શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય અને એક સાધકપુરુષ સાધુ નાગમહાશયે મૂળ બંગાળીમાં લખેલ ‘બાલકદેર પ્રતિ ઉપદેશ’નો સ્વામી પરપ્રેમાનંદે અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

માતાપિતાના આદેશનું પાલન અને આહાર વ્યવહાર

હે વત્સ! તમે બાળક છો. અત્યારે કોઈ મહા કાર્ય માટે સક્ષમ નથી, એટલે તમે તમારી પોતાની બુદ્ધિથી ચાલતા નહિ. તમારાં માતાપિતા કે ગુરુજનોના ઉપદેશને ગ્રહણ કરો. એનું કારણ એ છે કે કરુણાળુ ઈશ્વરના આદેશ મુજબ તેઓ શિશુકાળથી જ કેટલાં દુ:ખક્લેશ સહન કરીને તમારું સંરક્ષણ અને સંપોષણ કરે છે. ક્યારેય એમની આજ્ઞાની અવગણના ન કરતા અને મતથી વિરુદ્ધ આચરણ ન કરતા. અત્યારથી જ એમની આજ્ઞાનું પાલન કરવાથી તમારા મુખની કાંતિ અતિ સુંદર બની જશે. વત્સ, ભલે તમે અત્યંત ગરીબ હો, અરે પહેરવાંને કપડાં પણ ન હોય, તો પણ એના માટે દુ:ખ ન અનુભવતા. તમારા મિત્રોની પાસે ભલે ગમે તેવાં સારાં સારાં કપડાં હોય તો પણ એમનાં માતપિતા પાસેથી કંઈ માગતા નહિ. એમ કરવાથી તમારા પિતાના મનમાં ઉદ્વિગ્નતા ઊભી થાય છે. ધનવાન વ્યક્તિ પોતાના છોકરાને કે છોકરીને જો વધારે કિંમતી કપડાં પહેરાવતા હોય તો એના દ્વારા એમનું ધનપ્રત્યેનું અભિમાન જ પ્રગટ થાય છે. એને લીધે તે વધારે અહંકારી બની જાય છે. તમારાં માતપિતા જે કંઈ ઉપદેશ કે જીવનપાઠ ભણાવે તેનું પાલન કરતા રહેજો. અજ્ઞાનતાને લીધે કોઈ ખરાબ કે ખોટું કામ થઈ જાય અને એને માટે તમારાં માતપિતા તમને ઠપકો આપે તો એ ઠપકો પણ સહન કરી લેવો અને એમના ઉપદેશને પણ ગ્રહણ કરી લેવો જોઈએ. એનાથી તમારું ક્ષેમકલ્યાણ થશે અને તમને જ્ઞાનપ્રાપ્તિ પણ થશે. હે વત્સ! તમને ઘરમાં જે કંઈ ખાવાપીવાનું મળે છે એનાથી સંતુષ્ટ રહેજો. સ્વાદલોભને કારણે બીજી ચીજવસ્તુઓ ખાવાની ઇચ્છા ન કરવી અને એ માટે કંકાસ પણ ન કરવો. 

