‘નેશનલ કાઉન્સિલ ફૉર ટિચર એજ્યુકેશન’ના અધ્યક્ષ એ. એન. મહેશ્વરીના મૂળ અંગ્રેજી લેખ ‘વૅલ્યૂ ઓરિએન્ટેશન ઈન ટિચર એજ્યુકેશન’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વાતંત્ર્ય પછી આપણા દેશમાં શિક્ષણ પ્રણાલીનો ઘણી ઝડપથી વિસ્તાર થયો છે. શિક્ષણ પરના અનેક કમિશનોએ માનવીય મૂલ્યોને અભ્યાસક્રમના એક અંતર્ગત ભાગ તરીકે જોડવા જોઈએ, એવી ભલામણો કરવા છતાં પણ રાજ્યની શાળાઓમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. એની પાછળ કદાચ આવી છૂપી શંકા હશે કે મૂલ્યલક્ષી કેળવણી ધર્મ શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે. ભારત વિવિધ ધર્મોનો દેશ છે અને વિવિધ સંસ્કૃતિવાળા સમાજનો દેશ છે. બિનસાંપ્રદાયિકતાની સંકલ્પનાની ભૂમિકા પર પ્રજાસત્તાક ભારતનું બંધારણ ઘડાયું છે. એટલે જ મૂલ્યલક્ષી કેળવણીને ધાર્મિક શિક્ષણ કે ધર્મોના શિક્ષણથી અલગ પાડવું જ રહ્યું.

ઝડપી આર્થિક વિકાસ, પશ્ચિમની સંસ્કૃતિનો પ્રભાવ, અતિરેક જેવાં યાંત્રિકીકરણ અને શહેરીકરણ તેમજ જીવનમાં ભૌતિક સુખોની ઝંખનાને લીધે વ્યક્તિગત કક્ષાએ તેમજ સમાજ અને રાષ્ટ્ર કક્ષાએ મૂલ્ય નિષ્ઠા અને પ્રણાલીમાં ઘણી ઊણપ આવી છે. ભૌતિક જગતની આવશ્યકતાઓ અને ઓછામાં ઓછા પ્રયત્નો કરીને વધારેમાં વધારે કમાવાની અનંત લાલસાને મૂલ્યનિષ્ઠ જીવન દ્વારા તેમજ સદ્‌ભાવ અને માનભર્યું જીવન જીવવા માટે ધન રળવાનું વલણ તેમજ એ ધનથી તકવિહોણા લોકોને સહાય રૂપ બનવાની ભાવનાથી સમતુલિત કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિના જીવનમાં મૂલ્ય પ્રત્યેની આવી અભિમુખતા ક્યાં અને ક્યારે આવવી જોઈએ? મૂલ્યનિષ્ઠાનો પ્રારંભ ઘરેથી થવો જોઈએ. એને સમાજ દ્વારા મજબૂત બનાવવી જોઈએ અને કોઈ પણ વિદ્યાર્થીને શાળામાં ભાવાત્મક દૃઢ આધાર મળવો જોઈએ. શાળાકીય પ્રક્રિયામાં શિક્ષક ગુરુચાવી છે. જો શિક્ષક પોતે વ્યક્તિગત રીતે મૂલ્યોને વરેલો હોય અને પોતાના જીવનમાં એનું આચરણ કરતો હોય તો આટલો નિષ્કર્ષ તો સ્પષ્ટ છે કે જે મૂલ્યો સાથે શિક્ષકો જીવે છે એ મૂલ્યોને વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પ્રતિબિંબિત કરવાના જ. આ જ કારણે જે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ પર એક ગહન પ્રભાવ પાડી જાય છે, તેઓ જ સન્માન મેળવે છે અને હંમેશાં યાદ રહે છે. એટલે જ બાળકોમાં જો મૂલ્યોને પોષવા હોય તો એમના શિક્ષકો એક આદર્શ રૂપે કામ કરે એ અત્યંત આવશ્યક છે. એટલે જ શિક્ષકોને મૂલ્યો સ્વભાવગત બનાવવામાં સહાય કરવા, એના દ્વારા શાળામાં વિદ્યાર્થીઓને મૂલ્યોથી અભિમુખ કરવા શિક્ષકના પ્રશિક્ષણના અભ્યાસ ક્રમમાં માનવીય મૂલ્યોની કેળવણીને એક અંતર્ગત ભાગ બનાવવો જોઈએ.

