(રામકૃષ્ણમઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘વેલ્યૂઝ : ધ કી ટુ એ મિનિંગફૂલ લાઈફ – સાર્થક જીવન માટે ગુરુચાવી રૂપ મૂલ્યો’માં રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને સેન્ટર વેદાંતિક રામકૃષ્ણ, ગ્રેઈત્ઝ, ફ્રાંસના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીતમોહાનંદજી મહારાજે લખેલ અંગ્રેજી લેખ ‘મ્યુઝિક ફોર પર્સનલ ડેવેલપમેન્ટ’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

કોઈ પણ કળા સમાજની સામુહિક ચેતનાની નીપજ છે. સમાજે સમાજે તેમાં ભિન્નતા જોવા મળે છે અને એ જ એને વિલક્ષણતા પણ અર્પે છે. સમાજનો દરેકેદરેક સભ્ય એમાં સામાન્ય રસનો સહભાગી બને છે પણ એક સરખી રીતે નહિ. તેની તીવ્રતા માટે એ માટેની જાગૃતિ કે ચેતનાની આવશ્યકતા રહે છે. મનની વધારે સૂક્ષ્મતા, દૃષ્ટિકોણની વિશાળતા, સંવેદનશીલતા અને ઉચ્ચસ્તર પર દોરી જનારાં મૂલ્યોની સમજદારી જન્મે છે. પછી કલાનુભૂતિ ગહન અને વિશાળ બને છે. દરેક વ્યક્તિના બે પાસાં છે : એક અંતર્મુખી અને બીજું બહિર્મુખી. પહેલાંને સૌંદર્યની દૃષ્ટિ સાથે સંબંધ છે. બીજાને બુદ્ધિ દ્વારા થતા તર્ક સાથે સંબંધ છે. આ બંને વચ્ચેની સમતુલા જીવનમાં સાતત્ય અને તાટસ્થ્ય લાવે છે. સુરુચિ એ ભીતરના સમૃદ્ધ જીવનની પૂર્તિ છે. આને લીધે બાહ્ય વિશ્વ પ્રત્યે પોતાની જાતને વધુ સારી રીતે અભિમુખ કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનાથી વ્યક્તિ અને સમાજ બંનેની સમાંતર ઉન્નતિ સાધી શકાય છે. સંગીત એ કોઈ પણ સભ્યતાની અભિવ્યક્તિની એક રીતિ છે. હું હવે તમને ભારતીય સંગીતની વાત કરું છું. એમાં ચાર મૂળભૂત સંકલ્પનાઓ છે : રાગ, તાલ, ગાન, વાદ્ય.

જેમણે ગમે તે રૂપમાં ભારતીય સંગીતને કોઈ પણ પ્રકારે સાંભળ્યું હશે, તેમણે ‘રાગ’ વિશેનાં જ્ઞાનમાહિતી એની પાસે હશે જ. એ ‘રાગ’ને કેવી રીતે સમજાવવો કે વર્ણવવો? ઉદાહરણ તરીકે ચિત્રકામ જુઓ. ચિત્રકામ એ આંખથી માણી શકાય તેવું સંગીત છે. ચિત્રમાં આકૃતિ કે પ્રતિમામૂર્તિ, વિવિધ રંગો વગેરે હોય છે. આ બધું સાથે મળીને એક આકર્ષક ચિત્ર બને છે. એવી જ રીતે સંગીતને પણ રાગ, લય, ગાન અને વાદ્ય હોય છે. 

હું એક બીજું ઉદાહરણ આપું છું. અક્ષરો શબ્દ બનાવે છે, શબ્દોથી શબ્દસમૂહ રચાય છે, આ શબ્દસમૂહોને સુયોગ્ય રીતે સાથે મૂકવાથી આપણે જે કંઈ પણ વર્ણવવા માગતા હોઈએ એનો બોધ થાય છે. આવી જ રીતે સંગીતને પોતાના સૂર હોય છે. આ સૂરોને સમૂહમાં મૂકવામાં આવે છે અને સંગીતકારની મનોવૃત્તિ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે. તે માધુર્ય ઉત્પન્ન કરે છે. મનુષ્યની લાગણીઓને અભિવ્યક્ત કરવા માટે આ માધુર્યને ગીત સાથે જોડવામાં કે મૂકવામાં આવે છે. આ રીતે જ્યારે એ ગીત માધુર્ય અને લય સાથે ગાવામાં આવે ત્યારે તે આવશ્યક લાગણીઓ-ઇચ્છિતભાવો આપે છે. મનુષ્યના વિચારનું એક ચિત્ર ખડું કરી દે છે.

