીને પ્રસ્થાપિત કરવી પડતી હોય છે.

જ્યારે બુદ્ધ કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમના પિતાજીએ તેમને તથા તેના પિતરાઈ ભાઈને ધનુર્વિદ્યા, શાસ્ત્રવિદ્યા વગેરેનું શિક્ષણ મેળવવા માટે નિષ્ણાત ગુરુઓ પાસે મોકલ્યા. બહુ જ ટૂંકા સમયમાં ગૌતમ આ બધું ઠીક ઠીક સારી રીતે શીખી ગયા, પરંતુ કોઈ પણ જીવંત પ્રાણી ઉપર નિશાન તાકવાની ના પાડી દીધી. એક દિવસ પોતાના વિચારમાં ડૂબેલા બુદ્ધે રાજમહેલના ઉદ્યાનમાં વિહરતા હતા ત્યારે એકાએક બાણથી ઘવાયેલા પક્ષીના તરફડાટનો અવાજ સાંભળીને ચોંકી ઊઠ્યા. તે પક્ષીને પિતરાઈ ભાઈએ જ પોતાના બાણથી વીંધી નાખ્યું હતું. ઘવાયેલા પક્ષીની સારવાર કરવામાં ગૌતમે જરાય કચાશ ન રાખી અને માતા જેવી કાળજીભરી સારવારથી તે પક્ષી ધીમે ધીમે સ્વસ્થ થઈ ગયું. તે દરમિયાન પોતાના હાથમાં ધનુષ્ય અને બાણો સાથે પિતરાઈ ભાઈ ત્યાં દોડી આવ્યો. અને પોતે જેનો શિકાર કરેલો હતો તે પક્ષીને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો. તે પક્ષી તો નિરાંતે ગૌતમના સુવિધાપૂર્ણ ખોળામાં બેઠેલું હતું. ગુસ્સામાં ને ગુસ્સામાં તેણે પોતાના શિકારની માગણી કરી પરંતુ ગૌતમે શાંતિથી ના પાડી દીધી અને કહ્યું: ‘આ બિચારા પક્ષીએ મારો આશ્રય લીધો છે. તેથી ગમે તે ભોગે હું તેનું રક્ષણ કરીશ.’ પેલો ભાઈ દોડતો દોડતો ગૌતમના પિતા રાજા શુદ્ધોધન પાસે ગયો અને પોતાને ન્યાય આપવા વિનંતી કરી. ગૌતમને પણ ત્યાં બોલાવવામાં આવ્યો. પોતાના મુદ્દાનો બચાવ કરતાં ગૌતમે પિતાજીને કહ્યું: ‘પિતાજી, જે જીવન લેવા માગે છે અને જે જીવનને બચાવવા માગે છે, તે બે માંથી પક્ષીને રાખવાનો કોનો અધિકાર વધારે છે?’ રાજાને ખૂબ આશ્ચર્ય થયું અને તેમણે પોતાના પુત્રના પક્ષમાં પોતાનો ચુકાદો આપ્યો.

