શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્‌ભુત સંત અદ્‌ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવના એક અંતરંગ પાર્ષદ સ્વામી અદ્‌ભુતાનંદજી પશ્ચિમના દૃષ્ટિકોણથી સાવ નિરક્ષર હતા. એમને ભાષા કે લિપિનું જ્ઞાન ન હતું. પરંતુ માત્ર અનૌપચારિક શિક્ષણના ઉચ્ચતર માપદંડથી એમને નિરક્ષર ન કહી શકાય. એનું કારણ એ છે કે એમનામાં તીવ્ર તેમજ શ્રેણીબદ્ધ ચિંતનશક્તિ હતી. નિરક્ષર હોવા છતાં પણ એમને જે રીતે પોતાના મનોજગતમાં પરિવર્તન લાવી દીધું, એવું પરિવર્તન શિક્ષિત હોવા છતાં પણ આપણામાંથી કેટલા લોકો લાવી શકે અને એ સંસ્કૃતિના અધિકારી બની શકે? 

એક નોંધપોથીમાં લાટુ મહારાજ (સ્વામી અદ્‌ભુતાનંદજી)નો વાર્તાલાપ આ પ્રમાણે છે :

લાટુ મહારાજ : ‘ખબર છે..! મારું જે કંઈ પણ છે તે એમને (શ્રીઠાકુરને) લીધે છે. મારા જેવો મૂર્ખ સાધનામાં શું મન લગાડવાનો હતો. સાધના શું છે એ વિશે હું ક્યાં કંઈ જાણતો હતો. તેઓ જ મને સાધન-ભજન કરાવી દે છે. હું તો એમનો કેવળ સેવક બનવા ઇચ્છું છું; પરંતુ એમણે જ મને સાધનભજન શીખવ્યાં. સાધન-ભજનથી શું લાભ છે, એ તો હું એ સમયે કંઈ જાણતો ન હતો. એમણે જ મને રામજીનાં કાર્યો વિશે બતાવ્યું હતું.’

એક ભક્ત : મહારાજ, રામજી વિશે શું બતાવ્યું હતું?’

લાટુ મહારાજ : ‘એક દિવસ હું એમના ચરણો પર હાથ ફેરવતો હતો. એમણે (શ્રીઠાકુરે) મને કહ્યું: ‘ભલા ભાઈ, એ તો કહે કે તારા રામજી આ સમયે શું કરી રહ્યા છે?’ હું તો સાંભળીને અવાક બની ગયો – રામજીનાં કાર્ય વિશે હું કેવી રીતે જાણી શકું? મને શાંત જોઈને એમણે શું કહ્યું એ તમને ખબર છે? એમણે કહ્યું: ‘અરે! તારા રામજી અત્યારે સોઈના નાકામાંથી હાથીને પસાર કરી રહ્યા છે!’’ 

એક ભક્ત : ‘શું કહ્યું, મહારાજ? સોઈના નાકામાંથી હાથીને પસાર કરી રહ્યા છે, એનો અર્થ શો છે, મહારાજ?’

લાટુ મહારાજ : ‘ન સમજ્યા 

શું? મારો આધાર તો નાનો હતો અને તેઓ જ મારી ભીતર સાધના-વગેરે ઢાળતા હતા.’

એક ભક્ત : મહારાજ, શું સાધનાને ઢાળી શકાય ખરી?’

લાટુ મહારાજ : ‘હા. પણ ગમે તે ઢાળી ન શકે. જેમણે ભગવાનને જોયા છે, એમના આનંદમાં જે ડૂબી શક્યો છે તે જ ઢાળી શકે. પરંતુ જેમાં સાધના નથી તે ન ઢાળી શકે.’

એક ભક્ત : ‘મહારાજ, અમારી ભીતર પણ થોડી ઘણી સાધના ઢાળી દો ને!’

લાટુ મહારાજ : ‘અરે! તેઓ કરી શકતા હતા. તેથી શું હું પણ કરી શકીશ?’