વળી, દૂરંદેશીવાળા શિક્ષકોની રાષ્ટ્રને જરૂર છે, કારણ કે સારા શિક્ષકો સારી શાળા, સારો સમાજ અને સારું રાષ્ટ્ર સર્જે છે. રાષ્ટ્રની આધાર ભૂમિકા રચનાર સાચા સ્થપતિ શિક્ષકો જ છે. ભાવિ નાગરિકોમાં મૂલ્યોનો વિકાસ કરીને રાષ્ટ્ર ઘડતરના પોતાના ભગીરથ કાર્ય માટે શિક્ષકો અધિકારસંપન્ન અને દૃઢપ્રતિજ્ઞ હોવા જોઈએ. યુનેસ્કોના શિક્ષણ કમિશનના રિપોર્ટમાં ૨૧મી સદીના શિક્ષણમાં ભીતરના સ્રોતના શિક્ષણ પર ભાર મૂક્યો છે અને વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક સાંવેગિક અને આધ્યાત્મિક ગુણવત્તાઓને વિકસાવવા દરેક રાષ્ટ્ર ઝંખે છે. આ માટે શિક્ષકોને સક્ષમ બનાવવા સેવાકાલીન અને પૂર્વસેવાકાલીન પ્રશિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ. ‘નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન’ અને ૧૯૯૨ના ‘પ્રોગ્રામ ઑફ એકશન’ – એ બંનેએ મૂલ્ય અભિમુખ કેળવણી પર ભાર મૂક્યો છે. આ યોજના પ્રમાણે હાર્દ સમાં દસ તત્ત્વોને શાળાના અભ્યાસક્રમનો એક ભાગ બનાવ્યાં છે. પરંતુ વ્યવહારમાં એના તો ખંડ-વિખંડ થઈ ગયા. એટલે પૂર્વસેવાકાલીન શિક્ષકોની કેળવણીના સાધનને માનવીય મૂલ્યોની કેળવણીની વૈશ્વિક સંકલ્પનાને સમજે, એને જીવે અને ભવિષ્યમાં પોતાના શાળાશિક્ષણમાં ઔપચારિક કે અનૌપચારિક, પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓના જીવનમાં મૂલ્યોનો વિકાસ કરે, એ જરૂરી છે.

આજે દુનિયા માહિતીયુગમાં પ્રવેશી ગઈ છે અને આ જ્ઞાનમાહિતી પણ મૂલ્યનિષ્ઠ કેળવણી માટે એક બીજું ચિંતાનું પાસું બની ગયું છે. કેવી માહિતી કે જ્ઞાન મળે છે તેની સાથે એનો સંબંધ છે. માનવીઓ રૂપ, શબ્દ, રસ, સ્પર્શ, ગંધનો અનુભવ પાંચ જ્ઞાનેન્દ્રિયો દ્વારા કરે છે. આપણામાંથી કોઈ પણ જ્ઞાન કે માહિતી મેળવે તે તટસ્થ મૂલ્ય છે. માહિતી વિદ્યુતચૂંબકીય તરંગોથી લઈ જઈને અપાય છે. એમાં વિદ્યુત અને ચૂંબકીયનાં કંપનો હોય છે. આ દૃશ્યશ્રાવ્ય કંપનો આપણાં આંખકાન સામેથી પસાર થાય છે અને તે મગજને સંકેત રૂપે પહોંચે છે. આ જ્ઞાન અને માહિતી જે મગજને મળે છે તેના પ્રતિભાવ રૂપે તે આપણા અર્ધચેતન મનમાં દૃઢ બની જાય છે. જે કોઈ પણ વ્યક્તિ જુએ સાંભળે છે ત્યારે આનંદ અનુભવે છે કે ભયભીત થઈ જાય છે કે વળી ચિંતામગ્ન પણ બની જાય છે. એક દોરીને સાપ રૂપે જોવાય તો તે ભયની લાગણી નિપજાવે છે અને સાપને જ્યારે દોરડીના રૂપે જોવાય છે ત્યારે તે અહિંસક પદાર્થનો ભાવ નિપજાવે છે.