બીજી વાર્તા શ્રીરામકૃષ્ણના જીવનમાંથી છે. એ વખતે તેઓ દક્ષિણેશ્વરના કાલીના મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. તેમની અગાધ આધ્યાત્મિક સજ્જતાને લીધે રાણી રાસમણિના જમાઈ મથુરાનાથ વિશ્વાસ તેમનું બહુ જ ગૌરવ કરતા હતા. મથુરબાબુ બહુ જ ધનવાન હતા એટલે શ્રીરામકૃષ્ણને સુવિધાપૂર્ણ રાખવાની બાબતમાં કશી જ કચાશ રાખતા ન હતા. અને શ્રીરામકૃષ્ણના વિરોધીઓની નકામી ફરિયાદો તરફ જરાય ધ્યાન આપતા ન હતા. આથી મંદિરના અન્ય પૂજારીઓને તેમની અદેખાઈ આવતી હતી. તેઓ માનતા હતા કે કાલીના મંદિરના આ જુવાન પૂજારીએ મથુરાનાથ બાબુ પર જાદુમંતર કરેલ છે અને તેથી અન્ય પૂજારીઓ પાછા પડી ગયા છે. એક દિવસે સાંજે શ્રીરામકૃષ્ણ માના વિચારમાં ખોવાયેલા હતા અને અર્ધસમાધિ-અવસ્થામાં એકલા બેઠા હતા. ત્યારે બીજા એક વૃદ્ધ પૂજારી તેમની પાસે આવ્યા અને તેમને પાછળથી ધક્કો મારતાં મારતાં કહેવા લાગ્યા: ‘અરે દુષ્ટ પૂજારી મને કહી દે કે તેં બાબુ પર શો જાદુ કર્યો છે?’ શ્રીરામકૃષ્ણે ભાગ્યે જ તેના શબ્દો સાંભળ્યા કેમ કે તેઓ તો સમાધિની અવસ્થામાં લગોલગ હતા. તેથી તેઓ શાંત જ રહ્યા. શ્રીરામકૃષ્ણની શાંતિથી તે પૂજારી ગુસ્સે થઈ ગયા; આથી જુવાન પૂજારી પર પાદપ્રહાર કરીને તેઓ જલદી જલદી ત્યાંથી ચાલ્યા ગયા. પગના પ્રહારની વેદનાથી શ્રીરામકૃષ્ણ જાગી ઊઠ્યા અને દુન્યવી માહોલમાં આવી ગયા અને તેમણે પેલા વૃદ્ધ પૂજારીને દોડી જતા જોયા. તેમના દેહને જે યાતના થઈ તેના વિશે તેમનો પ્રતિભાવ કેવો હતો? આ આખા કિસ્સા વિશે તેમણે મૌન જ સેવ્યું. તેઓ બરાબર જાણતા હતા કે જો મથુરબાબુને આ વાતની જાણ થશે તો તેઓ પેલા ઘરડા માણસને ગુસ્સાના આવેશમાં કાઢી મૂકશે એટલું જ નહિ, કદાચ તેને મારી પણ નાખે. શ્રીરામકૃષ્ણના સદ્‌ગુણ – ક્ષમા કરી દો અને અહિંસાનું આચરણ કરો – નું આ એક અતિ-ઉજ્જ્વળ દૃષ્ટાંત છે. આપણે જ્યારે હૃદયમાં અન્ય માણસ વિશે દુર્ભાવના ન સેવતા હોઈએ ત્યારે જ આપણે તેમને ક્ષમા આપી શકીએ છીએ.

જે લોકો માનવ તરીકે જીવનનાં ઉચ્ચતર ધ્યેયો પ્રાપ્ત કરવા ઇચ્છતા હોય તેમણે આચરણમાં ઉતારવા જેવો ગુણ આ અહિંસા છે. બીજાં તપોની પેઠે આ અહિંસાનો વ્યાયામ માનસિક કક્ષાએ પણ કરવાનો છે. માત્ર સ્થૂળ મજા ખાતર પ્રાણીઓને મારી નાખવાથી, દૂર રહેવાથી પૂરતું નહિ થાય. આપણી જાતને આપણે બીજા માટેના હિંસક વિચારોથી સંપૂર્ણપણે દૂર રાખવાનું શીખી લેવું જોઈએ.

આપણે અન્ય લોકોને શારીરિક રીતે કંઈ હાનિ પહોંચાડીએ, તે પૂર્વે તે મોજું મનમાં હિંસક વિચાર રૂપે આવે છે. આને આપણે ઓળખી લેવાનું હોય છે અને તે સપાટી પર આવે તે પૂર્વે જ તેને ઘણું વહેલું ઊગતું જ ડામી દેવાનું હોય છે. જ્યારે માણસ હિંસક વિચારોને તે બીજ અવસ્થામાં હોય ત્યારે જ નાકામયાબ બનાવવાની બાબતમાં સંપૂર્ણ રીતે પ્રસ્થાપિત થઈ જાય છે ત્યારે જ તેને અહિંસાના આચરણમાં સિદ્ધ (પૂર્ણ) થયેલો કહેવામાં આવે છે.