એક ભક્ત (આર્તસ્વરે) : ‘કરી શકશો, મહારાજ! અમારા લોકો પર થોડી કૃપા કરો. આ જન્મમાં અમે થોડી સાધના પામી શકીએ એની થોડી વ્યવસ્થા કરી દો.’

લાટુ મહારાજ : ‘જુઓ ભાઈ! અહીં આવવાથી એવું લાગે છે કે કેવળ સાધન-ભજન લઈને જ રહીશ અને ઘર પાછા ગયા પછી ‘ધત્‌ તારાં સાધનભજનની!’ એવું મનમાં થઈ જાય છે. સંસારમાં તમારા લોકોની ધન જ સાધના છે, એને માટે જ દિવસરાત તમારે પરિશ્રમ કરવો પડે છે. અત: ધ્યેયસાધના કરતાં એમાં જ સિદ્ધિલાભ મળશે. તમે લોકો ભગવાનની સાધના ઇચ્છતા નથી, એટલે ભગવાનને પામી શકતા નથી.’

એક ભક્ત : ‘સંસારમાં રહેવાથી રૂપિયા પૈસાની તો જરૂર પડે જ. આપ તો બરાબર જાણો છો કે રૂપિયા પૈસા વિના ઘર-સંસાર ચાલે નહિ.’

લાટુ મહારાજ : ‘હા! હું જાણું છું. પણ જેવું ચાહશો એવું મળશે. તેઓ (શ્રીઠાકુર) કહેતા: ‘એમની પાસેથી જે કંઈ માગશો એ બધું મળશે. પણ એમને ચાહવાથી બધી ઇચ્છાઓનો અંત આવી જશે.’

એક ભક્ત : ‘મહારાજ, અમે લોકો તો એમને (શ્રીઠાકુરને) પોકારી શકતા નથી! અમારા જેવા અભાગિયાના પોકાર શું એમના કાન સુધી પહોંચી શકે ખરો?’

લાટુ મહારાજ : ‘અવશ્ય પહોંચે. તમારા લોકોના પોકારમાં છે, રૂપિયા – રૂપિયા અને રૂપિયા! એટલે તેઓ તમને રૂપિયા મોકલે! અને જે દિવસે ‘હું રૂપિયા, માન, યશ, આદિ કંઈ પણ નથી ચાહતો, કેવળ તમને જ ચાહું છું’ એવો પોકાર ભીતરથી આવશે તે જ દિવસે તેઓ પધારશે.’ તેઓ (શ્રીઠાકુર) કહેતા: ‘ભોગ રહી જવાથી જ યોગ ઘટે છે. ભોગ રહેવાથી તકલીફ વધે છે.’ તેઓ દિવસરાત અમને આ જ વાત શીખવતા અને કહેતા: ‘યાગયોગ મેં જાગ્રત રહો. સૂતી વખતે એમને પોકાર જો, કામની વચ્ચે એમને પકડજો અને સદૈવ એમની સેવામાં લાગ્યા રહેજો.’’

એક બીજી ઘટનામાં લાટુ મહારાજના બલરામ મંદિરમાં નિવાસકાળ દરમિયાન મેં એમની પાસેથી પ્રણિપાતના અર્થ વિશે જે કંઈ સાંભળ્યું છે, તેમજ શ્રીઠાકુરે એમને પ્રણિપાત ધર્મમાં દીક્ષિત કરતી વખતે જે ઉપદેશ આપ્યો હતો. એ જ હું અહીં લખું છું :

‘એક દિવસ, એક ધનવાન ભક્તે બે હાથ જોડીને લાટુ મહારાજ ને નમસ્કાર કર્યા. એમણે ભક્તને કહ્યું : ‘જુઓ ભાઈ, સાધુ-સંન્યાસી અને દેવતાને દંડવત્‌ પ્રણામ કરવા જોઈએ. તેઓ (પરમહંસદેવ) કહેતા : ‘આવા કુહાડી નમસ્કારથી ફળ મળતું નથી.’