આળસપ્રમાદનો ત્યાગ અને કાર્યનિષ્ઠા

હે વત્સ! આળસપ્રમાદનો ત્યાગ કરજો. આપણે જે મહાન લોકોનાં જીવન જોઈએ છીએ એ બધાએ શિશુકાળથી જ આળસપ્રમાદનો સાધુ નાગમહાશયે ત્યાગ કર્યો હતો અને સતત પરિશ્રમ કરતા રહ્યા હતા. પરિણામે ઈશ્વરે એ બધાને કર્માનુસાર સારું ફળ પણ આપ્યું હતું. જો તમે સૂતા જ રહેશો કે રમતગમતમાં જ સમય વિતાવશો તો પ્રભુ તમારા પર કૃપા કેવી રીતે વરસાવશે? તમારું કોઈ કાર્ય જો બરાબર નહિ હોય તો તમારા દુ:ખમાં વધારો થવાનો. તમે તમારા કર્તવ્યો બરાબર કરતા રહો, અધ્યયન-અભ્યાસ કરતા રહો અને ધર્મભાવનાવાળા બનો. જુઓ, નાની એવી કીડી પણ આળસને ખંખેરીને પોતાના આહાર માટે કેવું અને કેટલું બધું એકઠું કરે છે! સ્વભાવથી જ કર્મઠ લોકો કામ કરવાથી થાકતા નથી. જેમનાં હૃદયમાં સાહસ અને શક્તિ હોય છે તેઓ પોતાનાં કર્તવ્ય-કર્મ પથ પરથી એક ડગલુંયે પાછું હટતા નથી. આવા લોકો જ પોતાના જીવનલક્ષ્ય સુધી પહોંચી શકે છે અને જીવનને આનંદમય બનાવે છે. 

વિદ્યાભ્યાસ દ્વારા મૂર્ખતામુક્તિ

હે વત્સ! વિદ્યા અમૂલ્યધન છે. સોના-ચાંદી-રત્નોથી પણ શ્રેષ્ઠ છે. વિદ્યાધનથી તમે બધાં ધન પ્રાપ્ત કરી શકશો. નિયમ પાલન કરીને નાની ઉંમરથી જ માતપિતાના આદેશ પ્રમાણે પ્રયત્નશીલ રહેવાથી તમને આ વિદ્યાધન મળી શકે. વળી આ વિદ્યાધન આપવાથી પણ ઘટતું નથી અને ક્યારેય નાશ પણ નથી પામતું. આ મહામૂલા વિદ્યાધનને પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરતા રહો. પોતાના શિક્ષકો અને માતપિતાના ઉપદેશને ધ્યાનથી સાંભળો અને તેનું ચિંતન-મનન કરો. આમ કરવાથી તમને જીવનમાં સફળતા, શાંતિ મળશે અને એ વિદ્યાધન તમારું રક્ષણ પણ કરશે. એનાથી તમે સાચી ધર્મભાવનાવાળા બનશો અને તમે બીજા માટે મંગલકાર્યો કરી શકશો. હે વત્સ! જે લોકો શિશુકાળથી વિદ્યાભ્યાસ કરતા નથી તેઓ મહામૂર્ખ બને છે. એમનું જીવન નિષ્ફળતાને વરે છે. એમને સારાં-નરસાંનું કે ભલાબૂરાનું કોઈ જ્ઞાન હોતું નથી. આવા લોકોને જીવનમાં ઘણાં દુ:ખકષ્ટ વેઠવાં પડે છે. એમનાં માતપિતાને પણ પીડાકારી બને છે. હે વત્સ! તું ક્યારેય મૂર્ખ સાથે ન રહેતો. એમ કરીશ તો તારા સર્વનાશને નોતરીશ.

અસત્યનો ત્યાગ અને સત્ય-ન્યાયનું પાલન

હે વત્સ! તું સદૈવ ન્યાયના પથે ચાલતો રહેજે. ક્યારેય અસત્યવચન ન બોલતો. તું કોઈ ખોટું ખરાબ કાર્ય કર અને એને પોતાનાં માતપિતાથી છુપાવ તો એમને એનાથી વધારે દુ:ખ અને ગ્લાનિ થશે. જે સત્યનો ઉચ્ચાર કરે છે તે જ ધાર્મિક ગણાય છે. સત્યપાલન કે સત્યવચન બોલવાથી તારે દુ:ખકષ્ટ ભોગવવાં પડે તો પણ એને વેઠવાં; કારણ કે એનાથી જ તારું મંગલ થવાનું છે; તું સાહસિક બનીશ, પ્રભુ તારી રક્ષા કરશે અને એમના આશીર્વાદ તારા પર વરસતા રહેશે.