પોતાનાં યોગસૂત્રોમાં પતંજલિએ જીવનનાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શૌચ, સંતોષ તથા બીજાં ઉચ્ચતર મૂલ્યોની સાધનામાં સિદ્ધ (પૂર્ણ) થવાનાં પરિણામો સ્પષ્ટ રીતે દર્શાવ્યાં છે. તેમના મતે જે માણસે અહિંસામાં પોતાની જાતને સિદ્ધ કરેલી હોય તેના સાંનિધ્યમાં આવતાં જંગલી અને ભયાનક પ્રાણીઓ પણ હાડોહાડ શત્રુ પ્રત્યેની પોતાની આક્રમકતા ગુમાવી દે છે. આંધ્રપ્રદેશના મહાન સંત તૈલંગ સ્વામી હઠયોગના મોટા સાધક હતા. તેઓ દુન્યવી મનુષ્યોના સંગથી દૂર રહેવા માટે જંગલનાં ઊંડાણોમાં રહેતા હતા. એક દિવસ એક રાજા શિકાર કરવાના આશયથી જંગલમાં દાખલ થયો અને તેણે એક વાઘ પર ગોળી છોડી. પણ ઘવાયેલો વાઘ ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. રાજા તેની પાછળ જોરદાર રીતે પડ્યા અને પોતાના શિકારને એક સંતના શરણે ગયેલો અને આજીજી કરતો બેઠેલો જોયો. મહાત્મા વાઘના આખા શરીરને પોતાના હાથ વડે પ્રેમથી પંપાળી રહ્યા હતા. રાજાની હાજરીને લીધે સંતના ધ્યાનમાં ભંગ પડ્યો અને તેમણે રાજાને તેના ક્રૂર કૃત્ય માટે ઠપકો આપ્યો અને મોજમજા ખાતર પ્રાણીઓને મારી નાખવાની ના પાડી. મૂંઝાયેલો રાજા સંતનાં ચરણોમાં પડી ગયો અને ગદ્‌ગદ્‌ હૃદયે પાછો ચાલ્યો ગયો.

સ્વામી સમર્થ રામદાસે પણ ઘણી મોટી આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. અહિંસાની બાબતમાં તેઓ એટલા બધા પ્રતિષ્ઠિત થઈ ગયા હતા કે સ્વભાવે રાંક અને ભયાનક પ્રાણીઓ પણ જંગલનાં ઊંડાણમાં તેમની આસપાસ બેસતાં. શિવાજીએ તેમને જંગલમાં આ પરિસ્થિતિમાં જોયા હતા અને તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેઓ મારા ગુરુ થવાની સૌથી વધારે યોગ્યતા ધરાવે છે. અને ખરેખર એમ જ થયું; પણ એ તો ઇતિહાસનો વિષય છે.