આ સાંભળીને એક બીજા ભક્તે લાટુ મહારાજને પૂછ્યું : ‘મહારાજ, આ કુહાડી નમસ્કાર વળી શું છે?’ લાટુ મહારાજ : ‘અરે! તમને ખબર નથી. એ નમસ્કાર એટલે તમે લોકો બે હાથ ઊંચા કરીને માથા સાથે લગાડો છો – એને કુહાડી નમસ્કાર કહેવાય. એક દિવસ ગિરીશબાબુએ ઠાકુરને આ રીતે (કુહાડી) પ્રણામ કર્યા. એની સાથે જ એમણે અમારા સૌની સામે જ કમ્મર નમાવીને ગિરીશબાબુને નમસ્કાર કર્યા. ગિરીશબાબુએ વળી પાછા કમ્મર નમાવીને શ્રીઠાકુરને પ્રણામ કર્યા. શ્રીઠાકુરે પણ ઝૂકીને ગિરીશબાબુને પ્રણામ કર્યા. આવી રીતે પ્રણામ કરતાં કરતાં જ્યારે ગિરીશબાબુ જમીન પર સૂઈને દંડવત્‌ બની ગયા. ત્યારે શ્રીઠાકુરે એમને આશીર્વાદ આપ્યા. એટલે જ તો પછીથી ગિરીશબાબુ કહેતા : ‘આ વખતે તેઓ નમસ્કાર દ્વારા જગત પર વિજય કરવા આવ્યા હતા. કૃષ્ણ અવતારમાં અસ્ત્ર હતું વાંસળી, ચૈતન્ય અવતારમાં નામસંકીર્તન અને આ અવતારમાં પ્રણામ અસ્ત્ર.’

ધનવાન ભક્ત : ‘મહારાજ! અમે લોકો એટલું બધું નથી જાણતા. બધા લોકોને આવી રીતે પ્રણામ કરતાં જોઈને અમે પણ એવું જ શીખ્યા છીએ. અમારી ભૂલ માટે ક્ષમા કરો.’

લાટુ મહારાજ : ‘અરે! તમે ભૂલ કરી છે એમ કોણ કહે છે? પણ એ વાત ખરી કે તેઓ (શ્રીઠાકુર) શું કહેતા હતા તે જાણો છો? પોતાની સમાન હોય તેમનેય પ્રણામ કરવા. પણ જ્યાં તમારાથી કોઈ માણસ વિદ્યા-બુદ્ધિ-સાધનામાં કે નામ-યશ કે ધનમાં મહાન હોય તો તેમની સામે શિશ નમાવીને પ્રણામ કરવા જોઈએ. જેને પ્રણામ કરીએ છીએ તેની બધી વાતો પર ધ્યાન આપવું જોઈએ અને એનું પાલન કરવું જોઈએ. એમની સમક્ષ અભિમાન કે અહંકાર ત્યજી દેવા જોઈએ. તેઓ (શ્રીઠાકુર) અમને હંમેશા કહ્યા કરતા : ‘અરે! મન-મુખ એક કરીને પ્રણામ કરવા. માત્ર દેખાડવાના પ્રણામથી કંઈ ફળ મળતું નથી.’