પાડોશી અને સમવયસ્ક સાથેનો વ્યવહાર

હે વત્સ! જે લોકો તારા ઘરની આજુબાજુ રહે છે એમનું બૂરું કદીયે ન ઇચ્છતો. એમની સાથે તું સદ્‌ભાવ રાખજે અને સારી વાતો કરજે. તારી જરૂરતના સમયે તને એમની જ સહાયતા મળશે. દૂરનાં સગાં કે સાથી કરતાં નજીકનો પાડોશી આપણા માટે શ્રેષ્ઠ બની રહે છે. બધાંનું સન્માન કરતો રહેજે. 

કટુવચનનો ત્યાગ અને નમ્રતા પ્રાપ્તિ

હે વત્સ! કોઈને કટુવચન કે અપશબ્દ ન કહેજે. કટુવચન અને અપશબ્દ બોલનારા પોતાનું સમગ્ર જીવન દુ:ખમાં જ વિતાવે છે. ઝઘડા કરીને આવા લોકો પોતાના શત્રુઓ વધારે છે. મીઠાં વચન, મીઠી વાત અને સરળ આચરણથી બધાની સાથે રહેજે.

દયાશીલતા

હે વત્સ! બધાં પ્રત્યે દયા, કરુણા દાખવજે. આંધળાં, લૂલાં-લંગડાં કે કંગાલ-ગરીબ પ્રત્યે સદ્‌વર્તન દાખવજે. જો એમ નહિ કર તો જેમણે આ બધાંને સર્જ્યાં છે એવા કરુણાળુ પ્રભુ તારાથી અસંતુષ્ટ થશે. આવા કુવર્તનથી તો તારું જ અકલ્યાણ થવાનું. તું આવાં અસહાય લોકો પર ઉપકાર કરતો રહીશ તો તને ક્યારેય કોઈ ચીજની ઊણપ સાલશે નહિ. ઈશ્વરની કરુણા સદૈવ તારા પર વરસતી રહેશે અને તું સુખ-આનંદમાં રહી શકીશ.

દુર્વૃત્તિનો ત્યાગ અને ધર્મભાવના કેળવવી

હે વત્સ! દુર્જનોથી દૂર રહેજે, એનો સાથસંગાથ ન કરતો. એવાના સાથ-સંગાથથી જીવન ભયમાં આવી પડે છે કારણ કે આવા દુર્જનો સમજી વિચારીને કાર્ય કરતા નથી. હે વત્સ! કરુણામય ઈશ્વરના આદેશ પ્રમાણે તું સદૈવ ધર્મમાર્ગે ચાલતો રહેજે. 

હે વત્સ! જેમની દયાથી આ સંસારમાં તમે રહો છો, જેમની દયા અને કૃપાથી તમને માતપિતા, ભાઈબહેન સાંપડ્યાં છે એ કરુણામય ઈશ્વરની ભક્તિપૂર્ણ હૃદયે પ્રાર્થના કરજે. પોતાની ઇચ્છાઓ એમને સોંપીને, એમની જ ઇચ્છાથી માતપિતાના આદેશનું પાલન કરજે અને સન્માર્ગે વળજે. સત્યને પકડી રાખનાર જ ધર્મભાવનાવાળો બને છે. આવા માનવનું ક્યારેય અમંગલ થતું નથી. એવા માનવો તો આનંદપૂર્વક સૌની સાથે રહે છે. ક્રોધ, લોભ, દ્વેષ, અહંકાર એમનાં દેહમનમાં કશું કરી શકતા નથી. આવા લોકો કેવળ કરુણામય ઈશ્વરની દયાને જ પ્રત્યક્ષ રૂપે જુએ છે, એમનાં ગુણગાન ગાય છે, ભગવાનનાં પ્રિય કાર્ય કરીને સંસારમાં કોઈનુંયે ભલું કરનાર ધન્ય છે.

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.