ઉપસંહાર

વેદના સમયથી ઉદાહરણો પ્રસ્તુત કરવાની અને વાર્તાઓ કહેવાની શૈલી આપણે ત્યાં ચાલી આવી છે. વેદોમાં પરમ સત્યનો ઉપદેશ જુદી જુદી રીતે આપવામાં આવ્યો છે અને જુદા જુદા દૃષ્ટિકોણથી તેની ચર્ચા કરવામાં આવી છે. અનંત, પરમ સત્તા આ પ્રકારની છે એમ કહેવાથી મર્યાદિત થઈ જતી નથી. આ પરમ સત્તાનો સર્વગ્રાહી ખ્યાલ આપનારા આપણા ઋષિઓ પૂરતા સક્ષમ હતા. વેદના શરૂઆતના ભાગોમાં ઘણા બધા યજ્ઞોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. આ યજ્ઞોનું ધ્યેય ચોક્કસ પરિણામો લાવવાનું હોય છે. વેદોના પાછળના ભાગમાં દર્શાવવામાં આવ્યું છે કે આ યજ્ઞો પણ સત્યનો એક ભાગ જ છે, પણ તેના કરતાં ઉચ્ચતર કક્ષાનું સત્ય છે અને વેદો તે ઉચ્ચતર સત્યનું આલેખન કરવા માટે આગળ વધે છે. આ રીતે વેદો સાધકને અંતિમ સત્યને પ્રાપ્ત કરવા માટેના ઉચ્ચતર અને ઉચ્ચ્તર માર્ગો દર્શાવતા રહે છે. આપણે એક વખત ઉચ્ચતર સત્યે પહોંચી જઈએ ત્યારે નિમ્નકક્ષાનું સત્ય મહત્ત્વવિનાનું બની જાય છે. ધારો કે તમે એક પર્વત પર ચડી રહ્યા છો અને રસ્તામાં એકાએક જોરદાર વાવાઝોડું આવે છે. તમે તેનાથી બચી જવા માટે ખૂબ જહેમત ઉઠાવો છો અને ખૂબ પ્રયત્નો પછી જ્યાં વાવાઝોડાનું જોર અસરકારક ન બનતું હોય ત્યાં શિખર ઉપર પહોંચવામાં સફળ બની રહો છો. તે શિખર પર ઊભા રહીને સૂસવાટા કરતા વાવાઝોડાનું અવલોકન કરો છો એ વૃક્ષોને ઉખેડીને ફેંકી દેવાની તૈયારી કરી રહ્યું હોય છે. કદાચ તમે શિખરની ટોચે ઊભા ઊભા સુખીથી એ દૃશ્યનું સૌંદર્ય માણી રહો છો. તમારા પર જ્યારે વાવાઝોડું ફરી વળ્યું હતું, ત્યારે થોડીક જ ક્ષણો પૂર્વે, તમને આવી લાગણી થતી હતી ખરી? આપણે જ્યારે જીવનનાં ઉચ્ચતર લક્ષ્યો સિદ્ધ કરીએ છીએ ત્યારે આપણને આવી જ લાગણી થાય છે. ઊંચેરા આસન પરથી આપણે લોકોને જીવનની નિમ્નકક્ષાઓમાં ફાંફાં મારતા અને પીડા ભોગવતા જોઈએ છીએ. આપણા દિલમાં તેમને માટે કરુણા ઉત્પન્ન થાય છે અને કદાચ આપણે આપણા હાથ તેમને સહાય કરવા માટે લંબાવી દઈએ છીએ. પરંતુ એમની મૂર્ખતા માટે આપણે તેમની ટીકા કરતા નથી; કેમ કે તે પરિસ્થિતિમાં આપણે કેવી મથામણ કરી હતી તે આપણને સ્પષ્ટ રીતે માલૂમ હોય છે. ભગવદ્‌ ગીતાના ત્રીજા અધ્યાયમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ખરેખરા સમજુ માણસે મનને આસક્ત રાખીને કર્મ કરનારા સામાન્ય માણસના મનમાં સમજદારીની બાબતમાં ભ્રમણા (ગૂંચવાડા) ઉત્પન્ન ન કરવા જોઈએ. વધારે સારી વાત તો એ છે કે સમજુ માણસ અનાસક્ત કર્મમાં મગ્ન રહીને આવા લોકો સમક્ષ દાખલો પૂરો પાડવો જોઈએ.

વેદો અને ઉપનિષદો અવિનાશી સત્ય વિશે વિવિધ રીતે વાતો કરે છે. સામાન્ય લોકો માટે એ ગૂઢ વિચારો સમજવા અઘરા પડે એવા છે. કરુણાળુ ઋષિઓ આ વાત બહુ સારી રીતે જાણતા હતા. તેથી જ તેમણે નક્કર સ્વરૂપે જીવનનાં કેટલાંક ઉચ્ચતર મૂલ્યોનો સંદેશ આપતી રામાયણ, મહાભારત કે પુરાણો જેવી વાર્તાઓની રચના સમયે સમયે કરી છે. ઓછી સમજશક્તિ ધરાવતા લોકોને એમ બતાવવા આ વાર્તાઓની રચના કરવામાં આવી છે કે જેથી તે તે આદર્શો અને સત્યો માનવના જીવનમાં વણી લઈ શકાય અને વ્યવહારમાં આચરી શકાય તેવાં છે. આ જ કારણથી ભારતમાં જ માત્ર નહિ પણ આખાય જગતમાં રામાયણ અને મહાભારતને આટલા બધા માનની દૃષ્ટિએ જોવામાં આવે છે. જીવનની સામાન્યમાં સામાન્ય કક્ષાએ જ્યારે આ ઉચ્ચતર મૂલ્યોને રજૂ કરવામાં આવે ત્યારે જ સામાન્ય લોકોને તેમનું મૂલ્ય સમજાતું હોય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણને પ્રેરણા અને ધગશ પૂરી પાડે તેવી આ પ્રકારની વધારે ને વધારે વાર્તાઓ મળતી રહે અને આપણને આપણા રાષ્ટ્ર માટે ગૌરવ લેવા પ્રેરે.