એ વાતમાં કોઈ સંદેહ નથી કે સેવકધર્મમાં દીક્ષિત થવા માટે ગુરુ બનાવવાની આવશ્યકતા રહે છે. એનું કારણ એ છે કે ગુરુહીન સેવક, સઢ વિનાની હોડી જેવું છે અને તે કર્મસમુદ્રમાં વહેતો રહે છે. પણ સેવકધર્મનું લક્ષ્ય શું છે, તેની ધારણા તે કરી શકતો નથી. એને કારણે એની કર્મપ્રેરણામાં રજોગુણની પ્રબળતા રહે છે. તેમજ કર્મચક્રના ગોરખધંધામાંથી બહાર નીકળવાનો માર્ગ શોધવામાં અસફળ બને છે અને પછી ક્લાંત, અશાંત અને બેચેન બની જાય છે. લાટુ મહારાજ જેવા સાત્વિક યુવક ક્યાંક અપરિપક્વ અવસ્થામાં જ કર્મની ઉદ્દીપનામાં ડૂબીને રાજસી ન બની જાય એટલે પરમહંસદેવે એને આ વિશે સાવધાન કરી દીધા હતા અને કહ્યું : ‘અરે! જોજે ક્યાંય ભૂલી ન જાતો!’

સેવક લાટુ મહારાજે જીવનભર આ જ આદેશનું પાલન કર્યું એમણે કોઈપણ દિવસ એમને (શ્રીઠાકુરને) વિસારે ન પાડ્યા, ક્યારેય એમના પ્રત્યે અકૃતજ્ઞતા વ્યક્ત ન કરી કે તેમજ ક્યારેય એમની અવગણના પણ ન કરી. કેવળ દક્ષિણેશ્વરના નિવાસકાળમાં જ નહીં, કેવળ શ્રીઠાકુરના જીવનકાળમાં જ નહીં, પરંતુ શ્રીઠાકુરની મહાસમાધિ પછી પણ લાટુ મહારાજનો એક માત્ર એ જ ભાવ હતો, એક માત્ર એ જ પ્રેરણા હતી અને એક માત્ર આ જ કામના હતી. – ‘ક્યાંક એમને હું ભૂલી ન જાઉં.’

આ રીતે શ્રીઠાકુરે સેવકના મનમાં એક સેવવા જેવા વિષયને યાદ રાખવાનું કૌશલ્ય બરાબર દૃઢતાપૂર્વક બેસાડી દીધું. શ્રીઠાકુરે સેવક સમક્ષ પોતાની જાતને ગોપનીય રાખીને તેને સેવ્યનું સ્મરણ-મનન કરવામાં સમય વિતાવવાનો આદેશ આપ્યો હતો. એમણે ‘તેઓ પોતે જ સેવ્ય છે.’ એ જાણવા ન દીધું, એમ છતાં પણ એવો સંકેત આપી દીધો કે એમને પકડી રાખવાથી એમના સુધી પહોંચી શકાય છે. સેવક લાટુ મહારાજે પણ એમના સુધી પહોંચવા માટે શ્રીઠાકુરને જ લઈને સેવાકાર્યનો આરંભ કર્યો હતો. લાટુ મહારાજે આટલી દૃઢતાપૂર્વક શ્રીઠાકુરનું અવલંબન કરીને સાધનાજીવનનો પ્રારંભ કર્યો હતો અને પછીના કાળમાં પણ એમના ગુરુભાઈઓ પણ એમને જોઈને કહેતા: ‘ઠાકુરને લેટોએ (લાટુ મહારાજ) બરાબર પકડી રાખ્યા છે, આપણે લોકો તો કેવળ એમના ઉપદેશોને વાગોળીએ છીએ.

લાટુ મહારાજને જોયા વિના આપણે એ વાત સમજી ન શકીએ કે એક વ્યક્તિ માટે કોઈ બીજાને ‘પોતાનું જીવન સર્વસ્વ’ બનાવી લેવું પણ સંભવ છે કે ખરું. અમે માનીએ છીએ કે અનેક લોકો બીજાને માટે પ્રાણ પણ અર્પી શકે છે. પરંતુ અહંકાર અને આત્માભિમાનનો ત્યાગ કરીને કોઈ બીજાને પોતાના ‘સર્વસ્વ’ કહી શકે અને તદનુસાર જીવનયાપન કરી શકે એવું જીવન વસ્તુત: આ જગતમાં ઘણું દુર્લભ છે.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.