તાલ કે લયનો અર્થ શું છે? જેમ મીટર એ અંતરને માપવાનું એકમ છે તેમ તાલ એ ગાનમાપનનું એક એકમ છે. દરેક તાલનું બંધારણ સુનિશ્ચિત છે અને જુદા જુદા તાલમાં તે જુદું જુદું હોય છે. ગાનના આરંભથી અંત સુધી ચક્રાકાર ગતિની જેમ તેનું પુન: પુન: આવર્તન થાય છે. તે વૈયક્તિક તેમજ આનુષંગિક પરિણામ અમુક સમયમાં નિષ્પન્ન કરે છે. અહીં ગાન એટલે સંગીતકૃતિની વિવિધગાયકીઓ. એમને આલાપ, ધ્રૂપદ, ઠુમરી, તરાના જેવાં જુદાં જુદાં નામે આપણે ઓળખીએ છીએ. દક્ષિણભારતના સંગીતમાં એને વર્ણ, કૃતિ, તિલ્લાના વગેરે કહેવામાં આવે છે. વાદ્યો વિવિધ પ્રકારનાં હોય છે જેવાં કે તાનપુરો, વીણા, વાંસળી, મૃદંગ, સિતાર, સારંગી, સરોજ, તબલાં, પખવાજ વગેરે. વાયોલિન, સેક્સોફોન, ક્લેરિયોનેટ અને મેંડોલિન જેવાં આધુનિક વાદ્યો પણ છે. 

હવે સંગીતની અનુભૂતિના અંગભૂત ઘટકની ચર્ચા કરીએ. ભારતીય સંગીતમાં સામાન્ય રીતે બે અંગભૂત ઘટક છે : એક શબ્દ અને બીજો રાગતત્ત્વ. જે બંનેનું સર્જન કરે છે તેને વાદ્યકાર કહેવાય. શબ્દ ઘટકમાં શાશ્વત મૂલ્યો અને ભાવ બંને હોય છે. એમાં શ્રદ્ધાભક્તિ, નૈતિકતા, તત્ત્વદર્શન, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના નિર્દેશો હોય છે; સાથે ને સાથે કરુણા, શૌર્ય, શૃંગારભાવ જેવી લાગણીઓનું પ્રગટીકરણ પણ હોય છે. સંગીતની દરેકેદરેક ભાતમાં રસ એ સંગીતનું સ્વતંત્ર સ્વયંભૂ પાસું છે. તે કલ્પનાસ્વર અને રાગ-આલાપનની સંવૃદ્ધિ જેવાં સર્જનાત્મક તત્ત્વોના વિકાસમાં વિશુદ્ધ અને પૂર્ણ હોય છે. એમાં જ સંગીતની સાચી સાર્થકતા રહેલી છે. શબ્દ અને રસ ગીતમાં વિવિધ પ્રમાણમાં સંમિશ્રિત બનીને એક સંઘટિત અનુભવ આપે છે. શબ્દો કેટલાંક ગીતોમાં કે ગાનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે તો વળી બીજાં કેટલાંકમાં રસ પ્રભુત્વ ધરાવે છે. વાસ્તવિક રીતે આ બંને મહત્ત્વના છે. જે સંગીતમાં શબ્દ સવિશેષ પ્રબળ હોય છે તે સાહિત્યિક મૂલ્યવાળું હોય છે. રસભાવપ્રધાન સંગીત સાંગીતિક મૂલ્ય તેમજ સાહિત્યિક મૂલ્ય ધરાવે છે. સંગીતની અનુભૂતિ આપણને ચાર વિવિધ સ્તરે થાય છે. પ્રથમ શારીરિક પ્રતિભાવ ઉદ્‌ભવે છે. જ્યારે આપણે સુશ્રાવ્ય સંગીત સાંભળીએ છીએ ત્યારે આપણું માથું હલાવીએ છીએ અને તાળીઓ પાડીએ છીએ; તો ક્યારેક આશ્ચર્યમુગ્ધ બની જઈએ છીએ, આનંદ ઉલ્લાસ કે આંખનાં આંસું દ્વારા આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ.

બીજી અનુભૂતિ એ માનસિક પ્રતિભાવની છે કે જે આપણા લાગણીભાવને સ્પર્શે છે. તે આપણી ભીતરી પરિસ્થિતિઓ પર અસર પાડે છે અને શોક, કરુણા, શૃંગાર જેવી લાગણીઓને નીપજાવે છે. આ બધું ગાનના શબ્દોથી પણ થઈ શકે છે.

ત્રીજી અનુભૂતિ એ બૌદ્ધિક કે વિશ્લેષણાત્મક પ્રતિભાવની છે. તે સૌંદર્યનાં તત્ત્વોને સભાનપણે ગ્રહણ કરે છે તેમજ ગીતના શબ્દો અને તત્ત્વ એ બંનેની પારિભાષિકતા પણ કરે છે.