આવી જ રીતે અવાજ દ્વારા માહિતી મેળવીએ છીએ ત્યારે ધ્વનિનાં તરંગોને વહન કરી જતા માધ્યમમાંથી તેઓ એક ભૌતિક પરિવર્તનની રીતે આવે છે, અને આ માધ્યમ સામાન્ય રીતે હવા છે. આ માધ્યમની ઘનતા સૂક્ષ્મતાયુક્ત અને અત્યંત સઘન હોય છે. શ્રાવ્યમાહિતી શ્રવણેન્દ્રિય દ્વારા મગજ સુધી પહોંચે છે. આ શ્રાવ્યમાહિતી મગજને મળે છે તેના પ્રતિભાવ રૂપે તે આપણા અર્ધચેતન મનમાં દૃઢ બની જાય છે. શ્રોતા આ માહિતી સંગીત રૂપે મેળવે છે અને આનંદ અનુભવે છે. ક્યારેક આવી માહિતી અત્યંત ઘોંઘાટભર્યા અવાજવાળી આવે છે અને પરિણામે શ્રોતા આક્રમક બની જાય છે કે ઉદ્વિગ્ન બની જાય છે. વિવિધ પ્રકારના પ્રતિભાવો એની પ્રકૃતિમાં પરિવર્તન લાવતા નથી. વિદ્યુતચૂંબકીય તરંગો, ધ્વનિતરંગો અને નાકે ચડતાં પારમાણિક તરંગો રૂપે માહિતી મળે છે. જ્ઞાનમાહિતીમાં ઊર્મિઓ નથી હોતી. વ્યક્તિ જે રીતે પ્રતિભાવ આપે છે તે રીતે માહિતીજ્ઞાન પર દોષારોપણ કરવું એક સામાન્ય પ્રતિભાવ છે. મનને અર્ધચેતનામાંથી ઉચ્ચતર ચૈતન્યની કક્ષા સુધી લઈ જનાર માહિતીજ્ઞાન પ્રત્યે પ્રતિભાવની ગુણવત્તામાં પરિવર્તન લાવવું શક્ય છે. એટલે જ શિક્ષકે વિદ્યાર્થીઓનાં દેહમન, બુદ્ધિલાગણીનો વૈશ્વિક વિકાસ થાય તે રીતે શિક્ષણ-અનુભવો પૂરાં પાડવા જોઈએ. એટલે કે શિક્ષણ-પ્રશિક્ષણ સામે એક એવો પડકાર રહેશે કે એણે બાળકોની વૈશ્વિક કેળવણીની સંભાળ રાખનાર શિક્ષકો તૈયાર કરવા પડશે. આટલા માટે શિક્ષણ-પ્રશિક્ષણ મૂલ્યમાં અભિમુખતાની આવશ્યકતા રહે છે.

સદ્‌ભાગ્યે આપણા દેશમાં કેટલીક સંસ્થાઓએ શિક્ષણ-પ્રશિક્ષણના કાર્યક્રમોમાં આવો અભિગમ અપનાવ્યો છે. શિક્ષણ-પ્રશિક્ષણમાં આવી સંસ્થાઓએ મૂલ્યનિષ્ઠ કેળવણીને પણ એના અભ્યાસક્રમમાં સમાવી લીધી છે અને આવા અભ્યાસક્રમો નિયમિત રીતે ચલાવે છે. આવી એક સંસ્થા ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન’- ‘રિમસે’ છેલ્લાં ૨૫ વર્ષથી મૂલ્યઅભિમુખતાવાળો બી.એડ.નો અભ્યાસક્રમ ચલાવે છે. (અત્યારે આ સંસ્થા ‘રામકૃષ્ણ મિશન વિવેકાનંદ એજ્યુકેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – ડિમ્બ્ડ ટુ બી યુનિવર્સિટી, બેલૂર મઠ, હાવડા’ સાથે ૨૦૦૬ થી સંલગ્ન બની છે.) શિક્ષણ-પ્રશિક્ષણમાં મૂલ્યનિષ્ઠ કેળવણીનો અભિગમ સેવાકાલીન શિક્ષકોમાં એક નૂતન અભ્યાસક્રમ રૂપે દાખલ કરવો જોઈએ કે આ સમગ્ર અભ્યાસક્રમ પૂર્વસેવાકાલીન શિક્ષણ-પ્રશિક્ષણમાં સામેલ કરવો જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર એક રૂપક દ્વારા આપી શકાય : ગળ્યા દૂધમાં સાકર દેખાતી નથી પરંતુ એના મધુરા મીઠા સ્વાદથી તેની ઉપસ્થિતિ અનુભવી શકાય છે. અને આપણે બધા આવું મીઠું દૂધ પીવાનું પસંદ કરીએ છીએ, એને બદલે પેલા ખાંડ વિનાનું દૂધ પી લેવું અને પછી ખાંડ ખાઈ લેવી એવું કરતા નથી. એટલે મૂલ્યનિષ્ઠ અભિમુખતા શિક્ષણ-પ્રશિક્ષણના હાલના અભ્યાસક્રમમાં ઉમેરો કરીને અલગ રીતે લાવવી એના કરતાં તેને શિક્ષણ-પ્રશિક્ષણથી અલગ પાડ્યા વિના એક સઘન મૂલ્યશિક્ષણ તરીકે ઉમેરવી વધારે હિતાવહ છે. 