અનાસક્તભાવે કરેલું કર્મ એ જ મહાન ધર્મ

એક સિદ્ધ યોગી એક ઘરે જઈને કહે છે : ‘મા, મને ભિક્ષા આપો.’ અંદરથી જવાબ આવ્યો: ‘દીકરા, થોડો વખત થોભજે.’ યુવાન સંન્યાસીનું મગજ તપી ગયું. ત્યાં તો અંદરથી અવાજ આવ્યો: ‘દીકરા, તપનું બહુ અભિમાન ન રાખ. અહીં કાગડા-બગલા નથી કે તું બાળી નાખીશ.’ પેલા યોગીએ આશ્ચર્ય સાથે રાહ જોવી પડી. થોડીવાર પછી ગૃહિણી બહાર આવી. એટલે એને પગે પડીને પૂછ્યું: ‘હે મા, આ કાગડા-બગલાની વાતની તમને કેવી રીતે ખબર પડી?’ સ્ત્રીએ જવાબ આપ્યો: ‘દીકરા, હું યોગ કે સાધના જાણતી નથી. હું તો સામાન્ય નારી છું. મારા પતિ બીમાર છે અને એની સેવામાં હતી એટલે મોડું થયું. મેં જીવનભર કર્તવ્ય બજાવવાનો પ્રયત્ન કર્યો છે. કુમારિકા હતી ત્યારે મા-બાપ પ્રત્યેના કર્તવ્ય બજાવ્યાં અને અત્યારે પરણેલી છું ત્યારે પતિ પ્રત્યેનું કર્તવ્ય બજાવું છું.’ આ કર્તવ્ય પાલનમાં જ મને જ્ઞાન થયું અને હું તારા મનના વિચારો અને તેં તારી યોગસિદ્ધિથી કાગડા અને બગલાને બાળી નાખ્યા હતા એ વાત જાણી લીધી. વિશેષ જાણવાની ઇચ્છા હોય તો આ ગામની બજારમાં એક વ્યાધ પાસે જા.’ થોડીવાર પૂરતો તો સંન્યાસી ખચકાયો પણ એની આંખ ખૂલી હતી એટલે એ વ્યાધ પાસે ગયો. માંસના ટુકડા કાપતા વ્યાધને જોઈને સંન્યાસીને થયું: ‘આવા રાક્ષસ જેવા માણસ પાસેથી મારે શીખવાનું?’ ત્યાં તો વ્યાધે ઊંચું જોઈને કહ્યું: ‘તમને પેલી સ્ત્રીએ મોકલ્યા છે ને! મારું કામ પતાવું ત્યાં સુધી બેસો.’ વ્યાધ કામ કરતો રહ્યો. પૈસા સંભાળતો રહ્યો. પછી સંન્યાસીને એમને ઘરે લઈ ગયો. ઘરમાં જઈને વ્યાધે પોતાના વૃદ્ધ માતપિતાને નવડાવ્યાં-જમાડ્યાં પછી સંન્યાસી પાસે આવીને કહ્યું: ‘ભાઈ, તમારી હું શું સેવા કરી શકું?’ સંન્યાસીએ વ્યાધને આત્મા-પરમાત્મા વિશે, વેદાંત વિશે પ્રશ્નો પૂછ્યા. ઉત્તર સાંભળીને સંન્યાસી તો ચકિત બની ગયા. એણે પૂછ્યું: ‘આવા મહાન જ્ઞાની અને આવું ગંદુ હલકું કામ કેમ કરો છો?’ વ્યાધે જવાબ આપ્યો: ‘હે વત્સ, કોઈ કર્તવ્ય ગંદું નથી. કોઈ કર્મ હલકું નથી, અશુદ્ધ નથી. મારા જન્મથી હું સંજોગોને લીધે આ વાતાવરણમાં મુકાયો છું. બાળપણમાં ધંધો શીખ્યો, પણ છું અનાસક્ત. મારા પિતાને સુખી કરવા કર્તવ્ય બજાવું છું. હું તમારી જેમ યોગને જાણતો નથી. હું સંન્યાસી થયો નથી અને જગત છોડીને વનમાં પણ નથી ગયો. આમ છતાં પણ તમે જે કંઈ જોયું છે, સાંભળ્યું છે તે મારી પરિસ્થિતિને અનુરૂપ અનાસક્તભાવે કર્તવ્ય કરવામાંથી મને પ્રાપ્ત થયું છે.

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.