ચોથી અનુભૂતિ અનુભવાતીત સર્વોત્કૃષ્ટ પ્રતિભાવની છે. એમાં સૌંદર્યના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. અનુભૂતિનું આ સર્વોત્કૃષ્ટ સ્તર કે નિર્મળતમ અનુભવ છે. આ અનુભૂતિ આપણામાં ત્યારે જ આવે કે જ્યારે આપણે સંગીતના આત્મામાં ઊંડી ડૂબકી મારીએ, આપણે પૂર્ણપણે ભાવ, રાગ અને તાલમાં એકરૂપ બની જઈએ.

આપણાં ભાવ કે લાગણીઓના પ્રગટીકરણ માટે આપણે એક વાહક રૂપે સંગીતનો ઉપયોગ કરી શકીએ. આવા ભાવ નવ છે : એક છે શૃંગાર અથવા સૌંદર્ય,બીજો છે હાસ્ય – જે તમને હસાવે છે; ત્રીજો વિષાદ કે શોક છે, ચોથો ક્રોધ (આક્રમકતાનો ભાવ) છે; પછી છે વીર પરાક્રમ; ત્યાર પછીનો છે ભયનો ભાવ; પછી આવે છે બીભત્સ-ઘૃણાનો ભાવ; અને છેલ્લે આવે છે અદ્‌ભુતતા – આશ્ચર્યનો ભાવ.

આ ભાવ ઉપરાંત બે અન્ય ભાવોનો પણ ઉમેરો કરવામાં આવે છે – વાત્સલ્ય અને શાંત. આ નવ ભાવમાંથી આઠ દ્વારા સૌંદર્યબોધક મન:સ્થિતિઓ-રસો અભિવ્યક્ત થાય છે. એ રસોના નામ પણ શૃંગાર, હાસ્ય, કરુણ, રુદ્ર, બીભત્સ, ભયાનક અને અદ્‌ભુત છે. આ રસોને પણ સંગીત દ્વારા અભિવ્યક્ત કરી શકાય છે. એટલે જ આપણા ચારિત્ર્યઘડતર કે વ્યક્તિત્વ ઘડતર માટે સંગીત ઘણું મહત્ત્વનું છે. આપણે સરળતાથી આપણા ભાવને એના દ્વારા રૂપાંતરિત કરી શકીએ છીએ. સંગીત આપણને સર્જનાત્મક બનાવવામાં સહાયરૂપ બને છે. જીવનના દરેકેદરેક ક્ષેત્રઘટક ચોક્કસ પદ્ધતિ તેમજ શિસ્ત માગી લે છે.

સંગીતને પણ પોતાની એક પદ્ધતિ છે. આપણે સંગીતને પદ્ધતિસર રજૂ કરીએ ત્યારે જ એ સર્જનાત્મક આનંદ આપી શકે. સંગીતને સાંભળવાનો આનંદ ત્યારે જ માણી શકાય કે જ્યારે સંગીતકારની ચેતનાના સ્તરે આપણું મન સુમેળ સાધી શકે. આપણે કોઈ સંગીતકારને સાંભળીએ છીએ ત્યારે ગાનારના તરંગો સીધા જ આપણને સ્પર્શે છે અને આનંદ આપે છે. ટેપ વગેરે સાંભળવાથી એવા સીધા તરંગો આપણને સ્પર્શી શકતા નથી. એ વખતે કેવળ એમાંથી નીપજતા સંગીતના સ્વરની જ પ્રાપ્તિ થાય છે. સંગીત પોતે જ પોતામાં એક શિક્ષણપદ્ધતિ છે. આપણને આનંદ અનુભવ આપે છે. આપણી ચેતનાના સ્તરને પ્રાણવંત અને પ્રકાશિત કરે છે. આપણા આંતર્બાહ્ય જીવનને મધુર બનાવે છે. સંગીતમાં આધ્યાત્મિક સાધકના જીવનના ઊંડાણમાં જવાનું અને એને રૂપાંતરિત કરી દેવાનું સામર્થ્ય છે.

સંગીત સાધકના જીવનના રહસ્યને ઉકેલવાનો તલસાટ પ્રદીપ્ત કરી શકે છે. સંગીત આપણાં મનબુદ્ધિને વિશાળ બનાવે છે. આપણા આત્માને પ્રકાશિત કરે છે અને જીવન તેમજ કલાના સાચા મહત્ત્વનો ખ્યાલ આવે છે. આપણે ફક્ત સ્વરોના મિશ્રણ અને એની વિવિધતાના મિશ્રણના રિયાઝથી જ સંતોષ માની લેવો ન જોઈએ. આપણે તો રાગના અંત:સ્તલ સુધી ડૂબકી મારવી જોઈએ. આપણા સૌ માટે સંગીત એક વરદાન કે ઉપહારસમું છે. એ આપણા દીમાગને સુખ અને શાંતિ આપે છે; અને આપણને વૈશ્વિક વિચાર કે આદર્શ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ભ્રમથી કે અજ્ઞાનથી આપણને મુક્ત કરે છે. આપણા રોજબરોજના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે.

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.