શિક્ષણ-પ્રશિક્ષણમાં મૂલ્ય અભિમુખતા દાખલ કરવામાં બે સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે, એક છે સ્થિરતા અને બીજી પરિવર્તનશીલતા. સ્થિરતા સંસ્કૃતિની જાળવણીની અપેક્ષા રાખે છે અને પરિવર્તન શીલતા પ્રૌદ્યોગિકીની માગ કરે છે. ધ નેશનલ કાઉન્સિલ ફોર ટિચર એજ્યુકેશન આ બંને પડકારોથી વાકેફ છે. તાજેતરમાં જ આ સંસ્થાએ પોતાના આ કાર્યનો પ્રારંભ શિક્ષણ પરના તળપદા-લોકવિચારોના આધારે સંસાધન સામગ્રી વિકસાવવા અને સંદેશ વ્યવહારના સાધનોનો ઉપયોગ શિક્ષકો દ્વારા શાળાઓમાં રજૂ કરવાના કાર્યક્રમથી કર્યો છે. આ કાર્યક્રમ નવેસરથી સજાવટ પામીને રજૂઆત કરનારનો કાર્યને સરળ-સુગમ બનાવનાર બની રહ્યો છે. એટલે અત્યારે માનવીય મૂલ્યોની કેળવણી માટેની વિવિધ સંચાર સાધનો માટે ઉપયોગી થાય તેવી સંસાધન-સામગ્રીના ઉત્પાદન અને નિષ્ણાતો તેમજ મૂલ્યનિષ્ઠ કેળવણીના ક્ષેત્રમાં વિશેષતા પ્રાપ્ત કરી છે એવી સંસ્થાઓની મદદથી શિક્ષકો માટેના અભિમુખતા તાલીમવર્ગોના સંચાલન પર ભાર મૂકવામાં આવ્યો છે. 

ધ નેશનલ કાઉન્સિલ ફોર ટિચર્સ એજ્યુકેશન શિક્ષકો માટે માનવીય મૂલ્યોની કેળવણીના તાલીમ વર્ગો ચલાવે છે. શિક્ષણના નિષ્ણાતોનાં પ્રદાન તેમજ તાલીમાર્થી શિક્ષકોનાં પ્રદાનને દૃશ્યશ્રાવ્ય સાધનોમાં ઉતારી લેવામાં આવે છે. વિશ્વવ્યાપી વેબસાઈટ પર મૂકાય તે હેતુથી એવી સુખ્યાત સંસ્થાઓને આ સાધનોની સીડી અપાય છે. એન.સી.ટી.ઈ.ની વેબસાઈટ મૂલ્યલક્ષી કેળવણીનાં પ્રકાશનોની પૂરેપૂરી માહિતી પણ પ્રાપ્ય છે. મૂલ્યલક્ષી કેળવણીનાં પ્રાપ્ય પ્રકાશનો આ પ્રમાણે છે : એજ્યુકેશન ફોર કેરેક્ટર ડેવેલપમેન્ટ, એજ્યુકેશન ફોર ટુમોરો, રિપોર્ટ ઑફ વર્કિંગ ગ્રુપ ટુ રિવ્યૂ ટિચર્સ ટ્રેઈનિંગ પ્રોગ્રામ, રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઑફ ટિચર્સ ઈન બિલ્ડીંગ અપ મોડર્ન ઇન્ડિયા, ગાંધી ઑન એજ્યુકેશન, શ્રી અરવિંદ ઑન એજ્યુકેશન, તિલક ઑન એજ્યુકેશન. આ ઉપરાંત ન્યુ એજ્યુકેશન ફોર ન્યુ ઇન્ડિયા, ઇન્ટેગ્રલ એજ્યુકેશન ઑફ શ્રી અરવિંદ, જીવનવિજ્ઞાન, ટિચર્સ એઝ ટ્રાન્સફોર્મર્સની સીડી પ્રાપ્ય છે. ચિન્મય વર્ડ સેન્ટર અને એન.સી.ટી.ઈ.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યશિબિરની સીડી પણ થોડા વખતમાં બહાર પડશે. ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મોરલ એન્ડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન’- ‘રિમસે’ દ્વારા શિક્ષકોમાં મૂલ્ય અભિમુખતાની કેળવણી વિશેની બે કાર્યશિબિર દક્ષિણ ભારતના રાજ્યોના શિક્ષકો માટે યોજાઈ હતી.

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.